Prarambh - 64 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 64

પ્રારંભ પ્રકરણ 64

" કેતન આજે સાંજે ચાર વાગે સાન્તાક્રુઝ ખીરાનગર આવી જજે. હું ગેટ ઉપર તારી રાહ જોઈશ. " બીજા દિવસે સવારે દસ વાગ્યે કેતન ઉપર રવિ ભાટીયાનો ફોન આવ્યો.

" ભલે હું પહોંચી જઈશ. " કેતન બોલ્યો અને એણે ફોન કટ કર્યો.

કેતને સાડા ત્રણ વાગે મનસુખ માલવિયાને બોલાવી લીધો અને સાન્તાક્રુઝ જવા માટે નીકળી ગયો.

પાર્લાથી સાન્તાક્રુઝ નજીક જ છે. મિલન સબવેથી નીકળીને ખીરાનગર પહોંચવામાં માત્ર અડધો કલાક લાગ્યો એ પણ ટ્રાફિક ના કારણે !

"ગાડી અંદર જ પાર્ક કરી દે. પાર્કિંગ છે. " ગેટ ઉપર ઉભેલા રવિએ કેતનને કહ્યું.

મનસુખે ગાડી અંદર લીધી એટલે સિક્યુરિટીવાળાએ ગાડીને પાર્કિંગમાં પાર્ક કરાવી. ત્યાં સુધી રવિ પણ અંદર આવી ગયો હતો.

" આપણે એચ બ્લોકમાં જવાનું છે." કહીને રવિ આગળ થયો અને એચ બ્લોકની લિફ્ટ પાસે જઈને ઉભો રહ્યો.

" કોઈ વ્યક્તિ બેહોશ છે ? " કેતને લિફ્ટમાં દાખલ થતાં પૂછ્યું.

"ગજબ છે કેતન તું ! તને બધી જ ખબર અગાઉથી પડી જાય છે. હા આપણે કોમાના પેશન્ટને જોવા જ જઈ રહ્યા છીએ. " રવિ આશ્ચર્યથી બોલ્યો.

રવિ કેતનને બીજા માળે આવેલા એક ફ્લેટ પાસે લઈ ગયો અને એણે ડોરબેલ દબાવી.

ફ્લેટની બહાર પ્રાણશંકર ભટ્ટની નેમ પ્લેટ હતી એ કેતને જોઈ લીધું.

પ્રાણશંકર ભાઈના જ પ્રાણ સંકટમાં આવી ગયા ! - કેતન મનોમન બોલ્યો.

એટલામાં દરવાજો ખૂલ્યો એટલે બંને મિત્રો અંદર દાખલ થયા. દમયંતીબેને બંનેને સોફા ઉપર બેસવાનો ઈશારો કર્યો. દમયંતીબેન દેખાવ ઉપરથી થોડાંક મોડર્ન અને સુખી ઘરનાં લાગતાં હતાં. એમની ઉંમર લગભગ ૪૦ થી ૪૫ વચ્ચે હશે.

દમયંતીબેનનો નોકર ટ્રેમાં પાણીના બે ગ્લાસ લઈને આવ્યો અને બંનેને પાણી આપ્યું.

"આ કેતનભાઇ સાવલિયા છે. મારા ખાસ મિત્ર છે. મારા આગ્રહથી એ ભટ્ટ સાહેબને ખાસ જોવા માટે આવ્યા છે. કેટલા સમયથી સાહેબ કોમામાં છે ? એમના વિશે કેતનભાઈને થોડીક માહિતી આપો. " રવિ બોલ્યો.

"ત્રણેક વર્ષથી એ કોમામાં જ છે. ત્રણ વર્ષ પહેલાં એકવાર એ બાથરૂમમાં લપસી ગયા હતા. એ પછી એમને ક્યારેય પણ ભાન આવ્યું નહીં. ત્રણ મહિના તો આઈસીયુ માં રાખ્યા હતા પરંતુ પછી ડૉક્ટરે એમને ઘરે લઈ જવાની સલાહ આપી." દમયંતીબેન માહિતી આપી રહ્યાં હતાં.

" ડૉક્ટરના કહેવાથી એમને એસી રૂમમાં રાખવામાં આવ્યા છે છતાં શરીરની આજુબાજુ આઈસ પેડ પણ ગોઠવવામાં આવ્યાં છે. એક નર્સ રાખેલી છે જે એમને રોજ સ્પંજ કરે છે. હાથ પગની થોડી એક્સરસાઇઝ કરાવે છે જેથી સ્ટીફ ના થઈ જાય ! એક ફીડિંગ ટ્યુબ પણ અન્નનળીમાં નાખવામાં આવી છે જેથી રોજે રોજ ફળોનો રસ અને લિક્વિડ ફૂડ એમને આપી શકાય. ત્રણ ત્રણ વર્ષથી અમે તો થાકી ગયાં છીએ. હવે કાં તો છૂટી જાય તો સારું અથવા સારા થઈ જાય તો સારું" દમયંતીબેન બોલ્યાં.

"તમે ખરેખર શું ઈચ્છો છો ? ભલે એ કોમામાં છે છતાં એમની પાસે જઈને એમના માથે હાથ ફેરવીને ક્યારેય પણ લાગણીથી વાત કરવાની કોશિશ કરી છે ખરી ? આંસુભરી આંખે પ્રેમના બે શબ્દો પણ કહ્યા છે ?" કેતન બોલ્યો.

"અરે પણ એ સાંભળતા જ ન હોય તો આ બધું કહેવાનો શું મતલબ ? " દમયંતીબેન થોડાંક અકળાઈને બોલ્યાં.

" પ્રેમની ભાષા આખું જગત સાંભળે છે. વૃક્ષો અને છોડ પણ સાંભળે છે. ભલે એ બોલી શકતા ન હોય, સાંભળી શકતા ન હોય છતાં લાગણી ભરેલા પ્રેમાળ શબ્દો એમના અંતરમન ઉપર સંભળાતા જ હોય છે. પથ્થરની મૂર્તિ પણ આપણી સાચા હૃદયની પ્રાર્થના સાંભળે છે !! તમે તો હમણાં જ કહી દીધું કાં તો એ છૂટી જાય તો સારું. મતલબ ઊંડે ઊંડે ક્યાંક તમે છૂટકારો તો ઈચ્છો જ છો." કેતન બોલ્યો.

"ભાઈ શું નામ તમારું ? કંઈ પણ સમજ્યા વગર તમે મારા જ ઘરે આવીને મને જ ગમે તેમ સંભળાવી રહ્યા છો ? હું શું કામ એ મરી જાય એમ ઇચ્છુ ? " દમયંતીબેન ગુસ્સે થઈને બોલ્યાં.

"ચાલો એ વાત જવા દઈએ. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં બીજના દિવસે તમારા પતિ તમારા સસરા દયાશંકરનું શ્રાદ્ધ વર્ષોથી કરતા હતા. તમે છેલ્લા ચાર વર્ષથી એ બંધ કરાવ્યું. એમણે શ્રાદ્ધના દિવસે દૂધપાક બનાવવાનો આગ્રહ કર્યો તો તમે એ દિવસે ઝઘડો કર્યો અને ઘરમાં રસોઈ જ ના બનાવી અને હોટલમાં જમવા ગયાં. મારી વાત સાચી છે કે ખોટી ?" કેતન સહેજ આવેશમાં આવીને બોલ્યો.

" જી તમારી વાત સાચી છે. હું એમાં નથી માનતી." દમયંતીબેન બોલ્યાં.

"મારે તમને મનાવવાં પણ નથી. મૃત્યુ પહેલાં અને મૃત્યુ પછી તમારી શું હાલત થવાની છે એ મને તો ખબર જ છે !" કેતન બોલ્યો.

કેતન જે રીતે વાત કરતો હતો એ સાંભળીને દમયંતીબેન ખરેખર હવે ડરી ગયાં. મૃત્યુનો ડર બધાને લાગતો હોય છે.

" તમે આવું કેમ કહો છો ? મેં કોઈ ખરાબ કર્મો કર્યાં નથી " દમયંતીબેન બોલ્યાં.

"હું બધું જ જાણું છું પરંતુ તમારાં કર્મોની કેસેટ મારે વગાડવી નથી અને તમને મારા મિત્રની સામે ખુલ્લાં કરવાં પણ નથી." કેતન બોલ્યો.

હવે દમયંતીબેનને કેતનનો ડર લાગવા માંડ્યો. આ માણસ ખરેખર ઘણું બધું જાણી શકે છે. એ મારા નિતીન સાથેના આડા સંબંધોની વાત પણ જાણી ગયો હશે. એની સાથે વધારે દલીલો કરવી હવે મારા હિતમાં નથી.

" તમે એમને જોવા આવ્યા હતા. " દમયંતીબેને કેતનને યાદ કરાવ્યું.

"મને યાદ છે. એમના કોમામાં જવાનું કારણ મેં તમને બતાવ્યું. શ્રાદ્ધ ન થવાથી તમારા સસરાએ જ એમને કોમામાં ધકેલી દીધા છે. તમારાં કર્મોની સજા એમને મળી રહી છે. જો કે એમને કોઈ જ પ્રોબ્લેમ નથી. એ તો જાણે ગાઢ નિદ્રામાં સૂતા છે. બંધનમાં તમે આવી ગયાં છો. " કેતન બોલ્યો.

" હવે એનો ઉપાય ? " દમયંતીબેન બોલ્યાં.

" પાણીયારે તેલનો એક દીવો કરો. બાજુમાં એક શ્રીફળ મૂકો. તમારા સસરાનું માનસિક રીતે શ્રીફળમાં આવાહન કરો. એમને પ્રેમથી આમંત્રણ આપો. ભૂતકાળમાં તમે કરેલી ભૂલ બદલ વારંવાર માફી માંગો. હવે પછી દર વર્ષે એમનું શ્રાદ્ધ કરવાનો સંકલ્પ પણ કરો. એ પછી જ હું ભટ્ટ સાહેબના રૂમમાં જઈશ. " કેતન બોલ્યો.

દમયંતીબેને નોકરને શ્રીફળ લેવા માટે મોકલ્યો. પંદરેક મિનિટમાં એ શ્રીફળ લઈને આવી ગયો. દમયંતીબેને કેતને જેમ સૂચના આપી હતી એ પ્રમાણે કિચનમાં જઈને દીવો કરી દિલથી પ્રાર્થના કરી.

"હવે આ શ્રીફળને શું કરવાનું ? " બહાર આવીને દમયંતીબેન બોલ્યાં.

"અમે લોકો જઈએ પછી તમે જુહૂના દરિયા કિનારે જઈ એમાં વહેતું મૂકી દો. તમારા સસરાએ તમારી પ્રાર્થના સાંભળી છે. હવે પછી શાસ્ત્રોની અને શ્રાદ્ધની મજાક ના કરશો. બને ત્યાં સુધી પવિત્ર જીવન જીવો. હું જે કહેવા માગું છું તે સમજી જાવ. નહીં તો તમારું જીવતર બગડશે." કહીને કેતન ભટ્ટ સાહેબના રૂમમાં ગયો.

એણે ભટ્ટ સાહેબને ધારી ધારીને એકવાર જોઈ લીધા. એમના માથે હાથ મૂક્યો અને બે ત્રણ મિનિટ માટે એકદમ ધ્યાનમાં ખોવાઈ ગયો.

એ પછી એણે દમયંતીબેનને, રવિને અને ત્યાં હાજર રહેલી નર્સને થોડો સમય એકદમ ચૂપ રહેવા કહ્યું. કેતન પલંગની સામે નીચે જમીન ઉપર ધ્યાનમાં બેસી ગયો.

કેતન બે મિનિટમાં આલ્ફા લેવલે પહોંચી ગયો. એ પછી એ થીટા લેવલમાં ગયો અને દસેક મિનિટમાં એ ડેલ્ટા લેવલમાં પહોંચી ગયો કે જે લેવલ ઉપર કોમામાં ગયેલી વ્યક્તિ રહેતી હોય છે. આ અવસ્થામાં મગજના તરંગો માત્ર ૪ થી શૂન્ય સાઇકલ સુધી શાંત થઈ જતા હોય છે.

એણે ડેલ્ટા લેવલમાં જઈને ધીમે ધીમે ભટ્ટ સાહેબનો સંપર્ક કર્યો અને એમને કોમામાંથી બહાર આવી જવાની સૂચનાઓ આપવા લાગ્યો.

એણે ધીમા ધીમા અવાજે બોલવાનું ચાલુ કર્યું. દરેક વાક્ય એ ધીમે ધીમે બોલતો હતો અને દરેક વાક્ય પછી એ એક બે મિનિટ સુધી મૌન થઈ જતો હતો ! કેતનનો અવાજ જાણે બદલાઈ ગયેલો લાગતો હતો.

"ભટ્ટ સાહેબ તમે મને સ્પષ્ટ સાંભળી શકો છો... તમે મારી સુચનાઓ ઉપર ધ્યાન આપી રહ્યા છો.... તમારો કોમામાં રહેવાનો સમય હવે પૂરો થઈ ગયો છે..... ભટ્ટ સાહેબ તમારો કોમામાં રહેવાનો સમય હવે પૂરો થઈ ગયો છે.... તમારા પિતાજીએ તમને માફ કરી દીધા છે.... તમારું આયુષ્ય હજુ લાંબુ છે. તમે હવે એકદમ નોર્મલ છો....... તમે ધીમે ધીમે થીટા લેવલ ઉપર આવી રહ્યા છો.... તમે હવે થીટા લેવલ ઉપર આવી ગયા છો.... તમારા મગજના તરંગો હવે વધવા લાગ્યા છે.... તમે હવે આલ્ફા લેવલ ઉપર આવી રહ્યા છો.....ભટ્ટ સાહેબ હવે તમે આલ્ફા લેવલ ઉપર જ છો.... તમારી તમામ ઇન્દ્રિયો સક્રિય બની રહી છે.... તમે ધીમે ધીમે જાગૃત થઈ રહ્યા છો..... તમે હવે બધાને સાંભળી શકો છો.....તમે હવે બોલી પણ શકો છો..... ભટ્ટ સાહેબ તમે એકદમ નોર્મલ છો.... તમે એકદમ નોર્મલ છો.... તમે એકદમ જાગૃત અવસ્થામાં બીટા લેવલમાં આવી જાઓ....તમે હવે બહાર આવી જાઓ.... બહાર આવી જાઓ..... તમારી આંખો ખોલો.... ભટ્ટ સાહેબ તમારી આંખો ખોલો.... તમે હવે એકદમ નોર્મલ છો." કેતન ધીર ગંભીર અવાજે ધીમે ધીમે ભટ્ટ સાહેબને કોમામાંથી બહાર કાઢી રહ્યો હતો.

એ પછી કેતન એકદમ મૌન થઈ ગયો. એના હોઠ ફફડવા લાગ્યા. એ કદાચ કોઈ મંત્ર બોલી રહ્યો હતો. બે મિનિટ પછી એ ઉભો થયો અને ફરી ભટ્ટ સાહેબના માથા ઉપર હાથ ફેરવવા લાગ્યો.

બધાંના આશ્ચર્ય વચ્ચે ભટ્ટ સાહેબે ધીમે ધીમે આંખો ખોલી. હાથની આંગળીઓ પણ હાલવા લાગી. એમના શ્વાસોશ્વાસ પણ ધીમે ધીમે નોર્મલ થવા લાગ્યા.

દમયંતીબેન આશ્ચર્યથી આ બધું જોઈ રહ્યાં હતાં. એ એમના પતિની નજીક ગયાં અને એમના માથે આજે પહેલી વાર પ્રેમથી હાથ ફેરવ્યો.

"મને ઓળખો છો ? હું તમારી દમુ "

ભટ્ટ સાહેબે સહેજ માથું હલાવીને હા પાડી. એ બોલવા જતા હતા પરંતુ હજુ શબ્દો પૂરેપૂરા બહાર આવતા ન હતા.

" ભટ્ટ સાહેબ હવે એકદમ નોર્મલ છે. કાલ સવાર સુધીમાં એ બોલવા પણ લાગશે. બેઠા પણ થશે. એક બે દિવસમાં ધીમે ધીમે ચાલવા પણ લાગશે અને પરમ દિવસથી થોડું જમવાનું પણ શરૂ કરશે. હમણાં માત્ર દાળભાત જ આપજો. આટલાં વર્ષોની કોમા અવસ્થા છે એટલે શરીરનાં અંગોને કાર્યરત થતાં થોડોક સમય તો લાગે જ." કેતન બોલ્યો.

પલંગની સામે ઊભેલી નર્સ તો માની જ શકતી ન હતી કે સાહેબ ખરેખર ભાનમાં આવી ગયા છે ! કોઈ માણસ આ રીતે કોમામાં ગયેલી વ્યક્તિને પાંચ દસ મિનિટમાં ઊભી કરી શકે એ વાત જ એની સમજની બહાર હતી !!

" હવે તમે તમારા ડૉક્ટરને બોલાવીને સંપૂર્ણ ચેકઅપ કરાવી શકો છો. શરીરમાં તાકાત આવે એના માટે જરૂરી દવાઓ અને ઈન્જેક્શનો પણ ડૉક્ટર ચાલુ કરી દેશે. " કેતન બોલ્યો અને બેડરૂમમાંથી બહાર આવી સોફા ઉપર બેઠો.

આજે રવિ કેતન ઉપર આફરીન થઈ ગયો હતો. તમામ પરીક્ષાઓમાં કેતન સફળ થયો હતો અને મિરેકલ્સ કહી શકાય એવા ચમત્કારો એણે કર્યા હતા. જો એની શક્તિઓની લોકોને ખબર પડે તો એના ત્યાં દર્દીઓની લાઈનો લાગે !

" કેતન માની ગયો દોસ્ત ! તારી પાછળ કોઈ દિવ્ય શક્તિ જબરદસ્ત કામ કરી રહી છે. હું પોતે ડિવાઇન પાવરમાં એટલું બધું માનતો ન હતો પણ તારી સાથે રહીને હવે હું એકદમ આસ્તિક બની ગયો છું. હું પણ કાલથી ગાયત્રી મંત્રની પાંચ માળા ચાલુ કરીશ. " રવિ બોલ્યો.

એટલામાં દમયંતીબેન બેડરૂમમાંથી બહાર આવ્યાં.

"કેતનભાઈ મને જ્યારે રવિએ વાત કરી ત્યારે મને એટલો બધો વિશ્વાસ નહોતો આવતો. છતાં એમને કોમામાંથી બહાર કાઢવા માટે આટલા બધા પ્રયત્નો કર્યા છે તો એક વધારે એમ માનીને જ મેં પરમિશન આપી હતી. પણ તમારી તાકાત જોઈને નતમસ્તક થઈ જવાય છે ! તમે વ્યક્તિની આરપાર જોઈ શકો છો એનો પણ મને આજે અનુભવ થયો. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. " દમયંતીબેન બોલતાં હતાં.

" અને મારાથી તમને ઊંચા અવાજે કંઈ બોલાઈ ગયું હોય તો એના માટે માફી માગું છું. એક રીતે જોઈએ તો તમે મારી આંખો ખોલી દીધી છે ! હવે તમે શું લેશો ? ઠંડુ કે ગરમ ? નાળિયેર પાણી પણ તૈયાર છે. " દમયંતીબેન બોલ્યાં.

"ઠીક છે નાળિયેર પાણી જ ગ્લાસમાં આપી દો. " કેતન બોલ્યો.

નાળિયેર પાણી પીને કેતન લોકો ઊભા થયા અને ફ્લેટની બહાર નીકળી ગયા.

"અહીં ખીરાનગરમાં મારા એક વડીલ મિત્ર ઉમાકાન્ત મહેતા રહે છે. એમને હું હરિદ્વારમાં મળ્યો હતો. ગાયત્રીના પ્રખર ઉપાસક છે. અહીં સુધી આવ્યો છું તો એમને મળતો જાઉં. તારે જવું હોય તો હવે જઈ શકે છે. કંઈ પણ કામકાજ હોય તો ગમે ત્યારે મને ફોન કરી દેજે. " કેતન બોલ્યો.

" ભલે તો હું નીકળું. " કહીને રવિ પોતાની ગાડી તરફ ગયો.

કેતને સિક્યુરિટીવાળાને ઉમાકાન્ત મહેતાના ફ્લેટનો નંબર પૂછ્યો. એણે સી બ્લોકમાં પહેલા માળે જવાનું કહ્યું.

કેતને ડોરબેલ વગાડ્યો. થોડીવારમાં દરવાજો ખૂલ્યો તો સામે ઉમાકાન્ત મહેતા પોતે જ ઊભા હતા.

"અરે આવો આવો કેતનભાઇ. છેવટે તમે આવ્યા ખરા. " કહીને ઉમાકાન્ત ભાઈએ કેતનને સોફા ઉપર બેસવા ઇશારો કર્યો.

કેતન સોફા ઉપર બેઠો. ઉમાકાન્ત ભાઈ અંદર જઈને પાણીનો ગ્લાસ લઈ આવ્યા અને કેતનને આપ્યો.

" કેમ ઘરમાં બીજું કોઈ નથી ? " કેતને પૂછ્યું.

" પત્ની વિદાય થઈ ગઈ એ તો મેં તમને કહેલું. દીકરો અને વહુ જોબ ઉપર છે. સાત વાગ્યા પછી આવશે." ઉમાકાન્તભાઈ બોલ્યા.

"આજે અચાનક અહીં ક્યાંથી ? " ઉમાકાન્તભાઈએ પૂછ્યું.

"અહીં એચ બ્લોકમાં પ્રાણજીવન ભટ્ટ રહે છે. છેલ્લાં ત્રણ વર્ષથી કોમામાં છે એમને જોવા માટે આવ્યો હતો. " કેતન બોલ્યો.

"હા હું ઓળખું છું એમને. બહુ જ સજ્જન માણસ છે. ત્રણ ત્રણ વર્ષથી બિચારા કોમામાં છે. " ઉમાકાન્તભાઈ બોલ્યા.

" હવે એ કોમામાં નથી. હમણાં જ કોમામાંથી બહાર આવ્યા અને નોર્મલ થઈ ગયા. " કેતને ખુશખબર આપ્યા.

" શું વાત કરો છો !! કોમામાંથી બહાર આવી ગયા ? પણ એ કેવી રીતે બને ? " ઉમાકાન્તભાઈ બોલ્યા.

"બસ ગાયત્રીમંત્રની શક્તિ અને મહાન ગુરુજીના આશીર્વાદથી મને સફળતા મળી." કેતન એટલું જ બોલ્યો.

" મેં તમને હરિદ્વારમાં એટલે જ કહ્યું હતું કે તમારામાં કંઈક છે. તમે સતત ગાયત્રી ઉપાસના ચાલુ રાખો. તમારી પાસે આ સિવાય પણ ઘણી સિદ્ધિઓ છે. હવે તમારે લોકોની સેવા માટે જાહેર જીવનમાં આગળ આવવું જોઈએ. જો લોકોના હિતમાં આ સિદ્ધિઓનો ઉપયોગ ના થાય તો આવી સિદ્ધિઓનો કોઈ મતલબ પણ નથી. " ઉમાકાન્તભાઈ બોલ્યા.

" તમે મારી બાજુમાં આવી જાવ અને તમારી અનામિકા આંગળી મને આપો." ઉમાકાન્તભાઈ બોલ્યા.

કેતન ઊભો થઈને ઉમાકાન્તભાઈ જે સોફા ઉપર બેઠા હતા ત્યાં બાજુમાં બેસી ગયો અને જમણા હાથની અનામિકા આંગળી એમની સામે ધરી.

ઉમાકાન્તભાઈએ આંગળી પોતાના જમણા હાથમાં પકડી અને પાંચ મિનિટ માટે અચાનક ધ્યાનમાં જતા રહ્યા. કેતનને ખ્યાલ આવી ગયો એટલે એ શાંતિથી બેસી રહ્યો.

પાંચેક મિનિટ પછી ઉમાકાન્તભાઈ ધીમે ધીમે ધ્યાનમાંથી બહાર આવ્યા. એમના ચહેરા ઉપર મંદ મંદ હાસ્ય હતું !

ધ્યાનમાંથી બહાર આવીને એમણે કેતનને જે કહ્યું એ સાંભળીને કેતનને ઘણું આશ્ચર્ય થયું. નિયતિ પોતાની પાસે શું કરાવવા માંગે છે એનું સ્પષ્ટ દર્શન થઈ ગયું. ગુરુજીએ પોતે જ એની આંગળી પકડી લીધી હતી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED