પ્રારંભ - 50 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રારંભ - 50

પ્રારંભ પ્રકરણ 50

લલ્લન પાંડે સાથે ફાઇનલ મીટીંગ કર્યા પછી કેતન અને રુચિ વિલે પાર્લેની શિવસાગર રેસ્ટોરન્ટમાં ભેગાં થયાં હતાં. લલ્લન પાંડે ગોરેગાંવનો દબાણ કરેલો પ્લૉટ ૩૦ કરોડ રૂપિયા લઈને પાછો આપી દેવા તૈયાર થયો હતો. કેતને એ ૩૦ કરોડ ચૂકવવા માટે રુચિ પાસેથી ૧૦ ૧૦ કરોડના ત્રણ ચેક લઈ લીધા હતા.

શિવસાગર રેસ્ટોરન્ટમાંથી ૬ વાગે છૂટો પડીને કેતન પોતે જ્યાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા એ ચિત્તરંજન રોડ ઉપર આવેલી અથર્વલક્ષ્મીની સાઈટ ઉપર ગયો. બહારથી તો સ્કીમ લગભગ તૈયાર થઈ ગયેલી દેખાતી હતી.

કેતન નીચે ગ્રાઉન્ડ ફ્લોરની ઓફિસમાં જઈને બિલ્ડર સુરેશભાઈ ગોટેચાને મળ્યો. ગોટેચાએ જ આ સ્કીમ મૂકી હતી.

"સુરેશભાઈ હું કેતન સાવલીયા. મેં અને મારા ભાઈએ ૩ મહિના પહેલાં ૩૦૧ અને ૩૦૪ નંબરના બે ફ્લેટ બુક કરાવ્યા છે એ તો તમે જાણો જ છો. પૈસા પણ તમને એડવાન્સમાં આપી દીધા છે. મારે આ બંને ફ્લેટનું પઝેશન અર્જન્ટ જોઈએ છે. મારે આ ફ્લેટ ઇન્ટિરિયર ડિઝાઇનરને સોંપવાના છે." કેતન બોલ્યો.

"કેતનભાઈ... આમ તો આખી સ્કીમ તૈયાર થઈ જ ગઈ છે. અત્યારે દરેક ફ્લેટમાં પ્લંબિંગનું અને કલરનું કામ ચાલે છે. નાનું મોટું પરચુરણ કામ ગણીએ તો એકાદ મહિનામાં તમને પઝેશન મળી જશે. છતાં તમે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરને બતાવી શકો છો. ઇન્ટિરિયર કામ તો એ ચાલુ કરી શકશે." સુરેશભાઈ બોલ્યા.

" ચાલો ઠીક છે." કેતન બોલ્યો અને ઉભો થયો.

એ પછી કેતને નજીકમાં આવેલા પાર્લેશ્વર મહાદેવના મંદિરમાં જઈને દર્શન કર્યાં. ત્યાંથી એ ઘરે પહોંચ્યો ત્યારે સાંજના સાત વાગ્યા હતા.

સાંજે સિદ્ધાર્થ ઘરે આવ્યો ત્યારે કેતને એની સાથે પાંડે સાથે થયેલી બધી વાત વિગતવાર કરી.

" તને આટલી મોટી સફળતા મળી એના માટે કોન્ગ્રેચ્યુલેશન્સ ! બહુ મોટું કામ તેં કરી બતાવ્યું. આટલા મોટા પ્લૉટ ઉપર તો ત્રણેક ટાવર આરામથી બની જાય." સિદ્ધાર્થ બોલ્યો.

" હા ભાઈ ત્રણ ટાવર બનાવવાની જ અમારી ઈચ્છા છે. ૩૦૦૦ ચોરસ ફૂટ ના લેટેસ્ટ ડિઝાઇનના ૧૨૦ ફ્લેટ બનાવવાની મારી ઈચ્છા છે. આ એક જ સ્કીમ કરોડો રૂપિયા કમાવી આપશે." કેતન બોલ્યો.

"તને કે રુચિને બિલ્ડર તરીકેનો તો કોઈ અનુભવ છે જ નહીં. તો પછી આટલી મોટી સ્કીમ કઈ રીતે મૂકશો કેતન ?" સિદ્ધાર્થ બોલ્યો.

"અરે ભાઈ આ મુંબઈ છે. પૈસાથી અહીં બધું જ શક્ય છે. સારામાં સારા બિલ્ડરને હાયર કરી શકાય. કોઈપણ બિલ્ડર ગમે એટલો મોટો હોય પરંતુ કામ તો એના કોન્ટ્રાક્ટરો જ કરતા હોય છે. આપણો આર્કિટેક્ટ ડિઝાઇન બનાવી આપે એ પ્રમાણે બિલ્ડર આખી સ્કીમ બનાવી આપે. અને તમામ પરમિશન લાવી આપવાનું કામ લલ્લન પાંડેને જ આપવાનું મેં નક્કી કર્યું છે. " કેતન બોલ્યો.

"વ્હોટ ! લલ્લન પાંડે ને !!" સિદ્ધાર્થ આશ્ચર્યથી બોલ્યો.

" ભાઈ મારું મગજ બહુ જ તેજ ચાલી રહ્યું છે. હું એને બે વાર મળ્યો છું. એ લાલચુ છે. પરમિશનો લાવી આપવા માટે પૈસા ખર્ચવામાં મને કોઈ જ વાંધો નથી અને એ પહોંચેલો રાજકારણી છે. એ જે કામ કરી શકે એ હું ધક્કા ખાઈને પણ ના કરી શકું. પાંડેને જ આપણે મોટો ભા બનાવવાનો. થોડી ખુશામત કરવાની. એ પોતે પણ કોન્ટ્રાક્ટર તો છે જ. બોલો હવે કંઈ કહેવું છે ? " કેતન હસીને બોલ્યો.

"યુ આર જીનીયસ ! તારું મગજ ગજબ ચાલે છે કેતન. જબરદસ્ત વિચારે છે તું ! " સિદ્ધાર્થ હસીને બોલ્યો.

" હવે તમારે મારું એક કામ કરી આપવાનું છે. તમારે મારા ૩ ચેક વટાવીને ૩૦ કરોડ રૂપિયા રોકડા લાવી આપવાના છે. આ કામ માત્ર સુરતમાં જ થઈ શકે. ૧૦ ૧૦ કરોડ કરીને ત્રણ ટૂકડે ૩૦ કરોડ ભેગા કરવાના છે. એમાં ૧૦ કરોડ તો અઠવાડિયામાં જ મારે જોઈએ છે." કેતન બોલ્યો.

" આ કામ પપ્પા સારી રીતે કરી શકશે કારણ કે સુરતમાં એમની શાખ મોટી છે. તું એક કામ કર. સુરત જઈને પપ્પાને આ ત્રણ ચેક આપી આવ. એ પછી પપ્પા હવાલાથી રોકડા મને મોકલી આપશે. હું સુરતમાં હોત તો ચોક્કસ કરી શકતો હતો પણ અહીં બેઠા બેઠા આટલી મોટી રકમ શક્ય નથી. " સિદ્ધાર્થ બોલ્યો.

" ઠીક છે તો પછી કાલે સવારે ૭ વાગ્યાની શતાબ્દિમાં જ હું નીકળી જાઉં છું. મારા માટે આ કામ અત્યારે અગત્યનું છે. " કેતન બોલ્યો.

એ પછી એણે તત્કાલ કોટામાં આવતી કાલની શતાબ્દિની સુરતની ટિકિટ લઈ લીધી.

કન્ફર્મ ટિકિટ આવી ગયા પછી એણે પપ્પાને ફોન કરી દીધો.

" પપ્પા હું આવતીકાલે સવારે નીકળીને ૯:૩૦ વાગ્યે સુરત આવું છું. તમારું જ એક કામ છે. હું તમને રૂબરૂમાં વાત કરીશ. " કેતન બોલ્યો.

"ઓકે વેલકમ. તારું જ ઘર છે." જગદીશભાઈ બોલ્યા.

પપ્પા સાથે વાત કર્યા પછી કેતને મનસુખ માલવિયાને ફોન કર્યો.

" મનસુખભાઈ કેતન બોલું. તમારે જો મુંબઈ ધક્કો ના ખાવો હોય તો કાલથી બે દિવસ હું સુરતમાં છું. તમે કાલે સવારે ગાડી લઈને નીકળો. સુરતમાં કતારગામ વિસ્તારમાં હું રહું છું. હું તમને એડ્રેસ મેસેજ કરું છું. એ બહાને સુરતમાં તમારા દીકરાને પણ તમે મળી શકશો." કેતન બોલ્યો.

" ભલે. હું કાલે સવારે જ નીકળી જાઉં છું. છેક મુંબઈ સુધી આવવા કરતાં સુરત સુધી આવવું મને પણ વધુ અનુકૂળ રહેશે. " મનસુખભાઈ બોલ્યા.

કેતને મનસુખ માલવિયાના વોટ્સએપ ઉપર પોતાના બંગલાનું એડ્રેસ મેસેજ કરી દીધું.

બીજા દિવસે વહેલી સવારે નીકળીને કેતન બોરીવલી સ્ટેશને પહોંચી ગયો. શતાબ્દિ એક્સપ્રેસ સવારે સાત વાગે બોરીવલી આવી ગયો અને કેતન સાડા નવ વાગે સુરત પહોંચી પણ ગયો.

" ભાઈ તમે થોડા દિવસ અહીં જ રોકાઈ જાઓ ને ! મને તમારા લોકો વિના બહુ સૂનું સૂનું લાગે છે. અઠવાડિયા પછી દિવાળી પણ આવે છે." શિવાની બોલી.

" ચોક્કસ રોકાઈશ પરંતુ હમણાં નહીં. એક મહત્વના કામે હું આવ્યો છું એટલે એ પતાવીને હું આવી જઈશ. દિવાળીના દિવસે તારી સાથે હોઈશ એની ગેરંટી. " કેતન હસીને બોલ્યો.

એ પછી કેતને પપ્પાને ગોરેગાંવ દિંડોશીના પ્લૉટની વિગતવાર વાત કરી.

" પપ્પા ૧૦ ૧૦ કરોડના ત્રણ ચેક હું તમને આપું છું. તારીખ અને નામ બાકી રાખ્યાં છે. એને તમે કેશ કરાવી આપો. આ કામ તમે જ કરી શકો એટલા માટે હું ખાસ સુરત આવ્યો છું. કોઈ મોટી પાર્ટીને ચેક આપશો એટલે એના બ્લેકના વ્હાઇટ થઈ જશે અને આપણું કામ પણ થઈ જશે. " કેતન બોલ્યો.

"ઠીક છે આ કામ માટે મારે હવે લાલજીભાઈ ને રૂબરૂ જ મળવું પડશે. મહેશભાઈ અત્યારે વિદેશ ગયેલા છે." જગદીશભાઈ બોલ્યા.

"આ ૧૦ કરોડ સિદ્ધાર્થભાઈને એક બે દિવસમાં હવાલાથી મોકલી આપવાના છે. બીજા ૧૦ કરોડ અઠવાડિયા પછી અને ત્રીજા ૧૦ કરોડ પંદર વીસ દિવસ પછી." કેતન બોલ્યો.

"એની કોઈ ચિંતા નથી. તું જ્યારે કહે ત્યારે તને મળી જશે. આજે પણ ૩૦ કરોડ એક સાથે મળી શકે એમ છે. પણ વધારે જોખમ પાસે રાખવું સારું નહીં એટલે ૧૦ નો ટુકડો બરાબર છે." જગદીશભાઈ બોલ્યા અને ૧૧ વાગે એ ત્રણ ચેક લઈને પોતાની ગાડીમાં નીકળી ગયા.

લગભગ બે કલાક પછી જગદીશભાઈ ઘરે આવ્યા.

"તારું કામ થઈ જશે. કાલે સવારે ૧૦નો હવાલો દલાલ સ્ટ્રીટના એડ્રેસ ઉપર પહોંચી જશે. બાકીના ૨૦ કરોડ લાભપાંચમ પછી તું જ્યારે કહીશ ત્યારે તને મળી જશે. એ તો ૩૦ એક સાથે જ આપતા હતા પણ મેં ના પાડી. " જગદીશભાઈ બોલ્યા.

" તો પછી હું કાલે સવારે જ મુંબઈ જવા નીકળી જઈશ. મનસુખભાઈ ગાડી લઈને જામનગરથી નીકળી ગયા હશે. કાલ સવાર સુધીમાં ગાડી પણ આવી જશે. " કેતન બોલ્યો.

"મુંબઈ જવાની શું ઉતાવળ છે ભાઈ ? એકાદ દિવસ રોકાઈ જા ને !!" જયાબેન બોલ્યાં.

" મમ્મી હું દિવાળી ઉપર આવવાનો જ છું ને ! અત્યારે એક કામ હાથમાં લીધું છે એ પતી જાય પછી હું ફ્રી છું." કેતન બોલ્યો.

"અત્યારે એને જવા દે. રોકડા રૂપિયા લાંબો સમય ઓફિસમાં રાખવા સારા નહીં. " જગદીશભાઈ બોલ્યા.

બીજા દિવસે વહેલી સવારે ત્રણ વાગે મનસુખ માલવિયા સુરત પહોંચી ગયો. ગાડી એણે પોતાના ઘરે લીધી જ્યાં એ પહેલાં રહેતો હતો. અત્યારે એનો દીકરો ત્યાં રહેતો હતો. એણે નોનસ્ટોપ ગાડી ચલાવી હતી એટલે થોડો આરામ કરવો જરૂરી હતો.

" શેઠ ગાડી આવી ગઈ છે. હવે પાંચ દસ મિનિટમાં હું નીકળું છું અને તમારા એડ્રેસ ઉપર આવી જાઉં છું. " સવારે ૮ વાગે ન્હાઈ ધોઈને મનસુખે કેતનને ફોન કર્યો.

" હા.. હા.. આવી જાઓ. હું ગાડીની જ રાહ જોઉં છું. મારે પણ મુંબઈ જવા નીકળવું છે. " કેતન બોલ્યો.

વીસેક મિનિટમાં મનસુખ માલવિયા કેતનના બંગલે સિયાઝ ગાડી લઈને આવી ગયો. કેતને મહારાજને એના માટે ચા બનાવવાનું કહ્યું.

"ચાલો શેઠ હું રજા લઉં. થોડા દિવસો પછી મુંબઈ આવી જઈશ." કહીને મનસુખ માલવિયાએ કેતનની વિદાય લીધી અને બહારથી રીક્ષા કરીને પોતાના ઘરે જવા નીકળી ગયો.

કેતન મુંબઈ જવા તૈયાર જ બેઠો હતો. એણે ચા નાસ્તો પણ કરી લીધો હતો એટલે મનસુખ માલવિયા ગયો કે તરત જ મમ્મી પપ્પાની વિદાય લઈને એ લગભગ ૯ વાગે ગાડીમાં બેઠો અને જાતે ડ્રાઈવ કરી મુંબઈ જવા માટે નીકળી ગયો.

રસ્તામાં હાઇવે ઉપર એક રેસ્ટોરન્ટમાં કેતને લંચ લઈ લીધું અને બપોરે લગભગ બે વાગે પાર્લા પહોંચી ગયો.

બે કલાક જેટલો આરામ કરીને ૪ વાગે એ લોકલ ટ્રેનમાં બેસી દલાલ સ્ટ્રીટમાં ભાઈની ઓફિસે પહોંચી ગયો.

"બહુ ઝડપથી આવી ગયો તું તો ! મને એમ કે એક બે દિવસ ત્યાં રોકાઈશ" સિદ્ધાર્થ બોલ્યો.

"ના ભાઈ. પપ્પાએ મારું કામ કરી આપ્યું એટલે હું પછી ત્યાંથી નીકળી ગયો. મનસુખભાઈ મારી ગાડી પણ સુરત સુધી મૂકી ગયા એટલે હું આજે મારી કારમાં જ આવ્યો. લાલજીભાઈ પાસેથી ચેકની સામે રોકડા મળી જશે. એ તો બધા એક સાથે આપવા તૈયાર હતા. પરંતુ આટલું મોટું જોખમ પાસે રાખવું બરાબર નહીં એટલે પછી મેં ૧૦ ની જ વાત કરી છે. આવતી કાલે ૧૦ ખોખાંનો હવાલો તમારી ઓફિસે પહોંચી જશે." કેતન બોલ્યો.

" મેં એટલે જ તને કહેલું કે તું સુરત પહોંચી જા. પપ્પા આ કામ તરત કરી શકશે." સિદ્ધાર્થ બોલ્યો.

"હા ભાઈ. અને મમ્મી પપ્પા કહેતા હતા કે દિવાળી તમે લોકો સુરતમાં જ ઉજવો તો તમે પણ સુરતનો પ્રોગ્રામ બનાવો. અહીં તો આપણને કોઈ ઓળખતું પણ નથી એટલે અહીં દિવાળીમાં મજા ના આવે. દિવાળી તો ગુજરાતની જ." કેતન બોલ્યો.

"હા... તો ધનતેરસના દિવસે આપણે સુરત જતા રહીશું. અને આમ પણ દિવાળી તો પરિવાર સાથે જ ઉજવવાની મજા આવે." સિદ્ધાર્થ બોલ્યો.

એ પછી આડી અવળી વાતો કરીને સાંજે છ વાગે ઓફિસ વધાવીને બંને ભાઈઓ ઘરે જવા માટે નીકળી ગયા.

બીજા દિવસે આંગડીયા પેઢીમાં ૧૦ કરોડનો હવાલો કાલબાદેવીથી સિદ્ધાર્થની ઓફિસમાં આવી ગયો. રકમ બે બોક્ષમાં પૅક કરેલી હતી. સિદ્ધાર્થે તરત જ કેતનને જાણ કરી દીધી.

કેતને સવારે ૧૧ વાગે પાર્લાની કોર્ટમાં જઈ ત્યાં બેઠેલા એક નોટરી વકીલ પાસે સ્ટેમ્પ પેપર ઉપર ૧૦ કરોડનું એગ્રીમેન્ટ ટાઈપ કરાવી દીધું.

"અરે જયદેવ... સાંજે છ વાગે હું કેશ લઈને લલ્લન પાંડેના ઘરે આવું છું. તું પણ ત્યાં ગેટ ઉપર આવી જજે. સ્ટેમ્પ પેપર ઉપર એક એગ્રીમેન્ટ તૈયાર કર્યું છે જેના ઉપર પાંડેની સહી જોઈશે. સાક્ષી તરીકે તારી પણ સહી જોઈશે. આ એક ફોર્માલિટી છે એટલે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પ્લૉટ આપણને પાછો મળી જાય એટલે આ સ્ટેમ્પ પેપર ફાડી નાખવાના છે. " કોર્ટમાંથી બહાર નીકળીને કેતને જયદેવને ફોન કર્યો.

"તારા માટે જાન પણ હાજર છે. તું ચિંતા ના કરતો હું આવી જઈશ. આમ તો રાત્રે આઠ વાગે મારું શૂટિંગ છે પણ થોડો મોડો જઈશ તો ચાલશે." જયદેવ બોલ્યો.

એ પછી કેતને લલ્લન પાંડેને ફોન લગાવ્યો.

"અરે પાંડેજી.. મૈ કેતન સાવલિયા. મૈ આજ શામ ૬ બજે આપકે ઘર કેશ લેકર આ રહા હું. મૈં આપકે ફ્લેટમેં નીચે આકર ફોન કરુંગા તબ આપકે આદમીકો જરા નીચે ભેજ દેના બોક્ષ ઉઠાને કે લિયે." કેતને પાંડેને ફોન કર્યો.

" જી જી... મૈં ઈન્તેજાર કરુંગા." પાંડે બોલ્યો.

સાંજે લગભગ ચાર વાગે કેતન અને સિદ્ધાર્થે ભેગા થઈને બે બોક્ષ નીચે ઉતાર્યાં અને કેતનની ગાડીમાં ગોઠવી દીધાં.

એ પછી કેતને ગાડી હાઇવે તરફ લઈ લીધી અને દાદર માટુંગા ધારાવી બાંદ્રા થઈને વેસ્ટર્ન હાઇવે પકડી લીધો અને ગોરેગાંવ પહોંચી ગયો.

જયદેવ ઠાકર કેતનની રાહ જોતો ગેટ ઉપર જ ઊભો હતો. કેતનની ગાડી આવી એટલે એણે પોતાની બાઈક પાંડેની સોસાયટીની અંદર લીધી. કેતને પાર્કિંગ સ્લોટમાં ગાડી પાર્ક કરી અને પાંડેજીને ફોન કર્યો.

"પાંડેજી મૈં નીચે આ ગયા હું. અપને આદમી કો પાર્કિંગ સ્લોટમેં ભેજો." કેતન બોલ્યો.

"જી બસ દો મિનિટમેં ભેજતા હું." પાંડે બોલ્યો.

થોડીવારમાં જ પાંડેનો માણસ છોટુ નીચે આવી ગયો. કેતને એને ડીકી ખોલીને બે બોક્ષ બતાવી દીધાં. છોટુએ બંને વજનદાર બોક્ષ નીચે ઉતાર્યાં એટલે કેતને ડીકી બંધ કરી અને લિફ્ટ બાજુ ગયો. જયદેવ પણ લિફ્ટ પાસે આવી ગયો. બંને બોક્ષ છોટુ લિફ્ટ સુધી લઈ આવે ત્યાં સુધી કેતન અને જયદેવ નીચે જ ઊભા રહ્યા. બોક્ષ લિફ્ટમાં મૂકીને છોટુ પણ લિફ્ટમાં આવી ગયો અને ત્રણેય જણા ઉપર લલ્લન પાંડેના ફ્લેટ સુધી પહોંચી ગયા.

અત્યારે ફ્લેટ ખુલ્લો જ હતો એટલે કેતન અને જયદેવે અંદર પ્રવેશ કર્યો. પાછળ ને પાછળ છોટુ પણ બોક્ષ લઈને અંદર આવ્યો.

"આઈયે આઈયે. બસ આપ હી કા ઈન્તેજાર થા. બૈઠો. " પાંડે બોલ્યો.

કેતન અને જયદેવ પાંડેની સામેના સોફા ઉપર બેઠા.

" યે આપકી અમાનત લે લીજીએ. પૂરે ૧૦ કરોડ હૈં. અગર પૈસે કાઉન્ટ કરને હૈં તો આરામ સે ગીન લીજીએ. એક રૂપિયા ભી કમ નહીં હૈ. " કેતન બોલ્યો.

"અરે કેતનજી યે ભી કોઈ બાત હુઈ ? આપકે ઉપર પૂરા ભરોસા હૈ. ગીનનેકી કોઈ જરૂરત નહીં હૈ. બસ મૈ એક નજર દેખ લેતા હું." કહીને લલ્લને છોટુને બંને બોક્ષ ખોલવાનું કહ્યું.

છોટુએ અંદરથી કાતર લાવીને બંને બોક્ષની પેકિંગ પટ્ટી કાપી નાખી. બોક્ષની અંદર નોટોનાં બંડલો વ્યવસ્થિત રીતે ગોઠવેલાં હતાં. પાંડેએ બોક્ષ ફરી બંધ કરી દીધાં.

"પાંડેજી અબ યે એગ્રીમેન્ટ સાઇન કર દીજિયે." કેતન બોલ્યો અને એણે બ્રીફકેસમાંથી સ્ટેમ્પ પેપર કાઢીને પાંડેના હાથમાં આપ્યો.

પાંડેએ એ વાંચીને એના ઉપર સહી કરી દીધી. એ પછી જયદેવે પણ સાક્ષી તરીકે સહી કરી દીધી. છેલ્લે કેતને પોતાની સહી કરી.

"૧૦ કરોડ કેશ આપકો દે દિયે હૈ. અબ આપ ૧૦ કરોડકા ચેક લીખ દો. બાકી ૧૦ દીવાલી કે બાદ આપકો મિલ જાયેંગે." કેતન બોલ્યો.

લલ્લન પાંડે અંદર જઈને ચેકબુક લઈ આવ્યો અને ૧૦ કરોડનો એક ચેક લખીને કેતનને આપ્યો.

સ્ટેમ્પ પેપર અને ચેક કેતને સાચવીને પોતાની બ્રીફકેસમાં મૂક્યાં.

બધું એના પ્લાન પ્રમાણે જ થઈ રહ્યું હતું એનો કેતનને આનંદ હતો !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)