Poisoning of tattoos books and stories free download online pdf in Gujarati

છુંદણા નું ઝેર

......એમ તો કાંઈ કોઈને ખાસ ગંભીર ઈજા નહોતી થઈ . આ તો અકસ્માતની વાત એટલે જ સવારના પહોરમાં દોડાદોડ | થઈ પડી !! ..... ગામડામાંથી શહેરમાં ભણવા જતાં છોકરાઓને બસનો અકસ્માત થયો હતો . થોડુંઘણું બધા છોકરાઓને વાગ્યું હતું | અકસ્માતનો મામલો એટલે સરકારી હોસ્પિટલ જ કામ આવે . લગભગ બધા છોકરાઓને શહેરની જનરલ હોસ્પિટલમાં લઈ ગયા . અમુકને તો માત્ર મલમપટ્ટીથી જ પતી ગયું . અમુકને મૂઢ માર થયો હતો તેથી ડૉકટરે એક્ષરે કાઢવાનું કહ્યું . એક્ષરે પણ કઢાવ્યો .. પણ રિપોર્ટ આવે ત્યારે થાય ને ? આ તો જનરલ હોસ્પિટલ કહેવાય ! થતું થાય !! એક્ષરે રિપોર્ટ ની તેમજ અન્ય દોડાદોડીની જવાબદારી મારી હોવાથી સાથે આવેલા ગામના માણસો લગભગ બધા જ અહીં- તહીં થઈ ગયા . હું પણ રિપોર્ટ આવે ત્યાં સુધી ટાઈમપાસ કરવા આંટા મારવા લાગ્યો. હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસેની ચાની રેંકડી પાસે જઈ ત્યાં બાવળના છાંયડામાં એક સ્કૂટર પાર્ક કરેલું હતું.. તેને પીઠ ભરાવીને ઉભો રહ્યો . આંગળીના ઈશારે ચાનો ઓર્ડર આપ્યો . થોડીવાર આમતેમ નજર ફરાવતો હતો ત્યાં થોડેક જ દૂર એક બાઈ બેઠી હતી , જે મને ટગરટગર જોઈને મારી સામે મરકવાનો પ્રયત્ન કરતી હતી વિચાર મનેય આવ્યો કે આ બાઈને કયાંક જોઈ હોય તેવું લાગે છે . પણ આ તો બાઈમાણસની જાત . પૂછાય તો નહીં કે ....... ??? થયું ..હશે કોઈક , મને શું ? પણ એ બાઈએ મારી સામે જોવાનું ચાલુ જ રાખ્યું થોડીવાર થઈ ને બાઈએ મારો મૂંઝારો દૂર કરવા પોતાની આગવી બોલીમાં કહ્યું , કાં મેસતરી ! હઈ પડે સે ? ઓ ... તમે હવે અમને ક્યાંથી ઓળખો ? તમે તો હવે મોટા સાહેબ થઈ ગ્યા હશોની !! ' હું મનમાં જ બોલ્યો , મોટો શું નાનો સાહેબ પણ નથી રહ્યો .... ! ને પૂછાઈ ગયું પણ હું તો તમને નથી ઓળખતો ....!!! તમે ...... ?? ”
બાઈએ પોતાના કાળા કામળાની મથરોટીને સરખી કરીને ખુલાસો આપતાં કહ્યું
"તમે મોરે અછતમાં નહોતા ? ભૂલી ગ્યાં કે શું ? ભૂલી ગ્યા આ લેખીબાઈને ? આ લેખીબાઈના હાથની જ બનાવેલી ચાય ખપતી'તી તે ભૂલી ગયા ?? ” અરે ... લેખીબાઈ ..... !! કેમ છો ? હું તો ભૂલી જ ગયો . ”
મને ઓચિંતુ યાદ આવી ગયું . મને યાદ આવી ગયો એ સમયે જયારે લેખીબાઈ મને મસ્ત કડક મજાની ચાય પિવડાવતી ... ! પણ આ લેખીબાઈના તો વેશ ફરી ગયા હતા . કયાં ઓલી અછતમાં માટીના તગારા ઉપાડતી લેખીબાઈને કયાં આજની લેખીબાઈ .... !! સમય પણ બહુ નહોતો થયો પણ કેટલી સૂકાઈ ગઈ હતી આ લેખીબાઈ ... સાવ ના ઓળખાય એવી !!! મારી નજર સામે લેખીબાઈનું .... એ લેખીબાઈનું ચિત્ર ઉપસી આવ્યું જે મેં દુષ્કાળ વરસમાં દીઠું હતું . ગળામાં ચાંદીનો વાડલો કારા દોરા , હાથમાં છૂંદણાં જે માટીવાળા હાથમાં પણ દેખાઈ આવતા . મજબૂત કામોઢી બાઈ . જરાક સમય મળે ખામણાંમાં બેસી ભરતગૂંથણ કરવા બેસી જાય ને મારા સામે હસી હસીને મશ્કરી કરે !! કયારેક બધી જ બાઈયું બળતણ પણ કરવા મંડી પડે . બપોર પછી હું લેખીબાઈને જ કહેતો કે “ મને ચાય પીવી છે . ” ત્યારે લેખીબાઈ મીઠા રણકા સાથે બોલતી , ‘ મારા વીરાને ચાય ઘણી પીવરાવું . ' ને પછી દૂર ખામણાં તરફ જોઈ હાથનું કપાળ પર નેજવું કરી જોરથી અવાજ દેતી , એય ... કાના .... ટાઢો કંઈ ડે ટાંઢો . મેસતરીને ચાય ખપે છે ' આ રોજનો નિયમ . લેખીબાઈ કાનાને સાદ દે ને કાનો ટાંઢો કરી દે ને પછી લેખીબાઈ મારા માટે પેશીયલ ચાય બનાવે . ચાય પીતો હોઉં ત્યારે પણ લેખીબાઈની ગાલ - બોલ ચાલુ રહેતી લેખીબાઈની વાતોમાં , એની બોલીમાં એક ન પારખી શકાય તેવી કુદરતી સુગંધ આવતી હતી . અરે લેખીબાઈ ક્યાં ? એ આખા સીમાડાના નાનકડા ગામની દરેક વ્યકિતની વાતચીતમાં મધ જેવી મીઠાશ હતી . બનાવટ જેવી કોઈ ચીજ જ નહોતી . મોટા ભાલાવાળા દેશીબાવળ અને ખેરના ઝાડમાં પણ એક અલૌકિક સુગંધ આવતી . ભલે દુષ્કાળનું સામ્રાજય હતું પણ ત્યાંની એ ગામઠી પ્રજાની આંખો લાગણી અને પ્રેમથી લીલીછમ્મ હતી . લેખીબાઈ સાથે મશ્કરીનો વહેવાર હતો . કયારેક લેખીબાઈ સાઈડ પર મોડેકથી આવે તો કહેતો કે તમે રોજ મોડા આવો છો તો તમારી હાજરીમાં મીંડું દઈ દઈશ , પછી ના કહેતા . આ સાંભળી લેખીબાઈ ખેલકારો કરતી કહે , “ શું થાય વીરા ! તમારા રોટલા ટીપવામાં ટેમ લાગેસે. પછી તો મોડું જ થાય ને ? ભલે મીંઢો દેજો , ઈએ અમને કામ આવશે . ' આ સાંભળી હું હસી પડતો . પોતાના માટે આગલા દિવસના ટાઢા રોટલા હોય ને મારા માટે બાજરાના તાજા રોટલા બનાવતી . એક વખત લેખીબાઈએ મને પૂછી નાખ્યું કે , “ વીરા તમે અમને મીંઢાની બીક વતાડો સો તે આ મીઢું હું સે ?? ”મેં મસ્ટર ખોલી હાજરીમાં આપેલા અમુક મીંડા બતાવ્યા તો કહે , “ ઓહ ઈમે હું ? ? ? મીંઢો એટલે ઈયો આભલો .......!! ઇ ત રોજ અમે ભરત ગુંથીયે તારે એમાં | ચોટાડીએ સીએ .... ઓય મુંઓ મીંઢો એટલે આભલો ....!!. "’ હું હસી પડતો ને હું તરત જ | સામો પ્રશ્ન કરતો કે , "લેખીબાઈ બીજું તો ઠીક પણ તમે રોજ ચાયના ટાઈમ પર કાનાને અવાજ દઈને આ ટાંઢાનું કહો છો તે આ ટાંઢો એટલે શું ? '" ત્યારે લેખીબાઈ પોતે જ્ઞાની હોય તેમ જવાબ દેતા"‘ કચ્છના છો તોય ટાંઢાની ખબર નથી ? ટાંઢો એટલે દેવતા , બળતું . હઈ પડી કે નહીં ......!!!? ” તેમ કહી લેખીબાઈએ રાણીબાઈને ઠોંસો ભરાવ્યો તેની સાથે ચારપાંચ બીજી બહેનો પણ હસવા લાગી ને મારી નિર્દોષ મશ્કરી કરવા લાગી . આવા ગોકુળિયા ગામમાં એક વખત તાવનો વાયરો હતો એટલે મેં લેખીબાઈને રોટલા બનાવવાની ના પાડી . તોય પોતે તો ના આવી શકી પણ તેની મોટી દીકરી રતુને દૂધનો નાનો પિત્તળિયો કળશીયો ભરીને મોકલી . મને એ ગામનો છેલ્લો દિવસ યાદ આવી ગયો . બધા ગામના મજૂરો કામ મૂકી એના ‘ આ ’ સાહેબને વળાવવા ભેગા થયા હતા . એક માજીએ કહ્યું.. "હઈઓ સાહેબ તમે જાવ સો ... !! મળજો વરી કે ' ડીક..." . એમ કહી મને સ્ટેશન સુધી વળાવવા આવ્યા સ્ટેશનમાં ૨તુ પિત્તળના કળશીયામાં સાકરવાળું દૂધ લઈને ઉભી હતી . જબરદસ્તી એના હાથમાં પાંચની નોટ આપી .....
હું હજી મારા વિચારોની દુનિયામાં આગળ વધું તે પહેલાં જ રેકડીવાળાનો નાનો છોકરો ચાનો કપ મારી સામે લઇ આવ્યો ને મને ઢઢોડયો ... "લ્યો ચાય"’ હું ચાયનો કપ હાથમાં લઈ જાણે સ્વર્ગમાંથી ધરતી પર પાછો પટકાયો . લેખીબાઈ હજી પણ મારી સામે એવી રીતે જ જોતાં હતાં . મેં પણ સામે જોયું . પણ તેની બાજુમાં ‘ રતુ ' ન હતી . કયાંથી હોય ? મેં મારી જાતને જ કહ્યું , “ એ હવે સાસરે ગઈ હશે . ” ‘ રતુ ' નું મૂળનામ રતન ' . પણ બધા ચાગમાં તેને ‘ રતુ ' કહેતા . એવુ લેખીબાઈએ એક વખત કીધું હતું ને મને યાદ આવ્યું ચાયનો કપ હેઠો મૂકી મેં લેખીબાઈને પૂછયું , ‘ "૨તુના સાસરા કયાં કર્યા ? સાસરું બરાબર છે ને ? સુખી છે ને ?"
લેખીબાઈએ નિઃસાસો નાખીને કહ્યું શું વાત કરું વીરા ! રતુ ને તો આ જડલ ઈસ્પીતાલમાં દાખલ કીધી ‘ શું થયું છે રતું ને" ? ” ઉતાવળે મેં પૂછયું .
"‘ રતુને છોકરો જન્મયો સે . તેની તબિયત બરાબર નથ . રતુને ધાવણ નથી આવતું એટલે એના એ છોકરા હારું દૂધ લેવા આંઈ બાર આવી સું . "' જવાબ દેતી વખતે લેખીબાઈના મોઢા માથે દુઃખના વાદળ ઘુમરાતા હોય તેવું મને લાગ્યું . ‘" લેખીબાઈ , રતુને છોકરો જનમ્યો તે સારું થયું ! બાકી દવા કરાવશો એટલે સારું થઈ જશે . તમારા મોઢા પર આટલી ચિતા કેમ દેખાય છે ? રતુ સાસરે સુખી તો છે ને..... ? ” મારાથી રહેવાયું નહિ એટલે પૂછી નાખ્યું . લેખીબાઈએ સહેજ રેંકડી બાજુ મોઢું ફેરવીને વાતની શરૂઆત કરી . તેના અવાજ માં દમ નહોતો . કોઈક લાચારીથી બાઈ સાવ ભાંગી પડી હોય તેવું લાગતું હતું . લેખીબાઈના મોઢામાંથી બોલ પડે તે પહેલાં જ આંખમાંથી આંસુ સરી પડ્યા . પોતાના કાળા કામળાથી આંખ લૂછતા લૂંછતા બોલ્યા .."રતની તો હું વાત કરું વીરા .... ! મારી રતુ તો હજી કુંવારી સે આ તો મૂઈએ કાળું મોઢુ કીધું સે તેના પરણામ .... ! " આ સાંભળીને મારા દિલમાં ધ્રુજારી છૂટી ગઈ . મને લેખીબાઈની વાત સમજાઈ ગઈ . હું સમજી ગયો ખેલકારા કરતી લેખીબાઈને જમાનાની થપ્પડ લાગી છે . હું ચૂપ રહ્યો . પણ પોતાની દુઃખભરી વાત બીજાને કહી ને જ માણસ દુ :ખમાંથી છૂટી શકે છે . લેખીબાઈએ આંખોને બરાબર લૂછીને વાત માંડી . ...

" તમને તો ખબર જ હૂસે અમારે પાચાડેમાં એક બાપાવારી મોટી કંપની ખૂલી સે . બીજા ભેરી મારી રતુએ કામ કરવા જાતી હતી . મોટી ફોટરી ગાડી રોજ ગોઠમાં આવે ને તેડી જાય ને મૂકી જાય અમને થયું કે હારું થયું. .,મારી રતુ તો માટીને ધૂળમાંથી છૂટી . અમને તો એમ વીરા કે અમારા ભાગ ખુલી જ્યા . પણ કેવી ખબર કે આવી અચ્છી ઈમારતુંમાં પણ જનાવર રેતા હુસે. રતું કે‘તીતી કે કંપનીના સાહેબ મારા હાથના છૂંદણા પર હાથ ફેરવે ને છૂંદણાના ભારે | વખાણ કરે . રતુને મેં ના ય કીધી'તી કે | તારા હાથ હજી કાચા સે . એક સાલ રેવા દે , પણ એ માની નંઈ . કંપનીના કામે ગઈ તારથી જ રતુના છૂંદણા પાક્યા ને એમાં પરુ ભરાણું . મૂઆ સાહેબની જ નજર લાગી . મને થાય સે કે આ પીટયો છુંદણા ના મૂકયા હોત તો કાંઈ નહોતું . આ છૂંદણાએજ અમારો દી ઉઠાડી દીધો . ....!!
” પોતાના હાથના છૂંદણાને જોઈ લેખીબાઈ ફરીથી બોલી .
" વીરા અમે તો જંગલમાં કઈક વરહના વરહ કાઢી નાખ્યા સે પણ કદીયે અમને કોઈ એરુ પણ નથ આભડયો ને આજ આ માણહની જાત જનાવર થઈ , પારેલા જેવી મારી રતુનું જીવતર વીંખી નાખ્યું . આ કરતાં ટુંપો દઈ મારી નાખી હોત તોય કાંઈ નહોતું ...!!. "’ ત્યારે જ રેકડીવાળાએ લેખીબાઈને હાકલ કરી . લેખીબાઈ પોતાનો કાળો પૂતારો સરખો કરતાં કરતાં દૂધનો ગ્લાસ લેવા ગયા . ગરમ ગરમ દૂધના ગ્લાસને હથેળીમાં , પૂતારાના છેડા માથે પકડી લેખીબાઈ મારી પાસે અટક્યાને કહ્યું. , " વીરા , જેવા અમારા ભાગ !!..."
દૂધના ગ્લાસમાંથી ધુમાડા નીકળતા હતા ને લેખીબાઈની આંખમાંથી ગરમ આંસુ !! લેખીબાઈ હજુ હોસ્પિટલના દરવાજા પાસે માંડ પહોંચ્યા હશે તે સાથે જ એક સફેદ મારૂતીકાર આવીને લેખીબાઈને આડે આવી ઉભી રહી . વાંકા- ચૂંકા વાળ , કાળી ભમ્મર કાયા , મોટા મોટા સફેદ દાંત , કાળા ચશ્મા ને સફેદ ઝભ્ભા ને પાયજામાવાળો એક માણસ ઉતરીને લેખીબાઈ સામે જોરથી તાડૂક્યો , “ અરે , લેખીબાઈ તું કયાં ગઈ હતી ? કયારના તમને શોધીએ છીએ !! "
લેખીબાઈની નજર મારુતીમાં બેઠેલા બે જણા પર પડી . તેઓ પોતાની ભાષામાં કંઈક બોલી રહ્યા હતા જાણે ડાબલીમાં કાંકરા વાગતા હોય તેમ …!!. લેખીબાઈને તે ભાષાની તો સમજણ ના પડી , પણ એટલું જરૂરથી સમજાયું કે આ ત્રણે રાક્ષસ તેના મોઢામાંથી કોઈ વાત નીકળે નહીં તે માટે રૂપિયાની નોટોના ડૂચા દેવા આવ્યા હતા . લેખીબાઈના ધમધખતા હૈયામાં રૂપિયાની થપ્પીથી ટાઢક કરવા આવ્યા હતા . હું ઝીણી આંખથી આ બધી વાતનો તાગ મેળવવા કોશિષ કરતો હતો ત્યાં જ હોસ્પિટલના પટાવાળાએ મને સાદ દીધો..," ઓ સાહેબ , ચાલો તમારો એક્ષરે રિપોર્ટ આવી ગયો ....!!"

શબ્દાર્થ :
મેસતરી - :અછત રાહતના સરકારી કામમાં સાઈડ ઉપર જે હાજરી પુરવાનું કામ કરે તે માસ્તર - કારકુન મિસ્ત્રી ’

હઈ પડવી -: ઓળખાણ પડવી ખ્યાલ આવવો.

મોરે -: ઘણા સમય પહેલાં ધણી - વધારે
ટાઢો -: અગ્નિ , દેવતા બળતું ,

પૂતારો :- ઓઢણું ,
ર્મીઢો :- મીંડું શૂન્ય ,
હઈઓ ;- હાંઉ , બસ
, કેડીક- :કોઈક દિવસ ,
ફોટરી :- સુંદર , સરસ ,
ભાગ :નસીબ , ભાગ્ય .


સી. ડી. કરમશીયાણી
*****************
9426143122

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED