માળો C.D.karmshiyani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

માળો



‘ ...........તમે હવે ભલે ફરી જાવ વહુ .... ન કાં તે દિ ' આખી ભાઈયાતની વચ્ચે તમે કબૂલ કર્યું કે પારૂની જવાબદારી તમારી છે ..... આવી શું ખબર , ને કાં તે દિ ' જ એની માં ભેળી મૂકી દીધી હોત .... ! ' એક કલાક પહેલાં બનેલી ઘટનાને ઘઉં સાથે ઝાપટી નાખવાનો વ્યર્થ પ્રયત્ન શાંતામા કરતા હતા , પણ તેમ કરવાથી તો મનમાં ગૂંચવાડા જ ઊભા થતા હતા . શાંતામાનો માંયલો દાવાનળ ફરી જાગી ઊઠયો . વહુ સાથેના ન ધારેલા સંવાદો હજુ પણ હવામાં ફંગોળાતા હતા ! વસતી ગણતરી કરવા આવેલા ગામના જ માસ્તરે જ્યારે ફોર્મ ભરવાનું શરૂ કર્યું ત્યારે કુટુંબના સભ્યોમાં વહુએ પોતાના બે છોકરા અને પોતે બે - એમ કુલ્લા ચાર જણાના જ નામ લખાવ્યા અને પારૂનું નામ તેમજ શાંતામાનું ફોર્મ અલગથી ભરવાનું કહ્યું ત્યારે શાંતામાને ઝાટકો લાગ્યો .... !!! વહુ આ શું બોલો છો ? ' વહુ એ એકદમ ઠંડોગાર જવાબ દીધો .... ! ‘ એમાં ખોટું શું કીધું ? પારૂનો બાપ મરી ગ્યો તો કાંઇ મા નથી મરી ગઈ .... કાં રાખી તમે ? ' ‘ પણ વહુ આજ તને શું થઇ ગયું છે ? તમે પારૂની જવાબદારી લીધીતી ..... તમે જ હવે પારૂની મા છો ! મારા તો વળતાં પાણી ! પારૂની જવાબદારી તમે ની લો તો કોણ લેશે ? ” ....ચડભડ વચ્ચે શાંતામાં આ રીતે વિનવણી કરતાં કરતાં પણ કોણ જાણે -આજે વહુમાં આવેલુ ઓચિંતુ પરિવર્તન જોઇ શાંતામાં તો ડઘાઈ જ ગયા હતા ! ધરતીકંપમાં મૃત્યુ પામેલા દીકરાના આઘાતની કળ હજુ નહોતી વળી , હજુ તો એકાદ - બે વર્ષ માંડ પૂરા થયા , ને આમ કે મ બને ? શાંતામાની સમજણમાં વહુનુ વર્તન ઉતરતું નહોતું . શાંતામાં પોતે પણ ભરયુવાનીમાં જ વિધવા બનેલા તેથી પોતાનું પ્રતિબિંબ પોતાની યુવાને વિધવા વહુમાં જોવા લાગ્યા .... ! દીકરીઓ મૂકીને મોટો દીકરો તો ગુમાવ્યો , પણ એ વહુ અને દીકરાઓનું કોણ ? ઘઉંના દાણા જેવી જ નાની ઘટનાઓ સૂપડામાં દોડવા લાગી શાંતામા હાથમાંના સૂપડામાં ઊછળકૂદ કરતાં ઘઉંના દાણાની જેમ જ કેટલીય ઘટનાઓ શાંતામાના મનમાં ઉછળવા લાગી ! ..........