Featured Books
શ્રેણી
શેયર કરો

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 8

મહાઅમાત્ય મુંજાલ

સાંજ પડવા આવી. પૃથ્વીને વીંટળાઈ વળતું અંધારું ચારેતરફથી દોડતું આવ્યું. આકાશપૃથ્વીની વચ્ચે સેંકડો તારાઓ ઊગી નીકળ્યા હોય તેમ, ડુંગરેડુંગરે દીપમાલાઓ પ્રગટી નીકળી. સૈનિકોને સાવધ રહેવાની સૂચના આપતો શંખનાદ થયો. પણ દસોંદી લાલ ભાટ કે મઠપતિ કૈલાસરાશિ – બેમાંથી એક આવવાના ચિહ્ન હજી મુંજાલને ક્યાંક દૂર ક્ષિતિજમાં પણ જણાયાં નહિ.

હરપળે એમના આવવાની રાહ જોતો મહાઅમાત્ય આમથી તેમ અધીરાઈમાં ટહેલી રહ્યો હતો.

એના મગજમાં અત્યારે જૂનોગઢનું યુદ્ધ ઘૂમી રહ્યું હતું, એ જુદ્ધે મોટાને નાના કર્યા હતા; નાનાને નકામા ઠરાવ્યા હતા, અનુભવી સેનાપતિઓને એક કોડીની કિંમતના બનાવ્યા હતા; મુત્સદ્દીઓને મામુલી ગણાવ્યા હતાં; પાટણના ગજેન્દ્રોને ગધેડા કરતાં નપાવટ મનાવ્યા હતા – તમામેતમામ ગણતરીને ખોટી પાડીને એ ચાલતું હતું. જેને ઘડીના છઠ્ઠા ભાગમાં હણવાના મહારાજ સિદ્ધરાજને કોડ હતા, તે સોરઠનો રા’ ખેંગાર, દેવ જેવો અમર લાગતો હતો. ને રાણકદેવીને નામે માનતાઓ ચાલતી. જૂનોગઢનો કિલ્લો – સોલંકીઓની આબરૂની ભયંકર ઠેકડી કરતો – એમ ને એમ અણનમ ઊભો હતો.

મુંજાલ અત્યારે મનમાં ને મનમાં એ યુદ્ધની જ વ્યૂહરચનામાં ગોઠવી રહ્યો હતો. એક વસ્તુની એને ખાતરી થઇ ચૂકી હતી: જો કિલ્લામાં પ્રવેશ મળે તો સંખ્યાબળથી જ સોલંકીઓ જુદ્ધ જીતી જાય. પણ કિલ્લામાં પ્રવેશ મળે તો – એ ‘તો’ ભયંકર હતો.

આજે ઝાંઝણની વાતે એને આશાનું એક કિરણ દેખાડ્યું હતું. જૂનોગઢમાંથી જ જે નારી ભાગી છે તેમ પરશુરામે શોધ્યું, તે કોણ હતી? રા’ના કુટુંબની જ કોઈ હોવી જોઈએ. કૈલાસરાશિએ એને આશ્રય આપ્યો, એ એને રુચ્યું નહિ પણ પરશુરામની ઉતાવળે વાત બગડી જવાનો એટલો જ ભય હતો, એ કોણ હતી એ જાણવું જરૂરી હતું. એને રાશિના આશ્રયેથી બહાર લાવવી એ જરૂરી હતું, એ સોમનાથથી ભૃગુકચ્છ અને ભૃગુકચ્છથી શ્વેતપાટ થઇ માલવામાં પહોંચી જાય નહિ. એ અટકાવવું પણ એટલું જ જરૂરી હતું. પણ પરશુરામની ઉતાવળ તો લોકને હાલકડોલક કરી મૂકે. તેણે એક નિશ્ચય કરી લીધો. પરશુરામને આજ ને આજ બીજે મોરચે રવાના કરી મૂકે. એની ખુમારી પણ તો જ નરમ પડે. મહારાજ પાસે એ કરાવવું રહ્યું.

- અને ત્રિભુવનપાલ દંડનાયક આંહીં આવ્યો હતો. એનું શું? મહારાજ જયદેવ, બર્બરકની સિદ્ધિનો આશ્રય લેવાના એ ચોક્કસ હતું, એટલે એ ઘર્ષણમાંથી નવી મુશ્કેલીઓ ઊભી થવાની. ત્રિભુવને પાછું લાટ સંભાળવા જવું જોઈએ. આંહીં એના વિના ચાલે; લાટ તો એના વિના ખાડે પડે. એ પણ ગોઠવવું રહ્યું. 

- જગદેવ પરમાર. મહારાજ જગદેવની કલ્પનાને એણે આકર્ષી હતી. એની પાસે ક્ષત્રિયવટને શોભે એવા ગુણ હતા. એ ક્ષુલ્લક વાતમાં પડતો નહિ; પાટણના રાજકારણમાં માથું મારતો નહિ, મહારાજને એની રજપૂતીમાં ભારે વિશ્વાસ જન્મ્યો હતો. પણ ગિરનારના આ ભૈરવી ખડકો કેવળ રાજપૂતીની તો ક્રૂર મશ્કરી કરી રહ્યા હતા – તેનું શું? અને આ જગદેવ માલવા સાથે કાંઇક ઘાલમેલ કરતો હશે – તેનું શું? જગદેવની વિદાય પણ મહાઅમાત્યને એટલી જ જરૂરી લાગી.     

ત્રિભુવન, જગદેવ, પરશુરામ – એ બધાં આંહીં સાથે ભેગા થવાથી, બળ વધવાને બદલે બળ ઘટવાનો સંભવ હતો. મહાઅમાત્યે પોતે જ તમામ સંચાલન ઉપાડવાનો નિર્ધાર કરી લીધો અને વિરામકાળ આવે તે સાથે જ આ વસ્તુ સિદ્ધ કરી લેવાનો એણે સંકલ્પ કરી લીધો.

પરંતુ એ સંકલ્પને અંતે એની નજર એક વ્યક્તિ ઉપર જઈને ઠરી – સિદ્ધરાજ જયસિંહદેવ.

એની પાસે એની પોતાની રાજનીતિ હતી; તેનું શું? એ પોતે જ આ કરતો હોય તેમ તેની પાસે આ વસ્તુ સિદ્ધ કરવો તો જ એ થાય. 

જયસિંહદેવને યુદ્ધ પૂરું કરવું હતું. એને યુદ્ધ જીતવું હતું. એને પાટણમાં યશસ્વી વિજેતા તરીકે પાછું ફરવું હતું. એને માલવાની ભૂમિ ઉપર જવું હતું. એને વિક્રમનું સ્વપ્ન સિદ્ધ કરવું હતું, અને એને પોતાના જ પરાક્રમમાંથી તેજસ્વી જીવન જીવવું હતું. એ શું નહીં કરે એ કહેવું અશક્ય હતું, પણ એ આ કરી શકશે? ત્રિભુવન વિના, જગદેવ વિના ચલાવી શકશે? એ ત્રણેનાં ત્રણે દ્રષ્ટિબિંદુ હતાં. ત્રણે જુદાંજુદાં હતાં અને તેથી ત્રણે નબળાં હતાં. જયદેવ મહારાજ એ સમજશે? અંતે એણે નિશ્ચય કર્યો હોય તેમ લાગ્યું. 

‘એ તો એમ જ.’ તે મોટેથી બોલ્યો: ‘જુદ્ધ જ ચાલવવું હોય તો તે તમે ચલાવો; જુદ્ધ જીતવું હોય તો આ મેં બતાવ્યો એ રસ્તે લ્યો,’ તે બોલતો-બોલતો અટકી ગયો. ત્યાં એની સામે કૃપાણ આવીને ઊભો રહી ગયો હતો.

‘પ્રભુ! મઠપતિજી આવ્યા છે!’ કૃપાણે સમાચાર આપ્યા.

‘આવી ગયા? ક્યાં છે?’

‘રાજમાતા પાસે. રા’નો જવાબ લઈને ભા દેવુભા પણ આવ્યા છે. એટલા માટે મહારાજ તમને બોલાવે છે!’

‘બીજું કોણ કોણ આવ્યું છે. ભા દેવુભા સાથે?’

‘ભા દેવુભા છે, દેશુભા છે, દુર્ગપતિ સોઢલ છે.’

‘ક્યાં, મહારાજ પાસે છે?’

‘હા. ત્યાં મહારાજે સૌને બોલાવ્યા છે. દંડનાયકજી છે. સેનાપતિજી છે. પરમાર જગદેવ પણ હમણાં જ આવ્યા.’

‘સોમનાથથી?’

‘હા’

મુંજાલ તૈયાર થયો. એના મગજમાં એક નામ પથ્થરની પેઠે ભટકાયું – દેશુભા. એ કેમ આવ્યો હશે? એ આવ્યો છે – તો હાથતાળી દઈને પાટણની કાંઇક પણ ગેરઆબરૂ કરવા માટે જ આવ્યો નહિ હોય? કે એના પોતાના કોઈ મેળમાં આવ્યો હશે?’

‘દેશળ એકલો છે કે વિશુભા પણ સાથે છે?’ તેણે પૂછ્યું.

‘વિશુભા નથી; દેશળ એકલો જ છે!’

મહાઅમાત્યને આખે રસ્તે દેશળ-વિશળના વિચાર આવ્યા કર્યા. એ રા’ ખેંગારના ભાણેજ હતાં, પણ જયસિંહદેવના પણ દૂર દૂરના સંબંધી હતાં. બંને જ્યાં જાય ત્યાં સાથે જતાં. એક વિના બીજો રહી શકતો નહિ તેમ કહેવાતું. રા’એ દેશળને આવવા દીધો હતો – ને વિશળને ત્યાં રાખ્યો હતો – એમાં કાંઇક ઊંડો ભેદ નહિ હોય? રા’ની સાથે એમનો મનમેળ મોળો છે એમ લોકવાયકા ઊડતી હતી એ સાચી કે આ સાચું? કે બંને ખોટાં?

રા’નું ઘર ફૂટ્યું છે ને રા’ના ભાણેજ ભાગ્યા છે – એ વાતને ખોટી ઠરાવવા માટે જ ખેંગારે આને મોકલ્યો ન હોય? અને વિશ્વાસ ઓછો થયો હોય તો એટલા માટે વિશળને પાછળ રાખ્યો હોય, એમ પણ હોય? આ તકે એમનો પરિચય કર્યો હોય તો કાંઈ મળે ખરું! આવા વિચાર કરતાં-કરતાં મુંજાલે મહારાજનાં છાવણીખંડમાં પ્રવેશ કર્યો, પણ મહારાજ ત્યાં ન હતા.

દંડનાયક ને ભા દેવુભા જાણે જૂના મિત્રો હોય તેમ એક તરફ વાતોએ વળગ્યા હતા. બીજી બાજુ જગદેવ પરમાર બેઠો હતો. એની પાસે થોડે દૂર પરશુરામ અધીરાઈમાં ઊંધા પગ નાખી, પાસે તલવાર મૂકી મહારાજનાં આવવાની હરપળે પ્રતીક્ષા કરતો, મુંજાલની નજરે ચડ્યો.

મુંજાલને પરશુરામની ખુમારી ઉપર મનમાં હસવું આવ્યું પણ એના ખમીર ઉપર એ આફરીન પણ એટલો જ થયો: ખુમારી જાય ને ખમીર રહે તો એક દી એ નામના કાઢે!

તમામ ઉપર દ્રષ્ટિ નાખતો મુંજાલ આગળ વધ્યો. એની નજર દેશળને શોધી રહી હતી. 

એટલામાં એની દ્રષ્ટિએ તરત દેશળને પકડી પાડ્યો. જે દ્વારમાંથી મહારાજ આવવાના હતા ત્યાં એ પાસે જ ઊભો રહી ગયો હતો. મુંજાલને એમાં કાંઇક ભેદ જણાયો. તેણે કૃપાણને ઇશારતથી બોલાવ્યો.

એક વખત એ પાટણમાં રહ્યો હતો; હાથતાળી દઈને એ નાસી ગયો હતો એ માણસ આંહીં અત્યારે એને એટલો જ ભયંકર લાગ્યો.

‘કૃપાણ! પેલા ત્યાં ઊભા છે – દેશુભા – એ ગમે તેમ પણ રા’ના ભાણેજ છે... અને આપણા પણ દૂર... દૂરના સગા છે, એ ત્યાં એકલા પડ્યા લાગે છે. એમને આંહીં બોલાવ... આંહીં મારી પાસે. હજી મહારાજને તો આવતાં વાર થાશે – હું આંહીં બેસું છું. એમને આંહીં બોલાવી લાવ! કહેજે કે મારે બે વાત કહેવી છે!’

કૃપાણ દેશળને બોલાવવા ગયો.

એટલી વારમાં તો મુંજાલના મનમાં એક હજાર ને એક વિચાર આવીને ચાલ્યા ગયા. આ દેશળ સોલંકીઓનો પણ સગો હતો. અત્યાર સુધી એની સાથે સંદેશો ચલાવવાનું કોઈ સાધન જ ન હતું. આજ એ પોતે જ આંહીં આવ્યો હતો. એ ભયંકર હતો – પરંતુ તે ક્ષુલ્લક પણ હતો. એની ભયંકરતા દુશ્મનને જ નડે એવું કાંઈ ન હતું, મિત્રને પણ એ એટલી જ વિનાશકારી થઇ પડે.

ઊંડી રમત રમવાનો એને રસ હતો. એના એ રસનો ઉપયોગ ન કરાય?

એટલામાં તો દેશળ આવ્યો. મુંજાલ એને બથ ભરીને સોરઠી રીતે મળ્યો: ‘દેશુભા! તમે તો, ભા ઘા મારી ગયા તે પાછા આજ જાતા દેખાણા, ભલા માણસ! ક્યાં છે વિશુભા? કેમ દેખાતા નથી? મારો સંદેશો મળ્યો?’

દેશળની આંખમાં કારણ વિનાની ન સમજી શકાય એવી અસ્વસ્થતા મુંજાલે જોઈ. તે સાવધ થઇ ગયો. એ અસ્વસ્થતા શાની હોય? મુંજાલે એ વસ્તુ વીજળીની ઝડપથી પકડી પાડી. તે એની સામે જોઈ રહ્યો.

‘સંદેશો તો મળ્યો, મુંજાલ મહેતા! પ...ણ..’ દેશળનો અવાજ દબાયેલો, ધીમો અને હીણો હતો. મુંજાલે એ જોયું. કૃપાણ સાથે પોતે હમણાં સંદેશો મોકલ્યો એની વાત એ કરી રહ્યો હતો. પણ દેશળ બીજી ભળતી જ વાત સમજતો હોય તેમ લાગ્યું. મહારાજનાં આવવાની પ્રતીક્ષા કરતો એ ત્યાં ઊભો રહ્યો હતો એ પણ સૂચક હતું. મુંજાલના મનમાં અચાનક કંઈક ગડ બેસી ગઈ. તેણે વાતને ઝડપથી આગળ વધારી:

‘શું પણ... પણ ક્યાં સુધી દેશુભા? તમે છો, વિશુભા છે...! અને હજી પણ... પણ? ક્યાં સુધી પણ?’ મુંજાલ ઉતાવળે બોલી ગયો. તેનો અવાજ એકદમ ધીમો હતો.

પોતે શી વાત કરી રહ્યો હતો એ મુંજાલ પોતે જ સમજતો ન હતો. દેશળનું અપરાધી મન વાત પ્રગટ કરી દે ત્યાં સુધી એણે રાહ જોવાની હતી.

‘એવું છે મહેતા! કે હવે અમારે પળેપળે ચેતીને ચાલવાનું છે,’ દેશળે છાના અવાજે કહ્યું. મુંજાલ આનંદી ઊઠ્યા, આ માણસ ઉપયોગી થાય એવું હતું. દેશળે વધારે ધીમો અવાજ કર્યો; ‘કાકાને અરે! મહારાજને સંદેશો મોકલ્યો હતો. તમને ખબર હશે?’ દેશળનો છાનો દબાયેલો અવાજ અત્યંત ધીમો બની ગયો હતો. 

‘એ તો મહારાજે મને કહ્યું,’ મુંજાલે હવે અઠ્ઠે ચલાવ્યું. 

‘અમારી પ્રભાતની ચોકી, ને ધાર ઉપરથી મહારાજ સ્પષ્ટ નજરે ચડ્યા, એટલે તીરમાં ભરાવ્યો ને સંદેશો પહોંચી ગયો – પણ હવે તો આ દુર્ગપતિ સોઢલ જાતે બધે ફરે છે. ને મા નાસી છૂટ્યાં પછી અમારા ઉપર જાપતો બે’ક વધુ છે! ડુંગરેડુંગરની ચોકી ને રસ્તા એ નિહાળે છે!’

‘જુઓ, દેશુભા! મા કાંઈ મલક ઊતરી ગયાં નથી... એ બેઠાં ત્યાં...!’ મુંજાલે જવાબ આપ્યો.

‘એ તો છે જ. સોમનાથ ક્યાં આઘું છે!’

‘પરશુરામ પોતે જ ખબર લઇ આવ્યો ને!’ મુંજાલને વાત વધુ સ્પષ્ટ થતી લાગી: ‘પણ એ તો ભલે સોમનાથમાં બેઠાં માળા ફેરવે. અમારા આંખમાથા ઉપર. પણ આપણે આપણું કરો ને!’ એટલામાં કૃપાણ આવ્યો. મુંજાલ શાંત થઇ ગયો. ‘પ્રભુ! મહારાજ તમને અંદર બોલાવે છે!’

મુંજાલે જતાંજતાં દેશળના કાનમાં કહ્યું: ‘તમારી જ વાત લાગે છે, દેશુભા!’

‘પણ જોજો હોં – મુંજાલ મહેતા! એક સહેજ પણ ઈશારો ન થાય... અમારે પાણીમાં રે’વું ને મઘરમચ્છનું વેર – ઈ માયલી વાત છે!’ દેશળે એટલા જ ધીમા સ્વરે વાત કરી.

મુંજાલ કૃપાણ સાથે ગયો, પણ એનું હ્રદય હજી દેશળ પાસે હતું. સૌ પોતપોતાની ધૂનમાં એવા મશગૂલ જણાયા કે એના તરફ કોઈએ ખાસ નજર કરી હોય તેમ લાગ્યું નહિ. ને કરી હોય તોપણ શબ્દ સમજાય એમ ન હતો. પોતાની પાસે કોઈક અમૂલ્ય રહસ્ય આવ્યું હોય એવી છટાથી એણે અંદર પ્રવેશ કર્યો. હવે તો એણે જયદેવસિંહનું માપ લઇ લેવાનો નિશ્ચય કર્યો, એટલું જ નહિ – આને આધારે તો એ મનમાં ને મનમાં યોજના ઘડી રહ્યો. જે સંદેશ વિશે દેશળે વાત કરી હતી, તે મહારાજ પાસે હતો. જયદેવ વાત ન કરે, તો પોતે સર્વજ્ઞાની શક્તિથી એ વાત ઉપાડવી. તે ઉતાવળે મહારાજ પાસે જઈ પહોંચ્યો.

અંદરના ખંડમાં અતિ મૂલ્યવાન જરિયાનના ગાદીતકિયાને અઢેલી સિદ્ધરાજ પોતાની હંમેશની ઢબ પ્રમાણે, કાંઇક અધીરાઈમાં હોય તેમ, બેઠો હતો. ખભા ઉપરથી નીચે સુધી ઢળતી એની મૂલ્યવાન સોનેરી-રૂપેરી   પિછોડી ગાડી ઉપર આમતેમ પડી હતી. એના પગ પાસે એની લાંબી તલવાર પડી હતી. જમણા હાથે ધોળો હસ્તિદંત જેવો શંખ હતો. એક તરફના વસ્ત્રદ્વાર પાસે, એની પાછળ, એક સશસ્ત્ર સૈનિક ચોકી કરતો ઊભો હતો. એના તેજસ્વી ગૌર મોં ઉપર કાંઇક અશાંતિ જણાતી હતી. પણ એની આંખમાં એ જ ગૌરવભરેલો, જન્મસિદ્ધ સત્તાવાહી ટંકારવ બેઠો હતો. જે તરફ એ દ્રષ્ટિ જાય એ તરફ એની આજ્ઞા જ સર્વોપરિ રહેવાની છે એવા આત્મવિશ્વાસની તેજસ્વીતા એમાંથી પ્રગટતી હતી. એણે મુંજાલને આવતો જોયો અને હાથ જરાક પાછળના તકિયા તરફ ફર્યો. તરત પેલો સશસ્ત્ર સૈનિક ત્યાંથી અદ્રશ્ય થઇ ગયો.

‘મહેતા! રા’નો જવાબ લઈને ભા દેવુભા આવ્યો છે. એને યુદ્ધ બંધ રાખવું નથી; બંધ રાખવાની આપણને પણ કાંઈ પડી નથી. પરશુરામ આવી ગયો છે ને?’ મુંજાલને જોતાં જ જયદેવે કહ્યું.

‘હા, આવી ગયો છે!’

‘એને કહી દો – ત્યારે, યુદ્ધઘોષણા પાછી ચાલુ કરાવે!’ 

‘યુદ્ધઘોષણા તો થઇ જાશે. પણ ભા દેવુભા એકલો ક્યાં છે? એની સાથે દેશળ પણ છે. એનું શું કરવાનું છે?’ મુંજાલે તત્કાળ વાત ઉપાડી લીધી. 

‘દેશળનું? કેમ, એનું શું કરવાનું છે? એની પાસે વળી કોઈ બીજો સંદેશો છે?’ સિદ્ધરાજને મુંજાલના શબ્દથી આશ્ચર્ય થયું હતું.

‘એ તો મારા કરતાં મહારાજને વધુ ખબર હોય નાં?’

‘મને? કેમ મને વધુ ખબર હોય?’

‘તમારે નિશ્ચય કરવાનો છે, મહારાજ!’ મુંજાલે દ્રઢતાથી કહ્યું.

‘મારે? તું શાની વાત કરે છે?’

‘જુઓ, મહારાજ!’ મુંજાલના સ્વરમાં એક પ્રકારની સ્પષ્ટતા અને ચેતવણી દેખાયાં. સિદ્ધરાજને એ સ્વર અપરિચિત લાગ્યો; તે જરાક બેઠા જેવો થઇ ગયો. પણ મુંજાલ આગળ વધ્યો: ‘જુઓ મહારાજ! આ રણક્ષેત્ર સોરઠનું છે. આંહીં તમારા ગજેન્દ્રો ત્રણ બદામના બની ગયા છે. આવતી કાલે તમામ સેનાપતિઓ પણ એવા જ સિદ્ધ થશે. તમને ખબર છે, આપણે કોની સાથે લડીએ છીએ!’

‘કેમ? રા’ સાથે!’

‘ના, પ્રભુ!’ રા’ સાથે આપણે લડતા નથી. રા’ સાથે તો મહરાજ મૂલરાજદેવ ને દુર્લભદેવ લડ્યા હતા. ને જીત્યા હતા. આપણે લડીએ છીએ હિમાચળ જેવી ઉત્તુંગ અચળતા સાથે!’

‘તું થાક્યો લાગે છે મુંજાલ!’

મુંજાલ મનમાં હસ્યો. એણે શાંત સત્તાવાહી અવાજ ધારણ કર્યો. પોતાથી નાના આપ્તજનને કહેતો હોય એવી મુરબ્બીવટથી એ બોલ્યો: ‘હું થાક્યો નથી, પ્રભુ! હું કંટાળ્યો છું – યુદ્ધથી નહિ, શ્રમથી નહિ, ઘેલી  યુદ્ધવ્યવસ્થાથી. આપણી પાસે શૂરવીરો છે; પણ શૂરવીરો યુદ્ધ જીતતા નથી, એ તો જુદ્ધ ચલાવે છે, જુદ્ધ લડે છે. જુદ્ધ જીતવું છે, કે જુદ્ધ લડવું છે – એ નિશ્ચય તમારે કરવાનો છે, પ્રભુ જીતવું હોય તો આ તક છે, લડવું હોય તોપણ આ તક છે, આ દેશળ આવ્યો છે. એના મનમાં કૈક વાતો ભરેલી લાગે છે!’

‘શાની?’

‘શાની? મુંજાલે ટુંકાવ્યું: ‘એ તો મારા કરતાં મહારાજ પોતે વધુ જાણે છે; મહારાજની પાસે શું એનો તીરસંદેશો નથી આવ્યો? એ સંદેશો કાંઈ જ નથી કહેતો? એ સંદેશો જોયા વિના જ મારે દેવુભાને પ્રત્યુત્તર આપવાનો છે – એમ મહારાજનું કહેવું છે?’

જયસિંહદેવ આશ્ચર્યથી ઘડીક સ્થિર થઇ ગયો, પણ તે અત્યંત વિચક્ષણ હતો, બે પળમાં જ એણે સ્વસ્થતા મેળવી લીધી. મુંજાલે એટલી વારમાં આ સંદેશાવાળી વાત જાણી લીધી – એની એને નવાઈ લાગી. એની શક્તિ માટે એને માન હતું. પણ એ શક્તિ ઘડીના છઠ્ઠા ભાગમાં અણધારી વાત પણ મેળવી લે છે, એ જાણતાં એને સહેજ અસ્વસ્થતા પણ થઇ, મુંજાલે વાત મેળવી એ એને રુચ્યું હોય તેમ લાગ્યું નહિ પણ તેને કાંઈ ન હોય તેમ કહ્યું: ‘હા હા! તું એ વાત કહે છે? એ સંદેશો તો આ રહ્યો, મુંજાલ! તેણે ગાદી નીચેથી નાનકડો વસ્ત્રલેખ કાઢી મુંજાલ સામે ધર્યો: ‘પણ એ દેશળનો છે એની શી ખાતરી? અને એના ઉપર કેટલો વિશ્વાસ મૂકવો એ પણ જોવાનું છે. તને એણે શું કહ્યું?’

‘લીલી ભાગી છૂટી છે!’ મુંજાલે પોતે બધું જ જાણતો હોય એવી છટાથી કહ્યું.

‘કોણ? રા’ની બહેન?’ 

‘હા.’

‘ક્યાં ગઈ હશે?’

‘સોમનાથ; બીજે ક્યાં જાય? ભા દેવુભા, સોઢલ, દેશુભા એ તમામ આંહીં આવ્યા છે, એ પણ માહિતી મેળવવા માટે જ આવ્યા હોય. રાશિજી સાથે મસલત પણ કરતાં હોય. અત્યારે કોઈ ખૂટે – એ એમને માટે ભયંકર છે. પણ આપણે આ તક ઝડપી લેવાની છે. લીલી પાછી ન ફરે કે માળવા તરફ છટકી ન જાય – એ આપણે જોવાનું છે!’

‘પરશુરામ ગયો હતો ને સોમનાથ તરફ? એ શા સમાચાર લાવ્યો?’

‘એ ખબર રાશિજી પાસેથી ધીમે ધીમે મેળવાશે. પણ પરશુરામને એટલા માટે સોમનાથ મોરચેથી જ ફેરવવો પડશે એમ મને લાગે છે!’

‘ફેરવવો પડશે? પરશુરામને! કેમ એમ?’

‘જુઓ મહારાજ! પરશુરામ છે ઉતાવળિયો. લીલી પાછી જાશે તો આપણે તક ગુમાવીશું. બીજે ભાગશે તો આપણે નબળા ગણાઈશું. લેવા જઈશું તો સામે રાશિ છે. નહિ લેવા જઈએ તો મૂર્ખમાં ખપીશું. ત્યાં ને ત્યાં રાખીને લાભ લઈશું તો ડાહ્યા મનાઈશું. દેશળનો સંદેશો સ્પષ્ટ છે. આપણે એને રાજ સોંપીએ. એ આપણને ગઢ સોંપે. લીલીનો ઉપયોગ એ વખતે કરવાનો!’

‘પણ એમનો વિશ્વાસ કેમ કરાય? વાત આખી ખોટી હોય – લીલીની વાત પણ બનાવટી હોય તો?’

‘દુનિયાનું તંત્ર પ્રભુ, અડધું ડાહ્યાઓના હાથમાં છે, તો અરધું તંત્ર મૂરખાઓના હાથમાં પણ છે. એમાં તો એ નભે છે! આ રા’ ખેંગાર ડાહ્યો છે. એ જાણે છે કે, ગઢ સોંપ્યાં પછી રાજ રહેતાં નથી. એના જીવતાં એનો ગઢ આપણને કદાપિ નહીં મળે. દેશળ સ્વાર્થી છે. એને ગઢની ખબર નથી; માત્ર રાજની ખબર છે. વિશળ મૂર્ખ છે. એને ગઢની કે રાજની બેમાંથી એકેની ખબર નથી. દેશળ શઠ છે, માટે આ કામ કરે છે. વિશળ મૂર્ખ છે, માટે આ કામ કરે છે.’

‘પણ લીલી? લીલીને શું છે?’

‘એ આપણે શોધવાનું છે! લીલી આ કરી રહી હોય વેર લેવા માટે. અને વેરથી પ્રેરિત સ્ત્રીના જેવું વિશ્વાસપાત્ર દુનિયામાં બીજું કોઈ નથી. લીલીબા વેર લેવા નીકળી છે. વેર લેવા નીકળેલી સ્ત્રી, આડું કે અવળું જોવા થોભતી નથી. પુરુષ પ્રેમમાં ગાંડો થાય છે, પણ સ્ત્રી પ્રેમમાં આંધળી બને છે; એ ગાંડીતૂર તો વેર લેતી વખતે થાય છે.’

‘મુંજાલ! દેશળનો આ સંદેશો છે, એ સાચો પણ છે, એમ માનો. પરંતુ આપણે લડી લડીને છેવટે આ લડ્યા, એમ? ત્રિભુવન એ વિશે શું કહેશે તેનો તેં વિચાર કર્યો? અને મા? અને માલવાવાળા? અને ભારતવર્ષ? અને એથી પણ વધુ – કવિજનો? અને ઈતિહાસ?’

“મહારાજ! જે વિજય મેળવે છે, તે બીજાઓને વિજય વિશે કેમ બોલવું એ વાત પણ કેળવે છે. અત્યારે કોણ શું કહેશે – એ બહુ જરૂરી નથી, અને પછી કોણે શું કહેવું એ વસ્તુસંકલના બહુ અઘરી નથી. એક વસ્તુ છે, પ્રભુ! હું તો એનો જ વિચાર કરું: વાત ફૂટી જાય તો એ મૂરખ બને; પણ આપણે તો બેભાન કહેવાઈએ.’

‘પણ લડી લડીને છેવટે આવી રીતે લડવું, એમ?’

‘મહારાજ, આ જુદ્ધ હવે જો લંબાય, તો આપણો પરાજય થઇ ચૂક્યો છે, લડનારાઓએ કેમ લડવું એમ સૌએ કહ્યું છે, પણ પરાજય મેળવવા માટે લડ્યા કરવું, એમ કોઈએ કહ્યું નથી. માત્ર લડ્યા કરવું હોય તો તો આ ઘેરો ઉઠાવી લેવામાં ડહાપણ છે!’

‘ત્રિભુવનને પૂછ્યું? ત્રિભુવનને બોલાવીએ ને દેશળને પણ બોલાવીએ.’

‘જુઓ મહારાજ! હું તમને સ્પષ્ટ કહી દઉં. હવે તમે બેમાંથી એકને પણ બોલાવશો, એટલે આ સંદેશો બે ફૂટી કોડીનો બની જશે. દેશળ-વિશળનો વિશ્વાસ તો તમે કરી શકશો; એમણે તો આ કાંડાં કાપી આપ્યાં છે. એ નહિ ખૂટતા હોય તો વાત પ્રગટ કરી નાખવાની ધમકી આપીને પણ હવે આપણે એને ખૂટલ બનાવી શકીશું, પણ આ સંદેશાની વાત હજુ સુધી એક હું જાણું છું, એક તમે જાણો છો, એક દેશળ જાણે છે, વિશળ જાણે છે; લીલી જાણતી હોય, તો આ પાંચ ઉપરાંત છઠ્ઠું કોઈ પણ આ વાત હવે જાણશે, તે વખતે આપણે ગાંઠડાંપોટલાં બાંધવાં પડશે. આપણે જુદ્ધ હારી ગયા હઈશું!’

‘તારે હવે શું કરવું છે?’

મુંજાલનું ચાલત તો અત્યારે એ બે હાથ ઊંચો કૂદત. આ જયદેવ પાસેથી આટલી વાણી કઢાવવી, એ સાધારણ વાત ન હતી. મુંજાલે પોતાની દાઢી ઉપર જરાક હાથ ફેરવ્યો. ક્ષણ બે ક્ષણ વીતી ગઈ, સિદ્ધરાજ એની સામે જોઈ રહ્યો.

‘પ્રભુ, લીલીબા સોમનાથ તરફ ગઈ લાગે છે. સમુદ્રસ્નાન સમે એનો અને દેશળ-વિશળનો સંપર્ક સાધી શકાશે. જરાક રાશિજીને પ્રસન્ન કરવા પડશે. પરંતુ ત્યાં સુધીમાં જો આ વસ્તુની જરા જેટલી પણ ગંધ બહાર આવશે, તો એ આખી વાત અફળ જાશે. કોઈને ગંધ ન આવે માટે  હું દેખાવપૂરતો દેશુભાને તતડાવીશ! એવો તતડાવીશ... કે...’

‘કોને તતડાવવાની વાત છે, મુંજાલ? તું તો હજી એવો ને એવો રહ્યો!’ મીનલદેવીનો વાજ સંભળાતાં મુંજાલ ચમકી ગયો. પણ તેનો હાજર જવાબ તૈયાર જ હતો.

‘પણ શું કરું બા? સોમનાથ મહાદેવ જેવાને છત્રછાયાનો મર્યાદાભંગ સહન કરીએ તો લોકમાં ખળભળાટ વ્યાપી જાય, ને મઠપતિજી મહારાજ જેવા અપ્રસન્ન થાય એ વધારામાં. પરશુ જરાક ઉતાવળો છે જ,’ મુંજાલે વાતનો દોર સાંધી લીધો. મીનલદેવીની પાછળ મઠપતિ હતો. મુંજાલે વસ્ત્રલેખ કેડે ચડાવી દીધો. તે હાથ જોડીને મઠપતિને નમી રહ્યો. સિદ્ધરાજે ઉભા થઈને હાથ જોડ્યા. ‘જયદેવ! મઠપતિજી તો જાય છે. રા’ માને તેમ નથી,’ મીનલ બોલી. ‘ભલે એણે ના પાડી. પણ આપણે તો ભગવાન સોમનાથની મહત્તા જાળવવાની જ છે. મેં મઠપતિ મહારાજને એ કહ્યું!’

‘એ તો એમ જ, બા! મહારાજે પણ હમણાં એ જ  નિશ્ચય કર્યો છે. સમુદ્રસ્નાનની ઘોષણા થશે જ. જુદ્ધ રા’ બંધ નહિ રાખે તો ભલે – પણ સમુદ્રસ્નાન કરવા જનારો કોઈ આપણા હાથે હેરાન નહિ થાય. પછી શું? મઠપતિજી! પરશુરામને પણ મહારાજ વનસ્થલી મોરચે મોકલે છે.’

‘હેં જયદેવ?’

મુંજાલની વાત અચાનક હતી, પણ સિદ્ધરાજને એમાં લીલીબાની વાતનો અનુસંધાની દોર દેખાયો. તેણે કૈલાસરાશિના ચહેરા ઉપર પણ આનંદ જોયો. બોલ્યા વિના સિદ્ધરાજે ડોકું ધુણાવ્યું. પોતે બીજું કાંઈ બોલી શકે તેવો રસ્તો રહ્યો ન હતો, મુંજાલને પોતાનો રસ્તો વધારે સ્પષ્ટ થતો લાગ્યો.

‘તો એ પ્રમાણે ભા દેવુભાને પ્રત્યુત્તર આપી દો, મુંજાલ!’ સિદ્ધરાજે કહ્યું: ‘અને પરશુરામને...’ તેણે ધીમેથી તાળી પાડી. કૃપાણ દેખાયો. ‘પરશુરામનેં આંહીં મોકલ, કૃપાણ!’

પરશુરામનું ભાવિ મુંજાલે જોઈ લીધું. રાશિની પ્રસન્નતા એણે દીઠી. મીનલની આંખમાં સંતોષ દેખાયો. થોડી વારમાં પરશુરામ નજરે પડ્યો.

‘પરશુરામ!’ મહારાજે તેની સામે મુદ્રા ધરી. ‘લે આ, તારે આવતીકાલથી વંથલીનો મોરચો સંભાળવાનો છે...’

‘પ્રભુ!’

પરશુરામ પર ઘા પડ્યો હોય તેવું થાય. એ તો સોરઠી જુદ્ધને ટુંકાવવા માટે સોમનાથ જવાનું વિચારી રહ્યો હતો. તેને કૈલાસરાશિની હાજરી ખૂંચી રહી. તે એક ક્ષણ અવાક્ થઇ ગયો. મુંજાલ એના મનની વ્યથા કળી ગયો.

‘પરશુરામ! મહારાજની આજ્ઞા પ્રમાણે તારે વંથલી મોરચે જવાનું છે. ફાવશે નાં?’

‘મહાઅમાત્યજી! આ યુદ્ધ તમે ખોવાના છો. હું તો વંથલી મોરચે શું – મહારાજ આજ્ઞા આપશે એ મોરચે જઈશ! મારે શું છે?’

‘ જો પરશુરામ! તારા જેવડી વયે મને પણ લાગતું કે હિમાચળથી નર્મદા સુધીનાં મેદાન ઘડીના છઠ્ઠા ભાગમાં હું જીતી લઉં. સ્વપ્નાં એ મનના તરંગો છે. એ મોહક હોય તો આપણને આનંદ આપે; રૂપાળાં હોય તો બે ઘડી સ્વર્ગ સરજે. પણ છેવટે તો એ સ્વપ્નાં જ છે. તને કેટલી આકાંક્ષા છે, એ મારા ધ્યાન બહાર નથી, હોં! પણ તું હમણાં આ નાનકડો વંથળી મોરચો બરાબર સાચવી લે. સમય આવે છે, જ્યારે તારા બધા હીરને મહારાજને ખપ પડશે. અત્યારે આ આજ્ઞા મહારાજે આપી છે. એ તો સમુદ્રસ્નાનના સંબંધે છે!’ મુંજાલે તક જોઇને પરશુરામની ખુમારીને થોડીક ખંખેરી કાઢી અને તેમાં આડકતરી રીતે મહારાજને પણ કહેવાનું કહી દીધું હતું. 

‘મારે એક કહેવાનું છે, મહારાજ!’ પરશુરામે હાથ જોડ્યા.

એને શું કહેવાનું છે એ મુંજાલ કળી ગયો. એ સોમનાથની વાત બાફવાનો હતો. તેણે એને રોક્યો: ‘પરશુરામ! તારે જે કહેવાનું હોય તે પછી... મહારાજને એ વાત મળી ગઈ છે!’

‘પણ મહારાજ!... મારી વાત...’

‘પરશુરામ! એ પછી. તું હમણાં આ લે આ...’ મહારાજે તેની સામે મુદ્રા ધરી રાખી: ‘તું હમણાં જ વંથળી મોરચે જા...’

‘પણ મારી વાત તો પ્રભુ...’

‘સાંભળેલી વાત પાંખાળી બને છે, પરશુરામ!’

‘એક નાનકડી વાત છે સોમ...’ મહારાજે એને અટકાવી દીધો.

‘સેનાપતિજી!’ જયદેવનો અવાજ કાંઇક તીખો બન્યો: ‘તમે વંથળી મોરચો સંભાળો. ભગવાન સોમનાથનો દ્વારપાળ તો હું પોતે જ રહેવાનો છું.’

પરશુરામને સમજ પડી નહિ કે આ બધું શું હતું.

‘તું હમણાં જ ઊપડી જાજે. આંહીં પૃથ્વીભટ્ટ આવશે!’

‘પરશુરામ! આ તો સમુદ્રસ્નાનની ઘોષણા થવાની છે, એટલા માટે તારે વંથળી મોરચો સંભાળવો પડશે!’ મુંજાલ બોલ્યો.

પરશુરામ પામી ગયો. તેણે કૈલાસની પ્રબળ સત્તાનો પ્રભાવ એમાં દીઠો. મીનલદેવીની સોમનાથભક્તિ પણ કામ કરી ગઈ હોય. તેણે કાંઈ પ્રત્યુતર વાળ્યો નહીં. પણ તેના ચહેરા ઉપર લાલી આવી ગઈ. મુંજાલે એને જરાક ઠંડો પાડ્યો: ‘પરશુરામજી! દંડનાયક ત્રિભુવનપાલજી આવ્યા છે. પરમાર પણ છે. તમે છો, ત્રણે મોરચે આવા ત્રણે સેનાપતિ મૂકવામાં મહારાજનો કાંઇક હેતુ હશે.કાલ તમે વંથળી મોરચો સાંભળી તો લો!’

પરશુરામ નમીને ગયો.

‘મુંજાલ! એને ખોટું લાગ્યું છે, હોં!’ મીનલ બોલી.

‘બા! મઠપતિજી જેવા સામે મહારાજ મસ્તક નમાવે છે. એણે ભૂલ કરી... ભગવાન સોમનાથના સાનિધ્યમાં તો જે નમ્રતા સાચવે એ જ શોભે!’

મઠપતિ મુંજાલ તરફ પ્રસન્ન દ્રષ્ટિથી જોઈ રહ્યો. મુંજાલે બે હાથ જોડી એમને નમન કર્યું, કૈલાસરાશિએ આગળ ચાલતાં એના મસ્તક ઉપર હાથ મૂક્યો: ‘મહાઅમાત્યજી! તમારા જેવો મંત્રી અને મહારાજ જેવો નૃપ – કલિયુગમાં એ ચમત્કાર છે! સમુદ્રસ્નાન કે લિયે અવશ્ય હિ આના!’ મઠપતિ જવા માટે આગળ વધ્યો. મુંજાલે એનું પડખું પકડ્યું. ‘અરે! આવ્યા વિના કાંઈ રહું? અને અમારે તો પાછું ધર્મસંકટ છે?’

મુંજાલે મહારાજ ને મીનલદેવીને કાંઇક વાત કરતાં દીઠાં, એટલે તેણે ધીમેથી ઉમેર્યું:

‘રાજમાતા પણ એ જ વાત કરતાં લાગે છે!’

‘શાની વાત છે, મહાઅમાત્યજી?’

‘તમારે ત્યાં આવેલ છે, આ પરશુરામે અવિનય બતાવ્યો તે – એ રા’ની તો બહેન, પણ ખુદ મહારાજનાં તો ભાભી થાય નાં?’ મુંજાલે વાત જાણવાની પગથી ગોઠવી.

‘મહારાજ કી ભાભી – કિસ તરહ સે હો સકતી હય? વો તો દુઃખકી મારી ઇધર આઈ હય – સોમનાથ કે શરણ મેં!’

‘દુર્લભરાજ મહારાજ જાત્રા કરવા આવેલા, ત્યારે કોઈ ફટાયો સોલંકી આંહીં રહી ગયેલો, એનો વંશવેલો તે આ દેશળ-વિશળની મા!’

‘ઐસા?’

‘હાંજી! એટલે અમારો ધર્મ છે – એ સ્વસ્થતાથી ત્યાં રહે એટલી વ્યવસ્થા કરી દેવાનો!’

‘હાં – ઐસા? વો ભી મેં જાનતા હું!’

પાલખી આવી. મઠપતિ થોડી વારમાં ઉપડી ગયો. મઠપતિને વિદાયમાન આપીને પાછા ફરતા કાનમાં મુંજાલે ધીમેથી કહ્યું: ‘પ્રભુ! ત્યાં સોમનાથમાં જ લીલીબા પહોંચી છે, હોં!’

‘થયું ત્યારે – તું દેવુભાને કહી દે હું નથી આવતો. એનો સંદેશો જાણ્યો છે, પછી શું? દેશળને સંકેત આપી દેવાનો – તે વખતે ત્યાં મળે!’

એટલામાં કૃપાણ ત્યાં હાથ જોડીને ઊભેલો મુંજાલે જોયો.

કૃપાણને ત્યાં ઊભેલો જોઇને મુંજાલ વિચારમાં પડી ગયો.

એણે મીનલદેવીને અને સિદ્ધરાજને કાંઇક વિચારમાં પડેલાં પણ દીઠાં. તેને લાગ્યું કે, મહારાજ કાંઇક નવો કાર્યક્રમ ઘડી રહેલ છે. શું હશે એ એને સમજતાં વાર લાગી નહિ. એટલામાં તો મહારાજે એને બોલાવ્યો. તેણે ધીમેથી કહ્યું: ‘મુંજાલ! લીલી ભાગી હોય, દેશળ ખૂટે એવો સંભવ હોય, ને એમાં આપણી શક્તિનો પરિચય રા’ને મળે તો? રા’ શું કરે? તું શું ધારે છે?’

મુંજાલ પામી ગયો. જે વાત હવામાં ગુંજી રહી હતી તે મહારાજ પાસે હતી. મહારાજ એનો ઉપયોગ કરવા ધારે છે. એક ક્ષણભર શો પ્રત્યુતર આપવો તે એને સુઝ્યું નહિ. ત્રિભુવન અને જયદેવ એ જાણે; પછી એક ક્ષણ પણ એ ઊભા ન રહે. એ બંનેને દૂર કરવાની એમાં એણે તક જોઈ; પણ લોક – લોક શું ધારશે? લોક ઉપર એનો કેવો પ્રત્યાઘાત થશે? તેણે હાથ જોડ્યા:

‘પ્રભુ! રા’ કોઈ દિવસ નહિ નમે!’

‘ને કિલ્લો નહિ સોંપે?’

‘ના, એનો કિલ્લો ને એ – બંને સાથે જશે!’

‘જો આપણે એના કિલ્લાનું કામ નથી, દેશનું પણ કામ નથી. રા’ની આખી વાતને ધૂળ ભેગી કરી નાખવી છે. હવે પછી સોરઠનો કોઈ રા’ પાટણ તરફ મીટ માંડે એ રહેવા દેવું નથી. ચોવીસે પહોર ખડિયે ખાંપણ નાખીને સોરઠના રા’ બેઠા જ હોય! એ જવું જ જોઈએ! એ જાય નહિ તો પાટણ આ દિશામાંથી કોઈ દી નવરું પડે જ નહિ. તું જઈને મેં કહ્યું તે દેવુભાને કહી દે. ને દેશળને પણ –’

મુંજાલ નમીને ગયો.