પ્રારંભ - 93 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 93

પ્રારંભ પ્રકરણ 93

કેતન જયેશને લઈને ગઈ કાલનો જામનગર આવેલો હતો. જામનગરમાં રહેતા બિલ્ડર ધરમશીભાઈની એકની એક દીકરી નીતાની સગાઈ કેનેડાથી આવેલા રાજકોટના એક યુવાન સાથે આજે સવારે ૧૦ વાગે કરવાની હતી. કેતન અને જયેશ જામનગરની બેડી રોડ ઉપર આવેલી આરામ હોટલમાં ઉતર્યા હતા.

સવારે વહેલા ઊઠીને ધ્યાન વગેરે પતાવીને સાડા સાત વાગ્યા પછી કેતન જયેશને ઉઠાડ્યા વગર નીચે આવેલા રેસ્ટોરન્ટમાં ચા પીવા માટે ગયો હતો. એ જ હોટલમાં રાજકોટથી સગાઈ માટે આવેલા મહેમાનો પણ ઉતર્યા હતા અને અત્યારે ચા પીવા માટે એ લોકો પણ રેસ્ટોરન્ટમાં આવ્યા હતા.

કેતનની બાજુના ટેબલ ઉપર જ મુરતિયો અને તેના બે મિત્રો પણ ચા પીવા માટે બેઠા હતા. પરંતુ ચા પીતાં પીતાં એ લોકોએ જે ચર્ચા કરી એ સાંભળીને કેતનને ખૂબ જ ગુસ્સો આવ્યો.

મુરતિયો ૨૦ દિવસ માટે રાજકોટ રોકાવાનો હતો અને સગાઈ કરીને નીતાને રાજકોટ લઈ જઈ લગ્ન પહેલાં જ એન્જોય કરવાનો હતો ! નીતા સાથે લગ્ન કરવાનો એનો કોઈ જ ઈરાદો ન હતો ! કારણ કે એ કેનેડામાં કોઈ સ્વીટી નામની છોકરીના પ્રેમમાં હતો ! મિત્રો આગળ પોતાની ગંદી ચાલ એણે રજુ કરી જે કેતને સાંભળી લીધી.

કેતન એ મુરતિયા સામે જોઈ બે મિનિટ માટે ધ્યાનમાં ઊંડો ઉતરી ગયો અને એનો આખો ભૂતકાળ જોઈ લીધો. એ છોકરો ડ્રગ્સનું સેવન પણ કરતો હતો અને એનું ચારિત્ર્ય ખૂબ જ ખરાબ હતું. કેતને મનોમન કંઈક નિર્ણય લઈ લીધો.

ચા પીને કેતન પોતાના રૂમમાં ગયો. જયેશ ત્યારે ઉઠી ગયો હતો અને એ હમણાં જ બ્રશ કરીને બહાર આવ્યો હતો.

" અરે સવાર સવારમાં ક્યાં ગયા હતા કેતનભાઇ ? " જયેશ બોલ્યો.

" ચા પીવા. રોજ સવારે સાડા ચાર વાગે ઉઠી જ જાઉં છું. ૭ વાગી જાય એટલે ચાની તલપ લાગે. તું સૂતો હતો એટલે મેં તને સૂવા દીધો. " કેતન બોલ્યો.

" તમારે બીજી વાર ચા પીવાની ઈચ્છા છે ? હું તો અહીં જ મંગાવી દઉં છું. " જયેશ બોલ્યો.

" હા વાંધો નહીં. ચા દેવીને કદી ના પાડવાની જ નહીં. " કેતન હસીને બોલ્યો.

જયેશે ઇન્ટરકોમ માં વાત કરી બે ચાનો ઓર્ડર આપ્યો.

" આજે તો ધરમશીભાઈ ના ત્યાં ૧૦ વાગે સગાઈ છે ને ? તમારે ૯:૩૦ વાગ્યા સુધીમાં નીકળી જવું પડશે." જયેશ બોલ્યો.

" હા તારે પણ સગાઈમાં આજે મારી સાથે આવવાનું છે. " કેતન હસીને બોલ્યો.

" ના ભાઈ ના. તમે એકલા જઈ આવો. મારે એમની સાથે એવા કોઈ અંગત સંબંધો નથી કે સગાઈમાં હાજરી આપવી પડે." જયેશ બોલ્યો.

" હું કહું એટલે તારે આવવાનું. તું પણ તૈયાર થઈ જજે. " કેતન બોલ્યો એટલે પછી જયેશ બીજું કંઈ બોલી શક્યો નહીં.

બરાબર ૯ અને ૨૫ મિનિટે કેતન અને જયેશ હોટલ પાસેથી રિક્ષામાં બેઠા અને ૧૦ વાગ્યા પહેલાં વ્રજભૂમિ બંગ્લોઝમાં ધરમશીભાઈના ઘરે પહોંચી ગયા.

ધરમશીભાઈએ કેતનનું પ્રેમથી સ્વાગત કર્યું. મુંબઈથી સ્પેશિયલ સગાઈ માટે કેતન આવ્યો એના માટે આભાર પણ માન્યો. બેડરૂમમાં નીતા તૈયાર થઈને બેઠી હતી. બેડરૂમમાં જઈને કેતન એને મળી આવ્યો અને શુભેચ્છાઓ પાઠવી.

એ પછી કેતન ડ્રોઈંગ રૂમમાં જમીન ઉપર પાથરેલી શેતરંજીમાં તકિયાને અઢેલીને બેસી ગયો. જયેશ પણ એની બાજુમાં જ બેઠો.

ધરમશીભાઈના બંગલામાં સોફા વગેરે ફર્નિચર થોડું આઘુપાછું કરીને ડ્રોઈંગ રૂમની જગ્યા મોટી કરી દીધી હતી જેથી બધા જ મહેમાનો ત્યાં બેસી શકે. ડ્રોઈંગ રૂમમાં વેવાઈ પક્ષ માટે જાજમ અને પોતાના મહેમાનો માટે શેતરંજીઓ પાથરી દીધી હતી. દિવાલ તરફ તકિયા પણ ગોઠવી દીધા હતા. મુરતિયા માટે એક સિંગલ સોફા પણ ગોઠવવામાં આવ્યો હતો.

ધરમશીભાઈ તરફથી લગભગ વીસેક કુટુંબીજનો હતાં. જ્યારે રાજકોટ થી આવેલા મહેમાનોની સ્ત્રી પુરુષો સાથે સંખ્યા ૧૪ ની હતી.

કેતન લોકો પહોંચ્યા ત્યારે હજુ મહેમાનો આવ્યા ન હતા પરંતુ કેતનના પહોંચ્યા પછી પાંચ જ મિનિટમાં ચાર ગાડીઓ આવી ગઈ.

તમામ મહેમાનો ધરમશીભાઈના ઘરમાં પ્રવેશ્યા અને સૌએ જાજમ ઉપર બેઠક લઈ લીધી. મુરતિયાને ખાસ સોફામાં બેસવાનું ધરમશીભાઈએ કહ્યું.

શિયાળો હતો એટલે બધા જ મહેમાનોને સૌ પ્રથમ ચા આપવામાં આવી. ધરમશીભાઈના શાસ્ત્રીજી પણ આવી ગયેલા જ હતા.

શાસ્ત્રીજીએ પૂજાનો થાળ વચ્ચે મુક્યો અને એની બાજુમાં ધરમશીભાઈ તરફથી જમાઈને ચાંલ્લા નિમિત્તે જે પણ ભેટ આપવાની હતી એ પણ ગોઠવવામાં આવી. ધરમશીભાઈ પોતે ખમતીધર બિલ્ડર હતા અને જમાઈ કેનેડા રહેતો હતો એટલે એમના મોભાને છાજે એ રીતે ભેટો મૂકવામાં આવી હતી !

શાસ્ત્રીજી ઊભા થયા અને સૌ પ્રથમ ધરમશીભાઈ સામે જોઈ મુરતિયાનું નામ પૂછ્યું.

"જી એમનું નામ નીરજ કુમાર છે. પિતાનું નામ સુરેન્દ્રભાઈ અને અટક ભોજાણી. " ધરમશીભાઈ બોલ્યા.

એ પછી શાસ્ત્રીજી નીરજ અને નીતાનું નામ લઈને વેવિશાળ પ્રસંગના પવિત્ર મંત્રો બોલવા લાગ્યા. શાસ્ત્રીજીએ સૌ પ્રથમ નીરજને ચાંલ્લો કર્યો અને ચોખાનો મંગલમય છંટકાવ કર્યો.

એ પછી નીતાને બોલાવવામાં આવી અને નીરજની સામે નીચે જાજમ ઉપર બેસાડવામાં આવી.

એ પછી વેવિશાળની વિધિ માટે શાસ્ત્રીજીએ ધરમશીભાઈને ઊભા કર્યા અને એમના હાથમાં કંકાવટી આપી. શાસ્ત્રીજીએ ધરમશીભાઈને નીરજ કુમારને ચાંલ્લો કરવાનું કહ્યું.

અને એ સાથે જ એક ઘટના બની. ધરમશીભાઈ કંકાવટી લઈને નીરજ તરફ આગળ વધે એ પહેલાં ચિત્તાની ઝડપે કેતન ઉભો થયો અને નીરજ તરફ ધસી ગયો અને બધા જ મહેમાનોની હાજરીમાં નીરજના ગાલ ઉપર સટાસટ ત્રણ લાફા ઠોકી દીધા.

આખા ડ્રોઈંગ રૂમમાં સન્નાટો છવાઈ ગયો ! અમુક મહેમાનો તો ઉભા પણ થઈ ગયા. તમાચા એટલા જોરથી વાગ્યા હતા કે નીરજને તમ્મર આવી ગયા અને એ ગાલ પંપાળવા લાગ્યો. બધા વચ્ચે કેતને એની જબરદસ્ત બેઇજ્જતી કરી. નીરજનાં માતા-પિતા ઉભાં થઈ ગયાં. નીરજના એક મિત્રે કેતનનો કોલર પકડ્યો. પણ કેતને એક ઝાટકે કોલર છોડાવી દીધો.

ધરમશીભાઈ અને નીતા તો આ બધું શું થઈ રહ્યું છે એ સમજી જ શકતાં ન હતાં ! કેતન જેવા સજ્જન માણસે કેમ સગાઈનો પ્રસંગ બગાડ્યો એ હજુ પણ એમની સમજમાં આવતું ન હતું !!

"તમામ મહેમાનો મને માફ કરે. મારે બધાને કંઈક કહેવું છે અને આ નિર્દોષ નીતાની જિંદગી બચાવવી છે. આ બદમાશ કેનેડામાં ટોરેન્ટોમાં રહે છે. સ્વીટી મફતલાલ શાહ નામની એક છોકરી સાથે બે વર્ષથી રિલેશનમાં છે. સ્વીટી એના થકી પ્રેગ્નેન્ટ પણ થઈ હતી. પણ આ બદમાશે ગર્ભપાત કરાવી દીધો કારણકે એ બંનેએ હજુ લગ્ન કર્યાં નથી." કેતન નીરજનો ખભો પકડીને એની સામે જોઈને બોલતો હતો. પેલો નીચું જોઈ રહ્યો હતો.

"આ હરામખોર નીતા સાથે સગાઈ કરી, એને ફરવાના બહાને રાજકોટ હોટલમાં લઈ જઈ એની સાથે ચાર પાંચ દિવસ સુધી શારીરિક સંબંધ બાંધવા માગતો હતો. કેનેડા પહોંચ્યા પછી સગાઈ તોડી નાખવાનો હતો. એટલા માટે જ મારે એને તમાચા મારવા પડ્યા." કેતન મોટેથી બોલી રહ્યો હતો

"તમે એને પૂછી શકો છો. જો મારી વાત ખોટી હોય તો સ્વીટીનો મોબાઈલ નંબર પણ મારી પાસે છે. હું આજે જ બધા સાથે વાત કરાવી શકું છું. મારી ઓળખાણ મીડિયામાં પણ છે અને મારી ઈચ્છા તો અત્યારે મીડિયાને બોલાવીને જાહેરમાં આ બદમાશનો વરઘોડો કાઢવાની છે પરંતુ નીતા મારી નાની બહેન જેવી છે. અંકલની પણ જાહેર ચર્ચા થાય એમ હું ઇચ્છતો નથી. " કેતને પોતાની વાત પૂરી કરી અને નીરજનો ખભો છોડી દીધો.

કેતનની વાત સાંભળીને ફરી પાછો ડ્રોઈંગ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. નીરજની હાલત તો કાપો તો લોહી પણ ના નીકળે એવી થઈ ગઈ. સાવ સફેદ પૂણી જેવો ફીક્કો પડી ગયો. કારણ કે કેતને જે પણ વાત કરી એ બધી જ સાચી હતી ! એ પ્રતિકાર પણ કેવી રીતે કરી શકે ?

આ માણસ મારા વિશે આટલું બધું કેવી રીતે જાણે છે ? સ્વીટીનું આખું નામ કેવી રીતે જાણે છે ? સ્વીટીનો મોબાઇલ નંબર એની પાસે કેવી રીતે આવી ગયો ? કેતન નીરજ માટે એક કોયડો બની ગયો હતો !!

"નીરજ કુમાર... કેતનભાઇ કહે છે એ વાત સાચી છે ? " હવે ધરમશીભાઈ બરાડી ઉઠ્યા.

"હા અંકલ મને માફ કરો. હું તમારો ગુનેગાર છું. મારી દાનત નીતાને જોયા પછી બગડી હતી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમને બધાને જવા દો પ્લીઝ " નીરજ નીચી નજર કરીને બે હાથ જોડીને લગભગ ધ્રુજી રહ્યો હતો !

ધરમશીભાઈ ભયંકર ગુસ્સામાં હતા. પોતાની એકની એક પવિત્ર દીકરીને ચૂંથી નાખવા માટે આ હરામખોરે સગાઈનું નાટક કર્યું હતું. તેઓ વેવાઈ બનનારા સુરેન્દ્રભાઈ ઉપર પણ ગુસ્સે થયા.

"શું તમને ખબર નહોતી કે તમારો દીકરો આ રીતે કોઈના ચક્કરમાં છે ? એણે તો જે કર્યું એ કર્યું પણ તમે તો એના બાપ છો ! મારા જેવા પ્રતિષ્ઠિત માણસની દીકરી સાથે શું જોઈને આવા દીકરાનાં લગ્ન કરાવવા નીકળ્યા છો ? " ધરમશીભાઈ ગુસ્સાથી બોલ્યા.

"ધરમશીભાઈ મને માફ કરી દો. હું દ્વારકાધીશના સોગંદ ખાઈને કહું છું કે મને આટલી બધી ખબર ન હતી. એ કોઈના પ્રેમમાં હતો એ તો મને ખબર હતી પરંતુ વિદેશના કલ્ચરમાં રહેતી આજકાલની પેઢી આવા બધા રિલેશન રાખતી જ હોય છે. અમને એમ કે લગ્ન પછી તો એ બધું છૂટી જશે પરંતુ આજે સત્ય હકીકત જાણીને અમને પોતાને પણ આઘાત લાગ્યો છે. મેં તમને હા પાડતાં પહેલાં એને પણ પૂછ્યું હતું. એણે સ્વીટીની ફ્રેન્ડશીપ છોડી દેવાની પણ અમને વાત કરી હતી. તમે જ કહો અમારો શું વાંક ?"
સુરેન્દ્રભાઈ બે હાથ જોડીને બોલ્યા.

" તમારો કોઈ વાંક નથી વડીલ. તમે લોકો હવે વહેલી તકે આ ઘરમાંથી બહાર નીકળો પ્લીઝ. મારો ગુસ્સો હજુ શાંત થયો નથી. " કેતન બોલ્યો.

અને એ સાથે જ તમામ મહેમાનો શરમજનક હાલતમાં એક પછી એક બંગલાની બહાર નીકળ્યા અને ફરી ચાર ગાડીઓમાં બેસીને સીધા રાજકોટ જવા રવાના થઈ ગયા.

એમના ગયા પછી નીતા રડી પડી અને ઊભી થઈને રડતાં રડતાં જ કેતનને ભેટી પડી. કેતને બધાની સામે નીતા મારી નાની બહેન જેવી છે એવા શબ્દો વાપર્યા હતા.

કેતને પ્રેમથી એના બરડા ઉપર હાથ ફેરવ્યો અને ધીમે રહીને પોતાનાથી અલગ કરી.

"તમે મને આજે બચાવી લીધી. મને સમજાતું નથી કે તમને આ બધી વાતની કેવી રીતે ખબર પડી અને આટલી બધી ડિટેલ્સ તમે ક્યાંથી લઈ આવ્યા ! " નીતા કેતન સામે બે હાથ જોડીને બોલી.

"ઈશ્વરે જ તને બચાવી છે નીતા. હું તો માત્ર નિમિત્ત બન્યો છું. જે હોટલમાં આ મહેમાનો ઉતર્યા છે એ જ હોટલમાં હું પણ ઉતર્યો છું. આજે સવારે રેસ્ટોરેન્ટમાં હું ચા પીવા માટે ગયો ત્યારે બાજુના ટેબલ ઉપર આ નીરજ અને એના મિત્રો વાતો કરતા હતા એ બધી વાતો મેં સાંભળી. મિત્રો આગળ એ પોતાના સ્વીટી સાથેના સંબંધોની વાતો કરતો હતો અને માત્ર મોજ મજા કરવા માટે જ એ તારી સાથે સગાઈનું નાટક કરી રહ્યો છે એ પણ એણે કહ્યું. એ કેનેડા જઈ સગાઈ તોડી નાખવાનો હતો !! " કેતન બોલ્યો.

જો કે સ્વીટીએ ગર્ભપાત કરાવેલો એ તો એણે રેસ્ટોરન્ટમાં નીરજ સામે જોઈને બે મિનિટ ધ્યાન ધરેલું એ ધ્યાનમાં જ જોઈ લીધેલું પણ એણે એ કોઈ ચર્ચા અત્યારે કરી નહીં.

"કેટલો હરામખોર છોકરો નીકળ્યો !" ધરમશીભાઈ બોલ્યા.

" પરંતુ તમે સ્વીટીનું આખું નામ અને એનો મોબાઈલ નંબર ક્યાંથી લઇ આવ્યા ? " થોડી સ્વસ્થ થયેલી નીતાએ પૂછ્યું.

"જો મોબાઈલ નંબરની તો મેં રીતસર વાર્તા જ કરી હતી. મારી પાસે સ્વીટી નો કોઈ જ મોબાઈલ નંબર નથી. હા સ્વીટીનું આખું નામ મારી પોતાની અંદરની શક્તિઓથી હું જાણી શક્યો હતો. " કેતન બોલ્યો.

"કેતનભાઇ પાસે તો આવી બધી ઘણી સિદ્ધિઓ છે. મને પણ અત્યાર સુધી ખબર નહોતી પરંતુ મુંબઈ ગયા પછી મેં જોયું કે મૃત્યુ પામેલા માણસોને પણ કેતનભાઇએ જીવતા કરી દીધા છે. " અત્યાર સુધી ચૂપ બેઠેલો જયેશ ઝવેરી હવે બોલ્યો.

" શું વાત કરો છો ? ખરેખર ? " ધરમશીભાઈ બોલ્યા.

"હા અંકલ. એક તાજુ ઉદાહરણ તો આપણા જામનગરમાં જ છે. પટેલ કોલોની શેરી નંબર ૪ માં મનોજભાઈ ને તમે મળી આવો. રિટાયર્ડ બેંક મેનેજર છે. એમને હાર્ટ એટેક આવ્યો અને એમણે દેહ છોડી દીધો. ડોક્ટરે પણ સર્ટિફિકેટ આપી દીધું કે મનોજભાઈ હવે આ દુનિયામાં નથી. એ પછી અચાનક કેતનભાઇ આવ્યા અને એમણે એમના માથે હાથ મૂકીને એમને ઉભા કરી દીધા. આખી પટેલ કોલોની કેતનભાઇની અત્યારે વાહ વાહ કરે છે !!" જયેશ બોલ્યો.

"અરે આ તો બહુ કહેવાય ! અમને તો આવી બધી સિદ્ધિઓની કોઈ જ ખબર નથી. અમે તો કેતનભાઇને અમારા જેવા નોર્મલ માણસ તરીકે જ ઓળખીએ છીએ. " ધરમશીભાઈ આશ્ચર્યથી બોલ્યા.

"અરે અંકલ હું નોર્મલ માણસ જ છું. કોઈ બીજા ગ્રહ ઉપરથી ઉતરી આવ્યો નથી. ગાયત્રી ઉપાસનાના કારણે અને મારા ગુરુજીનો મારા માથે હાથ હોવાથી ક્યારેક ક્યારેક આવી ઘટનાઓ બની જતી હોય છે. પણ હું એને ધ્યાનમાં લેતો નથી. " કેતન નમ્રતાથી બોલ્યો.

"આ જ તો એમની ખૂબી છે અંકલ. એ પોતાની સિદ્ધિઓ વિશે ક્યારેય પણ કોઈની સાથે વાત કરતા નથી. મેં તમને કહ્યું ને કે મુંબઈમાં આટલા બધા ચમત્કારો એમણે કર્યા પરંતુ મને એની ખબર હમણાં જ પડી." જયેશ બોલ્યો.

આ બધી વાતો સાંભળીને નીતા કેતન પ્રત્યે અહોભાવથી જોઈ રહી હતી. અને આમ પણ એની જિંદગી કેતને બચાવી લીધી હતી એટલે અહોભાવ તો થાય જ ને !!

આજે કેતને જે રીતે નીતાને બચાવી હતી એ જોઈને ધરમશીભાઈ ના મહેમાનો પણ દંગ રહી ગયા હતા. એમાંના એક મહેમાન હસમુખભાઈ ઠાકર પણ હતા. લગભગ ૬૫ વર્ષ આસપાસની ઉંમર હતી. એમણે કેતન વિશેની બધી જ વાતો અત્યારે ધ્યાનથી સાંભળી.

નીતા અંગેની બધી ચર્ચા પૂરી થઈ ગઈ પછી એ સજ્જન ઊભા થઈને કેતનની બાજુમાં આવીને બેઠા.

"મારું નામ હસમુખભાઈ ઠાકર. તમારું કોઈ કાર્ડ હોય તો આપશો ? મારે શાંતિથી તમારી સાથે એકવાર વાત કરવી છે. " હસમુખભાઈ બોલ્યા.

કેતનની એક ખાસિયત હતી કે એ વ્યક્તિને જોઈને જ ઓળખી જતો. વ્યક્તિની ઑરા એ પકડી લેતો. એણે જોઈ લીધું કે આ વડીલ નખશિખ સજ્જન છે અને જિંદગીના ઘણા બધા ઉતાર ચઢાવ એમણે જોયા છે. એણે પોતાનું કાર્ડ એમને આપી દીધું.

" હું તો મુંબઈ રહું છું વડીલ. કદાચ એક બે દિવસમાં જ અહીંથી નીકળી જઈશ. " કેતન બોલ્યો.

"તમે જ્યાં પણ હશો. ટૂંક સમયમાં જ મળીશું" કહીને હસમુખભાઈ ઊભા થઈને પાછા પોતાની જગ્યા ઉપર જઈને બેસી ગયા.

આ ધીર ગંભીર સજ્જન મને શા માટે મળવા માગતા હશે ? - કેતન મનોમન વિચારી રહ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)