પ્રારંભ - 51 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 51

પ્રારંભ પ્રકરણ 51

લલ્લન પાંડે ગોરેગાંવનો પ્લૉટ ૩૦ કરોડ લઈને ખાલી કરવા માટે તૈયાર થઈ ગયો હતો. જે પૈકી કેતને આજે એને ૧૦ કરોડ રોકડા આપી દીધા હતા અને સામે ચેક લઈ લીધો હતો. કામ પતી ગયા પછી જયદેવ અને કેતન પાંડેની વિદાય લઈને નીચે ઉતરી ગયા હતા.

પાંડેની સોસાયટીમાંથી બહાર નીકળ્યા પછી જયદેવે કેતનને આગ્રહ કર્યો.

" અત્યારે તું હવે ફ્રી છે તો ચાલ મારી સાથે શૂટિંગ જોવા માટે. તને પ્રિયંકાની મુલાકાત પણ કરાવી દઉં. એ અત્યારે શૂટિંગના ફ્લોર ઉપર જ હશે. " જયદેવ બોલ્યો.

"ના જયદેવ. મને પહેલેથી જ ફિલ્મો કે ટીવી સિરિયલમાં કોઈ રસ નથી. એ બાબતમાં થોડોક ઔરંગઝેબ છું. તું ટીવી સિરિયલમાં કામ કરે છે અને લોકોમાં આટલો જાણીતો છે એ તો તને મળ્યા પછી જ મને ખબર પડી." કેતન બોલ્યો.

એ પછી જયદેવે બહુ આગ્રહ કર્યો નહીં અને કેતન પાર્લા જવા નીકળી ગયો. ઘરે પહોંચ્યો ત્યારે રાતના ૯ વાગવા આવ્યા હતા.

"પતી ગયું તારું કામ ?" સિદ્ધાર્થે પૂછ્યું.

" હા ભાઈ ૧૦ કરોડ આપી દીધા અને સામે ચેક પણ લઈ લીધો. સ્ટેમ્પ પેપર ઉપર એણે સહી પણ કરી દીધી. એક અશક્ય કામ આજે પાર પડી ગયું. " કેતન હસીને બોલ્યો.

"ચાલો સરસ. હવે હાથ મ્હોં ધોઈ લે એટલે આપણે જમવા બેસી જઈએ. હું તારી જ રાહ જોતો હતો." સિદ્ધાર્થ બોલ્યો.

"અરે તમે પણ જમ્યા નથી હજુ ? મારું તો કંઈ ઠેકાણું જ ના હોય " કેતન બોલ્યો.

"તારી રાહ તો જોવી જ પડે ને ભાઈ. ક્યારેક એકાદ કલાક મોડું થાય તો શું ફરક પડે ? " સિદ્ધાર્થ બોલ્યો અને કેતન હાથ મ્હોં ધોઈને સિદ્ધાર્થ સાથે જમવા બેસી ગયો.

જમી કરીને કેતન દસ વાગ્યે સૂવાની તૈયારી કરતો હતો ત્યાં અસલમ શેખનો એના ઉપર ફોન આવ્યો.

"અરે કેતન કાલે સવારે ૯ વાગ્યાની ફ્લાઈટમાં હું મુંબઈ જઈ રહ્યો છું. તું ફ્રી હોય તો વહેલી સવારે રાજકોટ આવી જા. આપણે સાથે જ મુંબઈ જઈએ. બે દિવસ રોકાઈને પાછા આવી જઈશું. " અસલમ બોલ્યો.

કેતનને યાદ આવ્યું કે પોતે જામનગર છોડી કાયમ માટે મુંબઈ શિફ્ટ થઈ ગયો છે એ વાત અસલમને કરી જ નથી. મુંબઈ આવતાં પહેલાં એકાદ વાર રાજકોટ જઈને અસલમને મળ્યો હોત તો પણ સારું હતું. પોતાનાથી આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ ગઈ !

"અસલમ હું અત્યારે મુંબઈમાં જ છું. આપણે ચોક્કસ મળીશું. તું ક્યાં ઉતરવાનો છે ? " કેતને પૂછ્યું. એણે બીજી કોઈ ચર્ચા અત્યારે કરી નહીં.

"હું તો દર વખતે નરીમાન પોઈન્ટ ઉપર આવેલી હોટલ ઓબેરોયમાં જ ઉતરું છું. ફાઈવ સ્ટાર હોટેલ છે અને મારી ફેવરેટ છે. તું સાડા બાર વાગ્યા સુધીમાં આવી જા. સાથે જમીશું. " અસલમ બોલ્યો.

" ઓબેરોય મારી પણ ફેવરેટ છે. હું પણ ઘણીવાર ત્યાં ઉતરેલો છું. કાલે ચોક્કસ મળીએ છીએ. " કેતન બોલ્યો અને ફોન કટ કર્યો.

બીજા દિવસે સવારે કેતને રેવતીભાભી ને કહી દીધું કે પોતે બહાર જમવાનો છે.

પાર્લાથી ગાડી લઈને છેક નરીમાન પોઈન્ટ સુધી જવું બહુ લાંબુ પડે. નરીમાન પોઇન્ટ જવા માટે લોકલ ટ્રેન જ બરાબર રહેશે. કારણ કે ચર્ચગેટ ઉતર્યા પછી ટેક્ષીમાં પાંચ મિનિટમાં ઓબેરાય પહોંચી જવાય.

કેતન ઘરેથી ૧૧:૩૦ વાગે નીકળી ગયો. લોકલ ટ્રેનની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને ચર્ચગેટ પહોંચી ગયો અને ત્યાંથી ટેક્ષી કરીને હોટેલ ઓબેરોય પણ પહોંચી ગયો.

હોટલના રિસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્કવાયરી કરીને એ લિફ્ટમાં ઉપર અસલમ શેખના રૂમમાં પહોંચી ગયો.

બંને મિત્રો ઘણા સમય પછી ભેગા થઈ રહ્યા હતા એટલે એકબીજાને ભેટી પડ્યા. કેતન ત્યાં મૂકેલા સોફા ઉપર બેઠો.

" તું મુંબઈ ક્યારે આવ્યો ?" અસલમે કેતનને પૂછ્યું. અસલમ ઘણીવાર કેતન સાથે ગુજરાતીમાં જ વાત કરતો હતો.

"અસલમ મેં તો જામનગર કાયમ માટે છોડી દીધું છે અને હવે મુંબઈમાં જ સ્થાયી થવાનું નક્કી કર્યું છે. સૉરી જામનગર છોડતાં પહેલાં તારી સાથે વાત કરવાની જ રહી ગઈ. " કેતન બોલ્યો.

"શું વાત કરે છે !! આટલા મોટા સમાચાર તેં મને આપ્યા નહીં ? આપણે ગયા વખતે મળ્યા ત્યારે પણ તેં આ બાબતની કોઈ જ વાત કરી નહોતી." અસલમ બોલ્યો.

" મુંબઈ શિફ્ટ થવાનો નિર્ણય મેં અચાનક જ લઈ લીધો. થોડા દિવસો પહેલાં હું મુંબઈ આવ્યો હતો અને મને અહીં ગોરેગાંવમાં કન્સ્ટ્રક્શનનું બહુ મોટું કામ મળી ગયું. કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ છે.એટલે મેં નક્કી કર્યું કે મારું ભાગ્ય મુંબઈમાં મને વધારે સાથ આપે છે. બસ.. અચાનક નિર્ણય લીધો." કેતન બોલ્યો.

"એક રીતે તો જે થયું છે તે સારા માટે જ થયું છે. કારણ કે જામનગર તારા માટે બહુ નાનું સેન્ટર છે. તારે હવે અહીં મકાન પણ લેવું પડશે ને ? " અસલમે પૂછ્યું.

"એક સરસ ફ્લેટ પણ લઈ લીધો. પાર્લામાં જ એક નવી સ્કીમ બની રહી છે તો ત્યાં જ સાત કરોડનો એક ફ્લેટ બુક કરાવી દીધો. બે-ત્રણ મહિના પછી પઝેશન મળશે. " કેતન બોલ્યો.

" કયા બાત હૈ ! અહીં આવીને બહુ ઝડપથી પ્રગતિ કરવા માંડી તેં તો ! જો કે તારી પ્રગતિથી હું તો ખુશ જ છું. " અસલમ બોલ્યો.

"તારો બિઝનેસ કેમનો ચાલે છે ? " કેતને પૂછ્યું.

"તેં મને એટલી મોટી મદદ કરી છે કે ધંધો જમાવવામાં મને કોઈ જ તકલીફ પડી નથી. મારું એક મોટું નામ પણ મારા ધંધામાં ઊભું થઈ ગયું છે. મામુ પણ ખુશ છે. " અસલમ બોલ્યો.

"હમ્ ... હવે મુંબઈ કેમ આવવાનું થયું છે આજે ?" કેતને પૂછ્યું.

" પાકિસ્તાનથી લીકરનો એક મોટો ડીલર ગઈ કાલે મુંબઈ આવ્યો છે. એની સાથે આજે સાંજે મારી મીટીંગ છે. મારે તો ઇંગ્લિશ દારૂનો જ ધંધો એટલે ઇન્ટરનેશનલ સપ્લાયરો સાથે મીટીંગો કરવી જ પડે." અસલમ બોલ્યો.

" હમ્...મને એક વાતની સમજ નથી પડતી કે આ પાકિસ્તાની સાથે લીકરનું ડીલ કરવાનો મતલબ શું ? કારણ કે ગુજરાતમાં તો દારૂબંધી છે એટલે એની પાસેથી અહીંથી ખરીદેલો માલ તું રાજકોટ કેવી રીતે લઈ જઈ શકે ? ઓખા પોર્ટની વાત જુદી છે. જે પણ માલ બોટ દ્વારા ત્યાં આવે છે એને રાજકોટ લઈ જવામાં એટલો બધો વાંધો ના આવે. બહુ બહુ તો વચ્ચે જામનગરને સાચવવું પડે ! " કેતન બોલ્યો.

"કેતન આ ઇન્ડિયા છે. તને અમારા ધંધાની કંઈ ખબર જ નથી. રોજે રોજ માલ રાજસ્થાન અને મુંબઈથી આવતો જ હોય છે. છેકથી છેક સુધી લાઈન ચલાવવી પડે છે. બધે પૈસા ખવાય છે અને છેક ઉપર સુધી પહોંચે છે. " અસલમ સમજાવી રહ્યો હતો.

" આ ડીલરનો એક ટ્રક ભરાય એટલો માલ અહીં મુંબઈમાં જોગેશ્વરીના એક ગોડાઉનમાં પડેલો છે. મારે એનો સાદો કરવાનો છે. માલને રાજકોટ લઈ જવામાં કોઈ તકલીફ પડવાની નથી. કેળાંની ભરેલી ટ્રક અહીંથી રવાના થશે જેમાં કેળાંની વચ્ચે ઇંગ્લિશ દારૂની બોટલો ભરેલાં બોક્ષ હશે. કાયદેસર કેળાનાં ચલણો ડ્રાઇવર પાસે હશે. ટ્રક પણ આપણી પોતાની જ છે. આરામથી માલ નીકળી જશે અને કદાચ પકડાય તો પણ છેક રાજકોટ સુધી સેટિંગો છે. આ કંઈ મારા માટે નવું નથી. વર્ષોથી આ ચાલ્યા કરે છે." અસલમ બોલ્યો.

"વાહ !! મને તો પહેલી વાર આ બધી ખબર પડી. " કેતન હસીને બોલ્યો.

"હવે ચાલો આપણે સૌથી પહેલાં જમી લઈએ. અહીંથી નજીકમાં જ સમ્રાટ રેસ્ટોરન્ટ છે." અસલમ બોલ્યો.

"હા સમ્રાટ ખુબ જ જાણીતી છે. ત્યાંનું ફૂડ બહુ સારું આવે છે. હું ઘણીવાર ત્યાં જમેલો છું. " કેતન બોલ્યો.

એ પછી બંને મિત્રો જમવા માટે નીકળી ગયા અને ચાલતા જ સમ્રાટ પહોંચી ગયા. વાતાવરણમાં ઠંડક હતી અને દરિયાની હવા પણ સરસ ચાલી રહી હતી એટલે ચાલતા જવામાં કોઈ જ પ્રોબ્લેમ ન હતો.

સમ્રાટમાં જમતાં જમતાં કેતનને પોતાની માયાવી અવસ્થા યાદ આવી ગઈ. આ જ સમ્રાટ રેસ્ટોરન્ટમાં એને શિકાગોમાં રહેતા રમણભાઈ દેખાયા હતા અને પછી વોશરૂમમાં જઈને એ અદ્રશ્ય થઈ ગયા હતા. પાછળથી ખબર પડેલી કે એ ચેતન સ્વામી પોતે જ હતા ! અત્યારે પણ એણે ચારે બાજુ નજર કરી પરંતુ કોઈપણ પરિચિત ચહેરો એને ના દેખાયો. એણે જમવામાં ધ્યાન પરોવ્યું.

"તારી પાર્ટી સાથે મીટીંગ કેટલા વાગે છે ?" જમ્યા પછી બહાર નીકળીને કેતને પૂછ્યું.

" મીટીંગ તો સાંજે પાંચ વાગે છે. " અસલમ બોલ્યો.

" તો પછી હું અત્યારે તારી સાથે હોટલ ઉપર જ આવું છું. કારણ કે જમ્યા પછી એકાદ કલાક આરામ કરવાની મને ટેવ છે. અને અત્યારે ખરા બપોરે ઘરે જવાનો પણ કોઈ મતલબ નથી. " કેતને કહ્યું.

" અરે ભાઈ એમાં પૂછવાનું થોડું હોય ? મિટિંગમાં તારે હાજર રહેવું હોય તો પણ મને કોઈ વાંધો નથી." અસલમ બોલ્યો.

" ના ભાઈ ના. હું ચાર વાગે ચા પીને નીકળી જઈશ." કેતન બોલ્યો.

અને બંને મિત્રો ચાલતા ચાલતા હોટલ ઓબેરોય પહોંચી ગયા.

" બપોરના બે વાગ્યા છે. બે કલાક જરા આરામ કરી લઉં." કેતન બેડ ઉપર આડો પડીને બોલ્યો.

" હું પણ હવે આરામ જ કરીશ. " અસલમ બોલ્યો.

ચાર વાગ્યે કેતનની આંખ ખુલી ગઈ. અસલમનાં નસકોરાં બોલતાં હતાં.

કેતન ઉભો થયો અને રૂમમાં જઈને હાથ મ્હોં ધોઈ ફ્રેશ થઈ ગયો.

" અસલમ ચાર વાગી ગયા છે. તું ચા મંગાવી લે એટલે હું પછી નીકળું. પાંચ વાગે તારા મહેમાન આવી જશે. " કેતન મોટેથી બોલ્યો.

કેતનના અવાજથી અસલમ જાગી ગયો અને ઊભો થઈ ગયો. ઇન્ટરકોમ દ્વારા એણે બે કપ ચાનો ઓર્ડર આપ્યો.

થોડીવારમાં વેઈટર ટ્રે લઈને આવ્યો અને ટેબલ ઉપર મૂકીને જતો રહ્યો. એના ગયા પછી કેતને બે કપમાં ચા તૈયાર કરી. ફાઈવ સ્ટાર હોટલમાં તૈયાર ચા નથી મળતી. એના બદલે દૂધ, ગરમ પાણી, ટી બેગ, અને સુગર અલગ અલગ આપવામાં આવે છે. જે આપણે જ મિક્સ કરવાનાં હોય છે.

"આવી ચા પીવા ખાતર પીવી પડે. બાકી આવી ટી બેગની ચા મને બહુ ઓછી ગમે છે. " કેતન બોલ્યો.

" તારી વાત સાચી છે. ફાઇવ સ્ટાર હોટલો વેસ્ટર્ન કલ્ચરને અનુસરે છે. " અસલમ બોલ્યો.

એ પછી કેતન ત્યાંથી નીકળી ગયો અને બહારથી ટેક્સી કરીને દલાલ સ્ટ્રીટ ભાઈની ઓફિસે પહોંચી ગયો.

" અરે કેતન અત્યારે અહીં ક્યાંથી ? " સિદ્ધાર્થે પૂછ્યું.

" હોટેલ ઓબેરોય આવ્યો હતો. મારી સાથે કોલેજમાં પેલો અસલમ શેખ ભણતો હતો ને ? એ હવે રાજકોટ સેટ થયો છે. યાદ હોય તો એના માટે મેં તમારી પાસેથી જામનગર એક કરોડ રોકડા મંગાવ્યા હતા ! એ આજે મુંબઈ આવ્યો છે. એનો ફોન હતો એટલે હોટલ ઓબેરોયમાં એને મળવા ગયો હતો. એની સાથે સમ્રાટમાં જમ્યો અને બપોરે આરામ કરીને પછી અહીં આવ્યો. અત્યારે વહેલો ઘરે જઈને કોઈ મતલબ નહીં એટલે પછી અહીં ઓફિસે આવ્યો." કેતન બોલ્યો.

" અસલમને તો હું સારી રીતે ઓળખું છું. એ આપણા ઘરે પણ આવી ગયેલો છે. " સિદ્ધાર્થ બોલ્યો.

"હા ભાઈ. મજાનો માણસ છે. દોસ્તી નિભાવી જાણે એ ટાઇપનો ખાનદાની મુસ્લિમ છે. " કેતન બોલ્યો.

"હવે બોલ ચા પીવાની કે નાસ્તો કરવાની ઈચ્છા છે ? તો હું મંગાવું. અહીં વડાપાઉં સારા મળે છે. " સિદ્ધાર્થ બોલ્યો.

" ચા પીવાની ત્યાં મજા નથી આવી એટલે ચા તો પીવી જ છે. વડાપાઉં પણ મંગાવો. મુંબઈની સ્પેશિયાલિટી છે. " કેતન બોલ્યો.

સિદ્ધાર્થે ઓફિસ પ્યુનને નીચે મોકલી બે સારી ચા અને એક વડાપાઉં લઈ આવવાનું કહ્યું.

૧૦ ૧૫ મિનિટમાં વડાપાઉં અને ચા લઈને પ્યુન આવી ગયો.

કેતને વડાપાઉં ખાઈ લીધું અને પછી ચા પીધી.

" હવે આપણે સુરત જવા માટે ક્યારે નીકળવું છે ?" કેતને પૂછ્યું.

" આપણે પરમ દિવસે ધનતેરસે બપોરે ગાડી લઈને નીકળી જઈએ. સાંજ પહેલાં આપણે પહોંચી જઈશું. " સિદ્ધાર્થ બોલ્યો.

"હા ભાઈ હું એ જ કહું છું. દિવાળીની મજા તો વતનમાં જ આવે." કેતન બોલ્યો.

એ પછી છ વાગે બંને ભાઈઓ ઓફિસમાં વસ્તી કરી નીકળી ગયા.

લોકલ ટ્રેનમાં બેઠા પછી કેતને રુચિને ફોન કર્યો.

"રુચિ હું કેતન બોલું. ગઈકાલે સાંજે લલ્લન પાંડેને ૧૦ કરોડ રોકડા આપી દીધા છે. બાકીના ૨૦ કરોડ દિવાળી પછી આપી દઈશું. હું હવે બે દિવસ પછી સુરત જાઉં છું. દિવાળી ફેમિલી સાથે કરવી છે. ત્યાંથી આવ્યા પછી આપણે મળીશું. " કેતન બોલ્યો.

" વાઉ ! તમે બે દિવસમાં આટલી બધી કેશની વ્યવસ્થા કેવી રીતે કરી શક્યા ? " રુચિએ આશ્ચર્યથી પૂછ્યું.

" મન હોય તો માળવે જવાય. આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી. તમારી સંકલ્પ શક્તિ બળવાન હોવી જોઈએ. " કેતન બોલ્યો.

" અરે સાહેબ...તમારી ફિલોસોફીને બાજુમાં મુકો અને મારા સવાલનો જવાબ આપો. " રુચિ હસીને બોલી.

"સુરતથી. સુરત ડાયમંડનું મોટું હબ છે. ૧૦૦ કરોડ પણ રોકડા મળી જાય. પપ્પાને ફોન કર્યો. પપ્પાએ ૩૦ કરોડ ગોઠવી આપ્યા. સિમ્પલ !! " કેતન બોલ્યો.

" ચાલો બહુ સરસ. તમે તો મોટું કામ કરી દીધું. દિવાળીની મારા તરફથી એડવાન્સ શુભેચ્છાઓ કેતનજી. " રુચિ બોલી.

" તમને અને તમારા પરિવારને પણ હેપ્પી દિવાળી. " કેતન બોલ્યો અને ફોન કટ કર્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)