ટીકૂ વેડસ શેરૂ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટીકૂ વેડસ શેરૂ

ટીકૂ વેડસ શેરૂ

- રાકેશ ઠક્કર

કંગના રણોત જેવી અભિનેત્રી જેની નિર્માત્રી હોય અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવો જાણીતો અભિનેતા મુખ્ય ભૂમિકામાં હોય છતાં એ ફિલ્મ ટીકૂ વેડસ શેરૂ ને OTT પર રજૂ કરવી પડી એ હકીકત જ દર્શાવે છે કે ફિલ્મ થિયેટરમાં રજૂ કરવાને લાયક નથી. ખરેખર તો OTT પર પરિવાર સાથે ફિલ્મ જોવામાં આવતી હોવાથી ઢંગના વિષય પર ફિલ્મો આવવી જોઈએ.

ટૂંકા સમયગાળામાં અફવા અને જોગીરા સારા રા રા પછી ભલે OTT પર નવાઝુદ્દીનની ત્રીજી ફિલ્મ ટીકૂ વેડસ શેરૂ આવી છે પણ કંગનાએ પોતાની હિટ ફિલ્મ તનુ વેડસ મનુ જેવું રાખીને દર્શકોને છેતરવાનો પ્રયાસ કર્યો છે. કંગના સાથે રિવોલ્વર રાની બનાવનાર સાઈ કબીરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની વાર્તા એટલી ઘીસીપીટી અને ફાલતુ છે કે એમાં કંગનાનુ જ નહીં નવાઝુદ્દીનનું નામ ખરાબ થયું છે.

કંગનાએ પોતે એમાં મુખ્ય ભૂમિકા ના કરીને સારું કર્યું છે. અસલમાં નવાઝુદ્દીનવાળી ભૂમિકામાં ઈરફાન ખાન અને નવી અવનીત કૌર જે ભૂમિકામાં છે એ કંગના ભજવવાની હતી. પરંતુ ઇરફાનના અવસાન પછી એની સ્ટારકાસ્ટ બદલવી પડી હતી.

ફિલ્મોની ચમકદમકની દુનિયામાં લોકો કેવું ભાન ગુમાવે છે એ એક સામાન્ય અને જૂનો સંદેશ આપવા ફિલ્મ બનાવી છે. એમાં અનેક ખામીઓ રહી ગઈ છે. એક સારી રોમેન્ટીક કોમેડી ફિલ્મ બની શકે એવી આ ફિલ્મ એના મુદ્દાથી ભટકી જાય છે અને અભદ્ર ગાળોને કારણે પારિવારિક દર્શકોને આકર્ષી શકે એમ નથી.

એક અજીબોગરીબ ફિલ્મ બની ગઈ છે. બે કલાકની ફિલ્મ જોયા પછી એમાં શું હતું એ કોઈ કહી શકે એમ નથી. વાર્તા એવી છે કે શિરાજ ખાન અફગાની ઉર્ફે શેરૂ (નવાઝુદ્દીન) મુંબઈમાં જુનિયર કલાકાર તરીકે કામ કરતો હોય છે. ફિલ્મ બનાવવા શાહિદ (વિપિન) પાસેથી તે રૂ.10 લાખ ઉછીના લે છે. એ પાછા આપી શકતો નથી. એ પૈસા માટે શાહિદ એના ઘર પર કબ્જો કરવાની ધમકી આપે છે. દરમ્યાનમાં શેરૂના ભોપાલ ખાતેના કાકા એના તસ્લીમ ખાન ઉર્ફે ટીકૂ (અવનીત) સાથે લગ્ન કરવાની વાત લાવે છે. તે ટીકૂ પાસેથી દહેજની રકમ લઈ ઉધાર ચૂકવવાનો ઇરાદો રાખે છે. ટીકૂ પહેલાં મુંબઈના બિન્ની (રાહુલ) ને પ્રેમ કરતી હતી. બિન્ની એને શેરૂ સાથે લગ્ન કરવાની સલાહ આપે છે અને અભિનેત્રી બનવાની તક હોવાનું કહે છે. ટીકૂ અને શેરૂ લગ્ન કરી લે છે. પછી ટીકૂ બિન્ની સાથે રહેવા માટે ભાગી જાય છે. ત્યારે ખબર પડે છે કે તે બિન્નીના સંતાનની મા બનવાની હોય છે. અને બિન્ની લગ્ન કરી ચૂક્યો હોય છે અને એને બાળક હોય છે. શેરૂ ટીકૂને એના બાળક સાથે અપનાવે છે અને વધુ કમાણી માટે ડ્રગ્સનો ધંધો કરે છે એમાં પોલીસ પકડી લે છે. ટીકૂ ઘર ચલાવવા ફિલ્મમાં કામ માગવા જાય છે જ્યાં તેનું શોષણ થાય છે. એ પછી શું થાય છે એ જાણવું હોય તો ફિલ્મ જોઈ શકાય.

શાહીદે રૂ.10 લાખ આપ્યા હતા એ શેરૂએ ક્યાં ખર્ચી નાખ્યા એનો ખુલાસો થયો નથી. અને ટીકૂને એ વાતની ખબર જ ના પડી કે શેરૂ દેખાડો કરે છે એટલો અમીર નથી. અંતમાં ફિલ્મનું સ્તર એટલું નીચું જાય છે કે એવો સવાલ થશે કે કંગનાએ આવી સ્ક્રીપ્ટ કેમ મંજુર રાખી હશે?

નવાઝુદ્દીનના નામ પર ફિલ્મ જોતાં પહેલાં દર્શક હવે વિચાર કરે એવી સ્થિતિ ઊભી કરી છે. કેટલાક સમીક્ષકોએ તો નવાઝુદ્દીનની કારકિર્દીની આ સૌથી ખરાબ ફિલ્મ હોવાનું કહી દીધું છે. એવું લાગે છે કે નવાઝુદ્દીન કંઇ નવું કરવા માગતો નથી કે પછી નિર્માતાઓ એની ઇમેજ મુજબની જ ફિલ્મો બનાવવામાં પોતાની સલામતિ માને છે. નવાઝુદ્દીનની અભિનય પ્રતિભા સાથે અન્યાય થઈ રહ્યો છે એવું લાગશે પણ એની ભૂલ છે કે એણે આવી ફિલ્મો કરવી ના જોઈએ. આ ફિલ્મ ખરાબ ગણાઈ હોય તો કંગના એના માટે જવાબદાર છે.

એક સમય હતો જ્યારે પોતાના અસલી અભિનયથી નવાઝુદ્દીન ફિલ્મનું સ્તર ઊંચું લઈ જતો હતો. નવાઝુદ્દીનની જેમ અન્ય કલાકારોની પસંદગી નવાઈ પમાડે એવી છે. હીરોઈન અવનીત કૌરને એની ઉંમરથી બેગણી વધુ ઉંમરની બતાવવાની કોશિશ થઈ છે. અને જો વાર્તાની માંગ હતી તો એના બદલે મોટી ઉંમરની કોઈ અભિનેત્રી કેમ નહીં લીધી હોય એવો પ્રશ્ન થશે. અંતમાં અવનીત પાસે કેટલાક એડલ્ટ દ્રશ્યો કારણ વગર કરાવવામાં આવ્યા છે. એને માત્ર ગ્લેમર માટે લેવામાં આવી હોવાનું અનેક જગ્યાએ સાબિત થાય છે.

ફિલ્મમાં ગીતો ઘણા છે પણ મેરી જાને જાન ને બાદ કરતાં કોઈમાં દમ નથી. ડીએનએ ભોકાલી, એતબાર થા વગેરે ભૂલી જવા જેવા છે. બેકગ્રાઉન્ડ સંગીત દમદાર છે.

નવાઝુદ્દીનની ફિલ્મ ટીકૂ વેડસ શેરૂ નો કોમેડી ફિલ્મ તરીકે પ્રચાર કરવામાં આવ્યો હતો પણ એને જોઈને દર્શકને બે કલાક બરબાદ કરવા માટે પોતાના નસીબ પર હસવું આવી શકે છે. અને ટ્રેજેડી એવી છે કે નવાઝુદ્દીનની પ્રતિભા સાથે જે થઈ રહ્યું છે એ જોઈને એના સાચા ચાહકને રડવું પણ આવી શકે છે! જો નવાઝુદ્દીનના બહુ મોટા ચાહક ના હોય તો આ ફિલ્મની અવગણના કરવા જેવી છે.