Prarambh - 94 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 94

પ્રારંભ પ્રકરણ 94

કેતન ધરમશીભાઈની દીકરી નીતાની સગાઈ પ્રસંગે જામનગર આવ્યો હતો અને આજે સવારે ૧૦ વાગે સગાઈનું મુહૂર્ત હોવાથી એ જયેશની સાથે ધરમશીભાઈના બંગલે આવ્યો હતો.

જે છોકરા સાથે નીતાની સગાઈ થવાની હતી એ નીરજની બધી જ વાતો એણે આરામ હોટલના રેસ્ટોરન્ટમાં સાંભળી હતી. એટલા માટે એણે સગાઈના મુહૂર્તમાં જ નીરજને ત્રણ થપ્પડ મારી દીધી હતી અને બધા મહેમાનોની વચ્ચે નીરજની ગંદી રમત ખુલ્લી કરી દીધી હતી. એ પછી બધા જ મહેમાનો સગાઈ કર્યા વગર જ રાજકોટ જવા માટે રવાના થઈ ગયા હતા.

એ પછી જયેશે કેતનની સિદ્ધિઓ વિશે ધરમશીભાઈ સાથે વાત કરી જે એમના તમામ મહેમાનો પણ સાંભળતા હતા. એ મહેમાનોમાં હસમુખભાઈ ઠાકર નામની એક વ્યક્તિ પણ હતી જેને કેતનમાં રસ પડ્યો હતો એટલે એમણે કેતનનું વીઝીટીંગ કાર્ડ લીધું હતું અને કહ્યું હતું કે આપણે ટૂંક સમયમાં મળીએ છીએ.

બધી ચર્ચાઓ પતી ગઈ ત્યાં સુધીમાં જમવાનો ટાઈમ પણ થઈ ગયો. ઘરે પ્રસંગ હોવાથી તમામ મહેમાનો માટે જમવાની વ્યવસ્થા ગ્રાન્ડ ચેતના હોટલમાં રાખી હતી. કારણ કે ચાલુ પ્રસંગે ૨૫ ૩૦ માણસોની રસોઈ ઘરમાં કરી શકાય નહીં.

" કેતનભાઇ આપણે બધા હવે ગ્રાન્ડ ચેતના હોટલમાં જઈ રહ્યા છીએ. હું ગાડીની વ્યવસ્થા કરી આપું છું. તમે સીધા હવે ગ્રાન્ડ ચેતના પહોંચી જાઓ. જમીને તમારે મારા ઘરે જ આવવાનું છે. કારણ કે તમે મારા મહેમાન છો. આપણે જે સોસાયટી બનાવી એનો પણ હિસાબ સમજવાનો છે." ધરમશીભાઈએ કેતનને એક બાજુ લઈ જઈને કહ્યું.

" હું આજનો દિવસ અહીં જ છું અને હોટલમાં જ ઠીક છું. તમારા ઘરે પ્રસંગ હતો એટલે મહેમાનો પણ છે. આપણે બધી વાતો હોટલમાં કરીશું. એવું હોય તો તમે રાત્રે મને મળવા માટે આવી જજો. " કેતન બોલ્યો.

"પ્રસંગ વિશે તો હવે હું શું કહું ? શું ધાર્યું હતું અને શું થઈ ગયું ! અને બધા મહેમાનો હવે હોટલમાંથી બારોબાર જ નીકળી જવાના છે. એટલે તમે ઘરે આવશો તો પણ આપણે નિરાંતે વાત કરી શકીશું. " ધરમશીભાઈ બોલ્યા.

" તમારી વાત સાચી છે અંકલ પરંતુ મને હોટલમાં વધારે અનુકૂળ રહેશે. મારી સાથે જયેશ પણ છે. તમને જ્યારે ફાવે ત્યારે ફોન કરીને હોટલ ઉપર આવી જજો. " કેતન બોલ્યો.

" ઠીક છે ચાલો. આમ પણ મારે હોટલનો બધો હિસાબ કરવા માટે આવવાનું જ છે. " ધરમશીભાઈ બોલ્યા.

એ પછી થોડીવારમાં જ ધરમશીભાઈ એ ગાડીની વ્યવસ્થા કરી આપી એટલે કેતન અને જયેશ ગ્રાન્ડ ચેતના હોટેલ પહોંચી ગયા. આજે બપોર માટે ગ્રાન્ડ ચેતના હોટલ ધરમશીભાઈએ તમામ મહેમાનોને જમવા માટે બુક કરાવી દીધી હતી એટલે હોટલ ખાલી જ હતી. કેતને બીજા મહેમાનો આવે ત્યાં સુધી થોડી રાહ જોઈ. બીજી બે ગાડીઓ પણ આવી ગઈ એ પછી કેતન અને જયેશ હોટલમાં પ્રવેશ્યા.

શુભ પ્રસંગનો આ ઓર્ડર હતો એટલે જમવામાં ઘણી બધી વેરાઈટીઝ બનાવી હતી. ધરમશીભાઈએ આખી હોટલ બુક કરાવી હતી અને ૩૦ થાળી નો ઓર્ડર નોંધાવ્યો હતો. પરંતુ માત્ર ઘરના મહેમાનો જ જમ્યા હતા. ૧૪ મહેમાનોના ઓછા હતા છતાં પણ પૂરા પૈસા એમણે ભરવા પડ્યા.

જમ્યા પછી કેતન અને જયેશ રીક્ષા કરીને હોટલ આરામમાં આવી ગયા.

"આજે તો તમારું એક અલગ જ રૂપ જોવા મળ્યું કેતનભાઇ ! ધરમશીભાઈ ના ઘરે તમે પેલાને શું તમાચા માર્યા છે !! હું તો ખરેખર જોઈ જ રહ્યો કે આ કેતનભાઇ છે ? " રૂમ ઉપર જઈને જયેશ બોલ્યો.

"હું ખોટું સહન કરી શકતો નથી. અને આ નીરજે જે ગંદી રમત વિચારી હતી તે એટલી બધી ખરાબ હતી કે જેની હું કલ્પના પણ કરી શકતો નથી. એક કોડભરી કન્યા સાથે આવી રમત કોઈ કઈ રીતે રમી શકે ?" કેતન બોલ્યો.

" તમારી વાત તો સાચી જ છે. આ ત્રણ તમાચા એને જિંદગીભર યાદ રહી જશે. " જયેશ બોલ્યો.

એ પછી બંનેએ આરામ કરવાનું નક્કી કર્યું. ભારે જમણ જમ્યા હતા એટલે ઊંઘ પણ તરત આવી ગઈ. કેતનની આંખ ખુલી ત્યારે સાંજના ચાર વાગ્યા હતા.

બંને મિત્રોએ રૂમમાં જ ચા મંગાવી અને પી લીધી.

લગભગ સાંજે છ વાગે કેતન ઉપર હસમુખભાઈ ઠાકરનો ફોન આવ્યો.

"કેતનભાઇ હું હસમુખ ઠાકર. સવારે આપણે ધરમશીના ત્યાં મળ્યા હતા. " હસમુખભાઈ બોલ્યા.

" જી વડીલ. મને યાદ છે." કેતન બોલ્યો.

" અત્યારે અથવા રાત્રે અનુકૂળતા છે મળવાની ? " હસમુખભાઈ બોલ્યા.

કેતન પોતે આમ તો ફ્રી જ હતો પરંતુ આજે ગમે તે ટાઈમે ધરમશીભાઈના આવવાની શક્યતા હતી. કેતનને એ પણ ખ્યાલ આવી ગયો હતો કે હસમુખભાઈ એક ઠરેલ અને સૌમ્ય વ્યક્તિ હતા. એટલે એ જે પણ વાત કરવા માગતા હોય એ ગંભીર જ હોય અને બની શકે કે આધ્યાત્મિક પણ હોય ! અચાનક ધરમશીભાઈ આવી જાય અને હસમુખભાઈને જોઈ જાય એ યોગ્ય ન હતું.

"અંકલ આજે ધરમશીભાઈ સાથે મારી એક મીટીંગ છે. એ ગમે ત્યારે આવી શકે છે. જો તમને અનુકૂળતા હોય તો સવારે ૮:૩૦ વાગે આપણે મળીએ. આવતી કાલે મારે બેટ દ્વારકા જવાનું છે પરંતુ તમારી સાથે મીટીંગ કર્યા પછી હું નીકળીશ. " કેતન બોલ્યો.

"ભલે તો પછી આજની રાત હું અહીં જામનગરમાં ક્યાંક રોકાઈ જાઉં છું. તમને મળ્યા પછી જ હું જૂનાગઢ જવા નીકળી જઈશ." હસમુખભાઈ બોલ્યા અને એમણે ફોન કટ કર્યો.

સાંજે લગભગ સાડા સાત વાગે ધરમશીભાઈ કેતનની રૂમ ઉપર આવી ગયા.

"કેતનભાઇ બધાની હાજરીમાં તો હું કહી શક્યો નથી. પરંતુ તમારો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. તમે મારી નીતાની જિંદગી બચાવી લીધી છે. તમે પેલા હરામીને થપ્પડો મારી ત્યારે ખરેખર તો મને તમારા ઉપર ગુસ્સો આવ્યો હતો. પરંતુ પછી પેલાને તમે ખુલ્લો કર્યો ત્યારે આખી વાત સમજાઈ !!" ધરમશીભાઈ બોલ્યા.

" અંકલ મેં તો મારી ફરજ બજાવી છે. મેં ધાર્યું હોત તો અહીં નીચે રેસ્ટોરન્ટમાં જ એની ખબર લઈ નાખી હોત પરંતુ મારે જાહેરમાં જ એને ખુલ્લો પાડવો હતો એટલે વેવિશાળ વખતે જ મેં આ બધું કર્યું. ચાલો જે થયું તે સારું થયું. હવે આપણે સ્કીમની વાત કરીએ. હું ગઈકાલનો આવ્યો છું અને ગઈકાલે હું એરપોર્ટ રોડ ઉપર જઈને બંગલોઝ જોઈ આવ્યો છું. કામ ખરેખર ઘણું સરસ થયેલું છે. " કેતન બોલ્યો.

" તમે દિલથી પૈસા ખર્ચ્યા છે એટલે મારાથી જેટલું પણ બની શકે એટલું સારામાં સારું કામ કર્યું છે. ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખ્યું છે. લોકો પણ યાદ કરશે. " ધરમશીભાઈ બોલ્યા.

એ પછી ધરમશીભાઈએ ખર્ચાનો અને નફાનો તમામ હિસાબ કેતનને બતાવી દીધો. બંગલાનું વેચાણ કરીને બેન્ક એકાઉન્ટમાં ચેકોના જે પણ પૈસા જમા થયા હતા એનો હિસાબ પણ બતાવ્યો. જે પણ બે નંબરના પૈસા આવેલા હતા એ પણ ટોટલ બતાવી દીધું.

જમનાદાસ બંગલોઝની સ્કીમમાં ૧૪ કરોડનો પ્રોફિટ થયો હતો. એ તમામ પ્રોફિટમાંથી ૬૦ % કેતનના હતા. સ્કીમ શરૂ કરી ત્યારે કંપનીના નામે જે એકાઉન્ટ ખોલવામાં આવ્યો હતો એનો પ્રોપરાઇટર કેતન જ હતો. એટલે કેતને એકાઉન્ટમાં જમા થયેલા પ્રોફિટમાંથી ૪૦% ની રકમનો ચેક ધરમશીભાઈને લખી આપ્યો.

"હવે બે નંબરનો જે પ્રોફિટ છે એનો હવાલો તમને હું બે ચાર દિવસમાં મુંબઈ મોકલી દઈશ. " ધરમશીભાઈ બોલ્યા.

" કંઈ વાંધો નહીં અંકલ તમે તમારી રીતે મોકલી આપજો." કેતન બોલ્યો.

આ સ્કીમના કારણે ધરમશીભાઈનું તમામ કર્જ પૂરું થઈ ગયું હતું અને ઉપરથી કરોડો રૂપિયા એમના હાથમાં આવી ગયા હતા. એમણે ફરીથી કેતન નો આભાર માન્યો અને રજા લીધી.

બીજા દિવસે સવારે લગભગ સાડા આઠ વાગે આરામ હોટલમાં કેતનના રૂમનો દરવાજો કોઈએ ખટખટાવ્યો.

કેતનને ખ્યાલ હતો જ કે હસમુખભાઈ સમયસર આવી જ જશે અને એમ જ થયું. કેતને દરવાજો ખોલ્યો તો હસમુખભાઈ જ સામે ઊભા હતા.

" પધારો વડીલ હું તમારી જ રાહ જોતો હતો. " કેતન બોલ્યો અને એણે એમને ખુરશી ઉપર બેસવા માટે ઇશારો કર્યો.

હસમુખભાઈએ ખુરશી ઉપર બેઠક લીધી પરંતુ એ રૂમમાં જયેશને પણ જોઈને એ થોડાક ખમચાઈ ગયા. જેના માટે એ આવ્યા હતા એમાં કોઈ બીજાની હાજરી એ ઇચ્છતા ન હતા.

જો કે કેતનને આ વાતની ખબર જ હતી એટલે હસમુખભાઈ આવે એ પહેલાં જ એણે જયેશને કહી જ દીધું હતું કે - 'એક ગેસ્ટ આવવાના છે. એ આવે એટલે તરત તું બહાર જતો રહેજે અને હું ફોન કરું ત્યારે જ આવજે. એકાદ કલાકનો સમય પકડીને ચાલજે. '

એટલે જેવા હસમુખભાઈ ખુરશી ઉપર બેઠા કે તરત જ જયેશ ઝવેરી બહાર નીકળી ગયો.

હસમુખભાઈને પણ થયું કે કેતનભાઇ નું કામ ચોક્કસ છે. માણસ ઘણો સમજદાર છે.

" મેં તમને ગઈકાલે કહ્યું જ હતું મારું નામ હસમુખ ઠાકર. જૂનાગઢમાં રહું છું. ધરમશીભાઈ સાથેના મારા જુના સંબંધો છે એટલે ખાસ હાજરી આપી. ગઈ કાલે તમને મેં જોયા. તમે જે પણ કર્યું એનો પણ હું સાક્ષી છું. તમારી અંદર કેટલીક શક્તિઓ છે એનો મને ખ્યાલ આવી ગયો છે. તમારી ઑરા પાવરફુલ છે એ પણ મેં જોઈ લીધું છે. એટલા માટે જ હું તમને મળવાની લાલચ રોકી શક્યો નથી." હસમુખભાઈ બોલ્યા.

"અરે વડીલ હું તો બહુ નાનો માણસ છું. આટલી બધી પ્રશંસા કરવાની ના હોય. ગઈકાલે મેં મારી ફરજ બજાવી હતી. હું પોતે ગાયત્રી ઉપાસક છું અને મારા મહાન ગુરુજીના મારા ઉપર આશીર્વાદ છે. જેના કારણે લોકોનાં કામ માતાજી પોતે જ કરી દે છે અને હું નિમિત્ત બની જાઉં છું !" કેતન હસીને બોલ્યો.

"પૃથ્વી ઉપર કોઈપણ કામ કરવા માટે ઈશ્વર પોતે નથી આવતો. એ તમારા જેવા સજ્જન વ્યક્તિઓના હૃદયમાં પ્રવેશીને કામ કરતો હોય છે. તમારા હૃદયમાં ગાયત્રીનું સ્થાન છે એટલે સિદ્ધિઓ તમારી આજુબાજુ આંટા મારે છે." હસમુખભાઈ હસીને બોલ્યા.

"એ વાત તમારી સાવ સાચી વડીલ. હું પોતે પણ એ વાતને માનું છું." કેતન બોલ્યો.

"હવે હું મારી વાત ઉપર આવું. તમારે બેટ દ્વારકા જવાનું છે એ મને ખબર છે એટલે તમારો સમય હું નહીં બગાડું. મેં તમને કહ્યું તે પ્રમાણે હું પોતે જૂનાગઢ રહું છું અને કેટલીક અંગત વાતો મારે તમારી સાથે શેર કરવી છે. જો તમે રજા આપો તો." હસમુખભાઈ બોલ્યા.

"અરે અંકલ મારી રજા તમારે લેવાની હોય જ નહીં. તમે આરામથી મારી સાથે વાતચીત કરી શકો છો. પરંતુ આપણે વાતચીત શરૂ કરીએ તે પહેલાં મને તમે એ કહો કે તમે શું લેશો ? આજે થોડી ઠંડી વધારે છે તો ચા મંગાવું ?" કેતન બોલ્યો.

"હા ઠંડીમાં ચા જ ઠીક રહેશે. " હસમુખભાઈએ સંમતિ આપી.

અને કેતને ઇન્ટરકોમમાં વાત કરીને બે ચા નો ઓર્ડર આપ્યો. એ પછી વડીલે પોતાની વાત ચાલુ કરી.

"આખી જિંદગી ગિરનારની તળેટીમાં કાઢી છે. જૂનાગઢ વતન છે એટલે ગુરુ દત્તાત્રેયના આશીર્વાદ તો છે જ. ગિરનાર પર્વત એ કોઈ પથ્થરોનો પર્વત નથી. એ શિવજીની દિવ્ય મૂર્તિ છે. કાપાલિકોની ભૂમિ છે. તાંત્રિકોની પણ ભૂમિ છે. " હસમુખભાઈ પોતાની વાત કરી રહ્યા હતા.

"નાનપણથી જ મને ગિરનાર પર્વતનું આકર્ષણ હતું. યુવાનીમાં હું ગિરનાર પર્વતનાં જંગલોમાં અને ગુફાઓમાં બહુ જ રખડ્યો છું. નાગા બાવાઓને મળ્યો છું. સાધુઓ સાથે સત્સંગ કર્યો છે. અને મને કેટલાંક મોતી પણ મળ્યાં છે. " હસમુખભાઈ બોલી રહ્યા હતા.

" યુવાનીમાં ૩ વર્ષ સુધી એક ગુફામાં ધૂણી ધખાવીને બેઠેલા સિદ્ધ ગિરનારી બાપુની મેં સેવા કરી છે. એમને ગુફામાં જ રસોઈ કરીને જમાડ્યા છે તો ક્યારેક ઘરેથી જમવાનું લઈ ગયો છું. એમની ગંદકી સાફ કરી છે. એમને સ્નાન કરાવ્યાં છે. એ ગિરનારી બાપુને વનસ્પતિઓનું અદભુત જ્ઞાન હતું ! "

"મારી આ સેવા જોઈને એ ખૂબ જ પ્રસન્ન થયા હતા અને ગિરનારનાં જંગલમાં ફરી ફરીને એમણે મને કેટલીક વનસ્પતિઓનો પરિચય કરાવ્યો હતો. અમુક વનસ્પતિઓ તો એવી છે જેને મ્હોં માં મૂકવાથી તરત મૃત્યુ થઈ જાય. અને કેટલીક વનસ્પતિ એવી છે કે જેના રસથી મરેલો માણસ જીવતો થઈ જાય! હવે મારે જે કહેવું છે તે વાત આવે છે." હસમુખભાઈ બોલતા હતા.

"આ ગિરનારી બાપુ પાસેથી મને અમુક દિવ્ય વનસ્પતિઓ મળી છે. એ બધી વનસ્પતિઓને ભેગી કરી મેં એનો રસ કાઢ્યો છે. અને એ રસ વર્ષોથી હું સાચવી રહ્યો છું. બાપુએ મને કહ્યું હતું કે આ વનસ્પતિઓ ભેગી કરી એનો રસ કાઢી જો પારા ઉપર રેડવામાં આવે તો પારામાંથી સોનું બની જાય છે ! અને આ અનુભવ મેં કરી લીધો છે. ૧૦ ગ્રામ પારા ઉપર માત્ર બે ટીપાં રસ નાખવાથી એ પારો સોનાનો ટૂકડો બની ગયો છે. જે આજે પણ મેં સાચવીને રાખ્યો છે. મેં એ રસનું નામ અમૃત રસ પાડયું છે. આ નામ પાડવા પાછળનું કારણ હું પછીથી કહીશ." હસમુખભાઈ કેતનને વનસ્પતિનાં રહસ્યો બતાવી રહ્યા હતા.

" એમણે બીજી જે વનસ્પતિ આપી છે તે લક્ષ્મણા નામની વનસ્પતિ છે. આ વનસ્પતિ આમ તો હિમાલયમાં થાય છે પરંતુ ગિરનારમાં પણ આ વનસ્પતિ છે જેની કોઈને ખબર નથી. લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થયા ત્યારે હનુમાનજી જે વનસ્પતિ લઈ આવ્યા હતા તે જ આ સંજીવની વનસ્પતિ ! આ વનસ્પતિના રસનું એક જ ટીપુ કોઈપણ મૃત્યુ પામેલા વ્યક્તિના મોઢામાં નાખવામાં આવે તો એ સજીવન થઈ જાય. એટલા માટે જ એને સંજીવની વનસ્પતિ પણ કહેવામાં આવે છે. એનો પણ રસ કાઢીને મેં આખી બોટલ ભરી લીધી છે. " હસમુખભાઈ બોલ્યા.

"મારી આ અમાનતને સંભાળી શકે એવી કોઈ વ્યક્તિ મને મળી નથી. મારા બે દીકરાઓ છે પરંતુ એમને આધ્યાત્મિકતા સાથે ન્હાવા નીચોવાનો પણ સંબંધ નથી. કેતનભાઇ માણસને ઘણીવાર સંતાન સુખ તો મળે છે પરંતુ એને ખબર નથી હોતી કે એના ત્યાં જે સંતાનોએ જન્મ લીધો છે એ પૂર્વ જન્મના અલગ અલગ સંસ્કારો વાળા બે જુદા જુદા આત્માઓ જ હોય છે !! આપણા પોતાના સંસ્કારો એમનામાં ઉતરે છે પરંતુ પાછલા જન્મોના સંસ્કાર નાબૂદ થતા નથી. એટલા માટે જ ક્યારેક બાપ બેટાને બનતું નથી. આ દુનિયા આખી માયાવી છે. સંતાનો તમને સુખ આપે છે એ માત્ર ભ્રમણા છે. હકીકતમાં તમારાં પોતાનાં જ કર્મો તમને સંતાનસુખ આપે છે." હસમુખભાઈ બોલતાં બોલતાં જીવનની ફિલોસોફી પર ઉતરી ગયા.

"એટલે મારા કહેવાનો મતલબ એક જ છે કે તમે જૂનાગઢ આવો. તમને હું એ સંન્યાસીની ગુફાનાં દર્શન કરાવું. એ ગિરનારી બાપુની ચેતના આજે પણ એ ગુફામાં છે ! મારી આ બે અમાનત પણ હું તમને ભેટ આપવા માગું છું. તમે જ એનો સમાજ અર્થે ઉપયોગ કરી શકશો." હસમુખભાઈએ પોતાની વાત પૂરી કરી.

"અંકલ તમારી લાગણી હું સમજી શકું છું. તમારા વિચારો પણ મને ગમ્યા. આ બંને વનસ્પતિના દિવ્ય અને અમૂલ્ય રસ આપવા માટે મને યોગ્ય ગણ્યો એ બદલ તમારો આભારી છું. પરંતુ સાચી વાત એ છે કે પારામાંથી સોનું બનાવવાની મને પોતાને કોઈ જરૂર નથી. કારણ કે હું પોતે જ અબજોપતિ છું. હા તમારો સંજીવની રસ કદાચ મારા કામમાં આવી શકે કારણ કે મારી પોતાની મુંબઈમાં હોસ્પિટલ છે." કેતન બોલ્યો.

"આ જ તો તમારી મહાનતા છે કેતનભાઇ. પારામાંથી સોનું બનાવવાની આ કળા શીખવા માટે દુનિયા આખી પાગલ છે. જ્યારે હું આ તૈયાર કળા તમને આપવા માગું છું ત્યારે તમે સોનાની માયાથી જ પર છો !! " હસમુખભાઈ હસીને બોલ્યા.

કેતનને ત્યારે ક્યાં ખબર હતી કે આ બંને રસ કેટલા બધા અમૂલ્ય છે !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED