મૂવીનું ઇન્ટરવલ પડ્યું ત્યાં સુધી તો શીલાએ અમારા ઉપર સહેજ પણ ધ્યાન આપ્યું ન હતું.મને એક આશા હતી કે ઇન્ટરવલમાં લાઈટો થાય ત્યારે શીલાનું ધ્યાન અમારા પર પડી શકે છે. પણ અમારા દુર્ભાગ્યે એવું ન થયું. ઇન્ટરવલ પડ્યો કે તરત જ શીલા તેના બોયફ્રેન્ડ સાથે બહાર નીકળી ગઈ અને અમારી વિરુદ્ધ દિશામાં આગળ વધી.
"હવે શું કરીએ?"મેં સ્વપ્નસુંદરીને પૂછ્યું.
સ્વપ્નસુંદરી વિચારમગ્ન હતી."મારી પાસે એક ઉપાય છે." થોડી વાર પછી એ બોલી.
ત્યાં ઇન્ટરવલનો અંત થયો. મુવી પાછું ચાલુ થઈ ગયું પણ શીલા અને તેનો બોયફ્રેન્ડ હજી સુધી પાછા આવ્યા ન હતા.
સ્વપ્નસુંદરી ધીરેથી બોલી,"જો હવે છેલ્લો ઉપાય હું અજમાવી રહી છું. મારા મોબાઈલની રીંગટોન તરીકે બાળક રડતું હોય તેવા અવાજ છે. શીલાને મારા મોબાઇલના રીંગટોનથી ગજબ નફરત છે. તે મને વારંવાર કહેતી હોય છે કે તે હું મારો મોબાઇલનો રીંગટોન બદલી નાખું. અત્યારે જો મને કોઈ કોલ કરે અને રીંગટોન વાગે તો સો ટકા શીલાને ખ્યાલ આવી જશે કે આગળની રોમાં હું છું. એટલે હું તને ઈશારો કરુ કે તરત તું તારા મોબાઈલથી મને કોલ કરજે."
મેં મારા મોબાઈલ કાઢ્યો અને હાથમાં લીધો,"ઠીક છે.હવે તું કહીશ ત્યારે હું તને કોલ કરીશ."
સ્વપ્નસુંદરી મારી એકદમ નજીક આવી ગઈ અને મારા ગળામાં પોતાના હાથ રાખ્યા.
તેનો ચહેરો મારા ચહેરાથી એકદમ નજીક આવી ગયો હતો.
"ચાલો ચુંબન કરીએ." મેં આશાભર્યા અવાજમાં સૂચન આપ્યું.
"એકવાર તને ના પાડીને!" સ્વપ્નસુંદરીએ એકદમ કડક અવાજમાં કહ્યું ,"શીલાને દેખાડવા માટે આટલું પૂરતું છે.હવે કૉલ કર."
મેં સ્વપ્નસુંદરીને કોલ કર્યો અને બાળકના રડવાનો અવાજ થિયેટરમાં ગુંજી ઉઠ્યો.
સ્વપ્નસુંદરી મલકવા માડી," રીંગટોન હવે પાછળની રોમાં પણ સંભળાશે. શીલાને જરૂર ખ્યાલ આવી જશે કે આ હું જ છું."
મે ચૂપી નજરે પાછળની રોમાં જોયું તો શીલા ફાટી નાખે અમારી સામે જોઈ રહી હતી.
"તેણે જોઈ લીધું છે."મેં કહ્યું.
"સરસ. કામ થઈ ગયું હવે છૂટા પડીએ"
"અરે નહી. નાટક એટલું વહેલું પતાવી ના દેવાય.કોઈને
પણ શંકા જાય. અને ચુંબન તો કરવું જ પડે. નહિતર એવું લાગે કઈ રીતે કે આપણા વ્યવસ્થિત ચક્કર ચાલુ છે?"
"હવે તું ચુંબનનું પ્રકરણ બંધ કરીશ?પ્રયત્ન સારો હતો પણ હવે રહેવા દો. હવે પિક્ચરમાં ધ્યાન પરોવો." કહીને સ્વપ્નસુંદરી મારાથી અલગ થઈ.
મેં એક ઊંડો શ્વાસ લીધો અને પિક્ચર પર ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો.
થોડીવાર પછી મેં પાછળ જોયું તો મને એક આશ્ચર્યનો આંચકો લાગ્યો. પાછળ શીલાને એનો બોયફ્રેન્ડ ગાયબ હતા.
"એ લોકો જતા રહ્યા" મેં સ્વપ્નસુંદરીને કહ્યું.
"શું કહ્યું?"સ્વપ્ન સુંદરી ચોંકી.
હું એક એક શબ્દ છુટો પાડીને બોલ્યો,"મેં એમ કહ્યું કે પાછળની સીટ પર બેમાંથી કોઈ નથી. એ લોકો જતા રહ્યા છે."
સ્વપ્નસુંદરી ઉત્સાહમાં આવી ગઈ."યસ! આપણો પ્લાન સફળ થયો."
અને ઉત્સાહમાંને ઉત્સાહમાં તે ઊભી થઈ ગઈ," ચાલો!"
"અરે શું ચાલો! મૂવી તો પૂરું કરીએ." મેં વિરોધ નોંધાવ્યો.
પણ સ્વપ્નસુંદરી તો ચાલવા પણ માંડી હતી. કમને હું પણ ઊભો થયો.
બહાર નીકળીને સ્વપ્નસુંદરીએ ચારે બાજુ નજર કરી પણ શીલા કશે દેખાઈ નહિ.
"શીલા આપણને જોઈને જતી રહે તે સ્વાભાવિક પણ છે. કારણકે તે તારાથી ગુપ્ત રીતે અહીંયા આવી છે. કદાચ તે પોતાનો પ્રેમ પ્રકરણ તારી પાસે પણ જાહેર કરવાનું પસંદ નહીં કરે. એટલે તું એને જોઈ ન જાય એવી એને પણ ચિંતા હોય જ ને."મેં કહ્યું.
"વાંધો નહીં." સ્વપ્નસુંદરીએ આત્મવિશ્વાસથી કહ્યું."એ આ બાબતની ચર્ચા કરે કે ન કરે પણ હવે તેને આ વાતનો ખ્યાલ તો આવી જ ગયો હશે કે ઈશાન સાથે મારું કશું ગોઠવાઈ શકે તેમ નથી. એટલે હવે તે ઈશાનની બાબતમાં મને પુશ કરવાનું બંધ કરી દેશે."
હુ સહેજ ઉદાસ થઈ ગયો. સ્વપ્નસુંદરી કહેતી હતી એ જો સત્ય હોય તો પછી એનો મતલબ એ કે અમારા નાટકનો પણ અંત થઈ જાય.પછી મારો અને સ્વપ્નસુંદરીનો સાથ કેટલો રહે તે નક્કી ન હતું.
ખેર! હવે એક દિવસ રાહ જોવાની હતી. કાલે કોલેજમાં શીલા અને સ્વપ્નસુંદરી મળે ત્યારે શિલાના વર્તન પર તાગ કાઢવાનો રહેતો હતો કે આ બાબતમાં તેનું શું વિચારવું છે.
મને સખત ભૂખ લાગી હતી એટલે મેં અને સ્વપ્નસુંદરીએ પીઝા ખાધા.પછી હું તેને કૉલેજ પાસે મૂકી ગયો અને તેણે સ્કુટી પર વિદાય લીધી.
હું સ્વપ્નસુંદરીને જતા જોઈ રહ્યો.પછી અચાનક મેં માથું ફૂટી લીધું.હું આજે પણ સ્વપ્નસુંદરીનું નામ પૂછવાનું ભૂલી ગયો હતો!
ક્રમશ: