Featured Books
શ્રેણી
શેયર કરો

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 2

રા’ આવ્યો

મોંસૂઝણું થયું ત્યાં લક્ષ્મદેવ અને લોલાર્ક જાગી ઊઠ્યા. તેમણે ઉતાવળે-ઉતાવળે પ્રાત:કાર્ય આટોપી લીધું. ઊપડવાની તૈયારી કરતા હતા, એટલામાં કોઈક આ બાજુ આવતું લાગ્યું. સોનેરી-રૂપેરી ઘૂઘરીનો અવાજ આવી રહ્યો હતો. કોઈ રાજવંશી છે કે શું – કુતૂહલમાં બહાર દ્રષ્ટિ ફેંકે છે ત્યાં એમને શિવાલયની પાસે જ એક સાંઢણીને ઝોકારતી જોઈ. સાંઢણી ઉપરથી એક પ્રચંડકાય પુરુષ નીચે ઊતર્યો. વૃદ્ધ છતાં તે અણનમ હતો અને એની કાયામાં હજી શક્તિ ને સ્ફૂર્તિ હતી. તે નીચે ઊતરીને અણનમ ઊભો રહ્યો. ચારે તરફ એણે એક નજર ફેરવી: ‘આંહીં તો કોઈ આવ્યું લાગતું નથી, રાણંગ! કાં તો આપણો સંદેશો જ નહિ મળ્યો હોય! પેલા બે, છે પણ એ તો કોક પરદેશી જેવા લાગે છે!’

ડોસો આગળ આવ્યો. એની પ્રચંડ કાયામાં એની કરડી આંખ અજબ જેવી આકર્ષક હતી. એનો ચહેરો ભરાવદાર ને શેહ પમાડે તેવો હતો. એની સામે નજર માંડવા માટે પણ હિંમત ભેગી કરવી પડે એટલી કરડાઈ એમાં હતી. સામાન્ય રીતભાતમાંથી પણ કોઈને કાંઈ પણ વિસાતમાં ન ગણવાની એની ખુમારી દેખાઈ આવતી હતી, તે ઉપર આવ્યો. તેની પાછળ-પાછળ રાણંગ આવી રહ્યો હતો. ડોસાનો પહેરવેશ જોતાં એ સોરઠનો છે એમ તરત દેખાઈ આવતું હતું. લક્ષ્મદેવને આશ્ચર્ય થયું. સોરઠનો રા’ પોતે આવ્યો છે કે શું? તેને નવાઈ લાગી કે રા’ની સાથે તો પાંચપચાસ માણસ હોય – અને આ તો રા’ એકલો હતો. એટલામાં લોલાર્કે એના કાનમાં કહ્યું: ‘રા’ લાગે છે, પ્રભુ! પણ આમ એકલો આવ્યો હશે?’

એટલામાં રાણંગે ઓટલા ઉપર ગાદી નાખી દીધી હતી. તે પાણીનો લોટો લઇ આવ્યો, પાસે દાતણ મૂક્યું. રા’એ ગાદી ઉપર જગ્યા લીધી. તેણે જરાક કરડી દ્રષ્ટિએ શિવાલયના બંને અતિથીઓ તરફ જોયું. પણ એની નજર ત્યાં ચોંટી ગઈ. એક ચહેરામાં રહેલી અદભુત વીરશ્રીએ એને એક પળભર ત્યાં થોભાવી દીધો. એને લાટના કોઈ રાજપુરુષનો વહેમ આવ્યો.

‘ક્યાંના – લાટના છો?’ તેણે સહજ પ્રશ્ન કરતો હોય તેમ પૂછ્યું.

‘કોણ હું? ના-ના હું તો માલવાનો છું!’ લક્ષ્મદેવે કહ્યું.

‘ત્યારે તો પરમાર?’

‘હા.’

‘આંહીં સુધી કે જાવું છે આગળ?’

‘જાઉં છું સોમનાથ જાત્રા કરવા. વચ્ચે આંહીં રાતવાસો કર્યો હતો. આવ્યા, પણ મોડાં પડ્યા ને નગરીના દરવાજા વહેલાં બંધ થયા લાગે છે!’

‘દરવાજા તો વહેલા જ બંધ થાય નાં! હવે રિયું કોણ? તમારું નામ?’

‘જગદેવ પરમાર!’

‘જગદેવ પરમાર?’ રા’ને આશ્ચર્ય થયું. આ નામની ખ્યાતિ તો એણે સાંભળેલી હતી. અત્યારે જે કારણે એને બોલાવવામાં આવ્યો હતો, એ જ કદાચ આ પણ આવ્યો હોય તો નવાઈ નહિ. જગદેવ પરમાર વિષે તો ભાટચારણોએ એની પાસે પ્રશસ્તિ કરી હતી. એ જ આ પરમાર હોય તો ના નહિ. એણે સોમનાથનું કહ્યું એ તો અમસ્તું જ હોય.

‘આ તમારી સાથે છે... ભાઈ...’

‘તેઓ અમારા પંડિત મિત્ર છે – રુદ્રદેવ પંડિત. તેઓ પણ સોમનાથ આવે છે.’

‘એમ? ત્યારે તો આંહીં આવ્યા હશો ભા!...’ રા’ એ હસીને વાત ઉડાવી દીધી. ‘બોડી બામણીના ખેતર જેવું તે આનું નામ, રાણંગ! રા’ એ કટાક્ષ કર્યો.

એનો કટાક્ષ લક્ષ્મદેવે સાંભળ્યો ન સાંભળ્યો કર્યો. એને વાતોએ ચડવાનો અત્યારે વખત પણ ન હતો. ડોસો એને અનુભવીનો સાગર જણાયો. એવા સાથે અથડાતાં ક્યાંક કાચું કપાઈ જાય એ ભયે એ શાંત રહ્યો.

પણ એ ભય એને બહુ વાર સેવવો પડ્યો નહિ. પણ બે પળ થઇ, ત્યાં કોઈ એક માણસ નગર તરફથી આ બાજુ શ્વાસભેર દોડતો આવતો નજરે ચડ્યો. રા’ને આશ્ચર્ય થયું. એટલી વારમાં તો પેલો માણસ પાસે આવી ચડ્યો. રા’ને પોતાને આંહીં જોઇને એ ક્ષોભ પામી ગયો હોય તેમ લાગ્યું. બોલવું કે ન બોલવું એવી દ્વિધામાં તો પડી ગયો જણાયો. રા’એ બોલ્યા વિના જ પોતાની આંખ એના તરફ ફેરવી; પેલો હજી કાંઈ બોલ્યો નહિ.

‘આને શું છે, રાણંગ? કેમ ઊભો છે બાબરે ભરખ્યા જેવો? પૂછ ને?’

‘શું છે, અલ્યા? કેમ દોડતો અઆવ્યો છે? કોણે, કુમાર ખેંગારજીએ મોકલ્યો છે? ક્યાં છે કુમાર પોતે?’ રાણંગે કહ્યું.

‘તારું નામ તો ખર્પરક કે નહિ, અલ્યા? કોને ખેંગારે મોકલ્યો છે? શું કહેવું છે? રા’ એ પૂછ્યું. આંહીંની પરિસ્થિતિ લાભદાયક હોય, મદનપાલ કાંઈક બુદ્ધિ બતાવે તેમ હોય. આંતરદેશનો નરવર્મદેવ આવે તેમ હોય. લાટ સળવળવાની શક્યતા હોય, તો ઘા ભેગો ઘસરકો કરી નાખવા માટે રા’ આવતો હતો. એ હેતુથી ખેંગાર તો ક્યારનો પાટણમાં હતો, પણ હજી કાંઈ તક નથી, એ સમાચાર મળતાં રા’એ સૈન્ય ભાલમાં રોકી લીધું. ને પોતે એકલો જ આગળ આવ્યો. ચંદ્રચૂડ સૈન્ય સાથે રહ્યો. એને ખપ પડે બોલાવી લેવો એવી વેતરણ રા’ની હતી. ચંદ્રચૂડનો આંહીં ત્યારે ગજ વાગે – બર્બરક અંગે એવો સંભવ હતો, એટલે પહેલાં તો માત્ર માપ કાઢવા રા’ આવ્યો હતો. પણ આંહીંના છેલ્લા સમાચાર એને આ નિર્જન મંદિરમાં ખેંગાર આપી જાય, પછી એ ઉપરથી કેમ વર્તવું તે રા’ જાણે એવી સંતલસ હતી; ત્યાં અહીં તો ખેંગાર જ હતો નહિ ને આ ખર્પરક આવ્યો હતો!

‘પ્રભુ! કુમાર ખેંગાર... ખેંગાર... ખેંગારજીએ તો મને મોકલ્યો છે...’

‘હવે એ તો જાણ્યું તને મોકલ્યો છે તે... પણ છે શું? પોતે ક્યાં છે? કાંઈ કર્યું કે હજી ઢેફાં ભાંગો છો? કેમ છે ઉદેમતી ફોઈબાને?

‘પ્રભુ! પ્રભુ! તમને બોલાવવા માટે જ હું આવ્યો છું.’

‘પણ ખેંગાર આંહીં આવવાનો હતો ને...? એનું શું થયું? એ ક્યાં ગયો?’

‘એ તો ત્યાં છે... મદનપાલજીને ત્યાં, પ્રભુ!...’ ખર્પરકે બે હાથ જોડ્યા ને સાશંક દ્રષ્ટિથી જગદેવ તરફ જોઈ રહ્યો. જગદેવે એની દ્રષ્ટિ ચુકાવી.

‘એ ભાઈ માલવાના છે. આપણા મિત્ર છે. તું તારે  હોય એ બોલી નાખ ને!’

‘પ્રભુ! મદનપાલજીને હણી નાખ્યા છે... જનોઈવઢ કાપી નાખ્યા છે!’

જગદેવની આંખ આશ્ચર્યમાં પહોળી થઇ ગઈ. રા’ને એક જબરદસ્ત આંચકો લાગ્યો હોય તેમ જણાયું.

‘જનોઈવઢ કાપી નાખેલ છે? શું? મદનપાલને? હેં? મદનપાનને હણી નાખ્યો છે એમ તું બોલ્યો નાં? પણ હણનારો કોણ એ તો તેં કહ્યું નહિ! કોણ એવો બે-માથાળો મૂઓ છે? કોની માને રોવાનું મન થયું છે? પણ તે, અલ્યા! ભાંગબાંગ તો નથી ચડાવી ને? ક્યાંક ગાંજામાં ધંતૂરાનાં બી આવ્યા હોય નહિ!’

ખર્પરકે બે હાથ જોડ્યા: ‘ના રે પ્રભુ! હું પોતે જ જોઇને દોડ્યો આવું છું! માણસ તો ત્યાં માતુ નથી – મદનપાલજીની હવેલી પાસે! મહાઅમાત્ય પોતે આવ્યા છે ને!’

‘પણ એને હણ્યો કોને? કોણ એવો રા’ની હારે બકરી બાંધવા નીકળ્યો છે? ખૂની પકડાયો કે પછી રામરામ? કોણ છે ખૂની? અલ્યા, રાણંગ! મારી તલવાર લાવ... ને નાગવેલને પાછી તૈયાર કર. હાલ્ય, તું ભેગો હાલ્ય, ખર્પરક! એવો કોણ પાટણમાં પાક્યો છે – મદનપાલને ધોળે દીએ મારી જાય એવો? કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે કે આ ભોરંગના ભોણમાં હાથ નાખવા આવ્યો છે? મદનપાલને હણ્યો, એમ? મદનપાલને? હાલ્ય, તું મારી ભેગો હાલ્ય. હું જરાક ખૂનીને તો નિહાળી લઉં?’

રા’ ઊભો થઇ ગયો. એના ધ્રૂજતા હાથે લાંબી તલવારનો ટેકો લીધો.

‘પ્રભુ! પણ હણનાર તો પોતે જ છે!’ ખર્પરકે બે હાથ જોડ્યા.

રા’ બે પગથિયાં ઊતર્યો હતો તે થંભી ગયો: ‘પોતે જ છે એટલે? કોણ, ખેંગાર? એણે આ કામો કર્યો? ઓય ઓટીવારનો!’

‘ના-ના, પ્રભુ! મહારાજ જયસિંહદેવ પોતે!’

‘હેં?...’ રા’નો અવાજ ફાટી ગયો હતો, પણ એની આંખમાંથી તો જાણે તણખા ઝરી રહ્યા હતા.

‘શું કે’ છે! જયસિંહદેવ તારો – ગઈ કાલનો છોકરો મદનપાલને મારી ગયો, એમ? ઉદેમતી શું કરતી હતી? ને રાજમાતા મીનલદેવી... મીનલદેવી ક્યાં હતી? શું કરવા જયસિંહદેવે મદનપાલને હણ્યો?’ રા’ની વાણી વેગભરી ને તીખી થઇ ગઈ.

‘પ્રભુ! લીલો વૈદ મરી ગયો!’

‘અરે, લીલો મરે ને લીલાનો બાપેય મરે, એમાં અમારે શું? એ તો ક્યારનું સાંભળ્યું હતું કે લીલો મરી ગયો. મરે! એમાં શું? કાંઈ કોઈ અમરપટો લખવી આવ્યું છે? – પણ એમાં  મદનપાલને શું?’

‘કહે છે, મદનપાલજીએ એની પાસેથી દ્રમ્મ કઢાવ્યા હતા – બત્રીસ સહસ્ત્ર, એ આઘાતમાં ને આઘાતમાં તેરમે દિવસે વૈદ્યરાજ મૃત્યુ પામ્યા. મહારાજે એ સાંભળ્યું. આજે જ રાતે એમનો ગજરાજ શ્રીકલશ મદનપાલજીની હવેલીએ આવ્યો. પોતે ઉપર બેઠાં હતા. મદનપાલજીને બહાર બોલાવ્યા.’

‘અને મારી નાખ્યા એમ કહેવું છે નાં? અલ્યા... નાગવેલને તૈયાર કર ને, રાણંગ! કેમ સાંભળતો નથી? તેણે તીવ્ર અવાજે કહ્યું, ‘તું પણ અલ્યા! ભેગો હાલ્ય... મોઢા આગળ થા. આ સોલંકીના છોકરાને રાજ ખોવાનું મન થયું લાગે છે! હાલો... ઉપાડો..’ પણ ખર્પરક હાથ જોડીને એક બાજુ ઉપર ઊભો રહી ગયો હતો: ‘પ્રભુ, હું હાલ્યો આવું છું... મારે એમ છતું...’

‘હા, હા, તું હાલ્યો આવ.’

બીજી પળે રા’ની સાંઢણી પાટણના કોટ તરફ જવા માટે ઊપડી ગઈ. થોડી વારમાં પંડિત લોલાર્ક અને જગદેવે નિશ્ચય કરી લીધો. પંડિત ઘોડા સાચવવા રહ્યો. જગદેવ રા’ની પાછળ પાટણ તરફ જવા નીકળ્યો.