Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 19

બીજા દિવસે હું કોલેજ જવા નીકળ્યો હતો ત્યારે મારા મનમાં મિશ્ર લાગણીઓ હતી. સ્વપ્નસુંદરી સાથે મુવી જોવાનો અનુભવ કંઈક અલગ જ હતો પણ મને એ બીક હતી કે હવે મારી સ્વપ્નસુંદરી સાથે વધુ મુલાકાત કદાચ નહીં થાય. શીલા એ અમને બંનેને જોઈ લીધા હતા અને જો તે એવું સમજી બેસી હોય કે અમારા વચ્ચે સંબંધ છે તો પછી તો મામલો જ ખતમ થઈ જતો હતો. ઈશાનથી પીછો છૂટી ગયા પછી આ નાટક ચાલુ રાખવાનો સ્વપ્નસુંદરી પાસે કોઈ કારણ ન હતું. હા સ્વપ્નસુંદરીએ એવું કહ્યું તો હતું કે અમે મિત્ર રહીશું. પછી શું મને મિત્રતા કબૂલ હતી?
ખેર! આ બધી બાબતોની ચિંતા કરવાની અત્યારે સમય ન હતો. મેં તમામ નેગેટિવ વિચારોને મગજમાંથી દૂર કર્યા અને કોલેજ તરફ જવા નીકળ્યો.
ટોળકીના રોજિંદા નિયમ પ્રમાણે હું કેન્ટીનમાં પ્રવેશ્યો. ટોળકી મારા પહેલા આવી ચૂકી હતી અને એવું લાગ્યું હતું કે મારી જ પ્રતીક્ષા કરી રહી હતી.
"પાર્ટી !પાર્ટી!" સૌરભે માંગ કરી.
મેં સૌરભ તરફ એવી રીતે જોયું જાણે મને પોતાના કાન પર વિશ્વાસ ન થઈ રહ્યો હોય.
"શરમ જેવું છે કે નહીં? દરરોજે પાર્ટી થોડી હોય? ભિખારીઓ!તમને લોકોને સહેજ પણ લાજ શરમ જેવું નથી?તમે લોકોએ કેટલી પાર્ટી આપી, કૂતરાઓ?અને ખબરદાર જો એવું બોલ્યા છો કે તમારી સાથે રોજ થાય છે અને મારી સાથે પાંચ વર્ષમાં એકવાર થયું."
સૌરભે ડરવાનો અભિનય કર્યો," ઓ હો હો! પેલીએ તો આનામાં સુતેલા ટાઇગરને જગાડી દીધો છે. હવે સાવધાન રહેવું પડશે."
હું કશું પણ બોલ્યા વગર સૌરભ સામે ગુસ્સા ભરી નજરે થાકી રહ્યો.
ત્યાં પ્રકાશ બોલ્યો,"અલ્યા આટલો ગુસ્સામાં કેમ છે? થિયેટરમાં લાફો ખાઈને આવ્યો છે કે શું?"
આ વખતે મને ચુપ રહેવું જ યોગ્ય લાગ્યું.
મને ચૂપ જોઈને સૌરભ પાછો મેદાનમાં આવ્યો,"જો બકા!
જે થયું હોય તે દિલ ખોલીને કહી દે.અમે તારા મિત્ર જ છીએ. ડોક્ટર પાસે દર્દ સંતાડશો તો ઈલાજ કઈ રીતે થશે?"
હવે ટોળકીને હું કઈ રીતે સમજાવું કે એ લોકો સમજતા હતા એવું તો મારી અને સ્વપ્નસુંદરી વચ્ચે કશું હતું જ નહીં. અને મને ચિંતા હતી અમારા બેના ભવિષ્યની! મને ચિંતા હતી કે હવે સ્વપ્નસુંદરી મારી સાથે વાત કરશે કે નહીં કરે કારણ કે મારા ખ્યાલથી તેનું કામ તો પૂરું થઈ ચૂક્યું હતું.
એટલે જ કદાચ મારો મૂડ સારો ન હતો.એટલે જ કદાચ મને મિત્રોની મજાક પર ગુસ્સો આવી રહ્યો હતો જે આજ સુધી આવ્યો ન હતો.
હું રિલેક્સ થયો અને ચહેરા પર સ્મિત લાવીને બોલ્યો," તે જે વાત કરીએ તે સાચી છે પણ દર્દ હોય તો ડોક્ટરને બતાવાય ને! કોઈ દિવસ કોઈ ડોક્ટર પાસે એવું કહેવા જાય છે કે મને કોઈ તકલીફ નથી મારી તબિયત બરાબર છે."
પણ સૌરભ પણ હોશિયાર હતો,"તારા લક્ષણ એવા લાગતા નથી કે તને કોઈ તકલીફ નથી.તારે આ બાબતમાં અમારી જરૂર પડે તો જરૂર જણાવજે.આજે મારી તરફથી પાર્ટી."
આખી ટોળકી સૌરભ સામે આશ્ચર્યથી જોઈ રહી. ઇતિહાસમાં પહેલીવાર સૌરભે સામેથી પાર્ટી આપવાનું કબૂલ્યું હતું.
અમે બધાએ ઈડલી સંભાર મંગાવ્યા અને વાત ભુલાઈ ગઈ.
ચા નાસ્તો પટાવ્યા પછી હું લેક્ચરમાં બેઠો પણ મારું મગજ બીજે ભટકી રહ્યું હતું. મને એ જાણવાની તીવ્ર ઈચ્છા થઈ રહી હતી કે શું શીલા અને સ્વપ્નસુંદરીની વાતચીત થઈ અને જો થઈ તો શીલાનું પ્રતિભાવ શું હતો?
જોકે આ વિશે જાણવાનો મારી પાસે કોઈ ઉપાય નહોતો. સ્વપ્નસુંદરી સામેથી મારો સંપર્ક કરીને જણાવે તો જ હું આ જાણી શકું તેમ હતો.
જેમતેમ લેક્ચર પતાવીને હું બહાર નીકળ્યો. ફર્સ્ટ યરના ક્લાસ તરફ હું હજી અડધી રસ્તે પહોંચ્યો હતો ત્યાં તો રસ્તામાં એક યુવાને મને રોક્યો.
હું આશ્ચર્યથી એ યુવાન સામે જોઈ રહ્યો. હું તેને ઓળખતો ન હતો.
"તને મારું કામ છે?"મેં પૂછ્યું.
"તો તું છે પ્રવીણ મહેતા!" એણે કહ્યું.હું રસપૂર્વક તેની સામે તાકી રહ્યો.તે મારી સાથે જે ઢબે થી વાત કરી રહ્યો હતો તેનાથી સ્પષ્ટ થઈ જતું હતું કે મારા પ્રત્યે તેના મનમાં સારા ભાવ નથી.
"હા હું જ છું પ્રવીણ મહેતા.બોલો?"મે કહ્યુ અને અજાણ્યા યુવાનને ઓળખવાનો પ્રયત્ન કરવા માંડ્યો.
"મારું નામ ઈશાન છે." એ બોલ્યો. હું મારા પ્રતિદ્વંદી સામે જોઈ રહ્યો.

ક્રમશ: