પ્રારંભ - 88 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 88

પ્રારંભ પ્રકરણ 88

છેવટે સુંદર રીતે કેતનના સપનાની હોસ્પિટલ તૈયાર પણ થઈ ગઈ. આજે આખો દિવસ કેતને હોસ્પિટલમાં જ ગાળ્યો. પોતે જ્યારે માયાવી જગતમાં હતો ત્યારે પણ શેઠ જમનાદાસ કોર્પોરેટ હોસ્પિટલ એણે બનાવી હતી. એ જ વિચારોને જીવંત રાખીને એણે વાસ્તવિક દુનિયામાં પણ એવી જ હોસ્પિટલ ઉભી કરી દીધી.

રાત્રે ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં ન્યુઝ ચેનલોમાં પણ આ હોસ્પિટલની અને કેતનના વિચારોની ચર્ચા ચાલી હતી.
ખાસ કરીને હોસ્પિટલના દર્દીઓને સારા કરવા માટે એણે હોસ્પિટલની સામેના બિલ્ડિંગમાં ૨૪ કલાક ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનું જે આયોજન કર્યું હતું તેની ખૂબ જ પ્રશંસા થઈ હતી ! આજ સુધી કોઈએ પણ આવું વિચાર્યું ન હતું.

એટલું જ નહીં પણ દાખલ થયેલા દર્દીઓનાં સગાંવહાલાંને મફત ભોજનાલયની વ્યવસ્થા પણ કેતને પૂરી પાડી હતી એ પણ કાબિલે દાદ હતું !

આજે હોસ્પિટલનું ઉદઘાટન હતું એટલે કેતન વહેલી સવારે ૪:૩૦ વાગે ઉઠી ગયો હતો અને દોઢ કલાક ઊંડું ધ્યાન કરી પોતાના સર્વશ્રેષ્ઠ ગુરુજી સ્વામી શ્રી અભેદાનંદજીનાં દર્શન પણ કર્યાં હતાં અને આશીર્વાદ પણ લીધા હતા. કેતને જ્યારે પ્લૉટ ખરીદ્યો ત્યારે જ ગુરુજીએ પ્લોટમાં પોતાની હાજરી બતાવી હતી. એટલે હોસ્પિટલની સફળતા માટે કેતનને કોઈ જ શંકા ન હતી.

રાત્રે ઘરે પહોંચ્યા પછી પરિવારના તમામ સભ્યોએ કેતનને દિલથી અભિનંદન આપ્યા હતા. શિવાની તો ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.

"ભાઈ આપ તો પુરા દિન છા ગયે હો. આજે હોસ્પિટલમાં શું તમારો રૂવાબ હતો !! ન્યૂઝ ચેનલમાં પણ તમારા નામની સરસ ચર્ચા થઈ હતી." શિવાની બોલી.

"બસ તારી એમબીએ ની ડિગ્રી આવી જાય એટલે મારે પણ તને હોસ્પિટલમાં ગોઠવી દેવાની છે. ઘરના જ માણસો હોય એટલે કોઈ ચિંતા નહીં. " કેતન હસીને બોલ્યો.

"મને તો ખરેખર ગમશે ભાઈ. મને હોસ્પિટલમાં એટલી મજા આવી કે ના પૂછો વાત. " શિવાની બોલી.

"હા બેટા ઘરનો જ ધંધો છે પછી બહાર શું કામ જવાનું ? લગ્ન થાય ત્યાં સુધી એનો પણ ટાઈમ પસાર થઈ જશે. " જગદીશભાઈ બોલ્યા.

બીજા બે મહિનામાં કેતને સામેના બિલ્ડિંગમાં ભોજનાલય ચાલુ કરાવી દીધું. હોસ્પિટલ ધમધોકાર ચાલુ થઈ ગઈ હતી એટલે મફત ભોજનાલય પણ ધમધોકાર ચાલુ થઈ ગયું અને રસોઈનાં પણ વખાણ થવા લાગ્યાં. જગદીશભાઈના બંગલે જે મહારાજ હતા એના નાના ભાઈને વિસનગરથી અહીં બોલાવી લીધો હતો અને એના રહેવાની વ્યવસ્થા પણ ત્યાં જ કરાવી આપી હતી. એટલે ઉત્તર ગુજરાતના આ રસોઈયાની રસોઈ પણ બહુ જ વખણાઈ હતી.

જમવામાં સવારે દાળ, ભાત, શાક, કઠોળ, રોટલી અને એક ગ્લાસ છાશ આપવામાં આવતાં હતાં તો સાંજે કઢી ખીચડી ભાખરી અને શાકની ફિક્સ વ્યવસ્થા હતી ! દર રવિવારે કોઈને કોઈ મિષ્ટાન પણ બનાવવામાં આવતું.

એ પછીના એક મહિનામાં જાહેરાતો આપીને કેતને ' શેઠ જમનાદાસ સંન્યાસ આશ્રમ' નામ આપીને તમામ સાધુ સંતો માટે રહેવાની વ્યવસ્થા છે એવી મોટી જાહેરાત તમામ વર્તમાન પત્રોમાં કરી હતી. જેથી મુંબઈ આવનારા સાધુ સંતો પણ જાણી શકે કે એમના માટે સુંદર વ્યવસ્થા ગોરેગાંવમાં છે. આવી જ જાહેરાત એણે મુંબઈનાં તમામ ધર્મસ્થાનોમાં પણ કરી હતી.

એ પછી બીજા બે મહિના પછી કેતને દેવદિવાળીના દિવસે ત્રીજા અને ચોથા માળે 'શેઠ જમનાદાસ વાનપ્રસ્થાશ્રમ' નું પણ મોટાપાયે ઉદ્ઘાટન કર્યું હતું. એ સમયે પણ એણે ન્યુઝ ચેનલના તમામ પત્રકારોને બોલાવ્યા હતા અને સુંદર વાનપ્રસ્થાશ્રમનું શૂટિંગ કરાવ્યું હતું. જેથી મુંબઈ અને આજુબાજુના વિસ્તારમાં લોકો જાણી શકે કે મફત રહેવા જમવા માટે વૃદ્ધો માટે એક સુંદર વ્યવસ્થા ગોરેગાંવમાં થઈ છે.

લગભગ એક જ મહિનામાં લોકોએ વાનપ્રસ્થાશ્રમનો લાભ લેવાનો ચાલુ કરી દીધો અને સ્ત્રી અને પુરુષો મળી કુલ ૪૨ વૃદ્ધોએ એડમિશન લઈ લીધું. એ લોકો માટે એટલી તો સરસ વ્યવસ્થા હતી કે સિનિયર સિટીઝનો ખુશ થઈ ગયા. મફત રહેવાનું, મફત ભોજન, મફત સારવાર અને રોજેરોજ મેડિકલ તપાસ. નર્સોની કાળજીએ સિનિયર સિટીઝનોને ખુશ કરી દીધા. બે ત્રણ છોકરા છોકરીઓ પણ એવાં રાખ્યાં હતાં જે રોજ વૃદ્ધોને માલિશ કરી આપે અને પગ દબાવી આપે. ઘરડા ઘરમાં આવું તો પહેલી વાર જોવા મળ્યું હતું !!

વાનપ્રસ્થાશ્રમની ચર્ચા એટલી બધી ચાલી કે નવા નવા એડમિશનનો ઘસારો થવા લાગ્યો. અને બીજા માળે જે સાધુ સન્યાસીઓની ઉતારાની વ્યવસ્થા હતી ત્યાં પણ અડધી રૂમો વૃદ્ધ સ્ત્રી પુરુષોને આપવી પડી. કેતને ઉપર પાંચમા માળે બીજી નવી રૂમો બનાવવાનું પણ ચાલુ કર્યું.

નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે ધ્યાન કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. એની પણ મુંબઈમાં ચારે બાજુ નોંધ લેવામાં આવી. વધુને વધુ લોકો જાણતા થયા એટલે વહેલી સવારે ૪:૩૦ વાગ્યાથી જ નજીકના વિસ્તારના લોકો ધ્યાન કેન્દ્રમાં આવવા લાગ્યા. એ પછી તો ધ્યાન કરવા માટે ઘસારો એટલો વધતો ગયો કે દરેકને એક ચોક્કસ સમય આપવામાં આવ્યો. અને એ પ્રમાણે જ ધ્યાન કેન્દ્રમાં આવવાનું જણાવ્યું. રોજ સવારે ૪:૩૦ થી ૧૦ વાગ્યા સુધી ધ્યાન કેન્દ્ર એકદમ પેક રહેતું. એ પછી છૂટા છવાયા લોકો આવતા.

પહેલા માળે જીમ તો એકદમ ફૂલ જઈ રહ્યું હતું. જીમમાં એન્ટ્રી લેવા માટે વેઇટિંગ ચાલતું હતું. ફિલ્મસીટી સાથે સંકળાયેલા ઘણા બધા યુવાન યુવતીઓ રેગ્યુલર જીમમાં આવતા. એ જ પ્રમાણે ગોરેગાંવ અને દિંડોશીથી પણ એક્સરસાઇઝ કરનારા આવતા.

સૌથી વધુ મહત્વ પહેલા માળે આવેલા મંત્ર કેન્દ્રનું હતું. કેતને પેપરમાં જાહેરાત આપીને ૫૦ ચુનંદા બ્રાહ્મણોનું સિલેક્શન કર્યું હતું. અને એમને સારામાં સારો પગાર આપીને મંત્રો કરવા માટે રોક્યા હતા. કુલ ૫૦ શાસ્ત્રીય પંડિતોની એણે ઇન્ટરવ્યૂ લઈને ખાસ પસંદગી કરી હતી. અને જે યુવાન પંડિતો સંસ્કૃતના વિદ્વાન હતા અને સમર્પિત ભાવવાળા હતા એમનું જ સિલેક્શન કર્યું હતું.

સવારે ૬ વાગ્યાથી અહીં મંત્રોચ્ચાર ચાલુ કરાવવામાં આવતા હતા અને રાત્રિના ૧૦ વાગ્યા સુધી મંત્રોચ્ચાર ચાલતા હતા. બે પાળીમાં પંડિતોને વહેંચી દીધા હતા. સવારે ૬ થી બપોરના ૨ વાગ્યા સુધી ગાયત્રી મંત્ર કરવામાં આવતા હતા. જ્યારે બપોરના ૨ થી રાત્રિના ૧૦ સુધી મહામૃત્યુંજય મંત્રો કરવામાં આવતા.

હોસ્પિટલમાં જે પણ ગંભીર દર્દીઓ આવતા હતા એ તમામનાં નામ આ મંત્ર કેન્દ્રમાં મહામૃત્યુંજય મંત્ર કરનારા પંડિતોને આપવામાં આવતાં જેથી એ દર્દીઓનો સંકલ્પ કરીને પંડિતો જાપ કરી શકે. એ સિવાય પણ આ પવિત્ર મંત્રોનાં આરોગ્યમય આંદોલનો ચારે બાજુ પ્રસરે એટલા માટે પણ સતત મંત્રોચ્ચાર મોટા અવાજે ચાલતા જ રહેતા હતા. મંત્ર કેન્દ્રમાં પ્રવેશ કરો એટલે મન પ્રસન્ન થઈ જાય એવા સુંદર મંત્રો તમામ પંડિતો એક જ લયમાં ગાતા હતા. આ મંત્ર કેન્દ્રની ચર્ચા પણ ન્યુઝચેનલોમાં બે વાર થઈ ગઈ હતી !

માર્ચ મહિના સુધીમાં તો હોસ્પિટલ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ આશ્રમ, હિમાલયની પ્રતિકૃતિ જેવું ધ્યાન કેન્દ્ર અને અદભૂત મંત્ર કેન્દ્ર સમગ્ર મુંબઈમાં જાણીતાં થઈ ગયાં અને કેતનને મુંબઈમાં જબરદસ્ત પ્રતિષ્ઠા મળી. એના પેપરોમાં અને ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ પણ આવી ગયા !

હોસ્પિટલમાં એણે કેન્સરમાંથી સંપૂર્ણ બહાર આવેલી નેહા ભગતને પણ સારી જોબ આપી દીધી હતી. એ વાનપ્રસ્થાશ્રમનું સંચાલન કરતી હતી.

હોસ્પિટલ સંપૂર્ણ એર કન્ડિશન્ડ હતી. જીમ, ધ્યાન કેન્દ્ર અને મંત્ર કેન્દ્ર પણ સંપૂર્ણપણે એર કન્ડિશન્ડ હતાં. ઉપર ભોજનાલય, સંન્યાસ આશ્રમ અને વાનપ્રસ્થાશ્રમમાં પંખાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કેતને પોતાના દાદાના નામે હોસ્પિટલ આમ તો ગરીબ દર્દીઓની સારવાર માટે જ બનાવી હતી પરંતુ હોસ્પિટલ એટલી સ્વચ્છ અને સમૃદ્ધ હતી અને ટ્રીટમેન્ટ પણ અહીંની એટલી બધી સરસ હતી કે શ્રીમંત લોકો પણ ધીમે ધીમે આ હોસ્પિટલમાં દાખલ થવા લાગ્યા. જેમનો વીમો હોય એવા લોકો પણ આ હોસ્પિટલની સારવાર લેવા માટે દાખલ થઈ જતાએટલે ધીમે ધીમે હોસ્પિટલ માત્ર ગરીબો માટેની ના રહી.

કેતને એના માટે એક માર્ગ કાઢ્યો કે શ્રીમંતોના કે ઈનસ્યોરન્સ ધરાવતા દર્દીઓના જે પણ પૈસા આવે તે બધા હોસ્પિટલની અને વાનપ્રસ્થાશ્રમમાં રહેતા વૃદ્ધ લોકોની સેવામાં જ વાપરવા. હોસ્પિટલની તમામ આવક એ અલગ જ રાખતો અને એમાંથી જ બધા ખર્ચા ચાલતા રહેતા.

કેતનને ઉમાકાન્તભાઈએ અદ્રશ્ય થઈ જવાની સિદ્ધિ આપી હતી પરંતુ કેતનને અત્યાર સુધી આ સિદ્ધિનો ઉપયોગ કરવાની કોઈ જરૂર જણાઈ નહોતી. એક દિવસ અચાનક આ સિદ્ધિને અમલમાં મૂકવાનો અવસર એને પ્રાપ્ત થયો.

બન્યું હતું એવું કે એની હોસ્પિટલમાં કેન્સરના એક સર્જન ડૉ. મલ્હોત્રા મલાડમાં પોતાનું પ્રાઇવેટ નર્સિંગ હોમ પણ ચલાવતા હતા. શેઠ જમનાદાસ હોસ્પિટલમાં કોઈ શ્રીમંત પેશન્ટ આવે તો ડૉ. મલ્હોત્રા પેશન્ટને ગમે તેમ સમજાવીને પોતાના ક્લિનિકમાં જ પ્રાઇવેટ ટ્રીટમેન્ટ લેવાનો આગ્રહ રાખતા.

ડૉ. મલ્હોત્રાની ચેમ્બરમાં રાખેલો એટેન્ડન્ટ ચૌહાણ ઘણીવાર ચેમ્બરમાં ચાલતી વાતચીત સાંભળતો. એને ખ્યાલ આવી ગયો કે મલાઈદાર પેશન્ટોને આ ડોક્ટર સાહેબ પોતાના મલાડના નર્સિંગ હોમમાં ખેંચી લે છે. એને દુઃખ થયું કે ભગવાનના માણસ જેવા પોતાના બૉસ કેતન સર સાથે આ ડોક્ટર ચીટીંગ કરી રહ્યો છે ! એક દિવસ એ પહેલા માળે કેતનની રજા લઈને એની ચેમ્બરમાં મળવા ગયો.

" સર હું અંદર આવું ? " ચૌહાણ બોલ્યો.

" હા આવ ને ભાઈ. " કેતને એને અંદર આવવાની પરમિશન આપી.

"સર એક વાત કરવાની હતી. તમે મને ખાતરી આપો કે મારી કહેલી વાત તમે મલ્હોત્રા સાહેબ સાથે નહીં કરો. નહીં તો હું તકલીફમાં આવી જઈશ. " ચૌહાણ બોલ્યો.

"એવી તો કઈ વાત છે ? એનીવેઝ... જે પણ વાત હોય તે તું મને કહી શકે છે. તારે ડરવાની કોઈ જરૂર નથી. હું તને ખાત્રી આપું છું. " કેતન બોલ્યો. એ સમજી ગયો કે કોઈ ગંભીર વાત છે.

" સર હું મલ્હોત્રા સાહેબનો એટેન્ડન્ટ છું. મારું નામ ચૌહાણ. અવારનવાર સાહેબની ચેમ્બરમાં મારે જવું પડે છે એટલે ક્યારેક ક્યારેક હું પેશન્ટો સાથેની એમની વાતચીત સાંભળતો હોઉં છું. સર અહીં આવતા જે પણ મલાઈદાર પેશન્ટો એટલે કે શ્રીમંત પેશન્ટો હોય એમને મલ્હોત્રા સાહેબ પોતાના મલાડના ક્લિનિકમાં દાખલ થવાનો આગ્રહ રાખે છે અને કાર્ડ પણ આપે છે. આવું બે થી ત્રણ વાર થયું છે એટલે મને થયું કે આપના ધ્યાનમાં આ વાત હું લાવું. બસ હું આટલું જ કહેવા માટે આવ્યો હતો. " ચૌહાણ બોલ્યો.

" થેન્ક્યુ ચૌહાણ ! મને તારી આ રજૂઆત ગમી. તેં સાબિત કર્યું કે તું આ હોસ્પિટલનો એક વફાદાર માણસ છે ! તું ચિંતા કરીશ નહીં હું હેન્ડલ કરી લઈશ. " કેતન બોલ્યો અને ચૌહાણ વિદાય થઈ ગયો.

એના ગયા પછી કેતને ઓપીડીમાં સૂચના આપી કે ડોક્ટર મલ્હોત્રાને બતાવવા માટે કોઈપણ પેશન્ટ આવે તો તરત સુપરવાઇઝર જયંત વસાણીને જાણ કરવી.

એ સાથે જ એણે નીચે સુપરવિઝન કરતા પોતાના એક ખાસ માણસ જયંત વસાણીને પોતાની પાસે ઉપર બોલાવ્યો અને એને પણ સૂચના આપી.

"જયંત તારે એક કામ કરવાનું છે. તને ખબર છે કે આપણી હોસ્પિટલ અત્યારે ખૂબ જ જાણીતી થઈ ગઈ છે. એટલે અહીં તમામ પ્રકારના દર્દીઓ આવે છે. ગરીબ પણ આવે છે અને શ્રીમંતો પણ આવે છે. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. ડૉ. મલ્હોત્રાનો કોઈપણ કેસ હશે તો ઓપીડીવાળા તને જાણ કરી દેશે. તારે મલ્હોત્રાની ચેમ્બર પાસે વૉચ રાખવાની અને જોઈ લેવાનું કે કોઈ શ્રીમંત વ્યક્તિ લાઈનમાં નથી બેઠી ને ? પૈસાદાર પાર્ટી લાગે તો મને તરત ઉપર મેસેજ આપી દેજે. " કેતન બોલ્યો.

" જી સર. અત્યારથી જ હું વૉચ રાખવાનું ચાલુ કરી દઉં છું." જયંત બોલ્યો.

"ઠીક છે. તારે ઉપર રૂબરૂ આવવાની જરૂર નથી. મને ફોન કરી દેજે. " કેતન બોલ્યો.

ત્રણ દિવસ સુધી તો એવો કોઈ તગડો પેશન્ટ હોસ્પિટલમાં આવ્યો નહીં. પરંતુ ચોથા દિવસે એક સિંધી વ્યાપારી શેઠ જેને કેન્સર થયેલું એ હોસ્પિટલમાં બધા રિપોર્ટ લઈને બતાવવા આવ્યા. એમની સાથે એમનો યુવાન દીકરો હતો.

ઓપીડીમાં કેસ કઢાઈ ગયા પછી ઓપીડી સ્ટાફે જયંતને વાત કરી દીધી કે કિશનદાસ લાલવાણી નામની આ વ્યક્તિ શ્રીમંત લાગે છે !

કિશનદાસ શેઠ જેવા મલ્હોત્રાની ચેમ્બર બહાર લાઈનમાં ગોઠવાઈ ગયા કે તરત જ જયંતે કેતન સરને ફોન કરી દીધો. લાલવાણી શેઠનો નંબર ત્રીજો હતો.

કેતન ચેમ્બરમાં એકલો જ હતો. એણે એકદમ જ ગુપ્ત મંત્રો બોલીને પોતાનું અદ્રશ્ય સ્વરૂપ ધારણ કરી દીધું. એ પછી એ નીચે ડૉ. મલ્હોત્રાની ચેમ્બર સામે જઈને ઉભો રહ્યો.

જેવા લાલવાણી શેઠ એમના દીકરા સાથે મલ્હોત્રાની ચેમ્બરમાં દાખલ થયા કે એમની સાથે જ સાચવી રહીને કેતન પણ છૂપા સ્વરૂપે અંદર સરકી ગયો.

સૌ પ્રથમ તો ડૉ.મલ્હોત્રાએ લાલવાણી શેઠના બધા રિપોર્ટ શાંતિથી જોઈ લીધા.

" મોટા આંતરડાનું કેન્સર છે. કેટલા દિવસથી હેરાન થાઓ છો શેઠ ? " મલ્હોત્રા બોલ્યા.

"સાહેબ આમ તો છ મહિનાથી પીડાઉં છું. પરંતુ છેલ્લા દોઢ બે મહિનાથી તકલીફો બહુ જ વધી ગઈ છે. ખોરાક ખાવાનો બિલકુલ બંધ થઈ ગયો છે. ચાલી પણ શકતો નથી. આ દીકરો હાથ પકડીને ગાડીમાંથી અહીં માંડ માંડ ચલાવીને લાવ્યો." શેઠ બોલ્યા.

"સાહેબ હું દુબઈથી ખાસ આવ્યો છું. પપ્પાની તબિયત ખરેખર ખૂબ જ ખરાબ છે. અમે અઠવાડિયા પહેલાં જ એક જાણીતા ડોક્ટરને બતાવેલું છે. એમણે તો કહી દીધું કે છેલ્લા સ્ટેજનું કેન્સર છે. બચવાની આશા ઓછી છે છતાં તમે શેઠ જમનાદાસ હોસ્પિટલમાં બતાવી જુઓ. ત્યાં ટ્રીટમેન્ટ ખૂબ જ સારી થાય છે અને ત્યાં ઘણા બધા દર્દીઓ સારા થતાં મેં જોયા છે. એટલે અમે આજે અહીં આવ્યા. " લાલવાણીનો દીકરો બોલ્યો.

