Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 9

સ્વપ્નસુંદરીને જોઈને હું ચોંકી ઉઠ્યો હતો.
છેલ્લા એક કલાકથી હું તેની પ્રતીક્ષા કરી રહ્યો હતો અને જ્યારે તે પહોંચી ત્યારે મારું તેના પર ધ્યાન જ નહોતું એ એક વિડંબના જ હતી.
જોકે સારી વાત એ હતી કે તેણે ખુદને જાહેર કરી દીધી હતી.
"છેલ્લા એક કલાકથી આ મારી પ્રતીક્ષા કરી રહ્યો છે.અને ગઈકાલે આને ખરેખર એક્સિડન્ટ થયો હતો.આ વાત હું ખાતરીપૂર્વક કહી શકું છું કારણકે એ એક્સિડન્ટ મારી જ કાર સાથે થયો હતો. અને અત્યારે કારને જે નુકસાન થયું તેની ચર્ચા કરવા અત્યારે અમે મળવાનું નક્કી કર્યું હતું.મને લાગે છે કે કદાચ જે છોકરો ગઈકાલે હોસ્ટેલ આવ્યો હતો તે પ્રવીણ જેવો દેખાતો હશે એટલે તમને ગેરસમજ થઈ."
સ્વપ્નસુંદરીના વક્તવ્ય પછી સોપો પડી ગયો.મારા પર આક્ષેપ કરનારી છોકરીઓ હવે ઢીલી પડી હતી અને મારો કેસ પળ પ્રતિપળ મજબૂત બની રહ્યો હતો.
સ્વપ્નસુંદરીએ હવે મારી સામે જોયું,"તો જઈએ?"
"ક્યાં...?"
"અરે કેન્ટીન જઈને બેસીએ અને મારી કારને જે ડેમેજ થઈ છે તેની વાત કરી લઈએ.ભૂલ સો ટકા તારી હતી,તું જ મારી કારની સામે આવી ગયો હતો."
"હા પણ..હું તેનો ક્યાં ઇન્કાર કરું છું?"
"તો ચાલ આપણે વાત કરી લઈએ.નુકસાનીની રકમ નક્કી કરી લઈએ."
કહીને તેણે આજુ બાજુ જોયા વગર કેન્ટીનની દિશામાં પગ ઉપાડ્યા.હું પણ તેની પાછળ પાછળ ચાલવા માંડ્યો.
મને આશંકા હતી કે ગમે ત્યારે પાછળથી બૂમ પડશે પણ એવું કંઈ થયું નહી.કોઈએ મને રોકવાનો પ્રયત્ન ન કર્યો.
કેન્ટીનમાં બેસીને મેં રાહતનો શ્વાસ લીધો.હું ફરી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી ગયો હતો.
પણ હવે શું થવાનું હતું?
સ્વપ્નસુંદરીએ છોટુને ઓર્ડર આપી દીધો હતો.
છોટુ મને જોઈને મલકી રહ્યો હતો.સ્વપ્નસુંદરીની નજર ચૂકવીને તેણે મારી સામે આંખ પણ મિંચકારી દીધી!
મેં તેની આ હરકતની ઉપેક્ષા કરી ત્યાં બીજી મુસીબત આવી.
રોજના નિયમ પ્રમાણે ટોળકી કેન્ટીનમાં પ્રવેશી.પણ મને સ્વપ્નસુંદરી સાથે બેઠેલો જોઈને એ અચંબાથી ઉભા જ રહી ગયા.સૌના ડોળા ડબાક કરતા બહાર આવી ગયા.
તેમના ચહેરા પર થી સ્પષ્ટ હતું કે તેમને પોતાની આંખો પર વિશ્વાસ નથી થઈ રહ્યો.
પછી સૌરભે ટોળકીને ઈશારો કર્યો અને બધા યુ ટર્ન લઇને કેન્ટીનથી વિદાય થયા.
મેં હવે સ્વપ્નસુંદરી તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.તે મારી સામે જ તાકી રહી હતી.
જ્યારે તે ચૂપ રહી તો મેં જ વાર્તાલાપ ચાલુ કર્યો," કારને શું નુકસાન થયું છે?"
સાંભળી ને સ્વપ્નસુંદરી ખડખડાટ હસી પડી,"તને એવું લાગે છે કે અહીંયા હું કારના એક્સિડન્ટ વિશે ચર્ચા કરવા આવી છું? તું એવું સમજતો હોય તો એ તારો ભ્રમ છે.
આ તો તું જે રીતે ફસાયો હતો તે જોતા મને તારી દયા આવી ગઈ એટલે મેં તારી મદદ કરી."
"સારુ થેન્ક્યુ." હું આનાથી વધારે કશું બોલી ન શક્યો.
સ્વપ્નસુંદરી હજી મલકી રહી હતી
"તમે મને બચાવી લીધો નહીં તો આ બધા ગેરસમજમાં મને મારવાના જ મૂડમાં હતા."
સ્વપ્નસુંદરીએ હસવાનું બંધ કર્યું પણ તેના ચહેરા પરથી રમુજના ભાવ ન ગયા,"એટલે આટલી મદદ કરવા છતાં તું મને મૂર્ખ બનાવવા જાય છે?"
"ના એવું નથી."મેં વિરોધ કર્યો
"એમ?તો તારી જાણ ખાતર તને કહી દઉં કે જ્યારે તારો એક્સિડન્ટ થયો ત્યારે હું એકદમ ગભરાઈ ગઈ હતી ત્યારે મેં મારી મિત્ર શીલાને બોલાવી હતી. શીલા એ સમયે તાત્કાલિક ઓળખી ગઈ હતી કે થોડા સમય પહેલા જ તું હોસ્ટેલમાંથી ભાગ્યો હતો.જો કે આનાથી એ વાત પર કોઈ ફરક નહોતો પડતો કે મારી ગાડીથી તને ટક્કર થઈ હતી એટલે આ બાબતમાં મેં તારી સાથે કોઈ ચર્ચા કરી ન હતી. પણ આ વાત તો સાચી જ છે કે તું ગઈકાલે લેડીઝ હોસ્ટેલના આંટા મારતો હતો. શું હું પૂછી શકું શા માટે?"
હું વિચારી રહ્યો હતો કે હવે આ સવાલનો જવાબ શું આપવો ત્યાં સ્વપ્નસુંદરીએ પોતાની વાત ચાલુ રાખી,"
અને આજે પણ તું ગેટ ઉપર ઉભો ઉભો આવતી જતી છોકરીઓને તાકી રહ્યો હતો તેવું પાણીપુરી વાળાનું કહેવું હતું. હવે પાણીપુરી વાળો કોઈ તારો દુશ્મન નથી એટલે આ વાત તો સાચી જ છે એ માનવું રહ્યું."
હું હજી પણ ચૂપ હતો
"તને જોઈને મને એવું લાગ્યું હતું કે તું એક ભોળો માણસ છે પણ શું મારું આકલન ખોટું છે?"
મેં એક ઊંડો શ્વાસ લીધો. આજ મોકો હતો અત્યારે હું સ્વપ્નસુંદરીને કહી શકું તેમ હતું કે હું તેને પ્રેમ કરતો હતો. મેં નક્કી કરી નાખ્યું કે અત્યારે જ હું પ્રેમનો એકરાર કરી દઈશ.

ક્રમશ: