ફાસ્ટ 10 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફાસ્ટ 10

ફાસ્ટ 10

- રાકેશ ઠક્કર

હોલિવૂડની ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 10ને ફ્રેન્ચાઇઝી હોવાને કારણે ભારતમાં સારો આવકાર મળ્યો છે. બોલિવૂડવાળા સીકવલમાં હિટ ફિલ્મની ફોર્મૂલા શોધી રહ્યા છે ત્યારે હોલિવૂડ સતત એ ફોર્મૂલા પર કામ કરી રહ્યું છે. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસસિરીઝ એના એક્શન દ્રશ્યોને કારણે વધુ લોકપ્રિય રહી છે.

અસલમાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસસીઝનની આ છેલ્લી ફિલ્મ બની રહેવાની હતી. પરંતુ તેના હીરો વિન ડિઝલે વધુ બે ભાગ બનાવવાનો આગ્રહ રાખ્યો છે. આ ફ્રેન્ચાઇઝીમાં સૌથી વધુ ફિલ્મો નિર્દેશિત કરનાર જસ્ટિન લિનના નિર્દેશનમાં વિન દખલગીરી કરતો હોવાથી એ હવે માત્ર નિર્માતા અને લેખક તરીકે જોડાયેલા રહ્યા છે. આ વખતે લુઈ લેટેરિયેનું નિર્દેશન છે. જેમની ટ્રાન્સપોર્ટર્સસિરીઝની બે ફિલ્મો આવી ચૂકી છે.

લુઈએ વાર્તા કરતાં એક્શન પર જ વધારે ભરોસો રાખ્યો છે. આમ તો ફિલ્મમાં દર વખતે પરિવારની વાત કરવામાં આવે છે. ફિલ્મના પરિવારનું વૃક્ષ બનાવવામાં આવે તો ખ્યાલ આવશે કે એમાં કોઈ મરી જતું નથી. જે મરે છે એ નવી ફિલ્મમાં પાછું જ ફરે છે.

ફાસ્ટ 10માં ડોમ પોતાની પત્ની લેટી અને પુત્ર બ્રાયન સાથે નવી જિંદગી શરૂ કરી રહ્યો છે. ત્યારે જૂની જિંદગી સાથે સંકળાયેલો એક માણસ પાછો આવે છે. એને ઓળખવા 2011 ની પાંચમી ફિલ્મ યાદ કરવી પડશે. એમાં વિલન હર્નન હતો. એને ડોમે મારી નાખ્યો હતો અને બધી સંપત્તિ સળગાવી દીધી હતી. હવે જે આવ્યો છે એ તેનો પુત્ર દાંતે છે. જેનો એક જ હેતુ છે ડોમ અને એના પરિવારની બરબાદી. એ માટે દાંતે ખતરનાક યોજના બનાવે છે.

જીતવાનો તો ડોમ જ છે. કેમકે દરેક ફ્રેન્ચાઇઝીમાં વિલનનો અંત આવી જાય છે. ફિલ્મના એક્શન દ્રશ્યો જ મનોરંજન પૂરું પાડે છે. એમાં પઠાનથી વધારે મોટા એક્શન દ્રશ્યો છે. જોન અબ્રાહમે બે હેલિકોપ્ટર ખેંચ્યા હતા. ફાસ્ટ 10માં હેલિકોપ્ટરને પાડીને એના ગોળા બનાવી અનેક કારો સળગાવવામાં આવી છે.

લૉજિક શોધવા જવાથી મજા મરી જાય એમ છે. કારમાં ટાઈમ બોમ્બ રાખવામાં આવ્યો હોય છે. એમાં આગ લાગી જાય છે છતાં ફાટતો નથી. જે બોમ્બથી આખું શહેર ઉડાવવાના હતા એનાથી એક પણ માણસ ઘાયલ થતો નથી!

હોલિવૂડની ફિલ્મોને ફાયદો એ થાય છે કે એમાં ખામી કાઢવામાં આવે તો પણ એ વાત એના સર્જકો સુધી પહોંચતી નથી. ફાસ્ટ 10માંથી 100 ખામી કાઢી શકાય એમ છે. કેટલાક પાત્રો તો શા માટે આવીને જતાં રહે છે એનો અંદાજ જ આવતો નથી. ધડમાથા વગરની વાર્તા છે અને સ્ક્રીનપ્લે ઘણી જગ્યાએ નબળો પડે છે.

વિન ડિઝલનું કામ સામાન્ય છે. વિનને જોઈ સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાન ની ભૂમિકા યાદ આવી જાય છે. એમાં હોલિવૂડના અનેક સ્ટાર્સ શા માટે મહેમાન કલાકાર બન્યા હશે એ સમજવું મુશ્કેલ છે. અસલમાં અત્યાર સુધીની બધી ફિલ્મોના પાત્રોને ભેગા કરવામાં આવ્યા છે. સૌથી વધુ શ્રેષ્ઠ કામ જો કોઈ કરી ગયું હોય તો એ વિલન બનતો દાંતેજેસન મોમોઆ છે. એના મનમાં બદલાની ભાવના હોય છે. તેની વિચિત્ર સ્ટાઈલ એવી છે કે માણસને ચાકુથી મારે છે અને લોહીવાળા ચાકુને જીભથી ચાટીને સાફ કરે છે. એટલું જ નહીં મરેલા લોકો સાથે ગપ્પાં મારે છે.

સવા બે કલાકની આ ફિલ્મ એક્શનના ચાહકોને જરૂર પસંદ આવે એવી છે. ખાસ કરીને થ્રીડીમાં કારોનો કચ્ચરઘાણ થતો જોવાની મજા આવે એમ છે. પણ એ સાથે લોકો પૂછી રહ્યા છે કે 22 વર્ષથી ચાલતી આ ફ્રેન્ચાઇઝી ક્યારે ખતમ થશે? એમના માટે સમાચાર એ છે કે 11 મી ફિલ્મ 2025 માં આવવાની છે.