જયસિંહ સિદ્ધરાજ
ધૂમકેતુ
૧
સોમનાથના સમુદ્રતટે
ચન્દ્રમૌલીશ્વર ભગવાન સોમનાથના મંદિરનો હંમેશનો નિયમ પ્રમાણે થતો, રાત્રીનો છેલ્લો ઘંટાઘોષ, સમુદ્રના જલતરંગો ઉપર થઈને દૂર દૂરનાં અગાધ નીરમાં શમી ગયો. રાત્રે ખડો ચોકીપહેરો કરનાર પહેરેગીરો કોટની હૈયારખી પાસે તરત દેખાયા. તેમણે અરસપરસ પોતપોતાની જગ્યા સાંભળી લીધાનો સંકેતશબ્દ આપી દીધો. થોડી જ વારમાં ફરસબંધી ઉપર થઈને, મુખ્ય દ્વાર તરફ જતો કોઈની ચાખડીનો અવાજ કાને પડ્યો. મઠપતિ મુખ્ય દ્વાર તરફ જઈ રહ્યા હતાં – રાત્રિની છેલ્લી ઘોષણા આપવા. એની પાછળ-પાછળ એક સાધુ ચાલતો હતો.
તે મંદિરના મુખ્ય દ્વાર ઉપર પહોંચ્યો. દ્વારપાલો ભાલા નમાવીને તેને પ્રણમી રહ્યાં. નગારા ઉપર છેલ્લો ડંકો થયો: એક ઘંટો પડ્યો અને વનનાં વન જગવી દેતો શંખનાદ સંભળાયો. મઠપતિ દ્વારમાંથી બહાર નીકળી પગથિયાં ઉતરતા દેખાયા. પગથિયાં ઉતરી બે-ચાર પગલાં આગળ વધ્યા; ઘડીભર ત્યાં શાંત ઉભા રહ્યા. ઉંચે દ્વારમાં જલી રહેલી બંને બાજુની દીપિકાએ એમના પડછાયાને લાંબેલાંબે સુધી મેદાનમાં વિસ્તરતી કોઈ મહાકાય આકૃતિ જેવો દેખાવ આપી દીધો હતો.
તેમણે બુલંદ અવાજે મેદાનમાં ફરી વળે એવો નિર્ઘોષ કર્યો: ‘કોઈ નંગા, ભૂખા, અશક્ત, દુઃખી, દીન, સંસારસંતપ્ત હો – ભગવાન કે ઇસ દરબાર મેં આ જાવ, દરબાર મેં આ જાવ! દરબાર સબ કે લિયે ખૂલા હૈ – સોમનાથ ભગવાન કે નામસે મૈ મઠપતિ કૈલાસરાશિ સ્વયં આનંદ સે નિમંત્રણ દેતા હૂં... કોઈ ભી હો... બિના સંકોચ આ જાવ. આરામ સે આ જાવ... સોમનાથ કા રાજભવન ખૂલા હૈ... સબ કે લિયે, - દુખી કે લિયે, દીન કે લિયે, હીન કે લીયે, સંતપ્ત કે લીયે, સાધુ કે લિયે, અસાધુ કે લિયે, સબ કે લિયે... કોઈ ભી હો, આ જાવ...’
મંદિરના ઘુમ્મટમાંથી પડધા પાડતો એનો અવાજ પાછો ફર્યો ન ફર્યો અને થોડે દૂર મેદાનમાંથી આ તરફ ઉતાવળે ધસતી આવતી કોઈ એક કાળી આકૃતિ કૈલાશરાશિની નજરે પડી...
દ્વારપાલોને કાંક નિશાની આપવા માટે પાસે ઉભેલો સાધુ હાથ ઉંચો કરવા જતો હતો, તેને મઠપતિએ રોકી દીધો: ‘ઇશાન! થોડી વાર થોભ..... કોઈ આવતું જણાય છે. કોણ છે? જો તો કોઈ મૈયા આતી હૈ?’
એટલામાં આવનારની આકૃતિ વધારે સ્પષ્ટ થઇ. આછી વાદળ-ગળતી ચાંદનીમાં થઈને એક નારીને પોતાના તરફ ત્વરાથી આવતી કૈલાસરાશિએ જોઈ. તે આશ્ચર્ય પામ્યો. પેલી સ્ત્રી તેની વધુ નજીક આવી પહોંચી. તે શ્વાસભેર હતી, દોડી દોડીને તે થાકી ગયેલી જણાતી હતી.
‘કોન હો.... મૈયા, તુમ? કિધર સે આતી હો? ઇતની દોડતી હો કયું?’
‘હું.... હું.... હું.... તો મહારા....’ પેલી સ્ત્રી બોલી શકી નહિ. તેનો અવાજ ધ્રૂજતો હતો.
‘કુછ ફિકર નહિ, મૈયા!’ કૈલાસના અવાજમાં જાણે કે પોતે શિશુભાવે બોલતો હોય એવી મૃદુતા આવી બેઠી: ‘કોઈ ભી હો.... આ... ઓ! આ જાવ, મૈયા! તુમ ક્યા ચાહ...’
પણ કૈલાશરાશિનો શબ્દ એના મોંમા અધૂરો રહી ગયો. પાછળ મંદિરના દ્વાર ઉપરથી એક સત્તાવાહી જણાતો અવાજ આવ્યો.: ‘મઠપતિજી! એને આશ્રય ન દેતા.... એના ઉપર પહેલો અધિકાર રાજનો છે!’
કૈલાસે ત્વરાથી પાછળ વળીને જોયું, ત્યાં દ્વારમાં નખશિખ આયુધસજ્જ એક જુવાન યોદ્ધો ઉભેલો તેની નજરે પડ્યો. દેખીતી રીતે મંદિરના બીજી તરફના દ્વારેથી અંદર પ્રવેશીને હમણાં જ તે આંહી આવી પહોંચ્યો હતો. તાજી મુસાફરીનાં ચિહ્ન એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતા હતા. દ્વારપાલોએ આડા ધરેલા ભાલાથી એ જરાક આગળ વધતો થોભ્યો, પણ કૈલાસરાશિની એક સહજ નિશાનીએ દ્વારપાલો આઘા ખસી ગયા. પેલો યોદ્ધો, રાશિની દ્રષ્ટિ પડતાં હાથ જોડીને તરત તેને નમ્યો. પગથિયાં ઉતરતો તે રાશિ તરફ આગળ વધ્યો: ‘હું એક ક્ષણ મોડો પડ્યો....’ પાસે આવતાં જ તેણે કહ્યું. ‘બીજે ટૂંકે રસ્તેથી આવ્યો, તોપણ.... પરંતુ મને મહાઅમાત્યજીની આજ્ઞા છે – આમને લઇ જવાની....’ તેને પેલી નારી ઉભી હતી તે તરફ હાથ લંબાવ્યો.
‘પણ તમે.... તમે કોણ છો?’ રાશિનો અવાજ કાંઈક કડક થયો, ‘તમારો અધિકાર શો? તમને હું ઓળખતો નથી.... એટલે કે મેં તમને જાણ્યા નથી.’
‘મને ઓળખતા નથી? મને ન ઓળખ્યો, મઠપતિજી? હું... હું... તો...’
તે કૈલાસરાશિની વધુ નજીક સર્યો. તેણે પોતાનો જમનો હાથ લાંબો કરીને ટચલી આંગળીમાં ધરેલી એક રાજમુદ્રા દેખાડી. ચંદ્રકિરણમાં એનું મહામોલું નંગ દીપકનો પ્રકાશ ઝીલતું ચળકી ઉઠ્યું. એક ક્ષણભર કૈલાસરાશિ સ્તબ્ધ થઇ ગયો.
‘તમારા અધિકારનો તો જાણે કોઈ પ્રશ્ન નથી...’ તે બોલ્યો, ‘સોરઠી સેનાના તમે મહાસેનાપતિ જણાઓ છો, તે હશે... પણ...’
‘મહાઅમાત્યની આજ્ઞા પરથી મારે મારતે ઘોડે અચાનક જ આવવું પડ્યું છે. એટલે કોઈ સૈનિક સાથે નથી. હજી મારો ઘોડો તો પેલી બાજુના દ્વાર પર હાંફતો ઉભો છે. તું દ્વાર પાસે મને જરાક વાર થઇ.’
‘ત્યારે સેનાપતિ પરશુરામ કહે છે એ જ તમે પોતે?’ કૈલાસરાશિએ પ્રશ્ન કર્યો.
યોદ્ધાએ જવાબમાં બે હાથ જોડી માથું નીચે નમાવ્યું, ‘હા મઠપતિજી! મારું નામ પરશુરામ!’
રાશિ થોડી વાર કાંઈ બોલ્યો નહીં.
પણ પરશુરામની અધીરાઈ વધતી જતી હતી. એને તો તરત પાછા વળવાની તાલાવેલી હતી. એક-એક ક્ષણ કીમતી હતી. પણ બાવાજીને કાંઈ ઉતાવળ હોય તેમ લાગ્યું નહિ.
‘મહાઅમાત્યની મને આજ્ઞા છે, મઠપતિજી!’ તે ઉતાવળે બોલ્યો. ‘સવાર પહેલાં મારે પાછું ત્યાં છાવણીમાં પહોંચી જવું જોઈએ. આ સ્ત્રી કોઈ જાણભેદુ છે. એની પાસે યુદ્ધને ઉપયોગી ઘણી વાતો છે. મારી દરેક ક્ષણ કીમતી છે. એને મારે તરત સાથે ઉપાડવાની છે... તેમ કોઈ સાંઢણીનો અને હાંકવાવાળનો બંદોબસ્ત કરો... કોઈકને બોલાવો...’
પણ કૈલાસરાશિ એના શબ્દ સાંભળતો હોય એમ લાગ્યું નહિ. તેની નજર મંદિર ઉપર, પવનમાં ફરફરતી ભગવાન સોમનાથની ગેરવી ધજા પર જાણે મંડાણી હતી. સોનેરી ઘૂઘરીઓના ત્યાંથી આવતા મંદ રણકારમાં તલ્લીન થયો હોય તેમ, જરાક ઉન્નત મસ્તકે, અર્ધમીંચ્યા નેણે, ધજાને જોતાંજોતાં જાણે એ સમાધીસ્ત થઇ ગયો હોય એટલો સ્વસ્થ-શાંત, ઉભો હતો, તેમ જ ઉભો રહ્યો.
પરશુરામને વખત વહી જતો લાગ્યો. તે અધીરો થયો: ‘રાશિજી! મઠપતિ મહારાજ! મારો સૈનિક સાંઢણી લઈને વખતે આવતો તો હશે... પણ મારે તત્કાળ ઉપડવું જોઈએ. આ તો જુદ્ધના મામલા છે... કોઈકને...’
રાશિએ હવે તેની સામે જોયું. પરશુરામને એની આંખમાં અનોખા તેજની ઝાંખી થઇ. એણે મઠપતિના આગ્રહી, ગૌરવશીલ, સ્વમાની સ્વભાવ વિશે ઘણું સાંભળ્યું હતું. તે મનમાં જરાક અશાંત થઇ ગયો. એટલામાં એને કાને મઠપતિનો દ્રઢનિશ્ચયી અવાજ સંભળાયો: ‘તમે શિશુ છો... સેનાપતિજી! તમને ખબર ન હોય પણ આ તો ભગવાન સોમનાથની છત્રછાયા છે... આંહીંના અભયદ્વારથી કોઈ દિવસ કોઈ પાછું ફર્યું જાણ્યું નથી. – આંહીંની એ ધર્મપ્રણાલિકા છે!’
‘પણ આ તો જાણભેદુ નારીની વાત છે. ચર છે. એમ જ સમજો ને! અને વળી આ જુદ્ધનો સમો છે...’
‘સમો જુદ્ધનો હો કે ન હો, મૈયા ચર હો કે જાદુગરણી હો, કે ગમે તે હો, ભગવાનકી છાયા મેં આવે વો હી અભય પાવે... ચલો... માતાજી!’
પણ મઠપતિ! મને તો મહાઅમાત્યની આજ્ઞા છે...’ પરશુરામે એકદમ કહ્યું, ‘મહાઅમાત્ય મુંજાલ મહેતા!’
‘કોઈની પણ આજ્ઞા હો... પરશુરામજી!’ રાશિનો અવાજ વધારે દ્રઢ થયો: ‘આંહીં તો આની એક જ આજ્ઞા સર્વોપરી છે!’ તેમણે પોતાનો જમનો હાથ લાંબો કરીને સોમનાથના ધ્વજ તરફ સૂચક અંગુલીનિર્દેશ કર્યો. ચંદ્રના ઉજ્જવલ કિરણોમાં એ હાથ મહાભારતી જમાનાના ઋષિમુનિના ઉર્ધ્વબાહુ જેવો શોભી ઉઠ્યો.
‘મહારાજજી! ગુરુમહારાજ! મઠપતિજી!’ પરશુરામનો અવાજ ઉતાવળો, અશાંત, વ્યગ્ર હતો; પણ તે સમજાવટનો ધ્વનિ પ્રગટાવતો હતો: મહાઅમાત્ય મુંજાલની આજ્ઞા અને મઠપતિનો દુરાગ્રહ – એ બંને વચ્ચે એને પોતાનો માર્ગ રૂંધાતો જણાયો. ‘તમે નાહકના આ ઉલળ પાણા પગ પર મારો છો. એ કોણ છે તે અમે જાણતાં નથી, તમે પણ જાણતાં નથી. તપાસતાં ખાતરી થશે કે કોઈ જાણભેદુ નથી, તો હું પોતે જ એને પાછી મૂકી જઈશ બસ? નાહકની આ ઉપાધી તમારે અહીં શું કરવા? કદાચ થોડી વારમાં મહાઅમાત્યજીને આવ્યા બતાવું!’ છેલ્લા વાક્યની અસર વિશે, એણે ખાતરી રાખી હતી. પણ સામે ઊભેલો મઠપતિ નર્યો લોહનો આદમી હતો.
‘પરશુરામજી! મહાઅમાત્ય આવે, મહારાજ જયસિંહદેવ આવે, કે સોરઠનો રા’ ખેંગાર પોતે આવે, ગમે તે આવે - ’ ખેંગારનું નામ આવતાં પેલી સ્ત્રી જરાક ચમકી ઉઠી હોય તેમ લાગ્યું. પરશુરામની તીક્ષ્ણ દ્રષ્ટિએ એ ભેદ તરત પકડી લીધો. એના વિશેની વધુ ખબર મેળવવાની એની અધીરાઈ વધી ગઈ પણ કૈલાસરાશિ ડગે તેમ લાગ્યું નહિ, તેને યોદ્ધાને ઉચિત ભાષા પકડી:
‘તો તો મારે મહાઅમાત્યની આજ્ઞા પ્રમાણે જ કરવું પડશે!’
‘કરવું પડશે એટલે?’ કૈલાસરાશિનો સ્વર વધુ તીવ્ર બન્યો, ‘પરશુરામજી! તમને ખબર લગતી નથી, તમે ક્યાં ઉભા છો? આ સોમનાથી સમુદ્રનું સાંનિધ્ય છે. ભગવાન શ્રીકૃષ્ણ જેવાનાં ચરણ આંહીં ફર્યાં છે; આંહીં વીર અર્જુન જેવા આવી ગયા છે. ચૌલુક્યરાજ અજીત ભીમદેવ જેવાએ આંહીંના રક્ષણાર્થે જીવન સમર્પણ કરવાનો લ્હાવો લેવાનું મન કર્યું હતું. સોમનાથને દ્વારે કોઈ ને કોઈ માડીજાયો રજપૂત તો ગમે તે સમે નીકળવાનો. આવી વાત ઉપર દેહ સમર્પી દેનારા તો તોલે મળવાના. આ પણ ભૂમિ છે દેવભૂમિ. આંહીં આ સમુદ્ર અચળ છે. આંહીંની ધજા અચળ છે. આંહીંની પ્રણાલિકા અચળ છે. એટલે કરવા-કારવવાની વાત જવા દો. મહાઅમાત્યજીને કહેજો કે મઠપતિએ ના પાડી! મૈયા આંહીં જ રહેશે!’
‘પણ હું એમ બોલું શી રીતે? ક્યે મોંએ બોલું? મારાથી એમ બોલાય કેમ? આ તો જુદ્ધનો સમો છે, આ બધો જુદ્ધનો પ્રદેશ છે. હું આંહીંનો સેનાપતિ છું. આંહીં સત્તા – રા’ ખેંગારની નહિ – મહારાજ જયસિંહદેવની ચાલે છે. અત્યારે સિદ્ધરાજ મહારાજની આજ્ઞા અહીં સર્વોપરિ છે! તમારે એ સ્ત્રીને અમારે શરણે આપવી જ પડશે...!’
‘ઈશાન! કૈલાસરાશિએ દ્રઢ અવાજે કહ્યું, ‘ભગવાન શંકરના ડમરુનો મહિમા આમને જરા સમજાવો. ભલે એ જાણતાં કે મંદિરના શંખનાદમાં રણભેરીના અવાજ પણ કેમ હોય છે!’
‘કેમ, યુદ્ધ આદરવું છે?’
‘સોમનાથી સમુદ્રે અનેક જોયાં છે: એક વધારે, ઇશાન!’ પરશુરામની પાછળ કોઈક આવીને ઉભું હતું – એની તરફ ઈશાનની દ્રષ્ટિ વળી. પરશુરામ ચમકી ઉઠ્યો. એના ખભા ઉપર કોઈનો હાથ પડ્યો હતો. તેને સફાળા પાછળ જોયું. દાઢીવાળો બ્રહ્મચારી જેવો કોઈક માણસ ત્યાં ઉભો હતો. એની ડોકમાં રુદ્રાક્ષની માળા હતી. કપાળમાં ભસ્મનું ત્રિપુંડ હતું, સમશેરને બદલે હાથમાં ભગવાન ચન્દ્રમૌલીશ્વરના નામનો બેરખો અત્યારે ફરી રહ્યો હતો; પણ દેખીતી રીતે એ હાથ સમશેરધારીનો હતો. એનાં વસ્ત્ર ગેરવા રંગનાં – સંન્યાસી જેવાં હતાં. એને જોતાં પરશુરામ એક ક્ષણ તો સ્તબ્ધ જ થઇ ગયો. પણ બીજી જ પળે એણે એને ઓળખી કાઢ્યો: ‘અરે! આ તો પરમારજી!’
સંન્યાસીના વેશમાં જગદેવ પરમારને પોતાને ત્યાં સામે ઉભેલો એણે જોયો.