Rhino Mountain - Book Review books and stories free download online pdf in Gujarati

રાઈનો પર્વત - પુસ્તક સમીક્ષા

પુસ્તકનું નામ:- રાઈનો પર્વત

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

લેખક પરિચય:-

'રાઈનો પર્વત', 'ભદ્રંભદ્ર' જેવી ખ્યાતનામ કૃતિઓના લેખક રમણભાઈ નીલકંઠનો જન્મ ૧૩ માર્ચ ૧૮૬૮ના રોજ અમદાવાદ ખાતે રૂપકુંવરબા અને મહીપતરામ નીલકંઠને ત્યાં થયો હતો. તેઓ એકાધિક સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ, ઉપપ્રમુખ તથા ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ‘ભદ્રંભદ્ર', ‘શોધમાં’ જેવી નવલકથાઓ; ‘રાઈનો પર્વત’ નાટક; ‘હાસ્યમંદિર’ હળવા નિબંધો; ‘કવિતા અને સાહિત્ય’-૧, ‘કવિતા અને સાહિત્ય’-૨, ‘કવિતા અને સાહિત્ય’-૩, ‘વાક્યપૃથક્કૃતિ અને નિબંધ રચના’ જેવા ગ્રંથોના વિવેચન - વ્યાખ્યાનો અને ભાષાવિચારણા; ‘કવિતા અને સાહિત્ય’-૪ ની કવિતા - વાર્તાપ્રવૃત્તિ; ‘ધર્મ અને સમાજ’-૧ ‘ધર્મ અને સમાજ-૨' ધર્મ અને સમાજ વિષેની તત્વચર્ચાને લગતાં વ્યાખ્યાનો; ‘ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અને ‘વિવાહવિધિ’ જેવાં ઇતિહાસ - સંસ્કાર આલેખતાં પુ્સ્તકો અને ‘જ્ઞાનસુધા’નું સંપાદન - એમ અનેકવિધ સાહિત્યિક પ્રદાન દ્વારા તેઓ ગુજરાતી સાહિત્યમાં સુખ્યાત થયા છે.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : રાઈનો પર્વત

લેખક : રમણભાઈ નીલકંઠ

પ્રકાશક : ગુર્જર સાહિત્ય પ્રકાશન

કિંમત : 130 ₹.

પૃષ્ઠ સંખ્યા : 188

 

બાહ્ય મૂલ્યાંકન:-

પુસ્તકના મુખપૃષ્ઠ પર અલગ અલગ મુખાકૃતિઓ દેખાય છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

'રાઈનો પર્વત' એ રમણભાઈ નીલકંઠ દ્વારા લિખિત, ૧૯૧૪માં પ્રગટ થયેલ, ગુજરાતી નાટક છે. આ નાટકની ગણના ગુજરાતી ભાષાના પ્રશિષ્ટ નાટકોમાં થાય છે. સાત અંક અને ૩૬ પ્રવેશમાં વહેંચાયેલું આ નાટક શૅક્સપિયરી નાટ્યશૈલી અને સંસ્કૃત નાટ્યશૈલીનું મિશ્રણ કરી તૈયાર કરવામાં આવ્યું છે. નાટકનું કથાવસ્તુ પ્રાચીન કથા પરથી લેવામાં આવ્યું છે, પરંતુ રમણલાલે એમાં અર્વાચીન ભાવોને પૂરવાનો પ્રયત્ન કર્યો છે. રાજા પર્વતરાયે તેના આગળના રાજા રત્નદીપદેવનો કપટથી વધ કરી રાજગાદી મેળવી છે. રત્નદીપદેવની રાણી અમૃતાદેવી રાજ્ય પાછું મેળવવા પોતાના પુત્ર જગદીપ સાથે રાજધાની કનકપુરમાં આવી ત્યાં પોતે માલણ જાલકાને નામે અને પુત્ર જગદીપ માળી રાઈને નામે રહે છે. જગદીપ પોતાનો પૂર્વવૃત્તાન્ત કે જાલકા સાથેનો પોતાનો સાચો સંબંધ જાણતો નથી. યુવાન લીલાવતીને પરણેલા વૃદ્ધ રાજા પર્વતરાયને જાલકા એક રાતે, પોતાના રહેઠાણ કિસલવાડીમાં બોલાવે છે. પર્વતરાય તેના સાથી શીતલસિંહ સાથે ત્યાં જાય છે, પણ રાઈએ એને પશુ ગણી બાણ મારતાં તે મરણ પામે છે. જાલકાની સૂચનાથી એમ જાહેર કરવામાં આવે છે કે, 'પર્વતરાય યુવાન થવા માટે એક વૈદ્ય સાથે ભોંયરામાં ઊતર્યા છે, ને ત્યાં કોઈને પેસવાની મનાઈ કરી છે. છ મહિના પછી એ બહાર નીકળશે'. અને નક્કી થાય છે કે છ મહિના પછી રાઈએ યુવાન પર્વતરાય તરીકે જાહેર થવું. આ સમયે જાલકા રાઈને પોતાની સાચી ઓળખાણ આપે છે. છ મહિના પૂરા થવાની આગલી રાત્રે શીતલસિંહ રાઈને લીલાવતીના આવાસથી પરિચિત કરવા લઈ જાય છે, ત્યારે રાઈને પહેલી જ વાર ખ્યાલ આવે છે કે પર્વતરાય થવું એટલે પર્વતરાયની પત્ની લીલાવતીના પણ પતિ થવું. આ રીતે મેળવેલી સત્તા કેટલું ટકશે? શું આવું કરવું નૈતિકતા ભર્યું છે? આવા કેટલાય પ્રશ્નો રાઈના મનમાં ઉઠ્યા. પછી રાઈનો પર્વત થયો કે નહીં? એ માટે તો વાંચવું પડે આખું પુસ્તક..

 

શીર્ષક:-

નાટકનું કથાવસ્તુ રમણલાલના પિતા મહીપતરામ નીલકંઠ દ્વારા સંગ્રહિત 'ભવાઈસંગ્રહ'માં આવતાં 'લાલજી મનીયાર'ના વેશમાં આવેલા એક દુહા પરથી લેવામાં આવ્યું છે.

"સાઈઆંસે સબકુછ હોતે હે, મુજ બંદેસે કછુ નાહીં;

રાઈકું પરબત કરે, પરબત બાગેજ માંહી."

— લાલજી મનીઆર વેશ, મહીપતરામ નીલકંઠ

આ દુહા મુજબ 'રાઈનો પર્વત' શીર્ષક યોગ્ય લાગે છે. રાઈના જુઠ્ઠા નામે રહેતો જગદીપ પર્વત બનવા જઈ રહ્યો છે એ કથાવસ્તુ છે, એ અનુસાર પણ શીર્ષક યોગ્ય લાગે છે.

 

પાત્રરચના:-

કનકપુરનો રાજા પર્વતરાય,કલ્યાણકામ એ પર્વતરાયનો પ્રધાન, પુષ્પસેન એ પર્વતરાયનો સેનાપતિ, શીતલસિંહ એ પર્વતરાયનો એક સામંત, દુર્ગેશ એ પર્વતરાયનો એક મંડળેશ કે સૂબો, વંજૂલ એ કલ્યાણકામનો આશ્રિત, રાઈ એ કિસલવાડીનો માળી, જગદીપદેવ એ પૂર્વ રાજા રત્નદીપદેવનો પુત્ર આટલા પુરૂષપાત્રો અહીં જોવા મળે છે. લીલાવતી એ પર્વતરાયની રાણી, વીણાવતી એ પર્વતરાયની અને રાણી રૂપવતીની પુત્રી, સાવિત્રી એ કલ્યાણકામની પત્ની, કમલા એ પુષ્પસેનની પુત્રી, મંજરી એ લીલવતીની દાસી, લેખા એ વીણાવતીની દાસી, જાલકા એ કિસલવાડીની માલણ, અમૃતાદેવી એ રત્નદીપદેવની રાણી આટલા સ્ત્રી પાત્રો પણ આ નાટકમાં સરસ ઉપસ્યા છે. ઉપરાંત સિપાઈઓ, નોકરો, દ્વારપાલ, કોટવાળ, બાવો, પુરવાસીઓ, પુરસ્ત્રીઓ, પ્રતિહાર, રાજભટ, રબારી, દૂત, પુરોહિત, દાસીઓ વગેરે ગૌણ પાત્રો છે.

 

સંવાદો/વર્ણન:-

સંવાદો ક્યાંક લાંબા અને કથાલક્ષી છે તો ક્યાંક ટૂંકા અને ચોટદાર.

"તેં માત્ર પુસ્તકો જ વાંચ્યા છે, જગત જોયું નથી."

"જગત જો ઊંચી ભાવનાઓથી શૂન્ય હોય તો તે જોવા સરખું પણ નથી."

"અજાણતા થયેલા વધમાં ક્ષત્રિયનું પરાક્રમ દેખાતું નથી."

"જેને રાજ્ય કરવું હોય તેને અસત્ય વિના ચાલે જ નહીં."

"પરસ્પર અવિશ્વાસ હોય છે ત્યાં પ્રેમ હોતો નથી." વગેરે..

વર્ણન સાંપ્રત સમયે નીરસ લાગે પણ સ્થળ અને કાળના સંદર્ભે તે એકદમ બરાબર લાગે.

 

લેખનશૈલી:-

૧૯૧૩-૧૪ માં લખાયું હોવાથી લેખનશૈલીમાં સરળતા ઓછી લાગે છે. શુદ્ધ ગુજરાતી ભાષાપ્રયોગો છે. અહીં સંવાદોની વચ્ચે છંદોબદ્ધ પંક્તિઓનો પ્રયોગ થયો છે. હરિગીત, શાર્દૂલવિક્રીડિત, અનુષ્ટુપ વગેરે છંદમાં રચાયેલી પંક્તિઓ ગૂઢાર્થ ઉપસાવી જાય છે. જેમકે,

"પીળાં પર્ણો ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં

ભાંગ્યા હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીલા

પામે વૃદ્ધિ ક્ષય પછી શશી પ્રાણીનું એ ન ભાવિ

ના'વે એને ભરતી કદી જ્યાં એકદા ઓટ આવી."

"શાપ એ છે અનાચાર શાપ દેવો ન કોઈને

આઘાત થાય છે એથી પ્રભુના પ્રેમતંત્રને."

 

વિશેષ મૂલ્યાંકન:-

ગુજરાતી ભવાઈ, પાશ્ચાત્ય નાટક અને સંસ્કૃત નાટકનાં તત્વો જાળવીને રચાયેલા ‘રાઈનો પર્વત’ નાટકમાં મણિલાલ દ્વિવેદીના ‘કાન્તા’ નાટકની અસર દેખાઈ આવે છે. શુદ્ધ સાધ્યને પ્રાપ્ત કરવા માટે સાધનની અશુદ્ધિનો સ્વીકાર કરી નિમંત્રેલા સંઘર્ષનું અને એ સંઘર્ષમાંથી છેવટે સુ્પ્રાપ્ય બનતી સર્વાંગશુદ્ધિનું આ નાટક છે. પુ્ત્ર જગદીપના સાચા હકની રાજગાદી તેને મળે એ માટે અમૃતાદેવી સાધનની અશૃદ્ધિ સ્વીકારે છે અને માતાના પ્રેમાગ્રહને વશ થયેલો જગદીપ એમાં સંકળાય પણ છે. માતા પુત્રનાં અનુક્રમે જાલકા અને રાઈ એમ બનાવટી નામ ધારણ કરી જાલકા જે પ્રપંચો આચરે છે એના પરિણામ સ્વરૂપે રાજગાદી મળી હોવા છતાં રાઈ એને ભોગવી શકતો નથી. બંને પાત્રોનો સ્વભાવભેદ, વિચારભેદ અને એમાંથી પ્રગટતો આચારભેદ નાટ્યાત્મક સંઘર્ષનું નિમિત્ત બને છે. છેલ્લા બે અંકોમાં વિધવાવિવાહ દ્વારા સમાજ સુધારણાનો આદર્શ નજર સમક્ષ રખાયો હોવાનું જણાય છે; છતાં લેખકની સાહિત્યિક સજ્જતાના અનેકવિધ સંકેતો ઉડીને આંખે વળગે છે. પ્રાર્થનાસમાજવાદી રમણભાઈએ છેલ્લા બે અંકોમાં રાઈનું વિધવા વીણાવતી સાથે લગ્ન ગોઠવી પોતાની સમાજ સુધારક તરીકેની મુદ્રા ઉપસાવી છે. તેને કારણે આ નાટક વસ્તુસંકલનની દૃષ્ટિએ શિથિલ બનતું હોવાનું લવકુમાર દેસાઈએ નોંધ્યું છે.

જૂની રંગભૂમિની નામાંકિત નાટ્યસંસ્થા ગુજરાતી નાટક મંડળી, મુંબઈ તરફથી ૧૯૨૬માં આ નાટક ભજવાયું હતું. આ નાટકની પ્રભાવક નાટ્યક્ષમતાથી પ્રેરાઈને ચિનુ મોદીએ નાટકના પાત્ર જાલકાને કેન્દ્રમાં રાખી જાલકા નામનું નાટક ૧૯૮૫માં લખ્યું હતું, તેમજ નાટ્યકાર હસમુખ બારાડીએ આ જ નાટક પરથી રાઈનો દર્પણરાય નામનું નાટક ૧૯૮૯માં પ્રગટ કર્યું હતું.

 

મુખવાસ:-

પ્રેમ અને પ્રપંચ વચ્ચે ચાલતી રાજનીતિ એટલે 'રાઈનો પર્વત'.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED