પ્રારંભ - 67 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 67

પ્રારંભ પ્રકરણ 67

"તમે જો જેતપુર આવી શકતા હો તો રાજકોટ સુધીની જવા આવવાની ફ્લાઇટની ટિકિટ મોકલું અને રાજકોટ ગાડી લઈને સામે લેવા આવું. પ્રોબ્લેમ ઘણો મોટો છે કેતનભાઇ. તમે આવી જાઓ તો સારું. તમારો કોઈ ચાર્જ થતો હોય તો પણ આપવા તૈયાર છું." જીતુ બોલ્યો.

કેતન અને જીતુ ૮ ૯ મહિના પહેલાં ટ્રેનમાં ભેગા થયા હતા. જીતુ એ વખતે એના સાળાનાં અસ્થિ પધરાવવા હરિદ્વાર જઈ રહ્યો હતો. જીતુની પત્નીને પ્રેગ્નન્સી નહોતી આવતી. એ વખતે કેતને જીતુને કહેલું કે છ મહિના પછી તારી વાઈફ પ્રેગ્નેન્ટ થશે અને એના ગર્ભમાં તારો જે સાળો રમેશ ગુજરી ગયો છે એનો જ આત્મા પ્રવેશ કરશે.

કેતનના કહેવા પ્રમાણે જીતુની વાઈફ છ મહિના પછી પ્રેગ્નન્ટ થઈ હતી એટલે જીતુનો વિશ્વાસ કેતનમાં વધી ગયો હતો. કેતને ટ્રેનમાં જીતુના સાળા રમેશના આત્મા સાથે વાતચીત પણ કરી હતી એટલે જીતુ કેતનને બરાબર ઓળખી ગયો હતો કે આ માણસમાં ઘણી બધી વિશેષ શક્તિઓ છે.

એટલે જીતુએ કેતનને પ્રેગ્નન્સીના સારા સમાચાર આપવા અને સાથે બીજા એક મોટા પ્રોબ્લેમ માટે કેતનને ફોન કરીને જેતપુર આવવા માટે રિક્વેસ્ટ કરી હતી. કેતને સાંજ સુધી વિચારીને કહીશ એવો જવાબ આપ્યો હતો.

" જીતુભાઈ હું કેતન બોલું. તમારી વાત ઉપર મેં વિચાર કર્યો. હું જેતપુર આવવા માટે તૈયાર છું. કાલે સવારે ૧૧:૧૫ વાગે હું ઇન્ડિગોનું ફ્લાઇટ પકડીશ અને લગભગ ૧૨:૩૦ વાગે રાજકોટ એરપોર્ટ પહોંચી જઈશ." કેતન બોલ્યો.

" પધારો પધારો સાહેબ. તમે અમારું અડધું ટેન્શન ઓછું કરી દીધું. મારો અહીંયા ભાદર રોડ ઉપર ચાંદની ચોક પાસે બાઈકનો શોરૂમ છે. હું જાતે જ ગાડી લઈને તમને એરપોર્ટ ઉપર લેવા આવીશ. " જીતુ બોલ્યો.

કેતને સાંજે જાનકીને કહી દીધું કે કાલે એક કામ માટે જેતપુર જવું પડશે.

" જેતપુર કે જોધપુર ? " જાનકી બોલી.

" જોધપુર નહીં જેતપુર. રાજકોટથી જુનાગઢના રસ્તે આવે. " કેતન બોલ્યો.

" એવું તે કયું કામ છે કે તમારે છેક જેતપુર જવું પડે ? " જાનકી બોલી.

"કામ તો મને પણ ખબર નથી જાનકી. બસ માનવતાને ખાતર હું જઈ રહ્યો છું. હું કોઈની પણ લાગણી દુભાવી શકતો નથી. જીતુ સાથે મારો માત્ર કલાકોનો જ પરિચય છે પરંતુ એને મારી પાસેથી ઘણી આશા છે એટલે એના આમંત્રણનો મેં સ્વીકાર કર્યો. " કેતન બોલ્યો.

" ઠીક છે તમે જઈ આવો. પરંતુ જતાં પહેલાં મમ્મી-પપ્પાને પણ વાત કરજો." જાનકી બોલી.

" પપ્પા આવતીકાલે સવારે ૧૧ ની ફ્લાઈટમાં હું રાજકોટ જાઉં છું અને ત્યાંથી જેતપુર. મારા એક મિત્રનો ફોન હતો એને મારું કંઈક અરજન્ટ કામ છે. " રાત્રે જમતી વખતે કેતન બોલ્યો.

"એવું તે શું કામ છે કે તને છેક જેતપુર લાંબો કરે છે ? એણે કામ તો કહ્યું હશે ને ? " જયાબેન બોલ્યાં.

" કામ તો મેં પૂછ્યું પણ નથી મમ્મી. એને મારા પ્રત્યે માન છે. એણે મને જેતપુર બોલાવવા માટે સ્પેશિયલ ફોન કર્યો અને વિનંતી પણ કરી. જવા આવવાની ફ્લાઇટની ટિકિટ ખર્ચે છે. હું એને નારાજ કઈ રીતે કરું ? " કેતન બોલ્યો.

" તારો કોઈ ફ્રેન્ડ જેતપુરમાં રહેતો હોય એવું તો મેં આજે પહેલી વાર સાંભળ્યું. તું જામનગર રહેતો હતો તો ત્યાં કદાચ કોઈ ભાઈબંધ હોય પણ જેતપુરમાં કેવી રીતે હોઈ શકે ? " જયાબેન બોલ્યાં.

"મેલ ને આ બધી પંચાત !! એ જતો હોય તો જવા દે. બિચારો આપણને ખાલી જણાવે છે કે હું કાલે જેતપુર જવાનો છું. " જગદીશભાઈ સહેજ ખીજાઈને બોલ્યા.

કેતને મનસુખ માલવિયાને સવારે નવ વાગે ઘરે બોલાવી લીધો અને ૯:૩૦ વાગે એરપોર્ટ જવા માટે નીકળી ગયો. પાર્લાથી એરપોર્ટ બહુ દૂર નથી એટલે દસ વાગ્યા પહેલાં તો એ પહોંચી પણ ગયો. બોર્ડિંગ પાસ, સિક્યુરિટી વગેરે પતાવી એ આરામથી લોન્જમાં જઈને બેઠો.

એણે બેઠાં બેઠાં ફરી જેતપુર ઉપર ફોકસ કર્યું તો ફરીથી એને ૧૩ ૧૪ વર્ષની એક યુવાન છોકરી દેખાઈ.

૧૧ વાગે રાજકોટ જવાના ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થયું એટલે કેતને બધાની સાથે લાઈનમાં ઊભા રહીને ફ્લાઈટમાં પ્રવેશ કર્યો અને પોતાની સીટ લીધી.

બપોરે ૧૨:૩૦ વાગે ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ ઉપર પહોંચી ગયું. કેતન જેવો એરપોર્ટની બહાર નીકળ્યો કે એણે જીતુને ઓળખી લીધો. જીતુએ પણ સામે હાથ હલાવ્યો.

" તમે મારું માન રાખીને આવ્યા એનો મને ખૂબ જ આનંદ થયો. કેસ જ એવો સિરિયસ છે કે મારે તમને અહીં સુધી બોલાવવાની તકલીફ આપવી પડી. " જીતુ બોલ્યો અને એણે કેતનના હાથમાંથી ટ્રાવેલિંગ બેગ લઈ લીધી.

જીતુ કેતનને પાર્કિંગમાં પડેલી પોતાની ગાડી પાસે લઈ ગયો.

" સૌથી પહેલાં આપણે જમી લઈએ. અહીં ભાભા ડાઇનિંગ હોલ જમવા માટે સારો છે. જમીને પછી આપણે જેતપુર જવા માટે નીકળી જઈએ. " ગાડીમાં બેઠા પછી જીતુ બોલ્યો.

" તમે જ્યાં લઈ જાઓ ત્યાં. અત્યારે તો હું તમારા ભરોસે છું. " કેતન હસીને બોલ્યો.

" અરે સાહેબ એવું બોલીને મને શરમાવશો નહીં. તમે બહુ મોટા માણસ છો. છેક મુંબઈથી આવો છો અને જમવાનો સમય પણ થઈ ગયો છે એટલે સૌથી પહેલાં જમાડવાની મારી ફરજ છે. " કહીને જીતુએ પોતાની ગાડી ભાભા ડાઇનિંગ હોલ તરફ લીધી.

"અહીં ગ્રાન્ડ ઠાકર પણ ફેમસ છે. હું એક બે વાર ત્યાં જમેલો છું " કેતન બોલ્યો. એને પોતાનું માયાવી જગત યાદ આવ્યું જ્યાં એ અસલમ શેખ સાથે બે વાર ગ્રાન્ડ ઠાકરમાં જમવા ગયો હતો.

" અરે તો પછી બોલતા કેમ નથી ? આપણે ગ્રાન્ડ ઠાકરમાં જઈએ. તમારી જ્યાં ઈચ્છા હોય ત્યાં લઈ જાઉં. હુકમ કરો ને સાહેબ ! " જીતુ બોલ્યો.

"અરે ના ના હું એવું નથી કહેતો. તમારે જ્યાં લેવી હોય ત્યાં જ લેજો. આ તો મને યાદ આવ્યું કે હું ગ્રાન્ડ ઠાકરમાં જમેલો છું. તમે ભાભામાં જ લઈ લો. એનો પણ સ્વાદ આજે જોઈ લઈએ. " કેતન હસીને બોલ્યો.

જીતુએ પોતાની ગાડી પંચનાથ રોડ ઉપર આવેલા ભાભા ડાઈનિંગ હોલ તરફ લીધી. ભાભામાં પહોંચીને કાઉન્ટર ઉપર પૈસા ચૂકવી કુપન લઈને બંને જમવા માટે બેઠા.

જમતાં જમતાં કેતને અસલમ શેખને ફોન કર્યો. ઘણા સમયથી એને મળ્યો ન હતો એટલે એકવાર એને મળવાની ઈચ્છા પણ હતી.

" અસલમ કેતન બોલું. અત્યારે તારા રાજકોટમાં છું. " કેતન બોલ્યો.

"તું ક્યાં છે બોલ ! હું અત્યારે જ તને લેવા માટે જાતે આવું છું. " અસલમ ખુશ થઈને બોલ્યો.

" અત્યારે તો એક મિત્રનો મહેમાન છું અને ભાભા ડાઇનિંગ હોલમાં જમવા માટે બેઠો છું. મિત્રની સાથે જેતપુર જઈ રહ્યો છું. એક બે દિવસમાં પાછો આવું ત્યારે તને રૂબરૂ મળવાની ચોક્કસ ઈચ્છા છે. તને મળ્યા વગર મુંબઈ જઈશ નહીં. " કેતને વચન આપ્યું.

" સારું હું તારી રાહ જોઈશ. અને જો તારે કે તારા મિત્રએ ડાઇનિંગ હોલમાં કોઈ પેમેન્ટ કરવાનું નથી. હું ભાભામાં ફોન કરીને કહી દઉં છું કે તમારા બંનેના જમવાના પૈસા લેવાના નથી. " અસલમ બોલ્યો. એણે કેતનને બોલવાની કોઈ તક આપી નહીં.

એ પછી થોડીવારમાં જ કાઉન્ટર પાસેથી એક વેઈટર કેતન અને જીતુ જે ટેબલ ઉપર જમતા હતા ત્યાં આવ્યો અને પૂછ્યું.

" તમે કેતનભાઇ ? " વેઈટર બોલ્યો.

" હા બોલો. " કેતન બોલ્યો.

"આ પૈસા. તમારા પૈસા લેવાના નથી" કહીને વેઈટરે જમવાની કુપન લેવાના જે પણ પૈસા કાઉન્ટર ઉપર આપ્યા હતા તે બધા ટેબલ ઉપર મૂક્યા.

" અરે પણ કેમ ? " જીતુ બોલ્યો.

" એ તમે કાઉન્ટર ઉપર પૂછી લેજો સાહેબ. " કહીને વેઇટર જતો રહ્યો.

બન્ને જણા જમીને કાઉન્ટર ઉપર ગયા અને પૈસા પાછા આપવાનું કારણ પૂછ્યું.

"ઉપરથી ફોન આવ્યો એટલે અમારાથી હવે તમારા પૈસા ના લેવાય. તમારા પૈસા અમને મળી ગયા. " કાઉન્ટર ઉપર બેઠેલો પ્રૌઢ માણસ બોલ્યો.

" ઉપરથી અમારા માટે વળી કોનો ફોન આવ્યો ? " જીતુ કંઈ સમજ્યો નહીં.

"જીતુભાઈ એ બધું વિચારવાનું છોડો. હવે આપણા પૈસા કોઈ નહીં લે. આપણે ગ્રાન્ડ ઠાકરમાં ગયા હોત તો ત્યાં પણ આવું જ બન્યું હોત . ભાઈ રાજકોટમાં અમારી થોડીક ઇજ્જત તો છે ! " કેતન હસીને બોલ્યો.

" અરે સાહેબ તમે થોડીક ઈજ્જતની વાત કરો છો ? તમારી તો એટલી બધી ઈજ્જત છે કે તમને જોઈને કોઈ પૈસા જ નથી લેતું. મને તો કંઈ સમજણ જ નથી પડતી કે તમારી એવી તે કેવી ઓળખાણ છે !! તમે પહેલીવાર ભાભામાં જમવા આવ્યા છો તોય અહીં તમને બધા ઓળખી ગયા !!" જીતુ ખરેખર ચકરાઈ ગયો હતો.

" મારી કોઈ જ ઓળખાણ નથી જીતુભાઈ. મારો ચહેરો જ કદાચ એવો હશે કે લોકો પૈસા લેતા જ નથી ! " કેતન હસીને બોલ્યો.

" ચાલો હવે નીકળીશું કેતનભાઇ ? દોઢ તો વાગી ગયો છે. " જીતુ બોલ્યો.

" હા હા મને કોઈ જ વાંધો નથી. નીકળી જઈએ. " કેતન બોલ્યો એટલે જીતુએ ગોંડલ હાઇવે તરફ ગાડીને ટર્ન આપ્યો.

એકાદ કલાક પછી વીરપુર આવ્યું ત્યારે જીતુએ જસ્ટ કેતનનું ધ્યાન દોર્યું.

"આ વીરપુર છે. જલારામ બાપાની જન્મભૂમિ છે. અહીં એમનું મંદિર પણ છે. અહીં કાયમ સદાવ્રત પણ ચાલે છે. જલારામ બાપા આજે પણ સાક્ષાત છે. " જીતુ બોલ્યો.

" તો પછી મંદિરે જ લઈ લો. આપણે આવા સાક્ષાત્કારી મહાત્માનાં દર્શન કરતા જઈએ. " કેતન બોલ્યો.

"અત્યારે અઢી વાગ્યા છે એટલે મંદિર બંધ હશે ચાર વાગે ખુલશે. વળતી વખતે તમને ચોક્કસ લઈ જઈશ. " જીતુ બોલ્યો.

" ઠીક છે " કેતન બોલ્યો પણ એણે બે મિનિટ માટે ઊંડા ધ્યાનમાં જઈને મનોમન જલારામ બાપાની દિવ્ય ચેતનાને વંદન કરી જ લીધાં.

" બસ હવે જેતપુર આવવાની તૈયારી છે. તમને હું હોટલ રાધિકામાં લઈ જઉં છું. ત્યાં પહોંચીને બધી જ વાત કરું છું. ચાલુ ડ્રાઈવિંગે વાત કરવાની મજા ના આવે. " જીતુ બોલ્યો.

" મને કોઈ જ પ્રોબ્લેમ નથી. આપણે હોટલ ઉપર જઈને જ બધી વાત કરીએ. " કેતન બોલ્યો.

" સાહેબ આપણે થોડી થોડી ચા પી લઈએ. આ જગ્યાએ ચા સારી મળે છે." જીતુ બોલ્યો.

જેતપુર પહેલાં પહેલાં જ એક નાનકડી હાઈવે હોટલ આગળ જીતુએ ગાડી સાઈડમાં દબાવી. એ હોટલવાળો જીતુને ઓળખતો હતો. જીતુ જ્યારે પણ અહીંથી નીકળતો ત્યારે ચા અવશ્ય પીતો.

" હમણાં જમ્યા છીએ એટલે ચા પીવાની બહુ ઈચ્છા તો નથી છતાં તમને કંપની આપવા ચોક્કસ પી લઉં છું. " કેતન બોલ્યો.

" સાહેબ અમારે શો રૂમમાં બબ્બે કલાકે થોડી થોડી ચા પીવા જોઈએ. એક આદત પડી ગઈ છે." ગાડીમાંથી નીચે ઉતરીને જીતુ બોલ્યો અને બે ચા નો ઓર્ડર આપ્યો. જો કે પેપરકપમાં આપેલી ચા તો અડધા કપ જેટલી જ હતી.

કેતનને ફરી મજાક સૂઝી એટલે એણે કાઉન્ટર ઉપર બેઠેલા માણસ ઉપર પોતાનું ધ્યાન ફોકસ કર્યું.

ચા પીધા પછી બે કપ ચા ના પૈસા ચૂકવવા માટે જીતુ કાઉન્ટર ઉપર ગયો અને ૨૦ ની નોટ આપી.

"અરે આજે પૈસા નોં લેવાય. આજે તમારી ભેગા મે'માન છે જીતુભાઈ. તમે એકલા હો ત્યારે વાત જુદી છે. " હોટલવાળો બોલ્યો.

જીતુને ખબર નહોતી પડતી કે આજે આ બધું શું થઈ રહ્યું છે ! કેતનભાઇ મારી સાથે છે તો આજે કોઈ પૈસા જ લેતું નથી. આ હોટેલવાળાને વળી મારા મહેમાન સાથે શું લેવા દેવા !!

" કેતનભાઇ તમને જોઈને બધા પૈસા લેવાની કેમ ના પાડે છે ? રાજકોટમાં જમવાના પૈસા ના લીધા. અત્યારે મારા જ ગામમાં હોટલવાળો ચાના પૈસા લેવાની ના પાડે છે ! " જીતુ બોલ્યો.

"એનું તો મને પણ આશ્ચર્ય થાય છે. તમારા કાઠીયાવાડમાં મહેમાનગતિ વખણાય છે એવું સાંભળ્યું હતું. એનો આજે પ્રત્યક્ષ અનુભવ થયો ! " કેતન હસીને બોલ્યો. જીતુએ માથું ખંજવાળ્યું.

એ પછી બંને જણા પાછા ગાડીમાં ગોઠવાઈ ગયા. ગાડી સ્ટાર્ટ કરીને જીતુએ કોઈને ફોન લગાવ્યો.

" અંકલ જીતુ બોલું. સાહેબ આવી ગયા છે. ૧૫ ૨૦ મિનિટમાં રાધિકા હોટલ પહોંચી જઈશ. એમને બધી વાત કરી દઉં છું. હું તમને કહું પછી તમે હોટલ ઉપર આવજો. " જીતુ બોલ્યો.

જીતુએ કેતનને રોકાવા માટે રાધિકા હોટલ બુક કરાવી હતી એટલે ગાડી સીધી રાધિકા લઈ લીધી. રિસેપ્શન કાઉન્ટર ઉપરથી ચાવી લઈને જીતુ કેતનને પહેલા માળે ડીલક્ષ રૂમમાં લઈ ગયો.

" સાહેબ અહીં જેતપુરમાં તમારા મુંબઈ જેવી હોટલું નથી હોતી. અહીંની સારામાં સારી આ હોટલ છે. બધી જ સગવડ છે. તમને અહીં કોઈ તકલીફ નહીં પડે. " જીતુ બોલ્યો.

" જીતુભાઈ તમે મારી ચિંતા કરશો નહીં. તમારો આટલો ભાવ છે એ જ મારા માટે બહુ છે. ફાઈવ સ્ટાર હોટલ હોય કે ધર્મશાળા હોય મને કોઈ ફરક નથી પડતો. " કેતન બોલ્યો.

" હવે તમે બેસો. તમને શાંતિથી માંડીને બધી વાત કરું. " જીતુ બોલ્યો.

"સારા ઘરની ૧૩ ૧૪ વર્ષની કોઈ છોકરી ઘરેથી ભાગી ગઈ છે. " કેતન બોલ્યો.

" અરે તમે તો ખરેખર ત્રિકાળજ્ઞાની છો કેતનભાઇ. હવે મને વિશ્વાસ આવી ગયો કે તમે અંજલિને ચોક્કસ શોધી આપશો. " જીતુ બોલ્યો.

" હવે તમે મને શરૂઆતથી બધી જ વાત કરો. " કેતન બોલ્યો.

"મારા એક સંબંધી વિઠ્ઠલભાઈ વેગડા અહીં જેતપુરમાં જ રહે છે. અમારી પટેલ જ્ઞાતિમાં બહુ આગળ પડતા છે. જેમની સાથે મેં હમણાં જ ગાડીમાં વાત કરી હતી. એમની દીકરી અંજલિ સ્કૂલે જવા નીકળ્યા પછી આઠ દિવસથી ભાગી ગઈ છે. એનો મોબાઈલ પણ બંધ આવે છે. " જીતુ કેતનને બધી વાત કરી રહ્યો હતો.

" છેલ્લા આઠ દિવસમાં દોઢથી બે લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. પોલીસ કમ્પ્લેન પણ કરી છે. સૌરાષ્ટ્રની ન્યુઝ ચેનલોમાં અને અહીંનાં પેપરોમાં પણ આ સમાચાર આવી ગયા છે. કોઈ જગ્યાએથી એની ભાળ મળતી નથી. એના ફ્રેન્ડ સર્કલમાં પણ પૂછી જોયું. બે ત્રણ જ્યોતિષીઓને પણ બતાવી જોયું. ભુવાઓને પણ પૂછી જોયું. બધા જુદા જુદા જવાબો આપે છે." જીતુ બોલી રહ્યો હતો.

"મને અચાનક આપણી મુલાકાત યાદ આવી અને તમે મને જે અનુભવ કરાવ્યો એ બધું યાદ આવી ગયું એટલે પછી મેં અંકલને કહ્યું કે કેતનભાઇ સિવાય આનો ઉકેલ કોઈની પાસે નથી. અંકલ તરત તૈયાર થઈ ગયા અને મેં તમને ફોન કર્યો. બસ હવે તમારે અંજલિને શોધી આપવાની છે. તમારા ઉપર મને ખૂબ જ વિશ્વાસ છે." જીતુ બોલ્યો.

"ઠીક છે. તમે અંકલને બોલાવી લો." કેતન બોલ્યો.

" હમણાં જ બોલાવું. ૧૦ મિનિટમાં જ આવી જશે." જીતુ બોલ્યો અને એણે તરત જ વિઠ્ઠલભાઈ વેગડાને ફોન કર્યો.

દસેક મિનિટમાં જ વિઠ્ઠલભાઈ આવી ગયા.

"તમારી દીકરી અંજલિ અત્યારે મુંબઈમાં છે. હિરોઈન બનવાની ઘેલછામાં એ ઘર છોડીને ભાગી ગઈ છે. એ એક વર્ષથી મુંબઈના એક છેલબટાઉ છોકરાના ચક્કરમાં હતી. ફેસબુકથી પરિચય થયો હતો. એ છોકરાએ જ એને મુંબઈ બોલાવીને અત્યારે ફસાવી છે. એનો મોબાઇલ પણ લઇ લીધો છે. " વિઠ્ઠલભાઈ જેવા ખુરશી ઉપર બેઠા કે તરત જ કેતને ધડાકો કર્યો.

વિઠ્ઠલભાઈ તો પોતાની લાડકી દીકરી વિશેની કેતનની આવી વાત સાંભળીને સડક જ થઈ ગયા ! આઘાતથી રડવા જેવા થઈ ગયા !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)