ઓહ માય ગોડ 2 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓહ માય ગોડ 2

ઓહ માય ગોડ 2

- રાકેશ ઠક્કર

ઓહ માય ગોડને પસંદ કરવામાં આવી હોવાથી જ ઓહ માય ગોડ 2બનાવવામાં આવી હતી. પણ ઓહ માય ગોડ 2 ને અનેક મુશ્કેલીઓ નડી ગઈ હતી. આ વખતે સેન્સરે સૂચવેલા 27 કટ્સને કારણે અક્ષયકુમારની ભૂમિકામાં થોડો ફેરફાર કરવો પડ્યો હતો. એને ભગવાનના દૂત તરીકે રજૂ કરવામાં આવ્યો છે અને એ મુખ્ય નહીં પણ મહેમાન ભૂમિકામાં લાગ્યો છે. એટલું જ નહીં સેન્સર બોર્ડે સર્ટિફિકેટ આપ્યું હતું તેથી અક્ષયકુમારે અફસોસ વ્યક્ત કરી એમ કહ્યું છે કે આ પહેલી એવી ફિલ્મ છે જે ટીનએજર દર્શકો માટે બની હતી પણ પુખ્ત વયનાની ગણવામાં આવી છે. પંકજ ત્રિપાઠીએ પણ કહ્યું કે 12 થી 17 વર્ષના દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી અને એ જ જોઈ શકે એમ નથી. ટૂંકમાં ફિલ્મ ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી શકી નથી એ હકીકત છે. અને આખી ફિલ્મ જોયા પછી ખ્યાલ આવશે કે સેન્સર બોર્ડે ફિલ્મના નિર્માતા- નિર્દેશક સાથે અન્યાય કર્યો છે.

ફિલ્મની વાર્તા શિવ ભક્ત કાંતિ શરણ (પંકજ ત્રિપાઠી) ની છે. એ પૂરી શ્રધ્ધાથી શિવભક્તિ કરતા હોય છે અને પરિવારનું ભરણ પોષણ કરે છે. એક છોકરો અને છોકરી સ્કૂલમાં ભણે છે. એક ખુશહાલ પરિવાર હોય છે. પણ પુત્ર ખરાબ સંગતમાં પડીને એવું કામ કરે છે કે પરિવારનું નામ અને પ્રતિષ્ઠા ખરાબ થાય છે. પુત્રને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે છે. તે કોઈને મોં બતાવી શકે એમ નથી ત્યારે શિવજીના દૂત (અક્ષયકુમાર) મદદે આવે છે. તે પરોક્ષ રીતે મદદ કરે છે. કાંતિ શરણની આંખો ખૂલે છે અને સ્કૂલ સહિત અન્યો સામે માનહાનિનો કેસ કરે છે. રસપ્રદ વાત એ છે કે એ કેસ પોતાની સામે જ કરે છે. એ પછી કોર્ટમાં કાંતિ અને સ્કૂલની વકીલ કામિની (યામી ગૌતમ) વચ્ચે જાતીય શિક્ષણ અંગે ખૂબ ચર્ચા અને દલીલો થાય છે. કોર્ટમાં નિર્ણય કોની તરફેણમાં થાય છે એ જાણવા ફિલ્મ જોવી પડશે.

ફિલ્મમાં કેટલીક ખામીઓ જરૂર છે પણ જાતીય શિક્ષણ જેવા વિષય પર ઓહ માય ગોડ 2 જેવી સમાજને આયનો બતાવતી ફિલ્મ બનાવવાની હિંમત કરવા માટે નિર્માતા અને નિર્દેશકની પ્રશંસા થવી જોઈએ. નકલી સમાજની નકલી વાર્તાવાળી આ ફિલ્મ નથી. નિર્દેશક અમિત રાયે જમાના પ્રમાણે વાર્તા પસંદ કરી એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. જેના વિશે લોકો જાહેરમાં વાત કરતા નથી એ સેક્સના વિષયને કોમેડી સાથે રજૂ કર્યો છે. છતાં નિર્દેશક કોર્ટરૂમ ડ્રામામાં જુદા જુદા વિષય પરની ડિબેટને બદલે વધુ કાનૂની દાવપેચ બતાવી શક્યા હોત એમ જરૂર થશે. બીજા ભાગમાં વાર્તા થોડી ધીમી પડે છે પણ કોર્ટરૂમ ડ્રામા જ એમાંનો રસ જીવંત રાખે છે.

એક રીતે પંકજ ત્રિપાઠીની જ આ ફિલ્મ બની રહી છે. જાણીતા હીરો કરતાં એ વધુ મહત્વ મેળવી ગયો છે. એ જ સાચો હીરો છે. પંકજે ભક્તની ભૂમિકાને જીવી જાણી છે. શિવજીના દૂત તરીકે અક્ષયકુમાર શોભે છે. દૂત તરીકેની આભા અને એના સંવાદ મનમોહક છે. એની હાજરી ફિલ્મને નબળી બનતી અટકાવે છે. અક્ષયકુમારે સામાન્ય ફિલ્મો કરતાં અલગ અભિનય કર્યો છે. આ વખતે કોઈ એવું મહેણું મારી શકે એમ નથી કે એણે ભૂમિકા માટે મહેનત કરી નથી. સામાન્ય રીતે એની ભૂમિકા એવી હોય છે કે અભિનય ઓછો અને ડ્રામા વધારે હોય છે. અક્ષયકુમારની ભૂમિકા પંકજ કરતા નાની હોવા છતાં એ ફિલ્મની જાન બની રહે છે. યામી ગૌતમે વકીલની ભૂમિકા ભજવવામાં કોઈ કસર બાકી રાખી નથી. એને કેમ સશક્ત અભિનેત્રી કહેવાય છે એનો ખ્યાલ આપી જાય છે. એની ભૂમિકા નકારાત્મક લાગતી હોવા છતાં સારી અસર છોડી જાય છે. સ્કૂલ સંચાલક તરીકે અરુણ ગોવિલ, ડૉક્ટર તરીકે બૃજેન્દ્ર કાલા, પૂજારી તરીકે ગોવિંદ નામદેવ અને જજ તરીકે પવન મલ્હોત્રા જામે છે. સંગીત પક્ષ નબળો છે. હર હર મહાદેવ ગીત સારું બન્યું છે.

ઓહ માય ગોડ 2 એક ગંભીર વિષય પર સારા અભિનય સાથેની ફિલ્મ છે. જાતીય શિક્ષણની તરફેણ કરતી આ ફિલ્મ બાળકોએ જ નહીં માતાપિતાએ પણ જોવા જેવી છે.

****