બ્લડી ડેડી Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લડી ડેડી

બ્લડી ડેડી

- રાકેશ ઠક્કર

શાહિદ કપૂરની બ્લડી ડેડી એક્શન ફિલ્મ હોવાથી OTT પર વધુ દર્શકો મળી શકે છે. શાહિદે શિર્ષક મુજબ બ્લડી અને ડેડી બંને બાબતોને સિધ્ધ કરી છે. તે OTT પર કારકિર્દી બનાવી શકે છે. એની પહેલી વેબસિરીઝ ફર્જી ને પસંદ કરવામાં આવી હતી. પહેલી ફિલ્મ બ્લડી ડેડી પણ પ્રશંસા મેળવી રહી છે.

આ એક રીમેક ફિલ્મ જ છે. પણ ફ્રેંચ ફિલ્મો સામાન્ય રીતે હિન્દી દર્શકો જોતાં ન હોવાથી એમના માટે વાર્તા નવી છે. એની વાર્તા જબરદસ્ત હોવાથી અગાઉ તમિલમાં તુંગા વનમ નામથી કમલ હસન સાથે બની હતી. 2011 માં આવેલી ફ્રેંચ ફિલ્મની આ રીમેકને બોલિવૂડના મસાલા સાથે હવે હિન્દીમાં બનાવવામાં આવી છે. એમાં એક અધિકારીની વાત છે જે પોતાના પુત્રને બચાવવાની કોશિશ કરે છે. સુમૈર આઝાદ (શાહિદ) એક નાર્કોટિક્સ અધિકારી છે. તે પોતાના સાથી જગ્ગી(જીશાન કાદરી) સાથે મળીને રૂ.50 કરોડના ડ્રગ્સની ચોરી કરે છે. બંને નકાબ પહેરીને નશો કરનારા લોકોને લૂંટતા હોય છે ત્યારે એક મોરિસ (વીટો) એનો ચહેરો ખુલ્લો કરે છે. મોરિસ ભાગીને એના બોસ સિકંદર (રોનિત)ને સુમૈર દ્વારા ચોરી કરાયેલા ડ્રગ્સની માહિતી આપે છે. સિકંદર સુમૈરના પુત્ર અથર્વ (સરતાજ) નું અપહરણ કરે છે. અને ડ્રગ્સના બદલામાં અથર્વ સોંપવાની વાત કરે છે. સુમૈર પાસે વિકલ્પ ન હોવાથી ડ્રગ્સ લઈ હોટલમાં જાય છે. ત્યાં ડ્રગ્સ ગાયબ થઈ જાય છે. બીજી તરફ ભ્રષ્ટાચાર વિરોધી સમીર (રાજીવ) અને અદિતિ (ડાયના) એની પાછળ હોય છે. પછી બધું મનોરંજન અને એક્શન સાથે થાય છે.

નાર્કોટિક્સ અધિકારી અને પિતા તરીકે શાહિદ કપૂરે સરસ અને સહજ અભિનય કર્યો છે. તે પોતાના પાત્રમાં સમાઈ ગયો છે. તે ઈમોશનલ દ્રશ્યોને ન્યાય આપે છે તો એક્શન દ્રશ્યોમાં પણ વધારે જામે છે. રૉનિત રોય પોતાની ભૂમિકામાં બરાબર કામ કરી જાય છે. તે અદ્દલ ડ્રગ માફિયા જેવો જ લાગે છે. રાજીવ ખંડેલવાલ પ્રભાવિત કરે છે. શાહિદની પત્ની તરીકે સુપર્ણાનું કામ સારું છે. નાની ભૂમિકામાં જીશાન કાદરીએ કમાલ કર્યો છે. ડાયના પેન્ટીને વધારે તક મળી નથી.

નિર્દેશક અલી પહેલા ભાગમાં એક્શન વગર સારું મનોરંજન આપે છે. બીજા ભાગમાં એક્શન પર વધારે ધ્યાન આપ્યું છે. એમણે એક્શન દ્રશ્યોને અલગ અંદાજમાં રજૂ કર્યા છે. વચ્ચે સ્ક્રીનપ્લે નબળો પડી જાય છે. બીજો ભાગ થોડો નિરાશ કરે છે. ક્યાંક સંજય કપૂર તો ક્યાંક રોનિત રૉય હાસ્ય પૂરું પાડી જાય છે.

અલીનું નિર્દેશન ઘણા દ્રશ્યોમાં પ્રભાવિત કરે છે. શાહિદ અને રોનિતની પહેલી મુલાકાત જબરદસ્ત છે. ગેમિંગ રૂમમાં શાહિદનું પાગલપન એનો બીજો નમૂનો છે. ગીત- સંગીતને મહત્વ આપવામાં આવ્યું નથી. જે ગીત છે એ બેકગ્રાઉન્ડમાં વાગે છે.

આમ તો ફિલ્મ બાબતે બીજી ઘણી ટીકાઓ થઈ છે. જેમકે બે કલાકની ફિલ્મ હજુ ટૂંકી કરવાની જરૂર હતી કે જૉન વિક ની નબળી નકલ છે. સામે એવો દાવો છે કે એમાં માત્ર એક્શન હોય છે. વાર્તા હોતી નથી. પરંતુ બ્લડી ડેડી માં ગાળો અને એક્શન દ્રશ્યો થોડા ઓછા બિભત્સ રાખવાની જરૂર હતી. વાર્તાની ઘણી જગ્યાએ અગાઉથી જ ખબર પડી જાય છે. અલીએ શાહિદની જગ્યાએ બીજા કોઈ હીરોને લીધો હોત તો કિંમત શૂન્ય થઈ ગઈ હોત. યુટ્યુબ પર એક સમીક્ષકે એમ કહ્યું છે કે આ ફિલ્મ જુઓ કે ના જુઓ એક દર્શક તરીકે તમને કોઈ ફરક પડશે નહીં. (મારો વિડીયો જોઈ લીધો એ માટે આભાર!) બીજા એક સમીક્ષકે કહ્યું કે નિર્દેશક અલીએ બોલીવૂડ મસાલાના આદી દર્શકોનો ટેસ્ટ બદલવાની કોશિશ કરી છે એને પ્રોત્સાહન આપવું જોઈએ.

અગાઉ ડ્રગ્સ અને ક્રાઇમ પર અનેક ફિલ્મો આવી ગઈ હોવા છતાં બ્લડી ડેડી અલગ તરી આવે છે. જેને બોલિવૂડના હીરો- હીરોઇનના પ્રેમના ચક્કરવાળી ફિલ્મો ગમતી નથી અને માત્ર એક્શનના ચાહક છે એમના માટે આ ફિલ્મ ખાસ છે. શાહિદના અભિનય અને એના જ એક્શન માટે બ્લડી ડેડી એક વખત જોવા જેવી જરૂર છે.