Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 21

સૌરભથી છૂટો પડીને હું લાઈબ્રેરી તરફ આગળ વધ્યો.મારે થોડા નોટ્સ લખવાના હતા.પણ હું લાઇબ્રેરીમાં પ્રવેશ કરૂ એ પહેલાં મને આભા નજરે પડી.તે પણ કદાચ મને જ શોધી રહી હતી તેનું ધ્યાન મારી તરફ નહોતું.અત્યારે શીલા તેની સાથે નહોતી એટલે મેં તેને બૂમ પાડી,"અરે આભા!"
આભાએ મને જોયો અને તાત્કાલિક તેના ચહેરા પર હાસ્ય આવ્યું.
"પ્રવીણ!" તે ઉત્સાહથી બોલી.
હું ઝડપી પગલાં ભરીને તેની પાસે પહોંચી ગયો.
"ઈશાન શું કહેતો હતો?"તેણે પૂછ્યું.
હું ફિક્કું હસ્યો,"કહેતો હતો કે હું તારે લાયક નથી.ભવિષ્ય માં તું મને છોડી દે એના કરતા અત્યારે જ મારે સમજીને તેના રસ્તામાં થી હટી જવું.એને નવાઈ લાગતી હતી કે તું મારામાં શું જોઈ ગઈ છે."
આભા હસી પડી,"વાત તો સાચી જ છે ને!"
આ સાંભળીને જાણે મારા હૃદયમાં એક ચિરો પડી ગયો.ફક્ત એક પળ માટે મારા ચહેરા પર અવસાદનું કાળુ વાદળ છવાયું.જોકે મેં તરત મારા ચહેરાના ભાવ બદલી નાખ્યા અને તેને એક ફિક્કું સ્મિત આપ્યું.
આભા મારી ભાવનાઓથી અનભિજ્ઞ હતી.તે પોતાની જ મસ્તીમાં હતી,"આપણી યોજના સફળ થઈ.ઈશાનને ખાતરી થઈ ગઈ છે કે આપણે બંને રીલેશનશિપમાં છીએ.એટલે હવે તે મારો પીછો છોડી દેશે.શીલાએ પણ આ વાતનો સ્વીકાર કરી લીધો છે. થેંક યુ! તારી મદદના કારણે મારે ઈશાનને રિજેક્ટ કરવાની જરૂર ન પડી જેના કારણે હું મારી બેસ્ટ ફ્રેન્ડને નારાજ કરવામાંથી બચી ગઈ."
આ વાર્તાલાપ મને તકલીફ પહોંચાડી રહ્યો હતો.છતાંય મેં પ્રશ્ન કર્યો,"શીલા શું બોલી?"
આભા મલકી,"તેણે મારી પસંદગીમાં નિરાશા વ્યક્ત કરી. એ વાત જાણવા માંગી કે ઈશાનમાં શું કમી છે."
"આ વાત તો હું પણ જાણવા માગું છું. ઈશાન કોઈપણ છોકરીને ગમી જાય તો યુવાન છે. તું એને પસંદ કેમ નથી કરતી?"
"મેં ક્યાં કહ્યું કે ઈશાન ખરાબ છે. ફક્ત તેને જોઈને મને પ્રેમની અનુભૂતિ નથી થતી. બસ આટલી વાત છે!"
"હું સમજ્યો નહીં."
"શું જરૂરી છે કે બધાએ કોલેજમાં આવીને પ્રેમ કરવો જ જોઈએ? શીલા, ઈશાન ,તું અને તારા મિત્રો અને તમે જ શું કરવા, ઘણા બધા એવા લોકો છે કે એવું વિચારે છે કે કોલેજ એ મોજમસ્તી કરવા માટેની જગ્યા છે.મારું ફોકસ અત્યારે ભણવામાં છે.હું આ બધા લફડામાં નથી પડવા માંગતી."
"એટલે તું પ્રેમની વિરુદ્ધ છે?"
"પ્રેમ? તું તારી જ વાત કર.તું કહે છે કે તું મને પ્રેમ કરે છે. કયા આધાર પર? એજ આધાર પરને કે હું સુંદર છું! એને પ્રેમ નહી આકર્ષણ કહેવાય.અને હું પ્રેમની વિરુદ્ધ નથી.બની શકે કે કાલે મને પ્રેમ થઈ જાય.બની શકે કે ઈશાનને હું વધુ સારી રીતે ઓળખું તો ઈશાન સાથે જ મને પ્રેમ થઈ જાય.એવું પણ બની શકે કે તારી સાથે થઈ જાય.પણ આ તો પ્રેમ કરાવવામાં આવી રહ્યો છે. જબરદસ્તી મનમાં જે લાગણી ન હોય તેને ઉત્પન્ન કરવામાં આવી રહી છે.હું તેની વિરુદ્ધ છું."
હું ચૂપ રહ્યો.તેની વાત ખોટી ન હતી.
આભા એ એક ઊંડો શ્વાસ લીધો,"ખેર! આપણે ગંભીર ચર્ચાએ ચડી ગયા. અમે આ બધી ચર્ચાનો કોઈ મતલબ નથી.આ પ્રકરણ હવે પતી ગયું છે."
"શું તને આ વાતની ખાતરી છે?"મેં પૂછ્યું.
"તું શું કહેવા માંગે છે?" આભાએ ગૂંચવણભર્યા સ્વરમાં પૂછ્યું.
"હું એમ કહેવા માગું છું કે તે આ ખૂબ જ ખતરનાક રમત આદરી છે.શીલા તારી મિત્ર છે. એ તારા નિર્ણયને સ્વીકારી લેશે.પણ ઈશાનનું શું?"
"ઈશાન? તેનું શું છે?"
"ઈશાનનો અહમ ઘવાયો છે. તે આટલી સરળતાથી પરાજય નહીં સ્વીકારે."મેં આશંકા વ્યક્ત કરી.
"આમાં જય કે પરાજયની વાત ક્યાં આવી?"
"એવું તને લાગે છે.ઈશાન કદાચ એવું ન વિચારે."
"તું વધારે પડતી કલ્પનાઓ કરી રહ્યો છે.તું...." આભા બોલી રહી હતી ત્યાં તો તેના મોબાઇલનો રીંગટોન વાગ્યો.
આભાએ કૉલ રીસીવ કર્યો. તે વાત કરતા કરતા થોડે દૂર જતી રહી હતી એટલે તે શું વાર્તાલાપ કરી રહી હતી તે મને
સંભળાઈ નહોતું રહ્યું.પણ તેના ચહેરાના ભાવ પરથી લાગી રહ્યું હતું કે મામલો ગંભીર હતો.
વાર્તાલાપ પત્યા પછી તે મારી તરફ ફરી," તારી વાત સાચી લાગે છે."
"શું થયું? કોનો ફોન હતો?"
"મારા પપ્પાનો ફોન હતો.તેમને કોઈએ આપણા વિશે જણાવી દીધું છે."
"શું વાત કરે છે!પણ કોણે?"
"એ તો ખબર નથી.પણ એમણે તને મળવા બોલાવ્યો છે!"
અને આ સાંભળીને મારી બોલતી બંધ થઈ ગઈ.હું મુંગોમતર થઈને આભા સામે તાકી રહ્યો.

ક્રમશ: