રાષ્ટ્રીય જંક ફૂડ દિવસ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાષ્ટ્રીય જંક ફૂડ દિવસ


રાષ્ટ્રીય જંક ફૂડ દિવસ

દર વર્ષે ૨૧ જુલાઈ રાષ્ટ્રીય જંક ફૂડ દિવસ તરીકે ઉજવવા પાછળનો હેતુ લોકોને જંક ફૂડથી થતા શરીરક,માનસિક અને આર્થિક ગેરફાયદા અંગે જાગૃત કરી, સ્વસ્થ ખોરાક તરફ વાળવાનો છે. જંક ફૂડ એટલે એવો ખોરાક જેમાં પોષકતત્ત્વો નહિવત્ અને કેલરીઝ મહત્તમ હોય. ‘WHO’ માન્ય અને અધિકૃત વ્યાખ્યા પ્રમાણે જંક ફૂડ એટલે એવો બિનઆરોગ્યપ્રદ ખોરાક જેમાં પુષ્કળ માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ હોય તથા પ્રોટીન્સ, વિટામિન્સ અને ફાઈબર્સનું પ્રમાણ નહિવત્ હોય.

સ્વાસ્થ્ય માટે જોખમી હોવા છતાં પણ જંક ફૂડમાં એવું તો શું હોય છે, જે આપણને તેના તરફ આકર્ષે છે? એમાં રહેલાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટનું પ્રમાણ. ખોરાક પ્રત્યેની તીવ્ર ઝંખના જગાડવા માટેનું ખતરનાક કોમ્બિનેશન એટલે 65% કાર્બોહાઈડ્રેટ્સ અને 35% ફેટ. બજારમાં મળતાં જે પડીકાં કે વાનગીમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટનું આ પ્રમાણ જોવા મળે છે, તે સૌથી ‘સ્વાદિષ્ટ’ લાગે છે. રીફાઈન્ડ તેલમાં તળેલાં આ રીફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટને આપણી ભૂખ સાથે કોઈ લેવા-દેવા નથી. જંક ફૂડ આપણી ભૂખ ઉપર નહીં, આપણી માનસિકતા ઉપર પ્રહાર કરે છે. જંક ફૂડ ખાધાં પછી આપણાં મગજની અંદર ‘ડોપામાઈન’ રિલીઝ થાય છે. ડોપામાઈન એટલે એક એવું રસાયણ જે આપણને મિથ્યા અને ક્ષણિક આનંદ આપે છે. ડોપામાઈનને ‘પ્લેઝર હોર્મોન’ કહેવાય છે. ભૂખ સંતોષવા કરતાં ખોરાકમાં લોકો પોતાનો ગુમ થયેલો આનંદ અને મજા શોધતાં હોય છે. ફાસ્ટ ફૂડ જોઈને આપણા મનમાં જે તીવ્ર ઝંખના થાય છે, હકીકતમાં એ ડોપામાઈનથી મળતા આનંદની ઝંખના છે. એ પિત્ઝાનું, સોફ્ટ ડ્રિંક્સનું હોય કે સિગારેટનું કે સોશિયલ મીડિયાનું. કોઈ પણ વ્યસન કે વળગણ માટે જવાબદાર રસાયણ ડોપામાઈન હોય છે. કારણ કે એ બ્રેઈનની ‘રિવોર્ડ સિસ્ટમ’ને સક્રિય કરે છે. તે એક એવો ક્ષણિક ઉન્માદ ઊભો કરે છે, જે ચાલ્યા ગયા પછી આપણું મન કહ્યા કરે છે, ‘યે દિલ માંગે મોર.’ અને પછી કાયમ માટે અતૃપ્ત રહેનારી એ ઝંખનાના આવેશમાં આપણે એ વ્યક્તિ, ખોરાક કે પ્રવૃત્તિ પાછળ દોડ્યાં કરીએ છીએ.

જંક ફૂડની તાલાવેલી અટકાવવા માટે શું કરવું જોઈએ? ક્ષણિક ઉન્માદ અને ઉત્તેજના જગાવનાર ડોપામાઈનને પરાસ્ત કરી શકે, એવા હોર્મોન્સ પણ આપણી જ અંદર રહેલા છે. બસ, એનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે. જંક ફૂડથી દૂર રહેવા માટે આપણો સૌથી પહેલો ટાર્ગેટ ‘ઘ્રેલિન’ છે, જેને ‘હંગર હોર્મોન’ કહેવાય છે. ઘ્રેલિન આપણાં જઠરમાંથી સ્ત્રાવ પામે છે, જે બ્રેઈનને સિગ્નલ આપે છે કે આપણને ભૂખ લાગી છે. ઈમોશનલ સ્ટ્રેસ, ઉદાસી કે અન્ય કોઈ ચિંતાની પરિસ્થિતિમાં આ ‘ઘ્રેલિન’નું પ્રમાણ આપોઆપ વધવા લાગે છે, અને આપણે ‘Binge eating’ શરૂ કરી દઈએ છીએ. આ ઘ્રેલિનનો વિરોધી અને આપણો મિત્ર હોર્મોન એટલે ‘લેપ્ટિન’, જે મગજને તૃપ્ત થયાનો સંદેશો મોકલે છે અને આપણને ઓવર-ઇટિંગ કરતા રોકે છે. લોહીમાં લેપ્ટિનની માત્રા જેમ વધારે, એમ તૃપ્તિ વધારે અને ભૂખ ઓછી. ઘ્રેલિનનું પ્રમાણ ઘટાડવા અને લેપ્ટિનની માત્રા વધારવા માટે આપણાં દરેક ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ મહત્તમ હોવું જોઈએ, ખાસ કરીને બ્રેકફાસ્ટમાં. કાર્બ્સ અને ફેટની સામે લડત આપવામાં સૌથી મોટું હથિયાર પ્રોટીન છે. પ્રોટીન જેટલું વધારે લઈશું, કાર્બ્સ અને ફેટ ખાવાની ઝંખના એટલી જ ઓછી થશે. માસ-મચ્છી કે ઈંડાં ન ખાનારાં લોકો માટે ડેરી પ્રોડક્ટ્સ જેવી કે દહીં, પનીર, ટોફૂ અથવા સોયાબીન કે કઠોળ આ કામ કરી આપશે. પ્રોટીનની સાથે બ્રેકફાસ્ટમાં લીધેલું કોઈ પણ એક ફળ, જંક ફૂડ સામેની જંગમાં ક્યારેય નિષ્ફળ નથી જતું. એ ઉપરાંત જંક ફૂડનું ક્રેવિંંગ અટકાવવા માટે ‘સિરોટોનિન’ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ સુખ અને શાંતિ આપનારો હોર્મોન છે. નિયમિત કસરત, સૂર્યપ્રકાશ, સ્વજનો સાથેનો સમય અને આઉટડોર પ્રવૃત્તિઓ સિરોટોનિનનું પ્રમાણ વધારે છે અને ડોપામાઈનથી મળતા તત્કાલ આનંદની ઝંખના ઘટાડે છે. આપણી મનોસ્થિતિ આપણો ખોરાક નક્કી કરે છે. જીવનથી તૃપ્ત અને મનથી મસ્ત રહેનારાં લોકો ‘ડોપામાઈનની દોડ’માંથી ખસી શકે છે, પણ હાર્ટ-બ્રેક, સ્ટ્રેસ, ડિપ્રેશન કે અન્ય કોઈ રીતે ઈમોશનલી અતૃપ્ત રહેલાં લોકો, જંક ફૂડ આરોગીને તૃપ્તિની શોધ માટેના વ્યર્થ પ્રયત્નો કરતા રહે.

જંક ફૂડમાં બિનઆરોગ્યપ્રદ ચરબી હોય છે. આનાથી શરીરમાં ઓક્સિજનની ખોટ થાય છે. વધુ પડતું જંક ફૂડ ખાવાથી હૃદયમાં રક્ત પરિભ્રમણ શક્ય નથી. નાનપણથી જ વ્યક્તિએ સંતુલિત આહાર લેવો જોઈએ. પરંતુ આજકાલ યુવાનો પણ જંક ફૂડના વ્યસની બની રહ્યા છે. ખાસ કરીને બાળકોને સમજાવવાની જરૂર છે કે જંક ફૂડ સ્વાસ્થ્ય માટે સારું નથી. બાળકો હંમેશા તેમના માતાપિતાને જંક ફૂડ ખવડાવવાનો આગ્રહ રાખે છે, જે બિલકુલ યોગ્ય નથી. જંક ફૂડ સ્વાસ્થ્ય માટે સારું નથી. જંક ફૂડમાં ખાંડ, મીઠું અને ખરાબ ચરબી અને કોલેસ્ટ્રોલ હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. જંક ફૂડમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જંક ફૂડ વધારે ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે. જંક ફૂડ વધુ ખાવાથી હાઈપરટેન્શન અને ટાઈફોઈડ જેવી બીમારીઓ થવાની સંભાવના રહે છે. બાળકો અને યુવાનો એટલો બધો જંક ફૂડ ખાય છે કે જેના કારણે તેઓ ડાયાબિટીસ જેવી બીમારીનો શિકાર બને છે. આજકાલ લોકો પ્રગતિની પાછળ દોડી રહ્યા છે અને તેઓ કલાકો સુધી ઓફિસમાં વ્યસ્ત રહે છે અને તેમને રાંધવાનો સમય મળતો નથી, તેથી લોકો રેડીમેડ ફૂડ ખાવાનું પસંદ કરે છે. રસોઈની ઝંઝટથી બચવા તે જંક ફૂડ ખાવાનું પસંદ કરે છે. જંક ફૂડમાં કાર્બોહાઈડ્રેટ વધુ માત્રામાં હોય છે, જે બ્લડ સુગર વધારે છે. આવો ખોરાક રોજ ખાવાથી શરીરમાં સુસ્તી આવે છે. લોકો આળસ અનુભવે છે. જંક ફૂડ ખાવાથી લોકો ઘણીવાર બીમારીઓનો ભોગ બને છે. વધુ પડતા જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાથી વધુ ઊંઘ આવે છે અને લોકો એક્ટિવ રહી શકતા નથી. લોકો રોગોથી પીડાય છે અને કામમાં ધ્યાન આપી શકતા નથી.

જે રીતે જંક ફૂડની માંગ વધી રહી છે તેનાથી દેશવાસીઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. લોકો ઈચ્છે છે કે તે ઓછા સમયમાં પોતાનું ભોજન પૂરું કરી શકે અને તે ભોજન સ્વાદિષ્ટ હોવું જોઈએ. તેથી જંક ફૂડ પ્રત્યે લોકોમાં ક્રેઝ જોવા મળે છે. લોકો બર્થ ડે પર પાર્ટીઓમાં જંક ફૂડ ખાય છે. લગ્નોમાં, લોકો મોટાભાગે ઠંડા પીણા, ચિપ્સ, નૂડલ્સ, બર્ગર વગેરેનો આનંદ માણે છે અને તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી. જંક ફૂડ સસ્તું અને સ્વાદિષ્ટ હોય છે અને આ જ કારણ છે કે લોકોને જંક ફૂડ ખુબ ગમે છે. જંક ફૂડમાં કોઈ પૌષ્ટિક તત્વો હોતા નથી. પિઝા, બર્ગર વગેરે જેવા જંક ફૂડમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે. જંક ફૂડ અને ફાસ્ટ ફૂડમાં ફાઈબર હોતું નથી, જેના કારણે જંક ફૂડ ખાનારા લોકોને કબજિયાતની સમસ્યા થાય છે.

સમય પર અને નિયમિત રીતે કુદરતી આહાર અને ઘરનો બનાવેલ આહાર જ લેવાનો આગ્રહ રાખીએ. શાકભાજી,બદામ,ફળ અથવા અનાજ જેવા સ્વસ્થ અને પૌષ્ટિક આહાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.સ્વસ્થ જીવન જીવવા જંક ફૂડથી દુર રહીએ.