પ્રારંભ - 57 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 57

પ્રારંભ પ્રકરણ 57

૨૨ જાન્યુઆરીના દિવસે કેતનનાં લગ્ન હતાં એટલે ૧૨મી જાન્યુઆરીના દિવસે જ સિદ્ધાર્થ રેવતી અને કેતન પોતપોતાની ગાડી લઈને સુરત પહોંચી ગયા. મનસુખભાઈ અને એમનાં વાઈફ પણ કેતનની ગાડીમાં જ સુરત આવી ગયાં. લગ્ન પ્રસંગ હતો એટલે ડ્રાઇવર તરીકે અવારનવાર મનસુખ માલવિયાની જરૂર પડે જ.

જો કે કેતનનાં પોતાનાં લગ્ન હતાં એટલે બે દિવસ પહેલાં જ કેતને મનસુખ માલવિયાને ખાર મોકલીને સીઝા ગાડી રુચિના બંગલે મૂકાવી દીધી હતી અને એના બદલે બીએમડબલ્યુ મંગાવી લીધી હતી.

ગાડી બદલી નાખી હતી એટલે કેતને માળી સાથે પણ વાત કરી લીધી હતી જેથી બદલાયેલી ગાડી જોઈને એને ટેન્શન ના થઈ જાય !

બીજા દિવસે મકરસંક્રાંતિ હતી અને સુરતમાં તો પતંગનું બહુ જ મહત્વ હતું એટલે ૧૩ તારીખ તો પતંગ અને દોરી પાછળ જ ગયા અને ઉતરાયણના દિવસે બંને ભાઈઓ તથા શિવાનીએ પતંગ ઉડાડવાની ભરપૂર મજા માણી. વહેલી સવારના પાંચ વાગે જ કેતન લોકો ધાબા ઉપર ચડી ગયા હતા.

બીજા દિવસથી ઘરમાં ધીમે ધીમે લગ્નનું વાતાવરણ જામવા લાગ્યું. જેમને કંકોત્રી લખવા જેવી હતી એમના ઘરે કંકોત્રીઓ મોકલી. જેમને ફોનથી આમંત્રણ આપી શકાય એમ હતું એમને ફોન કરીને લગ્નમાં પધારવાનું આમંત્રણ આપ્યું. અમુક લોકોને માત્ર રિસેપ્શન કાર્ડ મોકલી આપ્યું. તો કેટલાક નજીકના કુટુંબીજનોને જાનમાં આવવાનું પણ આમંત્રણ આપ્યું.

૨૧ તારીખનો આખો દિવસ ખૂબ જ ધમાલનો રહ્યો. સવારે ગણેશ સ્થાપન તેમજ મંડપનું મુહૂર્ત કરવામાં આવ્યું. આમંત્રિત મહેમાનો માટે બપોરે જમણવાર પણ હતો. સાંજે છ વાગે જ જાનની ગાડીઓ અને એક સ્પેશિયલ લક્ઝરી બસ મુંબઈ જવા રવાના થવાની હતી.

જાનમાં જવા માટે કુલ ૨૬ માણસો સુરતથી હતા. જ્યારે મુંબઇથી બીજા ૧૧ માણસો જોડાવાના હતા. અગાઉથી જાણ કરીને કેતને રવિ ભાટિયાની જુહુ વરસોવા રોડ ઉપર આવેલી રેઈનબો હોટેલ બુક કરી હતી.

રાજકોટથી અસલમ શેખ સીધો નરીમાન પોઇન્ટ ઉપર ધી ઓબેરોય હોટલમાં રાત્રે પહોંચી જવાનો હતો. તો જયેશ ઝવેરી અને એનું નાનું ફેમિલી પણ સીધું રેઈનબો હોટલ રાત્રે પહોંચી જવાનું હતું. ધરમશીભાઈ અને એમનાં પત્ની સીધાં હોલ ઉપર આવી જવાના હતા. તો જયદેવ ઠાકર અને એની વાઇફ પણ હોલ ઉપર જ આવવાનાં હતા. લલ્લન પાંડેને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

કેતને રવિને કુલ ૩૦ માણસો માટે રૂમની વ્યવસ્થા કરવાનું કહી દીધું હતું. હોટલ રેઈનબોમાં ૧૨ રૂમ ખાલી હતા એટલે એમાં ૨૫ ૨૬ વ્યક્તિઓ સુધી તો વાંધો ના આવે છતાં રવિએ એજ એરિયામાં આવેલી બીજી એક હોટલમાં પણ ત્રણ રૂમ ખાલી રખાવી હતી જેથી કોઈ તકલીફ ન પડે.

