15 ઓગસ્ટનો દિવસ છે.. રાષ્ટ્રપતિભવનમાં દરબાર હોલ મોટી મોટી હસ્તીઓથી ભરચક છે દેશ-વિદેશનાં મહેમાનો હાજર છે. વડાપ્રધાન એમનું પ્રધાનમંડળ, વિરોધીપપક્ષનાં નેતાઓ, મોટાં મોટાં અધિકારી હાજર છે. જેનું સન્માન થવાનું છે તે બધાંજ હાજર છે. આજે “વસુધા-વસુમા”નું સન્માન થવાનું છે.
વિશાળ મોટા હોલમાં રાષ્ટ્રપતિજીનું આગમન થાય છે હાજર સર્વ ઉભા થઇને એમને સન્માન આપે છે. ઉદધોષક બધાં કાર્યક્રમની સૂચીની જાણ કરે છે. તાળીઓનાં ગડગડાટથી વધાવી લે છે બધાં હવે સન્માન યાદીમાં આવનાર મહાનુભાવો વિશે જાણવા અધીરાં છે.
ઉદધોષક અલગ અલગ ક્ષેત્રમાં ઉત્તમ કામ કરનાર વ્યક્તિઓનાં નામ બોલાય છે અને બધાને રાષ્ટ્રપતિજી સન્માનપત્રક અને સન્માન રાશી આપી બહુમાન કરે છે.
ગુજરાતમાં ગામ-શહેર બધે ઘરમાં બધાં પોતાનાં ટીવી સેટની સામે બેસી વસુમાંને મળનાર એવોર્ડને લાઇવ જોવા બેઠાં છે એમનાં નંબર આવવાની રાહ જોવાઇ રહી છે. બધાંની નજર ટીવી સ્ક્રીન પરજ છે.
અવંતિકા અને મોક્ષ પણ સવારથી ટીવી ચાલુ કરીને જોવા બેઠાં છે ગામની ડેરી-ગામનાં ઘર ગ્રામ પંચાયતોનાં હોલમાં ટીવી સેટ ગોઠવવામાં આવ્યા મોટી ડેરીમાં - ગામ-ગામની ડેરીઓમાં ટીવી સેટ ચાલુ છે બધાં વસુમાંનાં આવવાની રાહ જોઇ રહ્યાં છે.
ઉદઘોષકે ગુજરાતનાં વાગડમાં જન્મેલ ત્થા ગાડરીયામાં પ્રથમ ડેરી સ્થાપનાર ગુજરાત આખામાં શ્વેતક્રાંતિનાં કર્તા... સમાજ સુધારણા સ્ત્રીશક્તિને ઊજાળનાર, ઊંચે લાવનાર સ્ત્રીઓને સ્વાવલંબી સ્વમાની બનાવવામાં જેમનો સિંહ ફાળો છે એવાં સ્ત્રી શક્તિનાં પ્રણેતા શ્રીમતી વસુધા પીતાંબર ભટ્ટ જે વસુમાંનાં હુંલામણા નામથી આખા પંથકમાં પ્રખ્યાત છે એમની આખાં જીવનની “જીવની” સંક્ષિપ્તમાં કહી રાષ્ટ્રપતિજીનાં હસ્તે એમને રાષ્ટ્રપતિ એવોર્ડથી નવાજવામાં આવશે.
આ સાંભળતાં હોલમાં બધાં ઉભા થઇને તાળીઓનાં ગડગડાટથી સન્માન આપી વસુમાને વધાવી લીધાં તાળીઓ અવિરત પડી રહી હતી અટકતી નહોતી ઉદઘોષકે સંક્ષિપ્તમાં વસુમાંની જીવની કહી અને વસુમાં રાષ્ટ્રપતિજી પાસે પહોંચ્યાં ત્યાં સુધી તાળીઓ પડતી રહી વાગતી રહી. ગામે ગામ... જ્યાં જ્યાં ટીવી પર આ લાઇવ પ્રોગ્રામ જોઇ રહ્યાં હતાં બધાં ઉબા થઇને તાળીઓ વગાડતાં હતાં ઘણાંની આંખોમાં આનંદનાં આંસુ ઉભરાઇ રહ્યાં હતાં. આજે સર્વત્ર ગુજરાતમાં આનંદનો ઉત્સવ હતો.
દરબાર હોલમાં પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલાં બધાંજ ઉભા થઇ તાળીઓ વગાડી રહેલાં એમાં ઠાકોરકાકા એમની ટીમ, સરલા, રાજલ, આકાંક્ષા એનો વર, દુષ્યંત, ભાવેશકુમાર ત્થા વસુધાનાં માતાપિતા પણ હાજર હતા બધાંની આંખમાંથી આનંદની અશ્રુધારા વહી રહી હતી કોઇનાં મુખમાંથી શબ્દો નહોતાં સ્ફુરતાં એનાં માતાપિતા ઊંચા હાથ કરી આશીર્વચન બોલી રહેલાં.
વસુધાએ ખૂબ નમ્રતાપૂર્વક રાષ્ટ્રપતિજીની હાથે એવોર્ડ સ્વીકાર્યો ફરીથી તાળીઓનાં ગડગડાટથી હોલ ગૂંજી ઉઠ્યો.
રાષ્ટ્રપતિજીએ પ્રોટોકોલ તોડીને વસુધાને પોતાની પાસે બોલાવી અને માઇક ધરીને “વસુમાં તમે બે શબ્દ રાષ્ટ્રની નારીશક્તિ માટે કહો”.
વસુધા તો અચકાઇ.... શરમ સંકોચ એનાં ચહેરાં પર સ્પષ્ટ હતાં. રાષ્ટ્રપતિજીએ કહ્યું “વિના સંકોચ કહો. તમારાં બે શબ્દ રાષ્ટ્રની નારીઓ માટે હિતકારી હશે.”
વસુધાએ માઇક પાસે આવીને કહ્યુ. "આપ સહુને મારાં નમસ્કાર હું એક નાનકડા ગામની છોકરી મને પ્રેરણાં આપનાર મારાં માંબાપની દિકરી... મેં જે જોયું અનુભવ્યું એમાંથી જે શીખી એ મેં કર્યું મને બળ-માર્ગદર્શન -તક આપનાર મોટી ડેરીનાં ઠાકોરકાકાની આભારી છું.
મારી સાથે કામ કરનાર એક એક સ્ત્રી-છોકરીની આભારી છું મને બધાનાં સહકારનું બળ મળતું રહ્યું હું કરતી ગઇ. સ્ત્રી તરીકે મને થયેલાં સારાં કડવા અનુભવે મને શીખવ્યું હું શીખતી ગઇ.. સ્ત્રી અબળા નહીં સબળા છે.. સ્ત્રી શક્તિ છે. દરેક સ્ત્રીએ હિંમત હાર્યા વિના સંજોગોનો સામનો કરીને આગળ વધવું જોઈએ. સમાજમાં દાખલો બેસાડવો જોઈએ….. પરિણામ આપ સૌની સામે છે આપ સહુનાં સહકાર અને આશીર્વાદ વિના શક્ય નહોતું મારાં જેવી અનેક સ્ત્રીઓ સમાજમાં છે કામ કરે છે..... મારું નસીબ મને નિમિત્ત બનાવી ગયું.
આપ સહુનો ખૂબ ખૂબ આભાર હૃદયથી માનું છું મારી લાયકાતથી વધારે સન્માન આપી મને કૃત્ય કૃત્ય કરી છે હજી છેલ્લાં શ્વાસ સુધી હું કામ કરતી રહીશ અને લોકોનાં પ્રેમ અને પ્રેરણા મને મળતી રહેશે એવી આશા રાખું છું.
ફરીથી રાષ્ટ્રપતિજી એ તાળી વગાડી અભિવાદન કર્યું સન્માન પત્રક, (એવોર્ડ) સન્માન રાશી બધુ વસુધાને આપ્યું વસુધાએ નતમસ્તક કરી આભાર માનીને સ્વીકાર કર્યો.
દરબાર હોલમાં હાજર બધાંજ વડાપ્રધાનશ્રી સહિત ઉભા થઇ તાળીઓનાં ગડગડાથી સન્માન આપ્યું.
****************
અવંતિકાએ કહ્યું મોક્ષ જોયું ઇશ્વરે પાત્રતા જેવી હોય એનો અધિકાર બનાવી સન્માન અપાવેજ છે વસુમાંને જે સન્માન મળ્યું એ જોઇને હું ખૂબ ખુશ છું. ગામે ગામની બધી સ્ત્રીઓ ખુશ હશે એમાં કોઇ શંકા નથી સાચેજ વસુમાં પ્રેરણામયી “માં” છે.
************
દિલ્હી એરપોર્ટ પરથી વસુધા સહીત બધાં અમદાવાદ આવવા નીકળી ગયાં. અમદાવાદ એરપોર્ટ પર આવી એરપોર્ટની બહાર નીકળતાં વસુધાએ જોયું ખૂબ મોટી માનવ મેદની એનું સ્વાગત કરવા માટે હાજર છે.
પોલીસ કમીશ્નર પોતે બંદોબસ્તમાં હાજર હતાં સેંકડોની માનવ મેદની વસુમાં નો જયજયકાર કરી રહ્યાં હતાં બધાને વસુમાંને રૂબરૂ મળવું હતું. પુષ્પ આપવાં હતાં ગુલાબનો હાર પહેરવાવ્યો હતો બધાને સન્માન કરવુ હતું.
વસુધાને બોલવા માટે માઇકની વ્યવસ્થા થઇ ગઇ. વસુમાંએ કહ્યું “મારાં ગુજરાતનાં સહકાર્યકર મારી સખી ભગિનીઓ તમારાં પ્રેમ અને સહકારથી આજે આ મોટું સન્માન મને મળ્યું છે પરંતુ મારાં માટે તમારાં મનમાં મારાં માટેનો વિશ્વાસજ મારાં માટે સર્વશ્રેષ્ઠ સન્માન છે.”.. એટલું કહી પાલવ મોઢે ઓઢી ..... કારમાં બેસી ગયાં અને કારમાંથી બધાને જોઇ રહયાં હતાં...
---------- સમાપ્ત ----------
આજરોજ..અહીં “વસુધા વસુમાં” એક પ્રેરણાસ્ત્રોત નવલકથા સંપૂર્ણ થઈ છે. આ નવલકથામાં સ્ત્રીશક્તિ, સ્ત્રીઓનું આત્મસન્માન, કુટુંબમાં એનું સ્થાન મહ્ત્વતા, કુરિવાજોનો વિરોધ સાથે સાથે સ્ત્રી શોષણનો સામનો કરી સમાજમાં દાખલો બેસાડવો…આ અને અનેક બીજા પાસાઓ આવરી લેવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો છે.
આશા રાખું છું મારાં સર્વ વાચકોને આ નવલકથા “વસુધા વસુમાં” ખૂબ ગમી હશે… આ અંગે આપના અભિપ્રાય જરૂરથી આપવા નમ્ર વિનંતી છે.
હવે થોડાંક વિરામ પછી નવી ખૂબ રસપ્રદ નવલકથા આપ સહુ માટે રજૂ કરીશ. આમ જ તમારો પ્રેમ અને સહકાર મળતો રહેશે એવી આશા રાખું છું.
દક્ષેશ ઇનામદાર…