Prarambh - 69 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 69

પ્રારંભ પ્રકરણ 69

રોહિત અંજલિને હવે કેવી રીતે પોતાની માયાજાળમાં ફસાવવી એની બરાબર તૈયારી કરીને ધીમે ધીમે અંજલિ તરફ આગળ વધ્યો.

કાલે બપોરે અંજલિનો ફોન આવ્યો કે તરત જ એ બધી તૈયારીમાં લાગી ગયો હતો. મુંબઈનાં બે ત્રણ મોટાં પ્રોસ્ટીટ્યુટ સેન્ટરોમાં બીજાં રાજ્યોની છોકરીઓ સપ્લાય કરતા એક માથાભારે દલાલ મુદ્દલિયાર સાથે અંજલિનો સોદો ફાઇનલ કરી એણે ૫૦૦૦૦ એડવાન્સ લીધા હતા. એમાંથી ૫૦૦ રૂપિયાનું એક સરસ ટીશર્ટ અને એક મોંઘુ જીન્સ ખરીદ્યું હતું. પરફ્યુમની બોટલ પણ લઈ આવ્યો હતો. સાંજે વાળ પણ સેટ કરાવી દીધા હતા.

અંજલિ માટે રહેવાની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી હતી. જ્યાં સુધી એનો સોદો ના થાય ત્યાં સુધી પ્રેમનું નાટક કરીને એને પ્રેમથી સંભાળવી પણ જરૂરી હતી. રોહિતના બધા મિત્રો
મવાલી જ હતા. એ બધા વિરાર અને નાલાસોપારામાં રહેતા હતા. એણે અંજલિના રહેવાની વ્યવસ્થા કરવા મુદ્દલિયાર માટે જ કામ કરતા સત્યાને વાત કરી.

"સત્યા એક લડકી કો પટાઈ હૈ. કલ સુબહા તક મુંબઈ આ જાયેગી. ભાઈ સે ભી બાત હો ગઈ હૈ . તુમ મેરે સાથ સ્ટેશન ચલના ઔર ઉસકો દેખ લેના. ભાઈસે બાત કરકે જરા ભાવ બઢાના. એક નંબર કા માલ હૈ દેઢ દો લાખ તો આરામ સે મિલ હી જાયેંગે. " રોહિત બોલ્યો.

"હાં તો સૌદા કર લેના ના ! યે સબ તુ મુઝે કયું બતા રહા હૈ ? " સત્યા બોલ્યો.

" તુ મેરા અચ્છા દોસ્ત હૈ. ભાઈ સે ભી તુ એકદમ કરીબ હૈ. તુ બોલેગા તો લડકીકા મુઝે થોડા અચ્છા ભાવ મિલેગા. તુ ખુદ દેખેગા તો તુ ભી પાગલ હો જાયેગા." રોહિત બોલ્યો.

" ઠીક હે ઠીક હૈ લડકી કો આને તો દે." સત્યા બોલ્યો.

"ઔર સુન ના. મુજે ૭ દિન કે લિયે તેરા રૂમ ભી ચાહિયે. મૈ તુઝે ૫૦૦૦ કિરાયા ભી દે દેતા હું. " રોહિત બોલ્યો.

" સાલા તુ એક નંબર કા ચાલુ નિકલા. ઠીક હૈ. સુબહ કિતને બજે આનેવાલી હૈ ? " સત્યા બોલ્યો.

" ટ્રેઈન તો સાડે ચાર બજે બોરીવલી આનેવાલી હૈ લેકિન અપુન કો ઇતની જલ્દી જાને કી કોઈ જરૂરત નહીં હૈ. બેઠી રહેગી વો. હમ યહાંસે ૬ બજેકી લોકલ પકડ લેંગે. મેં તુઝે લેને આ જાઉંગા. " રોહિત બોલ્યો.

અને આ રીતે બીજા દિવસે રોહિત સત્યાને લઈને બોરીવલી સ્ટેશને ૬:૩૦ વાગે પહોંચી ગયો. સત્યાએ અંજલિને બરાબર જોઈ લીધી અને પછી વિરાર જતી લોકલ પકડીને નીકળી ગયો.

રોહિતે અંજલિ સાથે શું વાત કરવી એની બધી માનસિક તૈયારી કરી લીધી. ઘરેથી પર્ફ્યુમ છાંટીને જ આવ્યો હતો. ટીશર્ટ અને જીન્સ પણ નવાં જ પહેર્યાં હતાં. એણે માથાના વાળ થોડા સરખા કર્યા અને પછી અંજલિ પાસે પહોંચી ગયો.

" અરે ડાર્લિંગ સોરી સોરી સોરી. હું આજે લેટ પડી ગયો. તારે બહુ રાહ જોવી પડી. " કહીને રોહિતે પોતાના બે કાન પકડ્યા.

પોતાની સામે હેન્ડસમ રોહિતને જોઈને અંજલિ એકદમ ઉત્તેજિત થઈ ગઈ. સામે પોતાનો પ્રિયતમ ઉભો હતો અને લેટ થવા બદલ માફી માગતો હતો.

" મને ખબર જ હતી કે તમે વહેલા ઉઠી શક્યા નહી હો. કંઈ વાંધો નહીં. મોડા મોડા પણ તમે આવી ગયા એ જ મારા માટે ઘણું છે." અંજલિ ઊભી થઈને બોલી.

" ના આવું એવું તો બને જ નહીં ને. મોડે સુધી જાગ્યો હતો એટલે એટલી બધી ઊંઘ આવી ગઈ કે છેક સાડા પાંચ વાગે જાગ્યો. ઉઠીને ફટાફટ બ્રશ કરીને ભાગ્યો." રોહિત બોલ્યો અને એણે અંજલિને લઈને ચાલવાનું ચાલુ કર્યું.

" તમે આટલા વહેલા ઘરેથી નીકળી ગયા તો મમ્મી પપ્પા કોઈ તમને પૂછે નહીં ? " અંજલિએ ચાલતાં ચાલતાં પૂછ્યું.

" અંજલિ આ મુંબઈ છે. ઘણીવાર જોગિંગ કરવા માટે પણ હું વહેલો નીકળી જાઉં છું. અને અમારા ઘરમાં તો બધી આઝાદી છે. મમ્મી પપ્પા બેડરૂમમાં જ હતા એટલે નોકરને કહીને હું નીકળી ગયો." રોહિત અત્યારે પણ પોતે જાણે શ્રીમંત હોય એવી રીતે વાત કરતો હતો.

" હા એ વાત તો હું ભૂલી જ ગઈ. તમે તો બહુ મોટા ઘરના માણસ છો. " અંજલિ બોલી.

" અને તું મોટા ઘરની વહુ બનવા જઈ રહી છે. " રોહિત એનો હાથ હાથમાં લઈને બોલ્યો.

" અહીં જાહેરમાં હાથ ના પકડાય. જેટલું વહાલ કરવું હોય એટલું ઘરે જઈને કરજો. " અંજલિ બોલી.

"અરે પાગલ અહીંયા હું તને કીસ કરું તો પણ કોઈ આપણી સામે ના જુએ. આ મુંબઈ છે. અને તેં ઘરની વાત કરી એટલે તને જણાવી દઉં કે અત્યારે આપણે નાલા સોપારા જઈ રહ્યા છીએ. તેં એકદમ સરપ્રાઈઝ આપ્યું એટલે એકદમ તો ભાડેથી ફ્લેટ ના મળે ને ? બે ચાર દિવસમાં સરસ ફ્લેટ શોધી કાઢું છું. ત્યાં સુધી મારા મિત્રનો એક રૂમ ખાલી છે ત્યાં આપણે જઈએ છીએ." રોહિતે હાથ છોડીને સ્પષ્ટતા કરી.

" તમે જ્યાં લઈ જાઓ એ મારું ઘર. હું ઘર છોડીને માત્ર તમારા ભરોસે જ નીકળી ગઈ છું. હવે તમે જ મારું સર્વસ્વ છો. " અંજલિ ભાવુક થઈને બોલી.

અંજલિના શબ્દો સાંભળીને બે ક્ષણ માટે તો રોહિતનો આત્મા ડંખી ગયો પરંતુ એણે જાતને સંભાળી લીધી.

રોહિત અંજલિને લઈને સ્ટેશનની બહાર ગયો અને નાલાસોપારાની બે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ લીધી. અંજલિએ ફિલ્મોમાં મુંબઈની લોકલ ટ્રેઈન તો ઘણીવાર જોઈ હતી પરંતુ નજરે જોવાનો લ્હાવો એને આજે મળ્યો. નાના બાળકની જેમ એ જતી આવતી ટ્રેઈનો જોઈ રહી હતી.

"બે મિનિટ પછી વિરાર જતી ટ્રેઈન આવશે. આપણે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી છે એટલે ચડતી વખતે ભીડની તને કોઈ તકલીફ નહીં પડે બાકી મુંબઈની ટ્રેઈનોમાં મુસાફરી કરવાનું તારું કામ જ નથી." પ્લેટફોર્મ ઉપર આવ્યા પછી રોહિત બોલ્યો.

બે મિનિટમાં જ ચર્ચગેટથી વિરાર જતી ટ્રેઈન આવીને ઉભી રહી. રોહિત અંજલિને લઈને ફર્સ્ટ ક્લાસના કોચમાં ચડી ગયો. એક ખાલી સીટ ઉપર બંને જણાં ગોઠવાઈ ગયાં. ટ્રેઈન ઉપડી અને એક બે મિનિટમાં તો એકદમ સ્પીડ પકડી લીધી.

નાલા સોપારા આવવાનું થયું એટલે રોહિત અંજલિને લઈને દરવાજા પાસે જઈને ઉભો રહ્યો. જેવી ટ્રેઈન ઉભી રહી કે તરત જ બંને જણાં ઉતરી ગયાં.

બહાર જઈને રોહિતે બિલાલપાડા જવા માટે રીક્ષાને રોકી. અંજલિને લઈને એ રિક્ષામાં બેસી ગયો અને રીક્ષા ડ્રાઇવરને બિલાલપાડા જવાની સૂચના આપી.

"તમે પણ અહીં જ રહો છો રોહિત ?" રિક્ષામાં બેઠા પછી અંજલિએ પૂછ્યું.

"અહીં તે રહેવાતું હશે અંજુ ? મારો વિશાળ ફ્લેટ મલાડમાં છે. તેં મલાડનું નામ તો સાંભળ્યું જ હશે ! બોરીવલી કાંદીવલી મલાડ પાર્લા આ બધા ગુજરાતી એરિયા. મારો ફ્લેટ ત્રણ કરોડનો છે " રોહિત બોલ્યો.

" ત્રણ કરોડ !! એક ફ્લેટની આટલી બધી કિંમત ? " અંજલિ આશ્ચર્યથી બોલી.

"અંજલિ આ મુંબઈ છે. અહીં ૫૦ ૫૦ કરોડના ફ્લેટ પણ હોય છે. ત્રણ કરોડ તો કંઈ જ નથી. " રોહિત બોલ્યો.

" એક વાત પૂછું રોહિત ? તમે શું બિઝનેસ કરો છો ? કારણ કે હવે તો હું તમારી સાથે ભવિષ્યમાં લગન કરવાની છું એટલે તમારા બિઝનેસ વિશે તો મને જણાવો ! " અંજલિ બોલી.

" મારા વિશે જાણવાની આટલી બધી ઉતાવળ ના કર. હજુ તો આપણી મુલાકાતને એક કલાક પણ માંડ થયો હશે. હવે તો આપણે સાથે જ છીએ. તને મારો બધો જ પરિચય થઈ જશે." રોહિત અંજલિનો હાથ હાથમાં લઈને પ્રેમથી બોલ્યો.

"આઈ એમ સોરી જાન. તમને ખોટું તો નથી લાગ્યુ ને ? " અંજલિને પોતાના સવાલ માટે દુઃખ થયું.

" તારી કોઈ વાતનું ખોટું મને ન લાગે. મારા વિશે જાણવાનો તને પૂરેપૂરો હક છે ડાર્લિંગ " રોહિતે લાડથી કહ્યું.

બરાબર વીસ પચીસ મિનિટ પછી રીક્ષાએ બિલાલપાડામાં પ્રવેશ કર્યો. રોહિતે એક જગ્યાએ રિક્ષાને ઉભી રખાવી અને અંજલિને લઈને ઉતરી ગયો.

" તુ યહાં હી ખડા રહે. આધા ઘંટા લગેગા. પૈસો કી ચિંતા મત કર. જો ભી હોગા મૈ દે દુંગા. યહાં સે રિક્ષા જલ્દી મિલતી નહીં હૈ ઔર મુઝે વાપસ જાના હૈ. " રિક્ષાવાળાની પાસે આવીને રોહિત ધીરેથી બોલ્યો અને એના હાથમાં ૧૦૦ રૂપિયાની નોટ પકડાવી.

અંજલિ રીક્ષામાંથી ઉતરીને ચારે બાજુ જોઈ રહી હતી. સવારનો ટાઈમ હતો. ગરીબ મજૂર ટાઈપના માણસો બધા બહાર ઊભા રહીને બ્રશ કરતા હતા. એક સરખી ઓરડીઓ લાઇન બંધ બનાવેલી હતી. સામે પબ્લિક ટોયલેટમાં સ્ત્રી અને પુરુષોની લાઈન લાગી હતી. રસ્તામાં પાણી ભરાયેલું હતું.

"આવા એરિયામાં રહેવાનું ? અહીં ચારે બાજુ કેટલી બધી ગંદકી છે ! મવાલી જેવા માણસો મારી સામે તાકી રહ્યા છે. " રોહિતની પાછળ ચાલતી અંજલી બોલી.

" તારે ક્યાં બહાર જવાનું છે ? અને ત્રણ ચાર દિવસનો જ સવાલ છે ને ? પછી તો સારા એરિયામાં ફ્લેટ લઈ આપું છું. " રોહિત બોલ્યો.

એક ઓરડી આગળ આવીને રોહિત ઉભો રહ્યો. ખિસ્સામાંથી ચાવી કાઢી અને રૂમ ખોલી નાખ્યો.

૧૦ બાય ૧૦ ની એક ગંદી ઓરડી હતી. ચારે બાજુ કોઈ યુવાનનાં કપડાં વેરવિખેર પડ્યાં હતાં. વાસણો પણ આમતેમ નીચે પડયાં હતાં. ચા મૂકી હશે પણ તપેલી ધોઈ ન હતી. કપ રકાબી પણ એમ ને એમ પડ્યાં હતાં. રૂમમાંથી પણ દુર્ગંધ આવતી હતી. એક મિનિટ પણ ઉભા ના રહી શકાય એવો ગંદો રૂમ હતો.

" આવા રૂમમાં હું ના રહી શકું રોહિત. આ બધું સાફસૂફ મારે કરવાનું ? ગંદાં વાસણ મારે માંજવાનાં ? મને કોઈ હોટલમાં લઈ જાઓ. " અંજલિ નારાજ થઈને બોલી.

" અંજુ અંજુ જરા સમજ. બધું સરખું કરવામાં હું તને થોડી મદદ કરું છું. માત્ર ત્રણ-ચાર દિવસનો સવાલ છે. જો અંદર ચોકડી અને નળ પણ છે. એટલે ન્હાવા ધોવામાં પણ તને કોઈ વાંધો નહીં આવે. હા ટોયલેટ જવા માટે તારે બહાર જવું પડશે. અહીં પબ્લિક ટોયલેટ છે." કહીને સમય પારખીને રોહિત કામે લાગી ગયો.

સત્યાનાં બધાં કપડાં નીચેથી લઈ લીધાં અને ભેગાં કરીને એક ખૂણામાં દબાવી દીધાં. એંઠા વાસણો કપ રકાબી બધું ચોકડીમાં મૂકી દીધું અને નળ ચાલુ કરી દીધો.

રોહિતને કામ કરતો જોઈ અંજલિ પછી કંઈ ના બોલી અને એક ખૂણામાં સાવરણી પડી હતી તે લઈને કચરો વાળવા લાગી ગઈ.

બંનેએ ભેગા થઈને રૂમને એકદમ સાફ કરી દીધો અને અંજલિએ વાસણ પણ ધોઈ નાખ્યાં.

" હવે હું જાઉં છું અંજલિ. તું રૂમ અંદરથી બંધ કરી દેજે. મારા સિવાય કોઈ પણ આવે તારે દરવાજો ખોલવાનો નહીં. હું લગભગ ૧૨ વાગે જમવાનું લઈને આવીશ. પછી બધી વાતો કરીશું. ત્યાં સુધી તું નાહી ધોઈને તૈયાર થઈ જા. " રોહિત બોલ્યો.

" તમે ૧૦ મિનિટ ઊભા રહો. મારે ટોયલેટ જવાનું બાકી છે. સવારે સાડા ચાર વાગે સ્ટેશન ઉપર ઉતરી ગઈ એટલે મને ટ્રેઈનમાં પણ સમય મળ્યો નથી." અંજલિ બોલી.

"હા સામે પબ્લિક ટોયલેટ છે. જમણી બાજુ લેડીઝ છે. તું ફટાફટ જઈ આવ." રોહિત બોલ્યો.

અંજલિ બહાર નીકળી. બહાર રખડતા છોકરાઓ એની સામે જોઈ રહ્યા. આખો એરિયા સ્લમ હતો. અંજલિને આ રીતે બહાર ટોયલેટ જવામાં પણ શરમ આવતી હતી. ટોયલેટ પાસે બે મજૂર જેવી સ્ત્રીઓ આગળ લાઈનમાં ઉભી હતી. એ પણ પાછળ ઉભી રહી.

પંદરેક મિનિટમાં એ ટોયલેટ જઈને આવી ગઈ એટલે રોહિત બહાર નીકળી ગયો. અંજલિએ દરવાજો અંદરથી બંધ કરી દીધો અને પછી ગેસ ઉપર થોડું પાણી ગરમ મૂક્યું. એટલું સારું હતું કે રૂમમાં ગેસની સગવડ હતી. ગરમ પાણી થઈ ગયું એટલે એણે શાંતિથી નાહી લીધું. બીજાં વધારાનાં કપડાં તો હતાં જ નહીં એટલે એણે અત્યારે તો એનાં એ જ કપડાં પહેરી લીધાં.

અગિયાર વાગ્યા એટલે ગરમી શરૂ થઈ ગઈ. અંજલિ પંખો ચાલુ કરવા ગઈ પણ ઉપર જોયું તો સીલીંગ ફેન હતો જ નહીં. ઉનાળાની ગરમીમાં પંખા વગર કેવી રીતે રહેવું ? એક તો રૂમ પણ બંધ રાખવાનો હતો. રોહિતને મારે પંખા માટે કહેવું જ પડશે.