કોઈપણ હિસાબે સવારે દસ વાગ્યા સુધીમાં માટુંગા કિંગસર્કલ પાસે ગાંધી માર્કેટની સામે આવેલા માનવસેવા સંઘ હોલમાં પહોંચી જવાનું હતું.

કેતન, એની નાની બહેન શિવાની તથા સિદ્ધાર્થ રેવતી કેતનની બીએમડબલ્યુ ગાડીમાં ગોઠવાઈ ગયા હતા. મનસુખ માલવિયા ડ્રાઇવિંગ સીટ ઉપર હતો.

સિદ્ધાર્થની ગાડીમાં જગદીશભાઈ જયાબેન તથા જયાબેનનાં ભાઈ અને ભાભી એટલે કે કેતનનાં મામા મામી બેઠાં હતાં. ગાડી ચલાવવા માટે જગદીશભાઈ એ જૂનો ડ્રાઇવર બોલાવી લીધો હતો. આ જ ગાડીમાં બધા કીમતી દાગીનાની બેગ પણ હતી !

એ સિવાય બીજી ત્રણ ગાડીઓ પણ સુરતના ડાયમંડના વેપારીઓની હતી જેમની સાથે જગદીશભાઈના અંગત સંબંધો હતા.

બરાબર સાંજે છ વાગે સારું મુહૂર્ત જોઈને શ્રીફળ વધેરી ગાડી સ્ટાર્ટ કરી અને મુંબઈના માર્ગે આગળ વધી. તમામ જાનૈયાઓનું રાત્રી રોકાણ હોટલ રેઈનબોમાં જ હતું. રાત્રે ૮:૩૦ વાગે વાપીથી સહેજ આગળ એક જાણીતી હાઇવે હોટલ ઉપર તમામ જાનૈયાઓને જમાડી દીધા.

હોટલ રેઈનબો પહોંચ્યા ત્યારે રાત્રિના ૧૧:૧૫ વાગી ગયા હતા. જો કે રવિ પોતે જ એ લોકોની રાહ જોઈ રહ્યો હતો એટલે એણે ફટાફટ ફેમિલી પ્રમાણે જુદા જુદા રૂમો ફાળવી દીધા. કોઈને બીજી હોટલમાં મોકલવાની જરૂર ના પડી. કેતન માટે એણે એક વીઆઈપી રૂમ અલગ રાખ્યો હતો એની ચાવી આપી દીધી.

" મારા કારણે તારે પણ આજે થોડો ઉજાગરો થયો. " કેતન બોલ્યો.

"અરે કેતન મને તો ઉપરથી આનંદ છે કે તારા કામમાં હું આવ્યો. અને તારો ખૂબ ખૂબ આભાર કે તેં મારી હોટલ પસંદ કરી. બાકી મુંબઈમાં હોટલોનો ક્યાં ટોટો છે ? " રવિ બોલ્યો.

એટલામાં જયેશ ઝવેરી પણ પોતાના રૂમમાંથી બહાર આવ્યો.

" વેલકમ જયેશ. તું આવ્યો એ મને ગમ્યું. " કેતને હાથ મિલાવતાં કહ્યું.

" આવવું તો પડે જ ને કેતનભાઇ ! બધાં કામ પડતાં મૂકીને આવવું પડે. તમે મારા માટે ઘણું કર્યું છે !! તમારું પેલું મકાન વેચાઈ ગયું હોં ! ૩૦ લાખમાં ગયું. નેક્સ્ટ વીકમાં પૈસા આવી જશે. " જયેશ બોલ્યો.

" એની મને કોઈ ચિંતા નથી. આપણે જે વાતચીત થઈ છે એ પ્રમાણે તારે વ્યવસ્થા કરી દેવાની. " કેતન બોલ્યો.

સવારે પાછા વહેલા ઊઠવાનું હતું એટલે સૌ પોતપોતાની રૂમમાં ગોઠવાઈ ગયા. કેતને બધાને કહી દીધું કે સવારે ૬ વાગ્યાનું એલાર્મ મૂકી દેજો. આપણે અહીંથી મોડામાં મોડા સાડા આઠ વાગે નીકળી જવાનું છે. બધાંને સવારે તૈયાર થવામાં વાર લાગશે. લેડીઝને તો ખાસ !!

લગભગ પોણા નવ વાગે તમામ જાનૈયાઓ માટુંગા જવા માટે નીકળી ગયા. હોટલને ખાલી કરી દેવામાં આવી. હોટલ માલિક રવિ ભાટીયા પણ જાનૈયા તરીકે જોડાઈ ગયો હતો. અસલમ હોટલ ઑબેરોયથી સીધો જ માટુંગા આવવાનો હતો.

આ બાજુ શિરીષભાઈ દેસાઈના ત્યાં પણ આખો દિવસ ધમાલમાં ગયો. ત્યાં પણ સવારે ગણેશ સ્થાપન, પીઠી, મહેંદી વગેરે પ્રોગ્રામ રાખ્યા હતા. આમંત્રિત મહેમાનો માટે જમણવાર પણ હતો. કિંગસર્કલ પાસે માનવ સેવા સંઘ હોલ બુક કરાવ્યો હતો એટલે ત્યાં પણ કેટલાક માણસોને મંડપ સજાવવાનું કામ સોંપી દીધું હતું.

એમના ઘરે પણ સુરત નવસારી અને વલસાડથી એમના ૧૭ જેટલા મહેમાનો આવ્યા હતા. એમને ઉતરવાની વ્યવસ્થા કરી આપી હતી. બાકીના લોકલ મહેમાનો સીધા હોલ ઉપર જ આવી જવાના હતા.

જાનના માણસો સવારે ૧૦ વાગે હોલ ઉપર આવવાના હતા એટલે દેસાઈ સાહેબના ઘરેથી કન્યાપક્ષ વાળા બધા સવારે ૯ વાગે જ હોલ ઉપર પહોંચી ગયા હતા. બેન્ડવાજાંની અને લગ્નનાં ગીતો ગાવા માટે એક પ્રોફેશનલ ગાયિકા બેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

જાન સમયસર હોલ ઉપર આવી ગઈ એટલે તરત જ બેન્ડવાજાંનું સંગીત ચાલુ થઈ ગયું. કેતન મરૂન કલરની શેરવાનીમાં સરસ લાગતો હતો. જાનૈયાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બધાએ હોલમાં ગોઠવેલી સીટો ઉપર બેઠક લીધી. દરેકને સ્વાગતમાં ઠંડુ નાળિયેર પાણી આપવામાં આવ્યું.

હોલ ઉપર ધરમશીભાઈ અને એમના પત્ની પણ આવી ગયા હતા તો જયદેવ ઠાકર પણ પ્રિયંકા ને લઈને આવી ગયો હતો. લલ્લન પાંડે પણ લગભગ ૧૦:૩૦ વાગે આવી પહોંચ્યો. જો કે એને ઓળખનાર અહીં કોઈ ન હતું એટલે એણે કેતન પાસે જઈને હાથ મિલાવ્યા. કેતને પ્રેમથી એનું સ્વાગત કર્યું અને જમીને જવાનો આગ્રહ કર્યો.

લગ્નની વેદી ઉપર કેતને બેઠક લીધા પછી પંડિતજીએ માઇકમાં મંત્રોચ્ચાર ચાલુ કર્યા અને દેસાઈ સાહેબ અને કીર્તિબેન પાસે કેટલીક પૂજા કરાવી અને જમાઈના પગ પણ ધોવડાવ્યા. ફોટોગ્રાફર્સ અને વિડીયો શુટીંગવાળા પણ વેદીની આજુબાજુ દોડાદોડ કરતા હતા.

સમય થયો એટલે એક રૂમમાંથી જાનકીને મંડપમાં બોલાવવામાં આવી. જાનકી ખૂબ સરસ રીતે તૈયાર થઈ હતી. હેરસ્ટાઈલની ગુંથણી પણ બહુ સરસ હતી તો ચહેરાને પણ સુંદર સજાવવામાં આવ્યો હતો. લાલ અને સફેદ કલરની ભરેલી સાડી જાનકીના ગોરા રંગ ઉપર ખૂબ જ શોભતી હતી.

લગ્ન દરમિયાન પ્રોફેશનલ ગાયિકા દ્વારા પ્રસંગને અનુરૂપ ગવાતાં સુંદર લગ્નગીતો હોલમાં એક અદભુત વાતાવરણ ઊભું કરી રહ્યાં હતાં.

૧૧:૩૦ વાગે શરણાઈના ધીમા ધીમા સૂરો અને મંગળ ગીતો વચ્ચે કેતન અને જાનકીનો હસ્તમેળાપ થઈ ગયો. એ પછી સાત ફેરા પણ ફરી લીધા. કેતન અને જાનકી હવે કાયદેસરનાં પતિપત્ની બની ગયાં.

૧૨:૩૦ વાગે ભેટ સોગાતો પણ ચાલુ થઈ ગઈ. જાનકી ઉપર જાણે સુવર્ણવર્ષા થઈ રહી હોય એમ માત્ર ડાયમંડના વેપારીઓએ જ એક કરોડથી પણ વધારે કીંમતની જ્વેલરી ચડાવી. બાકીના મિત્રો અને સગાંવહાલાંએ જે દાગીના ચડાવ્યા એ તો અલગ જ ! અસલમે પણ એક સુંદર ડાયમંડનો સેટ જાનકીને ગિફ્ટ આપ્યો. લલ્લન પાંડેએ પણ જાનકીને સોનાની ચેન ગિફ્ટ આપી.

ભેટ સોગાતો પતી ગયા પછી કેતને સ્ટેજની પાસે આવેલા પોતાના રૂમમાં જઈ વસ્ત્રો બદલી નાખ્યા. લગ્ન માટે સિવડાવેલો ગ્રે કલરનો સૂટ ધારણ કરી લીધો.

જમણવાર એક વાગ્યાથી ચાલુ થઈ ગયો. વર કન્યાએ અને જાનૈયાઓએ બે વાગે જમી લીધું. દેસાઈ સાહેબે જાનૈયાઓ માટે સુંદર મેનુ તૈયાર કર્યું હતું અને રસોઈ પણ અદભુત હતી !

લગભગ ૩:૧૫ વાગે કન્યાવિદાયનો ભારે પ્રસંગ પણ પૂરો થઈ ગયો. કન્યા પક્ષવાળા લગભગ તમામની આંખમાં આંસુ હતાં.

કન્યાવિદાય પછી કેતને મુંબઈથી જાનમાં જોડાયેલા પોતાના તમામ મિત્રોનો દિલથી આભાર માન્યો અને સૌને રજા આપી.

અહીંથી સીધા સુરત જવાનું હતું એટલે ફરી એકવાર દેસાઈ સાહેબ અને કીર્તિબેન જાનકીને ભેટી પડ્યાં. દીકરીને પ્રેમભીની વિદાય આપી એટલે બધી ગાડીઓ લગભગ પોણા ચાર વાગે એક પછી એક સ્ટાર્ટ થઈ ગઈ અને સુરત તરફ રવાના થઈ !

જાનૈયાઓ કન્યાને લઈને જ્યારે સુરત પાછા આવ્યા ત્યારે રાત્રિના ૯ વાગી ગયા હતા.

ગૃહ પ્રવેશ પછી પંડિતજીએ બંને પાસે ગણપતિ પૂજન કરાવ્યું અને એ પછી લગભગ કલાક સુધી તો સામાજિક રિવાજો મુજબ નાની મોટી વિધિઓ ચાલી. બપોરે બે વાગે જમ્યા હતા એટલે રસ્તામાં રાત્રે ૮ વાગે બધાએ નાસ્તો જ કર્યો હતો.

સિદ્ધાર્થે આગલા દિવસે મુંબઈ જતાં પહેલાં જ ઇવેન્ટ મેનેજમેન્ટવાળાને મળીને કેતનનો બેડરૂમ અદભુત રીતે સજાવવાની સૂચના આપી દીધી હતી. રસોઈયા મહારાજ ઘરે જ હતા એટલે બેડરૂમની ચાવી તો એમની પાસે હતી જ. એટલે સૂચના મુજબ કેતનનો બેડરૂમ સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો. તાજાં ફૂલોની મહેકની સાથે મોંઘા પરફ્યુમની સુગંધ પણ ભળી ગઈ હતી.

કેતન અને જાનકીએ બેડરૂમમાં પ્રવેશ કર્યો ત્યારે ગુલાબ મોગરા તેમજ પર્ફ્યુમની મીઠી સુગંધથી બંને તરબતર થઈ ગયાં. આજે કેતન અને જાનકીની સુહાગરાત હતી તો એમનાં લગ્ન જીવનનો આ પ્રથમ દિવસ હતો !

કેતન બેડરૂમની સામે ગોઠવેલા સોફા ઉપર બેઠો તો મોંઘી સાડી અને ઘરેણાથી લદાયેલી જાનકી પલંગ ઉપર બેઠી.

" હું આ ભારે કપડાં વોશરૂમમાં જરા ચેન્જ કરીને આવું છું. ' કહીને કેતન વોશરૂમમાં ગયો અને પાંચેક મિનિટમાં રેશમી સફેદ પાયજામો અને આછો ગુલાબી કુર્તો પહેરીને બહાર આવ્યો.

" હવે તારો વારો. તારા આ બધા ભારે દાગીના ઉતારી દે અને રિલેક્સ થઇ જા. અંદર જઈને ચેન્જ કરી આવ. વોશરૂમમાં તારા માટે સિલ્કી નાઇટી મૂકેલી જ છે. નાનામાં નાની બાબતોની આપણા માટે કાળજી રાખવામાં આવી છે. " કેતન બોલ્યો.

જાનકીએ શરીર ઉપરના ભારે દાગીના એક પછી એક ઉતારી દીધા. લાંબા ઇયરિંગ્સ ઉતારીને સોનાની મોટી કડીઓ પહેરી લીધી. હાથના પાટલા ઉતારીને ૨ સોનાની બંગડી અને ૪ કાચની બંગડી પહેરી લીધી. ડાયમંડનો હાર કાઢીને માત્ર સોનાની ચેન રહેવા દીધી. બંને હાથ પણ ખુલ્લા કરી માત્ર વીંટી રહેવા દીધી.

એ પછી જાનકી ધીમે રહીને વોશરૂમમાં ગઈ. ૧૫ મિનિટ પછી એ પણ કુર્તાના મેચિંગની આછા ગુલાબી રંગની નાઇટી પહેરીને બહાર આવી. વાળ પણ એણે ખુલ્લા કરી દીધા.

કેતન જાનકીના આ નશીલા સ્વરૂપને જોઈને મુગ્ધ થઈ ગયો !! શું આ એ જ જાનકી હતી !! અનબિલિવેબલ !! રતિ અને કામદેવ સજોડે ધીમે પગલે બેડરૂમમાં પગલાં માંડી રહ્યાં હતાં.

જાનકી ધીમે રહીને બેડ ઉપર સરકતી ગઈ અને તકિયાને અઢેલીને બેસી ગઈ. બાજુના તકિયાનો ટેકો લઈને કેતન તો પહેલેથી જ બેઠેલો હતો.

" તને આટલી બધી સુંદર મેં આજ પહેલાં ક્યારે પણ જોઈ નથી. " કેતન જાનકીની સામે જોઇને બોલ્યો.

" અરે મારા સાહેબ.... માટુંગામાં બબ્બે વાર તમે આવી ગયા. મારા બેડરૂમમાં કલાકો સુધી બેઠા પરંતુ તમે આજ સુધી મારી સામે એવી નજરે ક્યારે પણ જોયું છે ખરું ? હંમેશા દૂર ને દૂર !! જાણે કે હું પરાણે વળગી પડવાની હોઉં !! " જાનકી બોલી.

" એવી નજરે એટલે કેવી ? " કેતન શરારતી બનતો ગયો.

"બસ એવી એટલે એવી " જાનકી બોલી.

" પણ મને સમજાવ ને !! એવી નજરે એટલે કેવી નજરે ? " કેતન જાનકીની આંખોમાં આંખો પરોવીને બોલ્યો.

" બધું જાણો છો પણ કાલા થઈને પૂછો છો. લાઈટ બંધ કરી દો હવે. મને શરમ આવે છે. " જાનકી બોલી.

" કેમ બહુ ઉતાવળ આવી છે ? "

" જાઓ ને હવે. ઉતાવળ તમને આવી છે અને પાછા મને કહો છો ! " કહીને જાનકીએ માથું કેતનની છાતી ઉપર ઢાળી દીધું. કેતન જાનકીના માથે વાળમાં આંગળીઓ ફેરવતો રહ્યો. અને ધીમે ધીમે કામદેવે કેતનની આંગળીઓ ઉપર કબજો લઈ લીધો અને એ નીચે સરકવા લાગી.

કામદેવે રતિને પણ બોલાવી લીધી અને બંનેએ ભેગાં થઈને કેતન અને જાનકીને અનંગ લીલામાં ધીમે ધીમે મદહોશ બનાવી દીધાં !! લાઈટ બંધ કરવાનું પણ ભાન ના રહ્યું અને પરોઢીયાના પાંચ વાગ્યા સુધી બંને શારીરિક આવેગોનાં તોફાનોમાં ખેંચાઈ ગયાં.

સવારે આઠ વાગ્યા સુધી કેતન અને જાનકીને કોઈએ પણ ડિસ્ટર્બ કર્યાં નહીં. એમની મેળે જાગશે એટલે નીચે આવી જશે એમ જ સૌએ સ્વીકારી લીધું.

સૌથી પહેલાં જાનકીની આંખ ખૂલી ગઈ. પુરુષ કરતાં સ્ત્રી જ વહેલી જાગી જતી હોય છે ! મોબાઈલમાં જોયું તો સવારના આઠ અને વીસ મિનિટ થઈ હતી. જાનકી સફાળી બેઠી થઈ ગઈ અને સીધી વૉશરૂમમાં ભાગી. કેતનના આ બંગલાનો વૉશરૂમ પણ ઘણો વિશાળ હતો !

વૉશરૂમમાં જેમ નાઇટી ગોઠવેલી હતી એ જ રીતે સવારે પહેરવાનો એક ફોર્મલ ડ્રેસ પણ મુકેલો જ હતો. ઘરના જ કોઈએ આટલી બધી કાળજી રાખી હતી કે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાએ એ જાનકીને સમજાતું નહોતું.

કેતન હજુ સૂતો હતો એટલે એણે ફટાફટ બ્રશ કરી લીધું અને નાહીધોઈને તૈયાર થઈ ગઈ. ગોલ્ડન કલરના ભરતકામવાળો ડાર્ક બ્લ્યુ કલરનો સરસ ડ્રેસ એણે પહેરી લીધો. લેટેસ્ટ પરફ્યુમ પણ વૉશરૂમમાં ગોઠવેલાં હતાં. એણે એના મનગમતા પરફ્યુમનો હળવો સ્પ્રે કર્યો.

બહાર આવીને એણે કેતનના કાનમાં માથાના ભીના વાળથી ગલીપચી ચાલુ કરી. કેતન સળવળ્યો એટલે ધીમેથી એણે એના કાનમાં " ગુડ મોર્નિંગ વરરાજા " કહ્યું.

કેતનની આંખો ખૂલી ગઈ. એ બેઠો થઈ ગયો. જાનકીને એણે તૈયાર થયેલી જોઈ અને મોબાઇલમાં ટાઈમ જોયો. અરે બાપ રે સવા નવ વાગી ગયા !!

" અરે... તું તૈયાર પણ થઈ ગઈ અને મને જગાડ્યો પણ નહીં ? " કેતન બોલ્યો.

" હા તો અત્યારે હું જ જગાડું છું ને !! " જાનકી લાડથી બોલી.

" હવે જગાડે છે ને ? તું જ્યારે જાગી ત્યારે ના જગાડાય ? " કેતને મીઠો ઠપકો આપ્યો.

" વૉશરૂમ એક જ છે ને સાહેબ !! જાગીને કોઈ ફાયદો ખરો ? મેં મારું કામ પતાવી દીધું. હવે તમારો વારો. " જાનકી રમતિયાળ મૂડમાં હતી.

" તો એમાં શું થઈ ગયું ? આજકાલના મોડર્ન યુગમાં તો નવાં નવાં પરણેલાં યુગલો સાથે બાથ લેતાં હોય છે !! " કેતન થોડા રોમેન્ટિક મૂડમાં બોલ્યો.

" વાહ.. તો હવે તમને સાથે બાથ લેવાના અભરખા જાગ્યા છે એમ ને ? તમે વળી ક્યારના મોડર્ન બની ગયા સાહેબ ? અને આ અમેરિકા નથી. કતારગામમાં પાછા આવી જાઓ. હું હવે નીચે જાઉં છું. " જાનકી બોલી અને દરવાજો ખોલીને દોડતી નીચે ભાગી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)