દીકરાની બારસની ક્રિયા પૂરી થતાં જ છાતી પર પથ્થર રાખીને , ભાઈયાતને ભેળી કરીને શાંતામાએ કહી દીધું કે , ‘ વહુની ઉમર હજુ નાની છે , તે આટલી ઉંમરે મો વાળીને બેહાય નહીં , વહુને બીજું ઘર કરવું હોય તો ..... !! ને સાથે સાથે શાંતામાએ એક શરત રાખી ... ને ગળગળા અવાજે કહ્યું કે , “ બે દીકરીઓને વહુ સાથે ના તેડી જાય , એક મોટી દીકરી પારૂ પોતાના દીકરાની નિશાનીરૂપે મને સોંપતી જાય . ' શાંતામાની રજૂઆતથી બધા ભાઈયાતની આંખ ભીની થઇ ગઇ ને ઘૂંઘટા કાઢેલી સ્ત્રીઓ અંદરને અંદર સિસકારા મારવા લાગી , પણ અંદરના ઓરડામાં બેઠેલી વહુથી કેમેય ના જલાણું તેથી ધુસકે ધ્રુસકે પોક મૂકીને રડવા લાગી . સાથે બહાર બેઠેલી ડોશીયું એ પણ મોટી પોક મૂકી ! ફરી પાછું ઘરમાં માતમ છવાઇ ગયું . કુટુંબના વડાએ આકરા વેણ કાઢીને માંડ બધાને છાના રાખતાં કહ્યું , ‘ તમે આમ મોટીયું થઇને ભેંકડા તાણશો તો ઓલી બિચારી વહુનું શું થશે ? જરા વિચાર તો કરો ! ' ને બધી બાઇયું ચૂપ થઇ ગઇ . ફરી વડીલ બોલ્યા , ‘ શાંતામાની મરજી છે પારૂને રાખવાની પણ આપણે વહુની શું મરજી છે તે પૂછવું પડે .... ! ‘ હાચી વાત ! હવે છોડીની મા એ ઇ જ ને બાપે ઇ જ ! આ ઘરનો મોભ ધ્રોસી પડ્યો તઈયે આ બધા વના ઊભા થ્યા . બધું હમજીવચારીને કરજો , જમાનો ખરાબ આયો છે બાપા !!! એક ડોહો સૂર પૂરાવતો , પછેડીમાં મોઢું લકાડીને આ રીતે લૂંલાટ કરતા બોલ્યો . ... બે ચાર બાઇયું ઢીલા પગે શાંતામાને અંદરના ઓરડામાં લઇ ગયા . શાંતામાએ હળવેકથી વહુને પૂછયું .... ત્યારે વહુએ ડૂમો ભરેલા અવાજે કહ્યું , ‘ મા અમે બધા તમારા છીએ , એકલી પારૂ જ કાં ? આજ મને પારકી કરવા બેઠા ? ” એમ કહી વહુ હૈયાફાટ રૂદન કરતી છાતી ફૂટવા લાગી ! બહાર બેઠેલા સૌના કાન અંદરથી આવતો વહુ નો ધીમો અવાજ સાંભળવા આતુર હતા ....!
કોઇક બાઇયું ને એમ હતું કે વહુ પારૂને દેવાની ચોખ્ખી ના પાડશે ને પારૂને રાખવાની શાંતામાં જીદ પકડશે . તેથી બંને વેવાઈ વચ્ચે ગરમા - ગરમી થશે પણ , હજુ સુધી એવું કાંઈ થયું નહોતું .... તેથી ઘૂંઘટા કાઢી અમુક ‘ એવી બાઇયું વચ્ચે વચ્ચે નાકના પાણી સંસકાવીને જાણે વહુના માવતરને ચડાવતી હોય તેમ બોલતી ‘ બાપ તાં ભગવાને લઇ લીધો પણ બચારીને મા વછોડા કરવાનું પાપ કેમ કરાય ? વળી , માને પેટ બળે તેવું પારકાંને કાંઇ .... ' તો અમુક બાઈયું ઘૂંઘટા કાઢેલા માથા ભેગા કરીને ગુસપુસ કરવા લાગી ..... દીકરો હોય તો એમ થાય કે બાપનું નામ રાખવા હાટુ .... પણ આ તો છોડી ... ઉકેડાની જેમ કાલ મોટી થઇ જશે તંઇએ વળી પારકે ઘરે જ મૂકવીને ? ' પણ આ બધું અંદરના ઓરડામાં બેઠેલા શાંતામાના કાન સુધી પહોંચતું નહોતું ! શાંતામાએ છાતી પર પથ્થર રાખીને કહ્યું , ‘ જો દીકરા તારી ઉંમર હજુ નથી , હું તારી જેમ જ હતી ! પણ ભગવાને મને રામ - લખમણની જોડ દીધીતીને એના ભરોહે , ને મારા બાહુળાના બળે જીવતરનો ભારો ખણે રાખ્યો .... ને આજ તાં આ જોડી પણ ભગવાને ભાગી .... ! શાંતામાં આંસુ લૂછી સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતાં હતાં . ‘ આપણી નાતમાં તેદી આવો રિવાજ નોતો ! આજ તાં હવે રીતે પડી છે , બીજું ઘર કરવાની ... મને કોઈ ભારે નથી પડતું હું તો તારો વચાર કરું છું બેટા .... છતાંય તારી મરજી વગર કાંઈ નહીં કરીએ . આ તો મૂઓ જીવ પારૂમાંથી ઉખડતો નથી ! શું થાય ? આ બધા દિવસો

જોવા કરતાં ભગવાને મને કાં ના લઇ લીધી ? ” શાંતામાની હાલત જોઇ નાનકી વહુ વચ્ચે જ બોલી , ‘ ભાભી તમે પારૂની ચિંતા ના કરો . જેવા મારા દીકરા તેવી પારૂ ! પારૂને મારી દીકરી જેમ જ હાચવીશ ! ભાભી તમને મારા પર ભરોસો નથી ? ' વળી પાછું વિધવા વહુએ દેરાણીના ખભે માથું ઢાળી ડૂસકાં ભરવા શરૂ કર્યા . શાંતામાએ ફરી વહુને શાંત કરતાં કહ્યું તું પારૂની ફકર કરમાં .... તારી જિંદગીનો વિચાર કર ! એક તો આ ધાવણી તારા ભેગી બબ્બે દીકરીઓને લઈને તું કયાં જઈશ ? અંતે વહુએ ‘ ભલે એમ તો ના જ કીધું પણ મૂક સંમતિ સ્વરૂપે બોલી ' માં જેદી પારૂ તેમને ભારે પડવા લાગે તેદી શરમ રાખ્યા વગર મને પાછી દઇ જજો ..... !! શાંતામાં વહુને વાંસામાં હાથ ફેરવતાં હિંમતથી બોલ્યા , ' પારૂ મને ભારે પડે ? અરે તમે મને કોઇ ભારે પડો તેમ નથી ... ! હજી આ બાહુળામાં તાકાત છે ડુંગરની ટોચ માથે ચડીને કામ કરી આવું તેમ છું .... ! ' શાંતામાં હવે મનથી મજબૂત હતા . બાકી , હાથ - પગ તો ઢીલા પડી ગયા હતા તે શાંતામાં પણ સારી રીતે જાણતા હતા .... !!! ઓસરીમાં બેઠેલા સૌ ને શાંતામાએ જણાવી દીધું કે ‘ પારૂ પોતાની પાસે રહેશે ..... ! વહુને વાંધો નથી . ત્યાં એક ચૌદશિયો ભાભો બોલ્યો : “ વહુને વાંધો નથી , પણ એના માવતરને પૂછયું ? પછી બધા તમારા હાટુ નવરા નથી ... કે આ છોડી ની ચોવટ કરવા રોજ રોજ ભેગા થશું ... ” શાંતામાએ ઘૂંઘટામાંથી એક ક્રોધ ભરી નજર ભાભા પર નાખીને મનમાં બબડ્યા .. “ મારા માથે દુઃખના ડાંગર ડોળી પડ્યા છે ને આ ચૌદસિયાને આવા કાવતરાં હૂજે .... ”
......ત્યાં જ શાંતામાના ઘૂંટણ પાસે એક ચકલો ઠેકડા મારતો મારતો આવ્યો . શાંતામાં ચકલાને જોઈ રહ્યા .... સૂપડું થોભાળી દીધુને મનમાં બોલ્યા , ‘ મૂંઆ પરા દાણા જોસ્યા છે તે ખાને ... લગમાં શું હાલ્યો આયો ... ? મૂંઆને બીકેય નથી લાગતી ... ' ત્યાં જ ચકલાએ શાંતામા ના ઘૂંટણ પાસે પડેલા એક કાંકરાને ઘઉનો દાણો સમજીને ઠોલો માર્યો ... ચકલો ભોઠો પડી ગયો . ઠેકડા મારતો -મારતો ચકલો દૂર ચાલ્યો ગયો . ભાગેલા ચકલાને જોઇને શાંતામાં ગુસ્સાથી બબડયા ..... ‘ મુઆ કયાંક ચાંચ ભંગાવીશ ... ? ' ક્ષણ ભર અટકી ગયેલી ઘટમાળ ફરી પાછી શાંતામાંના સૂપડામાં ઊછળ - કુદ કરવા લાગી ... ચૌદસિયો ભાભો હજુ બબડ્યા રાખતો હતો “ પછી આ છોરી હાટુ કરીને ગામ ગજાવું એના કરતાં કાં તો વહુ ભેળી જ મૂકી દો ન કા પછી એના માવતરને પૂછી લો ફજેતા કરવા કોણ નવરું બેઠું છે ? ' ત્યાં જ વહુના બાપ વચ્ચે બોલ્યા ના બાપ ફજેતા થાય તેવું કદી નહીં થાય ! તમને બધાને જેમ જોગ લાગ તેમ કરો ! અમને બધું કબૂલ છે અમારું તો હતું ઇ લૂંટાઇ ગયું હવે શું ? ને વેવાઇએ પછેડીમાં આંસુ લૂછયા તે ભેગી જ ઓલા ભાભાની રજૂઆત પણ જાણે લૂછાઇ ગઈ............!!!!

... નીચું ઘાલીને વેવાઇ ફરીથી બોલ્યા , ‘ વેવાણ અમે તો દીકરી પાછી લઈ જવા નહોતી પણાવી ! પણ ભગવાનને મંજૂર નહોતું શું થાય ? દીકરીને વળાવે એમ વહુને કરુણ વાતાવરણ વચ્ચે તેની ધાવણી દીકરી સાથે વળાવી ... પારૂ શાંતામાં પાસે રહી . પારૂને પોતાની જનેતા વગર સારી રીતે ગોઠવાઇ ગયું હતું . તેની સૌથી વધુ રાજીપો શાંતામાને હતો . પણ .... પણ .... આજે વસ્તી ગણતરીનું ફોર્મ લઇ માસ્તર જ્યારે ઘેર આવ્યા ત્યારે નાની વહુની પારૂ પ્રત્યેની લાગણીથી શાંતામાં અવાક રહી ગયા . શાંતામાં ઘઉના સૂપડાને થોભાવીને રાહ જોતા વચ્ચે બોલ્યા રાખતા .... ‘ પારૂનું નામ લખાવ્યું પારૂનું નામ લખાવ્યું ? ત્યારે વહુ ખાટલે બેઠી બેઠી મૂંગીમંતર પારૂનું ફોક સાંધવામાં પડી હતી ! પણ માસ્તરે શાંતામાને જવાબ આપતા કહ્યું કે , “ હા માજી આમાં જ પારૂનું નામ ઉમેરી દઉં છે .... ' ત્યારે વહુ સોયમાં દોરો ખલાસ થતા બે દાંત વચ્ચે દબાવીને કટાક દઈને દોરાનો છેડો કાપતા બોલી , “ ના અમારા ભેગું ના લખજો ... ! અમારું તો રેશનકાર્ડ પેલેથી જ નોખું હતું ! અમારા ચાર જણાના કુટુંબમાં પારૂનું નામ ના લખતા ! લખો દાદી ભેળું .... શાંતામા ધ્રૂજતા ધ્રૂજતા ગુસ્સાથી બોલ્યા , ‘ વહુ આ શું બોલો છો ? પારૂ શું તમારી દીકરી નથી ને આ રાશનકાટ તો ગાસલેટ હાટું કરીને નોખા કરાયાંતા ... ' શાંતામાં ચકડ - વકળ આંખે ઘડીકમાં માસ્તરને તો ઘડીકમાં વહુને જોવા લાગ્યા .... પરિસ્થિતિને માંડ થાળે પાડી ,માસ્તરે કુટુંબના વડા તરીકે શાંતામાનો અંગૂઠો લીધો ને બધા જ નામ શાંતામાના કુટુંબમાં ગોઠવી દીધા ! વહુને મન નામ કોના ક્યાં લખાય છે તે મહત્ત્વનું નહોતું , તેને તો બસ આજે આ બહાને ઊભરો કાઢવાનો મોકો મળ્યો એ જ મોટી વાત હતી ! માસ્તર એક અપરાધ ભાવ સાથે આંગણાંમાંથી નીકળી ગયા . પવનની લહેરીકીથી સંધાઇ ગયેલો ફ્રોક ખાટલાથી નીચે સરી પડ્યો ને શાંતામાની પડખે ભરાઇ ગયો શાંતામાએ ઘૂંટણ નીચે સ્હેજ યંત્રવત ફ્રોક ને ખોસ્યોને ધીમેક થી વહુને પૂછયું , ‘ વહુ તમને આ જે આ શું થઇ ગયું છે ? પારૂની જવાબદારી તમારી નથી ? વહુએ નીચે નજર ઢાળી ને બેફિકરાઇથી જવાબ આપ્યો જવાબદારી શેની ? ' જે રૂપિયા હાચવે ઈ જવાબદારીએ લે ને ? પારૂના બાપના જે સહાયના એક લાખ રૂપિયા મળ્યા ઈ કેની જવાબદારી ? શાંતામાં ભીંત થઇ ગયા શાંતામાને હવે કંઇક સમજણ પડવા લાગી , દીકરાની મૃત્યુ સહાયના એક લાખ રૂપિયામાંથી અડધા મોટી વહુના નામે ને અડધા પારૂના નામે કરાવ્યા ત્યારે જ નાની વહુના મનમાં સહેજ ચચરાટી થઇ હતી ! નવો ધંધો નાખવા માટે નાના દીકરાએ એ રૂપિયા માંગ્યા ત્યારે શાંતામાએ ફેણ ચડાવીને કહ્યું હતું કે ખબરદાર જો એ રૂપિયાનું નામ લીધું તો ? એ બચારીનું પછે કોણ ? ? ને ત્યારથી જ નાની વહુનું મન પારૂમાંથી ધીમે ધીમે ઉખડવા લાગ્યું હતું . વળી શાંતામાને આશ્વાસન આપવા આવેલા મહેમાનો જતાં-જતાં ‘ બિચારી ' પારૂને દસ- પચાસ કે સોની નોટ આપતા જ તા . એ રૂપિયા શાંતામા પારૂના ભવિષ્ય માટે અલગથી લીધેલા માટીના ભંભુડામાં પધરાવી દેતા જોતજોતામાં પારૂનો ભંભૂડો રૂપિયાની ઠસોઠસ ભરાવા લાગ્યો . તેની સાથોસાથ નાની વહુનો કાચી માટી જેવો મનનો ભંભૂડો પણ પારૂ પ્રત્યે દ્વેષથી છલોછલ થઇ ગયો . પોતાના છોકરા કરતાં પારૂ જ વધારે વહાલી છે તેવા વહેમે અંદરને અંદર ના દેખાય એવી ને હવે ના પુરાય તેવી ' તિરાડ ' નાની વહુના મનમાં પડી ગઇ જેની શાંતામાને લેશમાત્ર ખબર ના રહી . પણ આજે વસ્તીગણતરીનું ફોર્મ ભરતી વખતે વહુને મોકો મળી ગયો ને મનમાં પડેલી તિરાડે બહાર દેખા દીધી ! શાંતામાએ ફરીથી વહુ ને સમજાવટના સૂરે કહ્યું ‘ ઇ બચારીનું કોણ ? આપણે જ આમ કરશું તો ? ત્યારે વહુએ નિષ્ઠુરતાથી કહ્યું શેની બિચારી ? ' બાપ મરી ગયો છે . કાઇ માં નથી મરી ગઈ ! ને વળી બચારી શેની ? આ ઘરમાં બધા કરતાં પારૂ જ શાહુકાર છે ! વે'થ જેટલી છોરીના બેંકમાં જેટલા રૂપિયા છે એટલા અમારાય નથી . પૈસાનો ભંભુડો લઇ રોજ મારા છોકરાને ચિડાવે છે ! ઉપરથી વળી બચારી !! શાંતામાને વહુના શબ્દો તીરની જેમ વાગતા હતા ! છતાં શાંતામાએ એ જ નમ્રતાથી કહ્યું . ‘ પણ વહુ આ તો છોકરું કેવાય ! એની વાતું મગજમાં ના લેવાય ' આ સાંભળી વહુને વધુ પાનો પડ્યો ને બોલી , ‘ હા એટલે જ તો કહું છું કે ઇ તો છોકરું કેવાય પણ તમારી આંખું નથી ? તમે તો મોટા છો ને ? બધુ મારા મોઢે બોલાવો મા .... ને હવે ચૂપ નથી રહેવાની . પારૂને ગોળને મારા છોરાં ને ખોળ ! આખો દિ'મારા છોરાંન હડહડ કર્યા કરો છો તે પારૂને કયાંય વાંક નથી દેખાતો ? મારા વિયાના મોઢામાંથી કાઢીને હવે પારૂને નહીં દઉં , મારી કોઇ જવાબદારી નથી , તમે જાણો ને પારૂ જાણે . ’ ઘડીભર શાંતામાને લાગ્યું ધરતીકંપનો ફરીથી આંચકો આવ્યો કે શું ? શાંતામાં મનમાં વિચારવા લાગ્યા કે મને તો સપનેય આવા વિચાર નથી આયા ! જેવી પારૂ તેવા બે છોરાં ! કેને પારકા ગણું ને કેને પોતાના ? ધરતીકંપમાં એક દિકરો તો ખોયો હવે આ એક જ દીકરીને વહુ જો મોઢું ફેરવી લેશે તો ? શાંતામાના હાથ ઘઉંમાં ફરતાં હતા .... પણ મન કયાંક વિચારોમાં ભટકી ગયું હતું . તેમાં ને તેમાં સાફ કરેલા ઘઉં કચરાવાળા ઘઉં ભેગા ભૂલથી નાખી દીધા , શાંતામાની મત કામ નહોતી કરતી , શાંતામાએ ઘઉંની બંને નાનકડી ઢગલીઓને ભેગી કરી નાખી ‘ મર પડ્યા રે , પછે કરીશ ! એમ મનમાં બબડ્યા , ને ધરતીકંપમાં સહાયમાં મળેલી રંગીન ચટ્ટા પટ્ટાવાળી વિદેશી તાલપતરીના ટુકડા પર ઘઉંની ઢગલીને હાથથી દૂર હડસેલવા લાગ્યા !! ત્યાં જ પારૂ કાંસકો લઇ શાંતામાં પાસે દોડીને આવી , તાલપતરીથી સહેજ દૂર ખસી યંત્રવત પારૂને ખોળામાં બેસાડી શાંતામાને ખબર જ હતી . પારૂ પોતાના સિવાય કોઈને માથાના વાળને અડકવા દેતી નથી , જીથરા થઇ ગયેલા પારૂના વાળને એક નાનકડી રિબીનની લીરથી બાંધેલા હતા . બેસી ગયેલી
લીરની ગાંઠને શાંતામાં ખોલવાનો પ્રયત્ન કરતા હતા . ત્યાં જ વહુ ખાટલેથી ઓચિંતી દોડીની સીધી વાછડી પાસે જઈ વાછડીની પીઠ પર એક જોરદાર મૂઠીનો પ્રહાર કર્યો ! શાંતામાએ જોયું તો વાછડી પારૂનો ફ્રોક ચાવી રહી હતી ....! શાંતામાએ પોતાના ઘૂંટણની આજુ બાજુ જોયું તો વિચારવા લાગ્યા .... મેં તો ફડાક અહીંયા જ રાખ્યો ' તો એટલી વારમાં પિટ્યો ઉડીને વાછડી કને કંઈયે પહોંચી ગ્યો ? વાછડી બે - બે કરતી ગોળ - ગોળ ફરવા લાગી ! ચાવેલો ફ્રોક વહુએ બાથરૂમની ચોકડીમાં પાણીથી ભરેલા ગમેલામાં ઘા કર્યો ને ફ્રોક પાણીમાં તરવા લાગ્યો . દોરીની આંટી મારી વાછડીને બાંધીને મોટે થી બબડાટ કર્યો , ‘ મૂઈ હજી દાંતને હોજરીના ઠેકાણાં નથી ને જે - તે ડાચામાં ઓરવા જ ખપે ! ને એક તીરછી નજર પારૂ પર ફેંકી - પારૂ મોઢામાં કાંસકો નાખતી હતી .... ! શાંતામાએ લીરની ગાંઠ માંડ છોડી મનમાં અનેક ગાંઠો બંધાતી જતી હતી . મનમાં ને મનમાં વિચારતાં હતા કે મારા તો ઓચિંતાના હો વરહ પૂરા થઇ જાય તો પછી પારૂનું કોણ ? એને મોટી વહુના શબ્દો યાદ આવી ગયા , ‘ મા જે દી પારૂ તમને ભારે પડવા લાગે તે દી મને શરમ રાખ્યા વગર પાછી દઈ જજો ! તે શાંતામાએ જે જવાબ હિંમતથી આપ્યો હતો ... તે જવાબથી અત્યારે મનોમન પોતે ભોંઠા પડી ગયા , પણ શું કરવું ? શાંતામાનું ચિત્ત ચકડોળે ચડ્યું , ઘડીક વિચાર આવતો ... જેમ હોય તેમ પણ પારૂ એની મા ભેળી હોય તો ચત્યા નહીં ! અહીં સૌ સવારથના સગા ! ને

....ને હજીયે મોટી વહુએ ક્યાં બીજો ભવ કર્યો છે ? આમ વિચારતા વિચારતા શાંતામાએ પારૂના માથાની છોડેલી લીર એક બાજુ મૂકી . પારૂ પાસેથી કાંસકો લઈ પારૂના જીંથરા થઇ ગયેલા વાળને સંવારવા લાગ્યા ... જાણે પારૂનું વિખરાયેલું ભવિષ્ય સંવારતા હોય .. એક એક ગૂંચ કાંસકાના ઝાટકા સાથે ખૂલતી જતી હતી ... વચ્ચે ક્યારેક પારૂ ‘ આહ ... ' કરતી ! જેમ જેમ શાંતામાં પારૂના વાળની ગૂંચો ખોલતા જતા હતા ... તેમ તેમ તેમના મનમાં એક નવી ગૂંચ વળતી જતી હતી ... જીંથરા મનની ગૂંચો ઉકેલવા તેઓ સતત વિચારોનો કાંસકો મન પર ફેરવ્યા રાખતા હતા ... વાળ બરાબર ઓળી , પારૂના વાળની નાનકડી પોની ૫કડી , બાજુમાં છોડીને રાખેલી રિબીનની લીર જેવી શાંતામા ઉપાડવા ગયાકે , એક ચકલી લીરને ઉપયોગી તણખલું સમજી ઉપાડી ગઇ . ને ફરતી ફરતી સીધી આંગણામાં લીમડાની ડાળ પર બેસી ગઇ ! શાંતામાં અવાક રહી ગયા ! લીમડા પર બેઠેલી ચકલીને જોઈ પહેલીવાર ખબર પડી કે નવા પાન સાથે લીમડો આખો લીલોછમ થઈ ગયો હતો . ઘડીભર શાંતામાનું મન પણ લીલોતરીથી લીપાઇ ગયું . શાંતામાં હજુ કંઇક વિચારે તે પહેલાં જ લીમડાં પરથી ઉડીને ચકલી લીર લફાવતી લફાવતી ઘરના મુખ્ય દરવાજા પર બાંધેલી , ધરતીકંપમાં મૃત્યુ પામેલા પુત્રની છબી પાછળ બેઠી ! .જ્યાં ચકલીએ પોતાનો નવો માળો બાંધવાની શરૂઆત કરી હતી ! આ છબી પાછળ રોજ શાંતામા ચકલીના માળાને કચરો સમજી ડૂચા સ્વરૂપે ફેકતા ને બબડતા...."મારા દીકરા ની છબી ફિટાડશો....બીજે ક્યાંય માગ નથી જડતો ? ..." ને સાવરણાથી બધો કચરો છબી પાછળ થી કાઢી નાખતા.....!!!!
....અંતે થાકી ને શાંતામાં એ માળા નો કચરો કાઢવો બંધ કર્યો હતો અને છેલ્લે બબડયા હતા...." મર મુઈ માળો બાંધતી..!!"
ચકલી પારૂની રિબિનની લીર એ માળા માં લઇ ગઇ..!! શાંતામાં આ બધું આશ્ચર્ય સાથે જોતાં હતાં ..પારૂ પણ સ્થિર થઇ ગયેલા શાંતામાને વાંકી વળીને જોતી હતી . હજુ પારૂના વાળની પોની મજબૂત રીતે શાંતામાએ પકડી હતી . પારૂએ શાંતામાની નજરનો પીછો કરી પોતાની નજર માળા સુધી લઇ ગઇ ..ત્યારે ખબર પડી કે તેની રિબિનની લીર ચકલી ઉપાડી ગઇ છે . પારૂ ઘડીકમાં પોતાના મૃત પિતાની છબીને ... ઘડીકમાં લીરનો લફતો છેડો જોતી ... જેને ચકલી ચાંચો મારીને માળામાં ગોઠવવા પ્રયત્ન કરતી હતી

જેમ જેમ માળામાં ચકલી લીરને ચાંચો મારતી જતી હતી તેમ તેમ શાંતામાના મનની ચકલી પણ શાંતામાને અંદરને અંદર ઠોલા મારતી હતી . લીરની જેમ જ શાંતામાની અંદર પણ કંઈક ગોઠવાતું હતું ... ! શાંતામાં જેમ જેમ માળામાં તલ્લીન થતા જતા હતા . તેમ તેમ પારૂના વાળની પકડેલી મજબૂત પકડ હવે ઢીલીને ઢીલી થતી જતી હતી .... !!


---સી. ડી. કરમશીયાણી