Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 20

મને એ જાણવાની તીવ્ર ઈચ્છા હતી કે મને અને સ્વપ્ન સુંદરીને થિયેટરમાં જોઈને શીલાએ શું પ્રતિભાવ આપ્યો હતો. એટલા માટે જ હું ફર્સ્ટ યરના ક્લાસ તરફ જઈ રહ્યો હતો.
પણ એટલું મહેનત કરવાની મારે જરૂર ન પડી કારણ કે રસ્તામાં જ મારો ઈશાન સાથે ભેટો થઈ ગયો.
મેં ધ્યાનપૂર્વક ઈશાન સામે જોયું. કબુલ કરતા મારુ દિલ રડતું હતું પણ એ હેન્ડસમ યુવાન તો હતો જ.
ગૌર વર્ણ,પહોળા ખભા,લેટેસ્ટ હેરસ્ટાઇલ વાળા જેલ કરેલા વાળ, સ્નાયુબદ્ધ શરીર, સાથે તે કોઈ પણ છોકરી ના મનમાં વસી જાય તેમ હતો.
ઈશન મને જોઈને મલકયો. સાલાને ગાલમાં ડિમ્પલ પણ પડતા હતા! હે ભગવાન!
"તો તું છે પ્રવીણ મહેતા."ઈશાને ફરીથી પૂછ્યું.
"હા હું છું પ્રવીણ મહેતા.બોલો?"મેં પણ મારો જૂનો જવાબ ફરીથી ફટકારી દીધો.
"આભા સાથે તારે શું સંબંધ છે?"તેણે કર્કશ સ્વરમાં પ્રશ્ન કર્યો.
"કોણ આભા? હું કોઈ આભાને નથી ઓળખતો." મેં કહ્યું.
"એમ?તો ઓળખ્યા વગર જ કાલે મૂવી જોવા ગયો હતો?"
હવે મને ખ્યાલ આવ્યો કે ઈશાન સ્વપ્નસુંદરી વિશે વાત કરી રહ્યો હતો.
તો સ્વપ્નસુંદરીનું નામ આભા હતું!
ઈશાન તિરસ્કારથી મારી સામે જોઈ રહ્યો,"આભા તારા માં શું જોઈ ગઈ હશે તેનો મને ખરેખર ખ્યાલ નથી આવતો.તારા અને મારામાં છે કોઈ સમાનતા?"
"ના બિલકુલ નથી."મેં એક મંદ સ્મિત સાથે તેના કથનને અનુમોદન આપ્યું.
"તને ખરેખર એવું લાગે છે કે તું આભાને લાયક છે?આભા તને બે દિવસમાં છોડી દેશે.એટલે મારું કહ્યું માન,તું જ સામેથી અમારા રસ્તામાંથી હટી જા.નહીતર જ્યારે આભા તને રિજેક્ટ કરશે ત્યારે તું સહન નહિ કરી શકે."
"આભા મને રિજેક્ટ કરી ચૂકી છે,બળદિયા!અને તે હું સહન પણ કરી ગયો છું."હું ધીરેથી બબડ્યો.
"શું કહ્યું?જોરથી બોલ!" ઈશાન આક્રમક થઈ રહ્યો હતો.
હું હસ્યો,"આભા મને છોડી દેશે એવો તને પાક્કો વિશ્વાસ હોય તો આમ ભીખ કેમ માંગી રહ્યો છે. છુટ્ટા નથી આગળ જાવ!"
ઈશાનની આંખો ફાટી ગઈ.તેને મારી પાસે આવા ઉત્તરની અપેક્ષા નહોતી.
મેં મારું વૉલેટ કાઢ્યું,"ના કદાચ થોડું ચિલ્લર મળે....મળી ગયું!"અને બે રૂપિયાનો સિક્કો વૉલેટમાંથી કાઢીને પ્રયત્નપૂર્વક ઈશાનના હાથમાં મૂક્યો.
ઈશાન ડઘાઈને સિક્કા સામે જોઈ રહ્યો.
મેં દાઝ્યા પર ડામ દીધો,"આશીર્વાદ નહી આપે?ભીખ મળ્યા પછી દરેક ભિખારી આશીર્વાદ આપે જ છે!"
ઈશાનનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો," તું..તું મને ભિખારી કહી રહ્યો છે?"
"હા ભૂલ્યો. સોરી.તું પૈસાનો ભિખારી નથી.પ્રેમનો ભિખારી છે.આભા તારામાં રસ નથી લેતી એટલે તું એ જેનામાં રસ લે તેની પાસે જાય છે અને ભીખ માંગે છે કે તારી ઝોળીમાં આભાનો પ્રેમ નાખી દે.પણ આ કેસમાં એવું ન થાય બકા.આ લડાઈ તો પોતાની તાકાત પર જ જીતવાની હોય.આમાં દાનની આશા ન રખાય."
હું પરિણામનો વિચાર કર્યા વગર મનમાં આવે તે બોલી રહ્યો હતો.ઈશાનનું અપમાન કરવામાં મને એક અવર્ણનીય આનંદ થઈ રહ્યો હતો.
ઈશાને આગળ વધીને મારો કાંઠલો પકડી લીધો અને દાંત કચકચાવીને બોલ્યો,"બહુ બોલી રહ્યો છે તું.તારી સાન ઠેકાણે લાવવી જ પડશે.તને એક લાફો મારીશ તો દૂર જઈને પડીશ."
"અને આ કર્યા પછી તારું શું થશે તેનો વિચાર નથી કર્યો?" અચાનક સૌરભનો અવાજ ગુંજ્યો.ટોળકી આવી પહોંચી હતી!
ઈશાને પણ જોઈ લીધું કે અત્યારે પરિસ્થિતિ તેના પક્ષમાં નથી.એક ગુસ્સાભરી ભરી નજર મારા પર ફેંકીને તેણે મને છોડી દીધો.
"આ બધું શું છે ઈશાન?" આભા પણ આવી પહોંચી હતી! તેની બાજુમાં શીલા પણ ઊભી હતી.બંનેના ચહેરા પર ગંભીરતા હતી.
ઈશાને કોઈને ઉત્તર ન આપ્યો, ચૂપચાપ ત્યાંથી વિદાય થઈ ગયો.આભા અને શીલા પણ ત્યાંથી જતી રહી.
સૌરભ મારી પાસે આવ્યો,"અલ્યા તારી અંદરનો ટાઈગર તો ખરેખર જાગી ગયો છે. પણ થોડું મગજ તો દોડાવ! આજે હું ન આવ્યો હોત તો આ ઈશાન તારો ઘડોલાડવો કરી નાખત.એ સિક્સ પેક બોડી વાળો માણસ છે, તે જોયું?"
હું હસ્યો,"મારે પણ સીક્સ પેક મસલ છે, એ તો મસલ ડેમેજ ન થાય એટલે તેના ઉપર ચરબીનો એક થર રાખ્યો છે."
"આ છે કોણ?"સૌરભે પૂછ્યું.
"આ ઈશાન છે.આ પણ આભાની પાછળ પડ્યો છે."
"આભા..એટલે તારી ગર્લફ્રેન્ડનું નામ આભા છે?"
"હા."
"અને એણે આને છોડીને તને પસંદ કર્યો?" સૌરભ વિશ્વાસ ન કરી શક્યો.
હવે મારા મિત્રોને પણ આ વાત પર વિશ્વાસ નહોતો!
"હવે ધ્યાનથી સાંભળ.અત્યારે તો તું બચી ગયો છે પણ ઈશાન પોતાનો ગુસ્સો ઉતારવાનો પ્રયત્ન કરી શકે છે.થોડા દિવસ સાવધાન રહેજે."
મેં ચિંતિત ભાવથી માથું ધુણાવ્યું.

ક્રમશ: