પ્રારંભ - 97 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 97

પ્રારંભ પ્રકરણ 97

"આ આઠ સિદ્ધિઓ કઈ કઈ છે એ તમે વિસ્તારપૂર્વક મને સમજાવી શકશો ?" કેતને પૂછ્યું.

" જુઓ અણીમા એટલે તમે ઈચ્છો ત્યારે અણુ જેટલા નાના થઈ શકો. મહિમા એટલે તમે વિશાળકાય થઈ શકો. ગરિમા એટલે તમારે જેટલું પણ તમારા શરીરને ભારે કરવું હોય એટલું કરી શકો. લઘિમા એટલે તમે તમારા શરીરને એટલું બધું હલકું કરી શકો કે ઉડવાની ઈચ્છા હોય તો ઉડી પણ શકો. પ્રાપ્તિ એટલે તમે અદ્રશ્ય થઈને વિશ્વના કોઈપણ ખૂણામાં જઈ શકો છો. જો કે આ સિદ્ધિ તમારી પાસે છે પરંતુ એમાં અદ્રશ્ય થઈને કોઈપણ જગ્યાએ જવા માટે તમારે ચાલવું પડે છે. કોઈ તમને સ્પર્શ પણ કરી શકે છે. જ્યારે પ્રાપ્તિમાં તમે જ્યાં ઈચ્છો ત્યાં એક ક્ષણમાં જઈ શકો અને કોઈ પણ વ્યક્તિ તમને જોઈ ના શકે, સ્પર્શી પણ ના શકે." હસમુખભાઈ કેતનને સિદ્ધિઓ સમજાવી રહ્યા હતા.

" પ્રાકામ્ય નામની સિદ્ધિ તો તમારી પાસે છે જ. તમે કોઈપણ વ્યક્તિના મનના વિચારો જાણી શકો છો. ઈશિત્વ સિદ્ધિથી તમને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. કોઈના પણ ઉપર તમે અધિકાર પ્રાપ્ત કરી શકો છો. જ્યારે વશિત્વથી કોઈપણ વ્યક્તિ કે પ્રાણીને તમે વશ કરી શકો છો. આ તમામ સિદ્ધિઓ તમને મળી ગઈ છે. ઉપયોગ કરવો કે ન કરવો એ તમારા પોતાના હાથની વાત છે." હસમુખભાઈએ પોતાની વાત પૂરી કરી.

" વડીલ... સાવ સાચું કહું તો મને આમાંની એક પણ સિદ્ધિમાં કોઈ રસ નથી. મારે અણુ જેટલા નાના પણ થવું નથી કે હનુમાનજીની જેમ શરીરને વિશાળ પણ બનાવવું નથી. નથી મારે મારા શરીરને ભારે કરવું. શરીરને હલકું કરીને ઉડવાની પણ મારી કોઈ ઈચ્છા નથી. હા, લોકોને હેરાન કરતા ગુંડા જેવા બદમાશોને વશ કરવા માટે છેલ્લી સિદ્ધિનો ક્યારેક ઉપયોગ કરી શકાય. " કેતન બોલ્યો.

"એ તો હવે તમને જે યોગ્ય લાગે તે. પરંતુ અષ્ટસિદ્ધિ એ બહુ મોટું વરદાન છે. ઉપયોગ કરવો ન કરવો એ તમારી ઈચ્છાની વાત છે." હસમુખભાઈ બોલ્યા.

એ પછી હસમુખભાઈએ કેતનના બિઝનેસ વિશે પૂછ્યું. કેતને એમને હોસ્પિટલની ઝીણામાં ઝીણી માહિતી આપી અને હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રના સતત જાપની વ્યવસ્થા કરી છે એ પણ જણાવ્યું.

"તમારો આ કન્સેપ્ટ મને ખૂબ ગમ્યો. આજ સુધી હોસ્પિટલમાં મંત્ર શાસ્ત્રના ઉપયોગ વિશે કોઈએ વિચાર્યું નથી. મહામૃત્યુંજય મંત્ર આરોગ્ય માટે અદભુત મંત્ર છે." હસમુખભાઈ બોલ્યા.

" તમે જો હરિદ્વારમાં શાંતિકુંજમાં ગયા હો તો ત્યાં હિમાલયનો અનુભવ કરાવતું એક ધ્યાન કેન્દ્ર પણ છે. આવું જ એક ધ્યાન કેન્દ્ર મેં હોસ્પિટલની સામે બનાવ્યું છે. જ્યાં બેઠા પછી તમને એમ જ લાગે કે હિમાલયમાં બેસીને જ તમે ધ્યાન કરી રહ્યા છો. તમે એકવાર મુંબઈ આવો અને મારા ધ્યાન કેન્દ્રનો અનુભવ કરો. સિનિયર સિટીઝન માટે એક વાનપ્રસ્થાશ્રમ પણ મેં બનાવ્યો છે. " કેતન બોલ્યો.

" શાંતિકુંજ તો હું ગયો નથી પરંતુ તમારા ધ્યાન કેન્દ્રનો અનુભવ હું ચોક્કસ કરીશ. " હસમુખભાઈ બોલ્યા.

" તમે ચોક્કસ આવો. મને આનંદ થશે." કેતન બોલ્યો.

" તમે જુનાગઢ થોડાક વહેલા આવ્યા છો. બાકી શિવરાત્રીના દિવસે જો તમે આવ્યા હોત તો એ દિવસની મસ્તી જ અહીં જુદી હોય છે. ગિરનારની તળેટીમાં કેટલીક એવી ગુપ્ત જગ્યાઓ છે જ્યાં હું તમને લઈ જાત. એ ગુપ્ત જગ્યાઓના દરવાજા માત્ર શિવરાત્રીના દિવસે જ ખુલે છે ! ગિરનારની નીચે ગુફાઓમાં રહેતા કેટલાક સિદ્ધ નાગા બાવાઓ પણ એ દિવસે જ બહાર આવીને દર્શન આપે છે. " હસમુખભાઈ બોલી રહ્યા હતા.

" શિવરાત્રીનો દિવસ શિવની લીલાનો દિવસ છે. એ દિવસે આખો ગિરનાર જાગૃત થઈ જાય છે. કાપાલિકો અને તાંત્રિકો રાત્રે સાધના કરે છે. એ દિવસે રાત્રે તળેટીમાં ગુપ્ત જગ્યાઓમાં ઘણું બધું થાય છે જેનું વર્ણન હું તમને કરી શકું તેમ નથી. શિવ અને શક્તિનું મિલન થાય છે ! આપણો આ ગિરનાર હિમાલય કરતાં પણ જૂનો છે. ગિરનાર ઉપર ૮૪ સિદ્ધોનાં બેસણાં છે. પુરાણોમાં ગિરનાર પર્વત રૈવંતક પર્વત તરીકે ઓળખાય છે. " હસમુખભાઈ બોલ્યા.

" ઈશ્વરની ઈચ્છા હશે તો ક્યારેક શિવરાત્રી ઉપર પણ આવવાનું થશે. " કેતન બોલ્યો.

એ પછી સાંજે ૭ વાગે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે દિવ્યાબેન બંનેને જમવા માટે બોલાવવા આવ્યાં.

જમવામાં ભાખરી, કોબી બટાકાનું શાક. સાથે મોટો વાડકો ભરીને ગાયનું દૂધ અને છેલ્લે ખીચડી પણ હતી. કેતનને જમવાની ખરેખર મજા આવી.

"તમારા દીકરાઓ દેખાતા નથી." જમ્યા પછી કેતન બોલ્યો.

"બંને દીકરા અલગ રહે છે. મારો ત્રણ માળનો બંગલો છે. ઉપર નીચે અલગ રહી શકે છે પણ બંનેએ પોતપોતાનો ફ્લેટ લઈ લીધો. મેં તમને જામનગરમાં એટલા માટે જ કહેલું કે સંતાનો સુખ આપે છે એ માત્ર ભ્રમણા જ છે. હકીકતમાં આપણા પ્રારબ્ધ પ્રમાણે જ સંતાન સુખ મળે છે. " હસમુખભાઈ બોલ્યા.

જમ્યા પછી હસમુખભાઈ કેતનને હોટલ ઉપર મૂકી ગયા.

" સવારે વહેલા પાંચ વાગ્યે હું અહીં આવી જઈશ. તમે તૈયાર રહેજો " હસમુખભાઈ જતાં જતાં બોલ્યા.

એ પછી કેતને મુંબઈ પોતાના ઘરે ફોન કર્યો અને જાનકી, મમ્મી, પપ્પા અને સિદ્ધાર્થ સાથે પણ વાત કરી લીધી. થોડોક સમય ટીવી ચાલુ કરી સમાચાર સાંભળ્યા અને પછી સૂઈ ગયો.

સવારે વહેલા ઉઠવા માટે કેતનને એલાર્મ મૂકવું પડતું ન હતું. રોજ સવારે સાડા ચાર વાગે એની આંખ ખુલી જ જતી. પરંતુ સવારે પાંચ વાગ્યે નીકળી જવાનું હતું એટલે એણે સાડા ત્રણ વાગ્યાનું એલાર્મ મૂકી દીધું.

સવારે સાડા ત્રણ વાગે ઊઠીને હાથ મ્હોં ધોઈ એ ધ્યાનમાં બેસી ગયો. એક જ મિનિટમાં એ છેક આલ્ફા લેવલ સુધી પહોંચી ગયો અને આજે જૂનાગઢની દિવ્ય ભૂમિમાં અદભુત ધ્યાન એને લાગી ગયું. અડધો કલાક ધ્યાન કર્યા પછી એણે ગાયત્રીની માળાઓ પૂરી કરી અને પછી ન્હાવા ધોવાનો પોતાનો નિત્યક્રમ પતાવ્યો ત્યાં સુધીમાં પાંચ વાગી ગયા. બહાર ઠંડી હતી એટલે એણે સ્વેટર પણ પહેરી લીધું.

બરાબર પાંચ વાગે એના રૂમ ઉપર ટકોરા પડ્યા. હસમુખભાઈ સમયના એકદમ પાક્કા હતા. કેતન તો તૈયાર જ હતો. એ તરત જ રૂમ બંધ કરીને નીચે કાઉન્ટર ઉપર ગયો. ત્યાં ચાવી આપીને હસમુખભાઈ સાથે બહાર નીકળ્યો.

"આપણે સૌથી પહેલાં ચા પી લઈશું" હસમુખભાઈ ગાડીમાં બેઠા પછી બોલ્યા. સવાર સવારમાં ચાની વાત કેતનને ગમી.

" મહારાજ આદુ નાખેલી સ્પેશ્યલ ચા બનાવી દો. " એક રેકડી પાસે ગાડી ઊભી રાખીને હસમુખભાઈ બોલ્યા.

"આ રેકડી સવારે ચાર વાગે ચાલુ થઈ જાય છે. એ સમયે આખા જૂનાગઢમાં તમને બીજે ક્યાંય ચા ના મળે. ગાયના દૂધની ચા બને છે. ચા પીશો એટલે તમને ખબર પડી જશે." હસમુખભાઈ બોલ્યા.

આદુના રસથી ધમધમતી તીખી ચા ખરેખર સરસ હતી. જાણે કાઢો પીધો હોય એમ આખા શરીરમાં ગરમાવો આવી ગયો.

" હવે આપણે ભવનાથથી આગળ લાલ ઢોરી સુધી ગાડીમાં જઈશું. અને ત્યાંથી ચાલવાનું શરૂ કરીશું. સૌ પહેલાં ઝીણા બાવાની મઢી આવશે. ત્યાંથી આપણે સરખડિયા તરફ આગળ વધી સેસાવનના જંગલમાં જઈશું. રસ્તો ફરી ફરીને જાય છે. જંગલ છે એટલે રસ્તામાં ઘણા બધા વેલા અને ઝરણાં આવશે. ચઢાણ પણ આવશે અને ઢોળાવ પણ આવશે. ઠંડા પહોરે ચાલવાની મજા આવશે." હસમુખભાઈ બોલ્યા.

લાલ ઢોરી આવી ગયા પછી ત્યાં ગાડી પાર્ક કરી દીધી અને બંનેએ ગિરનાર તરફ ચાલવાનું શરૂ કર્યું. શરૂઆતમાં થોડુંક ચાલ્યા પછી ઝીણા બાવાની મઢી પણ આવી ગઈ. અહીં શિવલિંગ હતું ત્યાં દર્શન કરી દશેક મિનિટ બેસી ફરી ચાલવાનું શરૂ કર્યું. એક કલાક સુધી સતત ચાલ્યા કર્યું ત્યાં એક ઝરણું આવ્યું. એના કિનારે ફરી પાછો ૧૫ મિનિટ વિશ્રામ કર્યો. થાક ખાઈને ફરી ચાલવા માંડ્યું.

"હવે ખરું જંગલ ચાલુ થાય છે. અહીંયાં ઘણી ગુપ્ત ગુફાઓ પણ છે જે આપણને દેખાતી નથી. આ જે ઊંચા ઊંચા પથ્થરો દેખાય છે એની પાછળ તમે જાઓ તો ગુફા દેખાશે. અમુક ગુફાઓ તો એવી છે ત્યાં દરવાજો દેખાય જ નહીં પરંતુ જો અંદર બેઠેલા મહાત્મા ઈચ્છે તો અચાનક પથ્થર ખસી જાય અને દરવાજો ખુલી જાય. કોઈ કોઈ ગુફા એવી હોય કે એની આગળ કોઈ હિંસક પ્રાણી બેઠેલું તમને જોવા મળે જેથી તમે ત્યાં જાઓ જ નહીં. પરંતુ એ જનાવર પણ માયાવી હોય. " હસમુખભાઈ ચાલતા ચાલતા કેતન સાથે વાતો કરી રહ્યા હતા.

વેલાઓ અને ઝાડી ઝાંખરાંની વચ્ચે માર્ગ કાપતા કાપતા બંને જણા ચાલતા રહ્યા. સેસાવનનું જંગલ પણ ચાલુ થઈ ગયું. સતત અડધો કલાક ચાલ્યા પછી બે મોટા પથ્થરો વચ્ચે દૂર એક ગુફા દેખાઈ.

"બસ પેલી જે દેખાય છે તે જ ગુફા. એ ગુફામાં ગિરનારી બાપુ રહેતા હતા. ત્રણ વર્ષ સુધી મેં એમની સેવા કરી. રોજ સવારે હું અહીં આવી જતો અને આખો દિવસ રોકાતો. પેલું સામે જે ઝરણું દેખાય છે ત્યાંથી પાણી ભરી લાવતો અને એમને મારા હાથે સ્નાન કરાવતો. એ વખત મારી ઉંમર ૨૮ ૨૯ વર્ષની હશે. અહીં મેં ચૂલો બનાવેલો. બજારમાંથી તાવડી બે તપેલી વગેરે લઈ આવેલો. દાળ ચોખા બાજરીનો લોટ વગેરે મેં અહીં જ રાખેલું. જેથી ક્યારેક ક્યારેક હું અહીં જ રસોઈ બનાવી દેતો. ક્યારેક ઘરેથી લઈ આવતો. " હસમુખભાઈ બોલતા હતા.

"બાપુએ મારા ઉપર ખૂબ જ કૃપા કરી. ઘણી બધી વનસ્પતિઓની ઓળખાણ કરાવી. પારામાંથી સોનુ બનાવતાં શીખવાડ્યું. સંજીવની વનસ્પતિ પણ બતાવી. એમણે મને કેટલીક સિદ્ધિઓ પણ આપી. એમાં દુરદર્શનની સિદ્ધિ પણ છે. તમે બેટ દ્વારકા ગયા ત્યારે તમારા ઉપર મેં ફોકસ કરેલું. તમે એક રૂમમાં ગયા હતા અને ત્યાં સમાધિમાં બેઠેલા સંન્યાસી મહાત્માની સેવા કરી એ બધું જ હું ધ્યાનમાં જોઈ શકતો હતો. " હસમુખભાઈ હસીને બોલ્યા.

બંને જણા ગુફા પાસે પહોંચી ગયા અને ગુફામાં પ્રવેશ કર્યો.

"આ ગિરનારી બાપુની ધૂણી. અત્યારે તો માત્ર રાખ છે પણ એ સમયે ૨૪ કલાક ધૂણી ધખતી હતી. બાપુની ચેતના અહીં આજે પણ જીવંત છે." કહીને હસમુખભાઈએ ઘુંટણીએ બેસી નીચે માથું ટેકવી ધૂણીને પ્રણામ કર્યા. કેતને પણ એ જ પ્રમાણે કર્યું.

"આપણે સવારે ૫:૩૦ વાગે ચાલવાનું શરૂ કર્યું હતું. અત્યારે સવારના ૯ વાગવા આવ્યા. હવે આપણે અહીં થોડો સમય ધ્યાનમાં બેસીએ અને પછી નીકળી જઈએ. જો તમે થાકી ગયા હો તો ધ્યાન કર્યા પછી અડધો કલાક આરામ કરીશું." હસમુખભાઈ બોલ્યા.

"ના.. ના.. આરામ કરવો પડે એવો થાક નથી લાગ્યો. હોટલ ઉપર પહોંચીને પછી આરામ જ કરવાનો છે." કેતન બોલ્યો.

"તમારે જો જુદી જુદી વનસ્પતિઓ વિશે જાણવું હોય તો હું તમને સેસાવન ના જંગલમાં લઈ જાઉં. " હસમુખભાઈ બોલ્યા.

"ના વડીલ તમે મને તૈયાર ભોજન જ આપી દીધું છે. પછી મારે દાળ ચોખાને લોટ વિશે જાણવાની કોઈ જ જરૂર નથી." કેતન હસીને બોલ્યો.

એ પછી બંને જણા ધૂણીની સામે જગ્યા સાફ કરીને ધ્યાનમાં બેસી ગયા.

કેતનને બે જ મિનિટમાં ઊંડું ધ્યાન લાગી ગયું અને એના આશ્ચર્ય વચ્ચે લાંબી જટા અને લાંબી દાઢીવાળા ગિરનારી બાપુ એના ધ્યાનમાં આવ્યા. શરીર ઉપર ભભૂતિ લગાવેલી હતી અને ઘણી બધી રુદ્રાક્ષની માળાઓ પહેરી હતી.

"અલખ નિરંજન બચ્ચા. યહાં વો હી આતા હૈ જીસકો મેં આનેકી અનુમતિ દેતા હું. તુમ ખુદ અબ સિદ્ધ હો ગયે હો. તુમ્હારે ગુરુજીકી તુમ્હારે ઉપર બડી કૃપા હૈ. તુમ માનવ સેવાકે પથ પર ચલ રહે હો વો બહોત અચ્છા કર રહે હો. તુમ્હારે પાસ તો અષ્ટ સિદ્ધિ ભી આ ગઈ હૈ ફિર ભી તુમકો અગર કુછ માંગના હૈ તો માંગ સકતે હો. " બાપુ બોલ્યા.

"ભગવાન કા દિયા મેરે પાસ સબ કુછ હૈ. ઔર આપને કહા કી મેરે પાસ અષ્ટ સિદ્ધિ ભી આ ગઈ હૈ તો ઔર ક્યા માંગુ ? આપકે આશીર્વાદકે સિવા મુઝે કુછ નહી ચાહિયે." કેતન નમ્રતાથી બોલ્યો.

" તુમ્હારી યે બાત મુઝે બહોત અચ્છી લગી. શાયદ ઈસી લિયે ઈતની સિદ્ધિ તુમકો સામને સે મિલ ગઈ હૈ. તુમ મેરે યહાં આયે હો તો મૈં તુમકો ખાલી હાથ નહીં જાને દુંગા બચ્ચા. કુછ પ્રસાદ તો મિલેગા હી. " ગિરનારી બાપુ બોલ્યા અને સૂક્ષ્મ સ્વરૂપે એમણે કેતનના માથા ઉપર હાથ મૂક્યો.

"અબ તુમ હવામેં સે કોઈ ભી ચીઝ પૈદા કર સકતે હો. લેકિન યે સારી ચીઝેં તુમ દિનમેં હી પ્રાપ્ત કર સકતે હો જબ આકાશ મેં સૂર્ય હો. રાત કો નહીં પ્રાપ્ત કર સકતે. તુમ મેરે દરબાર મેં આયે હો. તુમકો જો ખાને કા મન હો વો ચીઝકી કલ્પના કરકે ઉસે મનકી આંખો સે બાર બાર દેખો ઓર સોચો કી યે ખાના મેરે સામને આ રહા હૈ. કુછ હી ક્ષણોંમેં વો ભોજન તુમ્હારે સામને આ જાયેગા." કહીને ગિરનારી બાપુ અદ્રશ્ય થઈ ગયા.

કેતન ધ્યાનમાંથી બહાર આવ્યો અને સૌ પ્રથમ બાપુની જગ્યા ઉપર ચઢાવવા માટે પાંચ ગુલાબના ફૂલોની એણે કલ્પના કરી અને મનમાં વિચાર્યું કે બાપુને અર્પણ કરવા માટે પાંચ ગુલાબનાં ફૂલ મને પ્રાપ્ત થાઓ. એ પછી કેતને પોતાની બે હથેળીઓ ખુલ્લી કરી દીધી જેથી એમાં ગુલાબનાં ફૂલો પ્રગટ થાય. એક જ મિનિટમાં તાજાં ગુલાબનાં પાંચ મોટાં ફુલ એના ખોબામાં આવી ગયાં.

કેતને ઊભા થઈને ધૂણીની સામે રાખેલા બાપુના આસન ઉપર ગુલાબનાં ફૂલો અર્પણ કર્યાં. અને મનોમન બાપુને ફરી પ્રણામ કરી એમનો આભાર માન્યો. કેતનના શરીર ઉપર કોઈએ પાણીના છાંટા નાખ્યા હોય એવો એને અનુભવ થયો.

એ પછી બાપુના પ્રસાદ તરીકે એણે જલેબી ભરેલી કાગળની ડીશની કલ્પના કરી અને સતત જલેબીના વિચારો કર્યા. ત્યાં એના હાથમાં મઘમઘતી ચોખ્ખા ઘીની જલેબી ભરેલી ડીશ આવી ગઈ.

હસમુખભાઈ હજુ ધ્યાનમાં જ બેઠેલા હતા એટલે કેતને જલેબીની ડીશ નીચે મૂકી.

દસેક મિનિટ પછી હસમુખભાઈ ધ્યાનમાંથી બહાર આવ્યા તો એમણે એમની સામે જલેબીની ડીશ જોઈ અને બાપુની જગ્યાએ ગુલાબનાં ફૂલો પણ જોયાં.

હસમુખભાઈ કેતન સામે જોઈને હસ્યા.

" તો તમારી ઉપર પણ બાપુની કૃપા થઈ લાગે છે કેતનભાઇ" હસમુખભાઈ બોલ્યા.

"સિદ્ધ મહાત્માઓ કદી ખાલી હાથે જવા દેતા નથી. એમણે આપેલું જ મેં એમને અર્પણ કર્યું છે આ ગુલાબનાં ફૂલો પણ એમણે જ મોકલ્યાં અને મેં એમને અર્પણ કર્યાં. આ પ્રસાદ પણ આપણા માટે એમણે જ મોકલ્યો." કેતન હસીને બોલ્યો.

"તમને બાપુએ જે વરદાન આપ્યું છે તે અમૂલ્ય છે. જો કે એનો તમારે બહુ ઉપયોગ કરવાનો નહીં આવે. પણ ઈમરજન્સીમાં એનો તમારા પોતાના માટે ઉપયોગ કરી શકશો. જેમકે બેટ દ્વારકામાં તમે સમાધિમાંથી બહાર આવ્યા ત્યારે ભૂખ હોવા છતાં તમારી પાસે કંઈ જ ખાવાનું ન હતું. આવા સમયે આ વરદાનનો ઉપયોગ કરી મન ભાવતું ભોજન તમે જમી શકો " હસમુખભાઈ બોલ્યા.

"એનો મતલબ કે મને કયું વરદાન મળેલું છે એની તમને ખબર પડી ગઈ છે ! " કેતન બોલ્યો.

"આ સામે પડેલાં ફૂલો અને આ જલેબીની ડીશ મને ઘણું બધું કહી દે છે. આ જગતમાં જે પણ તમને દેખાય છે એ બધું સૂર્યમાંથી જ પ્રગટ થયેલું છે. આ પૃથ્વી આખી સૂર્યમાંથી છૂટી પડી છે. સૂર્યના કારણે જ બીજમાંથી વનસ્પતિ અને વૃક્ષો પેદા થાય છે. અનાજ પાકે છે. ફળ ફૂલ પેદા થાય છે. વીર્યના એક ટીંપામાંથી બાળકનો જન્મ થાય છે. " હસમુખભાઈ કેતનને સમજાવી રહ્યા હતા.

"સૂર્ય વગર જીવન જ શક્ય જ નથી. પ્રાણવાયુ સૂર્યએ પેદા કરેલો છે અને એમાં રહેલું પ્રાણ તત્ત્વ આપણને જીવન આપે છે. તમને મળેલું વરદાન એ સૂર્યનું વરદાન છે. તેથી સૂર્યનાં કિરણોમાંથી તમારી કલ્પના પ્રમાણે કોઈ પણ વસ્તુ પ્રગટ કરી શકો છો. હકીકતમાં અણુ પરમાણુના વિઘટન અને પુનઃ ઘટનની આ પ્રક્રિયા છે. ચાલો હવે પ્રસાદ જમી લઈએ ." હસમુખભાઈ બોલ્યા.

અને બંનેએ ગરમાગરમ જલેબીનો રસાસ્વાદ માણ્યો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)