Prarambh - 68 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 68

પ્રારંભ પ્રકરણ 68

જેતલસર જંકશનથી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ બપોરે દોઢ વાગે ઉપડતો હતો. ત્રણ દિવસથી અંજલિ મુંબઈ જવાની તૈયારી કરી રહી હતી. ઘરેથી કઈ રીતે નીકળવું એનું એણે ઘણું મનોમંથન કર્યું હતું.

અંજલિ જેતપુરમાં સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલમાં ૯મા ધોરણમાં ભણતી હતી. દેખાવે ઘણી સુંદર હતી પણ ભણવામાં એવરેજ હતી. ભણવા કરતાં ઈતર પ્રવૃત્તિઓમાં એને રસ વધારે હતો. ડાન્સનો ખૂબ જ શોખ હતો અને નવરાત્રીમાં ગરબા પણ સરસ ગાતી હતી. અભિનય જાણે એના લોહીમાં હોય એમ આ ઉંમરે પણ એ હિરોઈન બનવાનાં સપનાં જોતી હતી.

સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય હતી. ઈન્સ્ટાગ્રામ ફેસબૂક વોટ્સએપ વગેરેમાં એ સતત રચી પચી રહેતી. ફિલ્મો જોવાનો ગાંડો શોખ હતો. કોઈ પણ નવી ફિલ્મ આવે એટલે પહેલા જ દિવસે જોઈ લેવાની. સલમાન ખાન એનો પ્રિય હીરો હતો અને એની પાછળ એ પાગલ હતી.

ફેસબુક દ્વારા એક વર્ષથી એ રોહિત નામના એક યુવકના પરિચયમાં આવી હતી. અંજલિ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં અવારનવાર પોતાના લેટેસ્ટ ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા કરતી હતી. મુંબઈ વિરારમાં રહેતો રોહિત ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને એનો ફ્રેન્ડ બન્યો હતો અને દરેક વખતે અંજલિની પ્રશંસા કર્યા કરતો હતો. ધીમે ધીમે બંને ફેસબુકમાંથી વોટ્સએપ સુધી પહોંચી ગયાં હતાં.

રોહિત આવારા ટાઈપનો રખડુ છોકરો હતો. પોતે દેખાવડો હતો એટલે સારાં સારાં કપડાં પહેરીને અને ગળામાં નકલી સોનાની ચેઈન પહેરીને શ્રીમંત નબીરો છે એવો ડૉળ કરી ફેસબુક ઉપર જુદી જુદી છોકરીઓ સાથે ફ્લર્ટ કરતો હતો. અંજલિ એની વાતોમાં આવી ગઈ હતી અને ઈમ્પ્રેસ પણ થઈ ગઈ હતી. ૧૩ ૧૪ વર્ષની નાદાન ઉંમરે સાચા ખોટાનું ભાન નથી હોતું.

છેલ્લા છ મહિનાના સમયગાળામાં તો રોહિતે અંજલિને ઘણી આંબલી પીપળી બતાવી દીધી અને વશ કરી લીધી.

# તારા જેવી ખૂબસૂરત છોકરીએ તો મુંબઈમાં પેદા થવાની જરૂર હતી. તું જો મુંબઈમાં હોત તો અત્યારે ઘણી આગળ આવી ગઈ હોત. તારામાં આટલી બધી આવડત અને કલાઓ છે તો જેતપુરમાં શું પડી રહી છે ? તારી કદર અહીં મુંબઈ જેવા શહેરમાં થાય.

રોહિત આ પ્રકારના વોટ્સએપ મેસેજ અંજલિને કર્યા કરતો અને મુંબઈ આવવા માટે ઉશ્કેરતો. ધીમે ધીમે અંજલિના મનમાં મુંબઈનું આકર્ષણ વધતું ગયું. રોહિત તરફ પણ એ ખેંચાવા લાગી. વોટ્સએપ ઉપર બંને જણાં હવે રોજ ચેટિંગ કરતાં હતાં.

#રોહિત... મારામાં ગમે એટલી આવડત હોય કે અભિનય કલા હોય પણ ઓળખાણ વગર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાન્સ મળતો નથી. ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે પણ મોટી લાગવગ જોઈએ. --- અંજલિ

# તારે ખરેખર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જવું છે ? તું રોહિતને હજુ ઓળખતી જ નથી. મારા પપ્પા પોતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ફાઇનાન્સ કરે છે. એક બે ફિલ્મમાં પણ એમણે ફાઇનાન્સ કર્યું હતું. તને ફિલ્મોમાં કામ અપાવવું મારા ડાબા હાથનો ખેલ છે. પપ્પાની કેટલી બધી ઓળખાણો છે !------- રોહિત

# વાઉ ! શું વાત કરો છો ? તમારા પપ્પાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખાણ છે ? ----- અંજલિ

# તો શું ? અને હું પપ્પાને કહું અને તને રોલ ના મળે એવું બને જ નહીં. હા અત્યારે તારી ઉંમર થોડી નાની છે એટલે હિરોઈન ના બની શકે પણ ફિલ્મમાં કામ કરવાની તક તો મળે જ. ટીવી સિરિયલમાં પણ કામ અપાવી દઉં -------- રોહિત

આવા સંવાદો થયા પછી અંજલિએ મુંબઈ જવાનો નિર્ણય પાક્કો કરી નાખ્યો. છતાં મુંબઈ ગયા પછી રહેવું ક્યાં ? રોહિત સિવાય એને કોઈની પણ ઓળખાણ ન હતી. એટલે એ બાબતે એણે એક દિવસ રોહિત સાથે સીધી ફોન ઉપર જ ચર્ચા કરી.

"તમે આટલી બધી ખાતરી આપો છો તો મને મુંબઈ આવવાની ઈચ્છા થઈ છે. પરંતુ ત્યાં તો હું કોઈને ઓળખતી પણ નથી તો પછી ત્યાં આવીને મારા રહેવાનો મોટો પ્રોબ્લેમ થાય ને ? " અંજલિ બોલી.

" હું અહીં બેઠો છું ત્યાં સુધી આવો સવાલ તારે કરાય જ નહીં અંજલિ. તું જો મને આટલો પ્રેમ કરતી હોય અને હું તારા રહેવાની વ્યવસ્થા ના કરું એવું બને ખરું ? તારા માટે હું ભાડાનો ફ્લેટ લઈ આપીશ. મારા ઘરે પણ મમ્મી પપ્પા સાથે તારી ઓળખાણ કરાવીશ. મારા પપ્પા આધુનિક વિચારના છે. ભવિષ્યમાં આપણે લગ્ન પણ કરી શકીશું. " રોહિત બોલ્યો.

" ખરેખર રોહિત ? તમે મને એટલો બધો પ્રેમ કરો છો ? " અંજલિ લાગણીશીલ થઈને બોલી.

" એ તો તું જ્યારે મુંબઈમાં આવીશ ત્યારે તને સમજાશે કે રોહિત તારા માટે શું શું કરી શકે છે ! મારી અંજલિને હિરોઈન તરીકે જોવાનું મારું સપનું છે. હીરોઇન બન્યા પછી અનેક હિરોના સંપર્કમાં તારે આવવું પડશે. ત્યારે તું મને છોડી તો નહીં દે ને ! " રોહિત પોતાની માયાજાળ ફેલાવી રહ્યો હતો.

"તમે આ કેવી વાત કરો છો રોહિત ? તમે તો મારી લાઈફ બનાવી રહ્યા છો. તમને રૂબરૂ મળવા માટે મન બેચેન થઈ ગયું છે. તમે મને કેટલો બધો પ્રેમ કરો છો ! હું ખૂબ જ નસીબદાર છું. તમારી અંજલિ તમને મળવા માટે હવે બહુ જલ્દી મુંબઈ આવશે. આઈ લવ યુ જાન " અંજલિ ભાવુક થઈને બોલી.

એ પછીના એક મહિનામાં જ અંજલિએ જેતપુર છોડીને મુંબઈ ભાગી જવાનો નિર્ણય લઈ લીધો. એ હિરોઈન બનવાનાં સપનાં જોવા લાગી.

એક દિવસ સ્કૂલમાં જવાના બદલે જેતલસર જંકશન પહોંચી ગઈ અને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસનું મુંબઈ સુધીનું અઠવાડિયા પછીની તારીખનું રિઝર્વેશન કરાવી લીધું.

આગલા દિવસે એ ઘણા બધા મનોમંથનમાં પડી ગઈ. ઘરેથી કપડાંની બેગ લઈને નીકળવું કેવી રીતે ? એ શક્ય જ ન હતું એટલે છેવટે પહેર્યા કપડે ઘર છોડી દેવાનો નિર્ણય લીધો. હાથમાં પૈસા હશે તો કપડાં અને બેગ તો ગમે ત્યાંથી ખરીદી લેવાશે.

એને ખબર હતી કે એના પપ્પાના કબાટમાં હંમેશા પચાસ હજાર કે લાખ પડ્યા જ રહેતા હતા. કબાટના લોકરની ચાવી પણ કબાટમાં જ રહેતી હતી. એણે આગલા દિવસે ઘરે કોઈ ન હતું ત્યારે કબાટમાંથી ૨૫૦૦૦ કાઢી લીધા અને પોતાની સ્કૂલબેગમાં મૂકી દીધા.

રસ્તામાં વાપરવા માટે ૧૦૦ ૧૦૦ ની બીજી પાંચ નોટો સ્કૂલ બેગના આગળના ખાનામાં મૂકી. સ્કૂલ બેગમાંથી પુસ્તકો અને નોટો બહાર કાઢીને જીન્સનું એક પેન્ટ અને એક ટોપ તથા એક કુર્તી ગોઠવી દીધાં. અંડર ગારમેન્ટ પણ લઈ લીધાં.

બીજા દિવસે સવારે સ્કૂલે જવાનો ટાઈમ થયો ત્યારે સ્કૂલ બેગ ખભે ભરાવી મમ્મી પપ્પા ને રોજની જેમ જય શ્રી કૃષ્ણ કહીને એ સ્કૂલે જવા નીકળી પડી. હજુ સવારના ૭ વાગ્યા હતા અને ટ્રેઈન દોઢ વાગે આવતી હતી એટલે આટલા વહેલા જેતલસર પહોંચવાનો કોઈ મતલબ ન હતો.

એણે સ્કૂલમાં ત્રણ ચાર પીરીયડ ભર્યા અને પછી લગભગ ૧૧ વાગે એ સ્કૂલમાંથી નીકળી ગઈ.

જેતલસર જંકશન નજીક હોવાથી રીક્ષા શટલ ચાલતાં જ હતાં. એણે આજુબાજુ જોઈ લીધું કે રિક્ષામાં બેસનારાં બીજાં પેસેન્જર્સમાં કોઈપણ ઓળખીતું ન હતું એટલે એ પણ બેસી ગઈ. સ્કૂલ યુનિફોર્મ પહેરેલો હતો એટલે કદાચ કોઈ જોઈ જાય તો પણ એને કોઈ ચિંતા ન હતી.

જેતલસર જંકશન ઉતરીને સાડા અગિયાર વાગે એ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર છેવાડાના એક બાંકડા ઉપર બેઠી. મોંઢે અને માથે દુપટ્ટો વીંટાળી દીધો હતો એટલે કોઈ એને ઓળખી શકવાનું ન હતું. બધી જ તૈયારી એણે કરી દીધી હતી.

એની ઈચ્છા સ્કૂલનો યુનિફોર્મ કાઢીને , જીન્સ ટોપ પહેરવાની હતી પરંતુ એને બદલવાનો એવો કોઈ ચાન્સ ના મળ્યો. છેવટે ટ્રેનમાં જ ટોયલેટમાં જઈને ડ્રેસ બદલી લેવાનું એણે નક્કી કર્યું.

હજુ તો બાર વાગ્યા હતા અને ટ્રેઈન છેક દોઢ વાગે આવવાની હતી. એને ભૂખ લાગી હતી. સ્ટેશન ઉપર જમવાની કોઈ વ્યવસ્થા ન હતી. પ્લેટફોર્મ ઉપર એક નાનકડો સ્ટોલ હતો જ્યાં ચા બની રહી હતી અને ટ્રેઈન આવવાની હોવાથી મેથીના ગોટાનો લોટ બંધાઈ રહ્યો હતો.

આમ તો એણે રિક્ષામાં બેસતાં પહેલાં પારલે બિસ્કીટનું એક પેકેટ, ખારી સિંગનું એક નાનું પેકેટ અને પાણીની બોટલ લઈ લીધાં હતાં. છતાં અત્યારે એ બધું ખાવાની ઈચ્છા ન હતી. ટ્રેઈન આવે એટલે થોડા ગરમ ગોટા લઈને જ ટ્રેઈનમાં ચડવું એવું એણે નક્કી કર્યું.

એણે બાંકડા ઉપર બેઠાં બેઠાં ટાઈમ પાસ કરવા માટે રોહિતને ફોન લગાવ્યો.

" રોહિત હું અંજલિ. તમને મળવા માટે ઘરેથી પહેર્યા કપડે નીકળી ગઈ છું. અત્યારે સ્ટેશન ઉપર જ છું. કાલે વહેલી સવારે ટ્રેન મુંબઈ પહોંચશે. તમે સ્ટેશન ઉપર આવશો ને ? કારણકે હું તો પહેલી વાર આવું છું અને મુંબઈ તો કેવડું મોટું છે !! " અંજલિ બોલી.

" અરે વાહ તેં તો સરપ્રાઈઝ આપ્યું. ચોક્કસ આવીશ ! તને મળવા માટે હું પોતે પણ કેટલો બધો બેચેન છું ! આઈ એમ સો એક્સાઇટેડ !! તું બોરીવલી સ્ટેશને ઉતરી જજે. તારો કોચ નંબર કયો છે ? " રોહિત બોલ્યો.

" એસ-૩ " અંજલિએ જવાબ આપ્યો.

" ઓકે ડાર્લિંગ. હું સીધો પ્લેટફોર્મ ઉપર આવીશ. મારી રાહ જોજે. " રોહિત બોલ્યો.

એ પછી અંજલિએ લગભગ ૧૫ ૨૦ મિનિટ સુધી રોહિત સાથે પ્રેમાલાપ કર્યો અને કલ્પનાઓમાં એવી ખોવાઈ ગઈ કે ટ્રેઈન આવવાનું એનાઉન્સમેન્ટ થયું ત્યારે ખબર પડી કે ટ્રેઈન હવે આવી રહી છે.

અંજલિ ઝડપથી પોતાની બેગ ખભે ભરાવીને ઊભી થઈ અને દોડીને સ્ટોલ ઉપર ગઈ અને ૧૦૦ ગ્રામ મેથીના ગોટા લઈ લીધા. એ પછી આગળ જઈને એસ-૩ નંબરના ઇન્ડિકેટર નીચે જઈને ઉભી રહી. થોડી જ મિનિટોમાં ટ્રેઈન આવીને ઊભી રહી. એ ફટાફટ કોચમાં ચડી ગઈ. એના સદનસીબે એની સીટ સાઈડ લોઅર હતી. એણે પોતાની સ્કૂલ બેગ સીટની નીચે મૂકી દીધી.

ટ્રેઈન અહીં દસેક મિનિટ ઊભી રહેતી હતી. હજુ ટ્રેઈનમાં કોઈ ખાસ ભીડ ન હતી. ટ્રેઈન રાજકોટથી ભરાતી હતી. અંજલિએ મેથીના ગોટા ખાઈ લીધા અને ઉપર પાણી પી લીધું.

ટ્રેઈન ઉપડી એટલે એણે બેગમાંથી જીન્સ અને ગુલાબી ટોપ બહાર કાઢયાં અને ઝડપથી ટોયલેટમાં ગઈ. અંદર જઈને સાંકડી જગ્યામાં મહા પરાણે એણે કપડાં બદલ્યાં.

કપડાં બદલીને એ પોતાની સીટ ઉપર આવીને બેસી ગઈ અને સ્કૂલ બેગના આગળના ખાનામાંથી ૩૦૦ રૂપિયા અને ટ્રેઈનની ટિકિટ કાઢી જીન્સના પોકેટમાં મૂક્યાં. સ્કૂલ યુનિફોર્મ બેગમાં મૂકી દીધો.

એ પછી થોડી વારમાં જ અંજલિની મમ્મીનો ફોન આવ્યો. રોજ બપોરે એક વાગ્યા સુધીમાં અંજલિ ઘરે પહોંચી જતી હતી જ્યારે આજે પોણા બે થયા છતાં પણ હજુ સુધી એ ઘરે નહોતી પહોંચી. મમ્મીનો ફોન આવ્યો એટલે અંજલિ ટેન્શનમાં આવી ગઈ.

હવે ફોન ચાલુ રાખવામાં જોખમ હતું. પોતે તો ઘરેથી કાયમ માટે ભાગી નીકળી હતી એટલે વાત તો થાય એમ હતી જ નહીં. જો ફોન ચાલુ રાખું અને પપ્પા પોલીસ કમ્પ્લેન કરે તો મારું લોકેશન પકડાઈ જાય. ના ના એ જોખમ તો ભૂલે ચૂકે પણ ના લેવાય. આ નંબર મારે કાયમ માટે બંધ જ કરી દેવો પડશે. રોહિતને કહીને નવો નંબર લેવો પડશે. પરંતુ અત્યારે તો ફોન સ્વીચ ઓફ જ કરી દઉં - અને એણે ફોન સ્વીચ ઓફ કરી દીધો.

ટ્રેઈન ઝડપથી મુંબઈ તરફ ભાગી રહી હતી. ટ્રેઈનની સાથે સાથે અંજલિનું મન પણ રોહિત તરફ ભાગી રહ્યું હતું. ટ્રેઈન કરતાં પણ કદાચ એના વિચારોની ઝડપ વધુ હતી ! એ રંગીન સપનામાં ખોવાઈ ગઈ હતી !!

સ્ટેશન ઉપર તો બહુ બધી ભીડ હોય પરંતુ ઘરે જઈને હું એને વળગી પડીશ. રોહિત અને હું ! કેવું રોમાંચક હશે અમારું એ પ્રથમ મિલન ! બસ એકબીજામાં સમાઈ જઈશું !! - અંજલિ વારંવાર વિચારોમાં ખોવાઈ જતી હતી.

અને આ વિચારોમાં રાજકોટ પણ આવી ગયું. ત્રણ વાગી ગયા હતા. ચા વાળો નીકળ્યો એટલે અંજલિએ એક કપ ચા પી લીધી.

રાજકોટથી ત્રણ જણનું એક ફેમિલી એના જ કમ્પાર્ટમેન્ટમાં આવ્યું. મોટી ઉંમરનાં એક આંટી એની બાજુની સીટ ઉપર બેસી ગયાં જ્યારે અંકલ અને એમની દીકરી સામેની સીટ ઉપર બેઠાં.

"ક્યાં જવું છે બેબી ? " બાજુમાં બેઠેલાં આંટીએ અંજલિને સવાલ કર્યો.

" મુંબઈ " અંજલિએ એકાક્ષરી જવાબ આપ્યો.

" એકલી જ છો ? " આંટીએ ફરી સવાલ કર્યો.

" હા આંટી " અંજલિએ ફરી ટૂંકો જવાબ આપ્યો. એણે આવા સવાલોની અપેક્ષા નહોતી રાખી એટલે શું જવાબ આપવો એ એને ખબર નહોતી પડતી.

ઈશ્વરે અંજલિની પ્રાર્થના સાંભળી હોય કે ગમે તેમ પણ એ પછી આંટીએ કોઈ સવાલ કર્યો નહીં.

સાંજે હવે શું જમવું એના વિશે અંજલિ મુંઝાતી હતી. એણે આખા દિવસમાં એક જ વાર મેથીના થોડા ગોટા જ ખાધા હતા. હવે સાંજ પડવા આવી એટલે એને ફરી ભૂખ લાગી. છતાં એણે છ વાગ્યા સુધી ભૂખને દબાવી રાખી. ટ્રેઈનમાં એક વડાપાઉં વેન્ડર આવ્યો એટલે એને થોડી રાહત થઈ. એણે તરત જ એક વડાપાઉં લઈને ખાઈ લીધું.

થોડીવાર પછી પેન્ટ્રી કારનો એટેન્ડર
જમવાના ઓર્ડર લેવા માટે આવ્યો.

" ચલો રાત કા ખાના બોલો ભાઈ. ખાના...ખાના... " બોલતો બોલતો એ દરેક કમ્પાર્ટમેન્ટમાં આગળ વધતો હતો. કેટલાક પેસેન્જર જમવાનું મંગાવતા પણ હતા.

અંજલિએ પણ જમવાનો ઓર્ડર લખાવી દીધો. આ બધા અનુભવો એના માટે નવા હતા. અત્યાર સુધીની જિંદગીમાં એ પહેલીવાર એકલી લાંબી યાત્રાએ નીકળી હતી એ પણ ૧૩ ૧૪ વર્ષની ઉંમરે.

સાડા આઠ વાગે અમદાવાદ આવી ગયું. અંજલિની ઈચ્છા હતી કે સ્ટેશન ઉપર જઈને થોડોક નાસ્તો લઈ આવું પરંતુ ટ્રેઈનમાં જમવાનું લખાવ્યું હતું એટલે એ અટકી ગઈ.

અમદાવાદથી ટ્રેઈન ઉપડી ગયા પછી ૧૫ મિનિટમાં જ ઑર્ડર લેનારો માણસ જમવાની ડીશો લઈને આવ્યો. એણે લખેલા સીટ નંબર પ્રમાણે એ ડીશો આપતો હતો. અંજલિની સીટ પાસે આવીને અંજલિના હાથમાં પણ જમવાની ડીશ આપી દીધી.

અંજલિને ભૂખ બરાબરની લાગી હતી. એણે ફટાફટ ફોઇલ રેપર દૂર કરીને ડીશ ખુલ્લી કરી. બે પરોઠા, દાળ, ભાત, પનીર ભૂરજી, દહીં વગેરે જોઈને અંજલિ ખુશ થઈ ગઈ. આખા દિવસનું અત્યારે એણે ધરાઈને ખાધું.

અડધા કલાક પછી એટેન્ડર આવીને ખાલી ડીશ અને પેમેન્ટ લઈ ગયો.

રાતના ૧૦ વાગવા આવ્યા હતા. બધાં પેસેન્જર્સ સૂવાની તૈયારી કરવા લાગ્યાં.

" બેટા મારાથી ઉપર ચડાશે નહીં. તું ઉપરની બર્થ ઉપર સૂઈ જઈશ ? " બાજુમાં બેઠેલાં આંટી બોલ્યાં. એમનું શરીર જરા ભારે હતું.

" હા આંટી. તમે નીચે સૂઈ જાવ. તમારે કયા સ્ટેશને ઉતરવાનું છે ? " અંજલિએ પૂછ્યું.

" અમે સાન્તાક્રુઝ રહીએ છીએ એટલે બાંદ્રા ઉતરીશું. " આંટી બોલ્યાં.

" મને બોરીવલી આવે એટલે ઉઠાડી દેજો ને ? " અંજલિ બોલી.

"ભલે બેટા તું તારે શાંતિથી સૂઈ જા." આંટી બોલ્યાં.

અંજલિએ પોતાની સ્કૂલબેગ ઉપરની બર્થ ઉપર લઈ લીધી કારણ કે એમાં જોખમ હતું. બેગને ઓશીકાની જેમ માથે રાખીને એ સૂઈ ગઈ.

વહેલી સવારે સાડા ચાર વાગે બોરીવલી સ્ટેશન આવી ગયું એટલે આંટીએ અંજલીને ઉઠાડી દીધી.

અંજલિ પોતાની સ્કૂલબેગ ખભે ભરાવીને ઝડપથી ટ્રેનમાંથી ઉતરી ગઈ.
નીચે ઉતરીને એણે આજુબાજુ જોયું પણ પ્લેટફોર્મ ઉપર રોહિત દેખાયો નહી.

હજુ સાડા ચાર વાગ્યા છે. વહેલા ઉઠી શક્યા નહીં હોય એટલે મોડા પડ્યા લાગ્યા છે. મારે અહીં જ એમની રાહ જોવી જોઈએ - એમ વિચારીને અંજલિ પ્લેટફોર્મ ઉપર ગોઠવેલા એક બાંકડા ઉપર સ્કૂલબેગને ખોળામાં લઈને શાંતિથી બેઠી.

પરોઢના પાંચ વાગ્યા. હજુ પણ રોહિત આવ્યો ન હતો. અંજલિએ એને ફોન કરવાનો વિચાર કર્યો. પરંતુ યાદ આવ્યું કે ફોન તો સ્વીચ ઓફ છે.

મારે આવતાં મોડું થશે એમ કહેવા માટે કદાચ રોહિતે પણ મને ફોન કર્યો જ હશે પરંતુ મારો ફોન જ સ્વીચ ઓફ છે એમાં એનો શું વાંક ? મારે રાહ જોયા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી.

સાડા છ વાગે અજવાળું થઈ ગયા પછી રોહિત અને એનો ફ્રેન્ડ વિરારથી લોકલ ટ્રેનમાં બોરીવલી આવ્યા. બંને ચાલતા ચાલતા ચાર નંબરના પ્લેટફોર્મ ઉપર આવ્યા અને દૂરથી ખૂબસૂરત અંજલિને બાંકડા ઉપર બેઠેલી જોઈ.

" ક્યા માલ ઉઠાકે લાયા હૈ ભાઈ તુ તો ! માન ગયે યાર !! તુ તો સાલા કડકા હૈ. કૈસે પટા લિયા ઈસકો ?" રોહિતની સાથે આવેલો મવાલી જેવો લાગતો છોકરો બોલ્યો.

"તુ ઉસકે નજદીક જાકર ઉસકો બરાબર દેખ લે ઔર ફિર નિકલ જા. ભાઈ કો ઇસકે બારેમે બતા દેના. મૈ ભી એક દો દિન મેં ઉસકે કુછ અચ્છે ફોટોઝ નીકાલ કે ભેજતા હું. બહોત પૈસે મિલેંગે. તેરે રૂમ પે મેં ઇસકો ઠહેરાતા હું. રૂમકી ચાબી મુજે દે દે. છ સાત દિન તુમ બાહર હી રહેના. કોઈ જલ્દબાજી નહીં કરની હૈ." રોહિત બોલ્યો.

પેલો મવાલી જેવો છોકરો રોહિતના હાથમાં ચાવી આપીને આગળ નીકળી ગયો અને સાઈડમાં ઊભા રહીને અંજલિને બરાબર જોઈ લીધી. પછી વિરાર જતી લોકલ ટ્રેઈનમાં બેસી ગયો.

રોહિત અંજલિને હવે કેવી રીતે પોતાની માયાજાળમાં ફસાવવી એની બરાબર તૈયારી કરીને ધીમે ધીમે અંજલિ તરફ આગળ વધ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED