Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 17

હું તેમને તાકી જ રહ્યો હતો ત્યાં તો મારી પાછળ પાછળ સ્વપ્નસુંદરી આવી ગઈ,"અરે મારી રાહ તો જોવી હતી!" તે બોલી.
"હું બહાર તારી પ્રતીક્ષા કરત તો આ બે જણ ક્યાં બેઠા છે? ક્યાંથી ખબર પડત?"હું બોલ્યો
"વાત તો તારી સાચી છે."સ્વપ્નસુંદરીએ કબૂલ કર્યું.
"પણ આપણી સીટ તો ખાસ્સી આગળ છે. આ લોકો આખું મુવી જોઈને જતા રહેશે પણ એ લોકોને ખબર નહિ પડે કે આપણે અહીં હતા.સિવાય કે આપણે સામેથી એમને મળવા જઈએ."
"ના સામેથી તો મળવા નથી જવું. એક કામ કરીએ." કહીને સ્વપ્નસુંદરીએ મને એક યોજના સમજાવી.
હું શીલા અને તેનો મિત્ર જે સીટ પર બેઠા હતા તેની આગળની રોમાં ગયો તેમનું ધ્યાન મારા તરફ નહોતું તે સારી વાત હતી. એમની આગળ એક કપલ બેઠું હતું. મેં તેમને કહ્યું જુઓ મારે છેલ્લી સીટમાં બેસવું છે શું તમે મારી ટિકિટ એક્સચેન્જ કરશો?"
યુવાનને મેં પ્રશ્ન કર્યો હતો તે મારી સામે વિચિત્ર નજરે જોઈ રહ્યો,"કેમ ભાઈ? ખરીદી છે તેના પર બેસોને!"
મને આશંકા હતી જ કે આ જવાબ મળશે અને એનો તોડ પણ મારી પાસે હતો.
મેં મેં પોતાનું વોલેટ કાઢ્યું અને તેમાંથી પૈસા કાઢ્યા,"હું ટિકિટનું પેમેન્ટ કરવા તૈયાર છું.તમને તો મફતમાં જ જોવા મળશે જો તમે આગળથી જોશો તો.મને આગળ નહીં ફાવે."
ઓફર સાંભળીને યુવાનની આંખો પહોળી થઈ ગઈ."તું મને ટિકિટના પૈસા આપી રહ્યો છે એક્સચેન્જ કરવા માટે"તે અચરજથી બોલ્યો.
"બીજું હું શું બોલ્યો?"મેં એક સ્મિત સાથે કહ્યું.
"ઠીક છે મંજૂર."એ બોલ્યો.
મેં મારી ટિકિટ તેને આપી દીધી અને તેને આગળ મોકલી દીધો.
તો યોજનાનું પહેલું ચરણ પૂરું થઈ ગયું હતું.
આ બધું પત્યું ત્યાં સુધીમાં ટ્રેલરો ચાલુ થઈ ગયા હતા. હું અને સ્વપ્નસુંદરી અમારી નવી સીટ પર ગોઠવાઈ ગયા. પાંચ મિનિટના અંતરાલ પછી સ્વપ્નસુંદરી બોલી,"આમ કેમ બેઠો છે?"
"શું?"હું ગૂંચવાઈ ગયો.
"અરે ભાઈ બહેન પિક્ચર જોવા આવ્યા હોય તેવું લાગી રહ્યું છે."સ્વપ્નસુંદરી તીખા સ્વરમાં બોલી.
મેં સ્વપ્નસુંદરીનો હાથ પોતાના હાથમાં લીધો અને પંપાળવા માંડ્યો.
"હા આ કંઈક માફક સરનું કહેવાય." સ્વપ્નસુંદરી બોલી.
થોડીવાર પછી એણે કહ્યું,"મારા ખભા પર હાથ રાખ."
હવે આ બાબતમાં કોઈ વિરોધ શા માટે કરે? મેં તેના ખભા ઉપર હાથ રાખ્યો અને તેની નજીક આવી ગયો…
પહેલીવાર હું સ્વપ્નસુંદરીની આટલી નજીક આવ્યો હતો. હું રીતસર ધ્રુજી રહ્યો હતો.
"હલવાનું બંધ કર. મને ગલીપચી થાય છે."સ્વપ્નસુંદરી બોલી. હવે હું એને મારી ભાવનાઓ કઈ રીતે સમજાવું?
જોકે સ્વપ્નસુંદરીનું ધ્યાન તો પાછલી સીટ પર હતું.
"તને શું લાગે છે એ લોકોએ આપણને જોયા હશે?"તેણે મને ધીરેથી પ્રશ્ન કર્યો.
"શક્યતા ઓછી લાગે છે." મેં કહ્યું.
"કેમ?"તેણે આશ્ચર્યથી પૂછ્યું.
"તું આપણો જે સીન દેખાડવા અહીં સુધી આવી છે એ સીન તો એ લોકોનો જ ચાલુ થઈ ગયો છે."હું મલકયો.
"એટલે તું શું કહેવા માગે છે?"
"પાછળ જો?"
સ્વપ્નસુંદરીએ વળીને પાછળ જોયું અને પાછળનું દૃશ્ય જોઈને તેનો ચહેરો લાલચોળ થઈ ગયો.
"આ લોકો... આ લોકો...."તે ફક્ત એટલું જ બોલી શકી.
"હા મસ્ત બિન્દાસ ચુંબન કરી રહ્યા છે. એ પણ ફ્રેન્ચ કિસ!" મેં વાક્ય પૂરું કર્યું.
સ્વપ્નસુંદરી માથું પકડીને બેસી રહી. આ તો એવો કેસ થઈ ગયો કે શિકારી ખુદ શિકાર બની ગયો!
"મને નથી લાગતું કે આ લોકોને આજુબાજુ જોવાની સહેજ પણ ફુરસત હોય."મેં સ્વપ્નસુંદરીને વધુ ચીડવતા કહ્યું.
સ્વપ્નસુંદરી બોલી નહીં ફક્ત હતાશા ભરી નજરે હજી પાછળ જોઈ રહી હતી.
"આપણે પણ ચુંબન કરીએ.કદાચ એમનું ધ્યાન જાય." મેં આશાભર્યા સ્વરે પ્રસ્તાવ મૂક્યો.
સ્વપ્નસુંદરીએ મારી સામે ડોળા કાઢ્યા," બસ હવે આપણી શરત યાદ છે ને ?આપણે ફક્ત મિત્રો છીએ."
"હા.એટલે મિત્રો જ છીએ ને!આ તો હું એ લોકોને દેખાડવા માટે કહું છું" મેં બચાવ કર્યો.
"હું કહીશ જે કરવાનું હશે."તે બોલી.
મેં ફરી પાછળ જોયું તો શીલા અને તેનો બોયફ્રેન્ડ તો ધમધોકાર ચાલુ પડી ગયા હતા. સ્વપ્નસુંદરીની યોજના કામ કરે તેવું લાગતું ન હતું. એ બેને એકબીજા સિવાય આજુબાજુની દુનિયામાં કોઈ રસ હોય તેવું લાગતું ન હતું.
અને આમ જ ઇન્ટરવલ પડી ગયો. હજી સુધી શીલા અને તેના બોયફ્રેન્ડનું અમારા ઉપર ધ્યાન પડ્યું ન હતું. શું અમારી યોજના નિષ્ફળ જવાની હતી?

ક્રમશ: