પ્રેમ - નફરત - ૮૦ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૮૦

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૮૦

આરવ માની ગયો એથી રચના મનોમન એટલી ખુશખુશાલ હતી કે બધાની વચ્ચે એને ભેટી પડે એવી ઈચ્છા થઈ ગઈ હતી. પણ મીટીંગ પૂર્ણ થયા પછી બધા પોતપોતાની ઓફિસમાં ગયા એ પછી રચનાએ દરવાજાને લોક મારીને આરવને ચુંબન આપ્યું. એણે પોતાની ખુશાલીને પ્રેમ તરીકે અભિવ્યક્ત કરી જેથી આરવ એમ ના સમજે કે ભાઈઓને અલગ કરવામાં રચનાને રસ હતો.

રચનાને થયું કે હિરેન અને કિરણ આટલા જલદી રાજી થઈ જશે એની કલ્પના ન હતી. બંને સ્વાર્થી બની ગયા છે. એમને લાગે છે કે આરવ અને રચના આખી કંપની પર પ્રભુત્વ સ્થાપિત કરી દે અને પિતા એ નાનો હોવાને કારણે સાથ આપે એ પહેલાં પોતાના ભાગે જે આવે તે લઈ લેવું જોઈએ.

રચનાનું અનુમાન સાચું જ હતું. હિરેન અને કિરણ ઓફિસમાં ખુશ બેઠા હતા. એમણે વધારે મહેનત કરવાની ન હતી. તૈયાર કંપની લઈ લેવાની હતી. નવી કંપની અને નામની જમાવટ કરવાનું આરવ અને રચનાને આપી દેવાનું હતું.

રચના હવે આરવ સાથે નવી કંપની શરૂ કરવા મચી પડી હતી. કંપનીના નવા નામ માટે એક આખો દિવસ ફાળવી દીધો હતો. એણે આરવ સાથે મળીને નવી કંપની સ્થાપી નવું નામ માઇન્ડ મોબાઈલ આપી દીધું હતું. જેને સોશિયલ મીડીયા પર મૂક્યા પછી પસંદ કરવામાં આવી રહ્યું હતું.

એક જ મહિનામાં રચનાએ નવો મોબાઈલ બહાર પાડવા તૈયારીઓ કરી લીધી. તેણે નક્કી કર્યું હતું કે એમાં એવા ફીચર્સ આપશે જે આજ સુધી કોઈ મોબાઇલમાં આવ્યા નહીં હોય. આ કામ પડકારરૂપ હતું એ પણ જાણતી હતી. હવે મોબાઇલમાં કોઈ નવા ફીચર્સને અવકાશ રહેતો ન હોવાથી કંપનીઓ અગાઉના ફીચર્સને આધુનિક બનાવવા કે અપગ્રેડ કરવા સિવાય બીજું કંઇ કરી શકે એમ ન હતી. કોઈ સાઈઝમાં તો કોઈ કલરમાં મુખ્યત્વે ફેરફાર કરતી હતી. આરવે એને કહ્યું જ હતું કે નવો મોબાઈલ લોન્ચ કરીશું એના પર જ કંપનીની સફળતાનો આધાર રહેશે. ઓલ ઇન વન મોબાઈલ કંપનીને આ સ્થાન પર પહોંચાડતા વર્ષો નીકળી ગયા હતા. એ નામને રચનાએ સામે ચાલીને ભાઈઓને આપી દીધું હતું. આરવના શરીરમાં નવું લોહી વહી રહ્યું હતું. એ સંઘર્ષ કરવા તૈયાર હતો. કેમકે રચનાનો સાથ મળી રહ્યો હતો.

રચના એ વાતથી ખુશ હતી કે તે લખમલભાઈને ઘરે બેસાડવા માંગતી હતી. એમણે જ સ્વૈચ્છિક નિવૃત્તિ પસંદ કરીને એનું કામ આસાન કરી આપ્યું હતું. હવે એમના દીકરાઓની કંપનીને માટીમાં મેળવી દેવાની હતી. આખા પરિવારને એમના જૂના જમાનાના દિવસો યાદ કરાવી દેવાના હતા. પોતાની કંપની એવી ધમધોકાર ચલાવવાની હતી કે ઓલ ઇન વન મોબાઈલ ના પાટિયા બેસી જાય અને એ લોકો ઘરે બેસી જાય. આરવ આવું થવા દે એવો ન હતો પણ સમય અને સંજોગો સામે એનું કંઇ ચાલે નહીં એમ કરવાનું હતું.

રચનાનું અત્યારે એક જ ધ્યેય હતું. નવા સ્માર્ટ ફોનથી છવાઈ જવું હતું. રચનાએ આરવ સાથે બેસીને માઇન્ડ મોબાઇલ ના ફીચર્સ પસંદ કર્યા. પ્રોસેસર સ્નેપડ્રેગન 8 જેન 2 સાથે 6.78 FHD અને 50 MP ટ્રિપલ કેમેરા પસંદ કર્યો. 5000 mah બેટરી સાથે 66 W ચાર્જિંગ આપવાનું નક્કી કર્યું. 5G મોબાઇલમાં બે OTT પ્લેટફોર્મનું એક વર્ષનું સ્બસ્ક્રિપ્શન મફત આપવાની સ્કીમ પણ આપી. જે આજ સુધી કોઈ મોબાઈલે આપી ન હતી.

આરવે જ્યારે એની પડતર કિંમત જાણી ત્યારે ચકિત થઈ ગયો. મોબાઈલ રૂ.૩૦૦૦૦ માં વેચવો પડે એમ હતો. આ કિંમતે બજારમાં નવો મોબાઈલ અને તે પણ પહેલો મોબાઈલ મૂકવાની કોઈ કંપની મૂર્ખામી ના કરે એ સમજતો હતો. એણે રચનાને ફીચર્સ ઘટાડવાની વાત કરી. રચનાએ પહેલો મોબાઈલ ખોટ ખાઈને પણ લોન્ચ કરવાની તૈયારી બતાવી ત્યારે આરવ વિચારમાં પડી ગયો. તેને થયું કે રચના બહુ મોટું જોખમ લઈ રહી છે. એનો દાવ ઊંધો પડી જશે તો હાલત ખરાબ થઈ જશે. એને રોકવી પડશે. ધંધામાં આવા પગલાને આત્મહત્યા તરીકે ઓળખવામાં આવે છે.

ક્રમશ: