પ્રારંભ પ્રકરણ 58
જાનકીના ગયા પછી કેતન થોડી વાર બેસી રહ્યો. જિંદગીમાં પહેલી વાર એણે આવો રોમેન્ટિક અનુભવ કર્યો હતો !! કાલની રાત ખરેખર કામણગારી રાત હતી.
એ ઉભો થયો. વૉશરૂમમાં નાહી ધોઈને કલાક પછી બહાર આવ્યો. ડાર્ક બ્લુ કલરનું ચેક્સવાળું શર્ટ અને ક્રીમ કલરનું પેન્ટ પહેરી લીધું. પર્ફ્યુમનો એને ખાસ શોખ ન હતો તો પણ પર્ફ્યુમનો થોડો છંટકાવ કર્યો. ગમે તેમ તોય હજુ વરરાજા હતો !!
દસ વાગી ગયા હતા એટલે એ સીધો રસોડામાં ચા નાસ્તો કરવા ગયો.
" જિંદગીમાં પહેલીવાર ભાઈ આજે દસ વાગે ઉઠ્યા છે. " શિવાની બોલી.
" અરે...ના રે ના. નવ વાગે તો ઉભો થઇ ગયો હતો." કેતન બોલ્યો અને જાનકીની સાથે શિવાની અને રેવતી ભાભી પણ હસી પડ્યાં.
" ચાલો હવે મજાક છોડો. જાનકી પણ ક્યારની કેતનની રાહ જોતી બેસી રહી છે. એમને ચા નાસ્તો કરવા દો. તમે લોકો બહાર આવી જાવ. " જયાબેન બોલ્યાં.
" પણ મમ્મી હું ભાઈ ભાભીની સાથે બેસી રહું તો શું વાંધો છે ? " શિવાની બોલી.
"હે ભગવાન... ૨૧ વરસની ગગી થઈ તોયે એનામાં અક્કલ આવતી નથી !! મારે એને કઈ રીતે સમજાવવી ? તું બહાર આવતી રહે ને ભૈશાબ !! " જયાબેને ઘાંટો પાડ્યો.
જયાબેન સારી રીતે સમજતાં હતાં કે નવા નવા પરણેલા યુગલને થોડું એકાંત આપવું જરૂરી છે. એકબીજા તરફ વહાલના દરિયા ઉભરાતા હોય છે. એકબીજાને અડપલાં કરવાનું મન થતું હોય છે. મનના આવેગો બેકાબુ બની જતા હોય છે. બીજાની હાજરી એમને ખટકતી હોય છે.
અને વાત પણ સાચી હતી. ચા પીતાં પીતાં પણ કેતન જાનકીને તાકી જ રહ્યો હતો. એને આજે જાનકી જુદી જ લાગતી હતી. જો કે બંને સંસ્કારી પરિવાર તરફથી હતાં એટલે રસોડામાં કેતન અને જાનકી મર્યાદામાં જ રહ્યાં.
સવારે લગભગ ૧૦:૩૦ વાગે કેતનને યાદ આવ્યું કે અમેરિકામાં રહેતો એનો ખાસ મિત્ર સુધાકર શેઠ એક વીક માટે સુરત આવેલો છે અને આજે રાતની ફ્લાઈટમાં એ શિકાગો જવાનો છે. સુધાકરે ખાસ એને મળીને જવાનું કહ્યું હતું. સુધાકર રાંદેર રોડ ઉપર રહેતો હતો.
જાનકી મમ્મી અને મહેમાનો સાથે વાતો કરતી હતી એટલે કેતન એને ડિસ્ટર્બ કર્યા વગર જગદીશભાઈને કહીને પોતાની ગાડી લઈ ઘરની બહાર નીકળી ગયો.
બહાર નીકળીને એણે સુધાકરને ફોન કર્યો. સુધાકર ઘરે જ હતો. એનું ઘર કેતને જોયેલું હતું એટલે ગાડી સીધી એના ઘરે લઈ લીધી. અડધા કલાકમાં તો એ પહોંચી પણ ગયો.
"સૌથી પહેલાં તો લગ્ન માટે ખૂબ ખૂબ અભિનંદન. તું એકલો કેમ આવ્યો ભાભીને લઈને ના આવ્યો ?" સુધાકર બોલ્યો.
" અરે ભાઈ હજુ કાલે તો લગન થયાં
છે. મહેમાનો પણ હજુ ઘરમાં છે. અત્યારે એને લઈને કેવી રીતે નીકળી પડું ? આજે સાંજે પાછું રિસેપ્શન છે અને તારે પણ રાત્રે નીકળી જવાનું છે એટલે હું અત્યારે જ આવી ગયો. મને હતું કે તું જાનમાં આવીશ." કેતન બોલ્યો.
"જાનમાં આવવાનું શક્ય નહોતું કેતન. આ એક વીકમાં હું કેટલી જગ્યાએ ફર્યો છું !! એક દિવસ પણ નવરો બેઠો નથી. તને બસ આ ગિફ્ટ આપવા માટે જ બોલાવ્યો હતો. " સુધાકર બોલ્યો.
સુધાકરે જાનકી માટે ખરીદેલું ડાયમંડ જડિત બ્રેસલેટ કેતનને ગિફ્ટ આપ્યું.
" અરે સુધાકર આટલી બધી મોંઘી ગિફ્ટ લેવાની ક્યાં જરૂર હતી ભાઈ ? ખાલી એક સોનાની ચેન આપી હોત તોય ચાલી જાત. " કેતન બોલ્યો.
" અરે ભાઈ મારે મારા મોભા પ્રમાણે આપવું પડે કે નહીં ? શ્રીજી બાવાની દયાથી શિકાગોમાં ખૂબ સારી રીતે સેટ થઈ ગયો છું. દિવાન એવન્યુ રોડ ઉપર મારી રેસ્ટોરન્ટ ખૂબ સરસ ચાલે છે." સુધાકર શેઠ બોલ્યો.
એ પછી શિકાગોની ભૂતકાળની થોડીક વાતો મમળાવીને કેતન ઘરે જવા માટે નીકળી ગયો.
લગભગ ૧૨ વાગે ઘરે પહોંચીને કેતન સીધો ઉપર પોતાના બેડરૂમમાં ગયો. જાનકી એની રાહ જ જોતી હતી.
" ક્યાં ગયા હતા બે કલાકથી ? ઘરમાં પણ કોઈને કંઈ ખબર નથી. જમવા માટે મમ્મી પણ એક વાર પૂછી ગયાં." જાનકી બોલી.
"બસ તારા માટે સ્વામીજીના આશીર્વાદ લેવા ગયો હતો." કેતન બોલ્યો.
"જાઓ હવે...મારા માટે આશીર્વાદ લેવા અને એ પણ મને ઘરે મૂકી ને !!" જાનકી મીઠો છણકો કરીને બોલી.
"આ આશીર્વાદ સૂક્ષ્મ હોય અને એમાં તારી સ્થૂળ હાજરીની જરૂર ના હોય. આપણે કોઈને - ગોડ બ્લેસ યુ - ના આશીર્વાદ મેસેજ કરીએ તો એને મળી જાય છે કે નહીં ? " કેતન ઠાવકાઈથી એવા જવાબ આપતો હતો કે જાનકી ગુંચવાઈ ગઈ.
" તમને બોલવામાં નહી પહોંચાય. સાચું કહો ને ક્યાં ગયા હતા ? " જાનકી બોલી.
" હું પપ્પાને કહીને જ ગયો હતો. અમેરિકાથી મારો મિત્ર આવ્યો છે. આજે રાત્રે શિકાગો પાછો જાય છે. એ લગ્નમાં ન આવી શક્યો એટલે હું એને ખાસ મળવા ગયો હતો. એણે તારા માટે આ બ્રેસલેટની ગિફ્ટ આપી છે !" કેતને કહ્યું.
જાનકીએ પેક કરેલું બ્રેસલેટ ખોલીને જોઈ લીધું. હીરા જડિત બ્રેસલેટ ખૂબ જ સરસ હતું !
" વાઉ ! કેટલું સરસ બ્રેસલેટ છે ? " જાનકી બ્રેસલેટ જોઈને બોલી.
" મેં ગઈકાલે સપનામાં જોઈ લીધેલું. એટલે તો ખાસ ગયેલો. આવું બ્રેસલેટ છોડાય ? " કેતન મજાકિયા મૂડમાં હતો.
" જાઓ ને હવે ! બોલ્યા... સપનામાં જોયું હતું !! હવે નીચે ચાલો જમવા માટે ભાઈ રાહ જોતા હશે. " જાનકી મીઠો છણકો કરીને બોલી.
કેતન અને જાનકી તરત નીચે ઉતર્યાં અને ડાઇનિંગ ટેબલ ઉપર બેઠાં. મમ્મી પપ્પાએ જમી લીધું હતું. સિદ્ધાર્થ લોકો કેતનની જ રાહ જોતા હતા.
" ક્યાંય બહાર ગયો હતો તું ? " સિદ્ધાર્થે પૂછ્યું.
" હા ભાઈ શિકાગોથી મારો મિત્ર સુધાકર શેઠ આવ્યો હતો. એ જાનમાં આવી શકે એમ ન હતો એટલે એણે મને ખાસ ઘરે બોલાવ્યો હતો. જાનકી માટે એ અમેરિકાથી સરસ બ્રેસલેટ લઈ આવ્યો છે. એ આજે રાત્રે નીકળી જવાનો છે. શિકાગોમાં મારે એની સાથે અંગત સંબંધો હતા. " કેતને કહ્યું.
" હનીમૂન માટે પછી તમે લોકોએ શું વિચાર્યું છે ? " સિદ્ધાર્થે પૂછ્યું.
" હજુ તો કંઈ વિચાર્યું નથી. એક બે દિવસમાં નક્કી કરીશું. મુંબઈ ગયા પછી જ જવાનો વિચાર છે." કેતન બોલ્યો.
"જો દુબઈ બેંગકોક કે સ્વીટઝરલેન્ડ જવાની ઈચ્છા હોય તો અગાઉથી પ્લાનિંગ કરવું પડશે." સિદ્ધાર્થ બોલ્યો.
દુબઈનું નામ સાંભળતાં જ કેતનને માયાજગતમાં પોતે જાનકીને લઈને હનીમુન માટે દુબઈ ગયો હતો એ બધું યાદ આવી ગયું. દુબઈનાં બધાં સ્થળો પણ જાણે કે જાણીતાં થઈ ગયાં હતાં. હનીમૂન માટે દુબઈ જ બરાબર છે ! કેતને તત્કાલ નિર્ણય લઈ લીધો.
" તો પછી દુબઈ જ ફરી આવીએ. જાનકીએ દુબઈ જોયું નથી એટલે એને પણ મજા આવશે. " કેતન બોલ્યો.
" ગ્રેટ !! પણ તો પછી તારે એના માટે ત્યાંની કોઈ સારી હોટલનો સ્પોન્સર લેટર જોઈશે. એક કામ કર. તું ગ્રાન્ડ હયાત હોટલમાં જ રોકાજે. હું બે વાર જઈ આવ્યો છું. બેસ્ટ હોટલ છે. ત્યાં મેનેજર શેટ્ટી મને સારી રીતે ઓળખે છે. હું આજે વાત કરી લઉં. તારા તમામ ડોક્યુમેન્ટ તું હોટલમાં ઇમેલ કરી દે. કઈ તારીખે જવાનો પ્લાન છે એ પણ જણાવવું પડશે. હોટલવાળા સ્પોન્સર લેટર મોકલી દેશે. બે-ચાર દિવસ ત્યાં ફરી આવો. " સિદ્ધાર્થ બોલ્યો.
"આજે ૨૩ જાન્યુઆરી થઈ. ૨૮મી જાન્યુઆરીનો જ દુબઈનો પ્લાન બનાવીએ. ત્યાં સુધીમાં આપણે મુંબઈ પણ જતા રહીશું. " કેતન બોલ્યો.
" બરાબર છે. તારે જ્યારે પણ જવું હોય ત્યારે. ત્યાં સુધીમાં સ્પોન્સર લેટર આપણે મંગાવી લઈએ. " સિદ્ધાર્થ બોલ્યો.
" હા ભાઈ ડોક્યુમેન્ટ હું આજે જ મોકલી દઉં છું. " કહીને કેતને જમવામાં ધ્યાન પરોવ્યું.
કેતન ભાઈ સાથે વાતો કરી રહ્યો હતો પણ એનું ધ્યાન તો જાનકીમાં જ હતું. કંચન તો એને વારસામાં મળ્યું હતું. કામિની હવે પહેલીવાર મળી હતી. અનંગનો રંગ એને પણ લાગી ગયો હતો !!
જમ્યા પછી સિદ્ધાર્થે કેતન અને જાનકીના સ્પોન્સર લેટર માટે દુબઈ ગ્રાન્ડ હયાત હોટલના મેનેજર શેટ્ટી સાથે વાત કરી લીધી. એ પછી બપોરે કેતને પણ પોતાના અને જાનકીના તમામ ડિજિટલ ડોક્યુમેન્ટ ઈમેલ કરી દીધા.
કેતન અને જાનકીનાં લગ્નનું રિસેપ્શન સાંજે સાત વાગ્યે હતું એટલે બ્યુટી પાર્લરમાં જઈને જાનકીએ તૈયાર થવાનું હતું. બપોરે માત્ર બે કલાક જ આરામના હતા. છતાં બેડરૂમમાં કેતન હજુ હનીમુનના જ મૂડમાં હતો.
"કેતન પ્લીઝ મને બે કલાક તો આરામ કરવા દો ! હનીમૂન તો આખી જિંદગી ચાલવાનું છે !! " જાનકી બોલી.
" આખી જિંદગી નહીં. વડીલો કહી ગયા છે કે હનીમૂનના દિવસો માત્ર છ મહિના ચાલતા હોય છે. એ પછી બધું મધ સુકાઈ જાય છે ! " કેતન બોલ્યો.
" વાહ.. કયા વડીલો તમને કહેવા આવ્યા ? એ પણ કાલે સપનામાં જ આવ્યા હશે ! " જાનકી બોલી.
કેતન જવાબ આપવા જતો હતો પરંતુ એણે જાનકીને સુવા દીધી કારણ કે સાડા ચાર વાગે જાનકીને બ્યુટી પાર્લરમાં જવાનું હતું.
જયાબેન ના કહેવાથી બરાબર ચાર વાગ્યે શિવાનીએ જાનકીને જગાડવા કેતનના બેડરૂમના દરવાજે ટકોરા માર્યા. જાનકી તરફ જાગી ગઈ.
ચા પાણી પીને શિવાની સાડા ચાર વાગે જાનકી અને રેવતીને લઈને સુરતના જાણીતા બ્યુટી પાર્લરમાં ગઈ. ત્રણેયને રિસેપ્શન માટે તૈયાર થવાનું હતું.
આંબા તલાવડી રોડ ઉપર આવેલા સમસ્ત પાટીદાર સમાજ હોલમાં રિસેપ્શન રાખ્યું હતું અને સવારથી જ ત્યાં મંડપ બંધાઈ રહ્યો હતો. ગમે એટલા મહેમાનો આવે તો પણ સમાવેશ થઈ જાય એવો હોલ હતો !
સાંજે ૭ વાગે રિસેપ્શન ચાલુ થઈ ગયું. કેતને લગ્ન વખતે પહેર્યો હતો એ ગ્રે કલરનો સ્યૂટ અને જાનકીએ સોનેરી ભરત ભરેલી પિંક કલરની ભારે સાડી પહેરી હતી. જાનકી બ્યુટી પાર્લરમાં ખૂબ જ સરસ તૈયાર થઈ હતી. બંનેની જોડી ખૂબ જ શોભતી હતી. શિવાની પણ તૈયાર થઈને સ્ટેજ ઉપર જ ભાભીની સાથે ઉભી હતી.
એક પછી એક મહેમાનો સ્ટેજ ઉપર આવતા ગયા અને ભેટ સોગાતો આપતા ગયા. સિદ્ધાર્થ અને રેવતી પણ સ્ટેજ ઉપર જ બેઠાં હતાં અને તમામ ગિફ્ટો વ્યવસ્થિત ગોઠવતાં હતાં.
રિસેપ્શનમાં મનસુખ માલવિયા અને એનો આખો પરિવાર આવ્યો હતો. તો અસલમ શેખ પણ ખાસ હાજર રહ્યો હતો. કેતને એને ખાસ આગ્રહ કરીને સુરત રિસેપ્શનમાં હાજરી આપવાનું કહ્યું હતું.
જમણવાર માટે ગુજરાતી પંજાબી કાઠીયાવાડી અને ઇન્ટર કોન્ટીનેન્ટલ એમ ચાર કાઉન્ટર રાખેલાં હતાં. વ્યવસ્થા ખૂબ જ સુંદર ગોઠવેલી હતી. આખું જ આયોજન ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને સોંપી દીધું હતું. મહેમાનો પોતે રસોઈની પ્રશંસા કરતા હતા.
આખો સત્કાર સમારંભ રાત્રે ૧૧ વાગે પત્યો. જગદીશભાઈનું સર્કલ પણ મોટું હતું. અહીં પણ ભેટ સોગાતોનો વરસાદ વરસ્યો હતો !
કેતનનો પરિવાર ઘરે પહોંચ્યો ત્યારે રાતના ૧૨ વાગી ગયા હતા. બીજા દિવસે પણ કેતન અને જાનકી સવારે સાડા આઠ વાગે ઉઠયાં.
સવારે ૧૧:૩૦ વાગ્યે શેટ્ટીનો ફોન પણ આવી ગયો અને ઈમેલ ઉપર સ્પોન્સર લેટર પણ આવી ગયો. સ્પોન્સર લેટર આવ્યા પછી સિદ્ધાર્થે કેતન અને જાનકી માટે મુંબઈથી સવારે ૦૭:૫૦ કલાકે ઊપડતા ઈન્ડિગોની ૨૮ મી જાન્યુઆરીની દુબઈ જવાની બે ટિકિટ બુક કરાવી દીધી.
સાંજે કેતન અને જાનકી સુરતના અતિ પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિરે જઈને મા અંબાનાં દર્શન પણ સજોડે કરી આવ્યાં . એ વખતે સાથે શિવાની અને રેવતી પણ ગયાં હતાં.
સુરત તો જાનકી માટે એકદમ જાણીતું શહેર હતું. કારણ કે વર્ષો સુધી એ સુરતમાં જ રહી હતી અને ભણી હતી. આ મંદિરમાં તો એ અનેક વાર દર્શન કરવા માટે આવી ગઈ હતી.
કેતન, જાનકી, સિદ્ધાર્થ અને રેવતી ૨૬ જાન્યુઆરી સુધી સુરતમાં રોકાયાં.
સુરતમાં ચાર દિવસ ક્યાં પસાર થઈ ગયા એ ખબર પણ ના પડી.
૨૭ તારીખે સવારે સાત વાગે બંને ભાઈઓ મમ્મી પપ્પા અને શિવાનીની ભાવભીની વિદાય લઈને મુંબઈ જવા માટે નીકળી ગયાં. બીજા દિવસે સવારે કેતનની દુબઈ જવાની ફ્લાઈટ હતી.
મનસુખ માલવિયા કેતનની ગાડી ચલાવી રહ્યો હતો તો એની પત્ની પણ સિદ્ધાર્થની ગાડીમાં બેસી ગઈ હતી.
બપોરે ૧૨ વાગ્યા આસપાસ પાર્લા પહોંચીને સૌથી પહેલાં તો શબરી હોટલમાં બધાંએ જમી લીધું. એ પછી ઘરે ગયાં.
ઘરે પહોંચ્યા પછી ઘરની સાફ-સફાઈ કરવાનું કામ મનસુખભાઈ અને એમની પત્નીએ સંભાળી લીધું. છેલ્લા ૧૫ દિવસથી ઘર બંધ હતું. તમામ રૂમમાં ખૂણે ખૂણા ઝાપટીને કચરો વાળી લીધો અને પછી પોતું વગેરે કરી એક કલાકમાં ઘર એકદમ ચોખ્ખું કરી દીધું.
" વાહ મનસુખભાઈ વાહ ! તમે બંને ના હોત તો અમને સાફ-સફાઈ કરવામાં બે કલાક લાગ્યા હોત. " સિદ્ધાર્થ બોલ્યો.
" કાલે સવારે મોડા માં મોડા છ વાગે આપણે એરપોર્ટ જવા માટે નીકળી જવું પડશે મનસુખભાઈ. તમે જરા વહેલા આવી જજો. " કેતને મનસુખ ભાઈને સૂચના આપી.
એ પછી બધાએ ત્રણ-ચાર કલાક આરામ કર્યો અને બધો થાક ઉતારી દીધો.
બીજા દિવસે સવારે બધાં વહેલાં ઉઠી ગયાં. ન્હાઈ ધોઈ ચા પાણી પીને સવારે પોણા છ વાગે કેતન જાનકી એરપોર્ટ જવા માટે નીકળી ગયાં. એરપોર્ટ પહોંચીને બોર્ડિંગ પાસ લઈને સિક્યુરિટી ચેકિંગ કરાવી દીધું અને બંને જણાં અંદર લોન્જમાં જઈને બેઠાં.
જાનકી પહેલીવાર વિદેશ પ્રવાસ કરી રહી હતી એટલે આજે એ ખૂબ જ રોમાંચક અનુભવ કરી રહી હતી. લગ્ન થયાં ત્યારથી જ બંને જણાં આમ તો રોમેન્ટિક બની જ ગયાં હતાં ! પણ આ વિદેશ પ્રવાસનો રોમાંચ કંઇક અલગ પ્રકારનો હતો !!
કેતને એરપોર્ટ ઉપરથી જ દુબઈની કરન્સી લઈ લીધી હતી. ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ તો હતું જ છતાં કેટલીક જગ્યાએ ત્યાંની લોકલ કરન્સીની જરૂર પડતી હતી.
દુબઈના ટાઈમ પ્રમાણે સવારે ૧૦ વાગે દુબઈ એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડ થયું. એક નંબરના ટર્મિનલ ઉપર ટ્રેનની વ્યવસ્થા હતી. જેમાં બેસીને ઈમિગ્રેશન વિભાગમાં જવાતું હતું. ત્યાં જઈને ઈમિગ્રેશન ચેકિંગ કરાવી બંનેના પાસપોર્ટ ઉપર એન્ટ્રીનો સ્ટેમ્પ લગાવી કસ્ટમમાં થઈને એ લોકો બહાર નીકળ્યાં.
એરપોર્ટ ઉપરથી ટેક્ષી કરીને એ લોકો ગ્રાન્ડ હયાત હોટેલ પહોંચી ગયા. ત્યાં પહોંચીને કેતને મેનેજર શેટ્ટી સાથે વાત કરી. શેટ્ટીએ ચોથા માળે એક બેસ્ટ સ્યુટ એ લોકોને આપી દીધો. સ્યુટમાં પ્રવેશ કર્યો ત્યારે દુબઈના સમય પ્રમાણે સવા દસ વાગ્યા હતા જ્યારે ઇન્ડિયામાં પોણા બાર વાગી ગયા હતા. દુબઈ દોઢ કલાક પાછળ ચાલતું હતું.
બંને જણા આજે વહેલી સવારે પાંચ વાગે ઉઠી ગયા હતા એટલે જાનકીને નાહવાનું બાકી હતું. સૌથી પહેલા તો જાનકી એ મન ભરીને સ્નાન કરી લીધું. અડધા કલાકે નાહીને બહાર નીકળી. વેસ્ટર્ન આઉટફીટમાં એ ખૂબ જ આકર્ષક લાગતી હતી.
બંને જણાં તૈયાર થઈ ગયાં ત્યારે ૧૧:૧૫ જેવું થઈ ગયું હતું. ભારતીય સમય પ્રમાણે તો ખરેખર પોણો વાગી ગયો હતો એટલે બંનેને ભૂખ પણ લાગી હતી એટલે દૂરની કોઈ રેસ્ટોરન્ટમાં જવાના બદલે ગ્રાન્ડ હયાતની રેસ્ટોરન્ટમાં જઈને મેનુ જોઈ કેતને પંજાબી ડીશનો ઓર્ડર આપ્યો.
" તને પંજાબી ડીશ પ્રિય છે એટલા માટે પંજાબી ડીશ પસંદ કરી." કેતન જાનકીને ખુશ કરવા બોલ્યો.
"વાહ સાહેબ ! મારું બહુ ધ્યાન રાખો છો તમે તો !! મને તો ઊંધિયું ખાવાનું મન છે. મારા માટે ગુજરાતી થાળીનો જ ઓર્ડર આપો." જાનકી રમતિયાળ શૈલીમાં બોલી.
કારણ કે એણે મેનુમાં જોયું હતું કે અહીં કોઈ ઊંધિયુ કે ગુજરાતી થાળી મળતી જ ન હતી !!! માત્ર પંજાબી ડીશ અને નોન વેજ સી ફૂડ જ મળતાં હતાં !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)