૩૮
જય જિનેન્દ્ર કહે, ગાંડા ભાઈ!
મહારાજને દ્વારે પરશુરામને અત્યારે જોઇને ઉદયનને આશ્ચર્ય થયું. એ જલદીથી સોઢલની વાત કરી નાંખવા માગતો હતો. તેણે પરશુરામને ત્યાં જોયો, ધીમેથી પૂછ્યું: ‘શું છે પરશુરામ?’
‘કાકા! પૃથ્વીભટ્ટ આવ્યો છે. પાટણના સમાચાર સાચા લાગતા નથી!’
‘કોણ! આવ્યો છે! પૃથ્વીભટ્ટ? એ તો કાલે જ ઊપડ્યો હતો ને મુંજાલ સાથે?’ તેણે બહુ જ ધીરે કહ્યું.
બંને સોરઠી સાંભળે છે એ જોઇને એક ક્ષણ બંને શાંત રહ્યા. એટલામાં કૃપાણ આવ્યો: ‘સોઢલભા આવ્યા છે, પ્રભુ? મહારાજ એમને ને દેવુભાને બોલાવે છે!’ સોઢલ ને દેવુભા અંદર ગયા.
‘કાકા! પાટણના સમાચાર સારા લાગતા નથી! પૃથ્વીભટ્ટ ગભરાટમાં હતો!’
‘પણ એ ગયો ક્યાં?’
‘એ તો હવે પેલી બાજુથી – આંહીંથી નહિ નીકળે!’
‘શું કહેતો’તો એ?’
‘સાંતૂ મહેતાએ માલવાને નમતું આપ્યું લાગે છે – હજી તો એની આગળના થોડા દેખાણા હશે ત્યાં જ!’
‘હેં!’
‘હા; અને મહારાજ અત્યારે રુદ્રરૂપમાં છે.’
‘ત્યારે જો, પરશુરામ! કાલે પ્રભાતે જયદેવ મહારાજ જવાના એ ચોક્કસ. કાલે જ રાણકને ઉતારશે એની ગઢીમાંથી. તું આંહીં દંડનાયક થાશે. આ સોઢલ આવ્યો છે, સોંપણી કરવા, તું આંહીં દંડનાયક થાશે. પણ આ સોરઠીઓ મનના છે મેલા, ચેતતો રહેજે. ને મેં તને શું કહ્યું હતું? યાદ છે?’
‘દેવુભાને મેં કોણીએ ગોળ વળગાડ્યો છે, જુદ્ધ હંમેશને માટે બંધ કરવાં હોય તો આ બેઠણું ધર્મસ્થાન કરી નાખો. કોઈ તમારી સામું નહિ જુએ. જુઓ, વિમલમંત્રીનો અર્બુદગિરિ! દેવુભા પાસેથી હવે એ તું ઉપાડી લે! ને તું આંહીં છો ત્યાં કામ પૂરું કરી નાખ!’
‘કાકા! મને તો મહારાજનું ભારતસ્વપ્ન આવ્યા કરે છે!’
‘જો પરશુરામ! એકધર્મ વિના એકચક્ર નહિ. આખું ભારતવર્ષ જય જિનેન્દ્ર કરશે તો સમર્થ બનશે. કાશ્મીરી કેસરના ચંદ્રક પાસે કૈંક કેસરી ઢીલા પડ્યા છે. તલવાર કે તીર કોઈ એની પાસે કામ આવ્યાં નથી! સંભારને વિમલમંત્રીને! એને સામર્થ્ય ક્યાંથી મળ્યું? જય જિનેન્દ્રના અમૃતમાંથી. હું જાણું છું તારું સ્વપ્નું, પણ પહેલા જય જિનેન્દ્ર બોલ, ગાંડાભાઈ! ધર્મ હશે, તો બધું થાશે. આ જયદેવ પણ જય જિનેન્દ્ર કરવાનો છે. એને વશ કરવા જનારો ઊથલી પડે એવું છે; મુંજાલ ઊથલી પડ્યો. પણ એને વશ થઈને એને વશ કરાય! આપણે જીવતાં રહ્યા તો તું જોજે. આંહીં આ ગુજરાતમાં ને ભારતભરમાં જય જિનેન્દ્ર એક જ રહેશે! અને ત્યારે એનું બળ અદ્વિતીય હશે! ધર્મ વિના ક્યાંય દેશ ટક્યો છે?’
‘કાકા! મને મહારાજે આંહીં રાખ્યો છે દંડનાયક – પણ મારે તો મારું સ્વપ્ન છે!’
‘જો મહારાજ તને એકલાને નહિ રાખે, એમને ઉતાવળે પાછું ફરવું પડ્યું છે, એટલે સજ્જન મહેતો પણ આંહીં હશે. તું છે, સજ્જન મહેતા છે. ભગવાન નેમિનાથનું આરસબેઠણું આંહીં રચી કાઢો. આ છે, વિમલગિરિ છે. પરશુરામ, તને તો ભગવાને તક આપી છે!’
‘પણ આ જયસિંહદેવ – એનું શું? કાકા! એની વાત ન્યારી છે.’
‘આવડે તો એ પણ જોયા કરે – સજ્જન મહેતો એ સમજી જાશે. અને આ મહારાજને ડોલાવનાર હેમચંદ્રાચાર્યને તેં જોયા છે? એમની વાણીએ કૈંકને નિ:શસ્ત્ર કર્યા છે! તું જોજે ને!’
‘કાકા! મને મહારાજમાં એક લાગ્યું છે: એમને કોઈ નાની વાત ગમતી નથી અને એ કોઈને વશ થાતા નથી.’
‘એ પણ થાશે, સમય આવ્યે. સાધુ હેમચંદ્રાચાર્ય – એણે તો વિશ્વવ્યાપી સ્વપ્ન જોયાં છે, એનું શું? એની હથેળીમાં સૂર્ય ને ચંદ્ર રમે છે. આકાશના તારેતારાને એણે બોલાવ્યા છે. એની પાસે કંચન છે – કથીર નથી. જય જિનેન્દ્રી એ સાધુ, જય જિનેન્દ્રી આ રાજા, જય જિનેન્દ્રી તું સેનાપતિ, અને જય જિનેન્દ્રી હું મહાઅમાત્ય અને જય જિનેન્દ્રી પેલો ત્યાગવલ્લીનો કુમાર – એને ગાંડાભાઈ, મેં અમસ્તું સ્તંભતીર્થ નથી દેખાડ્યું. આખા ભારતવર્ષમાં પાંચ-પાંચ પગલે એકએક મંદિર ઊભું થતું હું તો જોઈ રહ્યો છું! અને તે પણ મા આરાસુરીના ચંદ્રશ્વેત આરસનું! એ સમર્થ્ય ઉપર તો તું ફરીને સમુદ્રગુપ્તનો એકચક્રી વૈભવ ઊભો કરી શકીશ! જય જિનેન્દ્ર પહેલાં બોલ, ગાંડાભાઈ! પછી બધું થઇ રહેશે! શસ્ત્રમાત્રનો આધાર એક જ: ધર્મ! અહિંસાને આધારે હિંસા જીવશે. એકલી હિંસા તો નરક દેખાડે, નરક! તું તારે આંહીં મેં કીધું એ શરુ કરી દેજે ને.’
એટલામાં તો સોઢલ ને દેવુભા બહાર આવતા લાગ્યાં: ‘મહેતા! પરશુરામ!’ જયદેવે પોતે જ એમને બોલાવ્યા, જયસિંહદેવની અધીરાઈ ઉદયન કળી ગયો. નક્કી પાટણમાં પણ કાંઇક નવાજૂની છે.
‘પરશુરામ! તારે સોઢલભા સાથે જવાનું છે. ગઢીનો કબજો સોઢલભા સોંપે – એટલે દરેકેદરેક સ્થળે સોલંકી સૈનિક ગોઠવાઈ જાય – એ જોજે.’ જયસિંહદેવે તરત કહ્યું: ‘સોઢલભા ત્યાં રણવાસની ગઢીએ દ્વારપાલ બનીને રહેશે. અને દેવુભા. આપણે એમનો માનમરતબો જાળવવાનો એ બધું પછી થઇ રહેશે. પહેલા તારે ગઢી સંભાળવા જવાનું છે. કૃપાણ! તું દેશુભાને બોલાવીને લાવ.’
કૃપાણ નમન કરીને ગયો.
‘મહેતા! કાલે પ્રભાતે પ્રયાણનો ઘોષ કરાવો!’
‘મહારાજ! કાલે...?’
‘આપણે પાટણ જવાનું છે.’ સિદ્ધરાજે ઉતાવળે કહ્યું. એણે ઝપાટાબંધ નિશ્ચયાત્મક વાણીમાં આજ્ઞા આપવા માંડી: ‘રાજમાતા ગયાં, આપણે એમની સાથે થઇ જવા ઉતાવળ કરીએ છીએ. અત્યારે જ ઘોષણા કરાવો, ઉદા મહેતા!’
ઉદયનને પરશુરામની વાત સાચી લાગી.
‘અને પૃથ્વીભટ્ટ!’
પૃથ્વીભટ્ટ પાસેની વસ્ત્રકુટીમાંથી નીકળી આવ્યો.
‘તું સોનરેખ ઉપર છો?’
‘હા, પ્રભુ!’
‘પાછો અત્યારે ખંખેરી મૂક. કર્ણાવતીમાંથી આશુક મહેતો. વર્ધમાનપુર આવે, વર્ધમાનપુરથી મુંજાલ મહેતો તો સીધા કર્ણાવતી જશે. પરશુરામ! તું ને સજ્જન મહેતો – બંને હમણાં આંહીં રહેજો. આંહીં તું દંડનાયક છે: સંભાળજે સોરઠીઓને અને ઉદયન મહેતા તમે...’
પરશુરામ સાંભળવા તળેઉપર થઇ ગયો. ઉદયન પણ પોતાના મહાભાગ્યને આવતું નિહાળી રહ્યો. પણ સિદ્ધરાજને ઉદયનના સ્વપ્નની ખબર હતી, એણે ધીમેથી ઉમેર્યું: ‘તમારી ઉપર મોટું જોખમ છે. અમારે માળવા જવું પડશે. તે વખતે સ્તંભતીર્થને રેઢું નહિ છોડાય. તમારે ઉદયન મહેતા, હમણાં સ્તંભતીર્થમાં રહેવાનું છે.’
‘આ...હા!’ ઉદયનની છાતી બેસી ગઈ. મુંજાલને આપ્યું હતું એવું જ ગૌરવ આણે પોતાને આપ્યું પણ મૂળ વાતને અદ્ધર લટકાવી રાખી. એણે સિદ્ધરાજ વિશે સાંભળ્યું હતું; આજ એ અનુભવ્યું. કોઈએ ક્યાંય સ્વપ્નને ચિંતવ્યું ન હોય એવું કરવાની અસાધારણતા એના હરેક કાર્યને દોરી રહી હતી. એ જ અસાધારણતાનું શાસન અતિ નાનકડી વાતને પણ દોરી રહ્યું હતું – મંત્રીના અધિકારથી માંડીને માલવાની રણભૂમિ સુધી; મોટી વાતથી નાની વાત સુધી. અત્યારે તો સાંતૂએ કાંઇક એવું પગલું લીધું લાગે છે કે આણે એની હેડીના તમામને પાટણમાંથી આઘે કાઢ્યા જણાય છે. ‘પ્રભુ!’ તેણે હાથ જોડ્યા: ‘સાંતૂ મહેતાએ પાટણથી...’
‘ખબર મોકલ્યા છે, ઉદા મહેતા! એણે વેંત ભરાવીને પાટણનું નાક કાપી દીધું માલવાને! આપણે આહીંથી હવે તત્કાલ ઊપડવાનું છે!’ તે એકદમ જ શાંત થઇ ગયો. ઉદયન વિચાર કરી રહ્યો. ‘ત્યારે આણે આશુકને બોલાવ્યો છે – એને જ હવે એ મહાઅમાત્ય પદે મૂકશે. પોતાને રાહ જોવાની હતી. કાંઈ ફિકર નહિ. એ એની ભૂમિકા ઉપર જ હારશે – રાહ જોવી પડશે એટલું જ. મારવાડી રાહ જોવામાં પાછો હઠશે?’
‘તો, તો, પ્રભુ! હું ઘોષણા કરવી દઉં!’ તેણે નમીને જાણે પોતાના દિલમાં કાંઈ ન હોય તેમ જવા માટે અનુજ્ઞા માગી.
એવામાં દેશુભા આવ્યો. ‘દેશુભા! તમે ને વિશુભા ચાલો. આપણે રણવાસની ગઢી ઉપર જઈએ!’
‘કાં કાકા!’ પરશુરામે બહાર નીકળતાં જ ઉદયનનો હાથ દાબ્યો: ‘આણે તો ભારે કરી!’
‘શું?’ ઉદાએ અજાણ્યાની પેઠે પૂછ્યું.
‘આશુકને કેમ બોલાવ્યો વર્ધમાનપુર?’
‘મહારાજની વિજયસવારી પાટણમાં પ્રવેશે, પછી પાટણમાં મહાઅમાત્યપદે કોણ? તું આંહીં રહ્યો. હું સ્તંભતીર્થ જવાનો. મુંજાલ કર્ણાવતીમાં. સાંતૂને એક ક્ષણ પણ હવે ટકવા દે આ? આ વિજયનો ઉત્સવ જ સુકાઈ જાશે! માલવા ઘા મારીને ભાગી ગયું. બીજું શું?’
‘હું એ જ કહું છું! હવે ક્ષેત્ર ત્યાં ઊઘડે છે! અને એ વખતે તમે સ્તંભતીર્થમાં ને હું આંહીં!’
‘જો, પરશુરામ! મેં તો ઘીના કૂંપા ઉપાડ્યા છે! અને તને કહ્યું હતું તે યાદ કર: ને રાજા વિચિત્ર છે જ્યાં સુધી આપણે મૂર્ખા છીએ. મેં તને કહ્યું – તું આંહીં એ શરુ કરી દે ને, ગાંડા ભાઈ! પછી બીજું દેખી લેવાશે! રાજા આ તારો, એક જય જિનેન્દ્ર કરતો થશે. એના વિના કોઈનો ઉદ્ધાર નથી ને!’