તરલા Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરલા

તરલા

- રાકેશ ઠક્કર

કોઈ ગૃહિણીને કારકિર્દી બનાવવા કેટલો સંઘર્ષ કરવો પડે છે એ બતાવતી ફિલ્મ તરલા દરેક મહિલાએ જોવા જેવી છે. એમાં એક સામાન્ય મહિલાની અસામાન્ય વાર્તા છે. OTT પર રજૂ થયેલી ફિલ્મ તરલા માં હુમા કુરેશી છવાઈ ગઈ છે. જાણીતા શેફ તરલા દલાલની ભૂમિકાને તેણે એવો ન્યાય આપ્યો છે કે હુમા ક્યાંય અભિનય કરતી હોય એવું લાગતું જ નથી. તે તરલાના જીવનને જીવતી દેખાય છે. મહારાની વેબસિરીઝમાં પ્રભાવિત કરનાર હુમાને તરલા પછી વધુ દમદાર ભૂમિકાઓ મળી શકે છે. સ્કૂલ ગર્લથી લઈને માતા સુધીની ઉંમરના દરેક પડાવમાં તેનો અભિનય કાબિલેતારીફ છે. જ્યાં જેવી પરિસ્થિતિ આવે ત્યાં એવા અભિનયમાં ઢળી જાય છે. તરલા દલાલ ગુજરાતી હોવાથી એમની જેમ ગુજરાતી બોલી પકડી છે. હુમાએ ભૂમિકાને વ્યક્તિગત સ્પર્શ આપ્યો છે. સમીક્ષકોએ એમ કહ્યું છે કે હુમાએ પોતાના માટે અભિનયમાં એક લકીર ખેંચી છે જેનાથી આગળ જવાનું એના માટે જ એક પડકાર જેવું હશે. પતિ નલિનના પાત્રમાં શારિબે એવો કમાલનો અભિનય કર્યો છે કે દરેક મહિલા આવા પતિની ઈચ્છા કરશે. કેમકે તરલાને સંઘર્ષમાં પતિનો પૂરો સાથ મળે છે. કેટલાક સંવાદ વિચાર કરવા મજબૂર કરે છે.

દંગલ ના નિર્દેશક નિતેશ તિવારી સાથે લેખક તરીકે જોડાયેલા પીયૂષ ગુપ્તાએ નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મમાં હુમાની મુખ્ય પાત્રમાં પસંદગી કરીને અડધી બાજી જીતી લીધી હતી. હુમાએ પણ પાત્ર ભજવીને દિલ જીતી લીધું છે. નવાઈની વાત એ છે કે તરલા દલાલ પરની વાર્તાનું સૂચન પીયૂષને પત્નીએ કર્યું હતું. એ માટે કોઈ તક આપે એની રાહ જોવાને બદલે પીયૂષે જાતે જ નિર્દેશક બનવાનું નક્કી કર્યું હતું. સરળ અને અસલ વાર્તા પર ફિલ્મ બની શકે છે એ તરલા દ્વારા પીયૂષે સાબિત કર્યું છે.

ફિલ્મની વાર્તા જાણીતા શેફ તરલા દલાલના જીવન પર આધારિત છે. યુવાનીમાં કંઈક કરવાનું વિચારતી તરલાને લગ્ન પછી ઘર અને બાળકોમાં દસ વર્ષ ક્યાં વીતી ગયા એનો ખ્યાલ જ ના રહ્યો. શાકાહારી તરલાને જ્યારે પતિ નલિન (શારિબ) માંસાહારી હોવાની ખબર પડે છે ત્યારે તે વેજ વાનગીમાં નોનવેજનો સ્વાદ આવે એવી વાનગી બનાવે છે. શરૂઆતથી જ ખાવાનું બનાવવામાં માહેર તરલાએ જ્યારે પડોશણની પુત્રીને લગ્ન પહેલાં ખાવાનું બનાવવાનું શીખવ્યું એ પછી ખાવાનું કેવી રીતે બનાવવું એ શીખવા એમને ત્યાં છોકરીઓ આવવા લાગી હતી. પોતાની રસોઈને વધારે લોકો સુધી પહોંચાડવા તરલાએ વાનગીઓની પુસ્તિકા લખી અને ટીવી ઉપર શૉ પણ કર્યા. એમાં ઘણી મુશ્કેલીઓ આવી છતાં હતાશ કે નિરાશ થયા વગર આગળ વધતી રહી. તરલાને તેમની પાક કળાના પ્રદાન માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તરલાએ ખાવાનું બનાવવાના કામને કળા ગણાવી હતી. એમણે સાબિત કર્યું હતું કે આ કામથી પૈસા કમાવા ઉપરાંત લોકોનું દિલ જીતી શકાય છે.

ફિલ્મનું સંગીત સામાન્ય છે. તરલાના જીવનને હજુ વિસ્તારથી બતાવવાની જરૂર હતી. બે કલાકમાં વાર્તાને સમેટી લીધી છે. તરલા દલાલના જીવનના ઘણા કિસ્સા રહી ગયા હશે. કેટલાક ટૂંકમાં બતાવી દીધા છે.

જે લોકો એક સામાન્ય મુંબઈયા ફિલ્મ જોવા ટેવાયેલા છે એમને તરલા કોઈ યમ્મી વાનગી જેવી ભલે નહીં લાગે પણ કશુંક નવું જોવા અને સાફસૂથરી પારિવારિક ફિલ્મને OTT પર પ્રોત્સાહન આપવા એક વખત જોવા જેવી છે. બિનજરૂરી ડ્રામા નથી. નિર્દેશક 50 વર્ષ પહેલાંના સમયમાં લઈ જાય છે. તરલા દલાલ રસોઈમાં કેવા હતા એ બધા જ જાણે છે પણ આ ફિલ્મ એમની અંગત જિંદગીમાં ડોકિયું કરાવે છે. તરલા એક સ્વાદિષ્ટ અને મનોરંજનક ફિલ્મ બનવા સાથે મહિલા સશક્તિકરણનો સામાજિક સંદેશ પણ આપી જાય છે. કોઈ સારી સ્વાદિષ્ટ વાનગી ખાઈને સરસ કહીએ છીએ એમ તરલા માટે પણ કહેવું પડશે કે ફિલ્મ મજેદાર છે!