૩૭
અજિત ગઢીનો અજિત સ્વામી
સોઢલની ગઢી હજી અજિત હતી. એના ઉપર હલ્લો લઇ જવામાં એને ગૌરવ મળતું હતું. સિદ્ધરાજે એ વિચાર માંડી વાળ્યો. રાતે ને રાતે રા’ખેંગારને આંહીંથી વર્ધમાનપુર તરફ મોકલી દેવાનો નિર્ણય થયો. ગઢીની દુર્ભેદ્ય રચના જોતાં ગઢી ચાર-છ મહિના રમતરમતમાં કાઢી નાખે એ લીલીબાની વાત સાચી હતી. અને રા’ની વાતમાં જરાક પણ કાચું કપાય તો ફરીને ઉપાધિ ઊભી થાય. મુંજાલ, ઉદયન, પરશુરામ, સજ્જન સૌ રાતે મળ્યા. મહારાજ જયદેવે પોતે જ ખેંગાર વિશે કરેલો નિર્ણય કહી સંભળાવ્યો: ‘મુંજાલ મહેતા! સાથે કોણ જશે? રા’ને લઇ જવો છે!’
સૌની દ્રષ્ટિ ઉદયન ઉપર પડી. સ્તંભતીર્થ એ પાછો ફરે છે, એવી વાત તરત માનવામાં આવે. મીનલદેવીને પણ એ રુચ્યું પણ જયસિંહદેવની ઈચ્છા જુદી હતી. ‘આપણે સત્વર જવું જોઈએ, મા!’ તે બોલ્યો, ‘શાંતુ મહેતા ગમે તે પળે પાટણનું નાક માલવાવાળાને કાપી લેવા દેશે! હવે ત્યાં કોઈકે પહોંચવું જોઈએ. મુંજાલને પોતાને જ જવું પડશે રા’ સાથે!’
કોઈ કાંઈ બોલ્યું નહિ. જયસિંહદેવનું મન માપવા મુંજાલ શાંત રહ્યો. પરશુરામને કાંઈ કહેવાનું ન હતું. સ્પષ્ટ રીતે ઉદયને એમાં મુંજાલનો ગૌરવભંગ દીઠો. પોતાનું સ્થાન વધારે ચોક્કસ થતું તેણે જોયું. ‘મહારાજ! રા’ જનારો છે એટલે કોઈક જવાબદારે જવું તો પડશે. હજી એ હાથતાળી દે એવો છે! મહારાજની આજ્ઞા હોય, તો હું તૈયાર છું. મારે સ્તંભતીર્થ જવાનું, એટલે નીકળી પડ્યો છું એમ ગણાશે, ને શંકા નહિ થાય!’
‘ઉદા! મા પોતે પાછાં ફરશે મુંજાલ સાથે અને મુંજાલ મહેતા! તમે રા’ની સોનરખને પણ સાથે ઉપાડજો. એટલે એનો કબજો સાબૂત રહે. રાજમાતા હવે સોમનાથની જાત્રાએ થી પાછાં ફર્યા એવો દેખાવ આખે રસ્તે રાખવો. મા! તમારે જવું પડશે, તો કોઈને કાંઈ જ વહેમ નહિ જાય. તમે જાત્રા કરી સોમનાથની – ને પાછાં ફર્યા છો. મુંજાલ, તારા સિવાય કે મારા સિવાય રા’ને ન મોકલાય. ઉદયન જાય એમાં પણ શંકા પડે અને રા’ તો – હવા બાંધી રહે, તો રા’ બાંધ્યો રહે!’
જયસિંહદેવના નિર્ણય ઉપર ઉદયન વિચાર કરી રહ્યો. એમાં બંને વસ્તુ હતી: મુંજાલને ગૌરવ આપવાની વાત હતી. તેમ જ તેણે દૂર કરવાની વાત પણ હતી. નિર્ણય તરત જ કરવાનો હતો.
તે જ રાતે રા’ખેંગાર સાથે મુંજાલ ઊપડી ગયો. વર્ધમાનપુર પહોંચીને જયદેવની રાહ જોવાની હતી. પૃથ્વીભટ્ટ ને ઝાંઝણ, આડેસર ને ધુબાકો, એક-બે મુકામ આગળ રહેવાના હતાં. રાજમાતા જાત્રાથી પાછાં ફરે છે એ ઘોષણા સાથે સૌ ઉપડી ગયા.
સિદ્ધરાજે બીજે દિવસે જ દેવુભાને બોલાવ્યો; આવીને એક બાજુ શાંત બેઠો. ડોસો રાજકેદી હતો. એના મનમાં રા’ વિશે હજી શંકા હતી. પણ પરિણામ ગમે તે હોય, સોલંકીએ જે જમાવટ કિલ્લામાં કરી નાખી હતી, એમાં એથી ફેર પડે તેમ ન હતો. એ જમાનાનો ખાધેલ માણસ હતો. એણે કૈક લીલીસૂકી જોઈ હતી. સિદ્ધરાજે એને કેમ બોલાવ્યો એ એ સમજી ગયો હતો. લીલીનાં વેણમાં તો એને વિશ્વાસ ન હતો, પણ એણે રા’નો જરાક જેટલો આધાર મળતો હોય તો, એ આધારનો લાભ ઉઠાવવામાં લાભ જોયો. એની આશાસૃષ્ટિનો કોઈ અંત ન હતો. એ તો એવું સ્વપ્ન પણ સેવી રહ્યો હતો કે, રા’નો કોઈ વંશવેલો પાંચેપંદરે પાછો ઊભો થાય, તો એની પડખે એ નેવું વર્ષે પણ ઝઝૂમતો હોય! સોઢલને સિદ્ધરાજે કહેવરાવ્યું તો હશે. સોઢલનો શો જવાબ હોય એ ડોસાથી અજાણ્યું ન હતું.
‘સધરાને જાવાની ઉતાવળ લાગે છે,’ દેવુભા વિચાર કરી રહ્યો, માલવા એને મૂકે તેમ નથી. ગગો ભૂલ કરે તો કરવા દેવી. એ તો પછી રા’નો વંશવેલો છે! કેસરીની જેમ ઊઠશે!’
‘દેવુભા!’ સિદ્ધરાજે કહ્યું, ‘મેં ઉદયનને બોલાવ્યો છે. હમણાં એ આવશે. તમારા સોઢલભા હજી જુદ્ધ હાંકે છે. હાંકે તો અમને વાંધો નથી – પણ હવે આ જુદ્ધ નહિ ગણાય. હવે તો એ સંહાર ગણાશે!’
દેવુભાને વાણીનો એક ભયંકર ઘા મારવાનું મન તો થઇ આવ્યું, પણ એણે જાતકાબૂ મેળવી લીધો. એ વાતને સમજી ગયો: સોઢલની ગઢી પાસે આને હવે વખત કાઢવો નથી.
‘વાત તો, મહારાજ! બરાબર છે. સોઢલભાને કહેવરાવી જુઓ!’
‘કહેવરાવ્યું તો ખરું –’
‘પછી?’
‘એ માને છે કે ખેંગાર પડશે, તો ગઢીની ધજા એની મેળે હેઠે જઈ પડશે!’
દેવુભા બોલ્યો: ‘મહારાજ! ઘણા એમ માને છે. સોઢલભા તો ખેંગારજીના પરમ ભક્ત રહ્યા!’
‘ખેંગારજી તો વીરગતિ પામ્યા છે, દેવુભા! આકાશપાતાળ એક કરીએ છીએ એનું શબ શોધવા, એ તમે જાણો છો. પણ એના આ દુર્ગની નામના – અમારે મન પણ એમ હતું, ને હજી છે કે, એ નામના – એમ ને એમ રાખવી. સોઢલજી એ નહિ રહેવા દે. તમે ને ઉદયન મહેતા જાઓ, અને જુઓ; નહિ જ મને એમ લાગે તો પછી, અમે આવતી કાલથી અમને સૂઝે એ કરીશું. બીજું શું? પણ પછી અમે જેમ ગઢ નહિ રહેવા દઈએ, તેમ રા’ના વંશવેલાનું ક્યાંય નામનિશાન પણ રહેવા નહિ દઈએ. એમાંથી આ વાત થાશે. તમે વૃદ્ધ છો, અનુભવી છો, લીલીસૂકીના જાણકાર છો. વિચાર કરી જુઓ.’
