પ્રેમ - નફરત - ૭૯ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૭૯

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૭૯

આરવને લાગણીશીલ થતો જોઈ રચના પોતાની બાજીને ઊંધી પડતાં જોઈ રહી હતી ત્યારે બધાની નજર લખમલભાઈ પર હતી. આરવના નિર્ણયથી એમને જરા પણ અસર થઈ ના હોય એમ એ હસ્યા. રચના વધારે ચમકી ગઈ કે એમણે આરવની પરીક્ષા લેવા જ કંપનીના ભાગ પાડવાની વાત તો કરી નહીં હોય ને?

આરવ આગળ બોલ્યો:પપ્પા, તમે મારી વાતને હસીને ઉડાવી નહીં શકો. આ કંપની આપણા સૌની સહિયારી રહેશે. તમે ઓલ ઇન વન નામ અમસ્તુ રાખ્યું નહીં હોય ને? આપણી કંપનીના મોબાઇલમાં જેમ બધી જ સુવિધાઓ હોય છે એમ બધાં સાથે મળીને જ કંપની ચલાવી શકીએ છીએ.

બેટા, નામ તો બીજા પણ રાખી શકાશે. અને હવે તમારે તમારી લાયકાત અને આવડત પર નામ કમાવાનું છે. મેં તમને એક આધાર આપી દીધો હતો. મને લાગે છે કે મારી વાત સાથે ભલે તું સંમત નહીં થાય પણ હિરેન અને કિરણની પણ હા હશે... હા, એ વાત કહી દઉં કે ઘરમાં આપણે સાથે જ રહીશું. એક છત નીચે... લખમલભાઈ બંને પુત્રો તરફ જોઈને બોલ્યા.

રચના વધારે ચમકી ગઈ. લખમલભાઈ હવે હિરેન અને કિરણની પણ કસોટી કરી રહ્યા છે કે શું? એ એક પછી એક નવો વિચાર રજૂ કરી રહ્યા છે. એ કઈ દિશામાં વિચારી રહ્યા છે અને કયે રસ્તે ચાલી રહ્યા છે એ સ્પષ્ટ થઈ રહ્યું નથી. એમણે બંને ભાઈને અત્યારે તો ધર્મસંકટમાં મૂકી દીધા છે. જો પોતે ભાગલા માટે રાજી થાય તો આરવને ખોટું લાગે અને ના પાડે તો પિતાની હામાં હા મિલાવી રહ્યા છે એવું આરવને લાગશે.

હિરેન હોશિયાર હતો. એણે પણ વચ્ચેનો રસ્તો કાઢ્યો. એણે કહ્યું:પપ્પા, તમારા નિર્ણય સામે અભિપ્રાય આપનાર અમે કોણ? તમે આજ સુધી જે નિર્ણય લીધા છે એને અમે આંખો અને માથા પર ચઢાવ્યા છે. તમે હંમેશા અમારું ભલું જ ચાહ્યું છે....

રચનાને હવે પાકો વિશ્વાસ બેસી ગયો કે લખમલભાઈના નિર્ણયને યોગ્ય ઠરાવીને બંનેએ એવો સંકેત આપી દીધો છે કે કંપનીના ભાગલા પડે તો એ રાજી છે. આરવ આવ્યો અને પછી રચના આવી ત્યારથી કંપનીમાં એમને કોઈ પૂછતું ન હતું. આરવ અને રચના મનમાની કરી રહ્યા હતા.

હિરેનની વાત સાંભળીને આરવને આંચકો લાગ્યો. એ એટલો નાદાન ન હતો કે હિરેનના કહેવાનો અર્થ પામી ના શકે. છતાં એણે લખમલભાઈને એમનો નિર્ણય બદલવાનો ફરી એક વખત આગ્રહ કર્યો:પપ્પા, તમને એમ લાગતું નથી કે આ નિર્ણય ઉતાવળમાં લેવાઈ રહ્યો છે? હજુ થોડો સમય વિચાર કરવો જોઈએ એમ લાગતું નથી?’

બેટા, બહુ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. જો... હું તને સમજાવું. આપણા સીએને પણ આ વાતનો ખ્યાલ નહીં હોય. બે અલગ કંપની થશે તો બંનેનો ધંધો ઘટવાને બદલે વધશે. હું જ્યારે લારીમાં મોબાઇલની એસેસરીઝ વેચતો ત્યારે એવી જગ્યાએ જતો હતો જ્યાં મારા જેવા જ બીજા બે લારીવાળા પણ ઊભા હોય. આજે પણ તું જોજે કે ફળ, શાકભાજી, કરિયાણું વગેરેની અનેક દુકાનો સાથે જ હોય છે અને એ કારણે જ એમનો ધંધો વધારે ચાલે છે. હું હમણાં વડોદરા ગયો ત્યારે નવો એસ.ટી. બસ ડેપો બનાવવામાં આવ્યો છે એને જોવા ગયો હતો. એમાં એક નહીં પચીસથી વધુ દુકાનો માત્ર મોબાઇલની એસેસરીઝની જ છે. અને બધી દુકાનો પર ઘરાકી હતી. એક વખત એક નાના શહેરમાં મારા આધારકાર્ડની ઝેરોક્ષ કઢાવવા ડ્રાઇવરને મોકલ્યો ત્યારે એણે મને આવીને કહ્યું હતું કે ત્યાં સાત જેટલી સળંગ ઝેરોક્ષની દુકાનો હતી. મને લાગે છે કે હવે વધારે ઉદાહરણ આપવાની તને જરૂર નથી! કહીને લખમલભાઈ હસી પડ્યા અને ઊભા થઈને એને ભેટી પડ્યા.

આરવ પિતાને ભેટી પડ્યો ત્યારે એની આંખ ભીની થઈ ગઈ હતી. રચના સમજી ગઈ કે લખમલભાઈ જાણે છે કે આરવ ધંધા માટે નહીં પણ પરિવારની લાગણી માટે વધારે વિચારે છે.

રચના એ વાતથી ખુશ હતી કે એના પાસા પોબાર પડી રહ્યા છે. ત્યારે એને ખબર ન હતી કે લખમલભાઈના મનમાં શું ચાલી રહ્યું છે.

ક્રમશ: