Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 5

જૂનોગઢનાં આંતરિક દ્રશ્યો

જે તીર જોઇને જયસિંહદેવ મહારાજ સ્તબ્ધ થઇ ગયા હતા તે સામાન્ય તીર ન હતું. કોઈકે જાણી જોઇને, જયદેવસિંહ આ રસ્તે છે એ કળ્યા પછી, એ ફેંક્યું હોય તેમ જણાતું હતું, એનો ઈતિહાસ જાણવાનો જૂનોગઢના અંતરંગમાં પ્રવેશ કરવો પડે.

જૂનોગઢની અટંકી ડુંગરમાળાએ પટ્ટણીઓના દાંત ખાટા કરી નાંખ્યા હતા. એમાં જેટલો કુદરતનો, એટલો જ માણસનો પણ હિસ્સો હતો. એ દુર્ગની રચના જ અનોખા પ્રકારની હતી. એનો કિલ્લો સીધી કરાડ જેવો ભયંકર ખડકો ઉપર ઉભો હતો. એને કોઈ પણ બાજુથી પહોંચવું મુશ્કેલ હતું. એમાં પછી આ ખડકોને ફરતી પાણીની ઊંડી પહોળી ખાઈ હતી. ખાઈને ફરતું વિસ્તીર્ણ જંગલ હતું અને જંગલને ફરતો, કૃત્રિમ પાણીપ્રવાહથી બનાવેલો, ચીકણો કર્દમ હતો. મહારાજ સિદ્ધરાજનું ગજદળ એમાં ક્યાંય ખપ આવે તેમ ન હતું. અનેક મદોન્મત ગજરાજો ગિરનારની ડુંગરમાળા સામે ડોલતા ઊભા રહી ગયા હતાં, પણ જ્યાં દુર્ગની જંગલકિલ્લેબંધીમાં જ યુદ્ધ ગૂંચવાઈ ગયું હતું, ત્યાં હજી દરવાજો તોડવાની વાત તો આકાશી સ્વપ્ના જેવી જણાતી હતી! માલવા, ચેદિ અને કર્ણાટક જેવાં મહાન રાજ્યોને હંફાવનારું સોલંકીઓનું ગજસેન આંહીં ઊભું વાહર ખાતું હતું! કુદરત જ વિરુદ્ધ હતી. રા’નો કિલ્લો હજી સુધી તો અણનમ રહ્યો હતો.

કુદરતની આ કરામતને રા’ખેંગાર જેવા રણરંગી પુરુષનો સાથ મળી ગયો, એટલે પછી પૂછવું શું? તમામેતમામ ભીષણ ડુંગરમાળાઓ સજીવન બની ગઈ હતી. આસપાસની હરેકેહરેક નાનીમોટી ટેકરી ઉપર રા’નો રાતદિવસનો ચોકીદાર ખડેપગે ઊભો રહી ગયો હતો. મેદાની જંગલમાંથી એક જરાક જેટલી સોલંકી નિશાની બહાર આવે , કે ચારેતરફથી તીરનો જાણેકે વરસાદ વરસી પડતો. અંધારીઘેરી રાતમાં કોઈ નવું તાપણું દ્રષ્ટિગોચર થાય કે તરત એના ગોફણીયા પડવા માંડે! સોલંકીઓ જંગલમાં છાવણી નાખી પડ્યા હતા; સોરઠીઓ ડુંગરેડુંગર સાચવતા બેઠા હતા. વારંવાર યુદ્ધ થતાં, બે-ચાર છાવણી આમતેમ ફરતી પણ જીવ જેવું કોઈ મહાન  યુદ્ધ હજી ખેલાયું ન હતું. રા’ ખેંગારે ડુંગરમાળાઓને જેવી સજીવન કરી મૂકી હતી, તેવી જ સજીવન તમામેતમામ પગદંડી પણ કરી દીધી હતી.

કિલ્લા બહાર આવો કડક બંદોબસ્ત હતો તો અંદર પણ એટલી જ કડક વ્યવસ્થા હતી. 

પાણી અને અનાજના ભંડાર ભરી દીધા હતા, નવઘણ કૂવામાંથી ખેંચવાવાળા થાકે, પણ પાણીનો કોઈ તાગ જ ન મળે. જાણે પાતાળ ફોડીને પાણીને સેર કાઢી હોય! અડી અને કડી આ બંને વાવોમાં પણ અખૂટ પાણી હતાં. એટલે સોલંકીઓની ચોકી છતાં જૂનોગઢમાં કોઈ વસ્તુની ઊણપ હજી સુધી દેખાતી ન હતી. એ ઊણપ આવે – ત્યાં સુધી રાહ જોતાં તો, જુવાનો વૃદ્ધ થાય ને વૃદ્ધો દામોદર કુંડમાં દેખાય!

દેશ આખામાં રા’ની અણનમ નામનાનો ધ્વજ ફરકી રહ્યો હતો. એને માટે નાનામોટા તમામ ખપી જવામાં ગૌરવ લેતાં થઇ ગયા હતા. એમાં જ્યારે ખબર આવી કે સિદ્ધરાજ તો બર્બરકની મદદે જુદ્ધ જીતવા માંગે છે, ત્યાં તો તમામની નસેનસમાં પાટણના રાજાની હમદર્દી પ્રત્યે એક પ્રકારની ઠંડી ઉપેક્ષા વસી ગઈ! આવતાં ખગ્રાસ સમયે રા’ સોમનાથમાં સમુદ્રસ્નાન કરવા ન જાય, તો દેશ ઉપર ભારે વિપત્તિ આવી પડે, એ સમાચારે પણ ખળભળાટ મચાવ્યો હતો. 

રા’ખેંગાર રાત ને દિવસ ઘોડાની પીઠ ઉપર રહેતો, તો રાણકદેવી જ્યારથી જૂનાગઢમાં આવી હતી, ત્યારથી નારીજગતની સૂરત પણ ફરી હતી. ઢાલો ચકચકિત થયાં કરતી; તલવારો સરાણે ચડ્યાં કરતી; બખ્તરોની સાંકળીઓ સંધાયા કરતી. આખો દિવસ હજારો નારીઓનાં વૃંદગીતો વચ્ચે રણક્ષેત્રની તૈયારીઓ ચાલ્યા કરતી. ક્યાંક ઘાયલની પાટાપીંડી થતી; ક્યાંક મરેલા સૈનિકોના બાળકો દેવી પોતે સોડમાં છુપાવી મોંમાં સુખડી આપતી. ક્યાંક વિધવા નારીનાં આંસુને વીરત્વની વાણીથી અદ્રશ્ય કરી દેવાતાં. કોઈ ઠેકાણે ચોકીદારોની સ્ત્રીઓને કોઠારનું અનાજ સંભાળવા આજ્ઞા થતી. જૂનોગઢ આવું જુદ્ધનું નગર બની ગયું હતું. ઉપલા દુર્ગની ડુંગરમાળામાંથી ક્ષણેક્ષણે ‘જય સોમનાથના’ પડઘા ઊઠતા; એક પણ માનવીના અંતરમાં નમવાની વાત પ્રવેશી ન હતી. ક્યાંય કોઈ ડગતું ન હતું. સિદ્ધરાજ પાછો ફરે તો એને નળબાવળીના ઊંડાં જળમાં રોકી દેવાની ઉત્સાહવાણી હવામાં ગુંજી રહી હતી. પરંતુ આ વજ્જર કિલ્લામાં એક કાચી કાંકરી દેખાતી હતી. 

રા’ની એક બહેન હતી, લીલીદેવી એનું નામ, દેશળ અને વિશળ જેવા નરરત્નોને એણે જન્મ આપ્યો હતો. લીલીદેવીની માન્યતા હતી કે ભાઈ રાણકદેવીને તો લાવ્યો, પણ એના આંહીં સૌ સગાંવહાલાંમાં, ભાઈભાંડુંમાં ને રા’ના તમામ કુટુંબકબીલામાં મોટી બનાવવાનું કામ તો પોતે કર્યું હતું. પોતે ન હોત તો રાણકને નાહી નાખવું પડત! ખેંગાર તો જયદેવનું નાક કાપી આવ્યો; પણ પછી એને આંહીં રાજરાણી તરીકે સ્થાપવામાં તો પોતે જ ભાગ ભજવ્યો. પોતે ન હોય તો રાયઘણ, શેરઘણ, ચંદ્રચુડ કોઈ ખેંગારનું નેતૃત્વ શેના સ્વીકારે? રાજમાતા મરણ પામ્યાં પછી તો સૌ કુટુંબકબીલાને ભેગા રાખવાનું કામ પોતે જ કર્યું હતું. લીલીદેવી માનતા કે એના બંને છોકરા દેશળ અને વિશળ પણ બહાદુર હતાં. હવે ખરી રીતે તો એ મૂરખ હતાં. પણ એમની માન્યતા સાથે જેનો મેળ ન મળતો, એ લીલીદેવીના દુશ્મન થઇ જતા. એવા દુશ્મનને જડમૂળથી ઉખેડી નાખવામાં રા’ના લોહીનો મહિમા રહ્યો છે, એમ લીલીદેવી દ્રઢ રીતે માનતાં, ને સૌને કહેતાં, કે મારી સાથે આખડવાથી કોઈને કાંઈ કાંદો મળ્યો નથી, ને મળવાનો પણ નથી. અમારા રા’નો તો આખો વેલો જ એવો – વરસે તો હીરા-મોતી વરસે. વણસે તો જડમૂળથી કાઢી નાંખ્યે જ જંપે. લીલીદેવીને કોઈ બહુ વતાવતું નહિ – એટલે એ પોતાની એકાકી ગૌરવગાથામાં મગ્ન રહેતાં.

લીલીદેવીને જોઈએ તેટલું મહત્વ મળ્યું હતું. એટલે ગાડું તો ગબડ્યા કરતું હતું. પણ લીલીદેવી માનતાં કે એમનાં બંને બહાદુર છોકરાઓ જ ગઢ જાળવી રહ્યા હતા – અને બીજા કોઈનામાં જોઈએ એટલી આવડત ન હતી. નહિતર બંને તો સિંહના લશ્કરને પણ તગેડી કાઢે એવા હતા! એમની આ માન્યતા ખોટી હતી. એમ જો કોઈ કહેતું તો એમને ખોટું લાગતું, એટલે ધીરેધીરે દેહુભા ને વિહુભા, લીલીદેવીને મન, જૂનોગઢના સ્તંભ થઇ પડ્યા: દેહુભા હોય નહિ ને ઉપરદુર્ગ ટકે નહિ; વિહુભા હોય નહીં ને રા’ ખેંગાર ટકે નહિ. એમનાં આ બંને છોકરા – દેહુભા અને વિહુભા – નાનકડા હતા ત્યારથી જ આ મોટાઈની આગાહી આપી રહ્યા હતા. બીજાને એ સુઝ્યું નહિ તે કોણ જાણે, પણ લીલીને પોતાને તો દીવા જેવું ચોખ્ખું દેખાયું હતું. આ કહેતલ ઘેલા પણ સુણતલ બી ઘેલા જેવી વાત સાંભળતાં સાંભળતાં થાકે તો ભલે, લીલીબા કહેતાં થાકે એ બનતું નહિ, બંને નાના હતા ત્યારથી જ એક ગધેડાને પૂંછડે દોરડું બંધી બીજું ગધેડું બીજે છેડે બાંધતા, ને હોલાને કાંકરી મારી ઉડાડી શકતા. જ્યાં દેહુભાનો પગ પડે ત્યાં વિહુભાનો પડ્યો જ હોય. લીલીબાની આ રામલખણની જોડીનો આખો સળંગ ઈતિહાસ સાંભળનારો રસિયો જીવ હજી સુધી તો જૂનાગઢમાં પાક્યો ન હતો, પણ દેશળ અને વિશળની કથા ગામડાંમાં પણ જ્યાં સંભળાતી ત્યાં હાસ્ય પ્રેરતી!   

લીલીબાના આ દેશળ-વિશળની જુગલ જોડલી જે દી દીનોનાથ સાવ નવરો હશે તે દી ઘડાઈ હશે. જે દી ભગવાન સોમનાથે એ જોડી ઘડી, તે પછી એણે બીજું કાંઈ કામ કર્યું નહિ હોય! એ બંને જણા પણ લીલીબાની પેઠે માનતા કે જૂનોગઢ એમણે ટકાવ્યું છે. દેશુભા વિશુભાને મોટા ગણતા, ને વિશુભા દેશુભાને મોટા માનતા: બાકી, એ બંને સરખા હતાં: વયમાં તેમ જ મૂરખાઈમાં!

આ જૂનાગઢને ટકાવવાનો એટલો બધો ભાર દેશુભા ઉપર હતો કે જરાક જીવને ચેનમાં રાખવા માટે એ રાતે મદ્ય લેતો, ને મોટા ભાઈના પગમાં પગ મૂકવા માટે વિશળ એમાં સાથ દેતો. બંનેને લાગ્યું હતું કે, મદ્ય વિના તો એ મુડદાં થઇ જવાનાં. જીવસાટે દિવસે કામ કરવાનું ને રાત્રે મદ્ય પીવાનું.

દેહુભા વિહુભાને કહેતા કે: ‘નાના! તારા ઉપર ગજબનો કામનો માર છે – એક ચાંગળું વધારે લે, ઠીક રહેશે!’

વિહુભા દેહુભાને કહેતા: ‘મોટાભાઈ! હું તો ઠીક મામાને જાળવું છું, પણ તમે તો જૂનોગઢ આખો જાળવો છો – એટલે મારા સમ જો, આટલું વધારે ન લ્યો તો!’

ને એમ ને એમ દેહુભા ને વિહુભા મોડે સુધી પોતપોતાની અનોખી સ્વપ્નસૃષ્ટિના સ્વામી બનીને આનંદ લૂંટતા!

લીલીબા કહેતાં: ‘છોકરાવ, ‘બચારા જીવ!’ કરે શું? આખા રાજની માથે પડી છે! બેય જણા છે તો બહાર ખેંચે છે. જશમાં તો જે મળે તે – પણ આ આટલું પીણું હાલવા દે તોય ઘણું!’

એમનું એ પીણું કોઈ અટકાવત તો નહીં; પણ એક દી દેહુભાને વિચાર થયો કે, જૂનોગઢની કાળવા દરવાજાની ચોકીના રાસડા જોવા. ત્યાં આજ મામી પોતે ઘૂમે છે!

વિહુભાને તો મોટા ભાઈની વાતની કે’ દી ના હતી?

ઉપડ્યા બંને. ચકળવકળ તો હતાં, ને એમાં આજ નગર આખાનું નારીવૃંદ ત્યાં ટોળે મળ્યું હતું. ગમે તે ક્ષણે હવે સોલંકી સૈન્યનો એક જબરદસ્ત હુમલો થશે એ વાત હવામાં ઘૂમતી થઇ હતી. ઘેરઘેરથી માણસો હથિયાર લઈને બહાર પડે તો જ હાથોહાથની લડાઈમાં સોલંકીઓને હરાવી શકાય. રાત્રે, એટલા માટે નારીવૃંદ રૂંવાડાં ઉભા કરી દે એવી વીરરસની ગરબાતાળી મચાવવા ઘૂમી રહેતું. રાણકદેવી પોતે પણ એમાં ક્યારેક ઘૂમતી. આજે મહાકાલીના દરવાજા પાસે રાણકદેવી આવવાની છે એ વાતથી નગર આખું ત્યાં ઉમટ્યું હતું. 

દેહુભા ને વિહુભા પાસે આવતાં તેમણે માણસોની ત્યાં ઠઠ જામેલી જોઈ. ડુંગર ડુંગર પડઘા પાડતો ઘૂમનારીનો કંઠ અનેક નારીઓએ ઝીલી લીધો હતો અને હવામાં વીરરસની જાણે હેલી આવતી હોય તેમ તાલીઓના રમઝટી પદછંદા ઊઠતા હતા. મીઠ્ઠી વીરરસભરી, પુરૂષાતનને પડકારનારી સ્વરવલિ આવી રહી હતી:

‘હાક પડી વીરનર જાગજો રે...

સજી શૂરા હથિયાર. સજી શૂરા હથિયાર...

રણના રણશિંગા વાગિયાં!

હાં રે સજી શૂરા હથિયાર,

રણનાં રણશિંગા વાગિયાં’.

હવામાં આવતો સ્વર દેહુભા સાંભળી રહ્યો: ‘વિહુભા! સાંભળો તો,’

વિહુભાએ કાન દીધા:

‘હેલે ખાંડા ખેલ,

ખેલે ખાંડાના ખે,

રણનાં રણશિંગાં વાગિયાં!’

‘મામીએ ઉપાડ્યો લાગે છે!’ દેહુભા બોલ્યો.

બંને જણા ઝપાટાબંધ કાલિકા દરવાજા પાસે પહોંચી જવા માટે આગળ વધ્યાં.

મોડેથી જ્યારે બધા વેરાવા માંડ્યા ને રાણકદેવીની પાલખી ને એકાદ બે જણ બાકી રહ્યા, ત્યાં સુધીમાં તો દેશળ ને વિશળ ભાનભૂલી અવસ્થામાં આવી પડ્યા હતાં. ‘દેહુભા! માએ કહ્યું ઈ સાચું છે. હોં – મામી તો મામી છે!’ પોતે ક્યાં બેઠા છે એ જોયા વિના બંને વાતોએ ચડ્યા.

‘વિહુભા! મામી તો મામી છે – પણ મામીને પડખે ઘૂમતી’તી ઈ જોઈ? – પેલી વાણિયણ – શું મારી સાળીનું નામ છે...?’

‘રૂપલી!’

‘હવે જા રે,માળા! એવું રબારા જેવું નામ વાણિયણનું હોય? અને... એ... કહું હમણાં...’ દેવુભાની જીભ લથડતી હતી.

‘ઈનુ નામ છે... લલિતા... ના, ના, સોનલદે, ના ના, રૂપલદે... એ કહું, વિહુભા, કહું... નામ છે ચંદરલેખા!

એટલામાં તો એક નારી ત્યાંથી નીકળી. પોતાનું જ નામ સાંભળતાં એક ક્ષણભર એ થોભી ગઈ. એના ચહેરા પર અગ્નિની ઝાળ જેવો કોપ પ્રગટ્યો. પાછળ જ રાણકદેવીની પાલખી આવી રહી હતી. આગળ ચાલતો મશાલચી ખમચાયો. રાણકદેવીની દ્રષ્ટિ ચંદ્રલેખા ઉપર પડી.

‘કેમ, શું છે...? કેમ અટકી ગઈ, દીકરી? છે કાંઈ?’

‘કાંઈ નથી...’ ચંદ્રલેખાએ પ્રત્યુત્તર વાળ્યો: ‘મા કાલકાનો ચોક છે – એટલું ધ્યાન રહેતું હોય! જે દી ચોસઠ ભુજાળી કોપી તે દી કંઇક ગિરનારી કિલ્લા ભોંભેગા થઇ જશે! કોણ છે આંહીં?’

રાણકદેવીએ ડોકું બહાર કાઢ્યું: દેશળ અને વિશળ બે જણાને બેઠેલા દીઠા. દેશળે જરાક હાથ લાંબો કર્યો. વિશળ બોલી ઉઠ્યો:

‘મામી – મામી! ઈ... આ.. જરાક ચંદરલેખાને દેહુભા પાસે મોકલો તો?’

‘અરે! આ તો દેશુભા ને વિશુભા! આવી રીતે આંહીં ક્યાંથી? બેટા! તું તારે જા... એમનું ભાન ઠેકાણે નથી!’

‘હા... હા... હવે તો રા’ના કટંબી ઈ જ કરશે ના...? મદ્ય પીશે ને વહુ-દીકરિયું ઉપર નજર માંડશે... તો હવે રા’પણું થઇ રહ્યું!’ એક વૃદ્ધ જેવો શેઠિયો ધીમેધીમે પાછળ આવી રહ્યો હતો તે સાંભળતાં જ બોલી ઉઠ્યો.

રાણકદેવીએ એનો અવાજ ઓળખ્યો. હાથ જોડ્યા: ‘મહાજન, હું પણ આંહીં જ હતી... એ કેમ ભૂલો છો? અલ્યા કોણ છે ત્યાં?’

‘મામી, ઈ તો દેહુભા છે!’ વિશળ બોલ્યો.

‘મામી, ઈ તો વિહુભા છે!’ દેશળ બોલ્યો.

‘મામી! દેહુભા તમને રૂપાળાં માને છે...!’

‘લ્યો... બાપ! માથે કટક ગાજે છે, ને આ રા’ની રીત... બેટા! ટુ મારી સાથે જ ચાલ. રા’ની રીત હવે મરી પરવારી!;

પેલા વૃદ્ધ શેઠ ચાલી નીકળ્યા. 

રાણકદેવીના જવાબમાં બે-ત્રણ જોદ્ધાઓ આ તરફ દોડતા આવી પહોંચ્યા હતા: ‘અલ્યા, કોણ છે? વીરમ! તું છો કે? દહુભા ને વિહુભાને પકડો – બેયને અત્યારે જ હેડમાં પૂરી દ્યો...! આ શું? આંહીં તો ઘેરઘેરથી નારી આવે છે. પૂરી દ્યો એમને અત્યારે, વીરમ!’

વીરમ આગળ વધ્યો. એટલામાં તો એને કાને પડકાર આવ્યો: ‘ખબરદાર, એમનો એક વાળ વાંકો થયો છે તો? કોણ એને પકડવાનું કહે છે?’ લીલીબાને અચાનક આવેલાં જોઇને વીરમ થોભી ગયો. તેને શું કરવું એ એક ક્ષણ સુઝ્યું નહિ. તે બે હાથ જોડીને રાણકદેવી તરફ જોઈ રહ્યો.

‘બા! એમણે શેઠની દીકરીનું અપમાન કર્યું છે – ચંદ્રલેખાનું!’ રાણકે કહ્યું.

‘કોણે, દેહુભાએ?’

‘બેય જણાએ. મદ્ય પીધો લાગે છે!’

‘મદ્ય તો લેવો પડે... ભાભી! તમને પાલખીમાં બેઠાં બધાં સપનાં આવે છે.’

લીલીબાનો અવાજ કટાક્ષમય હતો: ‘એ બચારાને માથે માથું ક્યાં છે? તમારા સાટુ થઈને લીલાં વઢાવે એનો આ બદલો, એમ નાં? દેહુભા... હાલો, ઘેર હાલો...!’

‘પણ બા... આપણે રા’ને...’

‘રા’ તમારો ધણી છે, પણ મારો તો ભાઈ છે, હોં!’ લીલીબાએ તો આડેધડ વાત વહેતી મૂકી. ‘તમે એને જોયો – જુવાન થ્યો ત્યારે; મેં તો જોયો છે – અવડોક હતો ત્યારે! ખેંગાર તો રૂપે મઢી નારી દેખે – એટલે પછી બે બદામનો! એમાં ઈને શું પૂછવું’તું? તમે કહેશો કે ચાંદો કાળો છે તો ખેંગાર કહેશે હા. કાળોધબ છે!’

પડખેની શેરીમાંથી કોઈકના પગલાં સંભળાયાં, ને તરત પાછળથી અવાજ આવ્યો: ‘અલ્યા! કોણ ત્યાં મશાલ લઈને ઉભું છે? ખબર નથી – માથે કોનું વેર ગાજે છે? કોણ છે એ?’ રા’નો પોતાનો અવાજ સાંભળતાં એક ઘડીભર તો સૌ સ્તબ્ધ થઇ ગયાં. ‘કોણ? લીલીબા છે?’ રા’એ એવાજ ઓળખી કાઢ્યો હતો: ‘અને આ કોણ? દે? હજી તમે ઘૂમો છો? આંહીં કેમ થોભી ગયાં?’

‘આ... જરાક લીલીબાને દીઠાં...’

‘ઈમ મોળું કેમ બોલ્યાં, ભાભી? સાચી વાત કરો ને!’

‘શું છે, દે? આ કોણ બે જણ આંહીં બેઠા છે? દેહુભા છે? ને એ કોણ? વિહુભા? વીરમ! કેમ તું ત્યાં ઉભો છે?’

‘દેવીનો હુકમ છે.’ વીરમ બોલ્યો.

‘શો?’

‘કોણ રૂપાળું, વિહુભા! મામી કે ચંદરલેખા?’ દેહુભાનું થોથરાતું લવન રા’ને કાને પડ્યું. રા’ ચમકી ગયો; એ વાત કળી ગયો. ‘લીલી!’ રા’ નો અવાજ ફરી ગયો; ‘મેં એ વાત બહુ વખત સહી લીધી છે, હવે નહિ સહું, હોં! પેલી ઉપરદુર્ગની ભૈરવ બારી તેં જોઈ છે નાં?’

‘હા, ભાઈ! કેમ જોઈ નથી? તેં જોઈ છે ને મેં પણ જોઈ છે!’ લીલીબાનો જવાબ તોછડો હતો.

‘તો આ તારાં બેય રતનને ઘેર સાચવતી જા.  નીકર હું ભૈરવ બારીએથી બેયને હેઠે ફંગોળી દેશ!’

‘તુંય જાદવકુળનો છો નાં, ભાઈ! એમાં ભાણેજે મામાને માર્યો તો; આમાં મામો ભાણેજને મારે છે!’

‘પણ તઈં એને ઘેર રે’વા દો!’

‘ઘેર નાં? ઘેર પણ રે’શે, એમાં શું? પછી ગઢ ખેંગારજી! તમે સાચવી રહ્યા! દેહુભા છે, વિહુભા છે. ઈ તો કટંબી જ કટંબીનું કાપે. બાકી રાતદીની મે’નત ઉપર બે પાવળાં પાણી લ્યે એય તમારી આંખે ચડે છે, એમ ઘેર તો બેય રે’શે, લ્યો, પણ પછી જુદ્ધ આકરું પડશે ભા! ભાભી કરતાં ભાઈ ચડ્યા. ભાભીએ તો હેડમાં પૂરવા કહ્યું’તું, ભાઈએ તો ફંગોળી દેવાની વાત કરી. દેહુભા, ઘેર હાલો બેટા! આપણા કરમમાં જશરેખા નથી! તારો બાપ રા’ ના જુદ્ધમાં મર્યો – આજ એનો બદલો રા’ આપણને આપે છે! હાલો હેડમાં નથી પુરાવું.’

‘તમે – દે! હેડનું કહ્યું છે?’

‘રા’ મારા! આ કોટકિલ્લો ત્યાં સુધી નભશે કે જ્યાં સુધી ચોસઠભુજાળીનું મન રે’શે. દેહુભાએ કોકની દીકરી સામે આંગળી ચીંધી – એ દીકરી કોકની નહિ આપણી હતી!’

‘ભાભી! તમને બોલવાની ફાવટ તો ઠીક છે હોં – ’

‘લીલી! રા’એ કરડાકીથી કહ્યું, ‘તું બોલતી બંધ થા – ’

‘નહિતર?’

‘તમે હવે જાવ, દે! મેં હમણાં જ નગરશેઠને રસ્તામાં જતા જોયા. મને દેખીને કોઈ દિવસ નહિ ને આજે એ આડું જોઈ ગયા.એનો ભેદ હવે સમજાયો. વીરમ! દેશળ-વિશળને હેડમાં પૂરી દ્યો!’

‘ખબરદાર! અલ્યા –’

‘વીરમ! હું કહું છું તેમ કરો. પાલખી ઉપાડો અલ્યા!’

દેની પાલખી ઉપડી ગઈ. રા’એ લીલી સામે જોયું: ‘લીલી! કાં તું નહિ, કાં તારા છોકરા નહિ – મારે રા’પણું ખોવું નથી. વીરમ! એ બંનેને અલ્યા! હેડમાં લઇ જા ને માથે પાણીનો હાંડો રેડ જા –’

‘ખેંગારજી! રાજ ખોઈ બેસશો, હોં. મેં પણ રા’ના ગોળાનું પાણી પીધું છે. એક વખત વિચાર કરી જુઓ; તમને આ રૂપાળી બેય જણાએ પાટણ જઈને લાવી આપી – તો આજ આ સમો આવ્યો!’ લીલીબાનો સીનો ને સ્વર બંને ફરી ગયા. 

‘લીલીબા! તમારે બે દીકરા જાળવવા છે; મારે મા કાલકાની સોંપેલી હજારો દીકરિયું જાળવવી છે. જે દી જાળવવાની તાકાત નહિ હોય નાં, તે દી પછી આના દાતરડાં કરીને ખડ વાઢવા બેસીશ, જા!’ રા’એ પોતાની સમશેર ઉપર હાથ મૂક્યો: ‘રાણંગ! લીલીબાને ઘેર પહોંચાડી આવો. મફતની વાત વધી જશે!’

‘મારે કોઈનું કામ નથી ખેંગારજી! હું મારો રસ્તો કરી લે’શ! લીલીબા અણનમ રહીને ચાલી નીકળી. જતાંજતાં તેણે ઘા કર્યો: ‘ભાણેજને હેડમાં પૂરીને બહેનને મનાવવા નીકળ્યા છે ભાઈ!’

ત્યાર પછી તો લીલીબા અદ્રશ્ય થઇ ગઈ – ક્યાં ગઈ એ પત્તો ન લાગ્યો: કેવી રીતે, એ ખબર પણ ન મળી. જૂનોગઢમાં જ ક્યાંક છુપાઈ રહી હોય, કે ગમે તેમ, પણ એ ગઈ એ ગઈ. રા’ને એ સંદેશો મળ્યો, ત્યારે દેશળ ને વિશળ એ સંદેશો આપનારની પાછળ જ ઉભા હતા. દેશળ એ સાંભળીને બોલ્યો” ‘મામા! અમારાં માથાં તો આંહીં જ પડશે – મા ભલે અદ્રશ્ય થઇ જાય, કે એને ઠીક પડે તે કરે!’

વિશુભા બોલ્યો: ‘મામા! અમે માથાં આંહીં જ રાખ્યાં છે – જ્યારે ખપ પડે ત્યારે માગજો!’

રા’ને લીલી ગઈ એ વસ્તુ ખટકતી હતી. એટલે આ બંનેને તો હવે સાચવવાના જ હતાં. એ કાંઈ બોલ્યો નહિ, પણ રાણંગને પછીથી કહ્યું: ‘રાણંગ! આ બેયને સાચવજો! હવે એ બેય ભોણમાં બેઠેલ ભોરંગ જેવા છે! એમને બહાર જવા દેવાય તેમ નથી, ને ઘરમાં રાખવા પણ પોસાય તેમ નથી! અને લીલીનો પત્તો પણ મેળવજો – ભલું હશે તો જૂનોગઢમાં જ ક્યાંક ભોંયરામાં બેઠી હશે. એ હાથ આવે તો આ બેય રતન પાછાં એને સોંપી દેવાં છે. પણ ત્યાં સુધી તેમને નજરમાં રાખજો. માન એમનું જાળવજો, પણ હવે એનાથી ચેતતા રે’જો!’

અને એ જ સમે દેવુભા વિશુભાને કહી રહ્યો હતો: ‘વિશુભા, હવે એક વાતનું ધ્યાન રાખજો: મા રસ્તો માપી ગયાં, એટલે બધાં ચેતી ગયાં છે. કોઈ રસ્તે ચકલુંય ફરકી શકશે નહિ. આપણે ચોવીસે પહોર જાગ્રત રહો. સિદ્ધરાજને દેખવો કે તીરે દેવો!’

‘તીરે દેવો, દેશુભા!’

‘તું તારે તીર ફેંકજે ને – એને વાગે નહિ ને આપણું કામ થાય. આટલું ચબરખું ભેગું બાંધી રાખવું. લાગે તો તીર...!’ દેશુભાએ એક નાનકડો વસ્ત્રલેખ વિશુભાને આપ્યો.