" હા એ તો મેં જોઈ લીધું કે કેસ ખૂબ જ ગંભીર છે. અને પપ્પાના કેસમાં વ્યક્તિગત ધ્યાન આપવાની જરૂર છે. ગમે તેમ તો પણ આ એક જનરલ હોસ્પિટલ છે. પ્રાઇવેટ નર્સિંગ હોમમાં તમારી જે કાળજી લેવામાં આવે એટલી અહીં ન મળે. અહીં ડોક્ટર તપાસી લે પછી બધું નર્સોના ભરોસા ઉપર હોય. જ્યારે પ્રાઇવેટ નર્સિંગ હોમમાં તમે જ્યારે ઇચ્છો ત્યારે ડોક્ટર તમારી પાસે હોય. " ડૉ. મલ્હોત્રા દર્દીને લપેટમાં લઈ રહ્યા હતા.

"એ તો હું સમજી શકું છું સાહેબ. એટલા માટે તો અમે પ્રાઇવેટમાં જ બતાવવા લઈ ગયા હતા. પરંતુ આ હોસ્પિટલ વિશે એ ડોક્ટરે ખૂબ જ સારો અભિપ્રાય આપ્યો એટલે અમે અહીં આવ્યા. તમે તો પોતે જ આ હોસ્પિટલમાં છો એટલે તમે જ અમને સાચી સલાહ આપી શકો." ડોક્ટરની વાતથી મૂંઝાઈને છેવટે એમનો દીકરો બોલ્યો.

"હું એટલા માટે જ કહું છું ભાઈ. મારુ પોતાનું પ્રાઇવેટ નર્સિંગ હોમ છે અને ઇન્સ્યોરન્સની ફેસીલીટી પણ છે. હું અહીં આ હોસ્પિટલમાં આટલી સારી ટ્રીટમેન્ટ આપતો હોઉં તો મારા પોતાના નર્સિંગ હોમમાં તમને કેટલી બધી વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મળે ?" મલ્હોત્રા લાલવાણીના દીકરાને પલોટી રહ્યા હતા.

"તમે આજનો દિવસ વિચારી જુઓ. છેલ્લા સ્ટેજનું કેન્સર છે. મારું કોઈ દબાણ નથી. તમે અહીંયા પણ પપ્પાને એડમિટ કરી શકો છો. છતાં આ મારું કાર્ડ છે. મારાથી બનતી બેસ્ટ ટ્રીટમેન્ટ મારા નર્સિંગ હોમમાં પપ્પાને મળશે. અને તમારું તો ઇન્સ્યોરન્સ છે. " ડૉ.મલ્હોત્રાએ પોતાની જાળ બીછાવી દીધી અને દર્દીને કન્ફ્યુઝ કરી દીધો.

" ઠીક છે સાહેબ તમે આટલું બધું કહો છો તો પછી અમે આજનો દિવસ વિચારી લઈએ છીએ. જો તમારા ત્યાં એડમિટ થવાનું નક્કી કરીશું તો તમારું આ કાર્ડ છે જ. અને અહીંયાં જ દાખલ થવાનું વિચારીશું તો કાલે ફરી પાછા અહીં આવી જઈશું. " લાલવાણીનો દીકરો બોલ્યો અને બંને ઊભા થઈને બહાર નીકળી ગયા.

કેતન પણ ઝડપથી એ લોકોની સાથે બહાર નીકળી ગયો. સાચવીને ઉપર પોતાની ચેમ્બરમાં જતો રહ્યો અને કોઈનું ધ્યાન ન પડે એ રીતે મંત્ર બોલીને પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયો.

હવે આવતીકાલે આ ડૉ. મલ્હોત્રાની વાત !! -- કેતન ગુસ્સામાં વિચારી રહ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)