Ishq Impossible - 1 books and stories free download online pdf in Gujarati

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 1

કૉલેજ કેન્ટીનમાં એક બહુજ ગંભીર સમસ્યા ઉપર ચર્ચા વિમર્શ થઈ રહ્યો હતો.અને સમસ્યા હતી મારી લવ લાઈફ!
પણ પહેલાં હું અમારા ગ્રુપનો પરિચય આપી દઉં.
અમારા ગ્રુપનો નેતા છે સૌરભ.બીજુ કોઈ સમજે કે ન સમજે તે પોતાની જાતને કૉલેજનો સૌથી હેન્ડસમ છોકરો સમજે છે.તેનું જીવનનું લક્ષ્ય એટલે ખાઓ પિયો મજા કરો અને છોકરીઓ ફેરવો!
અમારી મંડળીના બાકીના સભ્યો હતા; આલોક,નીરવ,પ્રકાશ અને વિનય.તેમના લક્ષણો પણ સૌરભ જેવા જ હતા.
અને એટલે જ અત્યારે તે મારી પાછળ પડ્યા હતા.
પણ પહેલાં મારો પરિચય તો આપી દઉં.હું છું પ્રવીણ.તમે હિન્દી ફિલ્મોમાં જોયું હશે કે દરેક કૉલેજના ગ્રૂપમાં એક કોમેડિયન હોય જેની બધા મજા લેતા હોય છે.આ ગ્રૂપનો કોમેડિયન હું છું.
"જો બકા.તું જેવી લાઈફ જીવી રહ્યો છે એ જોઈને અમારો જીવ બળે છે,ખબર છે?મને તો એવું લાગે છે કે તારા કરતા વધુ રંગીન લાઈફ તો તારા પિતાજીની હશે!ભણવા સિવાય જીવનમાં બીજુ ઘણું બધું છે,સમજ્યો?"સૌરભે હુમલાની શરૂઆત કરી.
આલોકે પણ સૂરમાં સુર પુરાવ્યો,"બીજા ધોરણમાં સ્કૂલમાં ટીચરે તને પનિશમેન્ટ તરીકે છોકરીઓ સાથે બેસાડ્યો હતો તેના સિવાય નારી જાતિ સાથે તે કોઈ સંબંધ રાખ્યો છે?"
"આને કશું કહેવાનો અર્થ નથી.એક વાર કુરબાની આપીને પાર્ટી પછી પાયલને ઘરે મૂકી આવવા મેં અને જણાવ્યું હતું પણ આ બાઘો તેનો પણ કઈ ફાયદો ઉઠાવી ન શક્યો."હવે વિનય મેદાનમાં કૂદ્યો.
"અરે પણ... આખો રસ્તો પાયલ સૌરભની જ વાતો કર્યા કરતી હતી એમાં હું શું ફાયદો ઉઠાવું?"
સૌરભ અભિમાનથી હસ્યો,"આ જ તો ટેલેન્ટ છે.તારામાં એ ટેલેન્ટ કેમ નથી?"
હવે આ પ્રશ્નનો શું જવાબ આપી શકાય?
આજે આખી ટોળકી મારી મજા લેવાના મૂડમાં હતી.એટલે તેનાથી છટકવા માટે મેં પેમેન્ટ કરવાનો પ્રસ્તાવ મુક્યો..આમ તો રોજ પેમેન્ટ કોણ કરે એ બાબતમાં અમારી ગેંગ એકબીજાને લાભ આપવાનો પૂરતો પ્રયત્ન કરે છૅ પણ આજે જે રીતે અમારી ટોળકી મારી ફીરકી લેવાના મૂડમાં હતી તે જોતા ત્યાં વધુ ઉભા રહેવું મારાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હતું.
એટલે જ "પેમેન્ટ કરીને આવું છુ." કહીને હું ઉભી થયો ત્યારે ટોળકી મારી સામે આશ્ચર્યથી જોઈ રહી.
વિનયે તો પરિસ્થિતીનો અનુચિત લાભ લેવાનો પણ પ્રયત્ન કર્યો, "પાછલું પણ ભરી દેજે."
આ પ્રસ્તાવનો ઉત્તર મેં ખાસ્સી રંગીન ભાષામાં આપ્યો."કેમ? (.......)મારા (......)માં પૈસાનું ઝાડ ઉગ્યું છે ? "
"ત્યાં પૈસાનું ઝાડ ઉગે તે પહેલી વાર સાંભળ્યું." વિનય ભોળપણથી બોલ્યો.
હું તેને કોઈ ઉત્તર આપ્યા વગર કાઉન્ટર ઉપર પેમેન્ટ કરવા પહોંચી ગયો.
"પાંચ ચા અને પાંચ સમોસા."મેં કહયું.
"પાછલા?"કેન્ટીનવાળા છોટુએ તગાદો કર્યો.
મેં તેને પણ મારી અતિ સમૃદ્ધ ભાષાનો લાભ આપ્યો.
પણ છોટુ ભડક્યો, "જો ભાઈ આમ ગાળાગાળી કરશો તો એકાઉન્ટ બંધ કરી દઈશ. તમારા માટે સ્પેશ્યલ સ્કીમ કાઢીશ. કેશ ઓન ડિલિવરી વિથ ઝીરો પર્સન્ટ ડિસ્કાઉન્ટ.જીએસટી એક્સટ્રા!"
ત્યાં તો સૌરભ કાઉન્ટર પર પહોંચી ગયો.
"અરે એમાં એટલો ગંભીર કેમ થઈ જાય છે ?તૂ આ બિચારાની માનસિક સ્થિતિ સમજવાનો પ્રયત્ન કર.કોઈ છોકરી તેનામાં લાફો મારવા જેટલું ઇંટ્રેસ્ટ પણ નથી લેતી. પછી માણસનું માનસિક સંતુલન હલી જ જાય ને?"
છોટુને પણ મારી કરુણ કથામાં રસ પડયો, "શું વાત કરો છો!આને કોઈ ગર્લફ્રેન્ડ નથી?"
સૌરભ આંખો પહોળી કરીને બોલ્યો, "ગર્લફ્રેન્ડ? બકા, ગર્લફ્રેન્ડની તૂ શું વાત કરે છે! આને તો છોકરીઓ રક્ષાબંધનના દિવસે પણ ઇગ્નોર કરે છે.પછી આ પણ શું કરે? એ માણસ નથી?એનામાં ભાવનાઓ નથી?"
"માણસ ફ્રસ્ટેટ તો થઈ જાય હો." છોટુએ પણ કબૂલ કર્યું.
"એટલે આપણે મોટુ મન રાખીને જતું કરવાનું. આના જીવનના કપરા કાળમાં સાચવી લેવાની આપણી ફરજ નથી શું?"
"બસ કર પગલે રુલાયેગા ક્યા?" કહીને છોટુ બીજા ગ્રાહકોમાં વ્યસ્ત થઈ ગયો.
ટેબલ પર પાછા ફર્યા પછી સૌરભે મારો ઉઘડો લેવાનો ચાલુ કર્યો, "અલ્યા કાઉન્ટર પર લવારી કેમ કરતો હતો? પાછલું પેમેન્ટ નહોતું કરવું તો સામાન્ય રીતે જણાવી દેવું હતુંને? ગાળાગાળી કરવાની શું જરૂર હતી, શૂરવીર? અત્યારે ગુસ્સામાં છોટુ જો આપણું એકાઉન્ટ બંધ કરી દેત તો રોજ રોજનું પેમેન્ટ કોણ કરત?"
હું ચૂપ રહ્યો. સૌરભ પ્રવચનના મૂડમાં હોય ત્યારે તેને સાંભળી લેવો તે જ યોગ્ય હતું.
પણ સદભાગ્યે તેના પ્રવચનમાં વિક્ષેપ પડયો.
"એક્સક્યુસ મી!"એક મીઠો અવાજ સંભળાયો.
સૌરભે પ્રવચન આપવાનું મુલતવી રાખીને અવાજની સ્વામીની તરફ જોયું.
"જી?"સૌરભે તેનાથી પણ મીઠા અવાજમાં પ્રતિભાવ આપવાનો પ્રયત્ન કર્યો જે તદ્દન નિષ્ફળ ગયો. પણ છોકરીનું ધ્યાન મારા પર કેન્દ્રિત હતું.
"મારે એ જાણવું હતું કે લેડીઝ હોસ્ટેલ કંઈ તરફ છે?" તેણે પ્રશ્ન કર્યો.
પણ મેં તો તેનો પ્રશ્ન સાંભળ્યો સુદ્ધા નહોતો.હું તેને જોવામાં મશગુલ હતો.અથવા એવું કહો કે સાનભાન ભૂલી ગયો હતો!

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED