Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 22

આભાએ જે ધડાકો કર્યો હતો તેનાથી હું હચમચી ગયો.
"એટલે? તું શું કહેવા માંગે છે?"
આભા સંયત સ્વરમાં બોલી,"અરે કહ્યું તો ખરું! એમને આ વાતની જાણ છે કે હું કોઈ છોકરા સાથે મૂવી જોવા ગઈ હતી."
"પછી?"
"પછી એમણે પૂછ્યું કે હું તારી બાબતમાં કેટલી ગંભીર છું.એટલે મેં કહી દીધું કે હું તને પ્રેમ કરું છું."
"શું?? અરે મરાવી નાખ્યો!એવું ન કહી દેવાય કે આપણે ફક્ત મિત્રો છીએ?"
"ન કહેવાય.એનું કારણ એ છે કે પપ્પાના કાન કોણે ભર્યા છે અને શું કહું છે.જોકે મને ખાત્રી છે કે આની પાછળ શીલા અથવા ઈશાન જ હશે.છતાં પણ,તેમની જાણકારી માં કેટલી હકીકત છે એ જાણ્યા વગર પપ્પાને આપણે મિત્રો જ છીએ તે કહેવું મને યોગ્ય ન લાગ્યું."
હું રીતસર ધ્રુજી ગયો,"અરે પણ તારા બાપા મારી શું હાલત કરશે તેનો તો વિચાર કર!"
આભા હસી,"અરે પણ તું એટલો ગભરાય છે શા માટે?તારે ક્યાં મારા પપ્પાને પ્રભાવિત કરવાના છે? યાદ છે,તે મને પૂછ્યું હતું કે આ વાત મારા પરિવાર સુધી પહોંચી ગઈ તો શું થશે? એનો જવાબ મેં આપ્યો હતો કે મને તારો સાથ છોડવા કહેવામાં આવશે,જેને થોડી રડારોળ પછી હું સ્વીકારી લઇશ.આ વાત તો પહેલાથી નક્કી જ છે ને? પછી તને કઈ વાતની ચિંતા છે? આ નાટકને તેના તાર્કિક અંત સુધી તો પહોંચાડવો પડશેને?"
"અરે પણ આ તાર્કિક અંત મારા મૃત્યુ સાથે આવશે!"મેં દયનીય અવાજમાં કહ્યું.
આભા હવે ખડખડાટ હસી પડી,"અરે આ મારા પપ્પા છે કોઈ ફિલ્મી વિલન નથી.ચાલ હવે."
હું સ્તબ્ધ થઈ ગયો,"એટલે? આપણે અત્યારે જવાનું છે?"
"હાસ્તો! પેલું સુવાક્ય સાંભળ્યું નથી,કલ કરે સો આજ કર,આજ કરે સો અભી."
"એ તો વીતેલા જમાનાની ફિલોસોફી છે.અત્યારે તો એવું માનવામાં આવે છે કે 'આજ કરે સો કલ કર,કલ કરે સો પરસો; ઇતની જલદી મત મચા અભી જીના હૈ બરસો.'
આભાએ છણકો કર્યો,"ઠીક છે.બહુ સારી ફિલોસોફી છે.પણ આપણે તો વીતેલા જમાનાની ફિલોસોફીનું જ પાલન કરવાનું છે. ચાલ હવે."
અને હું અનિચ્છાએ આભાની પાછળ પાછળ ઘસડાયો.
આભા આજે કાર લઈને આવી હતી.અમે બંને કારમાં ગોઠવાયા અને આભાએ કાર પાર્કિંગમાંથી બહાર કાઢી.
કારમાં એસી ચાલુ હતું છતાં મને પરસેવો છૂટી રહ્યો હતો.
"પણ માર વાત શું કરવાની?"હું બોલ્યો.
"કશું પણ બોલજે યાર.તારે આમપણ રિજેક્ટ જ થવાનું છે!"આભાને સહેજપણ ખ્યાલ નહોતો કે તે આ કથનથી મને કેટલી તકલીફ પહોંચાડી રહી હતી.
પછી હું મંઝિલે પહોંચ્યા સુધી કંઈ બોલ્યો નહિ.આભાનો નિવાસ એક વૈભવશાળી બંગલો હતો,જેને જોઈને હું ખરેખર પ્રભાવિત થઈ ગયો.
"તું તો મોટી પાર્ટી લાગે છે." મેં કહ્યું.
"હું નહી,મારા પપ્પા!"આભા બોલી અને કારને બંગલાના પાર્કિગમાં પાર્ક કરી.
આભા કારમાંથી ઉતરીને બંગલામાં પ્રવેશી.હું પણ ગભરાતા ગભરાતા તેની પાછળ પાછળ ગયો.
અમે લિવિંગ રૂમમાં બેઠા ત્યાં તો અમારા આગમનના સમાચાર અંદર પહોંચાડી દેવામાં આવ્યા હતા.
પાંચ જ મિનિટમાં આભાના પિતાનું આગમન થયું.તે મારી સામે એવી રીતે જોઈ રહ્યા જાણે માઈક્રોસ્કોપમાં કોઈ ખતરનાક બીમારીના વાયરસને નિહાળી રહ્યા હોય.
"આ એટલું ખતરનાક રીતે મને કેમ જોઈ રહ્યા છે?" મેં ધીરેથી આભાને કહ્યું
"ચૂપ! હમણાં કશું ન બોલીશ." આભાએ મારાથી પણ ધીમા અવાજમાં ઉત્તર આપ્યો.
"મારું નામ કલ્પેશ મહેતા છે. હું આભાનો પિતા છું."આભાના પિતાએ પોતાનો પરિચય આપ્યો.
"શું વાત છે!તમે મહેતા છો? હું પણ મહેતા છું.વાહ!" હું ઉત્સાહથી બોલ્યો. કલ્પેશભાઈ મારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યા.આભાએ મારી સામે ડોળા કાઢ્યા.
"ઠંડુ પિશ કે ગરમ?" કલ્પેશભાઈએ મહેમાનગતિ કરી.
"કોફી તૈયાર થાય ત્યાં સુધી કોલ્ડ ડ્રીંક પી લઈશ."મેં કહ્યું.
કલ્પેશભાઈના ચહેરા પર છવાયેલા આશ્ચર્યમાં વધારો થયો.પણ તેણે કોઈ પણ ટિપ્પણી કર્યા વગર નોકરને કોફી અને કોલ્ડ ડ્રીંક લાવવા સૂચના આપી દીધી.
"શું છે કે આ બધા કોલ્ડ ડ્રીંક તબિયત બગાડે છે.એટલે હું આ આદત છોડવા માંગુ છું.અને તેને છોડવા માટે પહેલું ચરણ મેં અમલમાં મૂકી દીધું છે."
"શું વાત કરી રહ્યો છે? તું કોલ્ડ ડ્રીંક પી તો રહ્યો છે."
"અરે પહેલું ચરણ એ છે કે મેં કોલ્ડ ડ્રીંક ખરીદવાનું છોડી દીધું છે. હવે મને જ્યાં મફતમાં કોલ્ડ ડ્રીંક પીવા મળે ત્યાં પી લઉં છું. બીજા ચરણમાં હું પીવાનું છોડી દઈશ."
મારો વિચિત્ર જવાબ સાંભળીને કલ્પેશભાઈ હસી પડ્યા.
"તારી હાસ્યવૃત્તિ સરસ છે.પણ હવે હું જે કહેવા માંગુ છું તે સાંભળ."
હું સીધો થઈને બેસી ગયો.હવે ગમે ત્યારે હુમલો થવાની શક્યતા હતી.


ક્રમશ