*જગતથી ભગત તરફ ની ગતિ*
_____________________
ગુરુપૂર્ણિમા નિમિત્તે લખાયેલો લેખ
.....……...............
પહેલા ષટરિપુ થી યુદ્ધ
પછી જ બનીએ બુદ્ધ
(બાપુજીની બુદ્ધત્વ યાત્રા)
***********************
માત પિતા ગુરુ પ્રભુ કી બાની
બિન્હુ વિચાર કરહિ શુભ જાની
બાલકાંડ ચોપાઈ.
......
માતા પિતા ને ગુરુની શ્રેણીમાં ગણવામાં આવે છે.આજે ગુરુપૂર્ણિમા .ગુરુનો મહિમા ગાઇને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ ત્યારે મારા પરમ પૂજ્ય સ્વ.પિતાશ્રી કે જેવો દેવશીભગતના નામથી ઓળખાતા.
જીવનના અનેક ચડાવ ઉતાર જોઈને દેવશીભાઇમાંથી દેવશીભગત બન્યા.
ભગતનું બિરુદ એમને એમ નથી મળતું.જગત તમારા પર ધોવાય એટલા માછલાં ધોઈને પછી ભગત નામ પર સિક્કો મારે છે.મારા બાપુજીનું પણ કઈક આવું જ.મૂળ તો ખેતીનો વ્યવસાય પણ આકાશી ખેતી થઈ ત્યાં સુધી કરી.પણ સમય જતાં વરસાદ અનિયમિત એટલે કુટુંબનું ભરણપોષણ કરવું કઠિન એટલે કડિયા કામમાં માસ્ટરી મેળવી.કડિયાકામની છાપ છેક કચ્છથી મુંબઈ સુધી ફેલાઈ અને એટલું જ નહિ છેક દુબઈ સુધી કડિયા કામ કરવા પહોંચ્યા.કેટલાય યુવનીયાઓ મારા બાપુજીના હાથ નીચે કડિયા કામ શીખીને તૈયાર થયા.ખેતીકામ કડિયાકામની સાથે ભક્તિ પણ જોશમાં ચાલે. સવારે વહેલા ઊઠીને ધોતિયું પહેરીને શિવ મંદિરે પહોંચે અને કડકડાટ શિવ મહિમ્ન બોલે.મહાશિવરાત્રીના બપોર પછી શિવ મંદિરમાં બે ચાર મહાજન ભાઈઓ સાથે મારા બાપુજી આંખ બંધ કરી શિવ મહિમ્ન બોલે ત્યારે બધા જોતા રહી જાય.
આ બધાની સાથે એ જૂની રંગભૂમિના અવ્વલ કલાકાર.. વાડીમાં બાજરાના ખેતરમાં ખેતરની વચ્ચે બનાવેલ માંચડામાં ગોફણના ઘા કરી પંખી ઉડાડતા ત્યારે હું પણ બાપુજી સાથે પંખી ઉડાડવા મોટેથી હો હો બોલું ને માંચડામાં ઠેકડા ખાતો.ત્યારે બાપુજી નાટકનું પાત્ર પાકું માંચડા પર જ કરે.જોરથી લયબધ્ધ બોલતા સવાંદો હું સાંભળતો.એ મારી સામે જોઈને બોલે. હું એનુ ઓડિયન્સ - એ મારા કલાકાર.એમાંને એમાં પંખી ઉડાડવાનું રહી જતું ને મારી મા પહોચી આવે ખાવાનું લઈ ને માંચડા સુધી.
અને બાપુજી પર ખારા થઈ કહેતા કે આ "નાટકમાં ને નાટકમાં તમારી માઉ આ ચકલીના ઘેરા ને ઘેરા બાજરો બધો ખાઈ જશે."
ત્યારે બાપુજી નાટકના મૂડ માં ..જૂની રંગભૂમિની સ્ટાઇલમાં માંચડા ઉપરથી નીચે ઊભેલી મા ને કહેતા. "
ચિંતા શા માટે કરો છો?જેના જે ભાગ્યમાં હશે એટલા દાણા એને મળશે .ભાગ્યમાં હશે એ ક્યાંય નહિ જાય..માટે ચિંતા છોડો."
ત્યારે વધુ ગુસ્સાથી મા કહેતી કે "કપાળ તમારું......"
આમ રંગભૂમિના અવ્વલ કલાકાર, એના વિશે તો આખો અલગથી લેખ બને.
પણ જ્યારે ગુરુપૂર્ણિમાની વાત છે ત્યારે બાપુજીના ગુરુ વાંઢાંયના પ. પૂ.બ્રહ્મલીન સંત શ્રીવાલરામ મહારાજ.(જે વંઢાયની આધ્યાત્મિક ઊંચાઈ ને સ્પર્શેલી બળુકી પરંપરામાથી થઈ ગયેલા.જેઓ કચ્છી આશ્રમ હરિદ્વારના ગાદી પતિ હતા)
એ નાતે પૂ. વાલરામજી મહારાજનો અમારા ઘરે આવરોજાવરો રહેતો, સત્સંગ થતો અને પછી તો ઘરમાં બધાનાં ગુરુ પ. પૂ વાલરામજી મહારાજ રહ્યા.હું જ્યારે ત્રીજા ધોરણ માં ભણતો ત્યારે મને કંઠી બાંધી.વામન છતાં વિરાટ શકિતવાળા આ ગુરુજી પ્રત્યે બાપુજી એકદમ સમર્પિત.એમના અમુક પ્રસંગો અલગથી લખવાની કોશિશ કરીશ.
ભક્તિ અને સદગુરૂના રંગે રંગાયેલ બાપુજી હવે પોતાની મસ્તીમાં જીવવા લાગ્યા અને અમારી વાડીમાં એક નળિયાવાળી સાવ નાનકડી કુટિયા બનાવી.તેમાં તેમને 20વર્ષ સુધી પોતાનું ભજન કર્યું. એ કુટિયામાં પાયાની કોઈ જ સગવડ નહિ .પાણી ભરીને લાવે.એટલું જ નહિ એ કુટિયા બનાવવામાં એક પણ બીજી વ્યક્તિની મદદ ના લીધી.જાતે જ બનાવી.
વીસ વર્ષના ગાળામાં તો બાપુજી એ નરસિંહ મહેતા જેવી સ્થિતિ બનાવી નાખી હતી.રોજ સવારે હાથમાં નાની થેલી લઈને નીકળે અને ઉપરના ખિસ્સામાં કેસરી રૂમાલ રાખે.
રસ્તે મળતા લોકો તેની મશ્કરી કરે.ટીખળ કરે કોઈ તો એમ પણ કહે કે "કાં દેવશી ભગત કોઈ ખજાનો મળી ગયો લાગે છે,ભક્તિ બહુ કરો છો.ભજન કરો છો કે ખાલી આંટા ફેરા "વગેરે વગેરે...
આમતો બાપુજી કહો કે રુદ્રનો જાણે અવતાર. ગુસ્સો ભયંકર...બાપુજીના ગુસ્સાથી સહુ ડરે એટલે એકવાર મશ્કરી કરે એ બીજીવાર ના કરે પણ ધીમે ધીમે લોકોની ટીખળની અસર તેમના પર ઓછી થતી ચાલી.
પણ આ બધાની બાય પ્રોડક્ટનો અમે ઘરનાં ભોગ બનવા લાગ્યા.લોકો એમને સીધી નહિ તો આડકતરી રીતે બાપુજીનો મુદ્દો લઈને..તેની ભક્તિની વાત લઈને છંછેડે.
વાડીએ દિવસના અનેક સાધુ સંતો ,સાધ્વીઓ બાપુજીને મળવા આવે અને ક્યારેક આખી આવી મંડળી લીંબડાનાં ઝાડ નીચે ખારી ભાત બનાવે.
બાપુજી પણ જ્યાં ભજન સત્સંગ કથાઓ હોય ત્યાં કરતાલ લઈ પહોચી જાય.ધીમે ધીમે એમને આમંત્રણો આવવા લાગ્યા...અને થોડાક માનભેર ભજન કરવા લાગ્યા.ગામમાં કે આજુબાજુના નજીકનાં ગામમાં કોઈ મરણ થાય તો લોકો બાપુજીને....દેવશી ભગતને બોલાવે. કારણ કે સતત 12 દિવસ સુધી બેસીને બીજું કરવું શું? એટલે એ ઘરના લોકોને પણ ટાઇમ પાસ થાય અને દેવશી ભગતનું ભજન પાકું થાય.આમ ભજન પાકું થતા થતા...બાપુજીને મા જગદમ્બા સ્વરૂપ ગઢશીશાવાળાં ચંદુમાનો ભેટો થયો. આ ભેટો દેવશી ભગતની અંતિમ ક્ષણ થકી રહ્યો
ચંદુમા કેટલીયે વખત દેવશી ભગતની વાડીએ કુટિયામાં આવી ગયેલાં સત્સંગ કરવા.
ચંદુમાની ભક્તિના રંગથી એવા તો રંગાયા કે દર મંગળવારે દેવશી ભગત દેશલપરથી ગઢશીશા પગે ચાલીને જાય સાથો સાથ ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીનાંભ માતાના મઢ પગે ચાલીને જાય.
બાપુજીની કુટિયા પણ ગઢશીશાના રસ્તે આવે એટલે મોજ પડે ત્યારે આશ્રમમા પહોચીને સેવા કરે અને ચંદુમાનાં રાજીપા સાથે મા જગદમ્બાના આશીર્વાદ પણ મેળવે.
નરસિંહ મહેતાની જેમ ભજન સત્સંગ માટે પગપાળા ઠેકઠેકાણે યાત્રા કરતા દેવશી ભગત લોકો ..સમાજની નજરે એક જોણું બની ગયા.
માંડ સમેલી અમારી બદનામી એ જોર પકડ્યું..દેવશી ભગત ક્યાંય કથામાં જોવા મળે તો ગામ લોકો કોઈને કોઈ બહાનું બનાવી અમારી પાસે બાપુજીની વાત છેડે અને કહે તમારા બાપુજી તો ફલાણી કથામાં કરતાલ લઈને રખડતા હતા..ભજન કરતા હતા એમ કહેવું ચૂંક આવે.આમ જ્યાં સુધી અમે ગુસ્સે ના થઈ ત્યાં સુધી વાતનો અંત ના લાવે અને આમ બાપુજી સાથે પરિવારની સામાજિક પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ .
સાચું જ કોઈએ કીધું છે કે જગતને અને ભગતને મેળ નથી પડતો.
..... પણ સારી વાત એક એ બની કે લોક નિંદાથી બાપુજીના કર્મો બળી ગયા. નિંદા કરનાર લોકોનાં અમે આભારી છીએ કે અંતર્યાત્રાનાં લક્ષ્ય સુધી પહોંચવામાં બાપુજીને જે કર્મો નડતા હતા એ આ લોકોએ ધોઈ નાખ્યા.બાપુજીને નિર્જળા કરી નાખ્યા એમ કહીએ તો ચાલે કારણકે શાસ્ત્રો અને સંતો એમ કહે છે કે તમે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરો અને લોકનિંદા થાય તો કર્મો બહુ જ મંથર ગતિએ કપાય.પણ જો ભજનના માર્ગે નિંદા થાય તો કર્મો અનેક ગણા વેગથી કપાય.
બાપુજીનું પણ કઈક આવું જ.આખી જિંદગી નીતિના માર્ગે ચાલી પરિવાર અને પોતે સહન કરી જગતને લેશ માત્ર તકલીફ ના આપીને ભજન કરવાનો સમાજની નજરે જાણે ગુન્હો કર્યો.લોક નિંદાથી ભજનની ગતિ પણ વધી અને નિર્મળ સ્વચ્છ બન્યા.
છેલ્લે બાપુજીની તબિયત લથડી.પછી વાડી કુટિયામાંજ વધુ સમય પસાર કર્યો.
.....એમના ભજન સંગાથીઓ સાધુ સાધ્વીઓ મળવા આવતા.ચંદુમા પણ પૂછા કરતા.
પણ એક શ્રાવણ મહિને એમની તબિયત વધુ બગડી.ભાઈઓએ ઘરે આવવા વિનતી કરી .પણ ટ્સના મસ ના થયા અને કીધું કે હું ગમે તેમ થાય શ્રાવણ મહિનો અહી જ કરીશ.મૂળ મુદ્દે તો શિવનાં ઉપાસક.
અમારી ચિંતા વધવા લાગી.લોકોને બોલવાનો મોકો મળ્યો.બાપને વાડીમાં ફેંકી દીધો.
સમાજવાડીમાં જન્માષ્ટમીનો તહેવાર હતો .મેઘલી રાત હતી.કૃષ્ણ જન્મ થઈ ગયો.વીજળી ચારેકોર લબકારા મારતી હતી.તેવામાં મારો મિત્ર રમેશ આવ્યો.મને કહે" મે સાંભળ્યુ છે કે તારા બાપુજી રાતના પણ વાડીએ કુટિયામાં રહે છે.મે કીધું હા રહે છે .માનતા નથી
મને કહે હમણાં જ હાલ મારા ભેગો વાડીએ મળી આવીએ.
..મે પણ તૈયારી બતાવી.રમેશ ને હું સાથે ભણેલા .પણ એની વાડી મારી વાડી બાજુમાં હોવાથી દિવસે બાપુજી સાથે તેની ગાઢ.મિત્રતા થઈ ગયેલી.
બાઈક થી અમે આઠમની અંધારી રાત ચિરતા વાડીએ પહોંચ્યા.કુટિયામાં ઘૂંટણ સમુ ઘાસ. રમેશે મોબાઈલની બેટરી ચાલુ કરી દરવાજા પાસે પહોંચ્યા.કુટિયામાં દવાની શીશીમાંથી બનાવેલી ચીમનીનો પ્રકાશ કુટિયાના કોક કાણામાંથી જીણો લિસોટો બહાર આવતો.તો ક્યારેક ભડકા કરતી વીજળી આખી કુટિયાને દુધિયા રંગથી રંગી નાખતી. લગભગ રાત્રીના પોણા બે જેવા વાગ્યા હતા.
મેં દરવાજા પાસે પહોંચી અવાજ દીધો- બાપુજી બાપુજી !!
અટાણે તું શું કરવા આવ્યો?
જાણે અવાજ ઓળખી ગયા હોય તેમ કીધું.મે કીધું- ખોલો દરવાજો
એમને કીધું- ખુલ્લો જ છે, ધક્કો દે.
હું ને રમેશ અંદર સહેજ વાંકા વળીને ઘૂસ્યા.
આ કોણ છે ભેગું .?
ચીમનીનાં આછા અજવાળામાં રમેશ ને ઓળખ્યો નહિ ઓળખાણ આપી તો બેઠા થઈ રમેશ ને બાજુમાં જગ્યા આપીને બેસાડ્યો.હું પગ પાસે બેઠો.હું હજી એ ખાટલાની પંગત પાસે બાપુજીના પગ પાસે સરખો બેસવાની કોશિશ કરું ત્યાં તો ઉપર નળિયામાંથી ચમકતું સફેદ જેવું લાંબુ જીણું સપોલીયું પડ્યું.હું ફટાક દઈ બેઠો થઈ ગયો બાપુજી સાપ...
બાપુજી કહે એ રોજ રાતના મારા પગ પાસે આવી ને સૂઈ જાય છે,આજ મોડું આવ્યું.કાંઈ નહિ કરે.તું બેસી જા.
બેસે એ બીજા.હું રમેશની બાજુમાં ઊભો રહ્યો. વાતચીત ચાલી. રમેશે આગ્રહ કર્યો કે આ સ્થિતિમાં અહી ના રહેવાય.ઘરે હાલો, હું લેવા આવ્યો છું.અહીં તો વરસાદમાં પાણી પડે.કેમ રહેવાય કેમ ખવાય ...??
પણ બાપુજીનો એક જ જવાબ કે શ્રાવણ અહી જ પૂરો કરીશ અને રમેશ ને અને મને વિનંતી કરી કે હવે કુટિયામાં નળિયા ઉતારીને પતરા નાખી દ્યો તો મારે મન આ જ મહેલ.
રમેશે આશ્વાશન આપતા કહ્યું કે પતરા નહિ અહી બાજુમાં પાકો છતવાળો બધી સગવડવાળો રૂમ બનાવી દઈશ. પણ હમણાં ઘરે હાલો.
બાપુજી ટસના મસ ના થયા.
એ રાતે જાણે બાપુજીએ બધી જ કબુલાત કરી ને વધુ નિર્મળ થયા.અમારા મતભેદ વિશે વાતો કરી..જે પણ કંઈ આંટીઘૂંટી હતી તેની ખુલાસા વાર વાતો કરી ને જાણે બ્રહ્મ મૂરતનો એક બાપ જોડેનો સાચો સત્સંગ એ રાતે થયો.બહાર વરસ્યા વગરની મેઘલી રાત હતી. પણ કુટિયાની અંદર અમે બાપ દીકરો ધોધમાર વરસી પડ્યા.હું અંદર થી હલકો ફૂલ થઇ ગયો .
બાપુજીએ કીધું તમે જાવ હવે મારી ચિંતા ના કરજો.
રમેશે કીધું કે કાંઈ પણ જરૂર હોય તો અહીં આદિવાસી કામ કરે છે એ બધા મને ઓળખે છે એના મારફત કહેણ મોકલજો આવી જઈશ.
આભાર માનતા બાપુજી એ કીધું- દરવાજો આડો કરતા જજો.રમેશ આગળ નીકળ્યો હું સાપોલિયાની બીકે ઠેકડો મારી કુટિયાની બહાર નીકળીને દરવાજો આડો કરી બાપુજીને ભલે કહી અમે બંને નીકળી ગયા.....
આમને આમ બાપુજી શ્રાવણ તો કાઢી ગયા તોય વાડીમાં જ રહેવાનું પસંદ કર્યું.
.....અને ભાદરવાના ભુસાકા શરૂ થયા.
ભાદરવાના છેલ્લા પખવાડિયામાં ભભયંકર વરસાદ પડ્યો ...એમને બાપુજીની ચિંતા થઈ
અને એ દિવસે જ બાજુની વાડીમાંથી એક આદિવાસી કે જે બાપુજી સાથે રાત્રે રોજ એકતારા સાથે ભજન ગાતો..તે બાપુજીનો સંદેશ લઈને આવ્યો કે કુટિયા આખીમાં પાણી ભરાઈ ગયું છે રહેવાય એવું નથી
.તરત ભાઈઓ રીક્ષાથી બાપુજી ને ઘેર લઈ આવ્યા .
એ દરમ્યાન એમની બીમારી મોટું સ્વરૂપ લઇ ચૂકી હતી.
ભાઈઓએ કંઈ કમી ન રાખી સેવા -ચાકરી માં. બધી અલાયદી વ્યવસ્થા પણ કરી.બીમારી એ બાપુજીને એકદમ પથારીવશ કરી નાખ્યા .ડોકટરનું કહેવું હતું કે,
' એમને એકાંતરે pein clear, injection આપો.બાકી સેવા કરો.'
ડોકટર એકાંતરે આ ઇન્જેક્શન આપી જાય.આમ કરતાં ભાદરવો પૂરો થયો અને આસો બેઠો.
નવરાત્રીની તૈયારીઓ ચાલુ. બાપુજી અંદર થી થોડી બેચેની અનુભવે. કારણ કે , નવરાત્રીમાં માતાના મઢ પગે ચાલીને પછી આખી નવરાત્રી ગઢશીશામાં ચંદુમા પાસે રહી ત્યાંથી ચાલીને પરત આવતા.યાત્રિકોની ખૂબ સેવા કરે.
બે નોરતા પૂરા થયા. ગામના ચોકમાં ગરબી થાય.ત્યાં ખૂણે ખાંચે એક જ વાત ચાલે ,
' દેવશી ભગત ઝાઝું નહિ કરે.'.કોક વળી હજી એ જ બાપુજીનાં પાપ ધોવાની મસ્તીમાં અમે સાંભળીયે એમ કહે,
'ભક્તિ ગમે એટલી કરીયે તોય કરમ કેને નાં મૂકે ભાઈ !આવડી ભક્તિ કરી તોય આવડા બીમાર કેમ પડ્યા ?' અમે કોઈ પ્રતિક્રિયા વગર આ સાંભળી લેતા.
ત્રીજા નોરતે સવારે બાપુજીની ખબર કાઢવા ગયો .થોડીવારે રહીને મને ધીમે થી કીધું,
"ચંદુમા ને મળવું હોય તો?"
હું એકદમ સ્થિર થઈ ગયો. મને ચોક્કસ ખબર પડી કે ,બાપુજીનો જીવ ચંદુમાને મળવા આતુર છે. મેં કહ્યું,
" બાપુજી, નવરાત્રી દરમિયાન માતાજી તો ગઢશીસા અંબેધામથી બહારના નીકળે ને તમને હું કેમ લઈ જાઉં ?!"
અહીં પારિવારિક પ્રશ્નો હતા.બાપુજી આંખો નીચી ઢાળીને કાંઈ ના બોલ્યા ,પણ મને અંદરથી કોઈ ધક્કા મારી રહ્યું હતું કે ,
'દિકરાને માતાજીના આધ્યાત્મ વાત્સલ્યની ઝંખના કળી શકાતી હતી. જલદી ચંદુમાં સુધી ખબર પહોંચાડવાનો નિર્ધાર થઈ ગયો.
પલનોય વિલંબ કર્યા વગર બાપુજીને કીધા વગર ત્યાંથી ઉઠી ગયો.
ગાડી ભાડે કરી મા તેમજ વિધવા મોટા બહેનનાં પરિવારને લઈ ફટાફટ ગઢશીશા પહોંચ્યો.ત્યાંતો સૌરાષ્ટ્રથી ભક્તિનાં પુર ઉમટ્યા હતા ત્રીજા નોરતે ચંદુમાના દર્શને લાંબી લાઇન હતી.આમાં જવું કેમ ?! મેં ત્યાં સેવક મારફત સંદેશો મૂક્યો કે, 'મા ને કહો કે દેવશી ભગતનો પરિવાર આવ્યો છે, ખાસ કામથી.
તરત જ એ સેવકે અમને ફટાફટ ભક્તોની લાંબી લાઈન વિંધતા મા પાસે પહોંચાડી દીધા.
કેસરી વસ્ત્રોમાં ચમકદાર તપસ્વી તેજસ્વી ચહેરા પર વિશાળ ભાલ પર મોટો પૂનમનાં ચંદ્ર જેવડો લાલ કંકુનો ચાંદલો.જાણે સાક્ષાત જગદમ્બા !!
મને સમજાઈ ગયું કે, બાપુજીની ભક્તિનું આકર્ષણ.
મેં માંડી ને વાત કરી. તો મા કહે ,
"હું અહી બાપુજીની રાહ જોવું છું .બે દિવસથી મારી આંખો એમને શોધે છે.સારું થયું તમે આવ્યા ને બધી વાત કરી નહિ તો આજે હું કોઈને મોકલવાની હતી.વાંધો નહિ બાપુજી જે ભાઈના ઘરે છે ત્યાં ફોનથી વાત કરાવો મને અત્યારે ."
મેં ભાઈનો મોબાઈલ જોડ્યો અને કીધું ,
'અમે નવરાત્રી નિમિત્તે અહી દર્શન કરવા આવ્યા છીએ.ચંદુમા બાપુજી સાથે વાત કરવા માંગે છે, વાત કરાવો."
બાપુજીથી ચંદુમાંનો સંવાદ શરૂ થાય છે.
"કેમ, બાપુજી તબિયત નથી?હું તમારી અહીં રાહ જોવું છું ."
"અરે ! એવું શું કામ બોલો છો ?મને મળ્યા વગર તમારા થી જવાય જ નહિ."
મા -દિકરો બંને લાગણીથી અભિભૂત થાય છે . અને ચંદુમાની બન્ને આંખોમાં શ્રાવણ ભાદરવો શરૂ થયા.હું સમજી ગયો સામે પક્ષે પણ બાપુજીની એજ હાલત હશે.અમારા બધાની આંખો ભીની થઈ ગઈ .ઉપસ્થિત સમુદાયમાં ગણગણાટ સંભળાયો "દેવશી ભગતથી વાત થઈ. દેવશી ભગત બીમાર છે."
બધાને આશ્ચર્ય એ વાતનું હતું કે સાક્ષાત જગદમ્બા સ્વરૂપ ચંદુમા કોનાં માટે આવડા આંસુ પાડે છે?
મને મારા બાપ પર વધુ ગૌરવ થયું.
ચંદુમાએ આંખો સાફ કરતા ફોન પર વાત આગળ ચલાવતા કહ્યું,
"બાપુજી ,તમે ચિંતા ના કરો.
હું દશેરાના ગમે તેમ કરીને બપોરે આવી જઈશ. હું હમણાં દોડતી આવું પણ તમને બધાને ખબર છે કે મારું નવરાત્રિમાં અનુષ્ઠાન ચાલે છે ત્યારે હું ગાડીમાં નથી બેસતી. ચિંતા ના કરો. હું છોકરા સાથે પ્રસાદી મોકલું છું .મા અંબાનો પ્રસાદ ગ્રહણ કરજો, ત્યાં સુધી હું આવી જઈશ"
મા એ અફસોસ કરતા અને વઢીને કહ્યું કે મને વેળાસર જાણ કરી હોત તો હું કોઈ સારા ડોકટર પાસે લઈ જાત.પણ જે થયું.બાપુજી કહે છે કે તેઓ મારા માટે જ પ્રાણ રોકી બેઠા છે.
તમે આ પ્રસાદી ખવડાવજો.
એમ કહી પેંડો આપ્યો.
મેં કીધું ,
"મા , પણ હવે તો પાણી પણ ગળાથી નીચે નથી ઉતરતું, તેમાં આ પેંડો?"
માનું નામ લઈ જેટલો જાય તેટલો પ્રસાદ માટે કોશિશ કરજો .હવે તો મારા અને બાપુજીના મેળાપની જવાબદરી મા અંબેની છે.એની લાજ જશે .મારી નહિ..."
ભીના હૈયે અમે બધા ત્યાંથી નીકળી ને સીધા ઘેર બાપુજીને પેંડાની પ્રસાદી ખવડાવી.ચંદુમાનો પ્રસાદ છે એ વાત ને લઈ ને અમારા આશ્ચર્ય વચ્ચે અડધો પેંડો ખાઈ ગયા !!
જે પાણી પણ નહોતું પીવાતું .
બસ દશેરા ની રાહ જોવી રહી.નવરાત્રી દરમિયાન ચોકમાં લોકો એ ગડમથલમાં હતા કે,
' ક્યારે દેવશી ભગત નવરાત્રી બગાડશે.ચોક માં વચ્ચેથી ઉઠિયે તો લોકો કાન સરવા કરે કે રખે ને દેવશી ભગત........
આમ દેવશી ભગતની વિદાયની ભર નવરાત્રિએ લોકો રાહ જોઈ બેઠા હતા.
પણ નક્કી હતું કે, "જગદમ્બામાના દર્શન કરવા સિવાય પ્રાણ છોડવા નહિ...."
...અને દશેરા પણ પહોચી આવ્યા..હું બાપુજી પાસે જ હતો.એક વાગી ગયો.
બાપુજીએ પૂછ્યું ,
"કેટલા વાગ્યા?"
મે કીધું ,
"એક વાગે છે ."
મને કહે, "હવે ચંદુમા નહિ આવે. એ બિચારા નવરાત્રિમાં થાકી જાય ને???
હું પણ સ્તબ્ધ થઈ ગયો
બાપુજીની આમ શ્રદ્ધા તૂટે એ ના ચાલે.
જોકે હું પણ અંદરથી ડગી જ ગયો હતો કે મા પાસે તો કેવા કેવા vip સેવકો છે એમાં આ મારા મેલા ઘેલા બાપ માટે એને આવડા દશેરા સુધીનો સમય યાદ રહે ખરો?
પણ ફોન પર જે રીતે રડતા જોયા હતા એ યાદ આવતાં જ મેં બાપુજીને આશ્વાશન આપ્યું કે એમ હિંમત હારો તો કેમ ચાલે? આટલા દિવસો રાહ જોઈ થોડી વધુ.ને આમેય આજે હવન પતે પછી સેવકોને વિદાય આપે એટલે એક તો વાગી જ જાય. ટાઇમ હવે થાય છેઃ-
ત્યાં મારો મોબાઈલ વાગ્યો.
સામેથી ચંદુમાના ડ્રાઈવરનો ફોન હતો.
મને કહ્યું કે ,
"ચંદુમાનો ડ્રાઈવર બોલું છું. બાપુજી ક્યાં છે? અમારે ક્યાં આવવાનું છે?"
હું ઉત્સાહમાં આવી ગયો બાપુજીને કીધું ,
"મા આવી ગયા ."હું દોડ્યો શેરીમાં. ફોન પર વાત કરતો એડ્રેસ બતાવતો .તો સામે જ ગાડી ઊભી હતી. હું પહોંચ્યો .ગાડીમાંથી એક તેજ પુંજ જાણે નીચે ઉતર્યું.નવરાત્રીની કઠોર સાધનાનું તેજ માના મુખારવિંદ પર સૂરજની જેમ ચમકતું હતું .હું પગે લાગ્યો. શેરીમાં ચંદ્દુમા ને દોરી ગયો.દિવાલના ટેકે ટેકે મા ઘરમાં પ્રવેશ્યાં .અમારા ઘરના સભ્યો સિવાય આજુબાજુનાં થોડાક લોકો આવી ગયાં. બપોરનો સમય હોવાથી ઝાઝી ભીડ ના થઈ.
બાપુજીનું અને ચંદુમાંમાનું મિલન અદભૂત.રોગિષ્ઠ શરીરને મા એ જરા પણ હિચકિચાટ વગર પંપાડ્યું...જાણે લોઢાને પારસ સ્પર્શ કરતો હોય તેમ ચંદુમા નો તેજસ્વી તપસ્વી હાથ બાપુજીના માથાને સ્પર્શ કરવા લાગ્યો.તે સાથે જાણ બાપુજી એકદમ ફ્રેશ અનુભૂતિ કરવા લાગ્યા.અમારા બધા વચ્ચે કૂતરા ગાય અને દુઃખી જીવોનાષદાનનો સંકલ્પ કરાવ્યો .દીવાબતી કરી ને આરતી કરી.અને એમને બધાને એક ક્ષણ માટે બહાર જવાનું કીધું.
બાપુજી સાથે ઘડીક ગૂઢ સત્સંગ કરી તરત અમને બોલાવ્યા અને બાપુજીને કીધું કે,
" બાપુજી હવે માનાં ધામમાંજવું છે ને?"
બાપુજીએ હસતા હસતા ડોકથી હા પાડી.
અને મા એ વિદાય લીધી ત્યારે મને કહ્યું કે,
" હું ગઢશીશા નહિ પહોંચું તે પહેલાં તમારો ફોન મને બાપુજીના ધામમાં જવાનો આવશે.ફોન કરજો."
અમે માને ગઢશીશા તરફ પ્રસ્થાન કરાવ્યું અને લગભગ 15મિનિટમાં બાપુજીને શ્વાસના જોરદાર ઝટકા આવ્યા.મારી માએ માથું ખોળામાં લીધું અને એમને હાથ ઉંચો કરીને જાણે કોઈ બસ માં બેઠા હોય તેમ "આવજો"ના ઈશારા સાથે હાથ હલાવ્યો..બાપુજીએ અનંતવાટે વિદાય લીધી ...
જેમ રંગભૂમિમાં નાટકનો અંત કેવો હોય છે તેના પર આખા નાટકનો આધાર હોય છે .
તેમ માણસના જીવનની છેલી ઘડી કેવી છે, તેની વિદાય કેવી છે તેના પર તેના વીતેલા જીવનનો આધાર છે .
ગુરુ ભક્તિ કહો જે કહો તે.... .અતૂટ શ્રદ્ધા ચંદુમામાં.. અંતિમ ઘડીએ હાજર થઈ સહજ મૃત્યુ આપવું એ કોઈ આજના સમયમાં નાની વાત નથી.
આજે ગુરૂ પૂર્ણિમાએ એટલે મારા બાપુજીને 'દેવશી ભગત' ને યાદ કર્યા કે તાજેતરમાં આવેલ વિનાશકારી વાવાઝોડાએ બાપુજીની - દેવશી ભગતની કુટિયાને તહસ નહસ કરી નાખી ત્યારે એ કુટિયાએ મારા આખા મસ્તિષ્કમાં આખો ભૂતકાળ ફિલ્મની પટ્ટીની જેમ ફરી ગયો.
એ કુટિયાને ફરી બેઠી કરવી કે ત્યાં માત્ર ઓટલો બનાવવો .હજી ગડમથલ માં છું.
પણ જીવનમાં પહેલા ગુરુ માતપિતા જ આવે...
ગુરુ પૂર્ણિમાના અવસરે
મહાન પુણ્યાત્મા 'દેવશીભગત '
ને કોટિ વંદન .🙏
જે રામાયણની ચોપાઈ પુષ્ટિ કરે છે.
✍️સી.ડી.કરમશિયાણી
9426143122