અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૧) Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૧)

ગતાંકથી.....

કહેવાય છે ને કે જ્યારે ઈશ્વર કૃપા હોય ત્યારે આવા જ સુયોગ પ્રાપ્ત થાય છે. એક ક્ષણમાં દિવાકરે પડદા પાછળથી ટેબલ પાસે આવી ડ્રેસિંગ ટેબલ પર પડેલી માળા ઉપાડી લીધી. અને ઝરૂખા પાસે આવીને ઉભો રહ્યો. નીચે તેનો સાથીદાર ઉભો હતો. દિવાકરે અગાઉ થી નક્કી કરેલો તેવો કંઠમાંથી કાઢ્યો કે તે અવાજ સાંભળી તેણે ચકિત નયને ઉપર જોયું કે તરત જ માળા તેના પગ પાસે આવી પડી. તેણે તરત એ માળા લઈને તરત જ પલાયન કર્યું.

તે સાથે દિવાકર પણ જરીક પણ વિલંબ ન કરતા દોરડાની સીડીની મદદથી નીચે ઉતરી ગયો. આ રીતે અતિશય સહેલાઈથી વિના વિઘ્ને ટોળીની પહેલી પરીક્ષા માંથી તે હેમખેમ પસાર થયો.


હવે આગળ....


બીજે દિવસે સંધ્યા ઢળવાના સમયે.....

જુલીના રૂમમાં બેસી દિવાકર અને જુલી ગઈકાલના બનાવની ચર્ચા કરતા હતા .તે દરમિયાન ગેંગનો સરદાર નવાબઅલ્લી ત્યાં આવી પહોંચ્યો. નવાબઅલ્લી ખુબ જ અમીર ઘરનો નવાબજાદો હતો .તેના સગાવહાલા આજના સમયે પણ જમીનદારી ભોગવતા હતા અને અતિશય પૈસાદાર હતા. તે કઈ રીતે આ કુસંગમાં પડી આ ટોળી માં આવી ભળ્યો હતો તેનો ઇતિહાસ આગળ ઉપર કરીશું .આજે તો કેવળ એટલું જ કહીશ કે તે આ ગેંગનો જવાબદાર નેતા હતો ..અને જુલી નો પ્રેમી હતો. આમ તો જુલી તેના પ્રેમનો તિરસ્કાર કરતી અને તેથી તેના હૃદયમાં પ્રેમની જ્વાલા હંમેશ સળગ્યા કરતી હતી. હાલમાં ઋષિકેશ આવીને જુલીનો ખાસ ગમતો વ્યક્તિ બન્યો છે તે જોઈ નવાબઅલ્લીનું હૃદય સળગી જતું હતું. ઋષિકેશ આજકાલ તેને આંખમાં કણાની માફક ખૂંચતો હતો.

રૂમમાં આવતા જ નવાબઅલ્લીએ તિરસ્કારથી દિવાકરને હુકમ કર્યો કે :" તમારે આજે બીજે ક્યાંય: બહાર જવાનું નથી. આપણા સાહેબ તમારી મુલાકાતે આવવાના છે!"
જુલીએ કહ્યું : "સાહેબ આવ્યા છે? તે આપ શું કહો છો! ક્યારે?"
"હું જાઉં છું .મારે જરૂરી કામ છે." કહેતો નવાબઅલ્લી વંટોળાની માફક આવ્યો હતો તેમ જ પાછો ચાલ્યો ગયો.
જુલી એ કહ્યું : " ઋષિકેશ ,તમારી સાથેની વાતચીત થી સાહેબ જો ખુશ થાય તો પછી ચિંતા નું કંઈ કારણ નથી. તેમ થશે તો જેમ બને તેમ જલ્દી તમારી પદવી આગળ આવશે .સાહેબે તમારા કાલની બહાદુરીની વાત સાંભળી મુલાકાત લેવા વિચાર્યું લાગે છે ! આવું માન અમને ભાગ્યે જ મળે છે.!"
થોડોક સમય પસાર થયો કે ગેંગ નો વડો એ રૂમમાં આવી પહોંચ્યો .તેને જોતાં જ દિવાકર ને કાપો તો લોહી ન નીકળે તેવી હાલત થઈ ગઈ .તેમનું શરીર કંપવા લાગ્યું. તે મનમાં અને મનમાં ઇષ્ટદેવતાનું નામ જપવા લાગ્યો. તે પરસેવાથી રેબઝેબ થઈ ગયો. જો આજે અને મારી સાચી ઓળખાણ પડી ગઈ તો તો અત્યારે જ મૃત્યુ નક્કી થશે .ડૉ.મિશ્રા પોતાની સમક્ષ આવીને ઊભો હતો.
આમ તો ડોક્ટર મિશ્રાએ એક જ વાર દિવાકરને જોયો હતો . વિશ્વનાથ બાબુના રૂમમાં તેની પહેલીવાર મુલાકાત ડૉ.મિશ્રા સાથે થઈ હતી અને તે પણ અમુક મિનિટ માટે જ .દિવાકરનું ભવિષ્ય કદાચ બળવાન હતું .અને તેથી જ ડૉ.મિશ્રાએ તેને ઓળખ્યો નહીં તેણે ગંભીર અવાજે કહ્યું : "તમારું નામ ઋષિકેશ મહેતા!"
દિવાકરે માનપૂર્વક હકાર માં માથુ હલાવ્યું.

ડૉ. મિશ્રાએ કહ્યું : " તમારી બધી વાત મેં સાંભળી છે. ભારે ડર હોવા છતાં તમે અમારી ટોળીમાં જોડાયા છો એ જાણી હું બહુ ખુશ થયો છું .જો વિશ્વાસ અને કાળજીથી કામ કરશો તો છ મહિનામાં મોટો માણસ બની જશો .તમારા ઉપર જે કામની જવાબદારી નાખવામાં આવી હતી તે કામ તમે ભારે હોંશિયારી થી કર્યું છે પરંતુ હું દિલગીર છું કે તેનો બદલો તમને અત્યારે મોટા પ્રમાણમાં મળશે નહીં કારણકે તમે જે માળા લાવ્યા છો તે નકલી છે અસલી નથી!"
દિવાકર એકદમ આંખો પહોળી કરી બોલ્યો : " શું !?વાત કરો છો!? શું એ વાત સાચી છે?"
"હા .પરંતુ તેમાં તમારો કોઈ જ વાંક નથી."

દિવાકર બોલ્યો : "સારું, પરંતુ હવે હું કોઈ બીજા કામની આશા રાખું છું!"
ડૉ. મિશ્રાએ કહ્યું : "એક મુશ્કેલ કામની જવાબદારી તમારા પર નાખવામાં આવે છે .તે કામ બહુ જ સાવચેતીથી કરવાનું છે. સાંભળો. આ પેપરમાં મેં જે સ્થળનું નામ લખ્યું છે તે સ્થળે જઈ તમારે એક મકાન ખરીદવાનું છે. એ જગ્યાએ આવેલા એક મકાન વેચવાની જાહેર ખબર પેપરમાં આવ્યા કરે છે. તમારે છુપે નામે લેખક કે શિલ્પકાર કે એવું કંઈ બનીને મકાન ખરીદવાનું છે. એટલું કામ કરી તમારે મને મળવું."
"આપની મુલાકાત ક્યાં થશે?"

"હવે પછી શું કરવું તેની સૂચનાઓ તમને બરાબર સમયે મળશે. પરંતુ તમને સાવચેત કરુ છુ કે ખૂબ ખબરદાર ને હોંશિયાર રહી કામ કરજો.હમેંશા ગેંગને વફાદાર રહેજો જરા પણ જો વિશ્વાસઘાત થયો તો વિશ્વાસઘાતનું ફળ મૃત્યુ છે એ ધ્યાનમાં રાખજો."
આ તરફ....
દિવાકર નો નવો નોકર રામલાલ અતિશય ભયભીત બની ગયો હતો. આજે કેટલા દિવસ થયે દિવાકર ઘેરે આવ્યો નહોતો. આવી રીતે અચાનક અદ્રશ્ય થઇ જવાનું દિવાકર માટે નવું તો નહોતું એ વાત રામલાલ સારી રીતે જાણતો હતો. પરંતુ તેવે વખતે દરરોજ પોલીસ સ્ટેશનથી તેના સમાચાર મળી જતા કે : " શેઠ મજામાં છે; જરૂરી કામમાં પડ્યા છે. કદાચ એકાદ બે દિવસમાં આવશે."

પરંતુ આ વખતે ત્યાંથી સમાચાર આવતા નહોતા.ઉલટા ત્યાંથી દરરોજ તપાસણી થતી કે દિવાકર ઘેર આવ્યો છે કે નહીં. જ્યારે પોલીસ સ્ટેશને ખબર પહોંચી કે દિવાકર હમણાં અદ્રશ્ય થઈ ગયો છે. ત્યારે ત્યાં પણ અરેરાટી શરૂ થઈ. આમ બનવાથી રામલાલ સ્પષ્ટ સમજી ગયો કે આ વખતે તેમના શેઠ પોલીસના વડા પણ જાણતો નથી તેવા સ્થળે સપડાયા લાગે છે.

આવી ચિંતા ઉપરાંત આજે સવારમાં એક ટૂંકી ચીઠ્ઠી તેમના ઘરે આવી પડી તે ચિઠ્ઠી એ રામલાલ ને વધુ ચિંતાતુર બનાવ્યો હતો. એ ચિઠ્ઠી કલકતા જનરલ સ્ટોર ના મેનેજર તરફથી આવી હતી. તેમાં અંગ્રેજીમાં માત્ર એક જ લીટી લખી હતી.રામલાલે તુરંત જ બાજુમાં રહેતા વકીલ પાસે ચિઠ્ઠી વંચાવી જોઈ. તેમાં લખ્યું હતું કે મદદ જોઈએ છે જલ્દી આવો.

પત્રનું લખાણ સાંભળી રામલાલ ચમક્યો એ પત્ર જરૂર પોતાના શેઠે લખ્યો છે. કદાચ તેઓ કોઈ મુસીબતમાં હશે ! નક્કી કોઈ મોટી આફતમાં આવી પડ્યા લાગે છે! બીરબલ તરત જ ત્યાં જવા તૈયાર થયો પરંતુ જવું ક્યાં? ઠેકાણું કયું? તેના શેઠ ક્યાં હશે? પત્રમાં ઠેકાણું તો નહોતું.
ઘણો વિચાર કર્યા પછી તે કલકત્તા જનરલ સ્ટોર પર જ પહોંચ્યો ને તેના મેનેજર ને મળવાની ઈચ્છા દર્શાવી્
દિવાકર નો નોકર પોતાને મળવા માંગે છે એ વાત જાણી મેનેજરે તેને પોતાની પાસે બોલાવ્યો. રામલાલના પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે : " આ પત્ર કાંકરેજ પાસે આવેલ નોલેજ હાઉસમાંથી આવ્યો છે ત્યાં...."

રામલાલને હવે વધારે વાત સાંભળવાની જરૂર પણ ન હતી .તે મેનેજરને સલામ કરી બહાર આવ્યો. કાંકરેજ નામનું સ્થળ ક્યાં આવ્યું છે તે તેને ખબર હતી. કાંકરેજ પહેલાના સ્ટેશન પર જ તેમના બનેવી કામ કરતા હતા. ત્યાં તે બહુ વાર ગયો હતો. એટલે કાંકરેજ પહોંચવા માટે તેને વધુ મુશ્કેલી પડે તેમ ન હતું.રામલાલ કાંકરેજ પહોંચવા માટે નજીકના સ્ટેશન તરફ દોડ્યો.

શું રામલાલ દિવાકર સુધી પહોંચી શકશે?
રામલાલ કોઈ મોટી આફતમાં ફસાઈ જશે?
સવાલો અનેક છે પરંતુ જવાબ એક જ.... વાંચો આગળ નો ભાગ....

ક્રમશઃ....