સાસ બહૂ ઔર ફ્લેમિંગો Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાસ બહૂ ઔર ફ્લેમિંગો

સાસ બહૂ ઔર ફ્લેમિંગો
- રાકેશ ઠક્કર
અત્યાર સુધી નાના પડદે સાસુ- વહુની અનેક વાર્તાઓ આવી ચૂકી છે પણ ડિમ્પલ કાપડિયાની OTT પરની વેબસિરીઝ ‘સાસ બહૂ ઔર ફ્લેમિંગો’ નું ટ્રેલર આવ્યા પછી ખ્યાલ આવી ગયો હતો કે એ અલગ પ્રકારની હશે. એ વાત એનું ટાઇટલ કહેતું જ હતું. એમાં ફ્લેમિંગોનો અર્થ ડ્રગ્સ થાય છે.
આ એક અલગ પ્રકારની ક્રાઇમ થ્રીલર નીકળી છે. એમાં એક્શન, રોમાંચ અને રોમાન્સ સાથે ભરપૂર ડ્રામા છે. એની વાર્તા પાકિસ્તાનની સીમા પરના એક રણપ્રદેશની છે. જ્યાં ‘રાની બા’ તરીકે ઓળખાતી ડિમ્પલે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હોય છે. ખાસ વાત એ હોય છે કે ‘રાની બા’ ના ડ્રગ્સના ધંધામાં કોઈ પુરુષ નહીં પણ એની વહુઓ જોડાયેલી હોય છે. અત્યાર સુધી ક્રાઇમ વેબસિરીઝોમાં જે પ્રકારના ગુના કરતા પુરુષો દેખાતા હતા એ કામ ‘સાસ બહુ ઔર ફ્લેમિંગો’ માં એક સાસુ પોતાની વહુઓ સાથે મળીને કરે છે. એમાં ચીલાચાલુ સાસુ- વહુની લડાઈ કે સાજીસ નથી. એમ કહી શકાય કે નાના પડદા પર સાસુ- વહુની ઇમેજ બદલવાનો પ્રયત્ન થયો છે. એને સાસુ- વહુની સિરિયલોની જેમ બનાવવામાં આવી નથી.
નિર્દેશકે સાસુ- વહુના માધ્યમથી મનોરંજન પૂરું પાડ્યું છે. એમણે એક્શન દ્રશ્યો પણ આપ્યા છે. સમીક્ષકોનું માનવું છે કે નિર્દેશક હોમી અડાજનિયાએ મહિલાઓની આ વેબસિરીઝમાં ભલે વાર્તાની માંગ હતી એટલે ગાળો, અશ્લીલ દ્રશ્યો આપ્યા પણ એ બધાનો અતિરેક કરી દીધો છે. અત્યારની વેબસિરીઝોની એ ફોર્મૂલાથી તે બચી શક્યા નથી. વાર્તા દમદાર હોવાથી એકથી આઠ સુધીના એપિસોડ દર્શકોને જકડી રાખે છે.
સાવિત્રી (ડીમ્પલ કાપડિયા) નામની એક સ્ત્રી ભારતની સીમા પાસે ‘રાની બા’ તરીકે હસ્તશિલ્પ વગેરે વસ્તુઓની આડમાં ડ્રગ્સનો ધંધો ચલાવે છે. એમાં એની બે વહુ અને એક દીકરી સામેલ છે. આ વાતની એના છોકરાઓને જાણ નથી. એનો દત્તક લીધેલો છોકરો જરૂર જાણે છે. એક નેતાના છોકરાના ડ્રગ્સ લેવાના પ્રકરણમાં સાવિત્રીના ડ્રગ્સના સામ્રાજ્યની પોલીસને ખબર પડે છે. સાવિત્રીની ડ્રગ્સ ફ્લેમિંગો એટલી જાણીતી થાય છે કે એના દુશ્મનો ઊભા થાય છે. જે એને ખતમ કરવા માગતા હોય છે. એમાં એક ‘મોંક’ છે.
સાવિત્રીની એક તરફ પોલીસ અને બીજી તરફ મોંક જેવા દુશ્મન છે. જે પોતાનો દબદબો બનાવવા કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય છે. મોંક કઈ ચાલ ચાલે છે? શું સાવિત્રીના દુશ્મનો એના ધંધા પર કબ્જો કરી લેશે? એ પોલીસથી બચી શકશે? એના ધંધાની ખબર પડ્યા પછી પરિવારજનો સાથ આપશે? જેવા અનેક પ્રશ્નોનાં ઉત્તર માટે આ વેબસીરીઝ જોવી પડશે. કેમકે ખૂબ મોટા સ્તર પર બનાવવામાં આવી છે.
આમ તો ઘણા બધા કલાકારો છે. એમાં સાસુ અને વહુના મુખ્ય પાત્રો દમદાર છે. ડિમ્પલ પોતાની ભૂમિકાને ન્યાય આપી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી નાની- મોટી ભૂમિકાઓમાં દેખાતી ડિમ્પલ આ ઉંમરે જબરદસ્ત ભૂમિકામાં કમાલ કરી ગઈ છે. તેણે પહેલી વખત એક ખતરનાક અને શક્તિશાળી મહિલાનો અવતાર ધર્યો છે. દર્શકોએ માન્યું છે કે એને હજુ વધુ કામ મળવું જોઈએ.
ડિમ્પલની વહુઓ તરીકે ઈશા તલવાર અને અંગીરા ધીરે અત્યાર સુધી એક્તા કપૂરે સ્થાપિત કરેલી વહુની ઈમેજને બદલી નાખી છે. દીકરી તરીકે રાધિકા મદાન અલગ રૂપમાં જમાવટ કરે છે. આ બધી જ અભિનેત્રીઓ પહેલી વખત જુદા અવતારમાં દેખાઈ છે. દરેક પાત્રનો લુક વિશેષ છે અને પ્રભાવિત કરે છે.
મહિલાઓની મુખ્ય ભૂમિકાવાળી આ વેબસિરીઝમાં દીપક ડોબરિયાલ ‘મોંક’ તરીકે ફિલ્મ ‘ભોલા’ પછી પોતાના અભિનયથી પ્રભાવિત કરે છે. તેનો લુક ડરામણો છે પણ કામ ખુશી આપે એવું છે. તેના લુક પર ખાસ મહેનત કરવામાં આવી છે. દીપકની ડિમ્પલ સાથેની ટક્કરના દ્રશ્યો જબરદસ્ત છે.
નિર્દેશકે મોટા પાયા પર બનાવેલી વેબસિરીઝમાં કલાકારોના કોસ્ચ્યુમ, જ્વેલરી, ટેટૂ, સંવાદ અદાયગી વગેરે પર સારું ધ્યાન આપ્યું છે. સચિન- જીગરનું સંગીત સામાન્ય છે.
‘અંગ્રેજી મીડિયમ’ અને ‘કૉકટેલ’ જેવી ફિલ્મો આપનાર હોમીએ આ વેબસિરીઝમાં એવું ઘણું આપ્યું છે જે આગાઉ જોયું ન હોવાથી એકવાર જોવા જેવી છે.