બપોરે ૧૨ વાગે રોહિત બે જણનું લંચ પેક કરાવીને આવ્યો. ૫૦૦૦૦ એડવાન્સ લીધા હતા એમાંથી એ છૂટથી પૈસા વાપરતો હતો.

"રોહિત આ રૂમમાં પંખો પણ નથી અને આવા ઉનાળામાં મારાથી પંખા વગર અહીં એક દિવસ પણ નહીં રહેવાય. ના હોય તો તમે ટેબલ ફેન લઈ આવો. પંખા વગર મારે રાત્રે સુવું કેવી રીતે ? " અંજલિએ ફરિયાદ કરી.

"ઠીક છે. ટેબલ ફેનની વ્યવસ્થા કરી આપું છું. " રોહિત બોલ્યો. મનોમન તો એને ગુસ્સો ચડ્યો પરંતુ સોદો ના થાય ત્યાં સુધી મારે એને સાચવવી જ પડશે.

એણે લંચનાં બંને બોક્ષ ખોલી નાખ્યાં. દરેક બોક્ષમાં બે તંદૂરી રોટી, પંજાબી શાક, દાલ ફ્રાય અને જીરા રાઈસ હતાં. સાથે સલાડ હતું.

" આપણે એક જ થાળીમાં જમીશું રોહિત ? " અંજલિ બોલી.

" કેમ નહીં ! તું મને ખવડાવ હું તને ખવડાવું. " રોહિત હસીને બોલ્યો.

" એટલું બધું કરવાની જરૂર નથી. આજે આપણું પહેલું ભોજન છે અને એક રીતે જોઈએ તો આપણું લગ્ન જીવન શરૂ થાય છે એટલે કંસારની જગ્યાએ હું સૌથી પહેલો કોળિયો તમને ખવડાવીશ. બસ પછી સહુ સહુએ જાતે ખાવાનું. " અંજલિ હસીને બોલી.

કોડભરી આ કન્યા હજુ પણ રોહિત જેવા નાલાયકને પતિ માનીને જ ચાલતી હતી. એણે એક થાળીમાં તંદૂરી રોટી શાક સલાડ વગેરે બહાર કાઢ્યાં.

"આ મારા પ્રેમનો પહેલો કોળિયો " કહીને અંજલિએ રોહિતને પહેલો કોળિયો ખવડાવ્યો. બંનેએ મસ્તી ભરી વાતો કરતાં કરતાં જમવાનું પૂરું કર્યું.

" મારે થોડા ડ્રેસ લાવવાના છે. કારણ કે સ્કૂલ બેગમાં માત્ર એક જ ડ્રેસ લઈને આવી છું. " અંજલિ બોલી.

"હા હા કેમ નહીં ! હું સાંજે પાંચ વાગે આવી જઈશ અને આપણે શોપિંગ કરવા જઈશું. સાંજે ડિનર પણ બહાર હોટલમાં લઈશું અને પછી રાત્રે ઘરે આવીશું. " રોહિત પોતે જાણે શ્રીમંત હોય એ રીતે બોલ્યો.

અંજલિ ખુશ થઈ ગઈ. એ પ્રેમના આવેશમાં રોહિતને વળગી પડી. રોહિત પણ પછી કાબુ રાખી શક્યો નહીં. એણે પણ અંજલિને આલિંગન આપ્યું અને અંજલિના ચહેરા ઉપર બે ત્રણ કીસ કરી દીધી.

" આઈ લવ યુ રોહિત ...હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. " છૂટાં પડીને અંજલિ બોલી.

" તને પામીને હું પણ ખૂબ જ ખુશ છું અંજુ. બસ થોડા દિવસમાં જ તને ફ્લેટ ઉપર લઈ જઉં છું. ત્રણ ચાર દિવસ આ તકલીફ તું સહન કરી લે. ચાલો સાંજે મળીએ " કહીને રોહિત બહાર નીકળી ગયો. રીક્ષા એણે ઉભી જ રાખી હતી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED