પ્રારંભ પ્રકરણ 66
મનસુખ માલવિયાનો ફોન આવ્યા પછી કેતન ઝડપથી મહંત રોડ ઉપર જેઠવા નિવાસ પહોંચી ગયો હતો. એ બિલ્ડિંગમાં કનુભાઈ નામના એક વ્યક્તિએ આત્મહત્યા કરી હતી પરંતુ કેતને પોતાને મળેલી સંજીવનીવિદ્યા થી એમને જીવનદાન આપ્યું હતું.
એ પછી કનુભાઈએ જે ગુંડાના ત્રાસથી આત્મહત્યા કરી હતી એ રામચરણને બોલાવીને એને ધમકાવીને બાકીની તમામ રકમ માફ પણ કરાવી દીધી હતી.
આડોશપાડોશના જે લોકો કનુભાઈની રૂમ પાસે ભેગા થયા હતા એ બધા જ આશ્ચર્ય પામી ગયા હતા. આખાય માળામાં કેતન હીરો બની ગયો હતો.
"લો સાહેબ ચા પી લો. તમે તો આજે મારા માટે જે પણ કર્યું છે એ મારા જીવનનો સૌથી મોટો ચમત્કાર છે. આપ ક્યાં રહો છો અને અહીં અચાનક કેવી રીતે આવ્યા ?" ચાનો કપ કેતનના હાથમાં આપતાં કનુભાઈ બોલ્યા.
" તમારે આજે બચી જવાનું હશે એટલે હું નિમિત બની ગયો કનુભાઈ. તમારા પરિવારની નિરાધાર સ્થિતિની અને તમારી નાનકડી દીકરીની મારા ડ્રાઇવર મનસુખભાઈએ મને જાણ કરી એટલે જ હું દોડતો આવ્યો. મારું કંઈ પણ કામ હોય તો મારા આ ડ્રાઇવર મનસુખભાઈને જણાવી દેવાનું. એ મારા ખાસ માણસ છે." કેતન બોલ્યો.
બધાએ અહોભાવથી મનસુખભાઈની સામે જોયું. કેતનના કારણે માળામાં મનસુખભાઈની ઈજ્જત વધી ગઈ. કનુભાઈની આંખોએ મનસુખભાઈનો આભાર માન્યો. એમણે જો ફોન કરીને કેતનને બોલાવ્યો ના હોત તો કનુભાઈ આજે દુનિયા છોડી જ ચૂક્યા હતા.
આ પ્રસંગને બે જ દિવસ થયા હશે ત્યાં જયેશ ઝવેરીનો જામનગર થી ફોન આવ્યો.
" કેતનભાઇ કાલે બપોરે હું સૌરાષ્ટ્ર મેલમાં નીકળું છું અને પરમ દિવસે વહેલી સવારે મુંબઈ પહોંચી જઈશ તો તમે મને મારા ઘરનું એડ્રેસ મેસેજ કરી દો અને બની શકે તો મનસુખભાઈ ને બોરીવલી સ્ટેશને મોકલો. જરૂરી સામાન તો મારે અહીંથી ત્યાં લાવવો જ પડશે. " જયેશ બોલ્યો.
"તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જયેશ. મનસુખભાઈએ ગુજરાત સોસાયટીનું અમે રહેતા હતા એ મકાન જોયેલું જ છે એટલે તને સીધા તારા ઘરે જ લઈ જશે. મનસુખભાઈ ને બોરીવલી સ્ટેશને હું મોકલી દઈશ." કેતન બોલ્યો અને ફોન કટ કર્યો.
એ પછી કેતને મનસુખ માલવિયાને જયેશના આગમનની સૂચના આપી.
" મનસુખભાઈ જયેશ આવે છે એટલે હું જ્યાં રહેતો હતો એ ગુજરાત સોસાયટીના મકાનની તાત્કાલિક સાફસફાઈ કરવી પડશે. હમણાંથી અમે ત્યાં રહેતા નથી એટલે ઘરમાં બહુ જ ધૂળ ચડી હશે. તમે તમારાં વાઇફને ત્યાં લઈ જઈને થોડી સફાઈ કરી દો તો સારું " કેતન બોલ્યો.
" એ ચિંતા તમે છોડી દો શેઠ. બે કલાકનું કામ છે. મકાન એકદમ ક્લીન થઇ જશે. " મનસુખભાઈ બોલ્યા.
બે દિવસ પછી વહેલી સવારે જયેશ ઝવેરી મુંબઈ પહોંચી ગયો. બોરીવલી સ્ટેશનથી મનસુખ માલવિયા એને વિલે પાર્લે ગુજરાત સોસાયટીના ફ્લેટમાં લઈ ગયો.
" હજુ પાંચ વાગ્યા છે. એક દોઢ કલાક આરામ કરી લો. ઘરની સાફ સફાઈ મેં કરેલી જ છે. છ વાગ્યા પછી સોસાયટીની સામેના પાર્લરમાંથી દૂધ વગેરે મળી જશે. ચાલો હવે હું રજા લઉં. " મનસુખભાઈ બોલ્યા.
"કેતનભાઇનું કેમ ચાલે છે અહીંયાં ? કન્સ્ટ્રક્શનનું કોઈ કામ ચાલુ કરવાના હતા. એ શરૂ કર્યું કે નહીં ? કારણકે મેં એમને કંઈ પૂછ્યું નથી. " જયેશ બોલ્યો.
"કેતન શેઠની તો વાત જ જવા દો જયેશભાઈ. કન્સ્ટ્રક્શનનું કામ હજુ ચાલુ થયું નથી પરંતુ ૬૦૦૦ ચોરસ વારનો મોટો પ્લૉટ એમને મળી ગયો છે અને ખારમાં ગાર્ડન સાથેનો વિશાળ બંગલો પણ ખરીદી લીધો છે. એમણે અને સિદ્ધાર્થભાઈએ પાર્લામાં બે ફ્લેટ પણ લઈ લીધા છે. આપણે જે ગાડીમાં આવ્યા એ ગાડી પણ શેઠને ગિફ્ટમાં મળી છે. " મનસુખભાઈ બોલ્યા.
" કેતનભાઇ આમ પણ ગર્ભશ્રીમંત જ છે અને પહેલેથી જ રાજા માણસ છે. બંગલો અને ગાડી એમના માટે નવી વાત નથી. આટલો મોટો પ્લૉટ ખરીદી લીધો એ જ સમાચાર ગણાય. " જયેશ બોલ્યો.
"અરે જયેશભાઈ તમે સમજ્યા નહીં. હું એમ કહું છું કે બંગલો અને ગાડી ખરીદ્યા નથી. ગાડી એમને ગિફ્ટ મળી છે. અને બંગલો એમને સાવ સસ્તામાં મળી ગયો છે. અમેરિકા રહેતાં કોઈ મેડમ ઇન્ડિયા છોડીને કાયમ માટે અમેરિકા ગયાં ત્યારે ખાર લિંકિંગ રોડ ઉપરના બંગલાની ચાવી કેતન શેઠને આપતાં ગયાં." મનસુખભાઈ બોલ્યા.
" તો તો કેતનભાઈ નસીબદાર જ ગણાય. એનો અર્થ એ પણ થયો કે કેતનભાઇને મુંબઈ ફળ્યું છે. " જયેશ બોલ્યો.
"તમને એક બીજી વાત કહું તો કેતનભાઈ પાસે બહુ બધી શક્તિઓ છે. એમણે એક કેન્સર થયેલાં મેડમને સાજાં કરી દીધાં. મંદબુદ્ધિના બાળકને નોર્મલ કરી દીધો. મારા માળામાં રહેતા એક ભાઈએ હમણાં આત્મહત્યા કરી લીધી તો કેતનભાઇએ પાણી છાંટીને એમને જીવતા કરી દીધા. અરે અહીંના કોઈ મોટા ગુંડાને પણ એમણે વશ કરી દીધો. " મનસુખભાઈ બોલ્યા.
"આ બધી વાતો શક્ય જ નથી મનસુખભાઈ. તમે વધારી વધારીને વાત કરો છો. મરેલો માણસ જીવતો થાય જ નહીં. એનામાં થોડો જીવ રહી ગયો હોય તો પાણી છાંટવાથી ઘણીવાર ભાનમાં આવે. બાકી તમે કહો છો એવી કોઈ શક્તિઓ મેં તો કેતનભાઇ પાસે આજ સુધી જોઈ નથી. હા પૈસાના પાવરથી એ ઘણું બધું કરી શકે છે. " જયેશ બોલ્યો.
" જયેશભાઈ તમારે ના માનવું હોય તો ના માનો. આ તો મેં મારી સગી આંખે જોયેલું છે અને મારા બધા પડોશીઓ સાક્ષી છે. ડોક્ટરે પણ સર્ટીફીકેટ આપેલું કે એ મૃત્યુ પામી ચૂક્યા છે. કેતનભાઇએ બે મિનિટમાં એમને ઉભા કરી દીધા." મનસુખભાઈ બોલ્યા.
" મારા ગળે આ વાત ઉતરતી નથી છતાં મારે કોઈ દલીલ કરવી નથી. જે હશે તે. હવે તો હું આવી ગયો છું. જો એવી કોઈ શક્તિ હશે તો મને પણ ખબર પડશે. " જયેશે વાત ઉપર પૂર્ણવિરામ મૂક્યું.
વાતો કરતાં કરતાં સાડા પાંચ વાગી ગયા એટલે મનસુખભાઈ ત્યાંથી નીકળી ગયા.
થોડો આરામ કરી, ચા પાણી પી, ન્હાઈ ધોઈને જયેશે કેતનને સવારે ૧૦ વાગે ફોન કર્યો.
" કેતનભાઇ હું ઘરે આવી ગયો છું. મકાન મને ગમી ગયું. બહુ સરસ છે. એરિયા પણ આખો ગુજરાતી છે. હવે અત્યારે તમને મળવા આવું તો મળી શકશો ? " જયેશે પૂછ્યું.
" અરે જયેશ તારા માટે મારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા જ હોય. તારા ઘરથી મારું ઘર બહુ દૂર નથી. રીક્ષા કરીને દસ મિનિટમાં જ પહોંચી જઈશ." કેતન બોલ્યો.
" ઠીક છે તો પછી હું ૧૫ ૨૦ મિનિટ પછી નીકળું છું. ઘરે થોડું કરિયાણું, લોટ, શાકભાજી વગેરે લાવવું પડશે ને ? હાલ પૂરતું થોડુંક ખરીદીને ઘરે આપી દઉં એટલે રસોઈ ચાલુ થઈ જાય. " જયેશ બોલ્યો.
" કોઈ ચિંતા ના કર ભલે અડધો કલાક થાય. જે જરૂરી છે એ ખરીદી કરવી જ પડે. એક લિસ્ટ બનાવી દે. ઘી, ગોળ તેલ, મીઠું બધું જ જોઈશે. તું એકલો ના જતો. ભાભીને પણ સાથે લઈ જા. આ વિષય એમનો છે." કેતન બોલ્યો.
લગભગ ૪૦ મિનિટ પછી રીક્ષા કરીને જયેશ કેતનના ઘરે આવ્યો. એની પાસે કેતનનું નવું એડ્રેસ હતું એટલે રિક્ષા સીધી અથર્વલક્ષ્મી જ લેવડાવી.
" વેલકમ ટુ મુંબઈ ! લગભગ ૮ મહિના પછી આપણે મળી રહ્યા છીએ. " કેતન બોલ્યો.
" હા કેતનભાઇ. તમને તો મુંબઈ ખૂબ જ ફળ્યું છે. સવારે મનસુખભાઈ કહેતા હતા. " જયેશ બોલ્યો.
ત્યાં તો જાનકી પણ પાણીનો ગ્લાસ લઈને કિચનમાંથી બહાર આવી.
"કેમ છો જયેશભાઈ. તમે મુંબઈ આવી ગયા એ સારું કર્યું. હવે તમારા ભાઈને તમારી કંપની રહેશે." જાનકી બોલી.
" જ્યાં કેતનભાઇ ત્યાં હું. મારે તો એમના પડછાયાની જેમ સાથે જ રહેવાનું છે ભાભી. મુંબઈ પણ મને એ જ ખેંચી લાવ્યા છે. " જયેશ બોલ્યો.
" હા એ એમણે મને કહ્યું હતું. હવે બોલો તમને ચા ફાવશે કે ઠંડુ ? " જાનકી બોલી.
" ઠીક છે ભાભી ચા જ બનાવો." જયેશ બોલ્યો એટલે જાનકી કિચનમાં ગઈ.
" તમારા મમ્મી પપ્પા દેખાતા નથી. એ સિદ્ધાર્થભાઈના ઘરે છે ? " જયેશે પૂછ્યું.
" હા. આ સામેનો જે ફ્લેટ છે એ જ સિદ્ધાર્થભાઈનો છે. મમ્મી પપ્પા ત્યાં રહે છે અને બધાની રસોઈ પણ ત્યાં જ બને છે. સુરતથી મહારાજને પણ અહીં લઈ આવ્યા છીએ. " કેતન બોલ્યો.
"શું વાત કરો છો ? સંયુક્ત કુટુંબની ભાવના તમે સારી જાળવી રાખી છે." જયેશ બોલ્યો.
"અને હા જયેશ તારી દીકરી રિયાનું એડમિશન બાજુમાં જ હનુમાન રોડ ઉપર તિલક વિદ્યાલયમાં મેં ફાઇનલ કરી દીધું છે. તું જઈને પ્રિન્સિપાલને મળી લેજે અને મારું નામ લેજે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈને જજે. તારે કોઈ ફી ત્યાં ભરવાની નથી." કેતન બોલતો હતો.
"અહીં મુંબઈમાં ગુજરાતી મીડીયમ નથી હોતું એટલે શરૂઆતમાં થોડી તકલીફ પડશે. મરાઠીના ક્લાસ કરાવી દેજે. આમ તો જો કે સ્કૂલોમાં હિન્દી મીડિયમ જ ચાલતું હોય છે. " કેતન બોલ્યો.
" મારી બધી ચિંતા તમે દૂર કરી દીધી કેતનભાઇ. એડમિશનનું મને સૌથી મોટું ટેન્શન હતું. " જયેશ બોલ્યો.
" એ તો મેં તને પહેલેથી જ કહ્યું હતું કે રિયાના એડમિશનની ચિંતા ના કર. તું મુંબઈ આવી જા. " કેતન બોલ્યો.
" મકાન વેચ્યું એના ૩૦ લાખ આવ્યા છે. મારા ખાતામાં જ પડેલા છે. હું તમને કાલે ચેક આપી દઈશ." જયેશ બોલ્યો.
"તું મને ૨૫ લાખનો જ ચેક આપજે. ૫ લાખ તું રાખજે. રિયાને આગળ ભણાવવામાં તારે કામ લાગશે. " કેતન બોલ્યો.
એટલામાં જાનકી ચા લઈને આવી એટલે જયેશે જવાબ ના આપ્યો.
" મને મનસુખભાઈએ કહ્યું કે તમે ૬૦૦૦ વારનો પ્લોટ ખરીદ્યો છે. હવે કન્સ્ટ્રક્શન ક્યારે ચાલુ કરો છો ? " જયેશ બોલ્યો. એણે જાણી જોઈને ખારના બંગલાની અને ગાડીની કોઈ વાત ના કાઢી.
" બસ હવે વિચારું છું. મારે એવી કોઈ ઉતાવળ પણ નથી. પ્લૉટ તો આપણા હાથમાં જ છે. ગોરેગાંવ ડિંડોશી એરિયામાં પ્લોટ છે. ફિલ્મ સીટી ત્યાંથી બહુ નજીક પડે. હું તને જોવા માટે લઈ જઈશ. " કેતન બોલ્યો.
"મનસુખભાઈ કહેતા હતા કે તમે એક કેન્સરના દર્દીને સાજો કરી દીધો. એક મંદબુદ્ધિના બાળકને નોર્મલ કર્યો. એક મૃત્યુ પામેલા વ્યક્તિને પાણી છાંટીને જીવતો કર્યો. મારે એમને કહેવું પડ્યું કે કેતનભાઇ પાસે એવી કોઈ શક્તિઓ નથી. તમને કોઈએ ખોટી માહિતી આપી છે. " જયેશ બોલ્યો.
" મનસુખભાઈ બિચારા ભોળા માણસ છે. એમને મારા ઉપર લાગણી અને અહોભાવ છે એટલે આવી વાતો વધારી વધારીને કરે. " કેતન બોલ્યો.
" ઈ જ ને !! મરેલો માણસ કદી જીવતો થાય ખરો ? હા એનો જીવ હજી શરીરમાં હોય અને બેહોશ અવસ્થામાં હોય તો પાણી છાંટવાથી ભાનમાં આવી જાય." જયેશ બોલ્યો.
" જામનગરમાં કેમનું ચાલે છે ? આપણી બંગલાની સ્કીમ આગળ વધી ? " કેતને વાત બદલવા પૂછ્યું.
" તમારી સ્કીમ તો જબરદસ્ત ઉપડી છે. છ આઠ મહિનામાં મને પણ ઘણું કમિશન મળ્યું. ધરમશીભાઈનું કામકાજ ઘણું ઊંચું ! તમારું રોકાણ છે એટલે તમારે વાતચીત તો થતી જ હશે ને ! " જયેશ બોલ્યો.
" ના હું એમને કંઈ પૂછતો નથી. વચ્ચે મેં બીજા ૫૦ લાખ ટ્રાન્સફર કર્યા હતા. સ્કીમ પૂરી થઈ જશે એટલે એમનો સામેથી ફોન આવી જશે. તારી દીકરી રિયાને હવે કેમ છે ? બે મહિના પહેલાં એને ટાઈફોડ થયેલો એટલે પૂછું છું. પરીક્ષા પહેલાં જ બીમાર પડી હતી. " કેતને પૂછ્યું.
" તમને વળી ટાઈફોડની વાત કોણે કરી ? આપણી વચ્ચે તો કોઈ વાત થઈ જ નથી. અને જામનગરમાં પણ એવું અંગત કોઈ જાણતું નથી. " જયેશ આશ્ચર્યથી બોલ્યો.
"બસ ઉડતી ઉડતી વાત કાને આવી. હવે કેમ છે એની તબિયત ?" કેતન બોલ્યો.
" હવે સારું છે. શરીર બહુ જ નંખાઈ ગયું હતું. પણ ધીમે ધીમે હવે રિકવર થાય છે. હજુ જોઈએ એવી ભૂખ લાગતી નથી. " જયેશ બોલ્યો.
આ બંને મિત્રોની વાત ચાલી રહી હતી ત્યાં જ કેતન ઉપર એક ફોન આવ્યો.
" કેતનભાઇ બોલો ? " સામેથી કોઈ યુવાનનો અવાજ આવ્યો.
" હા હું કેતન." કેતને જવાબ આપ્યો. અવાજ એને જાણીતો લાગ્યો.
"હું જેતપુરથી જીતેન્દ્ર બોલું.....જીતુ. આપણે ૯ ૧૦ મહિના પહેલાં ટ્રેનમાં મળ્યા હતા. હું મારા સાળા રમેશનાં અસ્થિ પધરાવવા માટે મારી પત્ની શિલ્પા સાથે હરિદ્વાર જઈ રહ્યો હતો. યાદ આવ્યું કંઈ ?" જીતુ બોલ્યો.
" અરે હા હા જીતુભાઈ. મારી યાદશક્તિ ખૂબ જ પાવરફુલ છે. બોલો શું ખબર છે ? " કહીને કેતન ઉભો થયો અને બેડરૂમમાં ગયો. અમુક વાતો એ જાહેરમાં કરવાનું પસંદ કરતો ન હતો.
"બસ તમારા આશીર્વાદથી શિલ્પા પ્રેગનન્ટ થઈ ગઈ છે. દોઢ મહિના જેવું થયું છે. ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે તમને ખાસ ખુશ ખબર આપવા હતા. " જીતુ બોલ્યો.
" ચાલો કોન્ગ્રેચ્યુલેશન્સ. તમારી લાંબા સમયની ઈચ્છા પૂરી થઈ ગઈ. તમારા સાળા રમેશનો આત્મા જ શિલ્પાના ગર્ભમાં છે. આ વાત તો મેં તમને કહેલી જ છે ને ! અને તમને પેલા ખોડપરામાં રહેતા દેવશીભાઈએ પાંચ લાખ રૂપિયા આપ્યા કે નહીં ? " કેતને હસીને પૂછ્યું.
"હવે તો માનવું જ પડશે સાહેબ કે તમારી મેમરી જબરદસ્ત છે. આપણી વચ્ચે થયેલી બધી જ વાતો તમને યાદ છે. હા દેવશીભાઈએ પ્રમાણિકપણે પાંચ લાખ રૂપિયા બે ટૂકડે પાછા આપી દીધેલા. " જીતુ બોલ્યો.
" હવે મારે લાયક બીજી કોઈ સેવા હોય તો કહો. " કેતન બોલ્યો.
"કેતનભાઇ તમે જેતપુર આવી શકો ? તમે છો ક્યાં અત્યારે ? " જીતુ બોલ્યો.
"હું તો મુંબઈ રહું છું જીતુભાઈ પાર્લામાં." કેતને જવાબ આપ્યો.
" તમે જો જેતપુર આવી શકતા હો તો રાજકોટ સુધીની જવા આવવાની ફ્લાઇટની ટિકિટ મોકલું અને રાજકોટ ગાડી લઈને સામે લેવા આવું. " જીતુ બોલ્યો.
" પણ આટલો બધો ખર્ચ કરવાની જરૂર કેમ પડી ? પ્રોબ્લેમ શું છે ? " કેતને પૂછ્યું.
" પ્રોબ્લેમ ઘણો મોટો છે કેતનભાઇ. ફોન ઉપર બધું વર્ણન કરી શકાય એમ નથી. આવી જાવ તો સારું. તમારો કોઈ ચાર્જ થતો હોય તો પણ આપવા તૈયાર છું. " જીતુ બોલ્યો.
" ફોન ઉપર તો હું તમને કન્ફર્મ નથી કરતો. મને વિચારવાનો થોડો સમય આપો. હું આજે રાત સુધીમાં તમને જવાબ આપીશ. " કેતન બોલ્યો.
" વાંધો નહીં. આશા રાખું છું કે મને પોઝિટિવ જવાબ મળશે. " જીતુ બોલ્યો.
" અત્યારે કોઈ પ્રોમિસ નથી આપતો. મારો જે પણ નિર્ણય હશે તે રાત્રે કહીશ. " કહીને કેતને ફોન કટ કર્યો.
કેતન બે મિનિટ માટે ઊંડા ધ્યાનમાં સરકી ગયો અને મનને જેતપુર ઉપર ફોકસ કર્યું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)