પરિસ્થિતિ ગંભીર વણાંક લઈ ચૂકી હતી.
મેં મારી આસપાસ જોયું.ગર્લ્સ હોસ્ટેલની છોકરીઓની સંખ્યા ધીરે ધીરે વધી રહી હતી.
જોરાવરસિંહ પણ ફૂલ ફોર્મમાં હતો."તો તને માહિતી જોઈએ છે એમને?પણ એક કામ કરીયે.પોલીસને તારી માહિતી આપીએ તો?"
મારું મગજ તેજ ગતિથી ભાગી રહ્યું હતું.
અત્યારે જે સ્થિતિમાં હું ફસાયો હતો તેનાથી બચવાનો એક જ ઉપાય હતો.
હું જોરાવરસિંહની આંખોમાં આંખો નાખીને ઉભો રહ્યો.
"તો તું મારી ખબર પોલીસમાં આપવા માંગે છે! પણ તને શું ખબર છે કે હું કોણ છું?મારા પિતાને ઓળખે છે?"
જોરાવરસિંહે દાંત કચકચાવીને કહ્યું,"શું તું મને ધમકાવી રહ્યો છે? તું ગમે તેટલો મોટો માણસ હોય,મને ફરક નથી પડતો."
જોરાવરને કોઈપણ જવાબ આપવાની તસ્દી લીધા વગર મેં મને ઘેરીને ઊભેલી છોકરીઓ તરફ પ્રશ્ન ઉછાળ્યો,"તો! લેડિઝ! તમારામાં કોઈને ખબર છે કે હું કોણ છું?"
એક છોકરીએ જવાબ આપ્યો,"ના.અમને ખબર નથી.અને અમારે જાણવું પણ નથી.તું શું કરી લઈશ,જણાવ તો?"
મારા ચહેરા પર સ્મિત આવ્યું,"તમારે ખરેખર જાણવું છે કે હું શું કરી શકું છું."
"હા બોલ."છોકરીએ ઉત્તર આપ્યો. તેના અવાજમાં પડકાર હતો.
મેં બુલંદ અવાજમાં ગર્જના કરી,"તો કાન ખોલીને સાંભળી લો બધા. હું અહીંથી ઉભી પૂંછડીને નાસી શકું છું."
અને કોઈને કશો ખ્યાલ આવે એ પહેલા તો મેં કૂદકો મારીને નજીક ઉભેલી છોકરી ધક્કો મારી દીધો. એક તીણી ચીસ સાથે છોકરી જમીન પર ફસાઈ.હું તેની બાજુમાંથી નીકળીને વિરુદ્ધ દિશામાં ભાગ્યો. અત્યારે મારી દોડવાની ઝડપ એવી હતી કે કદાચ મિલ્ખાસિંગ મારી સાથે રેસ લગાવે તો હારી જાય!
મારી પાછળ જોરાવરસિંહ બૂમ સંભળાઈ,"એ ક્યાં દોડે છે ઉભો રહે."
પણ પાછળ જોયા વગર દોડવાનું ચાલુ રાખ્યું. મને એ પણ ખબર નહોતી કે મારો કોઈ પીછો કરી રહ્યું છે કે નહીં. પણ હું રિસ્ક લેવા નહોતો માંગતો. દોડતો દોડતો જ હું કૉલેજની બહાર નીકળી ગયો.
ગેટની બિલકુલ સામે બસ સ્ટોપ હતો.ત્યાંથી એક બસ વિદાય થઈ રહી હતી.જો કોઈ મારી પાછળ આવી રહ્યું હોય તો તેનાથી પીછો છોડાવવાનો આ સ્વર્ણિમ અવસર હતો.હું ચાલુ બસમાં જ ચડી ગયો.મને એ પણ ખબર નહોતી કે બસ ક્યાં જઈ રહી છે.અત્યારે તે મહત્વનું પણ નહોતું.અત્યારે તો ફક્ત કૉલેજથી બને એટલા દૂર જવું તે જ મારા હિતમાં હતું.
"અરે એ ભાઈ શું કરી રહ્યો છે?" કંડક્ટરે મારા ચાલુ બસમાં ચડવા પર વિરોધ નોંધાવ્યો.
હું કંડકટરની ઉપેક્ષા કરીને એક ખાલી સીટ ઉપર બેસી ગયો અને હાંફવા માંડ્યો.મેં બસની બારીથી જોયું તો જોરાવરસિંહ ગેટ સુધી પહોંચી ચૂક્યો હતો અને મને શોધવા માટે આમતેમ ફાંફા મારી રહ્યો હતો.હું સમયસર બસમાં ચડી ગયો હતો.જો હું બહાર હોત તો સો ટકા પકડાઈ ગયો હોત.પછી મારી શું સ્થિતિ થાત તેની કલ્પના કરવામાં પણ બીક લાગતી હતી.
પણ કંડકટર એટલે સરળતાથી તંત મૂકે તેઓ ન હતો.તે મારી પાસે આવ્યો અને ઉભો રહ્યો,"કેમ ભાઈ!બહુ સ્ટંટ કરવાના શોખ થાય છે? આ રૂટની બસ દર પંદર મિનિટે આવે છે.એટલી બધી તો શું ઉતાવળ હતી તને? બસની નીચે આવી જાત તો અમારે કેટલી જફા થઈ જાત એ વાત સમજાય છે?"
મેં દયનીય ચહેરા સાથે કંડકટરને જવાબ આપ્યો,"તમારી વાત સાચી છે પણ અત્યારે હું ખરેખર ખૂબ ઉતાવળમાં છું. હમણાં જ મને ખબર પડી છે કે મારા પિતાજીને એક્સિડન્ટ થયો છે અને તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. તમે મારી માનસિક સ્થિતિ સમજી શકો છો."
કંડકટરના ચહેરા ઉપર સહાનુભૂતિના ભાવ આવ્યા."આ વસ્તુને મને ખબર ન હતી. પણ બેટા ધ્યાન રાખવું.આવી રીતે ચાલુ બસમાં ચડવા જતા એકાદ પગલું આમતેમ થઈ જાય તો પિતાજીની સાથે તું પણ આઇસીયુમાં ભરતી થઈ જઈશ.ક્યાંની ટિકિટ જોઈએ છે?"
હવે હું ફસાયો. આ બસ ક્યાં છે જઈ રહી હતી તેને તો મને અંદાજ ન હતો. તો ટિકિટ ક્યાંની માંગુ?
મને ચૂપ જોઈને કંડકટર સહેજ અકળાયો,"અરે ભાઈ હવે તને મોડું નથી થતું?જલ્દી બોલ ક્યાં જવું છે?"
"છેલ્લુ સ્ટેન્ડ!"અંતે મેં હવામાં તીર માર્યું.
"તો રેલવે સ્ટેશન બોલને ભાઈ!" કંડકટર બબડ્યો અને મને ટિકિટ કાઢી આપી.
મેં રાહતનો શ્વાસ લીધો.પણ આ મારી મુસીબતોનો અંત ન હતો. એક ઊડતું તીર અણધારી દિશામાંથી આવીને મને લાગવાનું હતું જેના કારણે મારી પોલ ખુલી જવાની હતી.
ક્રમશ: