મારી આખી કહાણી સાંભળીને સૌરભનો પહેલો પ્રતિભાવ ખડખડાટ હસી પડવાનો હતો.
પછી હાસ્યમાં થોડું વિરામ લઈને તે બોલ્યો,"એટલે તું એવું કહેવા માંગે છે કે તું લેડીઝ હોસ્ટેલના ચોકીદાર પાસે પૂછપરછ કરવા પહોંચી ગયો હતો? અલ્યા બબૂચક!"
"હવે મને બીજો કોઈ રસ્તો સૂઝ્યો નહીં તો હું શું કરું?"
"પણ આ તો તારી સાથે એકદમ ફિલ્મી સ્ટોરી જેવું થઈ ગયું. કારથી ટક્કર મારી અને એ પણ કોણે?તારી હિરોઈને.પણ તેનો ફાયદો શું થયો? હજી એ તેનું નામ તો તને ખબર જ નથી ને?"
"પણ એક વાત તો લોજીકલ છે કે તે ફર્સ્ટ યરની સ્ટુડન્ટ છે. નહીતર આપણે તેને પહેલાં જોઈ જ હોત.અને તે ગર્લ્સ હોસ્ટેલ ક્યાં છે તેનો જાણતી હોત.અને હા,તેની શોધખોળ ગર્લ્સ હોસ્ટેલમાં કરવાની જરૂર નથી.તેની વાતોથી મને એટલો તો અંદાજ આવી ગયો હતો કે તે પોતાના પિતાની કાર તેમની જાણકારી વગર લઈને નીકળી હતી.એટલે તે આ જ શહેરમાં રહે છે.જરૂર તે તેની કોઈ મિત્રને મળવા ગર્લ્સ હોસ્ટેલ આવી હતી."
અચાનક મને એક હતાશાજનક વિચાર આવ્યો" આ રીતે જોઈએ તો એ આ કોલેજની સ્ટુડન્ટ હોય એ પણ જરૂરી નથી.કદાચ એ બીજી કૉલેજમાં ભણતી હોય અને અહીં ફક્ત તેની મિત્રને મળવા આવી હોય તેવું ન બને?"
"તારું નસીબ વાંકું હોય તો બને.હવે આ સમસ્યાનો એક જ સમાધાન છે. કાલે ગેટ પાસે ઊભો રહે અને દરેક આવતા જતા પર નજર રાખ."
"પણ એ આ કોલેજની સ્ટુડન્ટ હોય અને કાલે જ રજા પાડે તો?"
સૌરભ ગિન્નાયો,"તો તું દારૂ પીને પોતાના કપડા ફાડીને ગટરમાં ધીંગામસ્તી કરજે.દેવદાસ બની જજે.અલ્યા પહેલાં હું કહું છું તેમ કર તો ખરો.એક દિવસ ન આવે તો વધુ એક બે દિવસ પ્રયત્ન કરીશું. પછી પણ તે જો ન આવે તો પછી જોઈશું શું કરવું છે તે.અત્યારથી નેગેટિવ કેમ વિચારે છે?"
"ઠીક છે.તું કહે છે હું તેમ જ કરીશ."
અને ખરેખર સૌરભે આપેલા ઉત્સાહવર્ધક ઈન્જેકશનના પ્રતાપે હું વહેલી સવારથી જ કૉલેજના ગેટ સામે પહોંચી ગયો.
આવ્યા જતા લોકોને નીરખતા હું થોડી વારમાં જ કંટાળી ગયો.હવે મને બીક લાગવા માંડી હતી કે શું મારી આશંકા સાચી તો નહી પડે ને? એ બીજા કોઈ કૉલેજની સ્ટુડન્ટ તો નહી નીકળેને?
"અરે આ તો પેલો"અચાનક મને જોઈને એક છોકરી બોલી.
"કોણ?" તેની સાથે એક બીજી છોકરી હતી તેણે પૂછ્યું .
"અરે કાલે જે હોસ્ટેલમાં ઘૂસવા ગયો હતો તે."
"લાગે છે સીધો કરવો પડશે." કહીને છોકરી મારી તરફ આગળ વધી.તેની સાથે બીજી છોકરીઓનું એક નાનકડું ટોળું પણ મારી તરફ વઘ્યું.
મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું.હું ઓળખાઈ ચૂક્યો હતો! પણ અત્યારે કોઈ સ્પષ્ટીકરણ આપવાનો કોઈ ફાયદો થાય તેમ નહોતો.
"કાલે કૂતરાની જેમ ભાગવું પડ્યું તેનાથી તું કંઈ શીખ્યો હોય તેમ લાગતું નથી."છોકરી તિરસ્કાર ભર્યા સ્વરમાં બોલી.
"શું કહ્યું? મને કંઈ સમજાતું નથી."હું એકદમ ભોળો બની ગયો.
"ઓહોહો! જુઓ તો કેટલો સીધો સાધો બનીને દેખાડી રહ્યો છે!હજી ગઈકાલે તો જોરાવરસિંહ પાસે હોસ્ટેલની છોકરીઓ વિશે માહિતી માંગી રહ્યો હતો!અને અત્યારે એક દિવસમાં બધું ભૂલી પણ ગયો!"
અંદરથી હું ફફડી રહ્યો હતો પણ બહારથી મેં હિંમત દેખાડી,"એટલે? ઓ મેડમ! હું કશું બોલી નથી રહ્યો એનો મતલબ એ નથી કે તમે મનફાવે તેવો બકવાસ કરો.ગઈકાલે કોણ આવ્યું હતું તે મને ખબર નથી.અને ગઈકાલે તો મારો એક્સિડન્ટ થવાના કારણે હું હોસ્પિટલમાં હતો."
આ સાંભળીને છોકરી થોડી ખચકાઈ,પણ ત્યાં તો મારો સર્વનાશ કરવા પાણીપુરી વાળો આવી ગયો.
હજી બે દિવસ પહેલાં જ મેં આ પાણીપુરી વાળા પાસે પચાસ રૂપિયાની પાણીપુરી ખાધી હતી અને સર્વોચ્ચ બલિદાન આપીને મસાલા પૂરી પણ નહોતી માંગી.પણ અત્યારે એ બેશરમ આ હકીકત ભૂલી ગયો.
"ગઈકાલની વાત છોડો, પણ આજે મેં જ્યારથી ગલ્લો ચાલુ કર્યો છે ત્યારથી જોઈ રહ્યો છું કે આ ક્યારનો આવતી જતી છોકરીઓને તાકી રહ્યો છે.કોઈ એને પૂછો કે છેલ્લા એક કલાકથી તે અહીં શું કરી રહ્યો છે?"
હું પરસેવે નહાઈ રહ્યો.આ સવાલનો જવાબ હું શું આપુ? આ તો હું ગઈકાલ કરતાં પણ ખરાબ રીતે ફસાયો હતો. મેં આસપાસ જોયું,કદાચ ટોળકીનો કોઈ સભ્ય દેખાઈ જાય તો મને થોડી મદદ મળી રહે.પણ અફસોસ! હજી ટોળકીમાંથી કોઈ આવ્યું નહોતું.
"આ મારી પ્રતીક્ષા કરી રહ્યો હતો."અચાનક એક અવાજ ગુંજ્યો.
અમે બધાએ ચોંકીને બોલનાર વ્યક્તિ સામે જોયું અને મારી હાલત તો એકદમ જ ખરાબ થઈ ગઈ.
તે સ્વપ્નસુંદરી હતી!
ક્રમશ: