Across the face books and stories free download online pdf in Gujarati

ચહેરાની આરપાર

ડાયનિંગ ટેબલ પર બેઠાં બેઠાં આવેલા પત્રોને એક પછી એક જોતો જતો હતો . ત્યાં વચ્ચે વચ્ચે સામેથી આવતો સાણસીનો અવાજ તો વળી ક્યારેક ચમચી પડવાનો અવાજ મને વિચારભગ્ન કરતો હતો . મારી નજર સામેના પ્લેટફોર્મ પર ચા બનાવતી માધવી પર પડી . આજે આટલી વહેલી કેમ તૈયાર થઈ ગઈ હશે . પત્રોની થોકડી મારા હાથમાં લઈ વિચારતો હતો . માધવીની પીઠ મારી સામે હતી , માધવી ધીરેથી કંઈક ન સમજાય તેવું ગીત ગણગણતી હતી . હું માધવીની સુંદરતાને જોતો રહ્યો . માધવી જેટલી બહારથી સુંદર હતી તેનાથી વધારે સુંદર તેનું આંતરિક સ્વરૂપ હતું . એ જેટલી ચંચળ હતી તેથી વધુ પીઢ હતી . તેના અલ્લડપનમાં ભારોભાર ગંભીર વ્યક્તિત્વનો સમાવેશ થતો હતો . તેની બહારની સુંદરતાની સાથે સાથે આંતરિક સૌંદર્યને પણ નીખરાવ્યું હતું . એક નજર પત્ર ઉપર તો એક ત્રાંસી નજર માધવીની પીઠ તરફ ફેરવી લેતો હતો . એ કલાત્મક કેશ ગૂંફન સાથે માથે ખોસેલું સરસ તાજું અને નાનું સરખું ગુલાબનું ફૂલ , ગયા મહિને જ કેશ ગૂંફન હરિફાઈમાં તે પ્રથમ આવી હતી . લાંબા કાળા ભમ્મરવાળને ફેશનમાં કાપતા મેં જ તેને અટકાવી હતી .આજે માધવીને તેના લાંબા વાળનું ગૌરવ છે .એ કલાત્મક કેશ ગૂંફનમાં ભરાવેલી સાડીના રંગને અનુરૂપ થાય તેવી મેચીંગ ડિઝાઈનવાળી મોટી બકલ પણ ભરાવી હતી વળી , અંગ્રેજી અક્ષર ‘ યું ' પ્રકારનું કટીંગ કરેલું | ‘ યુ ’ ગળાનું ચપોચપ પહેરેલું બ્લાઉઝને તેના પર ઝીણી ઝીણી ફૂલની ડિઝાઈનવાળી હલકી ફુલકી સાડીને એવી વિંટળાવી દીધી હતી જાણે કે વૃક્ષમાં કોઈ વેલ ના વિંટાણી હોય ? વધેલા સાડીના છેડાને કમર પર પોણો આંટો મારીને એવો તો ઠસોઠસખોસેલો હતો કે જાણે | ક્યાંક પરાક્રમ કરવા જવાનું હોય ને ભેઠ બાંધી હોય ? સહેજ માથું હલાવતી તો પણ | જાણે ચકડોળની જેમ કાનમાં પહેરેલા મોટા ઈયરિંગ આમથી તેમ ચક્કર મારતા હતા . ને ઇયરિંગ વચ્ચેથી નાગની પૂંછડી આકારની સ્પીંગ - જેવી વાળની લટો પસાર થવાની વ્યર્થ કોશિષ કરતી હતી .
ત્રિભંગમાં શૃંગાર રસને માણી રહ્યો હતો . તેની સાથે સાથે પત્રો પણ જોતો હતો . “ આ માયા ઇન્વેસ્ટમેન્ટવાળા તો સાવ નકામા છે ક્યારેક સ્પષ્ટ જવાબ આપતા જ નથી . આ વળી બીજા મહાન એન્ટઆઈઝ વાળા , શું કહેવું આ લોકોને ? ” હું મનમાં ને મનમાં બબડતો હતો ત્યાં માધવીનો સુંદર મીઠો અવાજ આવ્યો . માધવ ' ' મેં માધવી સામે જોયું પણ માધવીએ મારી સામે ના જોયું . ઉકળતી ચા માં આદુના કટકા કરીને નાખતાં બોલી . “ ગોપીબેનનો પત્ર આવ્યો છે . પત્રોની થોકડીમાં પીળા રંગનું કવર છે . માધવીના અવાજમાં ભારોભાર ખુશી હતી પણ તેને તે અવ્યક્ત રાખી . મેં ફટાફટ થોકડીને આમથી તેમ ફેરવીને એક એક પત્ર અલગ અલગ કરતાં પીળા રંગનું કવર નીચે
પડી ગયું . ઉતાવળમાં ડાઈનિંગ ટેબલ પર પડેલી વસ્તુઓ અવ્યવસ્થિત થઈ ગઈ . ધીમેકથી મેં કવર ઊપાડયું . કવરમાં લખનાર ' From ' માં માત્ર “ ગોપી ' જ લખ્યું હતું . ફટાફટ પત્ર ખોલીને વાંચવાની તૈયારી કરતો હતો ત્યાં ફરીથી માધવીનો અવાજ આવ્યો . ‘ ભાઈ તમારા ભાઈ - બહેનનો પ્રેમ ગજબનો છે આવો તો સગા ભાઈ - બહેનમાં પણ નથી જોયો . ' માધવી ચામાં ચમચી નાખીને ચાને ઊંચી નીચી કરતી પોતાના વિચારો રજૂ કરતી રહી . હું માધવીની પીઠને જોઈ જ રહ્યો . એ યુ ’ ગળાનું બ્લાઉઝ , એ કલાત્મક કેશગૂંફન , શરીરનો સુડોળ બાંધો ક્યાંય સુધી એ માધવીની પીઠને નીહાળતો નીહાળતો હું ચાર વર્ષ પહેલાના ભૂતકાળના ચક્રમાં ઘુમરાવા લાગ્યો . આજથી બરાબર ચાર વર્ષ પહેલાં કોલેજ કાળ દરમ્યાન હું અને મારો મિત્ર કામેશ ' વૃંદાવન થીયેટરમાં પીક્ચર જોવા ગયેલા . મારી ઇચ્છા ન હોવા છતાં કમને કામેશની ઈચ્છાને માન આપી મારે પીક્સર જોવા જવું પડયું . વિશેષ તો પીક્ચર કરતાં એ નવું બનેલું વૃંદાવન થીયેટર જોવાની મારી થોડી ઘણી ઇચ્છા હતી . તેથી મારી અર્ધ સંમતિથી અમે બંને એ વૃંદાવન થીયેટરમાં બાલ્કનની ટિકિટ લઈ અંદર પ્રવેશ્યા . બાલ્કનીમાં આજુબાજુ ઘણી ખાલી સીટો પડેલી હતી . પરંતુ અમે અમારી ટિકિટ નંબરની સીટ પર જ બેસવાનું સભ્ય માન્યું . થીયેટરની વિશાળતા અને આધુનિક સગવડ જોતાં પહેલી જ નજરે અંજાઈ જવાય તેવું હતું . આજુબાજુની દિવાલોને વાંસની લાકડીઓને કલાત્મક રીતે ગોઠવેલી હતી . તો થીયેટરમાં અત્યાધુનિક સાઉન્ડ સીસ્ટમ પણ હતી અને સામે મોટો મસ પડદો . આ બધું નિહાળતો હતો ત્યાં આગળની લાઈનમાં બિલકુલ અમારી આગળની સીટમાં એક યુગલ આવીને બેઠું અને .... કામેશે મને ઠોંસો માર્યો . કામેશની આવી હરકતોથી , હું વાકેફ હતો . તેથી મે કહ્યું ," શું યાર તું પણ’’
ને કામેશે જોરથી કહી દીધું ." કોઈ સુંદર વસ્તુને જોવી કંઈ ગુનો નથી ! "' અને આગળની સીટવાળા યુગલમાંથી માત્ર યુવતીએ જ પીઠ ફેરવીને અમારી તરફ જોયું . હું ગભરાયો . ત્યાં કામેશે મને કહ્યું . "જો પીકચર શરૂ થાય છે '.." ' તેથી યુવતી પાછી પડદા સામે જોવા લાગી ત્યારે મને ખબર પડી કે પરિસ્થિતિને થાળે પાડવા કામેશે આ પ્રયોગ કર્યો હતો . ફરી કામેશે મને હાથથી ઈશારો કર્યો ત્યાં લાઈટ બંધ થઈ અને પડદા પર જાહેરાત આવવા લાગી . જાહેરાત પૂરી થતાં પીકચરનું ટાઈટલ મોટા અને ઝડપી અવાજમાં રજૂ થવા લાગ્યું . અને સાથે પીકચર શરૂ થયું પીકચરની શરૂઆતમાં જ ગીત હોવાથી કામેશ પણ જોરથી ગીત ગાવા લાગ્યો . તેમાં સીટી મારી અને આગળની સીટમાં બેઠેલી યુવતીએ મારા તરફ જોયું અને તેના પતિશ્રીને કાંઈક કાનમાં કહ્યું તેના પતિએ મારા તરફ જોયું , પછી પોતાની સુંદર પત્નીની પીઠ પર હાથ રાખીને સ્વસ્થ ચિત્તે ફરીથી ફિલ્મ જોવાનો પ્રયત્ન કર્યો . આછા અજવાળામાં એ યુવતીની સુંદરતા છાની રહી શકતી ન હોતી . મોટા ગળાનું બ્લાઉઝ , સાદા છતાં વ્યવસ્થિત રીતે કરેલું કેશગૂંફન , કાનમાં પહેરેલાં ઈયરીંગો આ બધું મને સૂક્ષ્મ રીતે જોવા મજબૂર કરી રહ્યા હતા.આમ તો પિક્ચર કરતા વધુ ધ્યાન તેના તરફ હતું .થોડી વારે ફરી એ યુવતી એ મારા તરફ જોયુ ને તેના પતિના કાનમાં કંઈક કહ્યું ને પતિના આંખનો કેમેરો અમારી તરફ મંડાયો . આ બધું કામેશ માટે જાણે અનુકૂળ હતુ . તેમ કામેશ વધુ છંછેડાયો અને શક્ય તેટલી વધુ અશ્લિલતા પ્રદર્શિત કરવા માંડ્યો એ બધી વર્તણૂકથી પરેશાન થઈને પેલા પતિદેવે અમારી તરફ સહજ અને નમ્ર ભાવે બોલ્યા . ‘ પ્લીઝ તમને વાંધો ન હોયતો જગ્યા બદલી નાંખો ને ? ' ' આ સાંભળી કામેશ ખડખડાટ હસી પડયો અને ઉદ્ધત જવાબ આપતાં બોલ્યો ." તમને અહીં વાંધો પડતો હોય તો તમે જગ્યા બદલી નાખો ને..અમને બેસવામાં કાઈ વાંધો નથી...!!"
.....અને છતાં પેલી યુવતી એકી ટશે મારી સામે નિર્મળ નજરે જોયા રાખતી હતી.. !! .
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જણાઈ આવતું હતું કે આમાં અમારો કોઈ દોષ ન હોતો . તેથી હું પણ કામેશની તરફેણ માં જ હતો.. થોડીવાર થતાં ફરી પાછું યુવતીની એક હરકતનું પૂનરાવર્તન થયું ને ફરીથી તેના પતિશ્રી તરફથી અમને વિનંતી થઈ . આવા કેસમાં મારે બોલવું ન પડતું કારણકે કામેશની તેમાં માસ્ટરી હતી . તેથી તે વચ્ચે મરચું મૂકતાં જોરથી બોલ્યો . "શંકાશીલ પતિઓથી સાવધાન ..."
. ફરી પાછું યુવતીનું મારી તરફ જોવું . કામેશે મને કાનમાં કહ્યું કે ... યાર તારી તરફ વધુ મહેરબાન છે . મેં ગુસ્સે થતાં કહ્યું “ ચુપ મર ' "! ...અને કામેશે પોતાની વ્યથા શરૂ કરી . ‘ ‘ માધવ યાર આ લોકો કેવા શંકાશીલ સ્વભાવના હશે નહીં ? બાકી બિચારાને હેરાન કરવાની મજા પડી.....!! ચલ યાર બહાર ચક્કર મારી આવીએ ” અમે બહાર ગયા . કોલ્ડ્રીંકસથી માંડી ગરમ ચા તેમજ અન્ય ખાણીપીણીની સગવડો હતી . અમારી બંનેની નજર એક બાજુએ ઉભેલા પેલા યુગલ પર પડી અને એની બંનેની નજર અમારા પર વળી પાછું યુવતીએ કંઈક કાનમાં કહ્યું ને પેલો યુવક ધીમેકથી મારી પાસે આવ્યો અને કહ્યું :" પ્લીઝ જરા તમે એક બાજુ આવો ને !"
...હું કામેશને મૂકીને પેલા યુવક જોડે ગરમ મિજાજથી ગયો ત્યાં ફરી પાછી વિનંતી શરૂ કરી . તમને વાંધો શું હતો જગ્યા બદલવામાં ? ' ' મારો ગુસ્સો કાબૂમાં ન રહ્યો અને ચોપડાવવાનું શરૂ કર્યું . ‘ ‘ જો મીસ્ટર , તમને તમારી પત્ની પર આટલો બધો શક હોય તો અને તમને તમારામાં જ વિશ્વાસ ન હોય તો પછી તમારે જગ્યા બદલી નાખવી જોઈએ . આમ વારંવાર શંકાશીલ વિનંતીઓ કરવા કરતાં તમારે તમારી પત્ની ને ઘરે તિજોરીમાં મૂકી રાખવામાં વધુ સલામતી રહેલ છે . ” ઊંચા તાપમાને ચાલુ રહેલ મારા આ પ્રવચનને વચ્ચેથી જ અટકાવીને બોલ્યો . "એવું નથી તમે જે માનો છો તે નથી દુનિયાની કોઈ તાકાત તોડી શકે તેમ નથી ન તો હું શંકાશીલ સ્વભાવનો છું કે નથી મને તમારા પ્રત્યે શંકા , પણ વાત જાણે એમ છે કે ....."હું વચ્ચે જ બોલ્યો ... " મને આ ફિલસૂફી સમજાવવા કરતાં તમારા મગજમાં શું ભૂસું ભર્યું છે તે જલદી બકી નાખો .."..
"જુઓ દોસ્ત આમ ગરમ ન
થાઓ . વાત જાણે એમ છે કે મારી પત્ની સતત તમને જોયા કરતી હતી તેના પાછળનું કારણ એ છે કે એક મહિના પહેલા એક કાર અકસ્માતમાં મારી પત્ની ના ભાઈનું એટલેકે મારા સાળાનું મૃત્યુ થયું હતું... . ' "' હું વચ્ચેથી જ કંટાળીને બોલ્યો . '“ તે અકસ્માતને અને સીટ બદલવાની વાત ને શુ સબંધ છે...????
"ધીરજ રાખો દોસ્ત , હું એજ કહેવા જઈ રહ્યો છું . કે તમારો ચહેરો અકસ્માતમાં મૃત્યુ પામેલ મારી પત્નીના ભાઈના ચહેરા સાથે બિલકુલ મળતો આવે છે .!!!! "' '
" શું ? ????"
' હું ફાટેલી આંખે પેલા યુવક સામે જોઈ રહ્યો તેણે પોતાની વાત આગળ ધપાવી .
“ હા ! તે એકના એક ભાઈના મૃત્યુના આઘાતથી માનસિક સમતા ખોઈ બેઠી હતી.તેથી માનસિક તણાવ દૂર કરવા હું એને અહીં પિક્ચર જોવા લઇ આવ્યો.!! તો આપ પાછળ બેઠા હતા. તે જોઈને મને વારંવાર કાનમાં કહેતી કે પાછળ બેઠેલો યુવકબિલકુલ વાસુદેવ જેવો જ છે . તેમ છતાં મેં કહ્યું કે" એ તારો વહેમ છે પણ જ્યારે મેં તમારી સામે જોયું ત્યારે હું પણ ચક્કર ખાઈ ગયો . હક્કિતમાં તમારો ચહેરો મારી પત્નીના ભાઈ વાસુદેવને મળતો આવે છે . બાકી વાત રહી શંકાની તો અમારા સંબંધમાં એટલો વિશ્વાસ છે અને એ વિશ્વાસમાં એટલી તાકાત છે કે કોઈ શંકા અમારી બાજુમાં ફરકી પણ શકે નહી.પણ વાત અહીં માત્ર શંકાની નથી .... પણ મારી પત્નીને તમે એના મૃત ભાઈ જેવા દેખાવ છો એ વહેમની વાત છે . વાત માત્ર અહીં ચહેરાની નથી પણ ચહેરાની આરપાર છૂપાયેલી લાગણી અને પ્રેમની છે પણ અફસોસ મને એ છે કે મારી પત્નીને તમારા ચહેરાની આરપાર એનો ભાઈ વાસુદેવ છૂપાયેલ છે એ વહેમને હું તોડી શકું તેમ નથી મારી પાસે એવી કોઈ તાકાત નથી ....!!!!!!" છેલ્લું વાક્ય બોલીને યુવક તેની પત્ની પાસે ચાલ્યો ગયો . અને હું જોતો રહ્યો તેની પત્નીને તે હજુ પણ મને નિર્મળ અને નિસ્વાર્થ નજરે જોતી રહી . ત્યાં સુધીમાં કામેશ મારી પાસે પહોંચી આવ્યો અને એણે એજ રફતારથી વાત શરૂ કરી . "યાર શું કહ્યું , ધમકી તો નથી આપીને ! નહીંતો ચાલ શરૂ કરી દઈએ એક બે અને ત્રણ ."..
"બસ કામેશ બસ કર.." મેં તેના મોઢા પર હાથ મૂકી દીધો ને . બધી જ વાત કરી ત્યારે કામેશ માત્ર એટલું જ બોલ્યો ." ઓહ માય ગોડ ! ..." ત્યાં તો ઈન્ટવેલ પૂરી થવાની કાનને અપ્રિય લાગે તેવી ખરબચડી ધંટડી વાગી ને બધાં અંદર ઘુસવા લાગ્યાં . પેલું યુગલ નિરાંતે જશું એ વિચારથી ઊભું હતું . યુવતી સાડીનો છેડો સરખો કરવાને બહાને પણ મને જોઈ લેતી હતી . પેલા યુવકે ખીસ્સામાંથી રૂમાલ કાઢયું તે સાથે જ બે ત્રણ કાર્ડ ખીસ્સામાંથી સરી પડયા નીચે નમીને તેણે એક કાર્ડ ઉપાડી લીધું દુર ઉડી ગયેલ બે કાર્ડ તેના ધ્યાન બહાર હતા . તેઓ થીએટરમાં દાખલ થયા . ઉતાવળથી જઈને એ કાર્ડ મેં ઉઠાવી લીધાં , બંને એક સરખા વિઝીટીંગ કાર્ડ હોવાથી વિચાર કર્યો કે આ યુવક ના પોતાના છપાવેલા કાર્ડ હશે મેં કાર્ડ ખીસ્સામાં મૂકી દીધા . ત્યાં કામેશે કહ્યું , “ ચલ યાર , પીકચર શરૂ થઈ જશે તો પછી એન્ડમાં મજા નહીં આવે !" ' મેં ઢીલા સ્વરે કહ્યું : "હા યાર , એન્ડ તો આવી ગયો આનાથી વિશેષ કરૂણ એન્ડ કયો હોઈ શકે .....!!!"

એ પીકચર અધૂરું છોડીને હું ને કામેશ ઘેર ચાલ્યા ગયા . આખી રાત મને એ યુવકના શબ્દો કાનમાં ગુંજી રહ્યા . ‘ ""મારી પત્નીના તમે એના ભાઈ જેવા છો એ વહેમ તોડવાની મારી પાસે કોઈ તાકાત નથી . ' મારી પત્નીને તમે એના . ... પત્નીને ..!!!!!!!!"".. હું ફટાફટ પથારીમાંથી બેઠો થઈ ગયો મારી અંદરની ઇન્સાનિયત જાગી ઊઠી . મારી અંદરનું જમીર જાગી ઊઠયું . મારે કોઈ બહેન ન હોવાથી સતત તેની ખામી જણાતી હતી મનોમન નક્કી કર્યું . આવતી કાલે જ માફી માગવા જઈશ . બીજે દિવસે પાકીટમાંથી પેલું વિઝીટીંગ કાર્ડ કાઢી બરાબર જોયું એ જ શહેરમાં હોવાથી શોધવામાં મુશ્કેલી નહીં પડે તેવા વિચારે હું ઘેરની નીકળી પડ્યો . રસ્તામાં એક રીક્ષા ઊભી રાખી . કાર્ડમાં દર્શાવેલ સ્થળે જવા માટે રીક્ષાવાળાએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો . "બહુ જ દૂર થશે રીક્ષા નહીં પોસાય"
ઘણી રકઝક પછી રીક્ષાવાળા સાથે યોગ્ય ભાડું નક્કી કરી પ્રયાણ કર્યું . વચ્ચે વચ્ચે અન્ય વાહનોનો ઊડતો ધુમાડો તો વળી કાન તોડી નાખે તેવા ગાડીના હોર્ન સતત મને માનસિક ખલેલ પહોંચાડતા હતા .
બરાબર પોણા કલાક પછી રીક્ષા જમણી તરફ વાળીને રીક્ષાવાળાએ મને પૂછ્યું . 'એપાર્ટમેન્ટનું નામ શું છે ?"
મેં કહ્યું “ સ્વપ્ન સુંદરી એપાર્ટમેન્ટ"
" લો આ સામે જ વાદળી કલરનું બિલ્ડીંગ ". 'રીક્ષાવાળાએ એપાર્ટમેન્ટના મુખ્ય દરવાજા પાસે રીક્ષા ઊભી રાખી , મેં ખીસ્સામાંથી શક્ય તેટલી ઝડપે રીક્ષા ભાડું ચૂકવીને મુખ્ય દરવાજામાં દાખલ થઈ ગયો . લિફટની અંદર દાખલ થઈને ત્રીજા માળની સ્વીચ દાબી . ત્રીજા માળે ફલેટ નં . ૨૨૨ શોધ્યો . દરવાજામાં કાર્ડમાં દર્શાવ્યા મુજબનું નામ માત્ર ‘ વ્યોમેશ ' કાળા રંગના નાના લંબચોરસ પાટીયામાં લગાડેલું હતું . એક ઘડી શ્વાસ લેવા ઊભો રહ્યો . ધ્રુજતા . હાથે કોલબેલ પર આંગળી મૂકી . જેવી આંગળી દબાઈ મારા હૃદયના ધબકારા વધી ગયા ત્યાં ચરેરાટી કરતો દરવાજો ખુલ્યો . - સામે એ જ યુવક ઊભો હતો . મેં ધ્રુજતા સ્વરે પૂછ્યું “ મીસ્ટર વ્યોમેશનું મકાન ..?????. ”
અચકાતા બોલ્યો ,
ત્યાં વચ્ચે જ મને કહ્યું ."
હા હું જ વ્યોમેશ ... .હજુ કાંઈ બાકી રહી ગયું છે . કાલે કદાચ કંઈ કહેવાનું ભૂલી ગયા હો તો ????"
"ક્ષમા કરજો"મેં નમ્ર ભાવે કહેવાનો પ્રયત્ન કર્યો . જેમ જેમ સ્વસ્થ થવાની કોશિષ કરતો . તેમ તેમ વધુ ને વધુ મારી ગભરામણ વધતી જતી હતી .
"કાલે જે કંઈ પણ બન્યું તેને માટે હું શરમ અનુભવું છું . તમારા કાર્ડના માધ્યમથી તમને શોધતો માફી માગવા આવ્યો છું . શું ભૂલતો બધાથી નથી થતી ? એ ભૂલના પસ્તાવા રૂપે આજે હું માફી માગવા આવ્યો છું..." . હું તેમના પગમાં પડવા જતો હતો . ત્યાં જે મને વચ્ચે રોકી લીધો અને જાણે તેમનામાં પરિવર્તન આવ્યું હોય તેમ બોલ્યો "અરે અરે આ શું કરો છો....???"
થોડીક ક્ષણ અપલક નેત્રે મારી સામે તાકી રહ્યા પછી બોલ્યો . "કોઈ વાંધો નહીં તમારો પસ્તાવો અને માફી એ વાતની સાબિતી છે કે તમે એક સજ્જન છો ..આવો અંદર આવો ...!"
મને પ્રેમથી અંદર સોફા પર બેસાડયો અને મારો થોડો આત્મ વિશ્વાસ વધતાં સ્વસ્થ બન્યો . ત્યાં મને પૂછ્યું શું લેશો . “ ચા કે કોફી અરે પહેલાં પાણી તો પીશો ને ? "
હું . હા ... ના .. હાના કરતાં પ ... ૫ ... ધ..ધ ... થતો હતો . ત્યાં તેણે ધીમેથી સાદ પાડયો .... "ગોપી ઓ ગોપી પાણી લાવજે તો .". ત્યાં ગોપી પાણી લાવી . મને જોઈને એ ચમકી ગઈ . પાણીને ટ્રે સાથે તે ત્યાં જ અટકી ગઈ . એ કંઈ સમજી ન શકી હોય તેમ મને એકી ટશે જોયા રાખ્યું . ત્યાં વ્યોમેશ બોલ્યો . "ગોપી , નવાઈ પામવાની જરૂર નથી . આ ભાઈ ખરેખર સજ્જન છે ગઈકાલની ઘટના માટે તેઓ ખરેખર શરમ અનુભવે છે . અને તેવી વર્તણૂક બદલ ક્ષમા માગવા આવ્યા છે . ગોપી ... દરેક વ્યક્તિના ચહેરાની પાછળ કોઈ બીજો જ ચહેરો છુપાયેલો હોય તો એ ચહેરાની આરપાર ડોકિયું કરવાની કોઈ સામાન્ય માણસ પાસે શક્તિ નથી હોતી . હું પણ કદાચ એમની જગ્યાએ હોઉં તો મારી પણ એ જ હાલત હોય , ગોપી આપણે દિલથી આ ભાઈને ક્ષમા આપવી જોઈએ ..." હું બે હાથ જોડી ધ્રુજતો ગોપી પાસે ગયો અને કહ્યું . "ખરેખર દીલથી ક્ષમા માગું છું.."
હું તેમને પગે પડવા જતો હતો ત્યાં એ પાછળ ખસી ગઈ , અને કહ્યું
“ આ શું કરો છો ? ભાઈ કોઈ દિવસ બહેન પાસે ક્ષમા માગતો હશે ? ' "
આ વાક્યથી મારી ભીની થયેલી આંખમાંથી આંસુ ટપકવાની તૈયાર કરતાં હતાં પણ મેં રોકી રાખ્યો . "શું નામ છે . તમારું?"
ગોપીએ મીઠા અવાજે પૂછ્યું ત્યાં વચ્ચે વ્યોમેશ બોલ્યો . "હા નામ પૂછવાનું તો હું પણ ભૂલીગયો...!!"
મેં હળવેકથી કહ્યું . ‘ માધવ ' . ગોપી વચ્ચે જ બોલી
“ કેટલું સરસ નામ છે ".
હું માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યો હતો . મારી અંદર દિલમાં ગુંગળાતી વાત મેં કોઈ પણ જાતના સંકોચ વગર કહી નાખી “ ગોપી બહેન ખોટું ન લગાડો તો એક વાત કહેવાની છે" .
"શું ? ''ગોપી બોલી .
મેં નમ્ર ભાવે કહ્યું , “ મારે કોઈ બહેન નથી અને તમે તમારો ભાઈ વાસુદેવ ખોયો છે તમને વાંધો ના હોય તો આજથી મને વાસુ જ સમજશો ....!!"
. ગોપી અપલક નેત્રે મને તાકી રહી .
વ્યોમેશ વચ્ચે જ બોલી ઊઠયો . "હા , ગોપી માધવભાઈ તારા ભાઈ વાસુદેવ જેવો જ લાગે છે . તારે તો ખુશ થવું જોઈએ તને તારો ભાઈ પાછો મળી ગયો ..!!!".
ગોપીની આંખમાંથી ટપક ટપક આસું પડતાં હતાં . હળવેકથી ઉભી થઈને મારી પાસે આવીને "વાસુ ..!!" કહી બે હાથમાં ચહેરો છુપાવીને રડવા લાગી . મારી આંખ પણ ભીની થઈ ગઈ . ગોપીને મેં દિલાસો આપ્યો . વ્યોમેશે પણ પોતાની ભીની થયેલી આંખ લૂછતો હતો . મેં ગોપીને શાંત પાડી બધા સ્વસ્થ ચિત્તે હતા . ઘેર આવવાનું આમંત્રણ આપ્યું ને એ ઘટના પછીની રક્ષાબંધને રક્ષા બાંધી ગોપી અમારા કુટુંબની માનીતી સભ્ય બની .....!!
" લો હવે ચા ઠંડી થાય છે . એવું તે શું લખ્યું ગોપીબહેને કે ચા પીવાનું ભૂલાઈ ગયું ? '"
માધવીની ટકોરે મને ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં મૂકી દીધો . જોયું તો ચા ઠંડી થઈ ગઈ હતી . ચા ઉપર બાજેલી મલાઈને દૂર કરી ઠંડી ચા પીવા જતો હતો ત્યાં વચ્ચે જ માધવીએ ચ નો કપ લઈ લીધો અને કહ્યું "લાવો ગરમ કરી આપું મને ખબર છે કે તમે ગોપીબહેનના વિચારમાં ખોવાઈ ગયા હતા . કંઈ વાંધો નહીં . પણ એ તો કહો શું લખે છે ".
ખરેખર માધવીની સમજ શક્તિ પર મને ગૌરવ હતું .
મેં કહ્યું "આજે સાંજે ગોપી આવે છે .."
માધવી ઊછળી પડી . "ખરેખર કેટલા દિવસથી ગોપીબહેન આવ્યા નથી . મજા આવશે "
મેં ચા પીધી , ક્યારે સાંજ પડે તેની રાહ જોતો મારી દિનચર્યામાં અટવાઈ પડયો
......આખરે છ વાગે ડોરબેલ વાગી . દોડીને મેં દરવાજો ખોલ્યો . સામે એક હાથમાં બેગ લઈને ગોપી ઉભી હતી . હું ગોપીને ભેટી પડયો .અમારા બંનેની આંખમાં હર્ષના આંસુ હતાં . બાજુમાં માધવીની આંખ પણ ભીની હતી . ગોપી અને માધવી પણ ભેટી પડયા . ત્યાં મેં પૂછ્યું "
ગોપી ! વ્યોમેશકુમાર નથી આવ્યા . ??
" આવ્યા છે ને મને અહીં સુધી મૂકીને ગયા છે એ ટિકિટ લેવા ...!!"
“ ટિકિટ ! શાની ટિકિટ ..?"' ગોપીએ ખુલાસો કરતાં કહ્યું “ "પીકચરની ટીકીટ ! આજે આપણે સાંજના શોમાં બધાએ પીકચર જોવા જવાનું છે . !!
"ગોપી ! “ મેં જોરથી રાડ પાડી ગોપી ધીમે ધીમે મારી નજીક આવી મારો ચહેરો એના હાથમાં લઈને કરૂણ અવાજમાં બોલી . "માધવ હું સમજું છું કે તે દિવસની ઘટનાથી તે થિયેટરમાં પીકચર જોવાનું બંધ કર્યું છે તું થીયેટરથી નફરત કરે છે હું સારી રીતે જાણું છું .... ૫. . .ણ . . . માધવ જે થીયેટરમાંથી મને મારો ભાઈ પાછો મળ્યો છે એ થીએટરની હું પૂજા કરું છું . તને ચાલવું જ પડશે ...!“
"ગોપી ..... મારી બહેન .... "
હું ગોપીને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડયો . ત્યાં વ્યોમેશ કુમાર આવી ગયા અને હું અને વ્યોમેશકુમાર બેઠક રૂમમાં બેઠા . માધવી અને ગોપી રસોડામાં અદ્રશ્ય થઈ ગઈ ....

-----------સી. ડી.કરમશીયાણી


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED