સત્યપ્રેમ કી કથા Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્યપ્રેમ કી કથા

સત્યપ્રેમ કી કથા

- રાકેશ ઠક્કર

ફિલ્મ સત્યપ્રેમ કી કથા માં નિર્દેશક સમીર વિધ્વંસે દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે ના જમાનાની યાદ અપાવી દીધી છે. અઢી કલાકની ફિલ્મની લંબાઈ થોડી ટૂંકી કરવા માટે બે-ત્રણ ગીત ઓછા કરવા સિવાય સમીક્ષકો બીજું કોઈ મોટું સૂચન કરી શક્યા નથી એ વાત પરથી જ ખ્યાલ આવશે કે દર્શકો ગુજ્જુ ફિલીંગ આપતી સત્યપ્રેમ કી કથા જોતાં હસે છે અને ભાવવિભોર થઈને એના વાર્તા પ્રવાહમાં તણાય પણ છે. જોકે, દિલને સ્પર્શે એવા મધુર ગીતો હોવાથી એ સાત હોવા છતાં ખાસ કંટાળો આવતો નથી. માત્ર પાકિસ્તાની પસૂરી ની જરૂર ન હોવાનું લાગશે. આ રીમિક્સ ગીતને કારણે દર્શકોનું ધ્યાન બીજા ગીતો પરથી હટી ગયું હતું.

એક અલગ પ્રકારની અસલ વાર્તા પર ફિલ્મ બનાવીને નિર્દેશક સમીરે બોલિવૂડને સંકેત આપ્યો છે કે કોઈ ફિલ્મની કોપી કે રીમેક કરવા કરતાં નવી વાર્તા પર ફિલ્મ બનાવવામાં જે મજા છે એ બીજા કશામાં નથી. અને જ્યારે સારા કલાકારોનો સાથ હોય ત્યારે દર્શકો ફિલ્મ સાથે જોડાઈ જ જાય છે. પહેલી હિન્દી ફિલ્મમાં મરાઠી નિર્દેશક સમીરે એક પડકારરૂપ વિષય સાથે ન્યાય કર્યો છે અને યોગ્ય રીતે સાફસૂથરી રજૂઆત કરીને એક સંદેશ આપ્યો છે કે મહિલાની નાનો અર્થ ના જ હોય છે.

ફિલ્મની પટકથા મહિલાઓનું દિલ જીતી લે એવી છે. અમદાવાદમાં રહેતો સત્યપ્રેમ ઉર્ફે સત્તૂ (કાર્તિક આર્યન) બેકાર યુવાન હોય છે. LLB કોલેજમાં નાપાસ થવાને કારણે પરિવાર સાથે સમય પસાર કરતો હોય છે. એના મિત્રોના લગ્ન થઈ જાય છે અને એકલો કુંવારો રહી જાય છે. તે પોતાના લગ્નના સપના જોતો હોય છે. એક વર્ષ પહેલાં કથા (કિયારા અડવાણી) સાથે મુલાકાત થઈ ત્યારે સત્તૂએ લગ્ન માટે કહી દીધું હતું. પણ એનો બોયફ્રેંડ હોવાથી સત્તૂને ભાવ આપ્યો ન હતો. બીજા વર્ષે સત્તૂને ખબર પડે છે કે કથાનું બ્રેકઅપ થઈ ગયું છે ત્યારે તે ફરી કથા સાથે લગ્નની વાત કરે છે. દરમ્યાનમાં એક એવી ઘટના બને છે કે કથાની ઈચ્છા ના હોવા છતાં પિતા હરિકિશન (સિધ્ધાર્થ રાંદેરિયા) સત્તૂથી પ્રભાવિત થઈને એની સાથે લગ્ન કરાવી દે છે. લગ્ન પછી સત્તૂ અને એનો પરિવાર કથા સાથે જોડાયેલી એક એવી હકીકતનો સામનો કરે છે કે હચમચી જાય છે. કથાની એ હકીકત જાણવા થિયેટર સુધી જવું પડશે. નિર્દેશકે એક સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો છે. બહુ ઊંડાણમાં ગયા નથી.

પહેલા ભાગમાં બસ ખુશી જ ખુશી છે. બીજા ભાગમાં બધું બદલાય છે અને વાર્તા ગંભીર બની જાય છે. નિર્દેશકે ટ્રેલર કે ટીઝરમાં ફિલ્મની વાર્તા છુપાવી રાખીને બુધ્ધિનું કામ કર્યું હતું. બોલિવૂડમાં સેંકડો રોમેન્ટિક ફિલ્મો આવી ગઈ છે પણ સત્યપ્રેમ કી કથા ને અલગ બનાવવા અને ટ્રેજેડીને કોમેડીના રૂપમાં રજૂ કરવા માટે નિર્દેશક સમીરને દાદ આપવી પડશે. એક દ્રશ્યમાં કિયારા પોતાના સસરા ગજરાજ રાવને કહે છે કે,‘ચાય અગર પૂરી તરહ નહીં પકતી તો ઉસમેં સ્વાદ નહીં આતા, લેકિન અગર જ્યાદા પક જાયે તો વહ કડવી હો જાતી હૈ. નિર્દેશક માટે પણ સારી ચા બનાવવા જેવો જ આમાં પડકાર હતો. એમાં સફળ થયા છે. ફિલ્મનો ક્લાઇમેક્સ પણ જોરદાર છે.

કિયારા અડવાણીએ પોતાની ભૂમિકાને એકદમ સહજ રીતે એવી ભજવી છે કે એ કથા જ હોય એવું લાગે છે. આ પ્રકારની ભૂમિકાઓમાં એનો જવાબ હોતો નથી. એકપણ દ્રશ્યમાં એ ઓવર એક્ટિંગ કરતી લાગતી નથી એટલે એના પાત્રનો પ્રભાવ વધી જાય છે. કિયારા માટે ભૂમિકા ગૂંચવાડાભરી હતી. લોકો પોતાનાથી નફરત ના કરે અને કંઈક શીખે એવું કામ કરવામાં એ સફળ થઈ છે. જે રહસ્યને એ પોતાની સાથે લઈને ફરે છે એ વાત જ વાર્તાને મજેદાર બનાવે છે. કિયારા ફરી સાબિત કરે છે કે તે નિર્દેશકની અભિનેત્રી છે. માત્ર કમર્શિયલ અભિનેત્રી નથી. ફિલ્મની સાચી હીરો એ જ છે.

કાર્તિક ભલે અગાઉની ભૂમિકાઓનું પુનરાવર્તન કરતો લાગતો હોય તો પણ એ પાત્રને પોતાની રીતે જીવીને કમાલ કરે છે. તે અગાઉની ભૂમિકાઓથી સારું કરવાનો જ પ્રયાસ કરે છે. રોમાન્સ, કોમેડી, ટ્રેજડી જે પણ કરે છે એ નેચરલ જ લાગે છે. તે એક શ્રેષ્ઠ પતિ તરીકે પણ ઊભરી આવે છે.

કાર્તિક અને કિયારાએ પોતાના નેચરલ અભિનયથી સામાન્ય લાગતી પ્રેમકથાને ખાસ બનાવી દીધી છે. ‘ભૂલ ભુલૈયા 2 પછી ફરી એમની કેમેસ્ટ્રી કમાલ કરે છે. બંને પાત્ર અસલી હોય એમ ભૂમિકાઓ ભજવી છે. છત પર બંને વાત કરે છે એ દ્રશ્ય દિલને સ્પર્શી જાય એવું છે.

ગજરાજ રાવ અને સુપ્રિયા પાઠક જેવા અનેક કલાકારો એમની આસપાસ સહાયક તરીકે મજબૂતાઈથી ઊભા રહે છે. ઘણા સમય પછી રાજપાલ યાદવને જોઈને આનંદ આવશે.

આ એક પૈસા વસૂલ ફિલ્મ છે પણ કેટલીક વાત સમજાશે નહીં. જેમકે એ જ શહેરમાં હોવા છતાં કાર્તિક કિયારાને મળવા બીજી નવરાત્રિ સુધી કેમ રાહ જુએ છે? કિયારાનો અભ્યાસ કે બીજી કોઈ બાબતનો ઉલ્લેખ કેમ આવતો નથી? અને શરૂઆતમાં પિતા કાર્તિકની સાથે હોય છે પણ પછી એની સામે કેમ ઊભા થઈ જાય છે? કાર્તિક જેવા અભિનેતાને પ્યાર કા પંચનામા ની જેમ જબરદસ્તી મોનોલોગ બોલાવવાનો મોહ નિર્દેશકો હજુ કેમ છોડી શકતા નથી?

ફિલ્મના માઇનસ સામે પ્લસ પોઈન્ટસ ઘણા હોવાથી એક વખત જરૂર જોવા જેવી છે. સંગીત અને સિનેમેટોગ્રાફી સરસ છે. કાશ્મીરની સુંદરતાને જોવાની મજા આવશે. ગુજરાતી સંવાદો જ નહીં ગુજ્જુ પટાકા જેવું ગીત છે. અને શૂટિંગ ગુજરાતમાં થવા સાથે કાર્તિક- કિયારાએ ગુજરાતી બોલી પકડી હોવાથી વહાલા ગુજરાતીઓને તો વધારે ગમશે.