વસુધા - વસુમાં - પ્રકરણ-120 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-120

વસુધા વિચારોમાં પરોવાયેલી એનાં પિયર પાછી આવી એનાં મનમાં અનેક વિચાર ચાલી રહેલાં. આકુ એને દોડી આવીને વળગી ગઇ.. આજે એણે ધ્યાનથી જોયું આકુ મોટી થઇ રહી છે. સાસરું છોડી પિયર આવ્યે એને હવે છ મહિના ઉપર થઇ ગયું હતું.. ખબર નહીં એને હવે પીતાંબરનાં ઘરમાં પગ મૂકવો ગમતો નહોતો.

સરલાએ કેટલાં ફોન કર્યા કે હું સિધ્ધપુર જઊં છું એકવાર આવીજા... પણ હવે એ ડેરીએ જતી પણ એનાં સાસરનાં ઘરમાં પગ નહોતી મૂકતી. સરલા પણ ભાવેશનાં આગ્રહથી એનાં દીકરાં સાથે સિધ્ધપુર ગઇ હતી એને ગયે પણ 3 મહીના ઉપર થઇ ગયાં હતાં. દિવાળીફોઇ અહીં વાગડ વસુધા સાથેજ રહેતાં હતાં.

વસુધાએ આકાંક્ષાને અહીંની શાળામાં દાખલ કરી દીધી હતી એ પણ હવે બધુ સમજતી થઇ હતી વસુધા ગાડરીયા જાય ત્યારે ઢોરોની હોસ્પીટલની મુલાકાત લેતી... બધું કામ બરાબર થાય છે એની નોંધ લેતી.

ગાડરીયામાં હોસ્પીટલ બંધાવ્યા પછી ગામ લોકો માટે મોટી સવલત થઇ ગઇ હતી હવે વારે વારે શહેરમાં દોડી જવું નહોતું પડતું.

વસુધા જેટલાં કામ હાથમાં લેતી એટલાં પુરાં કરતી. વસુધાએ પરાગનાં પાપાનાં ઘરે એનાં પાપા પુરષોત્તમભાઇને લઇને ગઇ હતી.. આજે ગાડરીયા જતાં જતાં એ પ્રસંગ એને યાદ આવી રહ્યો હતો.

"પુરષોત્તમભાઇએ કહ્યું "વસુધા તું ગટુભાઇને ત્યાં મને લઇ જવા માંગે છે પણ એ લોકો ખૂબ જૂનવાણી અને જીદ્દી છે છતાં પ્રયત્ન કરી જોઇએ.”

વસુધાએ યાદ કર્યું કે એ પહેલાં ગટુકાકાને પગે લાગી અને કાકીને પણ પગે લાગી.

ગટુકાકાએ કહ્યું “ઓહો આજે વસુ આવી છે ને કાંઇ ? નાની હતી ત્યારે વારે વારે આવતી આજે વરસો પછી આ ખોરડે તારાં પગલાં પડ્યાં છે. કેમ છે દીકરી ? તારાં વિષે ઘણું સાંભળવા મળે છે. તું ખૂબ હોંશિયાર અને મહેનતું છે બોલ કાકાને કેમ યાદ કર્યા ?”

વસુધાએ એનાં પાપા સામે જોયું પછી હસીને બોલી “કાકા તમારાં આશીર્વાદ લેવાં અને થયું તમારી મદદ લઊં... તમે ગામનાં આગળ પડતાં કહેવાય. અને તમે મુખી પણ છો. આપણાં ગામની દૂધ મંડળીમાં ખૂબ સારું કામ ચાલે છે પાપા પણ એમાં તમારી મદદે હોય છે.”

“કાકા ગામમાં ગાડરીયાની જેમ પશુદવાખાનું અને ગામલોકો માટે હોસ્પીટલ બનાવવાની ઇચ્છા છે હું એનાં માટે મહેનત કરવા તૈયાર છું મોટી ડેરીમાંથી મદદ મળી રહેશે બીજા દાતાઓ લાવવાની પણ મારી જવાબદારી.”

ગટુકાકાએ કહ્યું “વાહ આતો ઉત્તમ વિચાર છે આપણે ગામની દૂધ મંડળી તો સરસ કામ કરે છે.. મોટી ડેરીમાં બધુ દૂધે જમા થાય છે. તારી ગાડરીયાની ડેરીમાં પણ દૂધ જાય છે.. હવે આ તારો નવો વિચાર... “

ત્યાં ગટુકાકાનાં પત્નિ મધુબેન બોલ્યાં “વસુધા તારી વાતો તો ગમે એવી છે પણ તું ઘણાં સમયથી પિયરમાંજ છે સાસરે કેમ નથી જતી ? ત્યાં કંઇ ઝગડો બગડો થયો છે ?”

“આમ તો આપણામાં રાંડેલી દીકરી પીયર આવી જાય પણ તારે તો છોકરી છે એને માટેય થઇને તારે સાસરે રહેવું જોઇએ.”

વસુધા હવે મધુબેન સામે જોઇને બોલી.. “વાહ કાકી તમે મારાં વડીલ છો એટલે મને ટકોર કરી સલાહ આપી પણ અહીં તમારાં ઘરમાં શું થાય છે ? ગટુકાકા મુખી હોવા છતાં કોઇ નવીન વિચાર નહીં. બસ એજ રૂઢીચૂસ્ત ખોટાં રીતરીવાજ અને માનસ્કિતામાં જીવો છો ? બીજાને ટકોર કરવી સહેલી છે કાકી..”

“તમારે ત્યાં ત્રણે છોકરીઓ કુંવારી બેઠી છે. સૌથી મોટી તો 40 ની થવા આવી બીજી 33 એ પહોચી ત્રીજી 28 થી 29ની થઇ કેમ હજી ઘેર બેસાડી રાખી છે ?”

“એનાં કારણે પરાગ 32 ઉપરનો છે એ માલિનીની રાહ જોઇને બેઠો છે તમને તકલીફ શું છે ? એય આપણી જાતનો છે ભણેલો ગણેલો છે માત્ર તમારી મોટી બે પરણતી નથી એમાં માલીનીને પરણાવતાં નથી. તમને વાંધો શું છે ? મોટીએ નથી પરણવું કહી દીધું. એનું ધાર્યુ એ કરે છે વચલી ને ભણવું છે.. એનું ધાર્યુ એ કરે છે. માલિની અને પરાગ એકબીજાને પસંદ કરે છે એમને લગ્ન કરવા છે એકનું ધાર્યુ તમને સ્વીકાર્ય નથી. “

“શા માટે છોકરીનું જીવન અને ઊંમર બરબાદ કરો છો ? તમે મને બધી સલાહ આપો છો તમે મારાં વડીલ છો મારાં સરમાથે પણ તમે પણ વિચાર કરોને.”

મધુબેનની આંખો ચડી ગઇ.. નાકનાં ફોયણાં ફૂલી ગયાં ગુસ્સામાં બોલ્યાં.. “વસુધા તારી ઊંમર અને મારી ઊંમરમાં ફરક છે તું શું બોલે છે ? મને સમજાવવા નીકળી છે ? તારાં ઘરમાં આવી જીભડી ચાલતી હશે મારાં ઘરમાં નહી.... તું ભલે બધાં કામ કરે પણ સાસરે આમજ જીભડી ચલાવતી હોઇશ એટલેજ એ લોકોએ કાઢી મૂકી હશે”.

વસુધાને સાંભળીને ગુસ્સાની જગ્યાએ હસુ આવી ગયું એણે કહ્યું “કાકી સાચું કહ્યું તમે જે કંઇ બોલ્યા મને કોઇ અસર નથી થઇ કારણ કે હું જાણું છું હું શું કરું છું.. હું શું બોલું છું તમે આ સાચી વાત સાંભળી નથી શક્યા. આજ સુધી તમને કોઇ કહેનારું મળ્યુ નથી એનું પરિણામ છે”.

“હું તો માલિની અને પરાગનું જીવન શરૂ થાય એટલે એક મિત્ર તરીકે એક બહેન તરીકે વાત કરવા આવી હતી નિર્ણય તમારે લેવાનો છે. “

પુરષોત્તમભાઇ કયારનાં સાંભળી રહેલાં એમણે કહ્યું “ગટુભાઇ વસુધાની વાત શું ખોટી છે ? મોટીને ના પરણવું હોય તો ભલે પણ બીજી નાનકી એને તો સમયસર પરણાવો. એય મોડું થયું છે આપણો સંબંધ એવો નથી કે તમને કહી ના શકીએ.”

વસુધાએ કહ્યું “મધુકાકી એ હકથી મને ટોકીજને”. ગટુકાકાએ કહ્યું “હું વિચાર કરીને જણાવીશ. વાત તો વસુધાની સાચી છે આજ સુધી અમે કોઇનું સાંભળ્યુ નથી અને મધુનાં સ્વભાવને કારણે કોઇ ઊંમરો ચઢતું નથી”.

વસુધાએ કહ્યું “માલિની એટલી સમજદાર અને સંસ્કારી છે કે હજી સુધી એણે તમને...”

વધુ આવતા અંકે - પ્રકરણ-121