Ishq Impossible - 4 books and stories free download online pdf in Gujarati

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 4

અમારી ચર્ચા ચાલુ હતી ત્યાં છોટુ ટેબલ પર આવ્યો.એક તિરસ્કાર ભરી નજરે અમને જોઈને તે બોલ્યો,"ભાઈ તમે લોકો કેન્ટીનમાં જેટલા પડ્યા રહો છો તેટલું તો તમારા ઘરમાં પણ નહીં રહેતા હો. પણ પાંચ સમોસા અને પાંચ ચાનો ઓર્ડર આપીને પાંચ કલાક બેસી રહેવું એ જરા વધારે પડતું છે.હવે બીજો કોઈ નવો ઓર્ડર આપો અથવા કોઈકને બેસવાની જગ્યા કરો."
"તો બીજા કોઇક ને બેસાડ ભાઈ."કહીને સૌરભ ઉભો થયો. તેને જોઈને અમે બધા પણ ઊભા થઈ ગયા.
કેન્ટીનમાંથી બહાર નીકળીને સૌરભે મારા ખભા ઉપર હાથ મૂક્યો અને પ્રેરક પ્રવચન આપવાનું ચાલુ કર્યું,"જો બકા. આજે તારી પહેલી પરીક્ષા છે. છોકરીનું નામ એડ્રેસ ફોન નંબર શોધી કાઢ પછી આગળની સૂચના તને આપવામાં આવશે.ગભરાઈશ નહી. મન મક્કમ રાખજે.ફતેહ તારી જ થશે!"
આટલી વાતચીત પછી અમારી ટોળકી વિખરાઈ ગઈ.
જો કે હું ત્યાં જ અવઢવમાં ઉભો રહી ગયો.હવે આ છોકરીનું એડ્રેસ મારે ક્યાંથી કઢાવવું?
અચાનક કૈક વિચારીને હું ગર્લ્સ હોસ્ટેલની દિશામાં આગળ વધ્યો.
ગર્લ્સ હોસ્ટેલ કૉલેજના પરિસરમાં જ સ્થિત હતું પણ એકદમ ખૂણામાં! તેના માટે અલાયદી સિક્યુરિટીની પણ વ્યવસ્થા હતી.
મેં જોયું કે ગર્લ્સ હોસ્ટેલના ગેટ પાસે ચોકીદાર તેની જર્જરીત ખુરશી પર બેસીને તમાકુ ચાવી રહ્યો હતો.
હું ધીમેથી ચોકીદાર પાસે ગયો અને થોડીવાર ઊભો રહ્યો. ચોકીદાર શંકાશીલ નજરે મારી સામે જોઈ રહ્યો હતો કદાચ ખ્યાલ આવી ગયો હતો કે મારા ઈરાદા નેક નથી.
છેવટે મે હિંમત કરીને ચોકીદારને કહ્યું,"કેમ છો કાકા?"
ચોકીદારે મારી સામે ડોળા કાઢીને કહ્યું,"હું બિલકુલ મજામાં નથી.મને ઝાડા થઈ ગયા છે અને દર દસ મિનિટે દોડવું પડે છે.પાઇલ્સની તો કાયમની તકલીફ છે.મારી પત્ની સાક્ષાત મહાકાળીનો અવતાર છે અને રોજ ઘરે જાઉં ત્યારે મારું સ્વાગત વેલણ ફટકારીને કરે છે.મારી છોકરી પ્રેમમાં પડી છે અને તેને જે છોકરો પસંદ પડ્યો છે તે મૂર્ખ છે.બીજી તરફ,મારા છોકરાના લગ્ન હું કરાવવા માંગુ છું પણ તેને કોઈ છોકરી પસંદ જ નથી કરતી! ફક્ત પાંચ વર્ષ પહેલાં મારા માથા પર કાળા ભમ્મર વાળ હતા.હવે ટાલ પાડવાની શરૂઆત થઈ ગઈ છે.ગયા અઠવાડિયે નાઈટ શિફ્ટમાં હું સૂતા પકડાઈ ગયો હતો અને મને ચેતવણી આપવામાં આવી છે કે આવું બીજી વાર થયું તો મને નોકરીથી કાઢી મૂકવામાં આવશે.આટલું પૂરતું છે કે હજી વધારે વિસ્તારથી મારા ખબર અંતર જણાવું?"
કહીને ચોકીદાર એકદમ ચૂપ થઈ ગયો અને કડક ચહેરે મારી સામે તાકી રહ્યો.
હું અચંબાથી ચોકીદાર સામે જોવા માંડ્યા.ચોકીદાર ગંભીર હતો કે મજાક કરી રહ્યો હતો તે નક્કી કરવું અઘરું હતું.
મેં ફરી પ્રયત્ન કર્યો,"હા હા.તમે સરસ રમૂજ કરો છો."
ચોકીદારનો ચહેરો ભાવહીન હતો.તે અપલક મને તાકી રહ્યો હતો જાણે મારા વિશે કોઈ અભિપ્રાય પર પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો હોય.
અંતે મેં હિંમત કરીને પૂછી જ નાખ્યું,"મને એક માહિતી જોઈએ છે."
ચોકીદારે કોઈ પ્રતિભાવ ન આપ્યો.એવું લાગી રહ્યું હતું કે જાણે મારી સામે કોઈ જીવિત વ્યક્તિ નહી બલ્કે એક પત્થરની મૂર્તિ હોય.
"આજે એક છોકરીએ ગર્લ્સ હોસ્ટેલમાં એડમીશન લીધું છે.તેના વિશે માહિતી જોઈએ છે."મેં ફરી પૂછ્યું.
અને ચોકીદારના ચહેરા પર સ્મિત આવ્યું.
અને મને પહેલી વાર લાગ્યું કે પરિસ્થિતિ મારી તરફેણમાં છે અને હું મારા કાર્યમાં સફળતા મેળવી શકીશ.
પણ ત્યાં તો ચોકીદાર સફાળો ઊભો થયો અને તમાકુ થૂંકી ને પોતાનો ડન્ડો જમીન પર પછાડ્યો.
"શું બોલ્યો તું?"તે બરાડ્યો.
ચોકીદારે જે રીતે અચાનક રંગ બદલ્યો હતો તેનાથી હું હતપ્રભ બની ગયો હતો.હું સમજી નહોતો શકતો કે હવે મારે શું કરવું જોઈએ.
"તારી હિંમત કઈ રીતે થઈ જોરાવરસિંહને આ પ્રશ્ન કરવાની?બેશરમ!" ચોકીદારે ઊંચા અવાજમાં મને ઠપકો આપ્યો.
"કાકા ધીરે..." હું સહેજ ગભરાયો.
"અરે શેનું ધીરે?"ચોકીદારનો અવાજ વધુ ઊંચો ગયો.
ત્યાં તો ચોકીદારના ઊંચા અવાજના કારણે ત્યાં ભીડ એકઠી થવા માંડી હતી.
સ્થિતિ ગંભીર થવા માંડી હતી.હવે મને પરસેવો છૂટી ગયો.જો વાત વધી ગઈ અને પ્રિન્સિપલ સુધી ગઈ તો? જો પ્રિન્સિપલે મારા પિતાજીને ફરિયાદ કરી તો?
મેં મારી આસપાસ જોયું. છોકરીઓનું એક નાનકડું ટોળું મારી આસપાસ ભેગુ થઈ ગયું હતું.
"શું થયું જોરાવરભાઈ ?"એક છોકરીએ પૂછ્યું.
"આ માણસ હોસ્ટેલની છોકરી વિશે પૂછપરછ કરી રહ્યો હતો" ચોકીદારે જવાબ આપ્યો.
સાંભળતા જ તમામ છોકરીઓ મારી સામે ગુસ્સા ભરી નજરે જોઈ રહી.
હું બહુ ખરાબ રીતે ફસાઈ ગયો હતો.

ક્રમશ:


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED