પ્રારંભ પ્રકરણ 65
ઉમાકાન્તભાઈએ ધ્યાનમાંથી બહાર આવીને કેતનને જે કહ્યું તે સાંભળીને કેતનને પોતાના ભવિષ્યનું સચોટ માર્ગદર્શન મળી ગયું.
"તમારો જન્મ કોઈ બિઝનેસ કરવા માટે થયો જ નથી. તમારા જીવનના નિયંતા તમારા પોતાના ગુરુ જ છે અને એમની ઈચ્છા પ્રમાણે જ તમારા જીવનમાં ઘટનાઓ બને છે. તમારા ગુરુજીએ તમને કોઈ મોટો પ્લૉટ અપાવ્યો છે ? " ઉમાકાન્તભાઈ બોલ્યા.
" હા ગોરેગાંવમાં ૬૦૦૦ વારનો પ્લૉટ મને હમણાં જ ગિફ્ટમાં મળ્યો છે. " કેતન બોલ્યો.
" બસ એ પ્લૉટ જ તમારી કર્મભૂમિ છે અને એ પ્લૉટ ઉપરથી ઘણાં મોટાં મોટાં કાર્યો થવાનાં છે. એ જગ્યા ભવિષ્યમાં હજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવાની છે. તમારી પાસે જે પણ સિદ્ધિઓ છે એ તમામ સિદ્ધિઓ ત્યાં બેસીને માનવ જાત માટે તમારે ઉપયોગમાં લેવાની છે. તમારે ત્યાં એક મોટો આશ્રમ બનાવવાનો છે. પાંચ માળનો મોટો આશ્રમ અત્યારે પણ હું મનની આંખોથી જોઈ શકું છું. એ માત્ર આધ્યાત્મિક આશ્રમ નહીં પણ મોટું હિલિંગ સેન્ટર પણ બની જશે." ઉમાકાન્તભાઈ બોલ્યા.
" પરંતુ મને પોતાને જ ખબર નથી કે મારી પાસે કઈ કઈ સિદ્ધિઓ છે ! આશ્રમ બનાવીને હું શું કરીશ એ જ મને સમજાતું નથી. " કેતન બોલ્યો.
" તમારા ગુરુજી જ તમને પ્રેરણા આપશે.. એમના કાર્યમાં તમે તો માત્ર માધ્યમ છો. તમને મળેલી સિદ્ધિઓમાં સૌથી મોટી સિદ્ધિ તો તમે કોઈનો પણ રોગ દૂર કરી શકો છો જેનો તમને અનુભવ પણ થયો છે. તમે કોઈની આંખોમાં આંખો પરોવીને તમને મળેલો મંત્ર ત્રણ વાર બોલીને એનો ભૂતકાળ પણ જાણી શકો છો." ઉમાકાન્તભાઈ બોલી રહ્યા હતા.
"તમારી પાસે સંજીવની વિદ્યા પણ છે એટલે તમે મૃત વ્યક્તિને પણ સાજો કરી શકો છો. વધુમાં વધુ એક કલાક પહેલાં જેનું મૃત્યુ થયું હોય એના ઉપર જ તમારી આ વિદ્યા ચાલશે. તમારી પાસે વચન સિદ્ધિ છે એટલે તમે જેને પણ આશીર્વાદ આપશો એ આશીર્વાદ ફળશે. અત્યારે તો આટલી સિદ્ધિઓ હું તમારામાં જોઈ શકું છું." ઉમાકાન્ત ભાઈએ પોતાની વાત પૂરી કરી.
" તમારી વાત હું સમજી શકું છું વડીલ પરંતુ અત્યારે તો હું દિશાશૂન્ય છું. ૬૦૦૦ વારના મારા પ્લોટમાં પાંચ માળનો વિશાળ આશ્રમ બનવાનો છે એ તમારું વિઝન સાચું હોઈ શકે છે પરંતુ શરૂઆત કેવી રીતે કરવી એની અત્યારે મને કોઈ કલ્પના નથી. " કેતન બોલ્યો.
" એની ચિંતા તમારે કરવાની જરૂર નથી કેતનભાઇ. એ બધું તમે તમારા ગુરુજી ઉપર છોડી દો અને એમના ઉપર અટલ વિશ્વાસ રાખો. બધું આપોઆપ જ થયા કરશે." ઉમાકાન્ત ભાઈ બોલ્યા.
ઉમાકાન્તભાઈની વાત સાચી છે. મારે બધું ગુરુજી ઉપર જ છોડી દેવું જોઈએ અને સહજ જીવન જીવવું જોઈએ. મારા પ્લાનિંગ કરવાથી કંઈ નહીં વળે - કેતને વિચાર્યું.
એ પછી કેતન ઉમાકાન્તભાઈના ચરણસ્પર્શ કરીને બહાર નીકળી ગયો.
સાડા છ વાગી ગયા હતા એટલે કેતને ડ્રાઇવરને ગાડી સીધી પાર્લા લેવાનું કહ્યું.
બીજા દિવસે સવારે શિવાનીનું બી.કોમ નું રીઝલ્ટ આવી ગયું. એને ફર્સ્ટ ક્લાસ આવ્યો એટલે ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું.
શિવાનીનું એડમિશન પાર્લા વેસ્ટમાં આવેલી 'નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ' માં લેવાનું નક્કી કર્યું. અહીંની એ સારામાં સારી કોલેજ ગણાતી હતી. કેતનના ચાર દિવસ એડમિશનની દોડાદોડીમાં ગયા. છેવટે એડમિશન મળી ગયું એટલે બધાને હાશ થઈ.
કોલેજો ખુલી ગઈ એટલે શિવાનીએ સિદ્ધાર્થભાઈની ગાડી વાપરવાનું ચાલુ કર્યું. આમ પણ એ સુરતમાં ગાડી ચલાવતી જ હતી.
" કેવો જમાનો આવ્યો છે ? કોલેજમાં ભણવા માટે પણ છોકરીઓ ગાડી લઈને જાય છે ! " અઠવાડિયા પછી એક દિવસ રાત્રે જમતી વખતે જયાબેન બોલ્યાં.
" મમ્મી મારી કોલેજમાં ઘણી છોકરીઓ પોતાની ગાડી લઈને જ આવે છે. હવે સાયકલ લઈને જવાના જમાના ગયા. " શિવાની બોલી.
" આવતી હશે. પણ બસમાં પણ જઈ શકાય ને ! સિદ્ધાર્થ કહેતો હતો કે અહીંથી સીધી બસ તારી કોલેજ સુધી જાય છે. બસ સ્ટેન્ડ સુધી થોડુંક ચાલવું પડે એટલું જ. " જયાબેન બોલ્યાં.
" હવે જતી હોય તો જવા દેને ! આમ પણ સિદ્ધાર્થની ગાડી પડી જ રહી છે." જગદીશભાઈ બોલ્યા.
"તમે જ એને મોઢે ચડાવી છે. બસમાં જાય તો થોડી ઘડાય. દુનિયાદારીની ખબર પડે. માણસે બધા અનુભવો લેવા જોઈએ. " જયાબેન બોલ્યાં પરંતુ કોઈએ કંઈ જવાબ આપ્યો નહીં.
એક દિવસે સવારે કેતન ઉપર કોઈ યુવતીનો ફોન આવ્યો.
" હેલો... કેતનભાઇ બોલો છો ? " યુવતી બોલી.
"જી હું કેતન... આપ કોણ ? " કેતને પૂછ્યું.
" જી હું અલકા ઘાટકોપરથી. આપણે લોકો ૮ ૯ મહિના પહેલાં ટ્રેનમાં મળેલાં. મને સંતાન નહોતું થતું એટલે તમે મને બાળક દત્તક લેવાની વાત કરેલી પરંતુ મારા સાસુ માનતાં નહોતાં. રતલામ સ્ટેશને તમે મને ગાયત્રી મંત્ર આપેલો. યાદ આવે છે કંઈ ? " અલકા બોલી.
કેતનને બધું યાદ આવી ગયું. પોતે જ્યારે હરિદ્વારથી મુંબઈ આવી રહ્યો હતો ત્યારે રતલામ સ્ટેશનથી અલકા અને તેની મમ્મી ચડેલાં.
અલકાના લગ્નને ઘણો સમય વીતી ગયો હોવા છતાં એને સંતાન પ્રાપ્તિ થઈ નહોતી. કેતને પોતાની સિદ્ધિ દ્વારા જોઈ લીધું હતું કે પાછલા જન્મમાં એ યુવતીએ પોતાનાં જ બે સંતાનોની હત્યા કરી હતી એટલે આ જન્મમાં એ સંતાનસુખથી વંચિત રહી હતી !
કેતને અલકાને દત્તક સંતાન લેવાની સલાહ આપી હતી પરંતુ અલકાની સાસુને એ માન્ય ન હતું. અભિશાપના કારણે અલકાને સંતાન તો થવાનું જ ન હતું એટલે દત્તક લીધા સિવાય બીજો કોઈ માર્ગ પણ ન હતો.
કેતને અલકાને ગાયત્રી મંત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે આ મંત્ર તમારે કરવાનો અને છ મહિના પછી બાળક દત્તક લેવા માટે તમારાં સાસુ માની જશે.
" હા મને યાદ આવી ગયું. શું થયું પછી તમારા સાસુ માની ગયાં ? " કેતને પૂછ્યું.
"જી એટલા માટે જ ખુશ ખબર આપવા માટે મેં તમને ફોન કર્યો. મારાં સાસુ માની પણ ગયાં અને એક મહિના પહેલાં એક આશ્રમમાંથી અમે બે વર્ષનું સુંદર બાળક દત્તક લીધું છે. દીકરી છે પણ અમને ગમી ગઈ એટલે લઈ લીધી. મારો આખો પરિવાર ખુશ છે. બસ તમે આશીર્વાદ આપો. " અલકા બોલી.
"મને ફોન કર્યો એ બદલ આભાર. મને એ વખતે જે યોગ્ય લાગ્યું એ મેં તમને કહેલું. ગાયત્રી મંત્રમાં ખૂબ જ તાકાત છે. તમે એને છોડતાં નહીં. મન અતિ ચંચળ છે અને ઘણીવાર મન પોતે જ છોડાવી દે છે પરંતુ તમે મક્કમ રહેશો તો વાંધો નહીં આવે. બેબીને મારા આશીર્વાદ છે. " કેતન બોલ્યો અને ફોન કટ કર્યો.
બીજા દિવસે રાત્રે ૮ વાગે કેતન ફેમિલી સાથે જમવા બેઠો હતો ત્યાં જ મનસુખ માલવિયાનો ફોન આવ્યો.
" શેઠ તમે જલ્દીથી મારી રૂમ ઉપર આવી જાઓ. અમારા માળામાં એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. તમારી ગાડીમાં ડ્રાઇવર તરીકે તમારી થોડી વાતો સાંભળીને તમારા વિશે થોડું ઘણું હું જાણું છું. તમારા આવવાથી કદાચ કોઈ ચમત્કાર થાય. કારણ કે જેણે આત્મહત્યા કરી છે એ વ્યક્તિ ૪૦ વર્ષની છે અને આખા ઘરમાં કમાનાર એ એક જ વ્યક્તિ છે. " મનસુખભાઈ બોલ્યા.
" ઠીક છે હું હમણાં જ આવું છું. " કહીને કેતન જમતાં જમતાં ઉભો થઈ ગયો. બધાંએ એને પૂછ્યું પણ ઘરમાં કોઈને પણ જવાબ આપ્યા વગર માત્ર 'થોડી વારમાં આવું છું' કહીને નીકળી ગયો.
૧૦ મિનિટમાં જ એ મહંત રોડ ઉપર જેઠવા નિવાસ પહોંચી ગયો. લોકોનું ટોળું ત્યાં ભેગું થઈ ગયું હતું અને બીજા માળના એક રૂમમાંથી રોકકળનો અવાજ આવતો હતો.
કેતન ઝડપથી પગથિયા ચડીને બીજા માળે પહોંચી ગયો. ૪૦ વર્ષની ઉંમરની એક વ્યક્તિ પંખે લટકી ગઈ હતી. અત્યારે પડોશીઓએ એને નીચે ઉતારીને પલંગમાં સૂવડાવ્યો હતો પરંતુ એના શ્વાસ બંધ થઈ ગયા હતા.
મરનારની પત્ની લગભગ બેહોશ જેવી થઈ ગઈ હતી અને દીકરીનાં આંસુ સુકાતાં ન હતાં. થોડીવાર પહેલા જ ડોક્ટર આવીને તપાસી ગયો હતો પણ એણે સોરી કહી દીધું હતું. એ પછી કોઈએ પોલીસને ફોન પણ કર્યો હતો.
એટલામાં મનસુખભાઈ પણ ત્યાં આવી ગયા.
" શું નામ છે એમનું ? ઘરના લોકોની હાજરીમાં એમણે ફાંસો કેવી રીતે ખાધો ?" કેતને મનસુખભાઈને પૂછ્યું.
"કનુભાઈ નામ છે. ગુજરાતી છે. એમની બેબી ટ્યુશને ગઈ હતી અને એમનાં વાઈફ શાક લેવા ગયાં હતાં એ મોકાનો લાભ લઈને જ એમણે આ પગલું ભર્યું. " મનસુખભાઈ બોલ્યા.
" ચાલો હવે બધા આઘા ખસી જાવ. મને જરા જોવા દો. " કેતન પલંગની નજીક જઈને બોલ્યો.
"તમે બધા આઘા ખસી જાઓ. આ મારા શેઠ છે અને એ એમને બચાવી લેવા માટે પ્રયત્ન કરે છે. " મનસુખ માલવિયાએ પડોશીઓને કેતનની થોડીક ઓળખાણ આપી.
બચાવી લેવાની વાત કરી એટલે બધા આઘા પાછા તો થઈ ગયા પરંતુ કુતૂહલથી કેતનની સામે જોઈ રહ્યા.
કેતને નજીક જઈને કનુભાઈના માથે હાથ મૂક્યો. બે મિનિટ માટે ઊંડા ધ્યાનમાં સરી ગયો. એ પછી એણે વાડકીમાં થોડું પાણી લઈ આવવાનું કહ્યું. કનુભાઈની દીકરી પપ્પાને બચાવવાની આશામાં દોડીને પાણી લઈ આવી.
કેતને પાણી ઉપર પોતાનું બધું ધ્યાન ફોકસ કર્યું અને હોઠ ફફડાવીને મનમાં કેટલાક મંત્રો બોલ્યો.
બે મિનિટ પછી કેતને વાડકીમાંથી થોડું પાણી હાથમાં લઈને કનુભાઈના માથા ઉપર લગાવ્યું. બાકીનું પાણી થોડું થોડું કરીને આખા શરીર ઉપર છાંટ્યું.
"કનુભાઈ જાગો... તમારી ઘાત જતી રહી. હવે તમે એકદમ સ્વસ્થ છો." કેતન બોલ્યો.
કેતન આટલું બોલ્યો ત્યાં કનુભાઈએ પોતાની આંખો ખોલી અને હાથ પગ હલાવ્યા. એમણે બધાની સામે આશ્ચર્યથી જોયું.
" ઉભા થઈ જાઓ સાહેબ. જુઓ તમને મળવા માટે કેટલા બધા માણસો આવ્યા છે. " કેતન હસીને બોલ્યો.
કનુભાઈની દસ વર્ષની નાની દીકરી તો કેતનને રીતસરની વળગી પડી.
" બેટા તારા પપ્પા હવે એકદમ સાજા છે. એમને કાંઈ થયું નથી." કેતન બોલ્યો.
આ ઘટના તમામ ભેગા થયેલા લોકો માટે એટલી બધી તો આશ્ચર્યકારક હતી કે લોકો સમજી શકતા જ ન હતા કે આવું કેવી રીતે બની શકે ? ડોક્ટરે પણ અભિપ્રાય આપી દીધો હતો કે પેશન્ટ હવે આ દુનિયામાં નથી ત્યારે આ માણસે એમને જીવતા કરી દીધા.
" મંજુલાબેન હવે રડવાનું બંધ કરો અને આ સાહેબ માટે ચા બનાવો. તમારા પતિને એ છેક ઉપરથી પાછા લઈ આવ્યા છે. " ટોળામાંથી એક જણ બોલ્યો.
" હા હા બનાવું જ છું. " મંજુલાબેન બોલ્યાં. ત્યાં તો સાયરન વગાડતી પોલીસની જીપ પણ આવી પહોંચી. ફટાફટ પોલીસ બીજા માળે આવી ગઈ.
ઘરનું વાતાવરણ જોઈને પોલીસને નવાઈ લાગી કારણ કે માણસો તો ઘણા ભેગા થયા હતા પરંતુ કોઈએ આત્મહત્યા કરી હોય એવું દેખાતું ન હતું.
" ઇન્સ્પેક્ટર કંઈ જ થયું નથી. ભગવાનની કૃપાથી ભાઈ બચી ગયા છે. કોઈએ ઉતાવળમાં ફોન કરી દીધો લાગે છે." કહીને કેતને સબ ઇન્સ્પેક્ટરના હાથમાં ૧૦૦૦૦ પકડાવી દીધા.
પોલીસ લોકો કંઈ પણ બોલ્યા વગર નીચે ઉતરી ગયા. ત્યાં ઉભેલા બધા જ લોકો કેતનથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. વગર ઓળખાણે આ માણસે પોલીસને ૧૦૦૦૦ જેવી રકમ આપી દીધી.
"હવે બોલો કનુભાઈ... વગર વિચારે આવું પગલું તમે કેમ ભર્યું ? તમારા પરિવારનો પણ તમે વિચાર ના કર્યો ?" કેતને કનુભાઈના પલંગની બાજુમાં ખુરશી ઉપર બેસીને સવાલ કર્યો.
" સાહેબ મારી તકલીફ કોઈને પણ કહેવાય એવી નથી. મોટા દેવામાં ડૂબી ગયો છું અને પૈસા માંગનારો રોજ મારી દુકાન ઉપર આવીને બેસી જાય છે. એક વર્ષમાં ડબલ પાછા આપવાની શરતે પૈસા લીધા હતા. આ પૈસા પાછા આપવાની મારી કોઈ તાકાત જ નથી એટલે પછી મારે આ પગલું ભરવું પડ્યું. " કનુભાઈ બોલ્યા.
" તમે કોની પાસેથી પૈસા ડબલના ભાવે લીધા છે ? " કેતને પૂછ્યું.
"અહીંનો જાણીતો બૂટલેગર છે. રામચરણ તિવારી નામ છે."કનુભાઈ બોલ્યા.
કેતન તરત સમજી ગયો. એણે કનુભાઈને કહ્યું કે તમે અત્યારે એને ફોન કરીને અહીં બોલાવી લો અને કહો કે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે.
" અરે સાહેબ એ તો બહુ જ માથાભારે માણસ છે. તમે એમાં વચ્ચે ના પડો. તમે સારા ઘરના માણસ છો. મારા કારણે તમે તકલીફમાં આવી જાઓ એવું હું નથી ઈચ્છતો." કનુભાઈ બોલ્યા.
" તમે મારી જરા પણ ચિંતા ના કરશો તમે એને ફોન કરીને બોલાવો." કેતન બોલ્યો.
કનુભાઈએ રામચરણને ફોન કર્યો અને તાત્કાલિક ઘરે આવી જવાનું કહ્યું. રામચરણ ઉઘરાણી માટે પહેલાં પણ બે ત્રણ વાર આ ઘરમાં આવી ગયો હતો એટલે એણે ઘર જોયું હતું.
લગભગ પંદરેક મિનિટ પછી પોતાની બુલેટ લઈને રામચરણ આવી ગયો.
ઘરમાં દાખલ થતાં જ સામે કેતનને બેઠેલો જોઈને ઠરી જ ગયો. કેતન એની આંખોમાં આંખો પરોવીને ત્રણ વાર ૐ નમઃ શિવાય મંત્ર બોલ્યો.
" યે તેરા બાપ આજ મરનેવાલા થા. તેરે નામ કી ચિઠ્ઠી લીખકે પંખે પે લટક ગયા થા. ઇસી લિયે ઇતને લોગ ઈકત્ઠે હુએ હૈં. ચિઠ્ઠી મેરે પાસ હી હૈ. ઇસી લિયે તુજે બુલાયા હૈ. સીધા અંદર જાયેગા બોલ ક્યા કરના હૈ ? " કેતન બોલ્યો.
" સા'બ ગલતી હો ગઈ. માફ કર દો મુજે. આઈન્દા કભી ઈનકો પરેશાન નહીં કરુંગા. " રામચરણ સલામ કરીને બોલ્યો. ચિઠ્ઠીની વાત સાંભળીને એ ખરેખર ગભરાઈ ગયો હતો.
" મૈને તુમકો ના બોલા થા ના. ઈસ એરિયામેં તુજકો ધંધા કરના હો તો દાદાગીરી બંધ કર દે. ડબલકે હિસાબસે પૈસા ઘુમાતા હૈ સાલા ? કિતના પૈસા દિયા હૈ તુને ઇનકો ? " કેતન કરડાકીથી બોલ્યો.
" જી દેઢ લાખ. " રામચરણ બોલ્યો.
" અબ તક તુઝે કિતના પૈસા વાપસ મિલ ગયા હૈ ? " કેતન બોલ્યો.
" જી સવા લાખ. " રામચરણ બે હાથ જોડીને બોલ્યો.
" એક લાખ તેરી મૂડી ઔર ૨૫ હજાર બ્યાજ. અબ એક ભી રૂપિયા તુમકો નહી મિલેગા. " કેતન બોલ્યો.
"જી સા'બ. કોઈ બાત નહીં. મુઝે જાને દો. મૈ ઇનકો ચેક ભી કલ તક વાપસ કર દુંગા. " રામચરણ બોલ્યો એ ખૂબ જ ઢીલો થઈ ગયો હતો.
" ઠીક હૈ નીકલ જા. ઇસ બાર તુમકો માફ કર દેતા હું. આઈન્દા કભી પૈસોં કો લેકર કોઈ શિકાયત આઈ તો ઇસ બાર મેં નહિ છોડુંગા. " કેતન બોલ્યો.
" જી સા'બ " કહીને બીજી વાર સલામ કરીને રામચરણ ઝડપથી બહાર નીકળી ગયો.
ભેગા થયેલા લોકો તો આશ્ચર્યથી કેતનને જોઈ જ રહ્યા. એ લોકો સમજી જ ના શક્યા કે આ ભાઈ છે કોણ ? નક્કી એ સાદા વેશમાં પોલીસ ઇન્સ્પેક્ટર જ છે. નહીં તો પાર્લાનો આટલો મોટો ગુંડો એમને સલામ ના કરે !
પણ જો એ પોલીસ ઇન્સ્પેક્ટર જ હોય તો પછી એણે પોલીસ કોઈ કેસ ના કરે એટલા માટે પોલીસને ૧૦૦૦૦ રૂપિયા શા માટે આપ્યા ?
જે પણ હોય.. બધા જ કેતનની સામે અહોભાવથી જોઈ રહ્યા ! આ માણસ બહુમુખી પ્રતિભા ધરાવતો હતો. એણે કનુભાઈને જીવતા કરી દીધા તો આ બાજુ બાકીના બધા પૈસા માફ કરાવી ગુંડાને પણ ભગાડી દીધો !!
કનુભાઈ માટે તો કેતન ભગવાન બનીને જ આવ્યો હતો !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)