પ્રારંભ - 95 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 95

પ્રારંભ પ્રકરણ 95

આરામ હોટલમાં કેતનને મળવા માટે જૂનાગઢના હસમુખભાઈ ઠાકર આવ્યા હતા. હસમુખભાઈ ઠાકર પાસે ગિરનારના જંગલોની દિવ્ય વનસ્પતિમાંથી બનાવેલા બે રસ હતા. એક રસ જેનું નામ અમૃત રસ હતું એના દ્વારા પારામાંથી સોનું બની જતું હતું જ્યારે બીજો સંજીવની રસ મૃત્યુ પામેલી વ્યક્તિને પણ સજીવન કરી શકતો હતો.

આ બંને અમૂલ્ય રસ હસમુખભાઈ કેતનને આપવા માગતા હતા. કેતનની લાયકાત જોઈને જ એમણે કેતનની પસંદગી કરી હતી. પરંતુ કેતન નિઃસ્પૃહી હતો. એને સોનું બનાવવામાં કોઈ જ રસ ન હતો.

"કેતનભાઇ આ અમૃત રસ માત્ર પારામાંથી સોનુ બનાવે છે એવું નથી. આ રસના ગુણધર્મો ઘણા બધા છે. મેં એનું નામ અમૃત રસ પાડયું છે એની પાછળ ચોક્કસ કારણો છે. આ રસનું માત્ર એક ટીંપુ એનીમિયા દૂર કરે છે અને લોહીમાં હેમોગ્લોબીન વધારી દે છે. આ રસ લોહીમાં જતી સુગરને કંટ્રોલ કરે છે. આ રસનું માત્ર એક ટીપુ આખા શરીરમાં તમામ કોષોને નવું ચૈતન્ય આપે છે અને વૃદ્ધાવસ્થાને દૂર રાખે છે. મંદબુદ્ધિના બાળકનું મગજ માત્ર એક ટીંપાથી મેધાવી બને છે. " હસમુખભાઈ બોલતા હતા.

" મેં પોતે એનો અનુભવ કર્યો છે. આજે ૬૫ વર્ષે પણ મારા વાળ એકદમ કાળા છે. આટલી ઉંમરે મારામાં જે તરવરાટ છે એ માત્ર એક ટીંપાને આભારી છે. હું આજે પણ ૧૦ ૧૫ કિલોમીટર આરામથી ચાલી શકું છું. ગિરનારની ટોચ સુધી વગર થાકે પહોંચી શકું છું. મને નખમાં પણ કોઈ રોગ નથી. " હસમુખભાઈ બોલ્યા.

" શું વાત કરો છો ? તો તો તમારો આ રસ ચોક્કસ ચમત્કારિક કહી શકાય અંકલ. " કેતન બોલ્યો.

" ચમત્કારિક છે જ. એટલા માટે તો હું એ કોઈ યોગ્ય વ્યક્તિને આપવા માગું છું. તમારી પોતાની અંદર ઘણી બધી સિદ્ધિઓ છે અને તમે માણસને જીવનદાન આપી શકો છો એ પણ મેં ગઈકાલે સાંભળ્યું. એ સિવાય પણ બીજી સિદ્ધિઓ છે એની પણ મને ખબર છે. કારણ કે મારી પોતાની પણ એક સાધના છે. ગિરનારી બાપુના આશીર્વાદથી હું પણ તમારી જેમ સૂક્ષ્મ જગતના અનુભવો કરી શકું છું. ઈચ્છું ત્યારે પ્રેતાત્માઓને જોઈ શકું છું. " હસમુખભાઈ બોલ્યા.

હવે કેતનને લાગ્યું કે હસમુખભાઈને ઓળખવામાં પોતે ભૂલ કરી છે. એ પણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ સિદ્ધિઓ ધરાવતા એક શક્તિશાળી વ્યક્તિ છે.

" તમને મળીને ખરેખર મને ખૂબ જ આનંદ થયો છે. તમે મને આ બંને રસ સાચવવા માટે યોગ્ય ગણ્યો છે તો હું ચોક્કસ એનો સ્વીકાર કરીશ. હું અત્યારે તો બેટ દ્વારકા જઈ રહ્યો છું પરંતુ ત્યાંથી વળતી વખતે જૂનાગઢ ચોક્કસ આવીશ. " કેતન બોલ્યો.

" મને ચોક્કસ આનંદ થશે. તમને હું ગિરનારની તળેટીમાં મારા ગિરનારી બાપુની ગુફામાં પણ લઈ જઈશ. એ પણ એક સિદ્ધ પુરુષ હતા. તમે બેટ દ્વારકામાં જેમને મળવા માટે જઈ રહ્યા છો એ પણ એક સિદ્ધપુરુષ છે. તમે ખાલી હાથે નહીં આવો. " હસમુખભાઈ હસીને બોલ્યા.

હસમુખભાઈની વાત સાંભળીને કેતન ચમકી ગયો. પોતે બેટ દ્વારકામાં સિદ્ધ મહાત્માને મળવા જાય છે એ પણ આ હસમુખભાઈ પોતાની શક્તિઓથી જાણી શક્યા છે. હસમુખભાઈની આ મુલાકાત પણ કદાચ મારા ગુરુજીની ઈચ્છાથી જ થઈ છે !

"મારી બેટ દ્વારકાની યાત્રા વિશે પણ તમે આટલું બધું જાણો છો તો મારે પણ કબુલ કરવું જ પડશે કે તમારી પાસે પણ ઘણી બધી શક્તિઓ છે અંકલ. મને હવે જુનાગઢ આવવાનું ચોક્કસ ગમશે અને બેટ દ્વારકાથી આવીને સીધો જ હું જુનાગઢ આવીશ." કેતન બોલ્યો.

" મોસ્ટ વેલકમ. તમારા મોબાઈલ નંબર ઉપર હું મારું એડ્રેસ મોકલી આપું છું. માંગનાથ રોડ ઉપર મારો ત્રણ માળનો બંગલો છે. ત્યાં આવીને કોઈને પણ પૂછશો તો પણ બતાવી દેશે. જુનાગઢ ઉતરીને મને ફોન કરી દેશે તો હું ગાડી મોકલી દઈશ." હસમુખભાઈ બોલ્યા અને એ ઊભા થઈ ગયા.

"ભલે વડીલ તમને મળીને ખરેખર મને ખૂબ જ આનંદ થયો છે. જલ્દીથી આપણે જુનાગઢ મળીએ છીએ." કેતન બોલ્યો. એ સાથે જ હસમુખભાઈ રૂમની બહાર નીકળી ગયા.

હસમુખભાઈને જતા જોયા એટલે નીચે રિસેપ્શન પાસે બેઠેલો જયેશ તરત જ ઉપર રૂમમાં આવી ગયો.

" હું તને ફોન જ કરવાનો હતો. " કેતન બોલ્યો.

" હું નીચે જ બેઠો હતો અને પેપર વાંચતો હતો. " જયેશ બોલ્યો.

" હવે મારી વાત સાંભળ. હું અત્યારે ટેક્સી કરીને બેટ દ્વારકા જાઉં છું અને જે કામ માટે જાઉં છું ત્યાં મારે એકલાએ જ જવાનું છે. ગણતરી તો આવતીકાલે સાંજ સુધીમાં પાછા આવી જવાની છે. આ હોટલમાં તું રહી શકે છે. તારે દ્વારકા દર્શન કરવાની ઈચ્છા હોય તો હું તને દ્વારકા ઉતારી દઉં." કેતન બોલ્યો.

" હું તો અહીંયા હોટલમાં જ રહીશ. જામનગર તો મારું પોતાનું વતન જ છે એટલે મને અહીંયા ટાઈમ પસાર કરવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ તમે ટેક્સી શું કામ કરો છો ? તમને હું ગાડીની વ્યવસ્થા કરી આપું. અથવા તો મનોજભાઈને પણ આપણે કહી શકીએ છીએ. સંબંધો શું કામના ?" જયેશ બોલ્યો.

" મને માગવું નથી ગમતું. ખુમારીથી જીવ્યો છું એટલે. " કેતન બોલ્યો.

" અરે પણ હું વાત કરું ને ! હું પણ એમનો જૂનો પડોશી જ છું. તમારા પ્રત્યે તો એમને ઘણો આદર ભાવ પણ છે. ઉપરથી એમને આનંદ થશે. ગાડી હશે તો તમને અનુકૂળતા રહેશે. વળતી વખતે પછી ત્યાંથી ટેક્સી નહીં મળે." જયેશ બોલ્યો.

કેતનને જયેશની વાત સાચી લાગી. કારણ કે જતાં તો જતા રહેવાય પણ વળતી વખતે પ્રોબ્લેમ થાય.

" ઠીક છે તું વાત કરી લે અને તું જ રીક્ષામાં જઈને ગાડી લઇ આવ. " કેતન બોલ્યો.

"મનોજભાઈ હું જયેશ બોલું છું. તમને જો વાંધો ના હોય તો કેતનભાઇને બે ત્રણ દિવસ માટે ગાડીની જરૂર છે. અહીંથી એમને બેટ દ્વારકા જવું છે. ત્યાં બે દિવસ રોકાઈને પાછા આવવું છે. જો તમને તકલીફ પડે એવું ના હોય તો હું ગાડી લેવા માટે આવું. એમને કહેતાં સંકોચ થાય છે એટલે મારે વાત કરવી પડે છે." જયેશ બોલ્યો.

" અરે ભલા માણસ એમાં સંકોચ શું રાખવાનો ? એમના મારા ઉપર કેટલા મોટા ઉપકાર છે એ તો તમે જાણો જ છો. તમે લઈ જાઓ. ત્રણના ચાર દિવસ થાય તોય મને કોઈ ચિંતા નથી. ગાડી આમ પણ હું બહુ વાપરતો નથી." મનોજભાઈ બોલ્યા.

અને જયેશ પટેલ કોલોની જઈને લગભગ પોણા કલાકમાં ગાડી લઈને પાછો પણ આવી ગયો. જેવી ગાડી આવી કે તરત જ ૧૦ વાગે કેતન હોટલથી નીકળી ગયો અને રસ્તામાં જામનગરમાં જ ફૂલ પેટ્રોલ ભરાવી દીધું.

એ પછી એ એક જાણીતી દુકાનમાં ગયો. જામનગર રહેલો હતો એટલે એને પીતાંબર તથા ભગવાં વસ્ત્રો વગેરે ક્યાં મળે છે એની ખબર હતી. એણે એક ભગવા રંગની ધોતી લીધી અને શરીર ઉપર ઓઢી શકાય એવું એક ભગવું વસ્ત્ર પણ લઈ લીધું.

એ પછી એણે દ્વારકા તરફ જતો રસ્તો પકડી લીધો. રસ્તામાં દ્વારકામાં હાઇવે ઉપર જ ગોવર્ધન ગ્રીન રિસોર્ટના ડાઇનિંગ હોલમાં એણે જમી લીધું અને પછી સીધો બપોરના સાડા બાર વાગે ઓખા બેટ દ્વારકાની જેટી પાસે પહોંચી ગયો. ગાડી પાર્કિંગમાં શાંતિથી એક બાજુ પાર્ક કરી દીધી.

જેટી પાસેથી એક પછી એક બોટ ભરાતી હતી. કેતન પણ લાઈનમાં ઊભા રહી એક બોટમાં ચડી ગયો અને ૧૫ મિનિટમાં બેટ દ્વારકા પણ પહોંચી ગયો.

રસ્તામાંથી એણે થોડાં ફ્રુટ લઈ લીધાં અને કોઈને પૂછીને હનુમાનગઢીના રસ્તે ચાલવા લાગ્યો. સંન્યાસી મહારાજ ક્યાં ઉતર્યા છે એનો એને કોઈ જ આઈડિયા ન હતો. એને વિશ્વાસ હતો કે ચેતન સ્વામી એને માર્ગદર્શન આપશે જ.

લગભગ દોઢ કિલોમીટર ચાલ્યા પછી થોડાંક છૂટાં છવાયાં મકાન દેખાયાં. એણે રસ્તામાં બે મિનિટ માટે ઊભા રહી થોડુંક ધ્યાન ધરી લીધું. એને સંકેત મળી ગયો કે આ મકાનોમાં સન્યાસી મહાત્મા નથી. એ હજુ પણ આગળ ચાલ્યો. બીજો અડધો કિલોમીટર ચાલ્યા પછી ફરી પાછી એક વસ્તી એને દેખાઈ અને એને અંદરથી લાગ્યું કે અહીંયા જ કોઈક મકાનમાં મહાત્મા ઊતરેલા છે.

કેતન એ મકાનો તરફ ચાલવા લાગ્યો. થોડીક દૂર ગયા પછી એક વ્યક્તિ એને સામો મળ્યો.

" અરે ભાઈ આ વસ્તીમાં કોઈ સાધુ મહારાજ અહીંયા ઉતરેલા છે ખરા ?" કેતને પૂછ્યું.

"હા પેલા જમણી બાજુના છેલ્લા મકાનમાં ભિખારી જેવો કોઈ લઘરવઘર સાધુ રોકાયેલો છે." પેલો માણસ બોલ્યો અને ચાલવા લાગ્યો.

હાશ ! છેવટે સિદ્ધ સન્યાસી મહાત્મા નો પત્તો લાગી ગયો.

કેતન એ મકાન પાસે ગયો. દરવાજો આડો કરેલો હતો. ધક્કો મારતાં જ ખુલી ગયો. નાનકડો રૂમ હતો. રૂમમાં એક ચોકડી હતી અને ત્યાં નળ હતો. પાણી જવા માટે બહાર ખાળ કૂવો હતો. પાછળની દીવાલે ઉંચે એક નાની બારી હતી જેમાંથી હવા આવતી હતી. એક બાજુ સન્યાસીનો એક જૂનો બગલથેલો પડ્યો હતો. જેમાં એક ફાટેલો ધાબળો હતો, એક લોટો અને એક નાની પિત્તળની થાળી હતી.

રૂમમાં ભયંકર દુર્ગંધ આવતી હતી. સમાધિ અવસ્થામાં બેઠેલા વયોવૃદ્ધ સન્યાસીને ઝાડા પેશાબનું કોઈ ભાન ન હતું.

સૌથી પહેલાં તો રૂમમાં પડેલું એક મોટું કપડું લઈ કેતને બધી ગંદકી સાફ કરી દીધી. કપડાને વારંવાર નળ નીચે ધોઈને સંન્યાસી મહાત્માના શરીરની આજુબાજુ બે થી ત્રણ વાર પોતું કર્યું. સન્યાસીને બરાબર ચોળીને સ્નાન કરાવવાની કેતનની ઈચ્છા હતી પરંતુ ત્યાં કોઈ સાબુ ના હતો.

કેતને બહાર જઈને જોયું તો દૂર એક નાનકડી દુકાન હતી જ્યાં આવી જરૂરી ચીજ વસ્તુઓ મળતી હતી. કેતન ત્યાં જઈને ન્હાવાનો સાબુ લઈ આવ્યો અને સન્યાસી મહાત્માને આખા શરીરે સાબુથી સ્નાન કરાવ્યું.

સ્નાન તો કરાવી દીધું પરંતુ શરીર લૂછવા માટે કોઈ ટુવાલ ન હતો. પોતાનો જે ટુવાલ હતો એ તો સવારે નાહ્યા પછી હોટલના રૂમમાં જ સુકવવા માટે લટકાવી દીધો હતો.

કેતને ટ્રાવેલ બેગમાંથી પોતાનું એક ઈસ્ત્રી કરેલું ટીશર્ટ બહાર કાઢ્યું અને એનાથી સન્યાસી મહાત્માનું શરીર લૂછી નાખ્યું. એ પછી ટીશર્ટ નળ નીચે ધોઈને સૂકવી દીધું.

સ્વામીજી હજુ પણ અચેતન અવસ્થામાં જ હતા. કેતને એમને બે હાથે સહેજ ઊંચા કરીને ગમે તેમ કરી નવું ભગવું ધોતિયું વીંટાળી દીધું અને શરીર ઉપર ભગવું વસ્ત્ર ઓઢાડી દીધું. આ બધું કરવામાં દોઢ કલાક જેટલો સમય નીકળી ગયો. બપોરના અઢી વાગી ગયા હતા.

મહાત્મા તો સમાધિ અવસ્થામાં જ હતા. ક્યારે સમાધિમાંથી બહાર આવશે એની કેતનને કોઈ જ કલ્પના ન હતી. હવે અહીં સમય પસાર કેવી રીતે કરવો ? બેસવા માટે પણ કોઈ ખુરશી ન હતી. કપડાથી જમીન સાફ કરીને કેતન જમીન ઉપર જ સૂઈ ગયો. આ પણ એક પ્રકારનું તપ જ હતું. ઠંડા વાતાવરણને કારણે એને ઊંઘ આવી ગઈ.

એ જાગ્યો ત્યારે સાડા ચાર વાગી ગયા હતા. સ્વામીજી તો હજુ સમાધિમાં જ હતા એટલે કેતન બહાર નીકળ્યો અને ચાલતો ચાલતો છેક દ્વારકાધીશના મંદિર સુધી પહોંચી ગયો. ત્યાં એક નાની હોટલમાં એણે ચા પી લીધી. એ પછી એ મંદિરમાં જઈને ભાવથી ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરી આવ્યો.

હવે સાંજનું જમવાનું શું કરવું ? અહીં આજની રાત તો રોકાવું જ પડશે. એણે રસ્તામાંથી બ્રેડનું એક પેકેટ લઈ લીધું. અમુલનું બટર પણ લઈ લીધું. કમ સે કમ બ્રેડ બટર ખાવાથી પણ ભૂખનું શમન થશે અને રાત નીકળી જશે. એ પછી મનમાં એક વિચાર આવ્યો એટલે દૂધની એક થેલી પણ લઈ લીધી અને પાણીની મોટી બોટલ પણ લીધી.

ફરી પાછો ચાલતો ચાલતો એ રૂમ ઉપર આવી ગયો. મહાત્મા તો હજુ પણ પોતાની મસ્ત અવસ્થામાં જ હતા. સાંજના ૬:૩૦ વાગી ગયા હતા. શિયાળામાં રાત જલ્દી પડતી હતી. કેતને લાઈટ કરી. એ તો સારું હતું કે અહીં લાઈટનો એક બલ્બ ચાલુ હતો.

રાતનો ટાઈમ થયો એટલે અહીં મચ્છરો દેખાયા. દરિયા કિનારાની બેટ ઉપરની આ સુમસામ જગ્યા હતી એટલે મચ્છરો ઘણા હતા. હવે રાત્રે કેવી રીતે સૂઈ શકાશે ?

એ પછી કેતને બ્રેડનું પેકેટ ખોલ્યું અને બે બ્રેડ વચ્ચે માખણ લગાવી લગાવીને એણે જમવાનું ચાલુ કર્યું. વચ્ચે વચ્ચે પાણીની બોટલમાંથી પાણીનો ઘૂંટડો ભરતો હતો. આ પણ એક જિંદગી હતી. બ્રેડ બટરથી સાંજનો ટંક તો ટળી ગયો.

દૂધની થેલી એ સ્વામીજી માટે લાવ્યો હતો પરંતુ સ્વામીજી તો હજુ પણ સમાધિમાં જ હતા. અને સવાર સુધીમાં દૂધ બગડી જાય એટલે એણે થેલી તોડીને સૂતાં પહેલા દૂધ પી લીધું.

રાત્રે ૯ વાગે સૂવાની કેતનને કોઈ જ ટેવ ન હતી પરંતુ અહીંયા કોઈ પ્રવૃત્તિ ન હતી. સમય પણ પસાર થતો ન હતો એટલે એ ૯ વાગ્યે સૂઈ ગયો અને મચ્છરો કરડતા હતા છતાં ઊંઘ આવે એના માટે ચેતન સ્વામીને દિલથી પ્રાર્થના કરી. થોડીવારમાં જ એને ઊંઘ આવી ગઈ. સવારે વહેલા ઊઠવાની ટેવ હોવાથી ૪:૩૦ વાગ્યે એની આંખ ખુલી ગઈ. નળ પાસે જઈ મ્હોં ધોઈ એ મહાત્માજીની સામે જ ધ્યાનમાં બેસી ગયો.

આલ્ફામાંથી થીટામાં અને થીટામાંથી ડેલ્ટામાં ! દરિયા કિનારાની આ જગ્યાએ એને અદભુત ધ્યાન લાગી ગયું.

એના આશ્ચર્ય વચ્ચે એના ધ્યાનમાં સમાધિમાં બેઠેલા આ જ સંત મહાત્મા આવીને ઊભા રહ્યા.

"તારા પરમ ગુરુ અભેદાનંદજી મારા પણ ગુરુ છે. એમની જ કૃપાથી મેં સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી છે. તારી પરીક્ષા લેવા માટે ગુરુજીએ તને મારી પાસે મોકલ્યો છે. તેં મારી જે સેવા કરી છે એ જોઈને હું પ્રસન્ન થયો છું. હું સમાધિ અવસ્થામાંથી બહાર આવી ગયો છું. તું આંખો ખોલ. " મહાત્મા બોલ્યા.

કેતને એકદમ જ ધ્યાનમાંથી બહાર આવીને આંખો ખોલી દીધી તો મહાત્મા એની સાથે વાતો કરી રહ્યા હતા. પોતે જેમની સાથે ધ્યાનમાં વાતો કરતો હતો એ તો હકીકતમાં અહીં એની સામે બેઠા બેઠા જ વાતો કરતા હતા !

" સ્વામીજી હું તો તમારી સાથે ધ્યાન અવસ્થામાં મનની ભૂમિકા ઉપર વાણીના તરંગોથી સૂક્ષ્મ રીતે વાતો કરતો હતો જ્યારે તમે તો પ્રત્યક્ષ મારી સામે જોઈને જ બોલતા હતા. એ કેવી રીતે શક્ય બને ? " કેતને પૂછ્યું.

" હું અહીં બેઠા બેઠા જ સૂક્ષ્મ સ્વરૂપે તારા ધ્યાનમાં આવ્યો હતો. પરંતુ હું જે વાતચીત કરતો હતો એ તો અહીં બેઠા બેઠા મોટેથી જ બોલતો હતો જે તને સંભળાતી હતી. " મહાત્મા બોલ્યા.

" સ્વામી તમે ગુજરાતી પણ બોલી શકો છો ? " કેતને કુતૂહલથી પૂછ્યું.

" હું કોઈપણ ભાષા બોલી શકું છું. ચેતન સ્વામી પણ કોઈ પણ ભાષા બોલી શકે છે. સિદ્ધિની એક અવસ્થા પ્રાપ્ત કર્યા પછી ભાષાનું બંધન રહેતું નથી અને ભાષા શીખવી પડતી પણ નથી. જેમ ઈશ્વર બધી જ ભાષા સમજે છે એમ સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી લીધા પછી કોઈની પણ ભાષા હું સમજી શકું છું અને એની જ ભાષામાં જવાબ પણ આપી શકું છું." મહાત્મા બોલ્યા.

" હવે તારે અહીં રોકાવાની કોઈ જરૂર નથી. તેં આપેલા વસ્ત્રો મેં ધારણ કરી લીધા છે. તેં આપેલાં ફળફળાદી હું ગ્રહણ કરી લઈશ. જગતમાં આદાન પ્રદાનનો નિયમ કામ કરે છે. તેં મને આપ્યું છે. હું તને કંઈક આપીશ." મહાત્મા બોલ્યા.

અને મહાત્માએ પોતાનો જમણો હાથ કેતનના માથા ઉપર મૂક્યો. કેતનને કરોડરજ્જુમાં વીજળીનો ઝાટકો લાગ્યો હોય એમ એ ધ્રુજી ગયો અને પછી ચારે બાજુ બધું ફરતું લાગ્યું. ધીમે ધીમે એને આખી પૃથ્વી ફરતી લાગી અને પોતે પૃથ્વીથી ઉપર ઊંચે ને ઊંચે હવામાં ઊડી રહ્યો છે એવો અનુભવ થયો. એ સાથે જ પોતાનું ભાન ગુમાવી બેઠો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)