‘રા’ ખેંગારજીના કુટુંબકબીલા સૌ કામમાં આવી ગયા, પ્રભુ! રા’નું લૂણ ખાધું’તું ઈ તમામ ખપમાં આવી ગયા. ચંદ્રચૂડજી આ મોરચે પડ્યા. મજેવડી મોરચે રાયઘણજી ને બીજા પડ્યા. ત્યાં તો સોથ વળી ગયો. પ્રભુ રહ્યો છું એક હું... ને એક યા અમારા દેશુભા!’
‘દેશુભા-વિશુભા તો બાળક ગણાય, રાજનીતિના જાણકાર તમે! આમાં દેશુભા-વિશુભાનું કામ નહિ! તમે વળી જાણકાર રહ્યા – રા’ના કુટુંબના પણ.’
‘જાણકાર તો છું, મહારાજ! પણ મારું વેણ રે’ એમ હોય તો સોઢલભા પાસે જાઉં; નકર તો જઈનેય હું શું કરું? સોઢલભાને શેને આધારે પાછા વાળું? કાંક મારી પાસે જોઈએ નાં?’
‘શું છે વેણ?’
‘જુઓ, મહારાજ! અમારા રા’ કુટુંબ ઉપર તો આવી વીતતી આવે છે. ત્રણ ત્રણ રા’ની ચડતીપડતી જોતો આવ્યો છું. ઘોડિયામાં રમતાં જોયા’તા, એને ચેહમાં બળતા જોયા છે. શરીર હાલે ને ભગવાન કરાવે ત્યાં સુધી આ ગિરનારની છત્રછાયામાં રા’ની રખેવાળી કરવી છે – મારે ઈ ધરમ. એક આ ખેંગારજી હાથતાળી દઈને મોઢા આગળ હાલી નીકળ્યા. પણ હવે એનો દખધોખોય શું કરું? જ્યાં મલક ભેલાણો ન્યા પછી મલકપતિ ઊભો રિયે જોવા? ઈ હાલી જ નીકળે નાં! ઈને મા’રાજ, મલકપતિનું મા’તમ આંઈ હતું.’ દેવુભાએ છાતીએ હાથ લગાડ્યો. એનો સાદ જરાક ઠરડાણો. ડોસો થોડોક વિહવળ બન્યો.
‘જુઓ દેવુભા!’ સિદ્ધરાજે ડોસાને શાંત કરતો હોય તેમ કહ્યું. ‘ખેંગારજી તો વીર હતા ને વીર રહ્યા. હવે જે બાકી રહ્યું છે – એનું નામનિશાન – એ અમારે ટાળવું નથી. તમે સોઢલને સમજાવો!’
‘સમજાવું, ભા! મારું વેણ નાખી જોઉં. ભા સોઢલ મારું વેણ પાછું તો નહિ વાળે. એક રાણીજી છે, ખેંગારજીનાં. એને દી ચડ્યા છે, મહારાજ! ભગવાન કરે ને આ ગરનારને રા’નો વારસો જાળવનારો કોક આવે, તો મારે ગલઢેગઢપણ વળી કામ મળ્યું! મારી ઈ આશા છે, મહારાજ! ઈ અર્ભકનો વિચાર કરો.’
‘કોણ રાણી છે?’
‘રાણી મેરાણી – એને દી ચડ્યા છે!’
‘પણ દેવુભા! આંહીં સોલંકીઓનો દંડનાયક રહેશે!’
‘તે ભલે ને રે’ બાપ! અમારે તો આ બેઠણું સચવાય રા’નું એટલે બસ!’
દેવુભા ઊંડી સમજથી બોલી રહ્યો હતો. એના મનમાં તો એક હજાર મણ કાષ્ઠના કોલસા જળી રહ્યા હતા. પણ એણે જાણ્યું કે અત્યારે આ રીતે જ રા’ને ઘેર દીવો બળતો રે’શે અને પછી આગળ ઉપર તો જેવો રા’નો છોકરો. સિંહના કાંઈ મોળા હોય? મલક પાછો ઘેર કરશે. અને આ સોલંકી પણ ક્યાં અમરપટો લખાવી આવ્યો છે? ગઢ રે’શે અખંડ, તો રા’નું રાજ રહેશે!
દેવુભાની રમત સિદ્ધરાજ કળી ગયો હતો.. અત્યારે તો એને આમાંથી એને સાંગોપાંગ બહાર નીકળી જવાનું હતું. દેવુભાની વાત, દેશુભાને ગડગડિયું દેવામાં કામ આવે તેવી હતી. આંહીં દંડનાયક હોય, પછી કોઈ ઊઠે ત્યારની વાત ત્યારે! એટલે એણે મોટેથી કહ્યું: ‘દેવુભા! અમારે રા’નો વંશવેલો ઉચ્છેદવો નથી; કોક દી એ હશે તો અમારા મંડળમાં શોભશે!’
‘હા, ભા! હું પણ એ જ કહું છું.’
‘તમારું વેણ અમારે સોમનાથસાખે પાળવું. અર્ભક ગમે એનું હોય, એ તો થાપણ છે. આ તો રા’નું છે. દંડનાયકની દેખરેખ નીચે ભલે મજો કરે!’
‘થયું ત્યારે. મહારાજનું એટલું વેણ હોય તો એને આધારે સોઢલભા વાળ્યા વળે!’
દેવુભાના અંતરમાં એક બીજી વિચારસરણી કામ કરી રહી હતી: ‘સાપનાં પેલાં બચોળિયાં – દેહુભા ને વિહુભા – ઈ કાંઈ મારા બેટા અમથા આ સધરાને પડખે લોટ્યા નહિ હોય! ઈ બેયને આ રખડાવવાનો! ને લીલી ભલે ભેરવજપ કરતી! ખેંગારજી હોય કે ન હોય, પણ આટલું તો એનું વેર વળશે!’
અને રા’ખેંગાર તો સિંહ છે. આણે ભલેને આજે એને વશ કર્યો: પણ એનું નાનકડું, ચાંગળું પાણી પીનારું કોક રહેશે નાં. તો ધાંધણિયાં ધુણાવશે. ને એ વખતે જીવતા હશું તો વળી લાવો મળશે – જુદ્ધભૂમિ જોવાનો – ભગવાન એ દી પણ દેખાડશે!
પોતાની વિચારમાળામાં ઉદયન પડખે આવીને બેસી ગયો છે એ એને ધ્યાન રહ્યું નહિ. ઉદયનના શબ્દે ડોસો દિવાસ્વપ્નમાંથી નેવું વરસે પોતે જુદ્ધમાં ઘૂમી રહ્યો છે એવી ભવ્ય મનોદશામાંથી જાગ્રત થયો.
‘કાં ભા, દેવુભા! મહારાજે પાછું આપને સોંપ્યું છે, તમે ભેગા છો એટલે મને ધરપત છે. બાકી તો સોઢલ નર્યો વજ્જર કટકો છે. ઊપડવું જ છે નાં?
‘હા, ભા! હું તો તૈયાર જ છું! મહારાજ આજ્ઞા આપે એટલે!’ થોડીવાર પછી બંને ઊપડ્યા, ગઢીએ પહોંચ્યા, અંદર શબ્દ કાહેવરાવ્યો. સોઢલ પોતે લેવા આવ્યો, ધીમેધીમે સૌ અંદરના ખંડમાં આવ્યા ઉદયન જોઈ જ રહ્યો. રા’ખેંગાર પડ્યાનો જાણે અહીં શોક જ ન હતો. ખેંગારજીનું મૃત્યુ થયું એ ઘોષણા આંહીં કોઈએ સાંભળી જ નહિ હોય કે શું? આંહીં તો ચારેતરફ ભાટચારણો હજી રણઘેલી બાનીમાં શૌર્યકથા કરી રહ્યા હતાં. ડુંગરા ભરી દેતાં, દાસીઓના રાસડા રા’નાં યશોગાન ગઈ રહ્યા હતાં. રણભૂમિનો ઉત્સાહ આંહીં એનો એ હતો. તેણે ધીમેથી વાત ઉપાડી: ‘સોઢલભા! રા’ તો વીરગતિ પામ્યાં અને અમર થઇ ગયા. હવે તમે સૌ એમની ધર્મક્રિયામાં લાગો. મહારાજ પોતે એમાં રાજલક્ષ્મી વાપરતાં સંકોચ નહીં રાખે, એ કહેવા માટે અમે આવ્યા છીએ. રા’નું મરણ એ તો...’
‘જુઓ, મંત્રીરાજ! તમને કોણે કહ્યું, રા’ મૃત્યુ પામ્યા છે, મહારાજે?’
‘ઘોષણા કરાવી છે મહારાજે પોતે – નાહકનાં માણસ ન મરાય એટલા માટે. એમનો કેકાણ પોતે જાળવ્યો છે. એવી જ એમની પાઘડી જાળવી છે!’
‘ઉદયનજી! તમે મફતના ફીફાં ખાંડો મા!’ સોઢલે રણઘેલી બાનીમાં જવાબ વાળ્યો, ‘રા’ જૂનોગઢના કદી પણ મરણ પામતા નથી! અને રા’ખેંગાર – રા’ અમર છે. એને ગઢીની ધજા તરફ નજર કરી કહ્યું: ‘જુઓ. આ ફરફરે!’
‘આ ભા દેવુભા ત્યાં જ ઘૂમતા’તા. મેં દેખ્યું હોય તો તમે એ ન માનો; પણ દેખનારા આ પોતે રહ્યા! એનું શું?’
‘રા’ ગિરનારના – એને મૃત્યુ ન હોય, મંત્રીજી!’ સોઢલે દ્રઢ વજ્જર જવાબ વાળ્યો: ‘રા’ તો અમર છે. આ જોયા? સોઢલે ચારેતરફની ગિરનારી ડુંગરમાળા ઉપરના અનેક શિખરો ઉપર નજર ફેરવી: ‘આ પડે તો રા’ પડે!’
સોઢલની દ્રઢ વાણીમાં ઉદયને એનો ભીષણ નિશ્ચળ ટંકારવ સાંભળ્યો: એને થયું આ કદાપિ ગઢી નહીં છોડે.
ભા દેવુભા સોઢલની રાજભક્તિ જાણતો હતો. તેણે ધીમેથી કહ્યું: ‘સોઢલભા! વાણી તો તમારી બાપ! સોએ સો વસા સાચી છે. રા’ જૂનોગઢનો, મેં તો કોઈ દી કોઈ મર્યો જાણ્યો નથી! એ તો, ભા! આના જેવો – ભા!’ દેવુભાએ પણ ભીષણ ખડકોની સામે દ્રષ્ટિ કરી: ‘અડગ. અજર અને અમર! એને માથે મરણ નહિ, ભા! રા’ કોઈ મરતા નથી!’
‘મહારાજે કહેવરાવ્યું છે, સોઢલભા, ગઢી સોંપો એટલે શાંતિ સ્થપાઈ જાય.’ ઉદયને બંને જોધ્ધાને વાતના મૂળ વહેણ ઉપર આણ્યા.
‘મસાણની, એમ નાં? મુડદાં શાંતિ માણે, મંત્રીજી! માણસ નહિ,’ સોઢલનો જવાબ આવ્યો: ‘આ ગઢી, અમે, અમારા કુટુંબ-કબીલા, ઢોરઢાંખર ને ઝાડપાન, પા’ણા, પથ્થર ને ખડ, કાં તો સૌ ભેગાં રહેશું ને કાં સૌ ભેગા જાશું! મહારાજને કહેજો, ગઢીના નામનું આંહીં દામોદરકુંડમાં સ્નાન કરી નાખે! ગઢી આ મળે ત્યારે, જ્યારે આંહીં મુડદાના ઢગલા થાય!’
દેવુભાએ તો રા’ના રજપૂતી રંગ જોયા હતા – સોઢલની ગઢી પાંચપંદરે પડે ત્યારે મહારાજ જયદેવના હાથમાં રાખનો ઢગલો જ આવે એ તો ચોક્કસ હતું. પણ એ આવ્યો હતો, પોતાનો એક જરાક જેટલો અમર આશાતંતુ લઈને! સોઢલભાને એ તંતુની જાણ કરવાની હતી. ઉદયનને એણે કહ્યું: ‘મંત્રીજી! તમે બેસો તો અમે બે’ક પેટછૂટી વાત કરી લઈએ!’
ઉદયનને એમાં કાંઈ વાંધો લાગ્યો નહિ. આ કાંઈ થોડા દેહુભા – વિહુભા હતા? ને ભગવાન સોમનાથના શપથ હતાં – સંધિની નિયમાવલી જાળવવાના. તેણે કહ્યું: ‘હા, ભલેને, તમતમારે વાતની ચોખવટ કરો!’
સોઢલ ને દેવુભા અંદર ગયા. એક પાટ પડી હતી તેના ઉપર દેવુભા બેઠા. સોઢલ સામે બેઠો.
‘સોઢલભા! આ સધરાને ઝટ ભાગવું છે!’
‘એટલે તો પ્રભુ! મેં આ ગઢી ટકાવી રાખી છે. એને ભાગવું પડશે. એ ભલેને સાત સાગર તરે – આ તો ખાડી; એમાં એ ડૂબશે!’
‘એની પાસે સેનનો પાર નથી, સોઢલ! સાધનનો પાર નથી. ગઢી પાંચેપંદરે વહેલીમોડી પડશે; પડશે એ ચોક્કસ. એ દગાખોર છે. હઠીલો છે, જોદ્ધો છે ને જાદુગર પણ છે! હજી આમાં આંઈ બાબરું આવ્યું નો’તું!’
‘બાબરું પણ ભલે લાવી જુએ. અમે પણ રા’ના નામે ખપી જઈશું. રા’ જૂનોગઢના મરતા નથી. અમે ખપી જઈશું. તો કોક દી કોક, આવે સમે ખપવા નીકળશે ને રજપૂતી રહી જશે. કેસરિયાં તો આ ખડકેખડકે ખડક્યાં છે! એની ભીષણ ખડકાવલિમાંથી મને તો રાતે એના જ ભણકારા આવે છે. હું ગઢી નહિ સોંપું – થવાનું હોય ઈ થાય!’
‘રંગ છે, સોઢલભા! રંગ છે બાપ! જશ તારો, જગતમાં અમર રહી જાશે પણ, ભા! સાચું બોલજો; તમને કોણ વધારે વહાલું? રા’ની રાજભક્તિ કે તમારો નકલંક જુદ્ધજશ?’
‘હું તો રા’નો પહેલો; મારા જુદ્ધજશનો પણ પછી!’
‘ભારે વેણ કહ્યું, સોઢલભા! ખરેખરું કહી નાખ્યું! રાજભક્તિની વાત કરી તંઈ સાંભળજો. જેવો તમને જુદ્ધનો જશ ગમે છે, એવો અમને પણ ગમે છે. આ ખડકને તમે તો ત્રીસ-પાંત્રીસ વરસ થયાં જુઓ છો; હું એંશી-એંશી વરસથી જોતો આવ્યો છું. એમાંથી તો, બાપ! મેં એવા એવા મા કાલીની બિરદાવલિના છંદ ઊઠતા સાંભળ્યા છે કે, જેનાં તો સપનાંય કોઈને ન આવે. મેં તો એના ખડકને રા’ના વિજોગે રોતા સાંભળ્યા છે. પણ ભા, સોઢલાભા, મેં આ રા’ના વંશવેલાની એક ખૂબી નિહાળી છે: એ વંશવેલો અમર છે. એને ખેદાનમેદાન કરનારા ભલેને ખેદાનમેદાન કરી નાખે, એક પાવળું પાણી પીનારું, એનું કોક અર્ભક પણ, ક્યાંક પેટને આધારે પડ્યું હોય નાં, તો એક દસકો વીત્યે, ગીરના કેસરી જેવું, ઈ ત્રાડ દેતું ઊભું થઇ જાય! હું તો ડોસલો છું. એંશીને આરે ઊભો છું. પણ મનેય આ વાતની ખાતરી છે: રા’ જૂનોગઢનો અમર છે. રા’નું અર્ભક, સોઢલભા, વળી ઊભું થાશે. વળી કેસરી જાગશે! મેરાણી રાણીને એક-બે મૈનાનું ઓધાન છે, ઈ સાંભળ્યું ને આ સધરા પાસે હું નરમ થઇ ગયો છું! મા કરશે મારી જોગમાયા મેં’ર, તો ડોસલો ડોસલો કાં તો પાછો એને પડખે ઘૂમું છું. તમને જશ વહાલો હોય તો ભલે ભા! પણ તમે કહ્યું તેમ, રાજભક્તિ વહાલી હોય તો આ તક છે.’
‘પણ ભા! રા’ખેંગારજી મર્યા હોય – હું એ માનતો નથી!’
‘હું ક્યાં માનું છું? પણ ઈ ગમે તે હોય – આ જેસંગે, હવે એને થોડો સાંસતો મૂકવાનો છે; ભલેને એય બેટો સપનાં માંણે કે, આ સોરઠીને મેં છેતર્યા છે! આપણે એક વખત રા’નું નામ તો ચાલુ રખાવી લો – પછી દેખી લેવાશે. દીના ક્યાં દકાળ છે?’
‘પણ આ ગઢી તો, દેવુભા! અજિત છે!’
‘તો ભલે, બાપ! તમને વીરગતિ મળશે. તમારો પાળિયો પૂજાશે. તમારી નામના થાશે. તમને વૌવારુ ઘૂંઘટમાન આપશે. પણ બાપ! સોઢલભા! રાજ છોડવા સે’લાં છે, કટંબકબીલાની માયા છોડવી સે’લી છે, દેહ છોડવા સે’લા છે; જશ છોડવો અઘરો છે! રા’ને અમર એમણે રાખ્યા છે જેમણે જશ છોડ્યા છે. પાંચ-પંદર વરસ દટાઈ જવું પડશે, ભા, તો ઈમાં શું? દટાઈ જાશું. આ ખડક અમથા ઊભા છે?’
દેવુભાની વાણીથી સોઢલ ડોલી ગયો. એને વિચાર તો ગમ્યો. એણે પણ રા’ના, પડી પડીને ઊભા થનારા ઈતિહાસ જાણ્યા હતા. એના અર્ભકની સેવા કરનારા અમર પુરુષોએ જ વંશવેલને જીવતી રાખી હતી. આજ અત્યારે એ તક હતી. અને આ બાજુ એની જોદ્ધાની અજિત કીર્તિ હતી. એને પસંદગી કરવાની હતી. તે બે પળ વિચાર કરી રહ્યો.
‘અને એ તક આજે જ છે હો, સોઢલભા! કાલ પછી થઇ રહ્યું! સધરા પાસેથી વેણ લીધું છે એટલે કહું છું.’
‘દેવુભા! તો તમે આ ગઢી સંભાળી લ્યો – હું નીકળી પડું!’
‘ક્યાં?’
‘જ્યાં નસીબ લઇ જાય ત્યાં.’
‘એમ નોં’ય, ભા! હું તો ખર્યું પાન. વાત તમને કરી છે શું કરવા? મેં જેસંઘભા પાસે અમૃતના ઘૂંટડા નથી પીધા, ભા! ખોબો ભરી ભરીને ઝેર પીધાં છે. ઈ ઝેર પીવા તમેય ભેળા હાલો બાપ! જેસંઘ આંઈ એનું દંડનાયકડું મૂકશે. અને આપણે ઇનેય સંભાળવો પડશે, અને રા’ના કેસરીનો વારસો સોંપવો પડશે! આ તો ભોંમાં ભંડારાઈ જાવાવાળી વાતું છે, સોઢલભા! તમારા વિના હું એકલો કેટલા દી?’
સોઢલે જવાબ ન વાળ્યો. એનું મનોમંથન શરુ થયું. વાત તો સાચી હતી. એ એક ક્ષણ ધ્રુજી ગયો. એની દ્રષ્ટિ ચારેતરફના ખડકો પર ફરી વળી. પોતાની ગઢીના કોટકાંગરા ઉપર એક ક્ષણ સ્થિર થઇ ગઈ. એણે દેવુભા તરફ નજર કરી. એની નજરમાં શોકનો દરિયો ભર્યો હતો. પણ એટલી જ સ્થિર, શાંત, દ્રઢ વજ્જર મુદ્રા હતી. તેણે ધીમે શાંત વિશોદભર્યા અવાજે કહ્યું: ‘ચાલો, દેવુભા! ક્યાં જાવું છે? સધરા પાસે?’
દેવુભા એને સમજી ગયો. તેણે એને વાંસે પ્રેમથી હાથ મુક્યો: ‘સોઢલભા! આ તો મા કાળકાની બે ઘડીની રમત છે. હું તો ત્રીજા રા’ને ઊભો થાતો જોઈ રહ્યો છું!’